Monday, July 03, 2017

લાકડાના લાડુ જેવી ખેડૂતોની લોનમાફી

મધ્ય પ્રદેશમાં હિંસક બનેલું ખેડૂત આંદોલન શમી ગયું, પણ તેણે સર્જેલાં વમળોની અસર ઓસરી નથી. ખેડૂતોની કઠણ સ્થિતિ અને તેમની ખરાબ અવસ્થા એટલાં વાસ્તવિક છે કે વાતોનાં વડાં કરીને તેને ટાળી શકાય એમ નથી કે ગૌરવનાં ગાનથી તેને છુપાવી શકાય તેમ નથી. ત્યાર પછીનો ત્રીજો શોર્ટ કટ એટલે ખેડૂતોની લોનમાફી.

ખેડૂતોને લોનમાફીની શરૂઆત યુપીએના રાજમાં 2008માં થઈ હતી. એ વખતના નાણામંત્રીએ 2008-09ના બજેટમાં નાના અને સીમાંત ખેડૂતોની લોનમાફી પેટે રૂ. 60,000કરોડની જોગવાઈ કરી હતી.  આવાં પગલાંને ખેડૂતલક્ષી તરીકે ઓળખાવીને, સરકારને ખેડૂતોની કેટલી ચિંતા છે, એનાં ઢોલનગારાં વગાડવાનો રિવાજ છે. હકીકતમાં આવાં પોલાં (છતાં ખર્ચાળ) પગલાંને કારણે ખેડૂતોની સ્થિતિ સુધરતી નથી. કારણ કે તેમના દરદની મૂળમાંથી દવા થતી નથી.

આ વખતે લોનમાફીની શરૂઆત ઉત્તર પ્રદેશના ચૂંટણીપ્રચારથી થઈ, જેમાં અત્યારે કેન્દ્ર સરકાર તરીકે લોનમાફીનો ઇન્કાર કરી રહેલા મહાનુભાવો જ લોનમાફીના વાયદા આપીને આવ્યા હતા. તેમના પક્ષની સરકાર બન્યા પછી તેમના મુખ્ય મંત્રીએ લોનમાફી અમલી બનાવી દીધી. આ પગલાથી રાજ્ય સરકાર પર પડનારો કુલ આર્થિક બોજઃ રૂ. 36,569 કરોડ.  મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં વખતથી ઉકળતા ખેડૂત અસંતોષની ચિનગારીમાં ઉત્તર પ્રદેશના નિર્ણયે ઘી હોમ્યું.

ઉત્તર પ્રદેશની લોનમાફી જેવા ધબડકાજનક નિર્ણય વિશે કૉંગ્રેસને શું કહેવાનું હતું? પક્ષ તરીકે તેણે લાંબા ગાળાનાં અને ટકાઉ પગલાં સૂચવવાને બદલે ઉપરથી એવું કહ્યું કે ઉત્તર પ્રદેશની કુલ લોન તો રૂ. 92,241 કરોડની છે.  તેમાંથી ફક્ત રૂ. 36,000 કરોડની જ લોન માફ કરી, તો બાકીની ક્યારે કરશો? 'યુપીએ સરકાર રૂ.72,000 કરોડની લોનમાફી કરી શકતી હોય તો મોદીજી કેમ નહીં?’ એવો ટોણો પણ એક કૉંગ્રેસી પ્રવક્તાએ માર્યો. તે એટલું પણ સમજવા માગતા નથી કે આર્થિક ઉંટવૈદું અજમાવતી સરકારોને લાંબા ગાળાના કડાકુટિયા રસ્તાને બદલે, લોનમાફી જેવો સહેલો વિકલ્પ અપનાવી લે ત્યારે શું થાય છેઃ યુપીએ સરકારની લોનમાફીનાં પૂરાં દસ વર્ષ પણ નથી થયાં, ત્યાં ફરી એક વાર લોનમાફીની મોસમ આવી પડી છે. આ વખતે કેન્દ્ર સરકારે કહી દીધું છે કે તે લોનમાફીમાં નહીં પડે, પરંતુ ખેડૂત આંદોલનોથી ભીંસ અનુભવી રહેલી રાજ્ય સરકારો લોનમાફીના રસ્તે દોડવા લાગી છે.

તેમાં સૌથી વધુ દબાણ મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી પર આવ્યું.  ત્યાં તોફાને ચડેલા ખેડૂતોની માગણી પોતાના પાક માટે સારા ભાવની હતી. વિરોધ પ્રદર્શનની ધાંધલમાં પાંચ ખેડૂત માર્યા ગયા. સરકારે તેમની જવાબદારીનો પહેલાં ઇન્કાર કર્યા પછી નાકલીટી તાણીને પાંચેયના પરિવારોને સરકારે એક-એક કરોડ રૂપિયા જાહેર કર્યા. તેમ છતાં આંદોલન શાંત ન પડ્યું, એટલે મુખ્ય મંત્રીએ (સરકારી આંકડા પ્રમાણે) છ હજાર કરોડનું દેવું ધરાવતા મધ્ય પ્રદેશના છ લાખ ખેડૂતો માટે લોન સેટલમેન્ટ સ્કીમ જાહેર કરી. મુખ્ય મંત્રી ભલે તેને સીધેસીધી લોનમાફી ન ગણાવતા હોય, પણ અસરકારક રીતે જોતાં તે લોનમાફી જ બની રહેશે.

મધ્ય પ્રદેશના પાડોશી મહારાષ્ટ્રનો ખેડૂત અસંતોષ જૂનો છે. વિદર્ભના ખેડૂતોની કરમકઠણાઈ વિશે વર્ષોથી છૂટુંછવાયું ચર્ચાતું આવ્યું છે. ત્યાંની સ્થિતિ મધ્ય પ્રદેશની હદે ન વણસે, એ માટે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ સાર્વત્રિક લોનમાફીની જાહેરાત કરી. સામાન્ય રીતે આવું પગલું નાના અને સીમાંત ખેડૂતોને લક્ષમાં રાખીને લેવામાં આવે છે, પણ ખેડૂત આંદોલનની રાજકીય અસરોથી બચવા માટે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ 'ઐતિહાસિક’ નિર્ણય લીધો અને કહ્યું કે ‘લોનમાફી ફક્ત નાના અને સીમાંત ખેડૂતો પૂરતી સીમિત નથી. એ બધા ખેડૂતો માટે છે. ’ સરકારે એવો અંદાજ કાઢ્યો કે લોનમાફીનો કુલ આંકડો રૂ. 35,000 કરોડની આસપાસ થશે, પરંતુ સત્તાવાર માહિતી પ્રમાણે મહારાષ્ટ્રમાં ખેડૂતોનું કુલ દેવું 1.14 લાખ કરોડ છે અને કુલ ખેડૂતો 1.36 કરોડ. એટલે સમય જતાં લોનમાફીની રકમમાં વધારો થવાની પૂરી સંભાવના છે.

ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની ભાજપી રાજ્ય સરકારોની સાથે પંજાબ અને કર્ણાટકની કૉંગ્રેસી સરકારો પણ લોનમાફીના લક્કડિયા લાડુ વહેંચવામાં જોડાઈ ગઈ છે. કારણ કે ખેડૂતોની સમસ્યા કોઈ એક પક્ષની નિષ્ફળતાનું નહીં, એકંદર શાસકવર્ગની ઉદાસીનતાભરી કે બેદરકારીયુક્ત નીતિનું પરિણામ છે. પાંચ રાજ્યોની લોનમાફી પછી બીજાં રાજ્યો પણ લાઇનમાં છે. એક અંદાજ પ્રમાણે લોનમાફીની જાહેરાતવાળાં પાંચ રાજ્યો ઉપરાંત બીજાં ત્રણ રાજ્યો-- ગુજરાત (રૂ.40,650 કરોડ), હરિયાણા (રૂ.56,000 કરોડ) અને તામિલનાડુ (રૂ.7,760 કરોડ)--માં લોનમાફી લાગુ પડી જાય, તો કુલ આંકડો રૂ.3.1 લાખ કરોડે પહોંચે. આવા આંકડા આમ તો આપણા માથાની ઉપરથી જાય, પણ અહેવાલની સાથે અપાયેલી સરખામણીતી ખ્યાલ આવે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા બનાવવા માટે ચાલુ વર્ષમાં ફાળવાયેલા બજેટ કરતાં આ રકમ સત્તર ગણી છે. આ જ રકમમાંથી (સંગ્રહ માટે) 4,43,000 વૅરહાઉસ ઊભાં કરી શકાય અથવા ભારતની સિંચાઈક્ષમતામાં છેલ્લાં સાઠ વર્ષમાં જે વધારો થયો છે તેના કરતાં 55 ટકા વધારો કરી શકાય. આવા અંદાજોની ચોક્સાઈમાં ઓગણીસ-વીસ હોઈ શકે, પણ મૂળ મુદ્દો એ છે કે ખેડૂતોને કામચલાઉ રાહત આપતી લોનમાફીની તોતિંગ રકમોમાંથી ખેડૂતોને કાયમી રાહત આપતી સુવિધા ઊભી કરી શકાય.

રાજ્યકક્ષાના કૃષિમંત્રીએ રાજ્યસભામાં આપેલી માહિતી પ્રમાણે, 30 સપ્ટેમ્બર, 2016 સુધીમાં બાકી કૃષિલોનનો કુલ સરવાળો રૂ.12.60 લાખ કરોડ છે. તેમાંથી રૂ. 7.75 લાખ કરોડ પાક માટેની લોન છે અને રૂ. 4.84 લાખ કરોડ ટર્મ લોન (લાંબા ગાળાની) છે.   રૂ.12.60 લાખ કરોડની બાકી લોનમાંથી રૂ. 9.57 લાખ કરોડ કમર્શિયલ બૅન્કોની, રૂ.1.57 લાખ કરોડ સહકારી બૅન્કોની અને રૂ. 1.45  લાખ કરોડ પ્રાદેશિક ગ્રામિણ બૅન્કોની છે. યાદ રાખવા જેવું છે કે પાણી-વીજળી-ખાતર પર સરકારી સબસીડી (આર્થિક સહાય)  મળતી હોવા છતાં, તેમાંથી અને લોનમાંથી પણ જરૂરતમંદો સુધી કેવો ને કેટલો લાભ પહોંચે છે એ શંકાસ્પદ છે. બીજો પણ એક મુદ્દો છે. એક અહેવાલ પ્રમાણે, ખેતી માટે થતી ઉધારીમાંથી 45 ટકા ઇન્ફોર્મલ સૅક્ટર એટલે કે બૅન્કો સિવાયની સંસ્થાઓ કે વ્યક્તિઓ પાસેથી આવે છે. ગામના શરાફ પાસેથી લોન લેનાર ખેડૂતને સરકારી લોનમાફીનો લાભ મળતો નથી ને તેનું દુઃખ દૂર થતું નથી. બીજી તરફ, બૅન્કોની લોન મેળવનારામાં નાના અને સીમાંત ખેડૂત ઓછા, સમૃદ્ધ ખેડૂતો વધારે પ્રમાણમાં હોય છે.

એટલે જ લોનમાફી લાકડાના લાડુ જેવી છે. આપનાર આપ્યાનો સંતોષ લઈ શકે, મેળવનારને ઘડીક સારું લાગે, પણ થોડા વખતમાં ફરી પાછા ઠેરના ઠેર. 

2 comments:

  1. ખુબ જ સરસ વિગતવાર અને આંકડાકીય માહિતી બદલ ધન્યવાદ !

    ReplyDelete
  2. કોના બાપની દિવાળી!
    બધાને રાજી રાખવાના કીમિયા દેશને ભારે પડી જતા હોય છે, લોકોને પૂછવામાં આવે કે તમને દર હિનાનું 'રાશન' ઘર બેઠા આવી જશે તો કયો દેશપુત્ર કામ કરવાનો છે!
    બહુત બિગડી હોજ સે ગઈ !

    ReplyDelete