Tuesday, August 20, 2024

ખાડા અને ગાય

જૂની કહેણી તો દીકરી ને ગાય, દોરે ત્યાં જાય—એવી છે, પણ નવા જમાનામાં અને ખાસ કરીને ચોમાસમાં કહેવું પડે કે ખાડા ને ગાય, ગમે ત્યાં થાય. ખાડા અને ગાય વચ્ચેની સરખામણી આમ અસ્થાને લાગે—એક સજીવ અને એક નિર્જીવ. પણ ત્યાં જ મોટા ભાગના લોકો થાપ ખાય છે. કોણે કહ્યું કે ખાડા નિર્જીવ હોય છે? ધર્મગ્રંથોના કહેવા પ્રમાણે, સૃષ્ટિમાં બધે ચૈતન્ય વ્યાપેલું હોય, તો ખાડા તેમાંથી શી રીતે બાકાત રહી શકે? આટલી ઊચ્ચ આધ્યાત્મિક ભૂમિકાએ ન જવું હોય તો બીજી રીતે વિચાર કરીએઃ ખાડાના જન્મદાતા, તેના માતાપિતા કોણ છે? તૂટી જાય એવા રસ્તા અને પુલો શી રીતે તૈયાર થાય છે, તેનું સામાન્ય જ્ઞાન ધરાવતા લોકો તરત કહેશેઃ વહીવટી તંત્ર ખાડાના પિતૃસ્થાને હોય છે અને કોન્ટ્રાક્ટર ખાડાના માતૃસ્થાને. હવે વિચારોઃ જેનાં માતાપિતા બંને મનુષ્ય હોય, તેમના સંતાન જેવા ખાડાને નિર્જીવ ગણી શકાય?

ખાડાની વંશાવલિ કોલમચિંતનની પદ્ધતિ પ્રમાણે કાઢવા જઈએ તો કહેવું પડે કે ભ્રષ્ટાચાર ખાડાનો પિતા હોય છે ને લાલચ ખાડાની માતા. આ પ્રકારની અભિવ્યક્તિથી તાળીઓ ઉઘરાવી શકાય છે, પણ વાસ્તવિકતા છેટી રહી જાય છે. કોઈ મનુષ્યસંતાન વિશે કદી એવું કહેવામાં આવે છે કે વાસના તેની માતા છે ને વંશવૃદ્ધિની ઝંખના તેના પિતા? તો પછી ખાડાનો વંશ નક્કી કરતી વખતે એવો તુચ્છકાર શા માટે?

ગાયની જેમ ખાડો પણ સજીવ છે, એટલું સિદ્ધ કર્યા પછી હવે સરખામણીમાં આગળ વધીએઃ ગાયને ચાર પગ હોય છે, જ્યારે ખાડાને એકેય પગ નથી હોતો. પ્રામાણિકતાથી તો એમ કહેવું જોઈએ કે ખાડાને એકેય પગ ન હોવા છતાં, તે ગમે ત્યાં જઈ શકે છે અને વખત આવ્યે બીજાના પગ ભાંગી શકે છે. કેટલાક અસંતુષ્ટો ખાડાને સડકની આબરૂ પર પડેલા ધબ્બા ગણે છે અને તેના વિશે કકળાટ મચાવે છે. હકીકતમાં, ખાડાને સડકની ગાલ પર પડેલાં ખંજન પણ ગણી શકાય—સવાલ યથાયોગ્ય સૌંદર્યદૃષ્ટિ કેળવવાનો છે. અલબત્ત, રસ્તા પર ખાડાની સંખ્યા જેટલા મોટા પ્રમાણમાં જોવા મળે છે તે જોતાં, ખંજનની ઉપમા કદાચ લાગુ ન પાડી શકાય. કારણ કે, ગાલ પર તેમનું સ્થાન ચોક્કસ અને નક્કી હોય છે. ખાડાને એ રીતે સવાયાં ખંજન કહેવા હોય તો કહી શકાય. કારણ કે, તે સડક પર ગમે ત્યાં હોઈ શકે છે.

રસ્તા પર પડતા ખાડાનો વિરોધ કરનારા વિકાસવિરોધી, સરકારવિરોધી અને એ ન્યાયે હિંદુવિરોધી છે, એટલું તો સમજુ વાચકો અત્યાર સુધીમાં સમજી ચૂક્યા હશે. કારણ કે, આ જ લોકો ગ્રામ્ય વિસ્તારોમાં કે શહેરમાં સડક ન હોય ત્યાં જોવા મળતા ઉબડખાબડ રસ્તા વિશે કશું કહેતા નથી—ત્યાં પડેલા ખાડાનો વિરોધ કરતા નથી, પણ જેવી સડક બને અને તેમાં ખાડા પડે, એટલે મેદાનમાં આવી જાય છે. તેની પરથી સ્પષ્ટ થાય છે કે તેમનો ખરેખરો વિરોધ ખાડા સામે નહીં, પણ સડક સામે હોય છે. જે જન્મે છે તે મરે છે, એ જેટલું અફર સત્ય છે, એટલી જ અકાટ્ય હકીકત એ છે કે જ્યાં સડક બને છે ત્યાં ખાડા પડવાનું નિશ્ચિત છે. ચ્યુંઇંગ ગમાત્મક ચિંતનશૈલીમાં કહી શકાય કે દરેક સડક તેના ગર્ભમાં ખાડાની શક્યતા લઈને જ અવતરે છે. તે શક્યતા જ્યારે વાસ્તવિકતામાં પરિણમે, ત્યારે ફક્ત કોન્ટ્રાક્ટર કે તેમની પાસેથી લાંચ લેનારાનું જ નહીં, સડકનું અને ખાડાનું પણ અવતારકાર્ય સિદ્ધ થાય છે.

ખાડા અને ગાય વચ્ચે કાર્યકારણનો નહીં, પણ અસર-સામ્યનો સંબંધ છે. ચોમાસામાં રસ્તા પર ખાડા અને ગાયો હોય છે એમ કહેવાને બદલે, ખાડા અને ગાયો સિવાયનો જે ભાગ બાકી રહી જાય છે, ત્યાં રસ્તા હોય છે—એમ કહેવું વધારે સાચું છે. ચોમાસામાં ગાયો રીતસર સડક પર ઉતરી આવી હોય એવું છે. છેલ્લા ઘણા સમયથી નાગરિકો ગાય બનીને સરકારી કુશાસન સામે સડક પર ઉતરતા બંધ થઈ ગયા હોય એવા સંજોગોમાં, અસલી ગાયોનું સડક પર ઉતરવું આમ તો સારું લાગે, પણ આ ગાયો શાના વિરોધમાં રસ્તા પર આવે છે, તે સ્પષ્ટ થતું નથી. કેટલાકનું માનવું છે કે ક્રૂરતાના અને ધિક્કારના રાજકારણમાં ગાયોના નામે માણસો ચરી ખાતા હોવા છતાં, પોતાની વાસ્તવિક સ્થિતિ કેવી છે તે દર્શાવવા માટે ગાયો ચોમાસામાં રસ્તા પર આવે છે.

ગાયો છાપાં ખાવાને બદલે વાંચતી હોત તો તેમને ખબર હોત કે જે દેશમાં નારીની પૂજાની સંસ્કૃતિના દાવા કરવામાં આવે છે, ત્યાં નારીની વાસ્તવિક સ્થિતિ કેવી છે—ભલે ને તે ઓલિમ્પિકમાં મેડલવિજેતા કેમ ન હોય. ગાયો સોશિયલ મિડીયા પર હોત તો તેમને ખબર પડત કે ધર્મના દાવા કરનારા ને પ્રોફાઇલમાં તેની ધજાઓ ફરકાવનારા સ્ત્રીઓ વિશે કેવી ભાષામાં લખે છે. જોકે, ગાયો સોશિયલ મિડીયા પર હોત તો તેના રક્ષણના નામે થતા ખૂનખરાબા-ગોરખધંધા પછી તે નોટ ઇન માય નેમ (મારું નામ આગળ ધરીને આવા ધંધા નહીં)—જેવો હેશટેગ પણ બનાવતી હોત.

ગાયો ને ખાડા, બંનેમાંથી વધારે જોખમી કોણ, તેની ચર્ચામાં આ બંને જોખમોના પાલક માતાપિતાને સલુકાઈથી ભૂલાવી દેવામાં આવે છે. તેમની કોઈ જવાબદારી નિશ્ચિત કરવામાં આવતી નથી. એટલે દર ચોમાસે ગાયો અને ખાડા રાબેતા મુજબ અવતરતાં રહે છે અને ચિંતનનો વિષય બનતાં રહે છે.

No comments:

Post a Comment