Monday, April 29, 2019

મત પછીના મતાંતરઃ ત્યારે કરીશું શું?

મતદાર તરીકે આપણી નિયતિ શાહબુદ્દીન રાઠોડના વનેચંદ જેવી હોય છેઃ અપેક્ષાની શરૂઆત માસ્ટર્સ ડિગ્રીથી થાય છે અને છેલ્લે ‘આપણે અક્ષરજ્ઞાનનો બાધ નથી’ પર આવીને ઊભા રહીએ છીએ. બંને મુખ્ય પક્ષોથી કંટાળેલા હોય એવા, વફાદારીની પટ્ટી વગરના નાગરિકો માટે એક મુશ્કેલી છેઃ અરવિંદ કેજરીવાલના ‘શરતો લાગુ’વાળા અપવાદને બાદ કરતાં ઘણા વખતથી કોઈની તરફેણમાં મત આપવાનું કહેવાય એવું લગભગ બન્યું નથી. મોટે ભાગે તો વિરોધમાં મત આપવાનું જ ફરજરૂપ લાગે છે. એ વખતે પણ ઇતિહાસ અને વર્તમાનના અનેક પ્રસંગોની મુંઝવણો સામે આવીને ઊભી રહે છે.

ઇંદિરા ગાંધીને હરાવવા માટે થયેલું ગઠબંધન અને તેમાં થયેલી ભાંગફોડ જાણે ઇંદિરા ગાંધીને કટોકટીના કલંકમાંથી મુક્ત કરીને વાજતેગાજતે પાછાં બેસાડવા માટે નિર્માઇ હોય એવું અત્યારે જોતાં લાગે. તેમાં કશી કાવતરાબાજી જોવાનો પ્રયાસ નથી, કેવળ ઘટનાક્રમને યાદ કરવાની વાત છે. એવું જ પછી થયેલાં અનેક ગંઠબંધનોના કિસ્સામાં પણ બને છે. ભૂતને કાઢવાની તીવ્રતાને કારણે પલિતનું અનિવાર્ય આગમન નજરઅંદાજ કરવું પડે છે. ભૂતને કાઢવા માટે કરાતી સિદ્ધાંતચર્ચા, પલિતના આગમનની સંભાવનાટાણે, આગળ કહ્યું તેમ, ‘અક્ષરજ્ઞાનનો બાધ નથી’ પર આવીને અટકે છે. હવે સરકારપક્ષે તો વિરોધ કરનારા તમામ પરિબળોની જેમ ગઠબંધનને પણ ‘ઠગબંધન’ જેવા નામે ઓળખાવીને તેની સડકછાપ હાંસી ઉડાડવાની કોશિશ કરી છે. તેમને એટલું પણ યાદ નથી રહેતું કે અલાયન્સ ઉર્ફે મોરચા પણ ગઠબંધનના (તેમની ભાષામાં 'ઠગબંધન'ના) જ પ્રકાર છે.

આટલી વાત અરણ્યરુદન કે નિરાશાવાદ કે ‘આ તો અમે વર્ષોથી કહીએ છીએ’ –એવી લાગે તો એ ખોટું નથી, પણ આ લખવાનો હેતુ નિરાશા ઘુંટવાનો કે નવેસરથી જૂની વાતો દોહરાવવાનો નથી. કહેવાનું એ છે કે આટલી ઘેરી પરિસ્થિતિ છતાં, હજુ સાવ નિરાશ થવાપણું નથી. સવાલ વર્તમાન વડાપ્રધાન ચૂંટણી જીતે છે કે નહીં એટલા પૂરતો હોય તો જરૂર એવું થાય. પણ આ સરકારની વાજબી ટીકાથી આગળ વધતાં જણાય છે કે સવાલ આપણો સૌનો છે. નેતાઓ તો તેમની દુકાનો ચલાવવા માટે બધી તરકીબો લગાડશે, પણ આપણાં કેટકેટલાં પરિચિતો-મિત્રો-સગાંસ્નેહીઓ-સમાજના માણસો તેમની આ તરકીબોને હોંશિયારી સમજે છે, તેમની આપવડાઈને દેશગૌરવ ગણે છે અને કોમવાદને રાષ્ટ્રવાદ માની લે છે. તેમાંથી જે કંઠીધારી કે ન સમજવા માટે પ્રતિજ્ઞાબદ્ધ હોય તેમને બાજુ પર મૂકીએ, તો પણ મોટો સમુદાય બાકી રહે છે, જે કંઠીધારી કે સાયબર સૅલનો સભ્ય કે કુતર્કમાં રાચનારો નથી. તેમાં યુવાન મતદારોનું પ્રમાણ સૌથી મોટું છે.

ધર્મ હોય કે રાજકારણ, ‘કૅચ ધૅમ યંગનું’ સૂત્ર નવું નથી. એ સૂત્રને નાગરિકધર્મની વાત કરનારા અને ભારતની લોકશાહી-બંધારણીય મૂલ્યો વિશે ચિંતિત લોકોએ પણ ધર્મ અને રાજકારણના ખેલાડીઓ જેટલી પ્રાથમિકતા આપવાની જરૂર છે. એ ખરું કે પેચીદી-જરા ઠંડકથી ને ચશ્મા ઉતારીને જોવી-બતાવવી પડે એવી સચ્ચાઈને બદલે ‘હીરો કે વિલન?’, ‘દેશદ્રોહી કે દેશપ્રેમી?’ની ગોળીઓ પીવડાવવાનું વધારે સહેલું હોય છે. છતાં, નવી પેઢીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથેનો સંવાદ સાવ પથ્થર પર પાણી નથી હોતો. ઘણી વાર એવા સંવાદમાં સમજાતું હોય છે કે નવી પેઢીના લોકો ‘નિર્દોષ’ છે. તેમના અભ્યાસક્રમમાં તેમને વિચારતા કે સમજતા કરે, એવું કશું આવતું નથી. સામેથી એ કવાયતમાં ઉતરવાની મોટા ભાગનાની તૈયારી નથી. એટલે હાડથી કોમવાદી કે ઝનૂની નહીં હોવા છતાં, તેમની સમજણમાં તેમણે અમુક જ પ્રકારનું રાજકારણ જોયું છે. અપપ્રચાર અને ફેક ન્યૂઝના યુગમાં તે ખોવાયેલા છે. 

એટલે કોઈ પોતાની મેળે સમજે તો ઠીક છે. બાકીનાને ‘નિર્દોષ’ રાખવાની પૂરી વ્યવસ્થા શિક્ષણવ્યવસ્થામાં છે. ઔપચારિક શિક્ષણની એ મોટી મર્યાદા નાગરિકધર્મ અંગે સાવધ લોકો સહિયારા પ્રયાસોથી કેવી રીતે પુરી શકે તેનો વિચાર અને અમલ કરવાનો છે. યુવા પેઢીનો મોટો હિસ્સો ઠેકાણાસરની વાત, ઉપદેશના કે જ્ઞાનના ભાર વગર કહેવાય તો તે સાંભળવા તૈયાર હોય છે. તેમના ધ્યાન અને મનનું અપહરણ કરે એવાં સોશ્યલ મિડીયાનાં સુવર્ણમૃગોને હણવાનું પૂરતું નથી. તેમને આ સુવર્ણમૃગોની રાક્ષસી અસલિયત સમજાવવાનું જરૂરી છે અને ઇચ્છનીય એ છે કે આપણે તેમની વિચારપ્રક્રિયામાં આપણે મદદરૂપ થઈ શકીએ અને આસુરી સુવર્ણમૃગો તે પોતાની જાતે ઓળખતા થાય.

નિરાશ થનારે યાદ રાખવા જેવું છે કે એક સમયે ચોતરફ ફેલાઈને લાંબા સમય સુધી અસર ટકાવતી પ્રચારપ્રયુક્તિઓની આવરદા હવે ‘લૉ ઑફ ડિમિનિશિંગ રીટર્ન્સ’ પ્રમાણે ઘટી રહી છે. એક તિકડમથી કામ થઈ જતું નથી—અને આવું આપણને નહીં, શયતાની સાયબર સૅલના પાલનહારોને પણ લાગે છે. અમિત શાહે પણ ભાજપના કાર્યકરોને વૉટ્સ એપ પર ફેલાતાં જૂઠાણાંથી સાવધ રહેવાની સૂચના આપવી પડે, એ બદલાયેલા સમયની તાસીર છે.  સાયબર પ્રચારસ્વામીઓને પણ બૂમરૅન્ગની અને બૂમરૅન્ગથી બીક લાગે છે, તે નાગરિકધર્મ માટે જાગ્રત લોકો માટે આશાસ્પદ છે.

પહેલી વખત મત આપનારા લોકો રાજકીય પક્ષોનું પ્રિય લક્ષ્ય હોય છે. તારક મહેતા એક વખત કહેતા હતા કે તે ટપુડાથી કંટાળ્યા છે, પણ વાચકોની નવી પેઢી આવ્યા કરે છે ને ટપુડો ચાલ્યા કરે છે. રાજકીય ટપુડાઓને નવી પેઢી-પહેલી વખત મત આપનારા કેમ વહાલા લાગે તે સમજી શકાય એવું છે. (સૉરી, તારકભાઈ) આપણે નવી પેઢીને કંઠી પહેરાવવાની નથી, કંઠી ન પહેરવાની દિશામાં તેમને સાથે લઈને ચાલવાની કોશિશ કરવાની છે. તેના માટે વિચારવર્તુળો પૂરતાં નથી, આચારવર્તુળો ને આચારરેલીઓ પણ જરૂરી છે.  અત્યાર લગીના પ્રયાસો ચાલુ રાખીને, પણ ત્યાં અટકી પડ્યા વિના, આગળ નીકળવાનું જરૂરી છે. 'વિચારનારા માણસોનાં ટોળાં નથી હોતાં' એવું આશ્વાસન લઈને બેસી રહેવાને બદલે, મર્યાદિત અને મૂળભૂત મુદ્દા પૂરતું વર્તુળ વિસ્તારવાની વાત છે. લઘુતમ સાધારણ મૂલ્યો—ખાસ કરીને, શું ન જ ચલાવી લેવાય, એ નક્કી કરીને તેના આધારે પ્રેશર ગ્રુપ ઊભાં કરવાની દિશામાં કોશિશ કરવાની છે. એવાં ગ્રુપ, જે કોઈ રાજકીય પક્ષનાં ખંડિયાં ન હોય, બધાને આંખમાં આંખ નાખીને, નાગરિકની ભૂમિકાએથી બધા પક્ષોને-બધા નેતાઓને અઘરા સવાલ પૂછી શકે.

આવું બધું પહેલાં અનેક વાર કહેવાઈ ચૂક્યું છે. છતાં, દરેક નવી પેઢી આવે ત્યારે એ કહેવું જરૂરી હોય છે. કયું સ્કૂટર કેટલામી કીકે શરૂ થાય, કોને ખબર?  

No comments:

Post a Comment