Tuesday, May 21, 2019
નાગરિકો માટે પરિણામ પછીના પડકાર
(રવિવાર, ૧૯-૫-૧૯નો લેખ. લખ્યા તારીખઃ ૧૫-૫-૧૯)
ચૂંટણીપ્રચારનાં ગાળાગાળી, હુંસાતુંસી, શાબ્દિક અને શારીરિક હિંસા, ઉશ્કેરણી, ફેંકાફેંકી, ગરમાગરમી... બધાનો અંત આવ્યો. હવે શુક્રવાર સુધી એક્ઝિટ પોલનો ખેલ ચાલશે. પછી પરિણામનુ ઢેનટેણેન, નવી સરકાર અને પછી?
પછી કંઈ નહીં. બધું રાબેતામુજબ. કેમ કે, આપણી લોકશાહી નેતાપક્ષે અને નાગરિકપક્ષે પણ ચૂંટણીકેન્દ્રી બનીને રહી ગઈ છે. ચૂંટણીમાં જે જીતે તે શૂર. તેનાં બધાં પાપ માફ. કારણ કે, લોકોએ ચૂંટ્યા એટલે પાપમાફીની સત્તા ને નવાં પાપ કરવાનો પરવાનો આપી દીધાં છે, એવું આપણના ઘણાખરા નેતાઓ માને છે. યોગી પોતાની સામેના કેસ મુખ્ય મંત્રી બન્યા પછી માંડવાળ કરાવી દે એની નવાઈ નથી લાગતી.
૨૦૧૪માં ભાજપનો ચૂંટણીપ્રચાર જોઈને એવું જ લાગે કે કેન્દ્રમાં એક વાર ભાજપની સરકાર બની જવા દો. પછી વિદેશમાં ઠલવાયેલાં કાળાં નાણાંનો વરસાદ થશે, રૉબર્ટ વાડ્રા જેલના સળીયા ગણતા હશે, ઇમાનદાર અફસર અશોક ખેમકાની બદલીઓ થતી અટકશે, સરકારી નિર્ણયો પારદર્શક બનશે, ભ્રષ્ટાચાર ઘટશે...પરંતુ સરખી બહુમતી મળ્યા પછી અહમથી છલોછલ આત્મવિશ્વાસમાં રાચતા વડાપ્રધાને જે રીતે પાંચ વર્ષની મુદત વેડફી નાખી, વ્યક્તિપૂજા અને ધ્રુવીકરણ સિવાય બીજી કોઈ બાબતને પ્રોત્સાહન આપ્યું નહીં, તેમાં વર્તમાન સરકારની ટીકા તો છે જ. સાથોસાથ, મતદાતા તરીકે-નાગરિક તરીકે આપણા માટેનું વિચારભાથું પણ છે.
રાહુલ ગાંધીએ આ વખતની ચૂંટણીને પ્રેમ વિરુદ્ધ ધીક્કારની લડાઈનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો. પણ તેમનો આ સંદેશો ખુદ તેમના પક્ષના નેતાઓ જ અમલમાં મૂકી શક્યા હોય, એવું લાગ્યું નહીં. તે નેતાઓ બિનજરૂરી વિવાદો ઊભા કરતા રહ્યા અને નાગરિકસમાજની અપેક્ષાઓ પર પાણી ફેરવતા રહ્યા. એક તરફ ભાજપને જેમની બહુ એલર્જી છે તેવા બૌદ્ધિકો દેશમાં ઊભા થયેલા ભયગ્રસ્ત અને ઝેરીલા વાતાવરણ તરફ આંગળી ચીંધીને, લોકોને આ ચૂંટણીનું મહત્ત્વ સમજાવી રહ્યા હતા, ત્યારે વિપક્ષ તરીકે કૉંગ્રેસે આ તકે લોકોને સાચા રસ્તે દોરવાનો મોકો ઝડપ્યો જ નહીં. કેવળ જાહેરખબરો બનાવી દેવાથી કે ઢંઢેરા બહાર પાડી દેવાથી લોકોમાં સંદેશો પહોંચી જશે, એવું શી રીતે માની લેવાય? જમીની હાજરીના મામલે કૉંગ્રેસ ઊણી ઉતરી. કેન્દ્ર સરકાર સામે લોકોના અસંતોષનાં વાજબી કારણો અને પ્રસંગો આવ્યા ત્યારે પણ કૉંગ્રેસ કે બીજા વિરોધ પક્ષો નિવેદનોથી આગળ ભાગ્યે જ વધી શક્યા.
વર્તમાન સરકાર પર ધીક્કારનું વાતાવરણ ફેલાવવાનો આરોપ વાજબી રીતે જ મુકાયો, પણ તેની સામે પ્રેમનું વાતાવરણ કેવું હોય તે કૉંગ્રેસ સહિતના વિપક્ષો દર્શાવી શક્યા નહીં. રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીને ભેટે કે તેમના વિશે શાલીનતાથી વાત કરે ત્યારે જાહેર જીવનની સભ્યતાની રીતે સારું લાગે, પણ મામલો શાલીનતાથી આગળ વધીને, વર્તમાન સમસ્યાઓ અંગેના તેમના આગવા દૃષ્ટિકોણ સુધી ન પહોંચે, ત્યારે કશુંક નહીં, ઘણું બધું ખૂટતું લાગે. ખેતસમસ્યાનો ઉકેલ રાહુલ ગાંધીને પણ લોનમાફીમાં જ દેખાતો હોય અને તે પણ નરેન્દ્ર મોદીની જેમ કશો તર્ક કે નક્કર આધાર પૂરો પાડ્યા વિના નોકરીઓ આપવાના વાયદા કરતા હોય, ત્યારે તેમના દાવા પર ભરોસો કેમ મૂકી શકાય? જૂઠ્ઠાને સાચી રીતે જૂઠ્ઠો કહેવાથી પોતે સાચા નથી થઈ જવાતું, એ નેતાઓ તો નહીં જ કહે. પણ નાગરિક તરીકે આપણે સમજવું પડે.
છેલ્લા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં જે રીતે શેરીયુદ્ધ ચાલ્યું તે નવું નહીં, છતાં ખેદજનક હતું. બંને પક્ષોએ એકબીજાની ગુંડાગીરી પ્રત્યે આંગળીઓ ચીંધી, પણ આપણે તો એટલું જ કહેવાનું થાય કે તમારો પરિચયવિધિ પૂરો થયો હોય તો આગળ વધીએ? એક સીધુંસાદું અને નિર્દોષ કાર્ટૂન કે રમુજી ફેરફાર કરેલી તસવીર સહન કરી શકતાં ન હોય, એવાં મમતા બૅનરજી નરેન્દ્ર મોદી કે અમિત શાહની વાજબી ટીકા કરે, તો પણ તેમના મોઢેથી એ કેટલી શોભે? અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, ગુંડાગીરીથી મુક્તિ, સરકારી સત્તાના દુરુપયોગનો અંત, લોકશાહી પરંપરાઓનો આદર...આવું બધું ઇચ્છતા નાગરિકો માટે મમતા બૅનરજી અને નરેન્દ્ર મોદી વચ્ચે ફક્ત નામનો જ ફરક ન રહી જાય? તેમાં પસંદગી કરવાપણું ક્યાં રહ્યું?
આ સવાલ ફક્ત નરેન્દ્ર મોદી કે મમતા બૅનરજી કે રાહુલ ગાંધી પૂરતો સીમિત નથી. ચૂંટણીનાં પરિણામ ગમે તે આવે, ૨૦૧૯ના ભારતમાં કેટલાક ગંભીર પડકાર ઊભા થઈ ચૂક્યા છે અને જૂના પડકારો વકરી ચૂક્યા છે. આપણા આંખ મીંચી દેવાથી કે પક્ષીય વફાદારીના ડાબલા પહેરી લેવાથી તે દૂર થઈ જવાના નથી. નાગરિકો જેટલા વહેલા તે પડકારો ઓળખી લે, તેટલું ભારતની લોકશાહીના હિતમાં છે.
સૌથી પહેલો પડકાર છેક નીચલા સ્તર સુધી ફેલાવાયેલા ધીક્કારનો અને ધ્રુવીકરણનો છે. નેતાઓ કરતાં તેમના ભક્તો વધારે ઝેરીલા, ખતરનાક અને સામાજિક પોતને નુકસાન પહોંચાડનારા નીવડી રહ્યા છે. તેમને ફૂલવાફાલવાનું વાતાવરણ આપવા માટે નેતાઓ જ જવાબદાર છે. પણ સોશ્યલ મિડીયા પર અને જાહેર ચર્ચાઓમાં 'નાગરિકો' ઓછા જોવા મળે છે. મોટા ભાગના લોકો એક યા બીજા પક્ષની કંઠી પહેરીને જ મેદાનમાં ઉતરે છે અને ઘણી વાર તો પોતાના જૂના સામાજિક સંબંધોને હોડમાં મૂકે છે.
ધીક્કારને રાજ્યાશ્રય મળે ત્યારે મોબ લિન્ચિંગની ઘટનાઓ સામાન્ય બને છે. છેક ઉપલા સ્તરેથી મૌન ધરીને આવી ઘટનાઓને આડકતરું સમર્થન આપવામાં આવે, ત્યારે નીચલા સ્તર માટે સંદેશો સ્પષ્ટ બની જાય છે. સાથોસાથ, રાજનેતાઓને ગાળ દેતી વખતે એક વાત ભૂલવા જેવી નથીઃ તેમનો ધીક્કારનો સંદેશો ઝીલનારા અને તેનો અનુકૂળ પડઘો પાડનારા આપણે લોકો છીએ. આપણે ધીક્કાર નહીં ઝીલીએ, તો તેમણે બીજી કોઈ તરકીબ વિચારવી પડશે.
વગર કટોકટીએ બંધારણીય સંસ્થાઓની વિશ્વસનિયતાનો લોપ એ પણ નવી સરકાર આવ્યા પછી મહત્ત્વનો પડકાર બનશે. નાગરિકો એ બાબતે જાગ્રત નહીં થાય, તો કાન આમળતી તટસ્થ સંસ્થાઓ એકેય સત્તાધીશોને ગમતી નથી હોતી.
સૈન્યને રાજકીય રંગમાં રંગવાના કે તેના થકી વ્યક્તિવિશેષની છબી ઉપસાવવાના પ્રયાસો ભારે જોખમી અને હાડોહાડ બેજવાબદાર છે. એટલું જ નહીં, તે દેશભક્તિથી વિપરીત દેશનું ભારે અહિત કરનારા છે. નકરો પોતાનો જ સ્વાર્થ જોતા નેતાઓ એ નથી સમજતા, એટલે આ બાબતમાં તેમને ટપારવાનું અઘરું કામ પણ, પક્ષીય વફાદારીઓ બાજુ પર રાખીને, આપણે નાગરિકોએ જ કરવાનું છે.
નાગરિકોની સૌથી મોટી જવાબદારી અને તેમની સામેનો સૌથી મોટો પડકાર નવી સરકારને ક્ષુલ્લક મુદ્દાથી દૂર રાખીને, વાસ્તવિક સમસ્યાઓના ઉકેલના પાટે ચલાવવાનો છે. તેમાં નિષ્ફળ જવાશે તો કેવળ નેતાઓને દોષ દઈને છટકી નહીં શકાય.

Labels:
elections 2019,
politics
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment