Saturday, April 06, 2019

સાર્થક પ્રકાશન : સાતમા વર્ષમાં ડગ માંડતાં...

થોડા મિત્રો ભેગા મળીને પ્રકાશન શરૂ કરવાનું વિચારે ત્યારે શાણા માણસો બે સલાહ આપેઃ

૧) ભેગા મળવું સહેલું છે, ભેગા રહેવું અઘરું છે. ઉત્સાહ નહીં ટકે. ઊલટું, હશે એટલી દોસ્તીમાં પણ તિરાડો પડશે. માટે, આ કરવું રહેવા દો.
૨) છતાં સાથે મળીને કામ કરવું હોય તો બીજું કંઈક શોધો, પણ પ્રકાશન? કભી નહીં. એ તો સો ટકા દુઃખી થવાનો ધંધો છે—ફક્ત દુઃખી થવાનો જ નહીં, રૂપિયા ખોવાનો પણ ખરો.

આવી સલાહ અમે કોઈને આપી હશે ને અમને મળી હતી પણ ખરી. છતાં, મિત્રો સાથે મળીને પ્રકાશન કરવાનું વિચાર્યું ત્યારે ઉભરાવાની ઉંમર રહી ન હતી. કઠણ અને કડવી વાસ્તવિકતાઓનો પરિચય હતો. અપેક્ષાઓ માપમાં હતી. અમુક હદ સુધીના પોસાય એટલા રૂપિયા ગુમાવવાની તૈયારી હતી. એટલે એપ્રિલ ૬, ૨૦૧૩ના રોજ સાર્થક પ્રકાશનની શરૂઆત થઈ.

ત્યાર પછી નાનામોટા બમ્પ આવ્યા, પણ ચાલકો ઠરેલ હતા. એકબીજાને જાળવી લે એવા. એટલે હળવા ને શોષાઈ જાય એટલા આંચકાથી વિશેષ કશું અનુભવાયું નહીં. પ્રકાશન શરૂ કર્યું ત્યારે મનગમતાં પુસ્તકો આર્થિક મર્યાદાની હદમાં રહીને કરવાં, એવો ખ્યાલ હતો. થોડા સમય પછી અમારી રૂચિ અને પસંદગીનાં ધોરણ પ્રમાણેનું છ માસિક કાઢવાનો વિચાર આવ્યો. દિલ્હીસ્થિત મિત્ર અમિત જોશીની દિવાળી અંકો વિશેની ટીકાટીપ્પણી તેના મૂળમાં. વાચક તરીકેની એ બળતરામાંથી ‘સાર્થક જલસો’ છ માસિકનો જન્મ થયો. ત્યારથી એક પણ ખાડો પાડ્યા વિના ‘સાર્થક જલસો’ના ૧૧ અંક પ્રગટ થયા. (મે ૨૦૧૯માં આવનારા ૧૨મા અંકની તૈયારી ચાલે છે.)

તેના ત્રણ-ચાર અંક પછી ગુરુજન રતિલાલ બોરીસાગરે કહ્યું હતું કે આવી જ ગુણવત્તાના દસ-બાર અંક નીકળે તો ‘સાર્થક જલસો’નું ગુજરાતી સામયિકોમાં વિશિષ્ટ સ્થાન ઊભું થાય અને તેને ‘વીસમી સદી’ જેવા સામયિકની પરંપરામાં મૂકી શકાય. અમારા પક્ષે એટલું જ કહેવાનું કે ૧૧ અંકમાં અમે કદી અણગમતું કે વ્યવહાર ખાતર કે શરમાશરમીમાં કશું છાપ્યું નથી (ને છાપવાના પણ નથી). અમારી સમજ અને અમારા આગ્રહો સાથે કોઈની અસંમતિ હોઈ શકે. પણ અમારા મનમાં અમારે શું કરવાનું અને ખાસ તો, શું નહીં કરવાનું એ સ્પષ્ટ છે. એટલે જ, દરેક વખતે સાર્થક જલસો કાઢતી વખતે લાગે છે કે આ વખતે ગઈ વખત કરતાં પણ વધારે મઝા પડી રહી છે. આવું ન લાગે ત્યારે અંક ન કાઢવો—એવું મનમાં હોવાથી, ઘણા મિત્રોના આગ્રહ છતાં, હજુ સુધી લવાજમ લેવાનું શરૂ કર્યું નથી. પાંચ-છ અંક પછી હવે ખપતું મૅટર મળી રહેશે એવો આત્મવિશ્વાસ આવ્યો હોવા છતાં, લવાજમ લેવામાં હજુ ખચકાટ થાય છે.

‘સાર્થક જલસો’ની એક આડકતરી પણ મોટી ઉપલબ્ધિ એ થઈ કે તેમાં લખનારા અને એ સિવાય અમારી સાથે દોસ્તી-પ્રેમ-આદરથી સંકળાયેલા ઘણા લોકોની એક અનૌપચારિક બિરાદરી ઊભી થઈ. એકબીજાના સંપર્કમાં ન રહેલા સારા માણસો એકબીજા સાથે હળેમળે, એકબીજામાંથી આધાર મેળવે ને એકબીજાને આધાર આપે, વિચારોની-કામગીરીની આપલે કરે અને મૂળભૂત માનવીય મૂલ્યોમાં વિશ્વાસ ધરાવતા લોકોનું વર્તુળ વિસ્તરે, એવું પણ ઠીક ઠીક પ્રમાણમાં શક્ય બન્યું છે.

સાર્થક પ્રકાશન શરૂ થયું ત્યારે ‘સાર્થક જલસો’ એજેન્ડામાં ન હતો. કદાચ એટલે જ એ સૌથી નિયમિત પ્રકાશન બન્યો છે. પુસ્તકોના મામલે અમારું કામ ધીમું છે. મિત્રોની ધીરજની કસોટી કરે એટલું ધીમું. ‘સાર્થક જલસો’માં જાહેરખબરો આવી ગયાના વર્ષ-બબ્બે વર્ષ પછી પણ પુસ્તકો આવ્યાં ન હોય એવું બન્યું છે. તેનાં ઘણાં કારણ છે, પણ તેમાંનું એકેય આર્થિક નથી. મુખ્ય કારણ એ છે કે અમારી કોઈની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ આ નથી. આર્થિક ઉપરાંત આનંદની પ્રવૃત્તિઓ-રસના વિષયો પણ બીજા ઘણા છે. એ ઉપરાંત અમારા મિત્રોના મૂડ અને ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’ જેવા પુસ્તકમાં એક-એક લીટીનો અનુવાદ જોવાની ઝીણવટ જેવાં કેટલાંક વાજબી કારણોથી પણ મોડું થાય છે—થતું રહ્યું છે. પણ હવે આ વર્ષમાં થોડાં વધુ પુસ્તકો આણવાની અમારી ઇચ્છા અને પ્રયાસ છે.
Books Published by Saarthak Prakashan/ સાર્થક પ્રકાશનનાં પુસ્તકો

11 issues of Saarthak Prakashan/સાર્થક જલસોના ૧૧ અંક

***

દીપક સોલિયા, ઉર્વીશ કોઠારી, ધૈવત ત્રિવેદી—આટલા લેખકમિત્રો અને વહીવટી (એટલે કે લગભગ બધાં) કામ સંભાળનારા મિત્ર કાર્તિક શાહ. આ સાર્થક પ્રકાશનની સ્થાપના વખતના ચાર જણ. પરમ મિત્ર અને ઉત્તમ ડીઝાઇનર અપૂર્વ આશર શરૂઆતમાં સક્રિય રીતે અને પછી વ્યસ્તતાઓને કારણે સલાહસૂચનની રીતે અડીખમ અને મજબૂત ટેકો છે. તેમના વિના સાર્થકનાં આરંભિક પ્રકાશનોની જે ઉમદા છાપ ઊભી થઈ, તે આ હદે કદાચ ન થઈ હોત. બીરેન કોઠારી આમ તો સાથે જ હતો. પછી ‘સાર્થક જલસો’ના સાથી સંપાદક તરીકે તેનો સત્તાવાર પ્રવેશ પણ થયો. બિનીત મોદીનું ઘર ઘણા સમય સુધી ‘સાર્થક’નું સરનામું રહ્યું. કાર્તિકભાઈના ભાઈ અમિતભાઈએ પણ સાર્થકના કામમાં હોંશભેર મદદ કરી—કેવળ વ્યક્તિગત લાગણી અને સારા કામને મદદ કરવાના શુભ હેતુથી.બુકશૅલ્ફના હેમેન્દ્રભાઈ વ્યાવસાયિક બાબતમાં સોલ ડિસ્ટ્રીબ્યુટર તરીકે સહભાગી રહ્યા.  શર્મિલી પટેલ અને અનિશ દેસાઈએ સાર્થક પ્રકાશનની વેબસાઈટ શરૂ કરી આપી. અનિશ તેમના વ્યસ્ત કામમાંથી વચ્ચે વચ્ચે સમય કાઢીને નવાં પ્રકાશનો અપડેટ કરી આપે છે. (હવે તમારા સૂચન પ્રમાણે સાઇટ નવી કરવાનો સમય થઈ ગયો છે, અનિશ)

મિત્ર વિવેક દેસાઈએ ‘સાર્થક જલસો’ને તસવીરો ને લેખો ઉપરાંત ‘નવજીવન’ થકી જાહેરખબરનો ટેકો કર્યો. ગુરુ રજનીકુમાર પંડ્યા પણ જાહેરખબરમાં મદદરૂપ થયા. ‘બુકશૅલ્ફ’ના હેમેન્દ્રભાઈ અને મનુભાઈ શાહ (ગુર્જર પ્રકાશન) પણ ‘સાર્થક જલસો’માં સદ્ભભાવથી જાહેરાત આપે છે. ‘બુકપબ’ના કિરણભાઈ ઠાકર પણ. (આવી બીજી મદદો આવકાર્ય છે). સાર્થકનાં તમામ પ્રકાશનો યુનિક ઑફસૅટમાં છપાય છે. ‘યુનિક’ના મેહુલભાઈ પણ સાર્થકના વિસ્તરેલા પરિવારમાં છે.

અપૂર્વ આશરની વ્યસ્તતા પછી ડિઝાઇનર મિત્ર ફરીદ શેખ અને ‘સાર્થક જલસો’ના ગયા અંકથી આર્ટમણિવાળા, ઇન્ડિયા ટુડ઼ે ગુજરાતીના જમાનાના મિત્ર મણિલાલ રાજપુત ‘સાર્થક જલસો’નું ડિઝાઇનિંગ કરે છે. આ સિવાય કેટકેટલા સાથીદારો-શુભેચ્છકો-લેખકો-વડીલોએ તેમની લાગણીથી સાર્થક પ્રકાશનને પોષ્યું છે, તેમની ઉદારતાથી અમારી ઢીલાશ નભાવી છે, તે એક જ આશાએ કે અમે કદી ગુણવત્તા સાથે બાંધછોડ નહીં કરીએ અને અમારી મહત્તમ ક્ષમતા પ્રમાણેનું ઉત્તમ કામ આપીશું.

એ આશા પાર પાડવામાં અમે કદી ઊણા ન ઉતરીએ, એવી પૂરી તૈયારી અને પ્રયાસો સાથે અમે અમારું કામ ચાલુ રાખીશું. તમને એ ગમે તો અત્યાર સુધી થયા છો એવી જ રીતે, તેના પ્રચારપ્રસારમાં ને બીજી રીતે શક્ય એટલા મદદરૂપ થજો. અમારા જેવા બિનવ્યાવસાયિકો જાહેરખબર મેળવવાની બાબતમાં અને પ્રચારપ્રસારના-વિતરણના કામમાં હંમેશાં ઊણા ઉતરે છે. ગરીમા ચૂક્યા વિના તેમાં જેટલી મદદ થઈ શકે એટલી કરજો. અમે તમને લટુડાંપટુડાં નહીં કરીએ, શુદ્ધ ગુજરાતીમાં જ વાત કરીશું. કારણ કે, અમારે તમને અમારી ક્ષમતામાં રહીને કંઈક નક્કર અને પોષક આપવું છે. અત્યાર સુધી તમારો સહકાર મળ્યો છે તેનો આનંદ છે અને કૃતજ્ઞતા પણ ખરી. મિત્રો-સ્નેહીઓના સાચા પ્રેમનો પાર નથી. તેમના પ્રત્યે ઊંડા સ્નેહની અનુભૂતિ મનમાં હંમેશાં રહે છે. આવી લાગણી સાથે સાતમા વર્ષમાં ડગ માંડતી વખતે અપાર સાત્ત્વિક આનંદ ઉપજે છે. તેના માટેનો બીજો શબ્દપ્રયોગ છેઃ સાર્થક જલસો.

1 comment:

  1. Very pleased to know the history of Sarthak Jalso. I was lucky enough to obtain all the issues of it from Book Shelf along with other books, and the parcel arrived last week. will sort out and can't wait to start reading them.
    I had pleasure of talking to you Urvish, sorry we could not get together, but all our good wishes are for you.

    ReplyDelete