Tuesday, July 18, 2017

સિક્કિમ કેવી રીતે (છેક 1975માં) ભારતનો હિસ્સો બન્યું?

રજવાડાંના વિલીનીકરણ વખતે ભારતમાં જોડાનારું સૌથી પહેલું રાજ્ય કયું? એ સવાલના અનેક જવાબ—અને તેની સાથે સંકળાયેલી દંતકથાઓ હોઈ શકે. પોતપોતાના રાજ્ય કે રાજવીનો દેશભક્તિનો દાવો ચડિયાતો બતાવવા માટે પણ એવું કહેવામાં આવે છે કે અમારા રાજાએ (કે નવાબે) સામે ચાલીને ભારતમાં પોતાનું રાજ્ય ભેળવી દીધું.

--પરંતુ ભારતનો હિસ્સો બનેલું છેલ્લું રાજ્ય કયું? સામાન્ય સમજ પ્રમાણે, દેશ આઝાદ થયાનાં 14 વર્ષ સુધી દીવ, દમણ અને ગોવા પોર્ટુગીઝ હકુમત તળે હતાં. આખરે 1961માં તેમને મુક્ત કરીને ભારતમાં સમાવવામાં આવ્યાં. પરંતુ સિક્કિમ એક એવું રજવાડું હતું, જે સંપૂર્ણપણે છેક 1975માં (કટોકટીના માંડ એકાદ મહિના પહેલાં) ભારતનો હિસ્સો બન્યું.

અંગ્રેજોએ ભારતમાંથી બિસ્તરાંપોટલાં બાંધીને વિદાય લીધી, એ સાથે અંગ્રેજ સર્વોપરિતાનો અંત આવ્યો અને રજવાડાં પોતપોતાની રીતે નિર્ણય લેવા સ્વતંત્ર બન્યાં. અંગ્રેજો હતા ત્યારે પણ સિક્કિમ પર તેમનું સીધું રાજ ન હતું. સામ્યવાદી ચીન સાથેની સરહદે આવેલા આ રાજ્યનું વ્યૂહાત્મક મહત્ત્વ ધ્યાનમાં રાખતાં, અંગ્રેજોએ સિક્કિમને 'રક્ષિત રાજ્ય'નો દરજ્જો આપ્યો હતો. ત્યાં એક અંગ્રેજ પ્રતિનિધિ રહે અને વિદેશી હુમલાની સ્થિતિમાં અંગ્રેજ સૈન્ય સિક્કિમના નામગ્યાલ વંશના રાજાઓની મદદે આવે. (એક સમયના ખલીફાની જેમ કે દલાઈ લામાની જેમ સિક્કિમના રાજા પણ રાજકીય અને ધાર્મિક એમ બન્ને પ્રકારના વડા--સ્થાનિક ભાષામાં 'ચોગ્યાલ’-- ગણાતા હતા.)

પણ અંગ્રેજોના ગયા પછી શું? સિક્કિમને રેઢું મૂકવું કે સંપૂર્ણ સ્વતંત્રતા આપવી ભારત માટે ઇચ્છનીય વિકલ્પો ન હતા.  રજવાડાંના વિલીનીકરણની ઐતિહાસિક કામગીરી પાર પાડનાર સરદાર પટેલે મૃત્યુના એકાદ મહિના પહેલાં તત્કાલીન વડાપ્રધાન પંડિત નહેરુને એક લાંબો પત્ર લખ્યો હતો. તેમાં તેમણે તિબેટ અને ભૂતાનની સાથોસાથ સિક્કિમના મહત્ત્વ અને ચીનની દાનત વિશે લખ્યું હતું. ‘આપણાં ઉત્તરનાં અથવા ઈશાનનાં પ્રવેશદ્વારો નેપાળ, ભૂતાન, સિક્કિમ, દાર્જિલિંગ વિસ્તાર અને આસામના આદિવાસી વિસ્તારો છે...આ વિસ્તારોનો આપણી સાથેનો સંપર્ક ઘનિષ્ઠ અને નિકટનો નથી. આ ભાગમાં રહેતા લોકોને ભારત પ્રત્યે સુસ્થાપિત વફાદારી કે નિષ્ઠા નથી...સિક્કિમમાં થોડા સમય પૂર્વે રાજકીય ઉફાળો આવેલો હતો ત્યાં અસંતોષ ધુંધવાઈ રહ્યો હોય એ તદ્દન શક્ય છે...મને ખાતરી છે કે ચીનાઓ અને તેમનું પ્રેરણાસ્થાન સોવિયેટ રશિયા અમુક અંશે પોતાની વિચારસરણીના સમર્થનમાં અને અમુક અંશે તેમની મહત્ત્વાકાંક્ષાના સમર્થનમાં આ નબંળાં સ્થાનનો ગેરલાભ ઉઠાવવાની એક પણ તક જતી કરશે નહીં. એટલે મારી ગણતરી પ્રમાણે પરિસ્થિતિ એવી છે કે જેમાં આપણને આત્મસંતોષી બનવાનું કે ઢચુપચુ રહેવાનું ન પાલવે...’ (7 નવેમ્બર, 1950)

ઉપરના પત્રમાં સરદારે જે રાજકીય ઉફાળાની વાત કરી છે તે લગભગ ત્રણેક સદીથી ચાલતી રાજાશાહી સામેનો હતો. અંગ્રેજોની વિદાયની અને ભારતની આઝાદીની અસર સુદૂરના રજવાડા  સિક્કિમમાં પણ પડી. ત્યાં પહેલી વાર રાજકીય પક્ષો સ્થપાયા. રાજા લોકોની માગણીને વશ ન થયા, પણ સ્વતંત્ર રીતે લાંબા સમય સુધી ઝીંક ઝીલવાનું તેમના માટે કપરું હતું. આથી, સરદારના મૃત્યુના દસ દિવસ પહેલાં, 5 ડિસેમ્બર1950ના રોજ ભારત અને સિક્કિમ વચ્ચે સમજૂતી થઈ. તેમાં સિક્કિમ ભારત દ્વારા સંરક્ષિત (પ્રોટેક્ટરેટ) રાજ્ય હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું અને તેના સંરક્ષણ તથા ભૌગોલિક સીમાઓની રખેવાળીની જવાબદારી ભારત સરકારની ઠરાવવામાં આવી. તેના માટે ભારત ઠીક લાગે તેવાં પગલાં લઈ શકે અને સિક્કિમમાં ઇચ્છે ત્યાં સૈન્ય રાખી શકે એવું પણ નક્કી થયું. બદલામાં સિક્કિમના રજવાડાએ પોતાનું સૈન્ય રાખવાનું નહીં કે ભારત સરકારની મંજૂરી વિના બહારથી લશ્કરી તૈયારી માટે જરૂરી એવાં હથિયાર મંગાવવાનાં નહીં. એ સિવાયની શરતોમાં લોકોને વધુ પ્રમાણમાં પ્રતિનિધિત્વ મળે તેનો પણ સમાવેશ થતો હતો.
Maharaja of Sikkim receiving Prime Minister Pandit Nehru and Indira Gandhi
વડાપ્રધાન પંડિત નહેરુ અને ઇંદિરા ગાંધીને આવકારતા સિક્કિમના મહારાજ
(courtesy:Photo Division)
પહેલાં સિક્કિમમાં અંગ્રેજ પ્રતિનિધિ બેસતો હતો. એને બદલે સિક્કિમની રાજધાની ગંગટોકમાં દિલ્હીનો એક પ્રતિનિધિ બેસતો થયો.  પરંતુ રાજાને એ વાતે સંતોષ હતો કે લશ્કરી સિવાયની ઘણીખરી બાબતોમાં તેમનું 'રજવાડું' ટકી રહ્યું અને ભારતને એ વાતે હાશ થઈ કે કાશ્મીર જેવો ગુંચવાડો ઉભો કર્યા વગર સિક્કિમ ભારતના સંરક્ષણમાં આવી ગયું. અલબત્ત, આ 'સંરક્ષણ’નો કાયદાકીય અર્થ અસ્પષ્ટ હોવાથી, આંતરરાષ્ટ્રિય રાજકારણમાં સિક્કિમનું ભારતના પ્રદેશ તરીકેનું સ્થાન નક્કી ન હતું. પરંતુ એ મુદ્દો તકનિકી હતો અને બે દેશો વચ્ચે વિવાદ ન થાય અથવા આવા સ્થાનિક તકનિકી મુદ્દાને આંતરરાષ્ટ્રિય સ્તરે ભડકાવવામાં ન આવે, ત્યાં સુધી એ વાત ગૌણ બની જતી હતી.
Maharaja of Sikkim with Indira Gandhi and Prime Minister Pandit Nehru

ભારતના સંરક્ષણમાં આવ્યા પછી અને લોકોના દબાણ પછી 1953માં સિક્કિમમાં પહેલી ચૂંટણી થઈ, પણ એ ચૂંટણી ભારત નહીં, સિક્કિમ રાજ્ય દ્વારા સંચાલિત હતી. તેમાં બે મહત્ત્વના રાજકીય પક્ષ હતાઃ સિક્કિમ સ્ટેટ કૉંગ્રેસ અને નેશનલ પાર્ટી. સિક્કિમની વિધાનસભા કહો કે લોકસભા, તેમાં સ્થાનિક વસ્તીના હિસાબે છ પ્રતિનિધિ નેપાળી, છ પ્રતિનિધિ લેપ્ચા અને ભુટિયા સમુદાયના અને પાંચ સભ્યો મહારાજાએ નીમેલા હતા. આગળ જતાં બેઠકોની સંખ્યામાં થોડો વધારો થતો ગયો. આ સભાના સભ્યો 'મહારાજાની મરજી હોય ત્યાં સુધી' હોદ્દા પર ચાલુ રહી શકે તેમ હતા અને સંપૂર્ણપણે તેમને જવાબદાર હતા. સિક્કિમમાં ભારતની સત્તા ફક્ત સંરક્ષણ પૂરતી મર્યાદિત હોવાથી શિક્ષણ, આરોગ્ય, વાહનવ્યવહાર, વેપારધંધા, જંગલ, વિવિધ વેરા અને છાપાં જેવી બધી બાબતો મહારાજાને હસ્તક હતી.

બીજી ચૂંટણી 1958માં યોજાઈ, પણ ત્રીજી ચૂંટણીમાં ભારત-ચીન યુદ્ધને કારણે વિલંબ થતાં તે 1967માં યોજાઈ. ચોથી ચૂંટણી 1970માં થઈ, પરંતુ સિક્કિમ માટે અને ભારત માટે પણ સૌથી મહત્ત્વની બની 1973ની ચૂંટણી. એ ચૂંટણી પહેલાં સિક્કિમ સ્ટેટ કૉંગ્રેસ અને જનતા પાર્ટી એ બન્ને પક્ષના વિલીનીકરણથી નવો પક્ષ બન્યો 'સિક્કિમ જનતા કૉંગ્રેસ’. આ ચૂંટણીમાં એક ઠેકાણે ગોટાળાના આરોપ થયા, પણ મહારાજાનું તંત્ર એ આરોપોની યોગ્ય તપાસ કરી શક્યું નહીં. એટલે લોકોમાં અસંતોષ પેદા થયો. એવા વાતાવરણમાં અસંતોષ ઠારવા માટે મધ્યસ્થી તરીકે, 1974માં ભારતના ચૂંટણીપંચે સિક્કિમમાં ચૂંટણી યોજી. અગાઉની ચૂંટણીઓમાં સમુદાયો આધારિત મતદાન હતું, જે હવે ભારતના બંધારણની જેમ સૌ કોઈ માટે અધિકાર બન્યું. આ ચૂંટણીમાં સિક્કિમ જનતા કૉંગ્રેસે સપાટો બોલાવીને 32માંથી 31 બેઠકો જીતી લીધી. પરિણામે સ્વાભાવિક રીતે જ મહારાજા અને તેમની રાજાશાહી સામેની ઝુંબેશ વધુ ઉગ્ર બની.

એક મત પ્રમાણે, મહારાજાએ સ્થિતિ કાબૂમાં લેવા માટે તત્કાલીન વડાપ્રદાન ઇન્દિરા ગાંધીની મદદ માગી. પરંતુ તેમણે રાજાશાહીવિરોધી ઝુંબેશને (ખાનગી રાહે) બળ આપ્યું. આખરે, મહારાજાને ઘુંટણિયા ટેકવવા સિવાય બીજો રસ્તો ન રહેતાં, 1975માં જનાદેશ યોજવામાં આવ્યો. તેમાં 97 ટકા મત રાજાશાહીની વિરુદ્ધમાં અને ભારતમાં જોડાવાની તરફેણમાં પડતાં, સિક્કિમ ભારતનું બાવીસમું રાજ્ય બન્યું. ત્યાર પછી રાજાશાહીના તરફીઓનો થોડો અસંતોષ ચાલુ રહ્યો અને 'ભારતે કુટિલ નીતિથી સિક્કિમ પડાવી લીધું’ એવી ચર્ચાઓ પણ થતી રહી છે. છતાં, સિક્કિમના જોડાણ સામે ગંભીર કહેવાય એવો પડકાર કે જનઆંદોલન સુદ્ધાં ઉભાં થયાં નથી. 

2 comments:

  1. Hiren Joshi USA8:39:00 AM

    China sees Sikkim's union with India as we look at Tibet's forceful annexation by Republic of China. Lack of trust and bad intent of border countries will result in a war. At present China's restrain is due to its financial interest in India.

    ReplyDelete