Tuesday, August 20, 2024
ખાડા અને ગાય
જૂની કહેણી તો ‘દીકરી ને ગાય, દોરે ત્યાં જાય’—એવી છે, પણ નવા જમાનામાં અને ખાસ કરીને ચોમાસમાં કહેવું પડે કે ‘ખાડા ને ગાય, ગમે ત્યાં થાય’. ખાડા અને ગાય વચ્ચેની સરખામણી આમ અસ્થાને લાગે—એક સજીવ અને એક નિર્જીવ. પણ ત્યાં જ મોટા ભાગના લોકો થાપ ખાય છે. કોણે કહ્યું કે ખાડા નિર્જીવ હોય છે? ધર્મગ્રંથોના કહેવા પ્રમાણે, સૃષ્ટિમાં બધે ચૈતન્ય વ્યાપેલું હોય, તો ખાડા તેમાંથી શી રીતે બાકાત રહી શકે? આટલી ઊચ્ચ આધ્યાત્મિક ભૂમિકાએ ન જવું હોય તો બીજી રીતે વિચાર કરીએઃ ખાડાના જન્મદાતા, તેના માતાપિતા કોણ છે? તૂટી જાય એવા રસ્તા અને પુલો શી રીતે તૈયાર થાય છે, તેનું સામાન્ય જ્ઞાન ધરાવતા લોકો તરત કહેશેઃ વહીવટી તંત્ર ખાડાના પિતૃસ્થાને હોય છે અને કોન્ટ્રાક્ટર ખાડાના માતૃસ્થાને. હવે વિચારોઃ જેનાં માતાપિતા બંને મનુષ્ય હોય, તેમના સંતાન જેવા ખાડાને નિર્જીવ ગણી શકાય?
ખાડાની વંશાવલિ કોલમચિંતનની પદ્ધતિ પ્રમાણે કાઢવા જઈએ તો કહેવું પડે કે ભ્રષ્ટાચાર ખાડાનો પિતા હોય છે ને લાલચ ખાડાની માતા. આ પ્રકારની અભિવ્યક્તિથી તાળીઓ ઉઘરાવી શકાય છે, પણ વાસ્તવિકતા છેટી રહી જાય છે. કોઈ મનુષ્યસંતાન વિશે કદી એવું કહેવામાં આવે છે કે વાસના તેની માતા છે ને વંશવૃદ્ધિની ઝંખના તેના પિતા? તો પછી ખાડાનો વંશ નક્કી કરતી વખતે એવો તુચ્છકાર શા માટે?
ગાયની જેમ ખાડો પણ સજીવ છે, એટલું સિદ્ધ કર્યા પછી હવે સરખામણીમાં આગળ વધીએઃ ગાયને ચાર પગ હોય છે, જ્યારે ખાડાને એકેય પગ નથી હોતો. પ્રામાણિકતાથી તો એમ કહેવું જોઈએ કે ખાડાને એકેય પગ ન હોવા છતાં, તે ગમે ત્યાં જઈ શકે છે અને વખત આવ્યે બીજાના પગ ભાંગી શકે છે. કેટલાક અસંતુષ્ટો ખાડાને સડકની આબરૂ પર પડેલા ધબ્બા ગણે છે અને તેના વિશે કકળાટ મચાવે છે. હકીકતમાં, ખાડાને સડકની ગાલ પર પડેલાં ખંજન પણ ગણી શકાય—સવાલ યથાયોગ્ય સૌંદર્યદૃષ્ટિ કેળવવાનો છે. અલબત્ત, રસ્તા પર ખાડાની સંખ્યા જેટલા મોટા પ્રમાણમાં જોવા મળે છે તે જોતાં, ખંજનની ઉપમા કદાચ લાગુ ન પાડી શકાય. કારણ કે, ગાલ પર તેમનું સ્થાન ચોક્કસ અને નક્કી હોય છે. ખાડાને એ રીતે સવાયાં ખંજન કહેવા હોય તો કહી શકાય. કારણ કે, તે સડક પર ગમે ત્યાં હોઈ શકે છે.
રસ્તા પર પડતા ખાડાનો વિરોધ કરનારા વિકાસવિરોધી, સરકારવિરોધી અને એ ન્યાયે હિંદુવિરોધી છે, એટલું તો સમજુ વાચકો અત્યાર સુધીમાં સમજી ચૂક્યા હશે. કારણ કે, આ જ લોકો ગ્રામ્ય વિસ્તારોમાં કે શહેરમાં સડક ન હોય ત્યાં જોવા મળતા ઉબડખાબડ રસ્તા વિશે કશું કહેતા નથી—ત્યાં પડેલા ખાડાનો વિરોધ કરતા નથી, પણ જેવી સડક બને અને તેમાં ખાડા પડે, એટલે મેદાનમાં આવી જાય છે. તેની પરથી સ્પષ્ટ થાય છે કે તેમનો ખરેખરો વિરોધ ખાડા સામે નહીં, પણ સડક સામે હોય છે. જે જન્મે છે તે મરે છે, એ જેટલું અફર સત્ય છે, એટલી જ અકાટ્ય હકીકત એ છે કે જ્યાં સડક બને છે ત્યાં ખાડા પડવાનું નિશ્ચિત છે. ચ્યુંઇંગ ગમાત્મક ચિંતનશૈલીમાં કહી શકાય કે દરેક સડક તેના ગર્ભમાં ખાડાની શક્યતા લઈને જ અવતરે છે. તે શક્યતા જ્યારે વાસ્તવિકતામાં પરિણમે, ત્યારે ફક્ત કોન્ટ્રાક્ટર કે તેમની પાસેથી લાંચ લેનારાનું જ નહીં, સડકનું અને ખાડાનું પણ અવતારકાર્ય સિદ્ધ થાય છે.
ખાડા અને ગાય વચ્ચે કાર્યકારણનો નહીં, પણ અસર-સામ્યનો સંબંધ છે. ચોમાસામાં રસ્તા પર ખાડા અને ગાયો હોય છે એમ કહેવાને બદલે, ખાડા અને ગાયો સિવાયનો જે ભાગ બાકી રહી જાય છે, ત્યાં રસ્તા હોય છે—એમ કહેવું વધારે સાચું છે. ચોમાસામાં ગાયો રીતસર સડક પર ઉતરી આવી હોય એવું છે. છેલ્લા ઘણા સમયથી નાગરિકો ગાય બનીને સરકારી કુશાસન સામે સડક પર ઉતરતા બંધ થઈ ગયા હોય એવા સંજોગોમાં, અસલી ગાયોનું સડક પર ઉતરવું આમ તો સારું લાગે, પણ આ ગાયો શાના વિરોધમાં રસ્તા પર આવે છે, તે સ્પષ્ટ થતું નથી. કેટલાકનું માનવું છે કે ક્રૂરતાના અને ધિક્કારના રાજકારણમાં ગાયોના નામે માણસો ચરી ખાતા હોવા છતાં, પોતાની વાસ્તવિક સ્થિતિ કેવી છે તે દર્શાવવા માટે ગાયો ચોમાસામાં રસ્તા પર આવે છે.
ગાયો છાપાં ખાવાને બદલે વાંચતી હોત તો તેમને ખબર હોત કે જે દેશમાં નારીની પૂજાની સંસ્કૃતિના દાવા કરવામાં આવે છે, ત્યાં નારીની વાસ્તવિક સ્થિતિ કેવી છે—ભલે ને તે ઓલિમ્પિકમાં મેડલવિજેતા કેમ ન હોય. ગાયો સોશિયલ મિડીયા પર હોત તો તેમને ખબર પડત કે ધર્મના દાવા કરનારા ને પ્રોફાઇલમાં તેની ધજાઓ ફરકાવનારા સ્ત્રીઓ વિશે કેવી ભાષામાં લખે છે. જોકે, ગાયો સોશિયલ મિડીયા પર હોત તો તેના રક્ષણના નામે થતા ખૂનખરાબા-ગોરખધંધા પછી તે ‘નોટ ઇન માય નેમ’ (મારું નામ આગળ ધરીને આવા ધંધા નહીં)—જેવો હેશટેગ પણ બનાવતી હોત.
ગાયો ને ખાડા, બંનેમાંથી વધારે જોખમી કોણ, તેની ચર્ચામાં આ બંને જોખમોના પાલક માતાપિતાને સલુકાઈથી ભૂલાવી દેવામાં આવે છે. તેમની કોઈ જવાબદારી નિશ્ચિત કરવામાં આવતી નથી. એટલે દર ચોમાસે ગાયો અને ખાડા રાબેતા મુજબ અવતરતાં રહે છે અને ચિંતનનો વિષય બનતાં રહે છે.
Thursday, August 15, 2024
શું ભાવનગર દેશમાં ભળનારું પહેલું દેશી રાજ્ય હતું?
વર્ષો પહેલાં એક વાર પાલનપુર જવાનું થયું હતું. ત્યારે બીજી ઘણી વાતો ઉપરાંત એક ખાસ વાત સાંભળવા મળીઃ દેશી રાજ્યોનાં વિલીનીકરણની પ્રક્રિયા શરૂ થઈ, ત્યારે પાલનપુરના નવાબે સૌથી પહેલું તેમનું રજવાડું અર્પણ કર્યું હતું.
તેના થોડા વખત પછી ભાવનગર વિશે કોઈ લખાણ વાંચતાં, તેના વિશે પણ આવો જ દાવો વાંચવા મળ્યો. ત્યાર પછી ભાવનગર વિશેનો એવો દાવો તો અનેક વાર સાંભળવા મળતો રહ્યો છે. થોડાં વર્ષ પહેલાં ‘દિવ્ય ભાસ્કર’ સાથે સંકળાયો હતો ત્યારે તેની કોઈ વિશેષ પૂર્તિમાં એ મતલબનો દાવો લેખિતમાં થયો હતો. ત્યારે મેં ધ્યાન દોર્યું હતું કે આ વાતનો કોઈ ઐતિહાસિક આધાર નથી. છતાં, ‘અસ્મિતા’ અને ઇતિહાસ વચ્ચેથી પસંદગી કરવાની આવે ત્યારે પસંદગી ‘અસ્મિતા’ની જ થાય.
આજે ફરી એક વાર ‘દિવ્ય ભાસ્કર’ના અખબાર 'સૌરાષ્ટ્ર સમાચાર'માં એવો દાવો કરવામાં આવ્યો છે.
પહેલી વાર આ દાવો સાંભળ્યો ત્યારથી મને તે રુચતો નથી. તેનાં બે કારણઃ
- ભાવનગર વિલીન થનારું પહેલું રાજ્ય હતું, એવો આધાર ઇતિહાસમાં ક્યાય મળતો નથી-કોઈએ આધારપુરાવા સાથે ટાંક્યો હોય, એવું જાણ્યું નથી.
- ઐતિહાસિક પુરાવા ન હોવા છતાં, એવો દાવો કરવાથી ભાવનગરના મહારાજા વિશેની બીજી સાચી વાતોની વિશ્વસનિયતા પણ ન જોખમાય?
પરંતુ, આજના ‘દિવ્ય ભાસ્કર’માં આ દાવાની સાથે, ઐતિહાસિક પુરાવા તરીકે, ભાવનગર રાજ્યના જોડાણખત (ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન)નો એક હિસ્સો પણ છાપવામાં આવ્યો છે. તેમાં જણાવાયા પ્રમાણે, જોડાણખત પર ભાવનગરના મહારાજાએ 5 ઓગસ્ટ, 1947ના રોજ અને ગવર્નર જનરલ માઉન્ટબેટને 16 ઓગસ્ટ, 1947ના રોજ સહી કરી હતી.
હવે વાત કરીએ રાજસ્થાનના એક દેશી રાજ્ય કિશનગઢની. રાજસ્થાન ત્યારે રાજપુતાના તરીકે ઓળખાતું હતું. સહજતાથી ઉપલબ્ધ આઠ-દસ રજવાડાંનાં જોડાણખત પર નજર કરતાં તેમાં કિશનગઢનું જોડાણખત મળી આવ્યું. તેમાં કિશનગઢ રાજ્યનો સિક્કો અને સુમેરસિંહ ઓફ કિશનગઢની સહી છે અને દિવસના ખાનામાં લખ્યું છેઃ ટ્યુસડે, ધ ફિફ્થ ડે ઓફ ઓગસ્ટ. એટલે કે 5 ઓગસ્ટ, 1947.
તેની નીચે માઉન્ટબેટન ઓફ બર્મા (ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા)ની સહીની તારીખ છેઃ 16 ઓગસ્ટ, 1947. મતલબ, એ જ તારીખો, જે ભાવનગરના જોડાણખત પર પણ છે.
courtesy: National Archives of India |
સારઃ
- ભાવનગર જોડાણખત પર સહી કરનારું પહેલું રાજ્ય ન હતું. કિશનગઢના રાજાએ પણ એ જ દિવસે સહી કરી હતી—અને બધાં જોડાણખત જોવા મળે તો શક્ય છે કે આવાં બીજાં રાજ્યો પણ મળી આવે.
- તેનાથી ભાવનગરના મહારાજાની જે કંઈ વાસ્તવિક મહત્તા છે, જે જરાય ઝંખવાતી નથી.
- એટલે, આ ખોટા દાવાને ભાવનગરના મહારાજાની દેશભક્તિના પુરાવા તરીકે રજૂ કરવાનું બંધ કરવું જોઈએ.
Sunday, August 11, 2024
1936ની બર્લિન ઓલિમ્પિક્સ અને બે ગુજરાતીઓ
‘હિટલરની ઓલિમ્પિક’ તરીકે વિવાદાસ્પદ બનેલી બર્લિન ઓલિમ્પિકમાં ખેલાડી તરીકે નહીં, પણ વ્યાયામ સંગઠનના સભ્ય તરીકે બે ગુજરાતીઓએ હાજરી આપી હતી. તેમનાં નામ હતાઃ ચિનુભાઈ શાહ અને હરિસિંહ ઠાકોર. તેમાંથી ચિનુભાઈ શાહને વર્ષ 2000માં રાજપીપળાના તેમના ઘરે મળવાનું થયું હતું.
અમારી વાતચીત દરમિયાન ચિનુભાઈએ કહ્યું હતું, ‘ઓલિમ્પિક્સ પહેલાં જ બર્લિનમાં ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોંગ્રેસ યોજાઈ હતી. ભારતમાંથી 24 સભ્યોની ટુકડી તેમાં ભાગ લેવા માટે ગઈ હતી. તેમાં ગુજરાતમાંથી હરિસિંહ ઠાકોર અને હું—અમે બે જણ હતા. જમનાલાલ બજાજના પુત્ર કમલનયન બજાજ પણ અમારી સાથે હતા.’ ચિનુભાઈ જેની વાત કરતા હતા, તે સંભવતઃ ‘કોંગ્રેસ ઓફ ફિઝિકલ એજ્યુકેશન’ હશે, જેનું અધિવેશન બર્લિનમાં 24 જુલાઇથી 31 જુલાઇ દરમિયાન યોજાયું હતું અને 1 ઓગસ્ટથી ઓલિમ્પિક્સની શરૂઆત થવાની હતી.
ચિનુભાઈ શાહ, રાજપીપળાના તેમના ઘરે, વર્ષ 2000 (ફોટોઃ બીરેન કોઠારી) |
1936ની કેટલીક વિગતો 64 વર્ષ પછી પણ ચિનુભાઈને બરાબર યાદ હતી. તેમણે કહ્યું હતું, ‘9 જુલાઇ, 1936ના રોજ અમે કોન્ટેવર્લે નામની ઇટાલિયન સ્ટીમરમાં મુંબઈથી રવાના થયા. વાયા સુએઝ કેનાલ, પોર્ટ સઇદ-એબસિનિયા થઈને 22 જુલાઇએ વહેલી સવારે અમે વેનિસ ઉતર્યા. ત્યાંથી રાત્રે ટ્રેનમાં બેઠા એટલ બીજા દિવસે સાંજે પાંચ વાગ્યે બર્લિન. ત્યાં અમને લેવા માટે (પાછળના ભાગમાં) બાંકડા ગોઠવેલી ટ્રક આવી હતી. તેમાં બેસીને અમે પાંચેક માઇલ દૂર આવેલા ઓલિમ્પિક્સ વિલેજ પર પહોંચ્યા હતા.’
ચિનુભાઈનાં બર્લિન-સ્મરણો
ઓલિમ્પિક્સની
સ્પર્ધાઓ શરૂ થાય તે પહેલાં યજમાન અને કેટલાક મહેમાન દેશો તેમની વિવિધ રમતોનું
પ્રદર્શન કરે, એવી જોગવાઈ 1924થી ઓલિમ્પિકના નિયમોમાં સત્તાવાર રીતે દાખલ કરવામાં
આવી હતી. (https://library.olympics.com/doc/SYRACUSE/619826) તે
પ્રમાણે બર્લિનના એક હોલમાં રમતો વિશે ચર્ચા થતી હતી અને મેદાનમાં રમતો દેખાડવા
માટે દરેક ટીમને 45 મિનીટ મળતી હતી. ભારતીય રમતોનું પ્રદર્શન કરવા માટે અમરાવતી
(મહારાષ્ટ્ર)ની હનુમાન વ્યાયામ પ્રસાર મંડળીના 24 ચુનંદા સભ્યો બર્લિન જવા રવાના
થયા, તેવા સમાચાર 10 જુલાઇ, 1936ના ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’માં
પ્રગટ થયા હતા. તે ટુકડીના આગેવાન ડો. કે.એસ. કાણે હતા.
ભારતીય ટુકડીએ બર્લિનમાં કેવી છાપ પાડી હતી, તેનો અંદાજ આપતાં ચિનુભાઈએ કહ્યું હતું,‘આપણી ટીમે કબડ્ડી, ખો ખો, આટાપાટા, લાઠી, લેજીમ, મલખમ જેવી રમતો બતાવી. તેનાથી લોકો એટલા ખુશ થયા હતા કે તેમને ત્રણ વાર 45-45 મિનિટનો સમય આપવામાં આવ્યો.’ ભારતીય ટીમનો સમય પૂરો થયો ત્યારે ત્યાં હાજર રહેલા વ્યાયામ અને શારીરિક શિક્ષણના એક વિદ્વાનોમાંથી પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું હતું,‘શ્વાસ એટલે પ્રાણ. શ્વાસ પર આધારિત રમતો અમે શોધી શક્યા નહીં. એ તમારી પાસેથી જોવા મળી.’ બીજાએ કહ્યું હતું, ’તમે જ્યારે લેજીમ કરતા હતા ત્યારે અમને એક્સ્ટસીનો (પરમ આનંદનો) અનુભવ થયો હતો.’
ચિનુભાઈએ કહેલો એક કિસ્સો એવો છે, જેનો ક્યાંય લેખિત કે બીજો આધાર મળતો નથી, પરંતુ તેમણે તે બીજી વાતોના પ્રવાહમાં સહજતાથી વર્ણવ્યો હતોઃ ‘(કોંગ્રેસ ઓફ ફિઝિકલ એજ્યુકેશનમાં ભાગ લેનારા) તમામ 31 દેશોના પ્રતિનિધિઓને પોતપોતાના દેશનું લોકગીત રજૂ કરવાનું કહેવામાં આવ્યું. અમને કોઈને ગીત આવડે નહીં, પણ અમારી સાથે મુંબઈની ન્યૂ એરા હાઇસ્કૂલના નગીનભાઈ મહેતા હતા. તેમને ટાગોરનું ગીત “એકલા ચલો” આવડતું હતું. તેમણે અમને એ ગીતની પ્રેક્ટિસ કરાવી. નસીબજોગે 31માંથી પસંદ થયેલાં પાંચ ગીતોમાં અમારું ગીત પસંદ થયું અને અમે ઓલિમ્પિકના આરંભ-ઉત્સવ નિમિત્તે બર્લિન રેડિયો પર તે ગીત ગાયું.’
સ્ટેડિયમમાં બેસીને ઓલિમ્પિકની રમતો જોનાર ચિનુભાઈએ હિટલરને દૂરથી જોયો હતો. તેમણે કહ્યું હતું, ‘હિટલરનો સ્ટેડિયમમાં જવા આવવાનો રસ્તો જુદો. એ આવે એટલે ચિક્કાર ભરેલું સ્ટેડિયમ ઊભું થઈને નાઝી સલામી આપે.’ ઓલિમ્પિકના કુસ્તી વિભાગમાં વડોદરા સેન્ટ્રલ જેલના જેલર થોરાટે ભાગ લીધો હોવાનું જણાવીને ચિનુભાઈએ એક કિસ્સો યાદ કર્યો હતોઃ પહેલા જ રાઉન્ડમાં તેને જર્મન કુસ્તીબાજ સામે રમવાનું આવ્યું અને એ હારી ગયો. મેચ પૂરી થયા પછી તે અમને કહે, ‘આ જર્મનો પાતળા દેખાય છે, પણ તાકાત એવી હોય છે કે એક વાર ખભા પર હાથ મૂકી દે, એટલે માથું ઊંચું ન થાય.’
થોરાટનો બીજો સંદર્ભ તો નથી મળ્યો, પણ બર્લિન ઓલિમ્પિક્સના જ વર્ષે, ભારતીય ટીમની પસંદગી માટે યોજાયેલી સ્પર્ધાઓમાં પહેલી વાર વડોદરા રાજ્યની ટીમ ભાગ લેશે, એવા સમાચાર 7 ફેબ્રુઆરી 1936ના ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’માં છપાયા હતા. તેમાં બેન્ટમવેઇટ (મધ્યમ વજન)ની કેટેગરીમાં ભાગ લેનાર કુસ્તીબાજનું નામ એસ.આર. થોરાટ જણાવાયું હતું. ચિનુભાઈએ જેમની વાત કરી હતી, તે આ થોરાટ હોઈ શકે.
બર્લિનના અનુભવોઃ હરિસિંહ ઠાકોરની નજરે
બર્લિન
ગયેલા ગુજરાતના બીજા પ્રતિનિધિ હરિસિંહ ઠાકોરે પાછા આવીને સુરતના આર્યસમાજ હોલમાં
તેમના અનુભવો વિશે પ્રવચન આપ્યું હતું. તેની વિગતવાર નોંધ ‘કુમાર’ માસિકના અંક 154 (આસો, સંવત 1992)ના
‘માધુકરી’ વિભાગમાં પ્રગટ થઈ હતી.
હરિસિંહે લખ્યું હતું, ‘અમે 25મી જુલાઇએ અમારો કાર્યક્રમ બતાવ્યો. તેમાં લેજીમ, ભાલા, મગદળ વગેરે સંઘવ્યાયામનો સમાવેશ હતો. ત્યાંના લોકોને લેજીમ ખૂબ ગમી ગઈ... એ પ્રયોગ પૂરો થતાં કેટલાયે લોકો લેજીમ જોવા આવ્યા. મલખમ ણ એ લોકોના જોવામાં જ નહીં આવેલું. એના પ્રયોગોથી તે લોકોને ઘણી અજાયબી થઈ ને તેમણે જાતજાતના ફોટા લીધા...ત્યાંના લોકોને હુતુતુતુની રમત ખૂબ જ પસંદ પડી. જરા પણ આવડે નહીં એવા લોકો અમારી સાથે રમવા આવતા...’
અહેવાલમાં નોંધાયા પ્રમાણે,‘આ પ્રયોગો થતા ત્યારે ફિલ્મો લેવાતી હતી. અમારા કામ માટે અમને દુનિયાની પ્રજાઓમાં બીજો નંબર મળ્યો એથી અમને આનંદ થયો. પહેલી વખતે જઈ આવું સ્થાન મેળવવા માટે અમને કંઈક ગર્વ પણ થયો. પહેલો નંબર ઓસ્ટ્રિયનો લઈ ગયા...’
1936ની બર્લિન ઓલિમ્પિક્સ હોકીમાં ભારતને મળેલા સુવર્ણચંદ્રક અને ટીમના કેપ્ટન-હોકીના જાદુગર ગણાતા ધ્યાનચંદની રમત માટે પણ યાદ કરવામાં આવે છે. પણ હોકી ટીમના જીતના સિલસિલા પહેલાંનો એક કિસ્સો હરિસિંહે યાદ કર્યો હતો. તેમણે કહ્યું હતું, ‘હિંદી ટીમ જતાં જ ત્યાં હોકીની મેચ રમાઈ. તેમાં થાક ને ગ્રાઉન્ડને કારણે હિંદીઓ છ ગોલે હાર્યા હતા. તેથી અમને ભારે નિરાશા થઈ હતી. પણ તે પછી તો હિંદથી વિમાનમાં બે ખેલાડીઓ આવ્યા, તેમને આરામ પણ મળ્યો અને રમવાના સ્થળની પણ સુગમતા થઈ. એટલે તો પછી કોઈનો ગજ ન વાગ્યો.’
ઓલિમ્પિક્સની મશાલ-પરંપરાઃ બર્લિન પછી વડોદરા
ધ્યાનચંદને
સ્ટેડિયમમાં રમતા જોનાર ચિનુભાઈએ પણ અમારી વાતચીત દરમિયાન (તેમણે જોયેલો કે
સાંભળેલો) એક કિસ્સો વર્ણવ્યો હતો. ‘એક પ્રેક્ટિસ મેચમાં ભારતને પેનલ્ટી કોર્નર મળતાં ધ્યાનચંદે સ્ટ્રોક
માર્યો, પણ બોલ ગોલ પોસ્ટથી થોડા સેન્ટીમીટર દૂર પડ્યો. તરત ધ્યાનચંદે કહ્યું કે
ગોલ પોસ્ટનું માપ ખોટું હોવું જોઈએ. પછી માપ લેવાયું તો ધ્યાનચંદની વાત સાચી
નીકળી.’ બર્લિન
ઓલિમ્પિક્સમાં ભારતની ટીમે કરેલા 38 ગોલમાંથી 11 ગોલ ફક્ત ધ્યાનચંદના હતા.
બર્લિનની ઓલિમ્પિક પહેલાં ઓલિમ્પિક સમારંભનો આરંભ મશાલ જલાવીને કરવામાં આવતો હતો, પણ 1936ની બર્લિન ઓલિમ્પક્સમાં પ્રચારબહાદુર નાઝી ભેજાબાજોએ નવો ખેલ પાડ્યોઃ તેમણે પ્રાચીન ઓલિમ્પિક્સના આરંભસ્થાન, ગ્રીસના ઓલિમ્પિયાથી રીલે દ્વારા (વારાફરતી એક-એક જણ) મશાલની સફર આગળ વધારે અને છેવટે બર્લિનના સ્ટેડિયમ સુધી તે મશાલ પહોંચે, એવું આયોજન વિચાર્યું. ત્યાર પછી તો એ ધારો સ્થાપિત થઈ ગયો અને તેની અસર ભારત સુધી પહોંચી.
બર્લિનમાં 'મશાલ-સરઘસ' (ફોટોઃ ગેટી ઇમેજીસ) |
ભારતમાં ઘણા પ્રાંતો ને રજવાડામાં ઓલિમ્પિક્સ નામે રમતોત્સવ યોજાતા હતા. વડોદરામાં પણ તે બહુ જૂના વખતથી યોજાતો હતો. વડોદરાના મહારાજા પણ બર્લિનની ઓલિમ્પિક્સ જોવા માટે લંડનથી બર્લિન ઉપડ્યાના સમાચાર 1 ઓગસ્ટ, 1936ના ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’માં આવ્યા હતા. ચિનુભાઈના કહેવા પ્રમાણે, ‘બર્લિન ઓલિમ્પિક્સ’ પછી વડોદરામાં પણ મશાલની પ્રથાનું અનુકરણ થવા લાગ્યું. ગાયકવાડી રાજના જે શહેરમાં ઓલિમ્પિક્સ યોજાય, ત્યાં વડોદરાથી ઓલિમ્પિક્સની મશાલ પણ, અસલ ઓલિમ્પિક્સની સ્ટાઇલમાં પહોંચાડવામાં આવતી હતી.
બર્લિનથી પાછા આવ્યા પછીનાં વર્ષોમાં હરિસિંહ ઠાકોરની વિગત જાણવા મળી નથી, જ્યારે ચિનુભાઈએ તેમનું આખું જીવન શારીરિક શિક્ષણના ક્ષેત્રમાં વીતાવ્યું. તે રાજપીપળાના છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય સાથે સંકળાયેલા રહ્યા-‘વ્યાયામ વિજ્ઞાનકોષ’ના દસ ગ્રંથ તૈયાર કરવામાં તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો અને ગુજરાતી વિશ્વકોશમાં પણ વ્યાયામ-ખેલકૂદના વિષયનાં ઘણાં અધિકરણ (ચોક્કસ વિષયની માહિતી આપતી નોંધો) લખ્યાં.