Tuesday, October 30, 2018

આખરે, Ph. D. અને થોડી અંગત વાતો


'આથી જાહેર કરવામાં આવે છે કે....' એવી રીતે શરૂ થતું ગુજરાત વિદ્યાપીઠનું સત્તાવાર જાહેરનામું ગઈ કાલે મળ્યું. એ સાથે મારી Ph. D.  થવાની સફર સફળતાપૂર્વક પૂરી થઈ.
***

Ph. D.માં કુલ ત્રણ વર્ષ વીત્યાં, પણ આ પ્રક્રિયાની શરૂઆત છ વર્ષ પહેલાં થઈ હતી. એક દિવસ મિત્ર લલિત લાડ (મન્નુ શેખચલ્લી) સાથે 'ગુજરાત સમાચાર'ની ઑફિસની નીચે ચા પીતા-ગપ્પાંગોષ્ઠિ કરતા ઊભા હતા. ત્યારે ગુજરાતી પત્રકારત્વ વિશે ચર્ચા નીકળી. વાત ફંટાતી ફંટાતી એવા મુકામે પહોંચી, જ્યાં ચોક્કસ સંદર્ભે એવું લાગ્યું કે કંઈક કરવું જોઈએ. ત્યારે એવો તરંગ આવ્યો કે Ph. D. કરવું જોઈએ.

પણ હું રહ્યો B. Sc. અને એ પણ રસાયણશાસ્ત્રનો. તેમાંથી પત્રકારત્વમાં Ph. D. કેવી રીતે થવાય? 'માસ્ટર કી' જેવા મિત્ર હસિત મહેતાને પૂછ્યું. તેમણે કહ્યું કે થવાય, પણ એ પહેલાં માસ્ટર્સ થવું પડે. એટલે માસ્ટર્સનાં બે ને Ph. D.નાં ઓછામાં ઓછાં બે વર્ષ. આ તો પહેલા જ પગલે વિધ્ન. પછી તપાસ કરી કે માસ્ટર્સ ક્યાં થાય? અને કૉલેજ ગયા વિના ક્યાં થઈ શકે? પત્રકારત્વનાં અધ્યાપક મિત્રદંપતિ અશ્વિન ચૌહાણ અને સોનલ પંડ્યાને પૂછ્યું. એક-બે ઠેકાણાં શોધ્યાં. નવું વર્ષ શરૂ થવાની તૈયારી હતી. એટલે ફાઇનલ તપાસ માટે ગુજરાત યુનિવર્સિટીનાં પત્રકારત્વ વિભાગનાં અધ્યક્ષ તરીકે સોનલ પંડ્યાને મળ્યો. તેમણે એક-બે ઠેકાણાં બતાવીને કહ્યું કે એ તો છે જ, પણ તમે અહીં પત્રકારત્વ શા માટે નથી કરતા?

ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકારત્વની કૉલેજ છે ને ત્યાં માસ્ટર્સના બે કોર્સ ચાલે છે, એ ખ્યાલ હતો જ. ત્યાં લેક્ચર્સ લીધેલાં. એકાદ વાર પેપર પણ કાઢ્યું હતું. પરંતુ મેં સાચું કારણ કહ્યું : 'તમારે ત્યાં તો પ્રવેશપરીક્ષા આપવી પડે… ને એમાં પ્રવેશ ન મળે તો?’ સવાલ અહમ્ ઘવાવાનો નહીં, વાસ્તવિક હતો. જે આશયથી માસ્ટર્સ કરવાનું નક્કી કર્યું છે તેમાં પહેલા જ પગથીયે ઠેસ આવે તો પછી આગળનું બધું ડગમગી જાય. પણ સોનલબહેને સમજાવ્યો એટલે મેં યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં પ્રવેશપરીક્ષા આપવાનું નક્કી કર્યું. સલામતીના પગલારૂપે મેં બંને કોર્સની પ્રવેશપરીક્ષા આપી. સવારે MMCJ ની અને બપોરે MDCની.

પરિણામની સવારે કૉલેજ ફોન કર્યો અને જરા આતુરતાથી પૂછ્યું કે 'શું છે? પાસ?’ સામેથી હસવાનો અવાજ સંભળાયો ('શું તમે પણ!’ પ્રકારનો). બંને કોર્સમાં પ્રવેશ મળી ગયો હતો. મેં MMCJ – માસ્ટર ઇન માસ કમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમ પસંદ કર્યું. (બાય ધ વે, મારી પત્રકારત્વની પરીક્ષાનું પ્રવેશ ફૉર્મ લાવી આપનાર આદિમિત્ર બિનીત મોદીએ MMCJનું આખું નામ બહુ 'ઝેરી' બનાવ્યું છે : Master in Mass Carnage and Justification)

***

ત્યાર પછી બે વર્ષ માટે નવેસરથી કૉલેજકાળ શરૂ થયો, ૪૧ વર્ષની ઉંમરે. મારા ક્લાસમાં મોટા ભાગનાં છોકરા-છોકરીઓ હું B.Sc. થયો તે પછી જન્મેલાં હતાં. મોટા ભાગનાંને વાંચવાની કુટેવ ન હતી. એ વખતે હું ગુજરાત સમાચારમાં અઠવાડિયાની ત્રણ કોલમ અને રોજનો એક તંત્રીલેખ લખતો હતો. તેમાંથી ક્યારેક કોઈ લેખ વિશે નરેશ મકવાણાએ વાત કરી હશે. શૈલી ભટ્ટ શરૂઆતમાં જ આવીને મળી હતી અને મારા ક્લાસમાં હોવા વિશે આનંદ વ્યક્ત કર્યો હતો. બાકી બીજાં બધાં મારા લખાણ વિશે નિસ્પૃહ હતાં ને મારે પણ એમની પાસેથી માન્યતાની જરૂર ન હતી.  પ્રવેશ લીધો ત્યારથી એક વાતની ગાંઠ વાળી હતી કે પત્રકાર તરીકેની મારી ઓળખ કૉલેજના ઝાંપાની બહાર રહેશે. અહીં હું વિદ્યાર્થી તરીકે આવીશ, ભણીશ, બધા જ નિયમો પાળીશ, કશો વિશેષાધિકાર નહીં માગું અને Ph. D. થવા માટે જરૂરી પંચાવન ટકા લાવીને ચાલતી પકડીશ.

પહેલા છ મહિના બધું સામાન્ય ચાલ્યું. મહેમદાવાદથી આવવાનું. એટલે પહેલું લેક્ચર ચુકાઈ જાય. પછીનાં એક કે બે લેક્ચર ભરવાનાં. બાકાયદા બૅન્ચ પર બેસવાનું. (હા, નોટ નહીં બનાવવાની). આડાઅવળા સવાલ નહીં પૂછવાના. પહેલા સૅમેસ્ટર પછી આવ્યું બીજું સૅમેસ્ટર. તેમાં હતી જુદી જુદી વર્કશૉપ. તેમાંથી (હવે દિવંગત) નિમેષ દેસાઈએ પંદર દિવસ માટે કરાવેલી નાટકની વર્કશૉપ ટર્નિંગ પૉઇન્ટ બની. ક્લાસનાં વિદ્યાર્થીઓ વચ્ચેનો બરફ ઓગળ્યો અને પછી એ ઓગળેલો જ રહ્યો. વીસ વર્ષ નાનાં છોકરાછોકરીઓ સાથે દોસ્તી થઈ. તેમને દોસ્ત બનાવ્યાં.  એ અઘરું હતું, છતાં મારે મન પંચાવન ટકા લાવવા પછીનો બીજો એજેન્ડા આ ઊભો થયો હતો. એ સમજવું હતું કે આપણાથી વીસ વર્ષ નાનાં લોકો કેવી રીતે વિચારે છે, તેમની શક્તિઓ શી છે, મર્યાદાઓ શી છે. (એ બધાં મને 'સર' કહેતાં હતાં, પણ તેમને સમજાવવાની જરૂર ન લાગી. કારણ કે દોસ્તી થયા પછી એ શબ્દનો ભાર ખરી પડ્યો હતો)

નાટકના અનુભવ વિશે તો અલગથી બ્લોગ લખ્યો હતો. તેની લિન્ક મૂકું છું. http://urvishkothari-gujarati.blogspot.com/2013/02/blog-post_22.html મારા બંને હેતુ સિદ્ધ થયા. પંચાવન ટકા ઉપર માર્ક આવી ગયા અને મારાથી વીસ વર્ષ નાનાં લોકો સાથે દોસ્તી કરતાં આવડ્યું. પણ મૂળ કાર્યક્રમ તો Ph. D.નો હતો.
***

મારે Ph. D. ગુજરાત વિદ્યાપીઠમાંથી, અશ્વિનભાઈના વિદ્યાર્થી તરીકે કરવું હતું. અશ્વિન ચૌહાણ જૂના મિત્ર, અચ્છા હાસ્યકાર, સરળ, પ્રેમાળ, ક્યારેક વાંક કાઢવાનું મન થાય એટલા સજ્જન, સતત વાંચતાલખતા. પણ એક જ મુશ્કેલી હતી. ૨૦૧૪માં હું માસ્ટર્સ થયો ત્યારે અશ્વિનભાઈને Ph. D.ની ગાઇડશીપ મળી ન હતી. પ્રક્રિયા ચાલુ હતી. આથી મેં એક વર્ષ જવા દીધું. બીજા વર્ષે ૨૦૧૫માં મેં ગુજરાત વિદ્યાપીઠની પ્રવેશપરીક્ષા આપી. પરીક્ષાર્થીઓ વધારે ને બેઠકો ઓછી--એવું હતું. પણ પ્રવેશ મળ્યો અને Ph. D.ની યાત્રા શરૂ થઈ.

પહેલો સવાલ આવ્યો : વિષય કયો રાખવો? લગભગ ૨૦૦૧થી હું જ્યોતીન્દ્ર દવે વિશે છૂટુંછવાયું પણ સતત કામ કરું છું, એ જાણતા મિત્રોએ ધાર્યું હતું કે હું જ્યોતીન્દ્ર દવે પર જ કામ કરીશ. પણ પરીક્ષામાં પાસ થયા પછી મારો વિચાર બદલાયો. છેલ્લા અઢી-ત્રણ દાયકાથી ગાંધીજી વિશે સતત કંઈક વાંચવાનું-સમજવાનું અને પત્રકારત્વમાં આવ્યા પછી લખવાનું થયું હતું. એટલે થયું કે જ્યોતીન્દ્ર પર તો હું વગર ભણ્યે કામ કરવાનો જ છું, તો ગાંધીજીને લગતા કોઈ વિષય પર કામ કરવું.  તેથી એક વધારાનું કામ પણ થાય. તેમાં ગાંધીજી અને પર્યાવરણ જેવા નિર્દોષ વિષયો હતા, પણ મને થયું કે હિંદુ-મુસ્લિમ સંબંધોમાં ગાંધીજીના વલણ વિશે અભ્યાસ કરીએ તો રસ પડે ને ઘણું જાણવાનું પણ મળે.

વિદ્યાપીઠમાં વિદ્યાર્થી બનવાનું એટલે વિદ્યાપીઠના અનુભવી મિત્ર કેતન રૂપેરાને સાથે લઈને ખાદીનો ઝભ્ભો-લેંઘો ખરીદ્યા. (સત્તાવાર કામ માટે જ્યારે પણ જવાનું થાય ત્યારે ખાદી પહેરવી પડે.) પહેલી વાર વિદ્યાપીઠનાં પત્રકારત્વનાં અધ્યાપકો સાથે વિષય નક્કી કરવા અંગે મળવાનું થયું ત્યારે પુનિતાબહેને (પુનિતા હર્ણેએ) અનુભવના આધારે કહ્યું કે વિષય સારો છે, પણ તેનો વ્યાપ થોડો ઓછો કરો. નહીંતર પહોંચી નહીં વળાય. તેમની વાત સાચી હતી. એ સ્વીકારીને વિષય રાખ્યો 'નવજીવન'માં ગાંધીજીના લેખોમાં હિંદુ-મુસ્લિમ સંબંધોનું નિરૂપણ.

ઓછામાં ઓછાં બે વર્ષ લેવાનાં હતાં. પણ મારે અઢી વર્ષ થયાં. વચ્ચે બીજાં અનેક કામ ચાલુ જ હતાં. છેવટે અૅપ્રિલમાં, સાર્થક જલસો-૧૦ના અંકના થોડા દિવસ પહેલાં, થિસીસ જમા કરાવી, થોડા વખત પહેલાં વાઇવા થયો અને ગઈ કાલે નૉટિફિકેશન આવતાં Ph. D.નું કામ પૂરું થયું. (સાર્થક જલસો-૧૧નો અંક આ અઠવાડિયે આવી જશે.)
***

Ph. D. ની એકંદર, સરેરાશ કક્ષા વિશે હું કોઈ ભ્રમમાં નથી. Ph. D.માં લોકો કેવા ગોરખધંધા કરે છે ને કેવા હાથીના હાથી નીકળી જાય છે, એ તો સાર્થક જલસોના એક લેખનો (ઑલરેડી સોંપાયેલો) વિષય છે. ગુજરાતીમાં Ph. D. થયેલા દસ લીટી સાચું-સારું ગુજરાતી લખી ન શકે, તે જોયું છે ને એવું બીજા વિષયોમાં પણ હોય છે, એવું વિશ્વસનીય મિત્રો-વડીલો પાસેથી જાણ્યું છે. ઘણા લખનારાને એવો ભ્રમ હોય છે કે 'આપણું તો કામ જ એવું છે કે લોકો એની પર Ph. D. કરે.’  આવા ફાંકામાં પણ કશો દમ નથી. કેમ કે, કેવળ Ph. D. કરી નાખવાથી કે Ph. D. નો વિષય બનવાથી કશું સિદ્ધ થતું નથી.

મને સંતોષ એ વાતનો છે કે મારા Ph. D.ના કામમાં મને ઘણું જાણવા-સમજવાનું મળ્યું. અમુક બાબતોમાં સમજ વધારે બારીક-વધારે ઊંડી બની અને એ બહાને 'નવજીવન'ના ૧૯૧૯થી ૧૯૩૨ના અંક સળંગ જોવાના મળ્યા. સાથે મને એવું પણ લાગ્યું કે મારો થીસીસ પુસ્તકસ્વરૂપે પ્રગટ ન કરવો જોઈએ. વાચક તરીકે હું એવી અપેક્ષા રાખું કે મને ગાંધીજીના હિંદુ-મુસલમાન સંબંધો પરના વલણનો આખો આલેખ મળે. મારા થિસીસમાં એ ૧૯૧૯થી ૧૯૩૨ સુધીનો અને તે પણ 'નવજીવન'નાં લખાણ પૂરતો છે. તે સરસ છે, પણ પૂરતો નથી.

છેલ્લી વાત : છ વર્ષ પહેલાં Ph. D. કરવાનું વિચાર્યું અને વિચાર અમલમાં મૂક્યો, ત્યારથી નક્કી કર્યું હતું કે હું નામની આગળ અનિવાર્ય જરૂરિયાત નહીં હોય ત્યાં સુધી 'ડૉ.’ નહીં લખું. જે લખે છે તેની સામે મને કશો વાંધો નથી, પણ મારા મનમાં પહેલેથી એવું છે કે ડૉક્ટર તો મૅડિસીનના જ કહેવાય. એ મારી માન્યતા છે અને કશી ચર્ચા કે શાસ્ત્રાર્થ કર્યા વિના, મારા કિસ્સામાં તો હું એ પાળી જ શકું. એટલે અનિવાર્ય નહીં હોય ત્યાં સુધી પાળવાનો છું.

પરિવાર અને મિત્રોના અવિરત, અખૂટ પ્રેમ વિના બધું વ્યર્થ છે ને એના થકી બધું સાર્થક છે. એમના પ્રત્યેનો કાયમી ઋણભાવ અને સૌ શુભેચ્છકોનો આભાર. 

Tuesday, October 02, 2018

રાફેલ સોદો : રાજકારણથી આગળ...

કોઈ પણ મુદ્દે રાજકારણ ભળે, એટલે એ જ થાય, જે રાફેલ/Rafael ના સોદામાં થઈ રહ્યું છે : સંતોષકારક માહિતી મળે નહીં અને ઉપલબ્ધ માહિતીનું પોતપોતાનાં વલણ પ્રમાણે અર્થઘટન થાય. જુદા જુદા મુદ્દાની એકબીજામાં ભેળસેળથી એવો ખીચડો થાય કે સ્પષ્ટતાને બદલે ગુંચવાડો વધે. રાફેલ યુદ્ધવિમાનના મુદ્દે સરકાર કહે છે કે બધું ધારાધોરણ પ્રમાણે થયું છે. વિપક્ષોનો, ખાસ કરીને કૉગ્રેસનો, આરોપ છે કે રાફેલની ખરીદીમાં ગેરરીતિ થઈ છે. આવી સ્થિતિમાં રાફેલ સોદા વિશે કશો આખરી નિર્ણય આપવાની ઉતાવળમાં પડવાને બદલે, પહેલાં તો વિવાદના મુદ્દા સમજવા જેવા છે.

મુદ્દાની યાદી ટૂંકમાં : ૧)  સરકારે રાફેલ વિમાનોને ગેરવાજબી કહેવાય એવી ઊંચી કિંમતે ખરીદ્યાં છે કે કિંમત બરાબર છે? ૨) અનિલ અંબાણીની રિલાયન્સને રફાલની ઉત્પાદક દસો/Dassault કંપનીએ પાર્ટનર તરીકે લીધી, તેમાં ભારત સરકારની કોઈ ભૂમિકા ખરી? ૩)  વર્તમાન સરકારે કરેલા રાફેલ સોદા અંતર્ગત અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાર્ટનર બની. તો અગાઉ યુપીએની સરકારમાં જે કૉન્ટ્રાક્ટની વાટાઘાટો ચાલતી હતી, તેમાં મુકેશ અંબાણની રિલાયન્સે પણ દસો સાથે ભાગીદારી કરી હતી. આ બંને વચ્ચે કોઈ તફાવત ખરો? ૪) રાફેલની પસંદગી યોગ્ય છે? સરકારે ૩૬ વિમાનનો ઑર્ડર આપ્યો છે.  વિમાનોની આટલી સંખ્યા હવાઈ દળ માટે પૂરતી છે? ૫) આ સોદો કરનાર વડાપ્રધાન પારદર્શક ધોરણે વર્ત્યા છે? ૬) આ સોદામાં હિંદુસ્તાન અૅરોનૉટિક્સ લિમિટેડ (HAL) ને તડકે મૂકીને અનિલ અંબાણીની રિલાયન્સને લાભ ખટાવવામાં આવ્યો છે? ૭) આ સોદામાં 'મેક ઇન ઇન્ડિયા'નું શું થયું? અને ભારતને ફ્રાન્સ તરફથી ટૅકનોલોજીની ટ્રાન્સ્ફર (એટલે કે તૈયાર વિમાન ઉપરાંત વિમાન બનાવવાની કારીગરીની જાણકારી) મળશે? ૮) ભારતના વડાપ્રધાને આ સોદો કર્યો ત્યારે ફ્રાન્સના પ્રમુખ રહેલા ઓલાંદેએ એવું કેમ કહ્યું કે અનિલ અંબાણીનું નામ ભારત સરકારે આપેલું હતું? અને આવું બોલ્યા પછી તે ફરી ગયા? ૯) આ સોદામાં વડાપ્રધાને અને સરકારે નીતિનિયમોનો ભંગ કર્યો છે?

સૌથી પહેલી વાત રાફેલની કિંમતની. રાહુલ ગાંધીનો દાવો છે કે 'યુપીએ સરકારે રાફેલ સાથે સોદાની વાટાઘાટો કરી ત્યારે એક વિમાનની કિંમત રૂ. ૫૨૬ કરોડની આસપાસ હતી, પણ આ સરકારે એક એક વિમાન લગભગ ત્રણ ગણી કિંમતે રૂ.૧,૬૦૦ કરોડની આસપાસ  ખરીદ્યું. એટલે આ ગોટાળો છે.  ઇતિ સિદ્ધમ્.‘ સરકારનો પક્ષ રજૂ કરનારા કહે છે કે વિમાનમાં ખાસ ભારત માટે કેટલીક જરૂરી સાધનસામગ્રી અને ચીજવસ્તુઓ બેસાડવામાં આવશે. ઉપરાંત દસો કંપની લાંબા ગાળા સુધી સર્વિસ અને મેઇન્ટેનન્સને લગતો ટેકો પૂરો પાડશે. તેના કારણે ભાવ વધ્યા છે. જૂના ભાવ ૨૦૦૭ના અને ૧૨૬ નંગ રાફેલના હતા. આ ભાવ ૨૦૧૬ના અને ૨૮ બધી રીતે તૈયાર રાફેલના છે.

યાદ રહે, જુદી જુદી કંપનીનાં છ અલગ અલગ યુદ્ધવિમાનોમાંથી કયું ખરીદવું, એ મુદ્દે લાંબી પ્રક્રિયા ચાલી. વાયુસેનાએ પાંચેય વિમાનોનું પરીક્ષણ કરીને દસોના 'રાફેલ' અને યુરોફાઇટરનું 'ટાયફૂન' પસંદ કર્યાં. તેમાંથી જે સસ્તું પડે તેનાં ૧૨૬ નંગ ખરીદવાનાં હતાં. (કારણ કે ભારતીય વાયુસેનામાં એકાદ દાયકામાં યુદ્ધવિમાનોની મોટા પાયે ઘટ પડવાની હતી.) 'ટાયફૂન' અને 'રાફેલ' વચ્ચેના આખરી મુકાબલામાં યુપીએ સરકારે રાફેલ પસંદ કર્યું. પરંતુ સંરક્ષણવિષયક બાબતોના નિષ્ણાત અજય શુક્લાએ લખ્યું હતું તેમ, રાફેલની પસંદગી કરવામાં સરકારે થાપ ખાધી હોય એવું લાગે છે. ધીમે ધીમે ખબર પડી કે પહેલી નજરે સસ્તું લાગતું એ વિમાન સરવાળે ખાસ્સું મોંઘું પડે એમ છે. અને એ કિંમતે ૧૨૬ નંગ ખરીદી શકાય કે કેમ.

યુપીએ સરકાર વખતે દસો કંપની ૧૮ રાફેલ સીધાં ઉડાડી શકાય એવી રીતે (ફ્લાય અવે કન્ડિશનમાં)  આપવાની હતી. અને બાકીનાં હિંદુસ્તાન અૅરોનૉટિક્સ (HAL)માં દસોની ટૅકનોલોજી થકી બનવાનાં હતાં. આ વ્યવસ્થામાં પણ કેટલીક ગુંચ હતી, એવું જણાય છે. દસો કંપનીએ HALમાં બનતાં રાફેલની ગુણવત્તાની ખાતરી આપવા તૈયાર ન હતી. આવાં બધાં કારણસર, રાફેલ ખરીદવાનું નક્કી કર્યા પછી પણ, એ સોદો કાંઠે પહોંચી શક્યો નહીં.

બે-એક વર્ષમાં યુપીએની બીજી મુદત પૂરી થઈ અને ચૂંટણી પછી એનડીએની સરકાર બની. તેના રાજમાં પણ દોઢેક વર્ષ એમ જ વીતી ગયું અને રાફેલનો સોદો ફાઇનલ ન થઈ શક્યો. એ અરસામાં દસો કંપનીના અધ્યક્ષે એવું નિવેદન પણ કર્યું કે સોદો ૯૫ ટકા ફાઇનલ છે. એ અગાઉની શરતે જ થવાનો હતો કે કેમ (મોટા ભાગનાં વિમાન HALમાં બનવાનાં હતાં કે કેમ) એ જાણવા મળતું નથી. પરંતુ તેમની આ જાહેરાતનાં બે અઠવાડિયામાં પછી વડાપ્રધાન મોદી ફ્રાન્સ ગયા અને ત્યાં જઈને તેમણે ધડાકો કર્યો કે અગાઉનો ૧૨૬ રાફેલનો અને તેમાંથી મોટા ભાગનાં ભારતમાં બનાવવાનો સોદો રદ થાય છે. તેને બદલે આપણે એકદમ તૈયાર એવાં ૩૬ રાફેલ ખરીદીશું અને તે પણ અગાઉની કિંમત કરતાં ઓછી કિંમતે.

મુશ્કેલી એ છે કે પહેલાં એક રાફેલનો શો ભાવ હતો, તે સત્તાવાર રીતે આપણે જાણતા નથી. પછી એક રાફેલ કેટલાનું પડ્યું, તેની વિગત જાહેર કરવામાં સરકારે બહાનાં લાગે એવાં કારણ આપીને ઠાગાઠૈયા કર્યા. એવું જ વિમાનમાં ભારત માટે ખાસ ગોઠવેલી વ્યવસ્થાઓ પાછળ ખર્ચાયેલી રકમના મામલે પણ થયું.

વિમાનની કિંમત બાબતે એટલા મતભેદ છે કે ખાતરીપૂર્વક કશું કહેવું અઘરું છે, પણ એ મુદ્દે રાહુલ ગાંધીના આરોપોમાં તથ્ય કરતાં રાજકીય આવેશ વધારે લાગે છે. સરકારે પારદર્શકતા રાખીને, કિંમતોનો મુદ્દો ઠેકાડવાને બદલે પત્તાં ખુલ્લાં રાખ્યાં હોત તો દેશને કશું નુકસાન થઈ જવાનું ન હતું.  પણ સરકારે જિદ પકડી અને પછી તેને વળગી રહી. 

કિંમતમાં ગોટાળો થયો ન હોય તો, ગોટાળો નથી એવી ખાતરી પ્રતીતિજનક રીતે આપવાની જવાબદારી સરકારની છે.  પોતાના ઉત્તરદાયિત્વને ઉદ્ધતાઈ કે વધુ પડતા આત્મવિશ્વાસ તળે કચડીને ચાલવાનાં જે પરિણામ આવે, તે સરકાર અત્યારે વેઠી રહી છે.