Tuesday, July 23, 2024

કાલિદાસ અને ભજિયાં

દુનિયામાં, એટલે કે સોશિયલ મિડીયાની  દુનિયામાં, મુખ્યત્વે બે પ્રકારના લોકો હોય છેઃ વરસાદની વાતથી જેમને ‘મેઘદૂત’, કાલિદાસ, કવિતાઓ, રમેશ પારેખ વગેરે યાદ આવે તે અને વરસાદના ઉલ્લેખમાત્રથી જેમને ભજિયાં યાદ આવે તે. હળહળતા ધ્રુવીકરણના જમાનામાં પણ આ બંને પ્રકારો વચ્ચે છાવણીઓ પડી ગઈ નથી, એટલું સારું છે. તેના કારણે, એવા પણ લોકો જોવા મળે છે, જે ભજિયાં ખાતાં ખાતાં કાલિદાસની વાત કરતા હોય અથવા ‘મેઘદૂત’ની પંક્તિઓની સાથે ભજિયાંનો આનંદ માણતા હોય.

વરસાદને ભજિયાં સાથે દેખીતો કશો સંબંધ નથી. જો એવો સંબંધ હોત તો ભજિયાં બારમાસી વાનગીને બદલે ફક્ત ચોમાસુ ચીજ ન ગણાતી હોત? પરંતુ ભજિયાંપ્રેમીઓ માને છે કે કોઈ પણ ઋતુમાં, કોઈ પણ સમયે ભજિયાં આરોગવાથી પુણ્યની તો ખબર નથી, પણ એકસરખો આનંદ પ્રાપ્ત થાય છે. તેમની આ માન્યતા સાથે અસંમત થવું અઘરું છે. ભજિયાંની બીજી મહત્તા એ છે કે તે સંપૂર્ણપણે સ્વદેશી વાનગી છે. રોમિલા થાપડ જેવાં વિદૂષી ઇતિહાસકારે પણ ક્યાંય એવો દાવો કર્યાનું જાણ્યું નથી કે ભજિયાં ગ્રીકો, મધ્ય એશિયાના હુમલાખોરો કે ગઝની-ઘોરી ભારત લઈ આવ્યા. ગુપ્ત સામ્રાજ્યનો અમુક સમયગાળો ભારતના ઇતિહાસમાં સુવર્ણયુગ તરીકે ઓળખાય છે, તેનું એક બિનસત્તાવાર કારણ એ હોવું જોઈએ કે ત્યારે પણ ભારતમાં ભજિયાં બનતાં હશે. કોઈ પણ સમયગાળો ભજિયાં વિના સુવર્ણકાળ બની જ શી રીતે શકે? સમૃદ્ધિ હદ વટાવી ગઈ હોય તો શક્ય છે કે ભજિયાં સોનાની થાળીમાં ખવાતાં કે સોનાની તાવડીમાં ઉતરતાં હોય. સદીઓ પછી ખોદકામ કરતાં દટાયેલી ચીજવસ્તુઓ-હાડપિંજરો કે નગરો મળે, પણ ભજિયાનો એકેય અવશેષ ન મળે, તેના આધારે એમ થોડું માની લેવાય કે ભજિયાં ત્યારે ચલણમાં ન હતાં? એવી જ રીતે, ભજિયાંને સંસ્કૃતમાં શું કહેવાય, તે ન આવડતું હોય, તેનાથી પણ સ્વદેશી તરીકેનો તેનો મહિમા ઓછો થઈ જતો નથી.

ભદ્રંભદ્રે મુંબઈ જઈને ભજિયાં ખાધાં ન હતાં, એટલે તેના સંસ્કૃતપ્રચૂર નામથી આપણે વંચિત રહ્યા, પણ ઘણા લોકો ભજિયાંને પકોડા કહે છે. વડાપ્રધાન મોદીએ તો પકોડા તળવાના વ્યવસાયને બેરોજગારી દૂર કરીને રોજગાર સર્જવા માટે ખપમાં લેવા કહ્યું હતું. સાંભળવામાં તે હાસ્યાસ્પદ લાગે તો લાગે, પણ વડાપ્રધાનની સમસ્યા-ઉકેલની પદ્ધતિમાં તે બરાબર બંધ બેસે છે. થોડા સમય પછી તે ભજિયાં તળવાની લારીને સ્ટાર્ટ અપનો દરજ્જો આપવાની જાહેરાત કરે અને દેશભરમાં ચાલતી ભજિયાંની લારી-દુકાનોને સ્ટાર્ટ અપમાં ગણી લે, તો સ્ટાર્ટ અપ ક્ષેત્રે ભારત આખા વિશ્વમાં અવ્વલ સ્થાને પહોંચી જાય અને તેના વિશ્વગુરુપદ વિશે કોઈના મનમાં કશી શંકા ન રહે.

ભજિયાંની જેમ કવિતા પણ, અથવા કવિતાની જેમ ભજિયાં પણ, ઘાણમાં ઉતરતાં હોય છે—વરસાદ આવે ત્યારે તો ખાસ. બંનેનો ચાહકવર્ગ એવો પ્રતિબદ્ધ હોય છે કે ભજિયું કે કવિતા કાચાં ઉતરે તો પણ તેનાં વખાણમાં કચાશ રાખતો નથી. એવાં ભજિયાંથી પેટને અને કવિતાથી સાહિત્યને નુકસાન થવું હોય તો થાય. ગુણવત્તા કે આડઅસરોના મુદ્દે કવિતાપ્રેમીઓ-ભજિયાંપ્રેમીઓ સાથે દલીલમાં ઉતરવાનો મતલબ છે લડાઈ વહોરી લેવી. ભજિયાંની ટીકા કરવામાં એટલી રાહત ખરી કે બહુ ખબર પડતી હોય તો જાતે જ ઉતારી લો ને—એવું સાંભળવા ન મળે.

બંને બાબતોમાં પ્રયોગશીલતા અને પ્રયોગખોરી વચ્ચેનો તફાવત ઘણી વાર ભૂંસાઈ જતો હોય છે. એક સમુહ માને છે કે કોઈ પણ ખાદ્ય ચીજનાં ભજિયાં બની શકે અને કોઈ પણ ચીજ પર, કોઈ પણ સ્વરૂપમાં કવિતા લખી શકાય. ભજિયાં-પ્રયોગવીરો બટાટા-કેળાં-મરચાં-રતાળુ-ડુંગળી જેવી ભજિયાંઘરાનાની પરંપરાનો ત્યાગ કરીને ચીઝ, ચોકલેટ અને આઇસક્રીમનાં ભજિયાં ઉતારવા સુધી પહોંચી ગયા છે. દેખીતું છે કે એવાં ભજિયાંનું ઔચિત્ય જ નહીં, માહત્મ્ય પણ સ્વાદિષ્ટ હોવામાં નહીં, કેવળ હોવામાં એટલે કે અસ્તિત્વ ધારણ કરવામાં હોય છે. એટલે, પ્રયોગખોર કવિતાઓની જેમ તેમને વિવેચનના સ્થાપિત નિયમો લાગુ પાડી શકાતા નથી.

આખી વાતનો બીજો પક્ષ એવો પણ છે કે ઘણા વિવેચકો ભજિયાંના ગુણદોષને બદલે, તેની લોકપ્રિયતાને કેન્દ્રસ્થાને રાખીને તેનું વિવેચન કરે છે અને તે સંભવતઃ આરોગ્યને નુકસાનકારક હોઈ શકે છે માટે નહીં, પણ તે અત્યંત લોકપ્રિય છે એટલા માટે તેમની ટીકા કરે છે. એટલું જ નહીં, લોકપ્રિય બનેલી કોઈ પણ કૃતિની ગુણવત્તાની પરખ કર્યા વિના, કેવળ લોકપ્રિયતાના આધારે તેને ગરમાગરમ ભજિયાં જેવી હલકી ગણાવી દે છે. કૃતિની પરખ કરતી વખતે લોકપ્રિયતા ગુણ પણ નથી ને દોષ પણ નહીં, એટલું સમજવા-સ્વીકારવા માટે ગુજરાતી અધ્યાપકો-વિવેચકોએ ભજિયાં ખાવાનું શરૂ કરે, તો તેનાથી ભજિયાં બનાવનારને જ નહીં, ગુજરાતી સાહિત્યને પણ લાભ થવા સંભવ છે.

કવિ કાલિદાસે ‘મેઘદૂત’ લખ્યું, તેમાં ક્યાંય ભજિયાંનો ઉલ્લેખ આવતો નથી. શક્ય છે કે તેમના જમાનામાં પણ વિવેચકોની માનસિકતા આગળ જણાવી એવી હોય અને કાલિદાસને થયું હોય કે નકામું ભજિયાના વાંકે કવિતાને ગાળ પડશે. એના કરતાં યક્ષને ભજિયાંથી દૂર રાખેલો જ સારો. યક્ષ જાતે રસોઈ ન જાણતો હોય તો શક્ય છે કે અષાઢના પ્રથમ દિવસે તેને પ્રિયતમા જેટલી જ કે તેના કરતાં પણ વધારે તીવ્રતાથી પ્રિયતમાના હાથનાં ભજિયાંની યાદ આવી હોય.

--અને કોને ખબર, કાલિદાસને વરસાદી મોસમમાં ભજિયાં ખાતાં ખાતાં જ ‘મેઘદૂત’ની પ્રેરણા મળી હોય?

2 comments:

  1. Anonymous12:38:00 AM

    ભજીયાંના ઘાણ ઉતરતા હોય એ લારી ઉપર એના માલિકનું નામ લખવું ફરજિયાત કરી દેવું જોઈએ. ભાવકોને તે વાંચી ને પછી જ ઓર્ડર આપવા ખાસ અનુરોધ છે.
    લિ. નરમ લાગણી ધરાવતો રાષ્ટ્રપ્રેમી.

    ReplyDelete
  2. Anonymous1:52:00 AM

    શૂન્ય મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું...
    મુત્યુ ટાણે પણ મળે જો ભજીયા મરચાં તણાં
    શૂન્ય પાલનપુરી

    સવ્પ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ?
    જીવવા માટે કયું બહાનું જોઈએ?
    એક ભજિયું સારું મળે તો બહુ થયું.
    ઘાણ ક્યાં આખા તવાનો જોઈએ?
    ચિનુ મોદી

    કયામતની રાહ એટલેજ જોઉં છું..
    ત્યાં એક ભજીયાની લારી તો હશે!
    'જલન' માતરી

    ReplyDelete