Sunday, August 11, 2024

1936ની બર્લિન ઓલિમ્પિક્સ અને બે ગુજરાતીઓ

હિટલરની ઓલિમ્પિકતરીકે વિવાદાસ્પદ બનેલી બર્લિન ઓલિમ્પિકમાં ખેલાડી તરીકે નહીં, પણ વ્યાયામ સંગઠનના સભ્ય તરીકે બે ગુજરાતીઓએ હાજરી આપી હતી. તેમનાં નામ હતાઃ ચિનુભાઈ શાહ અને હરિસિંહ ઠાકોર. તેમાંથી ચિનુભાઈ શાહને વર્ષ 2000માં રાજપીપળાના તેમના ઘરે મળવાનું થયું હતું.

અમારી વાતચીત દરમિયાન ચિનુભાઈએ કહ્યું હતું, ઓલિમ્પિક્સ પહેલાં જ બર્લિનમાં ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોંગ્રેસ યોજાઈ હતી. ભારતમાંથી 24 સભ્યોની ટુકડી તેમાં ભાગ લેવા માટે ગઈ હતી. તેમાં ગુજરાતમાંથી હરિસિંહ ઠાકોર અને હું—અમે બે જણ હતા. જમનાલાલ બજાજના પુત્ર કમલનયન બજાજ પણ અમારી સાથે હતા. ચિનુભાઈ જેની વાત કરતા હતા, તે સંભવતઃ કોંગ્રેસ ઓફ ફિઝિકલ એજ્યુકેશન હશે, જેનું અધિવેશન બર્લિનમાં 24 જુલાઇથી 31 જુલાઇ દરમિયાન યોજાયું હતું અને 1 ઓગસ્ટથી ઓલિમ્પિક્સની શરૂઆત થવાની હતી.

ચિનુભાઈ શાહ, રાજપીપળાના તેમના ઘરે, વર્ષ 2000 (ફોટોઃ બીરેન કોઠારી)

1936ની કેટલીક વિગતો 64 વર્ષ પછી પણ ચિનુભાઈને બરાબર યાદ હતી. તેમણે કહ્યું હતું, 9 જુલાઇ, 1936ના રોજ અમે કોન્ટેવર્લે નામની ઇટાલિયન સ્ટીમરમાં મુંબઈથી રવાના થયા. વાયા સુએઝ કેનાલ, પોર્ટ સઇદ-એબસિનિયા થઈને 22 જુલાઇએ વહેલી સવારે અમે વેનિસ ઉતર્યા. ત્યાંથી રાત્રે ટ્રેનમાં બેઠા એટલ બીજા દિવસે સાંજે પાંચ વાગ્યે બર્લિન. ત્યાં અમને લેવા માટે (પાછળના ભાગમાં) બાંકડા ગોઠવેલી ટ્રક આવી હતી. તેમાં બેસીને અમે પાંચેક માઇલ દૂર આવેલા ઓલિમ્પિક્સ વિલેજ પર પહોંચ્યા હતા.

ચિનુભાઈનાં બર્લિન-સ્મરણો

ઓલિમ્પિક્સની સ્પર્ધાઓ શરૂ થાય તે પહેલાં યજમાન અને કેટલાક મહેમાન દેશો તેમની વિવિધ રમતોનું પ્રદર્શન કરે, એવી જોગવાઈ 1924થી ઓલિમ્પિકના નિયમોમાં સત્તાવાર રીતે દાખલ કરવામાં આવી હતી. (https://library.olympics.com/doc/SYRACUSE/619826) તે પ્રમાણે બર્લિનના એક હોલમાં રમતો વિશે ચર્ચા થતી હતી અને મેદાનમાં રમતો દેખાડવા માટે દરેક ટીમને 45 મિનીટ મળતી હતી. ભારતીય રમતોનું પ્રદર્શન કરવા માટે અમરાવતી (મહારાષ્ટ્ર)ની હનુમાન વ્યાયામ પ્રસાર મંડળીના 24 ચુનંદા સભ્યો બર્લિન જવા રવાના થયા, તેવા સમાચાર 10 જુલાઇ, 1936ના ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રગટ થયા હતા. તે ટુકડીના આગેવાન ડો. કે.એસ. કાણે હતા.

ભારતીય ટુકડીએ બર્લિનમાં કેવી છાપ પાડી હતી, તેનો અંદાજ આપતાં ચિનુભાઈએ કહ્યું હતું,આપણી ટીમે કબડ્ડી, ખો ખો, આટાપાટા, લાઠી, લેજીમ, મલખમ જેવી રમતો બતાવી. તેનાથી લોકો એટલા ખુશ થયા હતા કે તેમને ત્રણ વાર 45-45 મિનિટનો સમય આપવામાં આવ્યો. ભારતીય ટીમનો સમય પૂરો થયો ત્યારે ત્યાં હાજર રહેલા વ્યાયામ અને શારીરિક શિક્ષણના એક વિદ્વાનોમાંથી પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું હતું,શ્વાસ એટલે પ્રાણ. શ્વાસ પર આધારિત રમતો અમે શોધી શક્યા નહીં. એ તમારી પાસેથી જોવા મળી. બીજાએ કહ્યું હતું, તમે જ્યારે લેજીમ કરતા હતા ત્યારે અમને એક્સ્ટસીનો (પરમ આનંદનો) અનુભવ થયો હતો.

ચિનુભાઈનું ઓલિમ્પિક્સ-ઓળખપત્ર

ચિનુભાઈએ કહેલો એક કિસ્સો એવો છે, જેનો ક્યાંય લેખિત કે બીજો આધાર મળતો નથી, પરંતુ તેમણે તે બીજી વાતોના પ્રવાહમાં સહજતાથી વર્ણવ્યો હતોઃ (કોંગ્રેસ ઓફ ફિઝિકલ એજ્યુકેશનમાં ભાગ લેનારા) તમામ 31 દેશોના પ્રતિનિધિઓને પોતપોતાના દેશનું લોકગીત રજૂ કરવાનું કહેવામાં આવ્યું. અમને કોઈને ગીત આવડે નહીં, પણ અમારી સાથે મુંબઈની ન્યૂ એરા હાઇસ્કૂલના નગીનભાઈ મહેતા હતા. તેમને ટાગોરનું ગીત એકલા ચલો આવડતું હતું. તેમણે અમને એ ગીતની પ્રેક્ટિસ કરાવી. નસીબજોગે 31માંથી પસંદ થયેલાં પાંચ ગીતોમાં અમારું ગીત પસંદ થયું અને અમે ઓલિમ્પિકના આરંભ-ઉત્સવ નિમિત્તે બર્લિન રેડિયો પર તે ગીત ગાયું.

સ્ટેડિયમમાં બેસીને ઓલિમ્પિકની રમતો જોનાર ચિનુભાઈએ હિટલરને દૂરથી જોયો હતો. તેમણે કહ્યું હતું, હિટલરનો સ્ટેડિયમમાં જવા આવવાનો રસ્તો જુદો. એ આવે એટલે ચિક્કાર ભરેલું સ્ટેડિયમ ઊભું થઈને નાઝી સલામી આપે. ઓલિમ્પિકના કુસ્તી વિભાગમાં વડોદરા સેન્ટ્રલ જેલના જેલર થોરાટે ભાગ લીધો હોવાનું જણાવીને ચિનુભાઈએ એક કિસ્સો યાદ કર્યો હતોઃ પહેલા જ રાઉન્ડમાં તેને જર્મન કુસ્તીબાજ સામે રમવાનું આવ્યું અને એ હારી ગયો. મેચ પૂરી થયા પછી તે અમને કહે, આ જર્મનો પાતળા દેખાય છે, પણ તાકાત એવી હોય છે કે એક વાર ખભા પર હાથ મૂકી દે, એટલે માથું ઊંચું ન થાય.

થોરાટનો બીજો સંદર્ભ તો નથી મળ્યો, પણ બર્લિન ઓલિમ્પિક્સના જ વર્ષે, ભારતીય ટીમની પસંદગી માટે યોજાયેલી સ્પર્ધાઓમાં પહેલી વાર વડોદરા રાજ્યની ટીમ ભાગ લેશે, એવા સમાચાર 7 ફેબ્રુઆરી 1936ના ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયા હતા. તેમાં બેન્ટમવેઇટ (મધ્યમ વજન)ની કેટેગરીમાં ભાગ લેનાર કુસ્તીબાજનું નામ એસ.આર. થોરાટ જણાવાયું હતું. ચિનુભાઈએ જેમની વાત કરી હતી, તે આ થોરાટ હોઈ શકે.

બર્લિનના અનુભવોઃ હરિસિંહ ઠાકોરની નજરે

બર્લિન ગયેલા ગુજરાતના બીજા પ્રતિનિધિ હરિસિંહ ઠાકોરે પાછા આવીને સુરતના આર્યસમાજ હોલમાં તેમના અનુભવો વિશે પ્રવચન આપ્યું હતું. તેની વિગતવાર નોંધ કુમાર માસિકના અંક 154 (આસો, સંવત 1992)ના માધુકરી વિભાગમાં પ્રગટ થઈ હતી.

હરિસિંહે લખ્યું હતું, અમે 25મી જુલાઇએ અમારો કાર્યક્રમ બતાવ્યો. તેમાં લેજીમ, ભાલા, મગદળ વગેરે સંઘવ્યાયામનો સમાવેશ હતો. ત્યાંના લોકોને લેજીમ ખૂબ ગમી ગઈ... એ પ્રયોગ પૂરો થતાં કેટલાયે લોકો લેજીમ જોવા આવ્યા. મલખમ ણ એ લોકોના જોવામાં જ નહીં આવેલું. એના પ્રયોગોથી તે લોકોને ઘણી અજાયબી થઈ ને તેમણે જાતજાતના ફોટા લીધા...ત્યાંના લોકોને હુતુતુતુની રમત ખૂબ જ પસંદ પડી. જરા પણ આવડે નહીં એવા લોકો અમારી સાથે રમવા આવતા...

અહેવાલમાં નોંધાયા પ્રમાણે,આ પ્રયોગો થતા ત્યારે ફિલ્મો લેવાતી હતી. અમારા કામ માટે અમને દુનિયાની પ્રજાઓમાં બીજો નંબર મળ્યો એથી અમને આનંદ થયો. પહેલી વખતે જઈ આવું સ્થાન મેળવવા માટે અમને કંઈક ગર્વ પણ થયો. પહેલો નંબર ઓસ્ટ્રિયનો લઈ ગયા...

1936ની બર્લિન ઓલિમ્પિક્સ હોકીમાં ભારતને મળેલા સુવર્ણચંદ્રક અને ટીમના કેપ્ટન-હોકીના જાદુગર ગણાતા ધ્યાનચંદની રમત માટે પણ યાદ કરવામાં આવે છે. પણ હોકી ટીમના જીતના સિલસિલા પહેલાંનો એક કિસ્સો હરિસિંહે યાદ કર્યો હતો. તેમણે કહ્યું હતું, હિંદી ટીમ જતાં જ ત્યાં હોકીની મેચ રમાઈ. તેમાં થાક ને ગ્રાઉન્ડને કારણે હિંદીઓ છ ગોલે હાર્યા હતા. તેથી અમને ભારે નિરાશા થઈ હતી. પણ તે પછી તો હિંદથી વિમાનમાં બે ખેલાડીઓ આવ્યા, તેમને આરામ પણ મળ્યો અને રમવાના સ્થળની પણ સુગમતા થઈ. એટલે તો પછી કોઈનો ગજ ન વાગ્યો.

ઓલિમ્પિક્સની મશાલ-પરંપરાઃ બર્લિન પછી વડોદરા

ધ્યાનચંદને સ્ટેડિયમમાં રમતા જોનાર ચિનુભાઈએ પણ અમારી વાતચીત દરમિયાન (તેમણે જોયેલો કે સાંભળેલો) એક કિસ્સો વર્ણવ્યો હતો. એક પ્રેક્ટિસ મેચમાં ભારતને પેનલ્ટી કોર્નર મળતાં ધ્યાનચંદે સ્ટ્રોક માર્યો, પણ બોલ ગોલ પોસ્ટથી થોડા સેન્ટીમીટર દૂર પડ્યો. તરત ધ્યાનચંદે કહ્યું કે ગોલ પોસ્ટનું માપ ખોટું હોવું જોઈએ. પછી માપ લેવાયું તો ધ્યાનચંદની વાત સાચી નીકળી.બર્લિન ઓલિમ્પિક્સમાં ભારતની ટીમે કરેલા 38 ગોલમાંથી 11 ગોલ ફક્ત ધ્યાનચંદના હતા.

બર્લિનની ઓલિમ્પિક પહેલાં ઓલિમ્પિક સમારંભનો આરંભ મશાલ જલાવીને કરવામાં આવતો હતો, પણ 1936ની બર્લિન ઓલિમ્પક્સમાં પ્રચારબહાદુર નાઝી ભેજાબાજોએ નવો ખેલ પાડ્યોઃ તેમણે પ્રાચીન ઓલિમ્પિક્સના આરંભસ્થાન, ગ્રીસના ઓલિમ્પિયાથી રીલે દ્વારા (વારાફરતી એક-એક જણ) મશાલની સફર આગળ વધારે અને છેવટે બર્લિનના સ્ટેડિયમ સુધી તે મશાલ પહોંચે, એવું આયોજન વિચાર્યું. ત્યાર પછી તો એ ધારો સ્થાપિત થઈ ગયો અને તેની અસર ભારત સુધી પહોંચી.

બર્લિનમાં 'મશાલ-સરઘસ' (ફોટોઃ ગેટી ઇમેજીસ)

ભારતમાં ઘણા પ્રાંતો ને રજવાડામાં ઓલિમ્પિક્સ નામે રમતોત્સવ યોજાતા હતા. વડોદરામાં પણ તે બહુ જૂના વખતથી યોજાતો હતો. વડોદરાના મહારાજા પણ બર્લિનની ઓલિમ્પિક્સ જોવા માટે લંડનથી બર્લિન ઉપડ્યાના સમાચાર 1 ઓગસ્ટ, 1936ના ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આવ્યા હતા. ચિનુભાઈના કહેવા પ્રમાણે, બર્લિન ઓલિમ્પિક્સ પછી વડોદરામાં પણ મશાલની પ્રથાનું અનુકરણ થવા લાગ્યું. ગાયકવાડી રાજના જે શહેરમાં ઓલિમ્પિક્સ યોજાય, ત્યાં વડોદરાથી ઓલિમ્પિક્સની મશાલ પણ, અસલ ઓલિમ્પિક્સની સ્ટાઇલમાં પહોંચાડવામાં આવતી હતી.

બર્લિનથી પાછા આવ્યા પછીનાં વર્ષોમાં હરિસિંહ ઠાકોરની વિગત જાણવા મળી નથી, જ્યારે ચિનુભાઈએ તેમનું આખું જીવન શારીરિક શિક્ષણના ક્ષેત્રમાં વીતાવ્યું. તે રાજપીપળાના છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય સાથે સંકળાયેલા રહ્યા-વ્યાયામ વિજ્ઞાનકોષના દસ ગ્રંથ તૈયાર કરવામાં તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો અને ગુજરાતી વિશ્વકોશમાં પણ વ્યાયામ-ખેલકૂદના વિષયનાં ઘણાં અધિકરણ (ચોક્કસ વિષયની માહિતી આપતી નોંધો) લખ્યાં.

2 comments:

  1. Hiren Joshi10:35:00 PM

    Timley article on the Olympic game of the past. Domination of India in Field Hockey appears as a past glory or a forgotten dream. Current generation will not even recognize many of old Indian games noted in the interview. India’s performance in the recent games is not worth mentioning. Cricket is always there for 1.4B people for an intoxication.

    ReplyDelete
  2. Anonymous11:20:00 AM

    હુતુતુતુ💫 લેજીમ🪙

    ReplyDelete