Sunday, April 28, 2019

નડિયાદની મહિલા આર્ટ્સ કૉલેજની વિદ્યાર્થીનીઓનો કાર્યક્રમ : વો જલવા ચુરાનેકો જી ચાહતા હૈ

સંગીત અમસ્તું પણ મને ભાવાર્દ્ર કરે છે. ગમતાં ગીત સાંભળતાં અનાયાસ આંખ ભીની થઈ જાય કે અમુક ગીત બસો-ત્રણસોમી વાર સાંભળવા છતાં પહેલી વાર સાંભળતો હોઉં એમ રુંવાડાં ઊભાં થઈ જાય એવું બને છે. પરંતુ ગઈ કાલના એક કાર્યક્રમમાં ભાવવશ થવાનું કારણ કેવળ સંગીત ન હતું. કાર્યક્રમ હતો પરમ મિત્ર હસિત મહેતા જ્યાં આચાર્ય છે, જે નડીયાદની સૂરજબા આર્ટ્સ કૉલેજના વાર્ષિકોત્સવનો. તેમાં વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ શાસ્ત્રીય સંગીત પર આધારિત ફિલ્મી ગીતો ગાવાની હતી.

આમ તો, એમાં શી નવાઈ? કૉલેજની ટૅલેન્ટ ઇવનિંગનો એક જમાનો હતો. હવે તો ફિલ્મી સંગીતને લગતા લાઇવ કાર્યક્રમો પણ કેટલા બધા યોજાય છે. વૉઇસ ઑફ ફલાણી ને વૉઇસ ઑફ ઢીકણાથી કાર્યક્રમોનું જગત છલકાય છે. 'ગ્રામોફોન ક્લબ' જેવી પ્રતિષ્ઠિત અને ફિલ્મ સંગીતની રજૂઆતનાં ઉચ્ચ ધોરણો સ્થાપનારી સંસ્થાઓથી માંડીને બીજી ઘણી ક્લબો પોતપોતાની રીતે સંગીતને લગતા કાર્યક્રમો કરે છે અને એ સિવાય પણ બીજું ઘણું. છતાં, મોટે ભાગે આવા કાર્યક્રમોમાં મહિલા સ્વરોના અને ઘણી વાર તો બધા સ્વરના બહુ વાંધા હોય છે. તેમાં ચીસાચીસથી લઈને શરદીગ્રસ્ત સુધીની રેન્જ હોય છે. એ બધાનું સામાન્ય લક્ષણ એ કે તે કાનમાં પ્રવેશે એ સાથે જ કાન પર અત્યાચાર થતો હોય એવું લાગે.

આ વાત થઈ ઘણાખરા ટિકિટ શો કે સભ્યપદ ધરાવતા શોની. તેની સરખામણીમાં, નડિયાદ જેવા પ્રમાણમાં નગર કહેવાય એવા શહેરની, પાછી આર્ટ્સ કૉલેજ અને એ પણ ફૅશનેબલ કૉલેજ રોડ પર ન હોય એવી કૉલેજ—અને તેના વાર્ષિકોત્સવમાં દમદાર અવાજો સાંભળવા મળે ત્યારે બેવડો-ત્રેવડો આનંદ થાય.
હસિત મહેતાથી પરિચિત હોય એવા સજ્જનો અને બીજાઓ જાણતા હશે કે એ અનેકવિધ પ્રવૃત્તિઓ એકસરખી ઝીણવટ, બારીકાઈ, આયોજન અને ગુણવત્તા સાથે કરે છે.  તેમની પ્રવૃત્તિનાં વિવિધ ક્ષેત્રો આશ્ચર્ય ઉપજાવે એટલી હદે જુદાં છે (સમજુલક્ષ્મી પ્રસુતિગૃહ, ડાહીલક્ષ્મી લાયબ્રેરી, સૂરજબા મહિલા આર્ટ્સ કૉલેજ, અમૃત મોદી પત્રકારત્વની કૉલેજ, ઇન્ટીરીયર ડીઝાઇનની કૉલેજ અને બીજું ઘણું.) અધ્યાપક તરીકે મળતા આસમાની પગારનું પૂરેપૂરું નહીં, તેથી પણ વધારે વળતર સમાજને આપતા અપવાદરૂપ અધ્યાપકની ટૂંકી નાતમાં તેમનો સમાવેશ કરી શકાય.

તેમના આયોજન વિશે પુસ્તક લખવાનું થાય તો What they don’t teach you at IIM જેવું કોઈ મથાળું હું રાખું. ગઈ કાલના કાર્યક્રમમાં પણ તેનો પૂરતો પરચો જોવા મળ્યો. સૂત્રધાર તરીકે એક ભાઈ હતા, જે મંચ પર દેખાતા ન હતા. મુખ્ય એવા ગીતસંગીતના કાર્યક્રમનો સંપૂર્ણ દોર વિદ્યાર્થીનીઓના હાથમાં હતો. દરેક ગીત શરૂ થતાં પહેલાં એક જુદી વિદ્યાર્થીની આવે, રાગ વિશે બે વાત પોતાના અંદાજમાં વાંચે અને પછી ગીત ગાનાર આવે. સ્ટેજ પર આવનાર દરેક વિદ્યાર્થીનીનાં નામ પાછળ મૂકેલા બે મોટા ડિજિટલ સ્ક્રીન પર આવતાં રહે. એવી જ રીતે, ગીત શરૂ થતી વખતે અને વચ્ચે એક-બે વાર ગીતની વિગતો ઉપરાંત ગાનારનું નામ પણ આવતું રહે. વચ્ચે વચ્ચે એક રાગનાં ત્રણ-ચાર-પાંચ ગીતોની મૅડલી આવે, એટલે તરત રાગના બંધારણ વિશે મારા જેવા રાગ નહીં જાણનારાને પણ બત્તી થાય.

કૉલેજનો વાર્ષિકોત્સવ એટલે અનિવાર્ય ઔપચારિકતા તો હોય, પણ તેને અલગથી હથોડાની જેમ માથે મારવાને બદલે કાર્યક્રમની માળામાં વચ્ચે પરોવી લેવાઈ.  મુખ્ય અતિથીઓ શરૂઆતમાં સ્ટેજ પર ગયા, દીપપ્રાગટ્ય કર્યું ને પાછા આવીને બેસી ગયા. બે-ત્રણ ગીતો થાય એટલે કૉલેજની સિદ્ધિવંત વિદ્યાર્થીઓને સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કરવામાં આવે. એ બધું સ્ટેજની નીચે જ. પહેલી હરોળમાં બેઠેલા અતિથિઓ નીચેથી જ આ કાર્યક્રમ પતાવે એટલે ગરીમાપૂર્ણ રીતે છતાં ટૂંકમાં પતે અને રસક્ષતિ થાય તે પહેલાં તો ગીત શરૂ થઈ જાય.

આટલી ઔપચારિકતા જરૂરી એટલા માટે હતી કે વિદ્યાર્થીનીઓની સિદ્ધિઓ સાધારણ ન હતી. આ કૉલેજમાં જે પ્રકારના સામાજિક-આર્થિક સંજોગોમાંથી યુવતીઓ ભણવા આવે છે, તેને ધ્યાનમાં રાખતાં તો એ મહાસિદ્ધિ લાગે. કોઈ યુવતી કબડ્ડીની ભારતીય ટીમમાં પસંદગી પામીને શ્રીલંકા રમી આવી હોય, કેટલીય યુવતીઓ રાષ્ટ્રીય ટીમમાં હોય, યુનિવર્સિટીની શૈક્ષણિક સિદ્ધિઓમાં પણ તે આગળ હોય...બે પ્રજ્ઞાચક્ષુ યુવતીઓએ ગીત ગાયાં. બે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓએ જમાવટ કરી. બીજી પણ વિદ્યાર્થીનીઓ હતી. મોટા ભાગની વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓના કંઠમાં ગજબની કશીશ હતી.  લતા મંગેશકરનું કે બીજી કોઈ ગાયિકાનું અનુકરણ કરવાને બદલે, પોતાના અવાજમાં તે ગાતી હતી અને એ અવાજ દમદાર હતો. એટલે જે ગીતો મૂળભૂત રીતે મારી પસંદગીની યાદીમાં ન આવતાં હોય, એવાં પણ તેમના અવાજમાં સાંભળવાં ગમ્યાં.

'નિગાહેં મિલાનેકો જી ચાહતા હૈ’ જેવી રોશનની કવ્વાલીથી શરૂઆત થાય, ‘કૂહુ કૂહુ બોલે કોયલિયા’ના બે અંતરા પણ ગવાય, ‘કભી કભી’ પણ હોય ને ‘એક લડકીકો દેખા તો ઐસા લગા’ હોય ને 'રામલીલા'નું એક ગીત પણ હોય. પુરુષ ગાયકોનાં ગીતો પણ છોકરીઓ તબિયતથી ગાય, સૂરમાં ગાય અને સાંભળવાની મઝા આવે. એ મઝામાં નડિયાદનું કે ભાઈબંધીનું કે બીજું એકેય ડિસ્કાઉન્ટ આપવાની જરૂર ન પડે. સ્વતંત્ર રીતે જ મઝા આવે.

આવો એક કાર્યક્રમ આટલી સફળતાપૂર્વક પાર પાડવાનું કેટલું અઘરું છે, એ તો આવા કાર્યક્રમ સાથે સંકળાયેલા લોકો જ કલ્પી શકે. અને એ સફળ કેમ થાય જ, એ હસિત મહેતા સાથે સંકળાયેલા લોકો સમજી શકે. એ ટફ ટાસ્ક માસ્ટર છે. ('ટફ'નું ગુજરાતી કડક અથવા આગ્રહી કરી શકાય.) તે કામ સોંપે એટલે કરનારને પૂરતી મદદ કરે, પણ જંપવા ન દે. ધાર્યું કરાવીને છોડે. પ્રક્રિયા વખતે સામેવાળો કચવાય, મુંઝાય, ક્યારેક ખિજાય, પણ છેવટનું પરિણામ જોયા પછી તેને પ્રક્રિયાની અનિવાર્યતા સમજાય અને હસિત મહેતાના હોવાનું મહત્ત્વ પણ.

બીજી વાત તે કાર્યક્રમના હેતુની. આખા કાર્યક્રમના કેન્દ્રસ્થાને વિદ્યાર્થીનીઓ હતી. તેમની પ્રતિભા આગળ આવે, સંકોચ દૂર થાય, એ તેનો આશય હતો. વ્યાવસાયિક ફ્લડલાઇટો આણીને આંજી દેવાને બદલે ઘરદીવડીઓનો મીઠા ઉજાસ બતાવવાનો આ ઉપક્રમ આયોજનપક્ષે ગજબની અને હવે તો નામશેષ બની ચૂકેલી સ્પષ્ટતા માગી લે એવો હતો. હસિત મહેતા માટે જોકે એ નવું નથી.
કાર્યક્રમ સાથે સંકળાયેલા તમામને ખૂબ અભિનંદન.
***

આ કૉલેજ અને તેના અધ્યાપકો હસિત મહેતાના માર્ગદર્શન-મદદ-આયોજન સાથે બીજું અનોખું કામ કરે છે તે આજુબાજુનાં લગભગ દોઢસો ગામની, કોઈ પણ કારણસર અભ્યાસ અધૂરો મૂકી દીધો હોય એવી વિદ્યાર્થીનીઓને કૉલેજમાં ભણતી કરવાનું. તે આખી પ્રક્રિયા અલગ વિષય છે. તેના વિશે બીરેને લખેલી પુસ્તિકા સાર્થક પ્રકાશને બહુ હોંશથી પ્રકાશિત કરી હતી. હમણાં તેની બીજી આવૃત્તિ થઈ. એ પુસ્તિકા આ લિન્ક પરથી મેળવી શકાય છે.

1 comment:

  1. હસિતભાઈ સાથેનો મારો અનુભવ એવો છે કે એ જંપતા નથી અને બીજાંઓને જંપવા દેતા નથી. જો કે એમનાં વખાણ કરવા કરતાં એમના આયોજનનો અને બધાંને ભેગાં લઈને કોઈ પણ નિર્ધારને વાસ્તવિક આયોજન વડે મૂર્તિમંત કરવાની એમની આવડતનો આદર કરવો છે. વર્ષો પછી એવું થયું કે કોઈ કૉલેજના કાર્યક્રમમાં પૂરો સમય આનંદથી બેસાયું અને ઘરે જઈને એને વિશે રાજીપો વ્યક્ત કરાયો. સંકળાયેલાં સૌને અને ખાસ તો યુવાન કલાકારોને પ્રેમથી સલામ.

    ReplyDelete