Tuesday, July 30, 2019
લાયન કિંગઃ ફિલ્મનિર્માણમાં વર્ચ્યુઅલ રીઆલીટીની સિંહફાળ
સામાન્ય રીતે ફિલ્મો વિશે લખવાનું ટાળવા છતાં, ડિઝની સ્ટુડિયોની લેટેસ્ટ ફિલ્મ 'લાયન કિંગ’ વિશે લખવાનું મન થાય તેનાં કારણોઃ આ ફિલ્મે એનિમેશન ફિલ્મોના નિર્માણની પદ્ધતિમાં ક્રાંતિકારી ફેરફાર આણ્યો છે. એટલું જ નહીં, વર્ચ્યુઅલ રિઆલીટી (VR)ની ટેકનોલોજીના મૌલિક ઉપયોગથી એનિમેશન અને લાઇવ એક્શન (સાદી) ફિલ્મો વચ્ચેની ભેદરેખાને ભૂંસી નાખી છે. 'લાયન કિંગ' એનિમેશન કહેવાય કે લાઇવ મોશન, તે વિશે મતભેદ છે. કેટલાક માને છે કે આ ફિલ્મનો એક જુદો જ પ્રકાર છે, જેને માટે કોઈ નવું નામ શોધવું પડશે. ઓસ્કર એવોર્ડની સ્પર્ધામાં પણ આ ફિલ્મનો પાટલો કઈ પંગતમાં પડે છે તે જોવાનું રહે છે.
વર્ષો પહેલાં એનિમેશન ફિલ્મ માટે ચિત્રકારોએ પીંછી અને રંગથી ચિત્રો દોરવાં પડતાં હતાં. એક સેકન્ડમાં ફિલ્મની ૨૪ પટ્ટી ચાલે. ઘણી વાર બે પટ્ટી દીઠ એક ચિત્રના હિસાબે એક સેકન્ડમાં બાર ચિત્રો શૂટ કરવામાં આવતાં. એ હિસાબે પણ એક કલાકની ફિલ્મ માટે કેટલાં બધાં ચિત્રો દોરવાં પડે? (ચોક્કસ આંકડોઃ એક કલાક માટે ૪૩,૨૦૦ ચિત્રો)
એનિમેશન ક્ષેત્રે કમ્પ્યુટરનો ઉપયોગ શરૂ થયો અને વધ્યો, તેમ રંગો અને પીંછી લઈને દોરવાની મહેનત ઓછી થઈ. કમ્પ્યુટર થકી સર્જેલી ચિત્રસૃષ્ટિ (કમ્પ્યુટર જનરેટેડ ઇમેજરી-CGI)નો યુગ આવ્યો. કમ્પ્યુટર સોફ્ટવેરના જાદુઈ ઉપયોગ વધવા માંડ્યા. પરંતુ એનિમેશનનું મૂળભૂત સ્વરૂપ બદલાયું નહીં. ટેકનોલોજીનો પછીનો હનુમાનકૂદકો આવ્યો 'મોશન કેપ્ચર' સ્વરૂપે. તેમાં જીવતાજાગતા અભિનેતાઓના ચહેરા અને શરીરની હિલચાલ રેકોર્ડ કરીને, તેના ડિજિટલ સ્વરૂપના ડેટાને કમ્પ્યુટર એનિમેશનના મોડેલમાં 'પુરવામાં' આવતો હતો. એટલે એનિમેશનથી બનાવેલું મોડેલ અભિનેતાએ કરેલી સ્વાભાવિક હિલચાલ પ્રમાણે, હાલતુંચાલતું જોવા મળે શકે. તેમાં ફેરફાર કરવા હોય તો એ જ વખતે, લાઇવ શૂટિંગના રીટેકની સ્ટાઇલમાં ફરી શૂટિંગ પણ કરી શકાય.
‘લાયન કિંગ’ના નિર્દેશક જોન ફવરોએ થોડા સમય પહેલાં ડિઝની સ્ટુડિયોની હિટ એનિમેશન ફિલ્મ 'જંગલબુક' ફરી બનાવી તેમાં લેટેસ્ટ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ હતો. ત્યારે લાગતું હતું કે બસ, હવે એનિમેશન ટેકનોલોજીની ટોચ આવી ગઈ. આથી વધુ શું થઈ શકે? પણ 'લાયન કિંગ'માં જોન ફવરોએ બે ડગલાં આગળ વધીને, વર્ચ્યુઅલ રીઆલીટીનો ઉપયોગ કર્યો અને એનિમેશન ફિલ્મનું એવું સ્વરૂપ નીપજાવ્યું, જેને નામ આપવામાં નિષ્ણાતો પણ માથું ખંજવાળતા થઈ જાય. એક લીટીમાં કહેવું હોય તો, તેમણે ફિલ્મના ઇતિહાસમાં પહેલી વાર આખેઆખી ફિલ્મનું શૂટિંગ વર્ચ્યુઅલ રીઆલીટીમાં, વર્ચ્યુઅલ અને વાસ્તવિક સાધનો વડે કર્યું.
'વર્ચ્યુઅલ રીઆલીટી'--આ શબ્દો કાને પડતાં જ તેની સાથે અભિન્નપણે સંકળાયેલો હેડસેટ યાદ આવે. આંખો સહિતનો ઉપરનીચેનો ભાગ ઢાંકી દેતો હેડ સેટ પહેર્યા પછી માણસ રૂમમાં ઊભો હોય, પણ તેને એવું લાગે જાણે તે આંખ સામે દેખાતી આભાસી દુનિયામાં ફરી રહ્યો છે. કમ્પ્યુટરની મદદથી સર્જવામાં આવેલી વર્ચ્યુઅલ સૃષ્ટિની કમાલ એ છે કે તેમા એકલદોકલ દૃશ્ય કે ચિત્રોનો સમુહ નહીં, આખું થ્રી-ડી વાતાવરણ સર્જી શકાય છે અને તે પણ એવી રીતે કે હેડસેટ પહેરી લીધા પછી માણસ એ વાતવરણને ફક્ત જોઈ શકવાને બદલે, પોતે ત્યાં પહોંચી ગયાનો અને ત્યાં હરવાફરવાનો, પોતે તેનો હિસ્સો હોવાનો અનુભવ કરી શકે.
વર્ચ્યુઅલ રીઆલીટીની આ ખૂબી ગેમિંગના ક્ષેત્રમાં ઘણી વપરાતી હતી. આવી રીતે કમ્પ્યુટરની મદદથી સર્જાયેલી કાલ્પનિક સૃષ્ટિમાં કાલ્પનિક પાત્રો પણ સર્જી શકાય અને ગેમ રમનાર પોતે કોઈ એક પાત્ર તરીકે આખી સૃષ્ટિનો ભાગ બની શકે, તેનો ખૂણેખૂણો જોઈ શકે, તેમાં જરૂરી ફેરફાર પણ કરી શકે. ધારો કે વર્ચ્યુઅલ રીઆલીટીની મદદથી ખજાનો શોધવાની ગેમ બનાવી હોય તો દટાયેલા શહેરનો માહોલ રચી શકાય, તેમાં ચાર મિત્રો રમી શકે એવી વ્યવસ્થા રાખવામાં આવી હોય તો હેડસેટ પહેરીને ચારેય મિત્રો વર્ચ્યુઅલ સૃષ્ટિનાં ચાર પાત્રો બનીને આખા શહેરમાં ઘૂમી શકે, એ સૃષ્ટિને ખુંદી. શરત એટલી કે એ ગેમ બનાવતી વખતે કમ્પ્યુટર પ્રોગ્રામમાં એ બધું ઉમેરવું પડે.
આ સંભાવનાનો ઉપયોગ કરીને જોન ફવરોએ 'લાયન કિંગ'ની આખી સૃષ્ટિને વર્ચ્યુઅલ રીઆલીટીની ગેમ તરીકે તૈયાર કરાવી--એવી ગેમ, જે હેડસેટ પહેર્યા પછી એક સાથે ઘણા લોકો 'રમી' શકે. આ ગેમ પણ સીધીસાદી નહીં, ફિલ્મનિર્માણની ગેમ. એટલે 'લાયન કિંગ'ની આખી વર્ચ્યુઅલ સૃષ્ટિમાં શૂટિંગ કરવા માટેના વર્ચ્યુઅલ કેમેરા પણ હોય. હેડસેટ પહેરી લેનાર વ્યક્તિ પોતે એક પાત્ર તરીકે 'લાયન કિંગ'ની વર્ચ્યુ્અલ સૃષ્ટિમાં પહોંચી જાય અને ત્યાં જાતે, વર્ચ્યુઅલ દેહે લોકેશન પર ફરીને જ નક્કી કરી શકે કે કઈ બાજુથી દૃશ્ય લેવું. દા.ત. પહાડની જે કરાડ પરથી સિંહબાળ સિમ્બાને રાજાનો વારસ ઘોષિત કરવામાં આવ્યો, એ કરાડ પર હેડસેટ પહેરનાર વ્યક્તિ વર્ચ્યુઅલ દેહે જઈ શકે અને ત્યાં ફરીને નક્કી કરી શકે કે કઈ બાજુથી દૃશ્ય શૂટ કરવું. દૃશ્ય લેતી વખતે પ્રકાશ ઓછોવત્તો કરી શકે, કમ્પ્યુટરસર્જિત પ્રાણીઓ આસપાસ ફરતાં હોય કે ફ્રેમમાં વચ્ચે આવતાં હોય, તો વર્ચ્યુઅલ દેહે તે પ્રાણીઓને બાજુ પર ખસેડી શકે.
પરંતુ વર્ચ્યુઅલ સૃષ્ટિની ફિલ્મ વર્ચ્યુઅલ કેમેરાથી ઉતરે, તો તેને વાસ્તવિક-નક્કર ફિલ્મ તરીકે કેવી રીતે મેળવી શકાય? બીજા અનેક ટેકનોલોજીના પડકારોની જેમ આ સમસ્યાનો ઉકેલ પણ ટેકનોલોજીની મદદથી જ નીકળ્યો. વર્ચ્યુઅલ વાતાવરણમાં ગોઠવાયેલા કેમેરાનું સંચાલન ઇન્ફ્રારેડ સિગ્નલની મદદથી વાસ્તવિક દુનિયામાં રહેલાં વ્યુ ફાઇન્ડર વડે થતું હોય. એક ખાલી રૂમમાં હેડ સેટ પહેરેલા ડાયરેક્ટર અને કેમેરામેન વર્ચ્યુઅલ દેહે 'લાયન કિંગ'ની વર્ચ્યુઅલ સૃષ્ટિમાં ફરતા હોય. ત્યાં દૃશ્યની ઝીણી વિગત નક્કી થઈ જાય, એટલે વાસ્તવિક દુનિયામાં, ખાલી રૂમમાં રહેલાં વ્યુ ફાઇન્ડરને અસલી કેમેરાના અંદાજમાં ચલાવવામાં આવે. તેની સાથે જોડાયેલા ઇન્ફ્રારેડ સિગ્નલ થકી વર્ચ્યુઅલ સૃષ્ટિના કેમેરા પણ બહારનાં, અસલી વ્યુ ફાઇન્ડરનું અનુકરણ કરે અને એ પ્રમાણે વર્ચ્યુઅલ સૃષ્ટિમાં વાસ્તવિક શોટ લેવાય. ખાલી ખંડમાં કેમેરા કે ડોલી જેવાં શૂટિંગનાં ઉપકરણો હોય ખરાં, પણ કેમેરાની જગ્યાએ વ્યૂ ફાઇન્ડર હોય અને 'સેટ' નરી આંખે નહીં, હેડ સેટ પહેર્યા પછી જ 'દેખાય’.
આવી અટપટી રચનાથી નીપજેલી ફિલ્મ તકનિકી દૃષ્ટિએ એનિમેશન જ છે, પરંતુ વર્ચ્યુઅલ સૃષ્ટિ રચીને તેમાં વર્ચ્યુઅલ દેહે વાસ્તવિક શૂટિંગ કરવું, એ આખી વાત ફિલ્મનો પ્રકાર નક્કી કરવામાં ભારે ગુંચવાડો પ્રેરનારી છે. ફરક એટલો જ કે આ ગુંચવાડો અણઆવડતનું નહીં, આશ્ચર્યચકિત કરનારી સર્જકતા અને ટેકનોલોજીનું પરિણામ અને પરિમાણ છે.
Saturday, July 27, 2019
પ્રકાશોત્સવ (૨) : નાગરિક સહભાગીતાનો ઉમળકાભર્યો જલસો
પ્રકાશભાઈના પુસ્તક પ્રકાશન અને મોક કોર્ટની સાથે સન્માનનિધિ એકત્ર કરવાનું નક્કી કર્યું, ત્યારે સમારંભની આડે માંડ સવા મહિનો બાકી હતો. આવાં કામ ત્રણ-ચાર મહિના પહેલાં તો શરૂ થવાં જોઈએ, એવી પરંપરાગત માન્યતા હતી. આવા કામ માટે નામી હસ્તીઓની સમિતિ બનાવવી જોઈએ, મિટિંગો કરવી જોઈએ અને પછી જ આગળ વધવું જોઈએ, એવી પણ પરંપરાગત માન્યતા હતી. પણ અમે નક્કી કર્યું હતું કે આપણે પરંપરાગત માન્યતાઓને વિરામ આપવો અને આપણી—એટલે ‘સાર્થક’ની- ચંદુભાઈ, હસિત મહેતા જેવી અમારી મિત્રમંડળીના આયોજનની ઢબથી, નો નોનસેન્સ પદ્ધતિએ આખું આયોજન કરવું. તેના માટે અમારી દૃષ્ટિએ પૂરતો સમય હતો અને શું ન કરવું તેની સ્પષ્ટ સમજણ.
એક તરફ સન્માનનિધિની રકમ માટે પ્રકાશભાઈના શક્ય હોય એટલા પરિચિતોને એક વાર જાણ કરવાનું કામ ચાલ્યું. તેમાં અપેક્ષા કરતાં ઓછા મિત્રો સંકળાયા. છતાં, આખા કામમાં કોઈને કશી ફરજ પાડવી નહીં, એવી સમજ પ્રમાણે સૌને મોકળાશ હતી. બીજી તરફ મોક કોર્ટની સ્ક્રીપ્ટ લખવાનું કામ હતું, જે સૌથી છેલ્લે રાખ્યું હતું. કારણ કે એ બાબતે હું સંપૂર્ણ નિરાંતમાં હતો. મારા મનમાં સ્પષ્ટ હતું કે આપણે કોઈ પાસેથી વ્યાવસાયિક અભિનય કરાવવાનો નથી કે સંવાદ ગોખાવવાના નથી. લખેલી સ્ક્રીપ્ટ આપીશું. તે સાથે જ રાખવાની. તેમાંથી અને તેની આસપાસ બોલવાનું, એટલે પંચલાઇનો જળવાઈ રહે અને સમયની પાબંદી રહે. લોકોને મઝા આવે-કંટાળો ન આવે એટલી પંચલાઇનો હતી અને પ્રત્યેક સાક્ષી માટે મર્યાદિત સમય.
એવું જ કામ કોર્ટ માટે સ્ટેજ તૈયાર કરવાનું હતું. એ જવાબદારી પહેલેથી પરમ મિત્ર, વિખ્યાત ફિલ્મ નિર્દેશક, અભિનેતા અને વોઇસ આર્ટિસ્ટ આશિષ કક્કડ અને જાણીતા નાટ્યકાર- ‘સ્ક્રેપયાર્ડ’ ખ્યાત કબીરભાઈ ઠાકોરે આનંદપૂર્વક ઉપાડી લીધી હતી. એટલે તેની શી ચિંતા? વચ્ચે માંડ એકાદબે વાર ફોન પર વાત થઈ હશે. પંદરેક દિવસ પહેલાં વિદ્યાપીઠ હોલમાં જઈને બંને જણે રૂબરૂ સ્ટેજ જોઈ લીધું.
'આ લાઇટિંગનું ને ભડક લાલ જાજમનું શું કરીશું?' કબીર ઠાકોર, આશિષ કક્કડ / Kabir Thakore, Ashish Kakkad |
પિંજરેકે પંછી રે.../ આશિષ કક્કડ, કબીર ઠાકોર Ashish Kakkad, Kabir Thakore preparing the stage for mock trial |
***
કાર્યક્રમ પછી પ્રકાશભાઈ તરફથી ભોજનની વ્યવસ્થા હતી. આમ તો એ ફક્ત વિદ્યાપીઠ કેન્ટિનમાં કહી દેવાનો મામલો હોય. પણ વરસાદના દિવસો. આમંત્રિતોની સંખ્યા નક્કી નહીં. જમવાનું પહેલેથી જાહેર કર્યું ન હતું. સ્થળ તરીકે વિદ્યાપીઠની કેન્ટિન અને તેની બાજુમાં આવેલી લોન (મયુરઉદ્યાન) જ પહેલી પસંદગી હોય. પણ વરસાદ પડે તો શું? એ માટે એસ્ટેટ વિભાગના અભુભાઈને કહીને એક હોલની સ્પેર તૈયારી રાખી હતી. વિદ્યાપીઠના કુલનાયક અનામિકભાઈ કાર્યક્રમની સાંજે અન્ય રોકાણને લીધે હાજર રહેવાના ન હતા. પણ જતાં પહેલાં તે બધી પૂછપરછ કરીને, તેમના તરફથી બધી મદદની ખાતરી અને વ્યવસ્થા કરતા ગયા હતા.
પ્રકાશક તરીકે જેમ અમે પહેલાં વાચક-લેખક હોવાને કારણે એ દૃષ્ટિકોણથી વિચારીએ, તેમ આયોજક તરીકે અમે પહેલાં ઓડિયન્સ હોવાને કારણે, એ દૃષ્ટિકોણથી વિચારીએ.
જેમ કે, ભોજન માટે વિચાર્યું હતું કે મોટી જગ્યા અને ત્રણ કાઉન્ટર રાખવાં, જેથી અકળાવનારી ભીડ ન થાય. મેનુમાં વાનગીઓ પણ એવી હોવી જોઈએ કે પચાસ-પંચોતેર માણસો વધી જાય તો છેલ્લી ઘડીએ સહેલાઈથી વાનગી તૈયાર કરી શકાય અને બને ત્યાં સુધી કોઈને કોઈ વાનગી વિના ચલાવવું ન પડે. હોલમાં એસી ન હતું, પણ હોલ બુક કરાવ્યો ત્યારે એવી આશા હતી કે વચ્ચેના એકાદ મહિનામાં ચોમાસું બેસી ગયું હશે ને ઠંડક થઈ હશે. એ એક ગણતરી ખોટી પડી ને તેના કારણે સૌ ઘણા હેરાન થયા. પણ હોલમાં છેલ્લી ઘડીએ એસી મુકાવવાનું અમારા માટે શક્ય ન હતું. હવે વિદ્યાપીઠના સંચાલકોને વિનંતી કે બીજી છેલ્લી ઘડી આવે તે પહેલાં હોલમાં વૈભવ માટે નહીં, આવશ્યકતા તરીકે અને જાહેર હિતમાં-શ્રોતાઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને વહેલી તકે એસીની સુવિધા ઉભી કરે.
કાર્યક્રમના થોડા દિવસ પહેલાં ‘આર્ટ મણિ’વાળા મિત્ર મણિલાલ રાજપુત અને તેમના સાથીદાર રણજિતની મદદથી પુસ્તક તૈયાર થઈ ગયું હતું અને એકાદ અઠવાડિયા પહેલાં છપાઈને પણ આવી ગયું હતું. ત્યાં જ કાર્યક્રમના બેનર અને અમદાવાદમાં કેટલાક ઠેકાણે લગાડવાનાં પોસ્ટરની ડીઝાઇન પણ તૈયાર કરી લીધી. બિનીત મોદીએ ઠેકઠેકાણે ફરીને લાયબ્રેરી જેવાં જાહેર સ્થળોએ એ-3 સાઇઝનાં પોસ્ટર લગાડ્યાં. ઉપરાંત અપીલ મોકલવામાં પણ મદદ કરી.
પહેલા તબક્કામાં સન્માનનિધિ માટેની અપીલ મોકલવાનું કામ ચાલ્યું, તો છેલ્લા એકાદ અઠવાડિયામાં સોશ્યલ મિડીયા પર અને પોસ્ટથી પ્રિન્ટ આઉટ સ્વરૂપે આમંત્રણો મોકલવાનું કામ ચાલ્યું. રાબેતા મુજબ ચંદુભાઈએ નાદુરસ્ત તબિયતે પણ પ્રેમ અને ઉલટથી ઘણો શ્રમ લીધો. બીજા મિત્રોએ પણ યથા અનુકૂળતા આમંત્રણો આગળ ધપાવ્યાં. તેના પ્રતિભાવ પરથી જણાતું હતું કે અમદાવાદમાં એ જ દિવસે, એ જ સમયે બીજા બે કાર્યક્રમ હોવા છતાં, પ્રકાશોત્સવમાં સંખ્યાનો વાંધો નહીં આવે.
***
કાર્યક્રમ પહેલાં સાંજે ચાર વાગ્યે પ્રકાશભાઈના ઘરે પહોંચ્યો, ત્યારે તે તેમની કાયમી નિરાંતમાં હતા. ‘કેટલા વાગ્યે હોલ પર પહોંચશો?’ના જવાબમાં કહે, ‘સાડા પાંચનો કાર્યક્રમ છે. પાંચ ને વીસ સુધીમાં પહોંચી જઈશ.’
‘આજે બધા તમને મળવા ઇચ્છશે. એટલે વહેલા આવી શકાય તો સારું.’ એવું સૂચવ્યા પછી તે પાંચેક વાગ્યે આવી ગયા. તેમની સાથે નયનાબહેન ઉપરાંત અમેરિકાથી આવેલાં તેમનાં પુત્રી ઋતા શાહ અને બીજાં પરિવારજનો પણ હતાં. તેમનાં દિલ્હીસ્થિત દીકરી રીતિ આવી શક્યાં ન હતાં. તેમના પતિ અને અંગ્રેજી પત્રકાર તરીકેની સ્વતંત્ર ઓળખ ધરાવતા આશિષ મહેતા આવી ગયા હતા. તે પણ અદાલતમાં સાક્ષી તરીકે ઉપસ્થિત થવાના હતા.
પ્રકાશભાઈના ઘરેથી કાર્યક્રમના એક કલાક પહેલાં હોલ પર પહોચ્યો, ત્યારે પાંચ-સાત મહેમાનો આવી ચૂક્યા હતા. એ જોઈને જ મને થયું કે હોલ ચિક્કાર થઈ જશે અને માણસો વધી પડશે. એ ધારણા સાચી જ પડી. લગભગ પોણા છએ કાર્યક્રમ શરૂ થયો ત્યારે લગભગ 350 બેઠકો ધરાવતો હોલ ભરચક થઈ ગયો હતો. કાર્યક્રમમાં સૌથી પહેલી વિનંતી એ કરવી પડી કે ખુરશી પર બેઠેલા યુવાન મિત્રો વડીલો માટે જગ્યા કરી આપે.
હૈયું જ નહીં, હોલ પણ છલકાવી દેતો પ્રેમાદર(ફોટોઃ અશ્વિનકુમાર / Ashwinkumar) |
સૌથી પહેલાં કાર્યક્રમમાં શું થશે અને શું નહીં થાય તેની થોડી વાત મેં કરીઃ પહેલાં મોક કોર્ટ, પછી પુસ્તક વિમોચન, પછી સન્માનનિધિ અર્પણ, છેલ્લે પ્રકાશભાઈનો પ્રતિભાવ અને ભોજન. શરૂઆતનો સવા-દોઢ કલાક તોફાની હતો. ન્યાયાધીશ તરીકે પ્રકાશભાઈના જૂના સાથીદાર-કટોકટીના જેલસાથીદાર અને ‘સાર્થક જલસો’માં કેટલાક યાદગાર લેખ લખનારા હસમુખભાઈ પટેલ હતા. પ્રકાશભાઈના વકીલ તરીકે કેતન રૂપેરા, અદાલતના માણસ તરીકે આશિષ કક્કડ, આરોપી પ્રકાશભાઈ અને ફરિયાદી વકીલ તરીકે હું.
અદાલત ચાલુ છે ;-) (બંને ફોટોનું સૌજન્યઃ આલાપ બ્રહ્મભટ્ટ/ Aalap Bhrambhatt) |
ઠાવકા તોફાની 'ન્યાયાધીશ' હસમુખભાઈ પટેલ / Hasmukh Patel as mock judge |
બધાના હાથમાં સ્ક્રીપ્ટનાં કાગળ હતાં. પ્રકાશભાઈ કાગળ ભૂલી ગયા હતા. એટલે તેમણે શરૂઆતનો ભાગ એમ જ ગબડાવ્યો. ત્યાર પછી આશિષ કક્કડે પ્રકાશભાઈ સામેનું આરોપનામું વાંચ્યુઃ
આરોપનામું
આરોપી પ્રકાશ નવીનચંદ્ર શાહ, ઉંમર વર્ષ ૮૦, રહેવાસી અમદાવાદ સામે આરોપ છે કે
- તે વડાપ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે અને એ માટેનાં કાવતરાં પણ કરે છે. વડાપ્રધાનની સતત ટીકાનું મૂળ કારણ આ છે.
- ખતરનાક માણસો તરીકે ભૂતકાળની સરકારોના ચોપડે ચડી ચૂકેલા કેટલાક ઇસમો સાથે તે નિકટના સંબંધો ધરાવતા હતા. એ સંસ્કાર રાતોરાત જતા રહ્યા હોય એવું માનવાનું કોઈ કારણ નથી.
- તે ડાબેરી છે. રશિયા-ચીન સાથે જીવંત સંપર્કો ધરાવે છે અને રશિયા ગયેલા પણ છે--તે કંઈ વોડકા પીવા તો નહીં જ ગયા હોય.
- એક સમયે તે શાખામાં જતા હતા, પણ પછી ત્યાં જવાનું બંધ કરી દીધું. એટલે તેમની રાષ્ટ્રભક્તિ સંદેહાસ્પદ છે. તેમના વિચારોનું કશું ઠેકાણું નથી. માર્ક્સની વાત કરે ત્યારે માર્ક્સવાદી લાગે, ગાંધીની વાત કરે ત્યારે ગાંધીવાદી, આંબેડકરની વાત કરે ત્યારે આંબેડકરવાદી ને દેરાણીજેઠાણીના આઇસક્રીમની વાત કરે ત્યારે સ્વાદવાદી લાગે...આવા માણસને જાહેરમાં છૂટો રાખવાનું સરકાર અને સમાજ માટે જોખમી છે.
- તે ઉત્તમ અભિનેતા છે. આમ તો અભિનેતા હોવું એ ગુનો નથી, પણ આરોપીએ તેની આ શક્તિ જે રીતે ગુપ્ત રાખી છે, તે વધુ ગંભીર કાવતરાની શંકા ઉપજાવે છે.
- આરોપી આંતરરાષ્ટ્રીય અપરાધી છે. તેની પર લંડનની કોર્ટમાં પણ કેસ ચાલી ચૂક્યો છે. વિદેશી કારોબાર પતાવવા માટે ઘણી વાર આરોપી ગેટવે ઓફ ઇન્ડિયાથી મધદરિયે જાય છે અને કામ પૂરું કરીને પાછા આવી જાય છે.
- આરોપી નિર્મલબાબાની જેમ દરબાર ભરે છે અને લોકોને આડા રસ્તે દોરે છે.
- આરોપી હિંસક વૃત્તિપ્રવૃત્તિ ધરાવે છે. તેનું હથિયાર છે ભાષા. તેમાં સમજ પડે તેને અણીથી લોહી નીકળે છે ને મોટા ભાગના લોકોને તે માથામાં ઘણની જેમ અથડાઈને લોહી કાઢે છે. આમ બંને રીતે પરિણામ લોહીયાળ આવે છે.
- તે લોકોનું ફક્ત મગજ નહીં, શરીર બગાડે એવા ઉપદેશો આપે છે અને યુવાનોને આડા રવાડે ચડાવે છે.
- એક તરફ તે પોતાની જાતને વંચિતતરફી ગણાવે છે. બીજી તરફ, કેટલા બધા લખનારાને સરકારી અકાદમી થકી થનારા ધનલાભથી વંચિત બનાવવાનું કામ કરે છે. આમ તે પહેલાં વંચિતો ઊભા કરે છે ને પછી તેમની તરફેણનો ડોળ કરે છે.
- અદાલતની ચુંગાલમાં ફસાવું ન પડે એટલા માટે પોતે એકેય પુસ્તક લખ્યું નથી. અને લેખોમાં પણ જાણીબુઝીને ભદ્રંભદ્રીય ભાષાનો પ્રયોગ કરે છે કે અદાલતમાં કશું પુરવાર ન થઈ શકે.
***
સાક્ષીઓની જુબાનીની શરૂઆત રતિલાલ બોરીસાગરથી થઈ. તેમણે પ્રકાશભાઈની ભાષાની ઠંડા કલેજે ફિરકી લીધી અને હસાહસ વચ્ચે કહ્યું કે ભદ્રંભદ્ર પ્રકાશભાઈ સાથે વાત કરે, તો તેમની ભાષા પ્રકાશભાઈને સમજાય, પણ પ્રકાશભાઈની ભાષા તેમને ન સમજાય. આરોપ પ્રમાણે એક પછી એક સાક્ષીઓ રજૂ થયા, તેની વિગતો લખવા બેસું તો પાર નહીં આવે. શક્ય હશે તેટલું વિડીયો સ્વરૂપે મૂકીશું. સાક્ષીઓનાં નામ અને ક્રમ આ પ્રમાણે હતાઃ રતિલાલ બોરીસાગર, આશિષ મહેતા, મનીષી જાની, બીરેન કોઠારી, નયનાબહેન શાહ, પ્રકાશભાઈનો અભિનય ધરાવતી ફિલ્મની ઝલક, અશ્વિનકુમાર, કેતન રૂપેરા, મિનાક્ષીબહેન જોષી, બિનીત મોદી.પ્રકાશભાઈની અને ભદ્રંભદ્રની ભાષા વચ્ચે કંઈ સંબંધ ખરો? ઉર્વીશ કોઠારી, રતિલાલ બોરીસાગર/ Urvish Kothari, Ratilal Borisagar |
મોક કોર્ટમાં આમનેસામનેઃ પ્રકાશભાઈ અને નયનાબહેન Prakash N. Shah, Naynaben Shah (ફોટોસૌજન્યઃ આલાપ બ્રહ્મભટ્ટ) |
છેલા સાક્ષી હસિત મહેતા તે દિવસે સવારે લેહથી દિલ્હી અને વડોદરા થઈને સાંજે અમદાવાદ પહોંચવાના હતા. પણ વડોદરામાં ભારે વરસાદને કારણે તેમને પહોંચતાં થોડુંક જ મોડું થયું અને કોર્ટ પૂરી થઈ તેની થોડી મિનીટો પછી તે આવી પહોંચ્યા.
***
કોર્ટની કાર્યવાહી પૂરી થયા પછી સાર્થક પ્રકાશનના સાથીદારો કાર્તિકભાઈ શાહ, દીપક સોલિયા, ધૈવત ત્રિવેદી ઉપરાંત સાર્થકના અભિન્ન અંગ જેવા બીરેન કોઠારી, બિનીત મોદી અને અપૂર્વ આશરને મંચ પર બોલાવવામાં આવ્યા. અપૂર્વ આવી શક્યા ન હતા. પુસ્તકનું ડિઝાઇનિંગ કરનાર મિત્ર મણિલાલ રાજપુતને પણ એ જ સમયે મુંબઈમાં યોજાયેલા કાંતિ ભટ્ટના સન્માન સમારંભમાં જવાનું કમિટમેન્ટ હોવાથી તે પણ ગેરહાજર હતા. આ પુસ્તક જેમને અર્પણ થયું હતું અને જેમના વિના આ સમારંભ આ રીતે શક્ય બન્યો ન હોત, તે ચંદુભાઈને પણ સ્ટેજ પર બોલાવવામાં આવ્યા. કશી ઔપચારિકતા વિના કે રેપિંગ મટિરીયલની ફાડંફાડ કર્યા વિના, સૌએ એક એક પુસ્તક હાથમાં લીધું, પ્રકાશભાઈ સાથે ફોટા પડાવ્યા અને વિમોચન પૂરું થયું.
ત્યાર પછી સન્માનનિધિનો ચેક અર્પણ કરવા માટે ઓડિયન્સમાં ઉપસ્થિત જાહેર જીવનના સિનિયર અને યુવાન એમ બંને પ્રકારના લોકોમાંથી કેટલાકને આમંત્રણ અપાયું. સાથે સ્પષ્ટતા પણ કરવામાં આવી કે કોઈને બાકાત રાખવાનો ઇરાદો નથી. આ કેવળ પ્રતિનિધિરૂપ વ્યક્તિઓ છે. એ લોકો હતા (કોઈ ચોક્કસ ક્રમ વિના) : હિમાંશી શેલત, ઘનશ્યામ શાહ, અચ્યુત યાજ્ઞિક, દીનાબહેન પટેલ, સારાબહેન બાલદીવાલા, રઘુવીર ચૌધરી, સ્વાતિબહેન જોશી, એ. ટી. સિંધી, રજની દવે, પાર્થ ત્રિવેદી, શારીક લાલીવાલા, અદાલતની કાર્યવાહીમાંથી હસમુખ પટેલ, રતિલાલ બોરીસાગર.
અનામિકભાઈ શાહ વતી પ્રકાશભાઈને શાલ અર્પણ કરતા ચંદુ મહેરિયા (બંને ફોટોનું સૌજન્યઃ આલાપ બ્રહ્મભટ્ટ) |
કાર્યક્રમની બપોરે એક વાગ્યા સુધી એકત્ર થયેલો સન્માનનિધિનો આંકડો (ફોટોઃ અશ્વિનકુમાર) |
બેથી સવા બે કલાકમાં, કશી ઔપચારિકતા વિના, કાર્યક્રમ સડસડાટ અને હસીખુશી સાથે પૂરો થઈ ગયો. દરમિયાન 350 બેઠકોના હોલમાં લોકોની સંખ્યા 470 સુધી પહોંચી ગઈ હતી. બેસુમાર બફારો લાગતો હતો. પરંતુ સૌ કોઈ છેવટ સુધી બેઠા અને પ્રકાશભાઈનો પ્રતિભાવ સાંભળીને જ ઉભા થયા.
પ્રકાશ ન. શાહનો પ્રતિભાવ (ફોટોઃ અશ્વિનકુમાર) |
***
કાર્યક્રમ પછી સરેરાશ પ્રતિભાવ આનંદ-ઉલ્લાસ અને સાર્થકતાનો હતો. અમારા માટે પણ તે યાદગાર બની રહ્યો. કેમ કે,- આખું આયોજન કશી ઔપચારિકતા વિના, કમિટી, મિટિંગો ને ઠરાવો વિના, ધાર્યા કરતાં પણ વધુ સફળતાથી પાર પડ્યું.
- કોઈ ‘દાતા’ વિના, કોઈની નિશ્રા વિના ને કોર્પોરેટ કંપનીઓની કોઈ સહાય વિના, આટલી રકમ એકત્ર થઈ શકી.
- પ્રકાશભાઈનું સન્માન હોવા છતાં, પ્રકાશભાઈનાં વખાણના ખડકલા ન થયા. હસમુખભાઈ (પટેલે) પછી કહ્યું તેમ, ‘પ્રકાશભાઈની હાજરીમાં તેમની શોકસભા હોય એવું વાતાવરણ ન થયું’. છતાં મસ્તીતોફાન સાથે, પૂરી ગરિમાપૂર્વક તે સંપન્ન થયો.
- પહેલાંના વખતમાં જેમ નનામી બાંધવાના, તેમ અત્યારે કાર્યક્રમો કરવાના પણ સ્વઘોષિત સ્પેશ્યાલિસ્ટ હોય છે, જે ‘આમ તો થાય જ નહીં’ ને ‘આમ તો કરવું જ પડે’ એવા બધા ફન્ડા શીખવાડતા હોય છે. અમે આવા સ્પેશિયાલિસ્ટોથી દૂર રહીએ છીએ. તેમના વગર બધું સારી રીતે ચાલી જ શકતું હોય છે. આપણે સક્રિયતાથી અને સન્નિષ્ઠ રીતે વિચારીને વિકલ્પ શોધવા પડે. આ કાર્યક્રમ પણ એવી જ રીતે, ઔપચારિકતાઓ અને વિધિવિધાનો વિના, છતાં સુખરૂપ પાર પડ્યો.
***
કાર્યક્રમના અંતે આર્થિક સહયોગ આપનાર સૌ કોઈના નામની એબીસીડી ક્રમમાં સંપૂર્ણ યાદી મૂકવામાં આવી હતી. તેની નકલો જે ઇચ્છે તે લઈ જઈ શકે એ રીતે સુલભ બનાવાઈ હતી. એ ‘સાર્થક પ્રકાશન’ વતી અમે જાતે સ્વીકારેલો પારદર્શક વહીવટનો તકાદો હતો. બીજા ઘણા ચીલા ચાતર્યા, તો હિસાબ આપવામાં પણ શા માટે આગવું ધોરણ સ્થાપિત ન કરવું?
ઉપરાંત, આર્થિક સહયોગ આપનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શક્ય એટલા બધાને પહોંચની સાથે સાર્થક પ્રકાશન તરફથી પ્રકાશભાઈ વિશેના પુસ્તકની એક નકલ સાદર ભેટ આપવામાં આવી. કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ન શકેલા સહયોગીઓને હવે પહોંચ અને નકલ રવાના કરવામાં આવશે.
***
એપ્રિલ 6, 2013ના રોજ અમે ચાર મિત્રોએ બીજા અનેક મિત્રોના સહયોગની ખાતરી સાથે ‘સાર્થક પ્રકાશન’ની સ્થાપના કરી, ત્યારે વિચારેલું કે કરવા જેવાં, પણ ન થતાં હોય એવાં કામ ખાસ કરવાં. જે રીતે અભિનેતા-નિર્દેશક કે.કે.ના લગભગ બેએક દાયકાથી અટવાયેલા જીવનચરિત્રનું કામ રંગેચંગે પાર પડ્યું અને તેની બે આવૃત્તિ થઈ, ફિલ્મસંગીતના ઇતિહાસજ્ઞ નલિન શાહના લેખોનું પહેલું પુસ્તક તેમના જીવનના નવમા દાયકામાં સાર્થકે પ્રકાશિત કર્યું, નગેન્દ્ર વિજયની મુલાકાત આધારિત પહેલવહેલું પુસ્તક સાર્થકમાં આવ્યું, અશ્વિની ભટ્ટની સદાબહાર નવલકથાઓ નવાં અને રીડરફ્રેન્ડલી સ્વરૂપે સાર્થકમાં પ્રગટ થઈ...આ યાદી હજુ લંબાવી શકાય એમ છે-- અને પ્રકાશોત્સવ એ યાદીમાં લેટેસ્ટ ઉમેરો છે.
સાર એટલો જ કે પ્રકાશનનું નામ અને ખાસ તો તે સ્થાપવાનો હેતુ સિદ્ધ થયો, તેનો ભારે સંતોષ છે અને મિત્રો-સ્નેહીઓના પ્રેમાળ સહકાર વિના આ શક્ય બનત નહીં, તેનો પાકો અહેસાસ પણ છે.
નોંધઃ જે સહયોગીઓને પહોંચ અને પુસ્તકની નકલ ન મળી હોય તેમને વિનંતી કે કાર્તિક શાહ (98252 90796)ને વોટ્સએપ કે SMS દ્વારા તમારું આખું સરનામું અને સહયોગ રાશિનો આંકડો મોકલી આપશો.
Thursday, July 25, 2019
પ્રકાશોત્સવ (૧) : નાગરિક સન્માનનો અને આદર-પ્રેમ-કૃતજ્ઞતાનો ઉત્સવ
(પ્રકાશ ન. શાહ / વ્યંગચિત્રઃ અશોક અદેપાલ Prakash N. Shah, Caricature : Ashok Adepal) |
પરંતુ વીસમી જુલાઈએ પ્રકાશભાઈના સન્માન સમારંભ નિમિત્તે તેમનું સન્માન જ થયું, તેમની ગરીમાને ઝાંખપ તો ઠીક, ઘસરકો પણ લગાડે તેવું કશું ન બન્યું, આખા ઉપક્રમ સાથે સન્માનનિધિ સ્વરૂપે રૂપિયાપૈસા સંકળાયેલા હોવા છતાં, પ્રકાશોત્સવ પ્રકાશભાઈના જીવન-કાર્યને તેમની ઉપસ્થિતિમાં ઉમળકાથી ઉજવવાનો જ ઉત્સવ બની રહ્યો.
***
'સાર્થક સંવાદ શ્રેણી' અંતર્ગત પ્રકાશભાઈ સાથેના સવાલજવાબની પુસ્તિકાનું કામ ઘણા સમયથી ચાલતું હતું. જુલાઇમાં પ્રકાશભાઈનાં પુત્રી ઋતા શાહ આઠ-દસ દિવસ માટે ભારત આવવાનાં હતાં. એ જાણ્યું, એટલે નક્કી થયું કે તે અહીં હોય ત્યારે પુસ્તક પ્રગટ કરી દેવું. એ માટે પૂરતો સમય પણ હતો.
ઘણા વખતથી પ્રકાશભાઈની મોક કોર્ટ યોજવાની વાત મારા મનમાં હતી. ૨૦૦૮માં મારી મોક કોર્ટને અનેક પ્રિયજનો-ગુરુજનોએ મારા માટેનું આજીવન સંભારણું બનાવી દીધી. ત્યારથી એ સ્વરૂપ વિશે-તેમાં રહેલી મઝા વિશે મને ખ્યાલ આવ્યો હતો. પરંતુ મોક કોર્ટમાં જેની પર કેસ ચાલે, તે વ્યક્તિ જાતને જરા હળવાશથી લઈ શકે એવી હોવી જોઈએ. ઉપરાંત મજબૂત પ્રકારની સેન્સ ઓફ હ્યુમર પણ જરૂરી. એ બંને લક્ષણ ન હોય તો મોક કોર્ટ રમુજી-તોફાનીને બદલે હાસ્યાસ્પદ કે બીજા કોઈ પણ ચાલુ અભિવાદન કાર્યક્રમ જેવી ઔપચારિક બની રહે. પ્રકાશભાઈમાં આવું નહીં થાય તેની પૂરી ખાતરી હતી. બલ્કે, મને લાગતું હતું કે પ્રકાશભાઈ મોક કોર્ટ માટેના સૌથી લાયક 'ઉમેદવાર' હતા. વખાણનાં ગાડાંને બદલે તોફાની આરોપબાજીથી રાજીપો અનુભવવા જેટલી આંતરિક સ્વસ્થતા અને રમુજવૃત્તિ પ્રકાશભાઈ ધરાવે છે.
પુસ્તકનું નક્કી થયું એટલે મોક કોર્ટનો વિચાર તાજો કર્યો. સાર્થક પ્રકાશનના સંચાલનના આધારસ્તંભ સમા સાથીદાર કાર્તિકભાઈને વાત કરી. સામાન્ય રીતે સાર્થક પ્રકાશન નિમિત્તે સમારંભો ન કરવા એવું નક્કી કર્યું છે. કારણ કે તેમાં મઝા તો આવે, પણ ખર્ચ ઘણો થાય છે અને સાર્થક પ્રકાશન પાસે એવા વધારાના કે 'ઉપરના' રૂપિયા નથી હોતા. પરંતુ પ્રકાશભાઈની મોક-કોર્ટની વાત જુદી હતી. એ માટે અમે નક્કી કર્યું કે આમથી-તેમથી સહકાર મેળવીને પણ આ કાર્યક્રમ કરવો. પ્રકાશભાઈનાં દીકરીના રોકાણ પ્રમાણે કાર્યક્રમની તારીખ નક્કી કરીઃ ૨૦ જુલાઈ ૨૦૧૯. શનિવાર.
મોક કોર્ટના તોફાન અંગે પ્રકાશભાઈની ઉત્સાહભરી સંમતિ મેળવ્યા પછી સૌથી પહેલો સંપર્ક ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક અનામિકભાઈ શાહનો કર્યો. પ્રકાશભાઈ પ્રત્યે ભરપૂર આદર અને લાગણી ધરાવતા અનામિકભાઈએ ધારાધોરણ પ્રમાણે આપી શકાય એટલું કન્સેશન અને કેટલીક અંગત મદદ કરી. એવી રીતે વિદ્યાપીઠનો હીરક મહોત્સવ સભાખંડ બુક કરાવ્યો. ત્યાં સુધી, એટલે કે જૂનના પહેલા અઠવાડિયા સુધી, ફક્ત મોક કોર્ટ અને પુસ્તક પ્રકાશનનો જ ખ્યાલ હતો. કાર્યક્રમ પાંચ વાગ્યે શરૂ થાય, સાત વાગ્યે પૂરો થાય ને સૌ પોતપોતાના ઘરભેગા.
પરંતુ હોલ નક્કી થઈ ગયા પછી મનમાં આવતા અનેક વિચારોની જેમ વિચાર આવ્યોઃ આટલું કરીએ જ છીએ, તો પ્રકાશભાઈનું સન્માનનિધિ અર્પણ ન કરવો જોઈએ? બીજા સન્માન ઉપરાંત એ નક્કર સન્માન બની રહે.
આ પહેલાં સન્માનનિધિ એકત્ર કરવાના કોઈ પ્રસંગનો જરાસરખો પણ અનુભવ ન હતો. એટલે થોડું વિચારીને એ વિચાર અવ્યવહારુ ગણીને મનોમન ફાઇલ કરી દીધો. બીજા દિવસે કાર્તિકભાઈ સાથેની વાતચીતમાં સહજ તેનો ઉલ્લેખ કર્યો, ત્યારે તેમણે કહ્યું કે આ તો કરવું જ જોઈએ.
અગાઉ બીજા કેટલાક વડીલ મિત્રોએ પ્રકાશભાઈનું આ રીતે સન્માન કરવાનું વિચાર્યું હતું. વાત થોડી આગળ પણ વધી હતી. પરંતુ છેવટના અંજામ સુધી પહોંચી શકી નહીં. એ વખતે છેલ્લા તબક્કામાં એક વાર મારી હાજરીમાં પણ વાત થઈ હતી. ત્યારે રૂપિયા કયા નામે એકત્ર કરવા અને તેનો ટેક્સ સહિત બીજી કેવી-કેટલી ટેકનિકલ બાબતોની ગુંચ આવી શકે, તેની ઘણી ચર્ચા થઈ હતી. છેવટે કશો સંતોષકારક નીવેડો ન આવતાં એ વાત વિખેરાઈ ગઈ. આ વખતે કાર્તિકભાઈએ કહ્યું કે રૂપિયા સાર્થક પ્રકાશનના નામે લઈશું. એની ચિંતા ન કરો.
મને તેમાં સૈદ્ધાંતિક રીતે કશો વાંધો લાગતો ન હતો. પણ મજબૂત સેકન્ડ ઓપિનિયન માટે કાર્તિકભાઈને ત્યાંથી જ મેં ચંદુભાઈ મહેરિયાને ફોન કર્યો. તે પરમ મિત્ર. સાચા મિત્ર. આવી બાબતમાં તેમના અભિપ્રાય જરાય શેહશરમ વગરના હોય. કરવા જેવું લાગે તો જ એ હા પાડે. ને આ બાબતમાં તે લીલી ઝંડી આપે તો બીજાના સંભવિત વાંધાની કે કથિત સિદ્ધાંતપિંજણોની હું કશી દરકાર ન કરું.
ચંદુભાઈએ તત્કાળ હા પાડી અને કહ્યું કે આ કરવું જોઈએ. ત્યારથી પ્રકાશોત્સવમાં એક નવું પરિમાણ ઉમેરાયુંઃ સન્માનનિધિ.
***
રૂપિયાપૈસાની વાત આવી, એટલે અમે સાવધ થઈ ગયા. કેટલીક સ્પષ્ટતાઓ જરૂરી બની. તે પછીથી અમે લેખિતમાં પણ કરી. સૌથી પહેલી સ્પષ્ટતા સાર્થક પ્રકાશનની ભૂમિકા અંગેની. પુસ્તક પ્રકાશન અને મોક કોર્ટ સાર્થક પ્રકાશનના કાર્યક્રમ હતા, જ્યારે સન્માનનિધિમાં સાર્થકે ફક્ત હિસાબકિતાબની જવાબદારી સંભાળવાની હતી. (એ 'ફક્ત'માં સમાય એટલું ન હતું, એ તો પછીથી કાર્તિકભાઈને ધંધે લાગેલા જોયા ત્યારે વધારે ખ્યાલ આવ્યો) આર્થિક અજ્ઞાનવશ મેં કાર્તિકભાઈને એવો સવાલ પણ પૂછ્યો હતો કે 'જે રૂપિયા સાર્થકના ખાતામાં જમા થાય, તેનું વ્યાજ આવે તેનું શું? આપણે એ ન લઈ શકીએ.’
ત્યારે કાર્તિકભાઈએ હસતાં હસતાં સમજાવ્યું કે 'રૂપિયા સાર્થકના ચાલુ ખાતામાં (કરન્ટ અકાઉન્ટમાં) જમા થશે. તેમાં વ્યાજ ન મળે.’ પણ એ તબક્કે બધી સ્પષ્ટતા જરૂરી હતી. સાર્થક પ્રકાશન આખા ઉપક્રમમાં કશી ખટપટ કે કર્તાભાવ વિના હિસાબ રાખે ને છેવટે પ્રકાશભાઈને તથા સૌ કોઈને હિસાબ આપી દે, એટલે તેનું કામ પૂરું. સન્માનનિધિના મામલે સાર્થકને પારદર્શક-કાર્યક્ષમ વહીવટ સિવાય બીજો કોઈ જશ ન ખપે. નિધિનો ચેક અર્પણ થાય ત્યારે નાગરિક સમાજના સભ્યો પ્રકાશભાઈ સાથે મંચ પર હોય. તેમાં પણ સાર્થક પ્રકાશનના સાથીદારો ન હોય. આટલી સ્પષ્ટતા મનમાં પાકી હતી.
***
સન્માનનિધિ એકત્ર કરવાનો થાય ત્યારે સામાન્ય રિવાજ એવો છે કે સમિતિ બને, તેની મિટિંગો થાય, વધુ મિટિંગો થાય, તેમાં વાંધા પણ પડે, વાતો આડીઅવળી ફંટાય, લોકોના અહમ્ સાચવવા પડે, કાર્યક્ષમતાને બદલે સિનિયોરિટીના ખ્યાલ કરવા પડે...અને એ પછી પણ સંઘ કાશીએ પહોંચે ત્યારે ખરો.
અમારી રાબેતા મુજબની પદ્ધતિ પ્રમાણે, આખા આયોજનમાં શું ન કરવું એ નક્કી હતું. એટલે ધીમે ધીમે ચંદુભાઈના બરાબર મદદ-માર્ગદર્શન-સાથ અને ભરપૂર સક્રિયતાથી એક પછી એક પગલાં શરૂ કર્યાં. સૌથી પહેલાં સન્માનનિધિ માટેની અપીલ તૈયાર કરી. તેમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું હતું કે વ્યાપક નાગરિકસમાજ દ્વારા ઋણઅદાયગીના નાનકડા પ્રયાસ તરીકે સન્માન નિધિ અર્પણ થવાનો હતો અને સન્માન નિધિ તરીકે કોઈ ચોક્કસ રકમનું લક્ષ્ય નથી. મહત્તમ રકમ એકઠી થાય તેવો આપણો પ્રયાસ રહેશે.
અપીલની નીચે જૂનાં અને જાણીતાં નામ મૂકવાનું ટાળ્યું. એ બધાં આદરણીય વ્યક્તિત્વો છે. તેમનો સહકાર મળશે એવી ખાતરી જ હોય. પરંતુ અમુક ઉંમર પછી એનાં એ જ વૃક્ષોનો કોઠે પડી ગયેલો છાંયડો છોડીને નવી વાવણી કરવાનું જરૂરી હોય છે--વ્યક્તિગત રીતે તેમ જ જાહેર જીવન માટે પણ. બીજી સ્પષ્ટતા એ વાતની પણ હતી કે લોકો સન્માનરાશિ પ્રકાશભાઈ માટેના ભાવથી આપવાના છે. ત્રીજી સ્પષ્ટતા એ કે પ્રકાશભાઈના ખરા પ્રેમીઓ આ કામમાં મદદરૂપ થવા માટે અપીલમાં નીચે પોતાનું નામ નહીં શોધે. કારણ કે એ કંઈ મંત્રીમંડળની યાદી નથી. એ તો પોતાના ભાવથી જ સક્રિય થશે, પોતપોતાના વર્તુળમાં વાત મૂકશે અને તે વાત વધુ લોકો સુધી પહોંચાડશે. અપીલમાં પણ અમે સ્પષ્ટ કર્યું હતું કે અહીં જે થોડાં નામો છે તે આપણાં વ્યાપક નાગરિક સમાજ અને ચાહકોના પ્રતિનિધિત્વનો નાનકડો હિસ્સો છે.
વિવિધ પ્રતિનિધિત્વને ધ્યાનમાં રાખીને મુકાયેલાં નામ હતાંઃ હસમુખ પટેલ (વિરમપુર), મંદા પટેલ (અમદાવાદ), ચંદુ મહેરિયા (ગાંધીનગર), ઉત્તમ પરમાર (કીમ), વિપુલ કલ્યાણી (બ્રિટન), એ. ટી. સિંધી (પાલનપુર), રમેશ ઓઝા (મુંબઈ), દ્વારકાનાથ રથ (અમદાવાદ), રજની દવે (અમદાવાદ), બિપિન શ્રોફ (મહેમદાવાદ), સંજય શ્રીપાદ ભાવે (અમદાવાદ), સારાબહેન બાલદીવાલા (અમદાવાદ), દીપક સોલિયા (મુંબઈ), મહેન્દ્રસિંહ પરમાર (ભાવનગર), ભરત મહેતા (વડોદરા), ઉર્વીશ કોઠારી (મહેમદાવાદ)
અમારી ભૂમિકા આટલી જ હતીઃ પ્રકાશભાઈથી પરિચિત લોકો સુધી સન્માનનિધિ વિશેની વાત પહોંચાડવી. 'નિરીક્ષક' ઉપરાંત ઇન્દુકુમાર જાનીએ 'નયા માર્ગ'માં અને રજનીભાઈ દવેએ 'ભૂમિપુત્ર'માં પહેલાં અપીલ અને પછીના અંકમાં જાહેર નિમંત્રણ છાપ્યાં. પરંતુ સન્માનનિધિનો મામલો કેવળ જાહેર અપીલથી શક્ય ન બને. એટલે ચંદુભાઈએ, હસમુખભાઈ પટેલે, ઉત્તમભાઈ પરમારે, લંડન બેઠેલા વિપુલભાઈ કલ્યાણીએ, (અપીલની નીચે જેમનું નામ ન હતું એ) હસિત મહેતાએ અને મેં વ્યક્તિગત સંબોધન સાથે વ્યક્તિગત પત્રો, મેઇલ ને ફેસબુક મેસેજથી લોકોને જાણ કરી. અપીલ સાથે હું ફક્ત એટલું જ લખતો હતોઃ 'વાંચીને યથાયોગ્ય કરવા માટે...’ આવો મેસેજ કર્યા પછી કોઈને ફરી યાદ ન કરાવવું એ નક્કી હતું. કેમ કે, આ તો કૃતજ્ઞતા કે આદર કે પ્રેમ વ્યક્ત કરવાની વાત હતી. તેમાં આગ્રહ કે ઉઘરાણી ન હોય.
***
સન્માનનિધિનું નક્કી થયા પછી નક્કી થયેલી અને છેવટ સુધી પાળવામાં આવેલી કેટલીક બાબતોઃ
- જેમને અપીલ મોકલતાં ખચકાટ થાય, પ્રકાશભાઈ પ્રત્યે તેમને ભાવ હશે કે નહીં એવી અવઢવ થાય, તેમને અપીલ ન જ મોકલવી.
- પહેલા ક્રમે પ્રકાશભાઈના સ્વમાનનો-ગરિમાનો-ગૌરવનો અને પછીના ક્રમે આપણા સ્વમાનનો પૂરેપૂરો ખ્યાલ કરવો. માથું કે હાથ નીચાં થાય એવી રીતે કશું જ માગવું નહીં કે લેવું પણ નહીં. કેમ કે, આ નિધિ પ્રકાશભાઈને મદદ કરવાના આશયથી નહીં, જાહેર જીવનમાં તેમના પ્રદાનની કદરના આશયથી છે.
- પ્રકાશભાઈનું નામ પણ ન સાંભળ્યું હોય એવા, 'દાતાઓ'ને મળવું જ નહીં. તેમની પાસેથી રકમ મેળવવાનો તો સવાલ જ નહીં.
- વ્યક્તિગત પત્ર કે મેઇલ મોકલ્યા હોય તેમને પણ ફરી યાદ કરાવીને શરમમાં નાખવાં નહીં.
આ કવાયત શરૂ કરી, ત્યારે એક-બે નજીકના મિત્રોએ પૂછ્યું, 'કેટલું ટાર્ગેટ છે?’ ત્યારે મારો જવાબ હતો, ‘એવું કશું વિચાર્યું નથી ને મનમાં એવો કોઈ આંકડો કે લક્ષ્યાંક પણ નથી. પણ ગૌરવભેર થાય એટલો મહત્તમ પ્રયાસ કરવાનો છે.’ શરૂઆતથી જ કાર્તિકભાઈ સાથે એવી સમજૂતી કરી કે 'છેવટ સુધી હું તમને આંકડો નહીં પૂછું.’ તેમણે કહ્યું, 'તમે પૂછશો તો પણ હું નહીં કહું.’ આ શરત પણ અમે પાળી. જે શનિવારે કાર્યક્રમ હતો તેના ચાર દિવસ પહેલાં, મંગળવારે સવારે કાર્તિકભાઈનો ફોન આવ્યો. તેમણે ફક્ત એટલું જ કહ્યુંઃ સેવન ડિજિટ. (સાત આંકડા)
***
આવો કોઈ પણ ઉપક્રમ હોય, તેમાં અવનવા અનુભવો તો થાય ને થયા પણ ખરા. પરંતુ ચંદુભાઈ સાથે લગભગ રોજ સાંજે-રાત્રે થતી વાતમાં આદાનપ્રદાન થાય, ઘણી ગમ્મત કરીએ, ક્યારેક ખીજ પણ ચડે, લોકોની અવનવી વર્તણૂંકોથી રમુજ થાય ને નવાઈ પણ લાગે. થોડા સમય પછી કોઈ વળી પૂછે કે 'રકમ થઈ ગઈ? ન થઈ હોય તો અમે આપીએ.’ તેમને અમે પોતપોતાની રીતે કહેતા કે આમાં 'રકમ' ને 'થઈ ગઈ' જેવું કશું નથી. તમને ભાવ હોય તો તમને જે ઠીક લાગે તે રકમ આપવાની છે. અપીલમાં અમે સૂચવેલું કે આર્થિક રીતે સ્થિર હોય એવા ઘણા મિત્રો રૂ. પાંચ હજાર આપે છે. એ ઇશારો એવા લોકો માટે હતો, જેમને આર્થિક પ્રશ્ન ન હોય, પણ આંકડો સૂઝતો ન હોય. બાકી, સન્માનનિધિમાં સો રૂપિયા પણ આવ્યા ને અમે બહુ ભાવથી અને આદરથી સ્વીકાર્યા.
થોડા મિત્રો એવા પણ હોય, જેમને અવઢવ હોય કે 'પ્રકાશભાઈને વળી રૂપિયાની શી જરૂર? તેમનો તો નવરંગપુરામાં કરોડોનો બંગલો છે ને લાખોની મિલકત હશે.’ આવું કોઈ પ્રત્યક્ષ પૂછે તો અમે કહેતા હતા કે આ રકમ પ્રકાશભાઈને આર્થિક સહાયનો કાર્યક્રમ નથી. તમને તેમના પ્રત્યે ભાવ હોય, આર્થિક સુવિધા હોય તો તમારો ભાવ નક્કર રકમ આપીને વ્યક્ત કરી શકો છો. તેમાં પ્રકાશભાઈની આર્થિક સ્થિતિ એ કોઈ મુદ્દો જ નથી.
અને ફોર ધ રેકોર્ડ, બંગલો પ્રકાશભાઈના સમૃદ્ધ પિતાએ દાયકાઓ પહેલાં બનાવેલો. પ્રકાશભાઈ સંપત્તિના સર્જનમાં કે વૈભવી જીવનમાં તો ઠીક, આર્થિક સ્થિરતાના ફરજરૂપ લાગે એવા મોહથી પણ તે દૂર રહ્યા છે.
છતાં એકંદર પ્રતિભાવ બહુ સારો હતો, એવું પત્રો-મેઇલના પ્રતિભાવ પરથી અને કાર્તિકભાઈની વાત પરથી લાગતું હતું. કેટલા બધા લોકોએ ઉપરથી અમારો આભાર માન્યો કે તમે પ્રકાશભાઈ પ્રત્યે ભાવ વ્યક્ત કરવાની તક આપી. આખા આયોજનની એ મોટી ઉપલબ્ધિ હતી. પ્રકાશભાઈ પ્રત્યે ભાવ ધરાવતા-તેમની કદર જાણનારા લોકો કેટલી મોટી સંખ્યામાં છે એનો અહેસાસ બહુ આનંદ આપનારો હતો--અત્યારે તો વિશેષ.
(કાર્યક્રમની તૈયારીઓ અને તેની ગતિવિધિનું વર્ણન ધરાવતો ઉત્તરાર્ધ આવતી કાલે)
Monday, July 22, 2019
ગાંધીવિચારના લાકડે 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ'નું માંકડું?
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીની દુનિયાનો ચલણી સિક્કો છે. સ્વયંસંચાલિત કાર જેવી વિકસી રહેલી ટેકનોલોજીથી માંડીને સ્માર્ટ ફોન જેવી સામાન્ય બની ચૂકેલી ચીજોમાં AI વપરાય છે—અને તેનો પથારો સતત ફેલાઈ રહ્યો છે. Aiની મદદથી ચેસ તથા ‘ગો’ જેવી બુદ્ધિની રમતોમાં કમ્પ્યુટરો જગતના મહાન ખેલાડીઓને હરાવી ચૂક્યાં છે. આવી પ્રચંડ ‘બુદ્ધિશક્તિ’ ધરાવનાર AI ગાંધીજીનાં લખાણોનું અર્થઘટન અથવા આધારભૂત સંકલન કરી શકે?
સવાલ મહત્ત્વનો છે. કેમ કે, નાણાં મંત્રીએ બજેટ દરમિયાન 'ગાંધીપિડીયા' (ગાંધીજી વિશેના માહિતીકોશ)ની જાહેરાત કરી છે. તેમાં આઇ. આઇ. ટી. (ખડગપુર) અને આઇ. આઇ. ટી. (ગાંધીનગર)ના નિષ્ણાતો સંકળાવાના છે. એ ટેકનોલોજીના વિદ્વાનો છે અને ટેકનોલોજીની મદદથી ગાંધીજીનાં અઢળક લખાણોને જુદાં જુદાં લોકભોગ્ય સ્વરૂપે રજૂ કરવાના છે, એવું અત્યારના અહેવાલો પરથી સમજાય છે.
પોતાના જીવનકાળમાં ગાંધીજીએ જેટલું લખ્યું છે, તેટલું જાહેર જીવનની ભાગ્યે જ બીજી કોઈ વ્યક્તિએ લખ્યું હશે. ‘કલેક્ટેડ વર્કસ ઓફ મહાત્મા ગાંધી’ના 100 ગ્રંથોનાં આશરે પચાસ હજાર પાનાંમાં તેમના અનેક પત્રો, લખાણો, મુલાકાતો, પ્રવચનો સંઘરાયેલાં છે. તેમાં સમાવેશ પામ્યું ન હોય એવું પણ બીજું ઘણું. ગાંધીજીના અતિવિશ્વાસુ સાથી-સચિવ મહાદેવ દેસાઈએ લખેલી ડાયરીના સંખ્યાબંધ ભાગથી માંડીને બીજા સાથીદારોએ લખેલા અનેક ગ્રંથોમાંથી પણ ગાંધીવિચાર અને ગાંધીચરિત્રનાં અનેક પાસાં છતાં થાય છે. ‘કલેક્ટેડ વર્કસ’ના 100 ભાગનો હિંદી અને ગુજરાતીમાં પણ અનુવાદ થયો છે (જેનું થોડું કામ હજુ બાકી છે.)
સવાલ ફક્ત જથ્થાનો હોત તો ટેકનોલોજી બેશક તેનો અકસીર ઇલાજ હતી, પરંતુ ગાંધીજીનું લખાણ નકરો ‘ડેટા’નો ઢગલો નથી, જેમાંથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બધું સહેલાઈથી તારવી કાઢે. તેમાં અનેક સંદર્ભો, પૂર્વાપર સંબંધો, જુદા જુદા સમયે જુદી જુદી અર્થચ્છાયાઓ સાથે વપરાતી અભિવ્યક્તિઓ, સમયાંતરે બદલાતા વિચાર અને તેની પાછળનાં કારણ, વ્યક્ત શબ્દોની પછવાડે રહેલી અવ્યક્ત અને સમજી લેવાની ('બીટવીન ધ લાઇન્સ' પ્રકારની) વાતો—આવી સંકુલતાનો પાર નથી. તેની સામે, ગાંધીજીને મૂળ સ્વરૂપે જાતે વાંચીને સમજવાનું એટલું અટપટું નથી. કેમ કે, વાંચનારને તેમાં પોતાની અપૂર્ણતાનો પણ ખ્યાલ હોય છે. બીજી તરફ, ગાંધીજીના સંપૂર્ણ અને સર્વાંગી વિશ્લેષણ બાબતે તો પ્રખર બુદ્ધિપ્રતિભા અને ઊંડો અભ્યાસ ધરાવતા વિદ્વાનો પણ એકમત હોતા નથી. વિખ્યાત કાર્ટૂનિસ્ટ અબુ અબ્રાહમના એક કાર્ટૂનમાં એ વાત બહુ માર્મિક રીતે સૂચવાઈ છેઃ પાંચ પ્રજ્ઞાચક્ષુઓ હાથીનાં જુદાં જુદાં અંગો પકડીને હાથી કેવો હશે, એ સમજવાની કોશિશ કરે છે, તેમ પાંચ નેતાઓ પોતપોતાની મર્યાદાથી, પોતાના હાથમાં ગાંધીજીનું જે આવ્યું તેના આધારે, ગાંધીજી શું છે તે સમજવાની કોશિશ કરે છે.
એ કોશિશ સમજવાની હોય ત્યાં સુધી ઠીક છે, પણ ગાંધીપીડિયા તો એ રીતે ગાંધીજીને બીજા સમક્ષ મૂકવાની કોશિશ બનવાનો છે. એટલે ગાંધીજીના અનર્થઘટનનું જોખમ સમજનાર પૂરતું મર્યાદિત નહીં રહેતાં, વ્યાપક બને છે. અને આખી કવાયતને સરકારનો આશ્રય હોય એટલે એક રીતે તેને 'સત્તાવાર'ની મહોર પણ લાગે છે.
ગાંધીજીને ટુકડામાં સમજી શકાય નહી. કેમ કે, દેખીતી રીતે અલગ લાગતી તેમની ઘણી બધી બાબતો એકબીજા સાથે નાળસંબંધ ધરાવે છે. AI જેવી ટેકનોલોજીનો સૌથી મોટો ખતરો એવો છે કે તે શબ્દોને ને નામોને કે શબ્દપ્રયોગોને કે બહુ તો વિષયોને પકડી શકે-જુદાં તારવી શકે-ઇચ્છા મુજબ, માગણી મુજબ વીણીને હાજર કરી શકે, પણ જુદી જુદી બાબતો વચ્ચેનો પેચીદો આંતરસંબંધ પામવાનું તેના માટે લગભગ અશક્ય છે. તેમ છતાં એવું દુઃસાહસ કરવામાં આવે, તો તેની સીધી અસર ગાંધીવિચારની અધિકૃતતા પર થાય. AIની ‘અક્કલ’થી ગાંધીજી વિશે સમજવા ને ખાસ તો સમજાવવા જતાં ગાંધીવિચારની વિકૃત, ખંડિત, ભૂલભરેલી કે અધકચરી-અર્ધસત્ય રજૂઆત જાહેરમાં મુકાય--અને તે પણ સરકારમાન્ય સ્વરૂપે-- એવો ખતરો પૂરેપૂરો રહે છે. ગાંધીવિચારને સમજવા માટે AIનું માળખું બનાવતી વખતે ગાંધીનિષ્ણાતોનો સાથ લેવામાં આવે, તો જોખમ થોડું ઘટે છે, પણ સાવ નાબૂદ થતું નથી. તેમાં જેટલો સવાલ AIની મર્યાદાનો છે, એટલો જ ગાંધીવિચારના વ્યાપ અને તેની સંકુલતાનો છે.
આ તો થઈ પાયાની વાત. એટલા ઊંડાણમાં ન જતાં, પ્રાથમિક વાત કરીએ તો, ટેકનોલોજીનો ઉપયોગ કરીને છપાયેલા શબ્દોમાંથી બધું તારવી આપવાનું થિયરીમાં લાગે, એટલું સીધું કે સહેલું નથી. કેટલાક શબ્દો કે શબ્દપ્રયોગો પ્રચલિત સ્વરૂપે શોધવા જતાં તેની સાવ ઓછી એન્ટ્રી મળે, ત્યારે જોનાર છેતરાઈ શકે છે. જેમ કે, દાંડીકૂચ અને ધરપકડ પછીના અરસામાં ગાંધીજી અને વાઇસરોય ઇર્વિન વચ્ચે થયેલો 'ગાંધી-ઇર્વિન પેક્ટ'. અંગ્રેજી 'કલેક્ટેડ વર્કસ'માં 'ગાંધી-ઇર્વિન પેક્ટ' લખીને સર્ચ કરવામાં આવે, તો એક જ એન્ટ્રી મળે, પણ માણસે બનાવેલી સૂચિ જોતાં આ વિષયના ઉલ્લેખોની લાંબીલચક યાદી મળે છે.
તેનો અર્થ એ નથી કે ગાંધીવિચારનો દરિયો ખુંદવામાં ટેકનોલોજીનો ઉપયોગ ન કરવો. ‘કલેક્ટેડ વર્કસ’નાં અને બીજાં લખાણ સર્ચેબલ હોય તો ચોક્કસ શબ્દ કે નામ કે સ્થળનામ શોધવામાં બહુ સુવિધા રહે. હકીકતમાં, ગુજરાત વિદ્યાપીઠ સાથે સંકળાયેલાં દીનાબહેન પટેલે 'કલેક્ટેડ વર્કસ ઓફ મહાત્મા ગાંધી'ના (અગાઉ લખાણમાં છેડછાડનો ભોગ બની ચૂકેલા) સો ગ્રંથોને ફક્ત સર્ચેબલ જ નહીં, પ્રમાણભૂત બનાવવાનું મહાકાર્ય ક્યારનું પૂરું કરી દીધું છે. એટલે અંગ્રેજીમાં ગાંધીલખાણના પાયાના સો ગ્રંથો તો દીનાબહેનની ઝીણી નજરમાંથી ગળાઈચળાઈને વપરાશ માટે તૈયાર છે અને તે ડીવીડી સ્વરૂપે ઉપલબ્ધ પણ છે. એવી જ રીતે 'સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ' ના પોર્ટલ gandhiheritageportal.org પર કલેક્ટેડ વર્કસ ઉપરાંત બીજાં સંખ્યાબંધ પુસ્તકો સ્કેન કરીને મુકવામાં આવ્યાં છે. તે સર્ચેબલ નથી, પણ ડિજિટાઇઝેશનના કામમાં મદદરૂપ થનાર સરકાર સૂચવે ને મદદરૂપ થાય તો આ સામગ્રીને સર્ચેબલ બનાવી જ શકાય.
તેને બદલે સરકારે નવેસરથી, 'ગાંધીપીડિયા' થકી ગાંધીજીને લગતી અધિકૃત માહિતીનું નવું તંત્ર ઊભું કરવાનો નિર્ણય લીધો છે, જે આશ્ચર્યજનકની સાથે ગાંધીવિચારની અધિકૃતતા માટે જોખમી પણ છે. કેમ કે, આ નવું તંત્ર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી ગાંધીવિચારની પસંદગી, સંકલન અને અમુક અર્થમાં અર્થઘટનનું કામ કરવાનું છે એવું અહેવાલો પરથી સમજાય છે. ગાંધીજીની સામગ્રીનો સંગ્રહ અને જાળવણી કરીને તેને અધિકૃત રીતે વિશ્વ સમક્ષ મુકનાર સાબરમતી આશ્રમે પણ યોગ્ય રીતે જ ગાંધીવિચારના અર્થઘટનનું દુઃસાહસ કર્યું નથી. ત્યારે ભલે ગમે તેટલી લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી, ગાંધીવિચારના સંકલન કે પેકેજિંગનું કામ ગાંધીજી જેટલું જ ભાવિ પેઢીને પણ અન્યાય કરનારું બની શકે છે.
Labels:
Gandhi/ગાંધી,
it
Thursday, July 11, 2019
આઇટી કંપનીઓ 'દેશ' બની શકે? બનવી જોઈએ?
દેશ એટલે શું? ટૂંકામાં ટૂંકો જવાબ આપવો હોય તો, દેશ એટલે સત્તા, સૈન્ય, જમીન, ચલણ (કરન્સી) અને લોકો. ખાનગી કંપનીઓ ગમે તેટલી મોટી, બહુરાષ્ટ્રીય હોય તો પણ તે સૈન્ય અને ચલણ લાવી શકે નહીં. જમીન અને લોકો દેશના હિસાબે સાવ મર્યાદિત સંખ્યામાં હોય. એટલે વૉલમાર્ટ કે જનરલ ઇલેક્ટ્રિક કે ઓઇલ કંપનીઓ તેમના સુવર્ણયુગમાં કદી સરકારની હરીફ બની શકી નહીં. કંપનીઓના કારોબાર ગમે તેટલા મોટા હોય, તેમની સંપત્તિ ગરીબ દેશોના જીડીપી કરતાં વધારે હોય, તો પણ તેમનો વધુમાં વધુ પ્રભાવ સરકારને નચાવવા પૂરતો અથવા તેમની પાસેથી પોતાનો ફાયદો કઢાવી લેવા પૂરતો હોય.
પરંતુ છેલ્લા એક-દોઢ દાયકામાં વૈશ્વિક આધિપત્ય ધરાવતી ગુગલ, એપલ, ફેસબુક જેવી કંપનીઓની વાત જુદી છે. તેમના પહેલાં કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમમાં બિલ ગેટ્સની માઇક્રોસોફ્ટનું એકચક્રી રાજ હતું. પરંતુ એ રાજ કમ્પ્યુટર પૂરતું મર્યાદિત હતું. એટલે બિલ ગેટ્સ વિશ્વના સૌથી ધનાઢ્ય બનવા છતાં, માઇક્રોસોફ્ટનું વ્યાપક ક્ષેત્ર વ્યવસાય પૂરતું જ રહ્યું. સ્માર્ટફોન યુગમાં ગુગલ, એપલ અને ફેસબુક જેવી કંપનીઓ માઇક્રોસોફ્ટથી આગળ નીકળી ગઈ અને કાર્યક્ષેત્રની દૃષ્ટિએ પણ જુદી પડી.
માઇક્રોસોફ્ટની વિન્ડોઝ ઓપરેટિંગ સીસ્ટમ વાપરતા લોકો કરોડોની સંખ્યામાં હતા, પણ તે એકબીજાથી જોડાયેલા ન હતા. ઉપરાંત વિન્ડોઝની ઓપરેટિંગ સીસ્ટમ મોંઘી હોવાથી, તેની પાઇરેટેડ-બિનસત્તાવાર નકલો પણ મોટા પાયે ચલણમાં હતી, જેની પર કંપનીનો કોઈ કાબૂ ન તો. લાઇસન્સવાળી કોપી વાપરનારા લોકો માટે પણ, તેમના જીવનની બીજી બધી બાબતોમાં માઇક્રોસોફ્ટની દખલગીરી નહીંવત્ હતી.
પરંતુ ફેસબુકની પ્રચંડ લોકપ્રિયતાથી સમીકરણો બદલાઈ ગયાં. દુનિયાના લોકોને જોડવાના દેખીતી રીતે પવિત્ર ઉદ્દેશથી શરૂ થયેલી ફેસબુક મફત હતી. એટલે તેમાં પાઇરસી (નકલ) થવાનો સવાલ ન હતો. રહી વાત સર્વિસના વૈવિધ્યની. તેમાં ફેસબુક પોતે જ હરીફ સેવાઓના વૈવિધ્યની બેશરમ નકલ કરીને તેમને પછાડી દેવા લાગી અને ફેસબુકનો વ્યાપ જોતજોતાંમાં આસુરી હદે પહોંચી ગયો. માર્ચ, ૨૦૧૯ના આંકડા પ્રમાણે, ફેસબુકના સક્રિય સભ્યોનો માસિક આંકડો ૨.૩૮ અબજ છે.
આખી દુનિયાની વસ્તી ૭.૭ અબજ છે. તેમાંથી ચીનની ૧.૪૨ અબજની વસ્તીને બાદ કરીએ. (કેમ કે, ચીનમાં તેના સ્થાનિક સોશ્યલ નેટવર્કનું ચલણ છે.) તો વિશ્વના ૬.૨૮ અબજ લોકોમાંથી ૧.૫૬ અબજ લોકો--એટલે કે ચોથા ભાગની વસ્તી-- રોજ ફેસબુક વાપરે છે. (બાળકોનો આંકડો બાદ કરવામાં આવે, તો આ પ્રમાણ ઓર વધી જાય.) તેમાંથી મોટા ભાગના લોકો તેમના મોબાઇલ ફોન પર ફેસબુકનો ઉપયોગ કરે છે.
ફેસબુક પર થતી દરેક ગતિવિધિ તેના વપરાશકર્તા વિશે ચોક્કસ પ્રકારની માહિતી પેદા કરે છે. વાપરનારાનાં નામ-ગામ-વયથી માંડીને તેમની પસંદગી, ગમા-અણગમા જેવી અનેક બાબતોનો ભંડાર કંપની પાસે એકઠો થાય છે, જે જાહેરખબર આપનારા સમક્ષ સંભવિત બજાર તરીકે રજૂ કરીને અઢળક જાહેરખબરો મેળવી શકાય છે. વર્ષો સુધી ફેસબુક જેવી કંપનીઓના વ્યાપને ટેકનોલોજીની સફળતાની હકારાત્મક કથા તરીકે વર્ણવવામાં આવતી હતી. જાહેરખબરો દ્વારા થતી અઢળક કમાણી ચિંતાને બદલે અહોભાવનો મામલો ગણાતી હતી. પરંતુ એક તરફ વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ જેવી સંભવિત હરીફ કંપનીઓને તોતિંગ રકમ આપીને ખરીદી લેવાની નીતિ ફેસબુકે અપનાવી. અત્યાર લગી ફેસબુકે આવી કંપનીઓની ખરીદીમાં ૨૨ અબજ ડોલરથી પણ વધુ રકમ ખર્ચી નાખી છે, જેનું છેવટનું પરિણામ સત્તાના કેન્દ્રીકરણ સ્વરૂપે આવ્યું છે.
બીજી તરફ, ફેસબુકનો દુરુપયોગ એ હદે થયો કે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં રશિયા દખલ કરી શકે. બીજા શબ્દોમાં, અમેરિકા-રશિયા વચ્ચે શીતયુદ્ધના સમયમાં રશિયા જે ન કરી શક્યું, તે વગર યુદ્ધે, ફેસબુકના મંચનો અને તેના દ્વારા થતા આંખ આડા કાનનો ઉપયોગ કરીને રશિયાના કેટલાક હેકરોએ કરી બતાવ્યું. આ તો એક નમૂનો. ગમે તે ભોગે વૃદ્ધિ કરવાના ફેસબુકના ઇરાદાને લીધે ગ્રાહકોને અને સરકારોને અંધારામાં રાખવાનું સામાન્ય બની ગયું.
હવે ફેસબુકે આવતા વર્ષે તેની ક્રીપ્ટોકરન્સી ચલણમાં મૂકવાનો ઇરાદો જાહેર કર્યો છે. ‘લિબ્રા’ નામ ધરાવતું ફેસબુકનું ચલણ વાસ્તવિકતા બને, તો ફેસબુક-વોટ્સએપ-ઇન્સ્ટાગ્રામ વાપરનારા લોકો નાણાંકીય વ્યવહાર પણ ફેસબુક પર કરી શકશે. સરકારી ચલણની એકદમ બાદબાકી ભલે ન થાય, પણ તેનો મજબૂત વિકલ્પ ઊભો થશે. 'નવો વેપાર'ની રમતની જેમ ફેસબુકનું ચલણ ફેસબુક પર અને ઇન્ટરનેટની આલમમાં બધે ચાલે. ઉપરાંત, ફેસબુક જેવી અબજો ડોલરની કિંમત ને શાખ ધરાવતી કંપનીનું પીઠબળ હોય, એટલે અમેરિકાના ડોલરની જેમ ફેસબુકના ઓનલાઇન ચલણ લિબ્રાને બજારમાં સ્થાનિક ચલણ સાટે વટાવી પણ શકાય.
સરકારો અને બેન્કોની અપારદર્શકતાની સામે (બિટકોઈન જેવી) ક્રીપ્ટોકરન્સી પારદર્શકતાનો સધિયારો આપતી હોય છે. આમ પણ સરકારી અર્થવ્યવસ્થા ઉપર વારી જવા જેવું કશું હોતું નથી. પહેલી નજરે ખાનગી કંપનીઓનો વહીવટ વધારે ચુસ્ત અને અસરકારક લાગે. (સરકારી સેવાઓના ખાનગીકરણ પાછળ પણ આ જ તર્ક લાગુ પાડવામાં આવે છે.) પરંતુ બંને વચ્ચેનો એક તફાવત અત્યંત મહત્ત્વનો છેઃ સરકારમાં છેવટે ઉત્તરદાયિત્વ હોય છે--આજે નહીં તો કાલે તેના જવાબ આપવા પડે છે. જ્યારે ફેસબુક જેવી કંપનીમાં બધી સત્તા છેવટે માર્ક ઝકરબર્ગ નામના માણસ પાસે છે--અને તેમની ઉપરની સત્તા કોઈ નથી. સરકારો તેમના અત્યારના કાયદાકાનૂનો પ્રમાણે ઝકરબર્ગને બોલાવીને તેમની જુબાનીઓ લઈ શકે, કંપનીના વહીવટમાં ચૂક થયેલી લાગે તો બે-પાંચ અબજ ડોલરનો દંડ કરી શકે, પણ એટલી રકમ ફેસબુક કે ગુગલ કે એપલ જેવી કંપનીઓ માટે કાનખજૂરાના પગ જેવી હોય છે.
તેની સરખામણીમાં એ દૃશ્યની કલ્પના કરો, જ્યારે વિશ્વના કોઈ પણ દેશની વસ્તી કરતાં વધુ સંખ્યા ધરાવતા, 'ફેસબુક દેશ'ના લગભગ ૨.૩૮ 'રહેવાસીઓ'માંથી ઘણા બધા કોઈ એક જ ચલણ વાપરતા હોય. એ ચલણ એવું હોય કે જેને સ્થાનિક સરકાર, અર્થતંત્ર અને તેના નીતનિયમો સાથે કશી લેવાદેવા ન હોય. હાલના આયોજન પ્રમાણે ભલે એકલી ફેસબુક નહીં, બીજી ઘણી કંપનીઓનું સહિયારું માળખું આવા ચલણના વહીવટમાં ટેકો આપતું હોય, પણ તેનાથી ઉત્તરદાયિત્વનો ગંભીર પ્રશ્ન ઊભો રહે છે--અને ફેસબુક જેવી આઇટી કંપનીઓનો અત્યાર સુધીનો ઇતિહાસ તેમના ઇરાદા પ્રત્યે બહુ વિશ્વાસ ઉપજાવનારો નથી. દુનિયાને જોડવાની સુફિયાણી વાતોના બહાને તેમને વિશ્વ પર આધિપત્ય જમાવવું છે અને પોતાનું ચલણ એ દિશામાં મહત્ત્વનું પગલું બને એમ છે. સરકારો માટે તો ઠીક, ગુલામીમુક્ત રહેવા ઇચ્છતા નાગરિકો માટે પણ એ સારા સમાચાર લાગતા નથી.
Thursday, July 04, 2019
ઇન્ટરનેટની આલમમાં સામાજિક નિયમો લાગુ પડે?
જૂઠાણાને પ્રતિષ્ઠિત કરવાની સૌથી પ્રચલિત છેઃ સચ્ચાઈને ધુંધળી કે સંદેહાસ્પદ કરી નાખો. કશું સો ટકા ભરોસાપાત્ર રહેવા ન દો. કોઈના પણ વિશે ગમે તેવી વાત થઈ શકે અને તેને ઝીલનારા પણ મળી રહે, એવો માહોલ પેદા કરો. અમેરિકાના અવકાશયાત્રીઓ ચંદ્ર પર ગયાના આધારભૂત પુરાવા હોય અને તેને લગતી શંકાના તમામ જવાબ અપાઈ ચૂક્યા હોય, તો પણ 'અમેરિકાની અવકાશયાત્રા નકરું તૂત હતું'--એવી કાવતરાકથાઓ ચગળ્યા કરો. પૃથ્વીની ફરતે ઉપગ્રહો પરિક્રમા કરતા હોવા છતાં, 'પૃથ્વી ગોળ નથી' એ વિશેના 'સંશોધનો' મુખ્યત્વે ધાર્મિક ઉત્સાહથી પ્રેરાઈને કરતા રહો. માણસજાતનાં કરતૂતોથી પૃથ્વીના પર્યાવરણનો કચ્ચરઘાણ નીકળી ગયો છે, એવું માનવાને બદલે ક્લાયમેટ ચેન્જ-ગ્લોબલ વોર્મિંગના અસ્તિત્વનો જ ઇન્કાર કરો.
આવાં જૂથો દરેક સમયમાં રહેવાના. 'કોન્સ્પિરસી થિયરી' એટલે કે દરેકે દરેક બાબતને અસ્વસ્થ શંકાથી જોનારા લોકોનો અને તેમની વાતોમાં આનંદ લેનારાનો આખો વર્ગ હોય છે. પહેલાં તેમના માટે વપરાતો અંગ્રેજી શબ્દપ્રયોગો હતોઃ 'લુનેટિક ફ્રિન્જ' એટલે કે થોડાં આત્યંતિક, પોતાના વિચારને ઝનૂનથી વળગેલા, હિંસક અને બુદ્ધિશાળી લાગતાં છતાં ચોક્કસ પ્રકારની મનોરુગ્ણતા ધરાવતા લોકો.
હવે એવા લોકોનો સમુદાય નાનો કે નગણ્ય નથી રહ્યો. તે જાહેર ચર્ચાને અને રાજકારણને ખતરનાક વળાંક આપી શકે એટલો મોટો બન્યો છે અને એવા સમુદાયમાંથી કોઈ અમેરિકાનો પ્રમુખ પણ બની શકે છે. નવા જમાનામાં આ વર્ગનું પાલનપોષણ કરવામાં અને તેમને એકજૂથ કરવામાં સોશ્યલ મિડીયાનો ફાળો નોંધપાત્ર છે. આ વર્ગ હાંસિયાને બદલે મુખ્ય ધારામાં આવી ગયો અને તેને રાજ્યાશ્રય મળ્યો, તેના માટે સમાજનું બદલાયેલું સ્વરૂપ જવાબદાર છે? કે આ વર્ગના વધેલા જોરે સમાજનું સ્વરૂપ બદલ્યું છે? આ સવાલ 'પહેલી મરઘી કે પહેલું ઇંડું?’ એના જેવો છે. પરંતુ બંને એકબીજાને પોષે છે તેમાં બેમત નથી.
સમાજોના અભ્યાસમાં કેટલાક સમાજને 'હાઇ ટ્રસ્ટ સોસાયટી’, તો કેટલાકને 'લો ટ્રસ્ટ સોસાયટી' ગણવામાં આવે છે. હાઇ ટ્રસ્ટ સોસાયટીમાં વિશ્વાસે વહાણ ચાલે છે. બધા નહીં, છતાં મોટા ભાગના માણસો સામાન્ય સંજોગોમાં કાયદાનું પાલન કરે છે, નિયમો પાળે છે, બાંહેધરીઓ પર ભરોસો મૂકે છે. અદાલતમાં જવાનું થાય તો ત્યાં ન્યાય મળશે, એવો ભરોસો રાખે છે. ટૂંકમાં, આ પ્રકારના સમાજમાં છેક 'રામરાજ્ય' નહીં, તો પણ ઘણી હદે 'ભરોસારાજ્ય' તો હોય છે. તમે રાજ્યની અને સમાજની 'સીસ્ટમ' પર ભરોસો કરી શકો છો અને સામાન્ય સંજોગોમાં દુઃખી થવાનો વારો આવતો નથી. આવા સમાજમાં કોન્સ્પીરસી થીયરીને અમુકથી વધારે મહત્ત્વ મળતું નથી.
પરંતુ 'લો ટ્રસ્ટ સોસાયટી'માં કશું ભરોસાપાત્ર નથી હોતું. શાસક બોલે ત્યારે જ લોકોને ખબર હોય છે કે એ જૂઠું બોલી રહ્યો છે, નાટક કરે છે. છતાં, એ શાસક પણ ચાલે છે ને લોકોને તેનાં જૂઠાણાં સામે એટલો વાંધો પણ પડતો નથી. કારણ કે ફક્ત શાસક નહીં, બીજી સંસ્થાઓ અને એ બધાને ચલાવનારા મોટા ભાગના લોકો પણ જૂઠાણાં સાથે ઘરોબો કેળવી ચૂક્યા હોય છે. જૂઠાણાં રાજ્યાશ્રય મેળવીને મુખ્ય ધારાનો હિસ્સો બની જાય છે. પછી (સચ્ચાઈની દૃષ્ટિએ) કશું પવિત્ર રહેતું નથી. આવા સમાજમાં સામાન્ય નિયમનું શીર્ષાસન થઈ જાય છેઃ જૂઠાણાં પર આંખ મીંચીને ભરોસો ન મૂકનારને- તેના પ્રત્યે શંકા સેવનારને સમાજવિરોધી કે લોકવિરોધી કે દેશવિરોધી તરીકે ખપાવી દેવામાં આવે છે. આવા સમાજમાં લોકોને કોઈ સંસ્થા પાસેથી ન્યાયપૂર્ણ-નિયમ મુજબની કાર્યવાહીની અપેક્ષા નથી રહેતી. લોકોએ સ્વીકારી લીધું હોય છે કે એમાં તો આવું જ બધું ચાલશે.
અવિશ્વાસનું અને જૂઠાણાંનું વાતાવરણ લાંબું ટકે તે આપખુદશાહી માટે મોકળું મેદાન કરી આપે છે. કેમ કે, ચોતરફ અનિશ્ચિતતાથી ઘેરાયેલા લોકોને શાસકો નહીં, ઉદ્ધારકો ખપે છે. તેમને લાગે છે કે અસાધારણ પરિસ્થિતિમાં અસાધારણ પગલાંથી કામ લેવામાં અને કાયદા-નિયમો નેવે મૂકવામાં કશું ખોટું નથી. ઘણા બધા લોકોની માનસિકતાનું 'હૅકિંગ’ થઈ જાય છે. મૂળભૂત મૂલ્યો પ્રત્યેનો આદર માળિયે ચડી જાય છે ને શાસક પ્રત્યેનો અહોભાવ વિચારપ્રક્રિયા પર પડદો પાડી દે છે. યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનાના પ્રોફેસર તુફૈકીએ 'વાયર્ડ’ વેબસાઇટના એક લેખમાં લખ્યું છે તેમ, ઘાતકી અને આપખુદ શાસક કુબ્લાઈ ખાનના રાજ માટે કહેવાતું હતું કે ત્યાં 'અડધી રાત્રે નાની છોકરી સોનું પહેરીને નીકળી હોય, તો પણ તેને કંઈ ન થાય.’ આવી 'સલામતી'નાં વખાણ કરતી વખતે એવું અપેક્ષિત હોય છે કે આવી સલામતી જોઈતી હોય તો નાગરિક તરીકેના અધિકાર ભૂલી જવાના. પરંતુ યેલ યુનિર્વસિટીના ઇતિહાસના અધ્યાપક તિમોથી સ્નાઇડરે લખ્યું હતું તેમ, જે શાસક તમને તમારી સ્વતંત્રતાના બદલામાં સુરક્ષા આપવાની વાત કરે, તેની વાત માનતા નહીં. કારણ કે તે સ્વતંત્રતા લઈ લેશે ને સુરક્ષા આપી નહીં શકે. (કેમ કે, તેમનું રાજપાટ જ તમે ભયમાં- માનસિક અસુરક્ષામાં રહો તેના પર ટકેલું હોય છે.)
પ્રોફેસર તુફૈકીએ લખ્યું છે કે સમાજને લાગુ પડતી આ વાત ઇન્ટરનેટની આલમ માટે પણ સાચી છે. ઇન્ટરનેટ પર શું સાચું એ નક્કી કરવું લગભગ અશક્ય થઈ પડ્યું છે. અમુક વાત ‘ફેક’ છે--એવો દાવો પણ વિરોધીઓએ કે હિતશત્રુએ કરાવેલો હોઈ શકે છે. આવી સ્થિતિમાં લોકોનું સ્વાભાવિક વલણ ફેસબુક-એપલ-ગુગલ-એમેઝોન જેવી તોતિંગ કંપનીઓ પર ભરોસો કરવાનું રહે છે. ઉદ્ધારક હોવાનો દાવો કરતા શાસકોની જેમ, આ મહાકંપનીઓનાં પોતાનાં લક્ષણ સીધાં નથી. તેમના અનેક ગોટાળા બહાર આવતા રહે છે. છતાં, લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે કે તે બધા ગોટાળા નજરઅંદાજ કરીને પણ આ કંપનીઓને વળગેલા રહે છે. તેમની આપખુદશાહી ચલાવી લે છે અને તેને સ્થિરતાની-વિશ્વસનિયતાની કિંમત ગણી લે છે. પરંતુ નેતાઓની જેમ કંપનીઓની બાબતમાં પણ, આ જાતને છેતરવાનો ધંધો છે.
કોઈ વ્યક્તિ કે કંપની પર આંખ મીંચીને કે તેનાં બધાં કરતૂતો નજરઅંદાજ કરીને ભરોસો મૂકવાથી, એકને બદલે બીજું અનિષ્ટ ફુલેફાલે છે અને એક તબક્કા પછી તે રાક્ષસી બની જાય છે. આવી સ્થિતિમાં પ્રોફેસર તુફૈકીએ સૂચવેલો ઉપાય વ્યક્તિ કે કંપની નહીં, સંસ્થાઓ મજબૂત કરવાનો છે. એટલે જ, આ પ્રકારના શાસકો સંસ્થાઓનાં નામ રાખીને તેમનાં માળખાં તોડીફોડી નાખે છે.
ઇન્ટરનેટ પણ આખરે સમાજમાં વસતા લોકોથી જ ચાલતું હોય, તો તે સમાજના નિયમોથી શી રીતે બાકાત રહી શકે?
આવાં જૂથો દરેક સમયમાં રહેવાના. 'કોન્સ્પિરસી થિયરી' એટલે કે દરેકે દરેક બાબતને અસ્વસ્થ શંકાથી જોનારા લોકોનો અને તેમની વાતોમાં આનંદ લેનારાનો આખો વર્ગ હોય છે. પહેલાં તેમના માટે વપરાતો અંગ્રેજી શબ્દપ્રયોગો હતોઃ 'લુનેટિક ફ્રિન્જ' એટલે કે થોડાં આત્યંતિક, પોતાના વિચારને ઝનૂનથી વળગેલા, હિંસક અને બુદ્ધિશાળી લાગતાં છતાં ચોક્કસ પ્રકારની મનોરુગ્ણતા ધરાવતા લોકો.
હવે એવા લોકોનો સમુદાય નાનો કે નગણ્ય નથી રહ્યો. તે જાહેર ચર્ચાને અને રાજકારણને ખતરનાક વળાંક આપી શકે એટલો મોટો બન્યો છે અને એવા સમુદાયમાંથી કોઈ અમેરિકાનો પ્રમુખ પણ બની શકે છે. નવા જમાનામાં આ વર્ગનું પાલનપોષણ કરવામાં અને તેમને એકજૂથ કરવામાં સોશ્યલ મિડીયાનો ફાળો નોંધપાત્ર છે. આ વર્ગ હાંસિયાને બદલે મુખ્ય ધારામાં આવી ગયો અને તેને રાજ્યાશ્રય મળ્યો, તેના માટે સમાજનું બદલાયેલું સ્વરૂપ જવાબદાર છે? કે આ વર્ગના વધેલા જોરે સમાજનું સ્વરૂપ બદલ્યું છે? આ સવાલ 'પહેલી મરઘી કે પહેલું ઇંડું?’ એના જેવો છે. પરંતુ બંને એકબીજાને પોષે છે તેમાં બેમત નથી.
સમાજોના અભ્યાસમાં કેટલાક સમાજને 'હાઇ ટ્રસ્ટ સોસાયટી’, તો કેટલાકને 'લો ટ્રસ્ટ સોસાયટી' ગણવામાં આવે છે. હાઇ ટ્રસ્ટ સોસાયટીમાં વિશ્વાસે વહાણ ચાલે છે. બધા નહીં, છતાં મોટા ભાગના માણસો સામાન્ય સંજોગોમાં કાયદાનું પાલન કરે છે, નિયમો પાળે છે, બાંહેધરીઓ પર ભરોસો મૂકે છે. અદાલતમાં જવાનું થાય તો ત્યાં ન્યાય મળશે, એવો ભરોસો રાખે છે. ટૂંકમાં, આ પ્રકારના સમાજમાં છેક 'રામરાજ્ય' નહીં, તો પણ ઘણી હદે 'ભરોસારાજ્ય' તો હોય છે. તમે રાજ્યની અને સમાજની 'સીસ્ટમ' પર ભરોસો કરી શકો છો અને સામાન્ય સંજોગોમાં દુઃખી થવાનો વારો આવતો નથી. આવા સમાજમાં કોન્સ્પીરસી થીયરીને અમુકથી વધારે મહત્ત્વ મળતું નથી.
પરંતુ 'લો ટ્રસ્ટ સોસાયટી'માં કશું ભરોસાપાત્ર નથી હોતું. શાસક બોલે ત્યારે જ લોકોને ખબર હોય છે કે એ જૂઠું બોલી રહ્યો છે, નાટક કરે છે. છતાં, એ શાસક પણ ચાલે છે ને લોકોને તેનાં જૂઠાણાં સામે એટલો વાંધો પણ પડતો નથી. કારણ કે ફક્ત શાસક નહીં, બીજી સંસ્થાઓ અને એ બધાને ચલાવનારા મોટા ભાગના લોકો પણ જૂઠાણાં સાથે ઘરોબો કેળવી ચૂક્યા હોય છે. જૂઠાણાં રાજ્યાશ્રય મેળવીને મુખ્ય ધારાનો હિસ્સો બની જાય છે. પછી (સચ્ચાઈની દૃષ્ટિએ) કશું પવિત્ર રહેતું નથી. આવા સમાજમાં સામાન્ય નિયમનું શીર્ષાસન થઈ જાય છેઃ જૂઠાણાં પર આંખ મીંચીને ભરોસો ન મૂકનારને- તેના પ્રત્યે શંકા સેવનારને સમાજવિરોધી કે લોકવિરોધી કે દેશવિરોધી તરીકે ખપાવી દેવામાં આવે છે. આવા સમાજમાં લોકોને કોઈ સંસ્થા પાસેથી ન્યાયપૂર્ણ-નિયમ મુજબની કાર્યવાહીની અપેક્ષા નથી રહેતી. લોકોએ સ્વીકારી લીધું હોય છે કે એમાં તો આવું જ બધું ચાલશે.
અવિશ્વાસનું અને જૂઠાણાંનું વાતાવરણ લાંબું ટકે તે આપખુદશાહી માટે મોકળું મેદાન કરી આપે છે. કેમ કે, ચોતરફ અનિશ્ચિતતાથી ઘેરાયેલા લોકોને શાસકો નહીં, ઉદ્ધારકો ખપે છે. તેમને લાગે છે કે અસાધારણ પરિસ્થિતિમાં અસાધારણ પગલાંથી કામ લેવામાં અને કાયદા-નિયમો નેવે મૂકવામાં કશું ખોટું નથી. ઘણા બધા લોકોની માનસિકતાનું 'હૅકિંગ’ થઈ જાય છે. મૂળભૂત મૂલ્યો પ્રત્યેનો આદર માળિયે ચડી જાય છે ને શાસક પ્રત્યેનો અહોભાવ વિચારપ્રક્રિયા પર પડદો પાડી દે છે. યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનાના પ્રોફેસર તુફૈકીએ 'વાયર્ડ’ વેબસાઇટના એક લેખમાં લખ્યું છે તેમ, ઘાતકી અને આપખુદ શાસક કુબ્લાઈ ખાનના રાજ માટે કહેવાતું હતું કે ત્યાં 'અડધી રાત્રે નાની છોકરી સોનું પહેરીને નીકળી હોય, તો પણ તેને કંઈ ન થાય.’ આવી 'સલામતી'નાં વખાણ કરતી વખતે એવું અપેક્ષિત હોય છે કે આવી સલામતી જોઈતી હોય તો નાગરિક તરીકેના અધિકાર ભૂલી જવાના. પરંતુ યેલ યુનિર્વસિટીના ઇતિહાસના અધ્યાપક તિમોથી સ્નાઇડરે લખ્યું હતું તેમ, જે શાસક તમને તમારી સ્વતંત્રતાના બદલામાં સુરક્ષા આપવાની વાત કરે, તેની વાત માનતા નહીં. કારણ કે તે સ્વતંત્રતા લઈ લેશે ને સુરક્ષા આપી નહીં શકે. (કેમ કે, તેમનું રાજપાટ જ તમે ભયમાં- માનસિક અસુરક્ષામાં રહો તેના પર ટકેલું હોય છે.)
પ્રોફેસર તુફૈકીએ લખ્યું છે કે સમાજને લાગુ પડતી આ વાત ઇન્ટરનેટની આલમ માટે પણ સાચી છે. ઇન્ટરનેટ પર શું સાચું એ નક્કી કરવું લગભગ અશક્ય થઈ પડ્યું છે. અમુક વાત ‘ફેક’ છે--એવો દાવો પણ વિરોધીઓએ કે હિતશત્રુએ કરાવેલો હોઈ શકે છે. આવી સ્થિતિમાં લોકોનું સ્વાભાવિક વલણ ફેસબુક-એપલ-ગુગલ-એમેઝોન જેવી તોતિંગ કંપનીઓ પર ભરોસો કરવાનું રહે છે. ઉદ્ધારક હોવાનો દાવો કરતા શાસકોની જેમ, આ મહાકંપનીઓનાં પોતાનાં લક્ષણ સીધાં નથી. તેમના અનેક ગોટાળા બહાર આવતા રહે છે. છતાં, લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે કે તે બધા ગોટાળા નજરઅંદાજ કરીને પણ આ કંપનીઓને વળગેલા રહે છે. તેમની આપખુદશાહી ચલાવી લે છે અને તેને સ્થિરતાની-વિશ્વસનિયતાની કિંમત ગણી લે છે. પરંતુ નેતાઓની જેમ કંપનીઓની બાબતમાં પણ, આ જાતને છેતરવાનો ધંધો છે.
કોઈ વ્યક્તિ કે કંપની પર આંખ મીંચીને કે તેનાં બધાં કરતૂતો નજરઅંદાજ કરીને ભરોસો મૂકવાથી, એકને બદલે બીજું અનિષ્ટ ફુલેફાલે છે અને એક તબક્કા પછી તે રાક્ષસી બની જાય છે. આવી સ્થિતિમાં પ્રોફેસર તુફૈકીએ સૂચવેલો ઉપાય વ્યક્તિ કે કંપની નહીં, સંસ્થાઓ મજબૂત કરવાનો છે. એટલે જ, આ પ્રકારના શાસકો સંસ્થાઓનાં નામ રાખીને તેમનાં માળખાં તોડીફોડી નાખે છે.
ઇન્ટરનેટ પણ આખરે સમાજમાં વસતા લોકોથી જ ચાલતું હોય, તો તે સમાજના નિયમોથી શી રીતે બાકાત રહી શકે?
Labels:
it,
society- trends/સમાજ-પ્રવાહો
Subscribe to:
Posts (Atom)