Monday, July 10, 2017

શ્રીમદ્ રાજચંદ્ર ગાંધીજીના 'માર્ગદર્શક' ખરા, પણ...

કોઈ પણ મહાન વ્યક્તિ મહાન કેવી રીતે બની, એ અભ્યાસીઓ માટે અભ્યાસનો અને બાકીના માટે કાયમી કુતૂહલનો વિષય હોય છે. એ વાત મોટે ભાગે વિસરી જવામાં આવે છે કે ઇતિહાસ એ ગણિત નથી. તેમાં બે ને બે ચાર જેવા સરવાળા બેસાડી શકાય નહીં. જેમ કે, ગાંધીજીને ગાંધીજી કોણે બનાવ્યા? આ સવાલના જવાબમાં તેમને રામનામનો મંત્ર આપનાર રંભાથી માંડીને અનેક નામ આપવાં પડે--અને ફક્ત નામ પણ પૂરતાં નથી હોતાં. સ્થળકાળનું પરિબળ પણ તેમાં મહત્ત્વનું હોય છે. છતાં, સામાન્ય વાતચીતમાં શ્રીમદ્ રાજચંદ્ર, તૉલ્સ્તૉય અને રસ્કિન જેવાં નામ ગણાવવામાં આવે છે.

તેમાંથી શ્રીમદ્ રાજચંદ્રનો પરિચય તેમને સૌથી પહેલો થયો, જ્યારે તે વકીલાતનું ભણીને 1891માં બ્રિટનથી પાછા આવ્યા.  શતાવધાની અને આધ્યાત્મિક બાબતોમાં જ્ઞાની તરીકે જાણીતા રાજચંદ્ર ગાંધીજીના પરમ મિત્ર ડૉ.પ્રાણજીવન મહેતાના ભાઈના જમાઈ હતા. તે ઝવેરી તરીકેનો વેપાર સંભાળતા હતા અને તેમાં અત્યંત કુશળ હતા. પણ તેમનો અસલી જીવ અધ્યાત્મનો હતો. જૈન ધર્મી હોવા છતાં, તેમને કોઈ ધર્મનો વિરોધ ન હતો. ડૉ. મહેતાએ બેરિસ્ટર ગાંધીની મુલાકાત રાજચંદ્ર સાથે કરાવી.  ત્યારે ગાંધીજી 22વર્ષના જિજ્ઞાસુ (તેમના પોતાના શબ્દોમાં 'ભિખારી બારિસ્ટર') અને રાજચંદ્ર 24વર્ષના જ્ઞાની હતા. ગાંધીજીએ આત્મકથામાં લખ્યું છે, ‘ઘણા ધર્માચાર્યોના પ્રસંગમાં હું ત્યાર પછી આવ્યો છું...પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈએ પાડી તે બીજા કોઈ નથી પાડી શક્યા. તેમનાં ઘણાં વચન મને સોંસરાં ઉતરી જતાં. તેમની બુદ્ધિને વિશે મને માન હતું,. તેની પ્રામાણિકતા વિશે તેટલું જ હતું. ને તેથી હું જાણતો હતો કે તેઓ મને ઇરાદાપૂર્વક આડે રસ્તે નહીં દોરે...આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમનો આશ્રય લેતો.’
શ્રીમદ્ રાજચંદ્ર /Shrimad Rajchandra (Courtesy :shrimadrajchandratrust.org)

ઇંગ્લેન્ડમાં બૅરિસ્ટર બનવા ગયેલા ગાંધીને થિયોસૉફી અને ખ્રિસ્તી ધર્મ સહિત ઘણા પરિચય થયા અને તેના થકી તેમના મનમાં ધર્મને લગતા અનેક સવાલ ઉભા થયા. ભારત પાછા ફર્યા પછી શ્રીમદ્ રાજચંદ્ર સાથે પરિચય થયો. ત્યારની રૂબરૂ મુલાકાતો અને ત્યાર પછી દક્ષિણ આફ્રિકા જવાનું થયું ત્યારે પણ તેમની વચ્ચેનો સંપર્ક ચાલુ રહ્યો. જુદા જુદા ધર્મોનો અભ્યાસ, તેમની પ્રત્યેનો સમભાવ અને ઉદાર વિધર્મી મિત્રો દ્વારા તેમનો ધર્મ અપનાવવાનાં સૂચન—આ બધાની સાથે ગાંધીજીના મનમાં પણ અનેક સવાલ પેદા થતા હતા. એ વિશે તેમણે પત્રો દ્વારા શ્રીમદ્ સાથે ચર્ચા ચાલુ રાખી.  એક પત્રમાં તેમણે ધર્મ-અધ્યાત્મને લગતા 27 સવાલ પૂછ્યા હતા, જેના શ્રીમદ્ રાજચંદ્રે તેમને વિગતવાર જવાબ આપ્યા. તેનાથી ગાંધીજીના મનનું સમાધાન થયું.

આ પ્રકારની હકીકતોથી શ્રીમદ્ રાજચંદ્રના અનુયાયીઓમાં અને સામાન્ય રીતે પણ એવી છાપ ઊભી થઈ કે ગાંધીજી-રાજચંદ્રનો સંબંધ શિષ્ય-ગુરુનો હતો. હમણાં અમદાવાદના સાબરમતી આશ્રમમાં યોજાયેલા શ્રીમદ્ રાજચંદ્રની દોઢસોમી જન્મજયંતિના કાર્યક્રમમાં પણ આ લાગણીનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો. (આ પ્રકારના સામાન્યીકરણમાં 'ગાંધીજીને ગાંધીજી કોણે બનાવ્યા?’ એવા સવાલનો બાળબોધી જવાબ મળી જતો હોવાનું સુખ પણ ભળી જતું હોય છે.)

ગાંધીજી પર શ્રીમદ્ રાજચંદ્રનું ઋણ નકારવાનો કે તેને ઓછું આંકવાનો જેમ કોઈ સવાલ પેદા થતો નથી, એવી જ રીતે એ બન્ને વચ્ચેના સંબંધોના ઊંડાણને અત્યારનાં સગવડીયાં લેબલ મારવાની પણ શી જરૂર? ગાંધીજીના ઘડતરમાં રાજચંદ્રનો નોંધપાત્ર ફાળો રહ્યો. ગાંધીજીના ચરિત્રકાર પ્યારેલાલે નોંધ્યું છે તેમ અહિંસા, વ્રતો તથા અનેકાંતવાદ (કોઈ એક બાબતને આખરી ગણવાને બદલે, તેમાં બીજાં દૃષ્ટિબિંદુ જોવાની મોકળાશ)--આ ત્રણ બાબતમાં ગાંધીજી પર શ્રીમદની ઉંડી છાપ પડી.  ઉપરાંત, આત્મકથામાં 'બ્રહ્મચર્ય-1’ પ્રકરણના આરંભે ગાંધીજીએ લખ્યું છે,’પત્ની પ્રત્યેની વફાદારી મારા સત્યવ્રતનું અંગ હતું, પણ સ્વસ્ત્રી પ્રત્યે પણ બ્રહ્મચર્યનું પાલન કરવું એ મને દક્ષિણ આફ્રિકામાં જ સ્પષ્ટ સમજાયું...એટલું સ્મરણ છે કે એમાં રાયચંદભાઈની અસરનું પ્રાધાન્ય હતું.’ 1935માં રાયચંદભાઈની પુણ્યતિથિ નિમિત્તે પ્રવચનમાં ગાંધીજીએ કહ્યું હતું કે 'એમના જીવનમાંથી ચાર ચીજો શીખી શકીએઃ ૧. શાશ્વત વસ્તુમાં તન્મયતા ૨. જીવનની સરળતાઃ આખા સંસાર સાથે એકરસખી વૃત્તિથી વ્યવહાર ૩. સત્ય અને ૪. અહિંસામય જીવન.’

તેમ છતાં, તેમની વચ્ચેના સંબંધને સીધેસીધો ગુરુ-શિષ્ય જેવો ગણાવવામાં બન્ને મહાનુભાવોને અન્યાય થાય છે. તેનું સૌથી સાદું અને સૌથી પહેલું કારણ તો એ કે શ્રીમદ્ રાજચંદ્રના ઘણા અનુયાયીઓ હતા અને છે.  પરંતુ તેમાંથી 'ગાંધીજી'એક જ થયા. બીજી વાતઃ ગાંધીજી આધ્યાત્મિકતામાં ઊંડો રસ ધરાવતા હોવા છતાં, તેમનો ખ્યાલ સંસારથી અલિપ્ત રહેવાનો કે સંસારમાં ચાલતા અન્યાય ચૂપચાપ સહી લેવાનો ન હતો. ખુદ રાજચંદ્રના મનમાં દયાધર્મ વિશે કેવો ખ્યાલ હતો, તેની વાત ગાંધીજીએ 1921માં શ્રીમદ્ રાજચંદ્રની જયંતિ નિમિત્તે આપેલા વ્યાખ્યાનમાં કરી હતીઃ 'તેઓ (રાજચંદ્ર) ઘણી વાર કહેતા કે ચોપાસથી કોઈ બરછીઓ ભોંકે તે સહી શકું, પણ જગતમાં જે જૂઠ, પાખંડ, અત્યાચાર ચાલી રહ્યાં છે, ધર્મને નામે જે અધર્મ વર્તી રહ્યો છે, તેની બરછી સહન થઈ શકતી નથી.’  ગાંધીજીના રાજચંદ્ર સાથેના આત્મીય સંબંધોનં, ગૌરવ આ રીતે પણ-- જૂઠ-પાખંડ-અત્યાચારનો શક્ય એટલો વિરોધ કરીને, દયાધર્મ અપનાવીને પણ લઈ શકાય. (શ્રીમદ્ રાજચંદ્રે કીડીમંકોડા બચાવીને માણસને મારતા 'દયાધર્મ'ની આકરી ટીકા કરી હતી, એટલી સ્પષ્ટતા)

શ્રીમદ્ રાજચંદ્રને ગાંધીજીના ગુરુપદે બેસાડી દેતી વખતે, ગાંધીજીનાં આ વચન યાદ રાખવા જેવાં છે. 1927માં પ્રગટ થયેલી આત્મકથામાં, 'રાયચંદભાઈ'એવું મથાળું ધરાવતા પ્રકરણમાં અંતે તેમણે લખ્યું છે,’રાયચંદભાઈને વિશે મારો આટલો આદર છતાં, તેમને હું મારા ધર્મગુરુ તરીકે મારા હૃદયમાં સ્થાન ન આપી શક્યો. મારી એ શોધ આજ પણ ચાલુ છે...અક્ષરજ્ઞાન આપનાર અપૂર્ણ શિક્ષકથી ચલાવી લેવાય, પણ આત્મદર્શન કરાવનાર અપૂર્ણ શિક્ષકથી ન જ ચલાવાય...મારા જીવન ઉપર ઉંડી છાપ પાડનાર આધુનિક મનુષ્યો ત્રણ છેઃ રાયચંદભાઈએ તેમના જીવંત સંસર્ગથી, ટૉલસ્ટૉયે તેમના 'વૈકુંઠ તારા હૃદયમાં છે'પુસ્તકથી ને રસ્કિને 'અનટુ ધિસ લાસ્ટ'—સર્વોદય નામના પુસ્તકથી મને ચકિત કર્યો...’

1935માં રાયચંદભાઈની જયંતિ નિમિત્તે પ્રવચનમાં ગાંધીજીએ કહ્યું, ‘એમના જીવનનો પ્રભાવ મારા પર એટલે સુધીનો પડેલો કે એક વાર મને થયું કે હું એમને મારા ગુરુ બનાવું. પણ ગુરુ તો બનાવવા ચાહીએ તેથી થોડા જ બની શકે છે? ગુરુ તો સહજપ્રાપ્ત હોવા જોઈએ,’
---
તા.ક.-1
બંગલે પહોંચીને મોટરમાંથી ઉતરીને ગાંધીજી રેવાશંકરભાઈને પગે લાગ્યા...

તા.ક.-2
ગાંધીજીએ રેવાશંકરભાઇ જોડે શ્રીમદ્ રાજચંદ્ર વિશે વાતો કરી. શ્રીમદના પુસ્તક સારુ ગાંધીજીએ પ્રસ્તાવના લખી આપેલી. તેમાં લખેલું કે પોતે શ્રીમદને તીર્થંકર નથી માનતા. કારણ દાખલા તરીકે શ્રીમદનું માથું હંંમેશ દુખતું. ગાંધીજીની દલીલ એ હતી કે જે તીર્થંકર હોય તેનું માથું ન દુખે.

રેવાશંકરભાઈઃ 'તમે આવું લખ્યું છે તેથી હું જરા કફોડી સ્થિતિમાં મુકાઈ ગયો છું!'
પાછળથી મેં સાંભળેલું કે ચોપડી ગાંધીજીની પ્રસ્તાવના વગર છપાવેલી!

- 'ગાંધીજીનાં સંસ્મરણો અને બીજી સાંભરણો', શાંતિકુમાર મોરારજી
(પૃ.12 અને પૃ.13)

3 comments:

 1. ગાંધી એ હિન્દુસ્તાનના મહાન નેતા,રાજકારણીય,સામાજિક
  સુધારચિંતક તરીકે જનમાનસમાં પુરા અંકાઈ ગયા છે જે કોઈની દેન કે તાકાત નથી કે તે ભુંસાડી શકે!!
  ધાર્મિક નેતા હોવાનો કોઈજ અણસાર તેમના જીવનમાં દેખાયાનું કોઈને ધ્યાનમાં નથી કે કયાંય વાંચવામાં પણ નથી આવ્યું.
  સંદર્ભિત લેખમાં દર્શાવાયું છે તેમના જીવનમાં ત્રણ વ્યક્તિ ની અસર થઇ હતી ૧.શ્રી રાજચંદ્ર જી,૨.શ્રી લીઓ ટોલસ્ટોય,૩.શ્રી રસ્કિન, આ ત્રણેય વ્યક્તિ કોઈ ધાર્મિક પુરુષો નાં હતા પણ સાચા માનવીય પુરુષો હતા,જેમનું સમાજ દર્શક તરીકે યોગદાન અનન્ય હતું.
  કોઈપણ ધર્મના સંતો,ગુરુઓ કે સ્વામીઓએ (દુનિયાના અન્ય ધર્મોગુરુઓ,ધર્મમૌલાઓને સાથે લઈને)માનવ સમાજને નવું ચિંધ્યાનું કાર્ય સમાજ ચિંતકો ની સરખામણીમાં લગભગ સાવ નજીવું ગણી શકાય.
  કાર્લ માર્ક્સ એક મહાન ચિંતક હતા અને તેમને લખેલ 'દાસ'કેપિટલ' આજે પણ ઘણા વિદ્વાનો રસપૂર્વક વાંચે છે,જોકે તેમનું તે પુસ્તકમાં અંકિત થયેલ સમાજનું ચિત્ર રચવું લગભગ અશક્ય છે! ઉદામવાદીઓ આવું કરવા જતા સમાજને ઉલમાંથી ચૂલમાં લઈગયા ના તાજેતરના ઈતિહાસમાં અનેક દાખલા છે.
  તમારો લેખ ગમ્યો અને ગાંધી અને રાજચન્દ્ર વિષે નવી વાતો પણ જાણી જ્ઞાનમાં અભિવૃધ્ધિ પણ થઇ.

  ReplyDelete
 2. Khubaj saaro lekh. Vaachi ne gyaan prapt thayu. Aabhar Urvishbhai

  ReplyDelete
 3. મહાત્મા ના મહાત્મા નાટક આખા ગુજરાત આખા મા ભજવાઈ રહ્યું છે.. નાટક નું હાર્દ શ્રીમદ રાજચંદ્ર ને ગાંધીજી ના ગુરુ મહારાજ તરીકે પ્રસ્થાપિત કરવા નું હોઈ એવું જણાય છે

  ReplyDelete