Tuesday, July 04, 2017

સવાલ દાનતનોઃ હોજસે બીગડી...

સાચી હોઈ શકતી એક રમૂજ પ્રમાણે, રૂપિયા ઉછીના આપનાર લેણદાર અને ઉછીના લેનાર દેણદાર એક રસ્તા પર સામસામે મળી ગયા. લેણદાર કશું પૂછે, એ પહેલાં જ ચતુર દેણદારે કહી દીધું,'તમારા રૂપિયા પાછા આપી દઇશ. એની ચિંતા ન કરશો.' આવું ચાર-પાંચ વખત બન્યું. બન્નેનો રસ્તો એક. એટલે ભેગા તો થઈ જવાય અને લેણદાર બિચારો કશું બોલે તે પહેલાં દેણદાર જ સામેથી રૂપિયાની વાત કાઢે, પણ ધીમે ધીમે તેનો ઘાંટો મોટો થવા લાગ્યો. એક દિવસ તો સામે મળેલા લેણદારનો તેણે ઉધડો લઈ નાખ્યો, 'શરમ નથી આવતી? તમારા રૂપિયા લઈને નાસી જવાનો છું? બીજા કેટલા લેણદારોના રૂપિયા બાકી છે. એ કેવા સજ્જન છે! કંઈ બોલતા નથી ને મને જુએ તો રસ્તો બદલી નાખે છે...' ત્યાર પછી આ લેણદાર પણ તેમને દૂરથી જોઈને ગભરાવા લાગ્યો અને રૂપિયા માગવાનું તો બાજુ પર રહ્યું, નીચું જોઈને રસ્તો બદલી નાખવા લાગ્યો.

આપણા વડાપ્રધાન સાબરમતી આશ્રમમાં ધોળે દહાડે કે સંસદમાં અડધી રાતે 'અભિનયનાં અજવાળાં પાથરે છે' એ જોઈને ઘણાને અંધારાં આવે છે અને ઉપરની કથાના દેણદારની યાદ તાજી થાય છે. ભોળા ભાવે તેમની વાતો સાંભળીએ, તેમનો લોકરંજક અભિનય જોઈએ અને આગળપાછળના બધા સંદર્ભો-સીધીસાદી હકીકતો ભૂલીને, ફક્ત એ ક્ષણમાં તેમની વાત સાંભળીએ, તો વડાપ્રધાન માટે ભારોભાર આદર અને સાથે થોડી અનુકંપા પણ જાગે. થાય કે 'કેટલો સાધુચરિત, કેવો ઉમદા માણસ છે, આ દેશનો કેવો ઉદ્ધાર કરવા ઇચ્છે છે, ગાંધીજી પ્રત્યે અને દેશના અગાઉના નેતાઓ પ્રત્યે તેને કેટલો બધો આદર છે—અને આવા માણસની લોકો ટીકા કરે છે? તેમના ટીકાકારો ખરેખર દ્વેષીલા-ખારીલા છે.'

પરંતુ જેમની યાદશક્તિ સાધારણ સારી હોય, પ્રચારના વાવાઝોડામાં જેમના પગ જમીન પર રહેતા હોય, જેમની સામાન્ય સમજ પક્ષ કે વિચારધારા કે વ્યક્તિપૂજાને ચરણે ને શરણે ન હોય, એવી કોઈ પણ વ્યક્તિને વડાપ્રધાનની કહેણી અને કરણીમાં રહેલો ઘોર વિરોધાભાસ જોઈ શકે છે. તેના માટે દિવ્ય નહીં, સામાન્ય-અહોભાવમુક્ત દૃષ્ટિની જ જરૂર હોય છે.

હા, તેમની પ્રતિભાની કદર તરીકે એટલું કહી શકાય કે તેમની અભિનયક્ષમતા કાબિલેદાદ છે. મોટા જાદુગરો મંચ પરનો હાથી ગુમ કરવા સુધી પહોંચી શક્યા, જ્યારે વડાપ્રધાન તેમનાથી મોટા જાદુગર નીવડ્યા છે. તે દેશ જેવડા દીવાનખાનામાં ઉભેલા સમસ્યાઓ અને નિષ્ફળતાઓના, કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો અને વિચારધારાકીય દ્વેષના ખૂંખાર હાથીઓને અદૃશ્ય કરી શક્યા છે. હાથચાલાકી કરનારા જાદુગરો પ્રેક્ષકોનું ધ્યાન બીજે ખેંચવામાં પાવરધા ગણાય છે, પરંતુ લોકોનું ધ્યાન અસલી મુદ્દાના-સમસ્યાના હાર્દથી બીજે ખેંચવામાં વડાપ્રધાન વ્યાવસાયિક જાદુગરોને ટક્કર મારે એવા નીવડ્યા છે.

અફસોસની વાત એ છે કે આ રીતે મળતું મનોરંજન કરમુક્ત નથી—અને એ કરનો જીએસટીમાં સમાવેશ થતો નથી. વડાપ્રધાનનાં વક્તવ્યોમાં વ્યક્ત થતી ભાવુકતા, લાગણી, સંવેદનશીલતા જો સાચી હોય તો તે આવકાર્ય જ નહીં, પ્રશંસનીય અને આદરણીય ગણાય. પરંતુ તેમની હાલત હોજસે બીગડી બુંદસે સુધારવાનો પ્રયત્ન કરનારા જેવી છે. આર.કે.લક્ષ્મણના એક કાર્ટૂનમાં બે પોલીસ પોલીસચોકીમાં બેસીને ચિંતા વ્યક્ત કરે છે કે, ‘કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કેવી ખાડે ગઈ છે, નહીં?’ સારાં કાર્ટૂનની કરુણતા એ હોય છે કે સમય જતાં તે અતિશયોક્તિમાંથી વાસ્તવિકતા બની જાય છે. હવે વડાપ્રધાનપદે બેઠેલો જણ ‘મેરે દેશકો ક્યા હો ગયા?’ એવું કહીને ગળગળો થઈ શકે છે—અને દેશની આ હાલત કરવામાં પોતાની વડી ભૂમિકા અને જવાબદારી વિશેની વાત સહેલાઈથી ભૂલવાડી શકે છે. ‘મેરે દેશકો ક્યા હો ગયા?’ એવું ગાંધીને જ્યારે પણ લાગ્યું, ત્યારે તે પોતાનો જીવ જોખમમાં મૂકતાં અચકાયા નહીં. આમ તો વડાપ્રધાનના આચરણ સંદર્ભે ગાંધીજીને યાદ ન જ કરીએ, પણ હોર્ડિંગોમાં આજકાલ તેમને આડકતરી રીતે (સત્યાગ્રહીની તરાહ પર) ‘સ્વચ્છાગ્રહી’ તરીકે ઓળખાવવામાં આવે છે અને વડાપ્રધાન પોતે પણ ગાંધીજીના હવાલા આપવાનું ચૂકતા નથી, એટલે આટલું.

ગાંધીજીની વાતથી એ પણ યાદ આવ્યું કે વડાપ્રધાને ગાંધીજીનું નામ વટાવી ખાવાની વાત પણ તેમના ભાષણમાં નાટકીય સંવાદપટુતા સાથે કરી. આ બીજી વ્યાવસાયિક ચાલાકી છેઃ જે છુપાવતાં ભારે મુશ્કેલી પડતી હોય અને છતાં છુપાવવાનું જરૂરી લાગતું હોય, તેને એટલું ઉઘાડુંફટાક કરી મૂકવું કે લોકો તમારી બેશરમીભરી હિંમતથી સ્તબ્ધ થઈ જાય—અને તેની ટીકા કરવાનું ભૂલીને, તમને એમાંથી મુક્તિ આપી દે. કૉંગ્રેસે ગાંધીજીનું નામ વટાવી ખાધું એ હકીકત છે. પરંતુ વડાપ્રધાન બન્યા પછી, સ્વચ્છતાના નામે વડાપ્રધાને ગાંધીજીનું નામ વટાવી ખાવામાં કૉંગ્રેસ સાથે જોરદાર હરીફાઈ આદરી અને પોતાના પ્રચારબળના જોરે એ હરીફાઈ જીતી ચૂક્યા છે. રાજકારણમાં નામો વટાવી ખાવામાં કોઈ પક્ષ બાકાત નથી હોતો. પરંતુ વડાપ્રધાનની કળા એ છે કે (ગાંધીજીનું નામ વટાવવાના) જે ગુનાના સૌથી મોટા આરોપીઓમાં તે પોતે એક છે, એ હકીકત છુપાવવાને બદલે સામે ચાલીને, પૂરી નાટકીય-લાગણીસભર આક્રમકતાથી તે યાદ કરાવે છે—અને એવો ભારોભાર વિશ્વાસ ધરાવે છે કે આમ કરવાથી લોકો તેમને આરોપી ગણવાને બદલે ફરિયાદી ગણી લેશે. તેમના આ વિશ્વાસનું ‘ગુજરાતી’ કરીએ તો એવું થાય કે ‘લોકોને ક્યાં આવી બધી સમજ પડે? અમસ્તા એ આપણી પર ઓવારી ગયેલા છે. તેમની આગળ આરોપીમાંથી ફરિયાદી બની જતાં વાર કેટલી?’ અને ત્યાર પછી જે આપણને આરોપી ગણાવે તેને કહી દેવાનું કે ‘ક્યાં સુધી જૂનાં ગાણાં ગાયા કરશો? મુવ ઑન.’

એવું નથી કે આશ્રમમાં બેઠેલા બધા મૂરખ હતા. તેમાંથી કેટલાક વડાપ્રધાન કક્ષાના માણસની આ હદની બેશરમીથી ડઘાઈને વાચા ગુમાવી બેઠા હોય એવું પણ બને અને કેટલાકને વડાપ્રધાનના હોદ્દાની આમન્યા પણ નડતી હોય. હોદ્દાની આમન્યા નડવી પણ જોઈએ. સવાલ એટલો જ છે કે તે ફક્ત નાગરિકોને જ નડ્યા કરે? ખુદ હોદ્દેદારે પોતાના હોદ્દાની આમન્યાનો વિચાર નહીં કરવાનો?

ઇંદિરા ગાંધી અને પંડિત નહેરુથી જુદી જુદી રીતે પ્રભાવિત વડાપ્રધાનને કદાચ વિદેશમાં પોતાની છબિથી પૂરતું નહીં લાગ્યું હોય, હવે મધરાતે સંસદની બેઠક બોલાવીને, તેમાં પંડિત નહેરુના શબ્દપ્રયોગ ‘ઍટ ધ સ્ટ્રોક ઑફ ધ મિડનાઇટ અવર’ બબ્બે વખત ઉચ્ચારીને, તેમના એ કોડ પૂરા થઈ ગયા હોય તો તેમણે પોતાના બોલેલા પર અમલ કરવાનો સમય છે. એક સવાલ તેમના ચાહકો-પ્રશંસકો માટે પણ છેઃ શું તે વડાપ્રધાનની કાયદો હાથમાં નહી લેવાની, ગોરક્ષાના નામે ગુંડાગીરી નહીં કરવાની અને ગાંધીનાં સપનાંનું ભારત બનાવવાની અપીલને ગંભીરતાથી લેશે? કે પછી ટીકાકારોની જેમ ચાહકો પણ બતાવવાના અને ચાવવાના દાંત વચ્ચેનો તફાવત બરાબર સમજે છે? 

6 comments:

  1. Outstanding unable to find words to appreciate. You are balanced and brutally factual regards

    ReplyDelete
  2. Ashwin Oza10:38:00 PM

    UK, even after reading this article of yours, someone wants to be Bhakta; then God also would not be in a position to save him. Congratulations dear.

    ReplyDelete
  3. ઉર્વીશ ભાઈ કોઠારી,
    તમારા લેખની શરૂઆત ઉછીઉધાર આપનાર/લેનારનો દાખલો આપી મોદી ને ઝપટમાં લીધા છે, તમારી શૈલી,માહિતી અને અનુભવ ની સાથે તમારી ટીપ્પણી અને મોદી પરની ખીજ કે ભીંસ મારા જેવા સામાન્ય વાંચકને માટે ઉત્તર આપવાની લખવાની શક્તિ સીમિત હોઈ શકે પણ મુદ્દો એકજ છે..
    મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન રહ્યા બાદ તેમને ઘણા રાજકારણના સારા/નરસા લોકોના અનુભવ થયા હોય તે પણ સ્વાભાવિક છે આજે તે હિન્દુસ્તાનના વડાપ્રધાન બન્યા છે,તેથી તેમની લોકપ્રિયતા કેમ વધુ થતી જાય તે પણ ધ્યાનમાં રાખતા હશે તે સહેજે સમજી શકાય તેમ છે.
    મોદીનાં કાર્ય પ્રણાલિકાની ટીકા કરવી એ બહુ મોટી વાત નથી,આજે તો ’શેરીનો ચાલુ ટપોરી’ પણ મોદી પાસે જવાબ માંગે છે! કેમકે આ જો લોકશાહી ઠરીને !
    હિન્દુસ્તાનના ભૂતકાળના વડા પ્રધાનોમાં પણ કેટલાય ‘નમાલા’ આવી ગયા ત્યારે તેમને મોટો લાભ એ થયો કે કોઈ તેમની ઉણપ કે નબળાઈ ની ‘ટીકા કે ઉધડો’ લેવાનું શીખ્યાજ નાં હતા અને તેમને જલસો થઇ ગયો!
    આજે રાજકારણમાં દરેક વખતે કોઈ સરખામણી કરવાનું આવે ત્યારે ગાંધી નો દાખલો આપીને વાતની શરુ કરવાની એક ‘ફેશન’ થઇ ગઈ છે,’ગાંધી આમ હતા અને ગાંધી તેમ કરતા’ પણ તે જમાનો આજે નથી. ખૂબીની વાત તો એ છે કે
    કોંગ્રેસના રાજમાં આવી ચોવટો થતી હશે પણ ‘મીડિયા’ કે’ પ્રેસ’ પર બહુ જાહેરમાં આવતી નહતી કેમકે ત્યારે ;બ્લોગ’ ‘ફેસબુક’ ‘ટ્વીટર’ પણ ખાસ બહુ સામાન્ય નાં હતા.
    હિન્દુસ્તાનમાં બુદ્ધિપ્રધાન, બાહોશ અને તેજસ્વી લોકોની સંખ્યા પારાવાર છે અને તેઓ તેમની રીતે દેશની દરેક પ્રકારની ‘સંપત્તિ’માં અને પ્રગતિ માં અમુલ્ય યોગદાન પણ આપતા રહે છે કોઈવાર રાજકારણમાં રહીને તો કોઈવાર સામાજિક વ્યવસ્થામાં,ઔદ્યોગિક વિકાસમાં,વેપારમાં ને અખબારો પ્રસિદ્ધ કરવામાં.આમ અનેક રીતે તેમનો ફાળો અમુલ્ય અને અનુભવી પણ હોય છે. આ બધી ગતિવિધિ દેશને અનેક પ્રકારે લાભદાયી હોય છે.
    હવે એ સમય આવી ગયો છે કે પત્રકારો,ટીકાકારો અને સમીક્ષકો એ જુની પેઢીના નેતાઓના
    દાખલાઓ આપવાનું બધ કરી દેવું જોઈએ. વાત વાતમાં ગાંધી,સરદાર,નેહરુને લાવીને બળાપો કરવો એ ઘેલછા છે!
    આજે દેશમાં કોઈ પ્રધાન,અમલદાર,વેપારી કે ઉદ્યોગપતિ જો લાંચરુશ્વત કે કોઈ
    ‘ગોટાળા’માં ફસાયો હોય તો તેને ખરેખર તો ’ખાસડાં’મારવાનું રાખવું જોઈએ પણ
    આપણે હજુ એટલી નીચી ‘પાયરી’એ નથી ઉતર્યા.
    ગાંધી ગાંધી ના પોકારો કરીને કંઈ દેશના ‘નબળા’ વર્ગના લોકોની સેવા પણ
    નાં થાય,’આજે ગાંધી અગર હયાત હોત’ જેવા સુત્રો ને કચરાની ટોપલીમાં જગા છે.
    છેલ્લે વાત કરવાની કે મોદી વડા પ્રધાન સરકાર ચલાવવા ચુટાયા છે અને તેની તે પવિત્ર ફરજ છે કે ‘બધાને ન્યાય મળે’ પણ વ્યહવારમાં આવું ઘણું મુશ્કેલ છે
    તેમ છતાય વાતોના ‘વડાં’ કરીને લોકોને સમજાવવા બધાજ રાજકારણીઓ ખુબજ હોશિયાર છે.
    ઉમેરતાં એ પણ લખવાનું મન થાય છે કે મોદી અને તેના પક્ષનો ‘એજન્ડા’ એકજ જણાય છે કે હિન્દુસ્તાનમાં રહેવું હોય તેમની રીતે રહેવું પડશે.
    આ ફાસીવાદ હોય કે સ્તાલિનનો સમાજવાદ એ કોઈને જાણ નથી
    સમાજવાદની પ્રક્રિયા જો વિશ્વસનીય રીતે અમલમાં મુકાય તો સમાજને ઉપકારક છે પણ એવું નજીકના ઇતિહાસમાં જાણ્યું નથી કેટલાય અખતરા દેશોને ભારે પડી ગયા છે !!

    ReplyDelete
  4. Nice write-up to inrospect by all political institutions and society in general.

    ReplyDelete
  5. samji nathi sakatu kon sachu chhe saran badha hoshiyar chhe

    ReplyDelete
  6. Anonymous2:35:00 PM

    તમારા મતે હાલની તારીખમાં ભારતનો શ્રેષ્ઠ નેતા કોણ?

    ReplyDelete