Thursday, July 27, 2017

સ્માર્ટ સીટીઃ સુશાસનનું બીજું નામ

વાત એવી રીતે થાય છે, જાણે 'સ્માર્ટ’નું લટકણિયું કોઈ જાદુઈ તાવીજ હોય. બસ, ‘સીટી’ની આગળ એને લગાડી દીધું, એટલે પરિવર્તન થઈ ગયું સમજો. ભારત સરકાર ધડાધડ અને આડેધડ લાગે એવી રીતે સ્માર્ટ સીટીની યાદી બહાર પાડતી રહે છે. ભારતભરનાં સો શહેરોને સ્માર્ટ બનાવવાની આકાંક્ષા આવકાર્ય અને પ્રશંસનીય છે. પણ સવાલ આકાંક્ષાનો નહીં, અમલનો--ખાસ તો અમલની સમજ અને દાનતનો--છે.
સ્માર્ટ સીટીને લગતી ભારત સરકારની સત્તાવાર વેબસાઈટ યોગ્ય રીતે જ કહે છે કે 'સ્માર્ટ સીટી’ની કોઈ સર્વસાધારણ વિશ્વમાન્ય વ્યાખ્યા નથી. તે શહેર પ્રમાણે બદલાઈ શકે છે. પણ એક મિનીટ, શહેર એટલે શું? તેની સ્માર્ટ નહીં, સીધીસાદી સમજ સૌ કોઈએ ભૂંસાય નહીં એ રીતે કોતરી રાખવા જેવી છેઃ શહેર એટલે શહેરનું વહીવટી તંત્ર નહીં, શહેરના તમામ લોકો.

સ્માર્ટ સીટી મિશનની વેબસાઇટ પર જણાવ્યા પ્રમાણે,  સ્માર્ટ સીટીના માળખા માટે પાયાના દસ ઘટક નક્કી કરવામાં આવ્યા છે. 1. પૂરતો પાણીપુરવઠો 2. ખાતરીબંધ વીજપુરવઠો 3. સેનિટેશન (ગટર વ્યવસ્થા) અને સૉલિડ વેસ્ટ મૅનેજમૅન્ટ (ઘન કચરાનો નિકાલ) 4. અસરકારક વાહનવ્યવહાર અને જાહેર પરિવહનની સુવિધા 5. પોસાય એવા ભાવમાં મકાન, ખાસ કરીને ગરીબો માટે 6. ઇન્ફર્મેશન ટૅકનોલોજીનું મજબૂત જોડાણ અને ડિજિટાઇઝેશન 7. સુશાસન—ખાસ કરીને ઇ-ગવર્નન્સ અને નાગરિકોની સામેલગીરી 8. પર્યાવરણની જાળવણી 9. નાગરિકોની--ખાસ કરીને સ્ત્રીઓ,બાળકો અને વૃદ્ધોની-- સુરક્ષા અને સલામતી 10. શિક્ષણ અને આરોગ્ય

યાદી પરથી સ્પષ્ટ છે કે આ બાબતો સાવ પાયાની છે અને તેની યોગ્ય રીતે દરકાર રાખવામાં આવે, તેનો અસરકારક રીતે વહીવટ કરવામાં આવે, તે 'સ્માર્ટ’નેસ કરતાં ઘણો વધારે સુશાસનનો મામલો છે. અમદાવાદ જેવા, હવે મૅટ્રો રેલના પંથે આગળ વધી રહેલા મેગા સીટીના માંડ આઠ-નવ દાયકા જૂના ઇતિહાસમાં જવાથી સમજાશે કે પરદેશી શાસકોનું રાજ હતું ત્યારે, ભાઈકાકા જેવા દૃષ્ટાએ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં કેવળ ચીફ એન્જિનિયર જેવા હોદ્દે રહીને કેટકેટલાં નમૂનેદાર કામ કર્યાં. તેમના કામ અને અત્યારની 'સ્માર્ટ સીટી'ની વાતોમાં રહેલા કેટલાક મુખ્ય તફાવતઃ

1. કાંકરિયા તળાવ ઉજ્જડ ને ત્યાં પડી રહેતા અમુક પ્રકારના લોકોને લીધે અસલામત લાગતું હતું. ભાઈકાકાએ તેનો 'વિકાસ’ કર્યો, પણ શહેરના સામાન્ય લોકો માટે. ભારતના આર્થિક શોષણમાં કોઈ કસર ન છોડનાર અંગ્રેજ શાસકોને પણ કાંકરિયા ફરતે દરવાજા લગાડીને પ્રવેશ ફી ઉઘરાવવા જેવો કુવિચાર આવ્યો ન હતો.

2.શહેરમાં જુદા જુદા ઠેકાણે ચાલતાં કામો વચ્ચે સંકલન સાધીને ભાઈકાકા એક જગ્યાની સામગ્રીને બીજે ખપમાં લેતા હતા. તેમાં આઇ.ટી. અને ટૅકનોલોજીના સંદર્ભે કહેવાય છે એવી સ્માર્ટનેસ નહીં, ચોખ્ખી દાનત અને કોઠાસૂઝ પૂરતાં હતાં. તેના બળે અંદાજ કરતાં ઓછા સમયમાં અને ઓછા રૂપિયામાં તે કામ પૂરાં કરી શકતા હતા. એ 'સ્માર્ટનેસ’ નહીં, ‘સારો વહીવટ તો આમ જ થાય ને’ એવી સીધીસાદી સમજ હતી.

3. કેટલાંક કામો માટે ધાર્મિક મહત્ત્વ કે માન્યતા ધરાવતાં સ્થળ વચ્ચે આવતાં હોય તો એ ધર્મના લોકોને વિશ્વાસમાં લઈને, જરાય દુર્ભાવ વિના એ સ્થળો દૂર કરીને પોતાનું કામ આગળ વધારી શકતા હતા. બાકી, એ વખતે પણ કોમી અવિશ્વાસ કે દ્વેષની લાગણી ગેરહાજર ન હતી. અત્યારે અમદાવાદમાં જાહેર રસ્તા પર તો ઠીક, બીઆરટીએસના રુટમાં વચ્ચોવચ આવતાં નાનાંમોટાં ધર્મસ્થાનો સુદ્ધાં હટાવવા જેટલી મુત્સદ્દીગીરી અને લોકપ્રભાવ કોઈ નેતાનાં નથી. વહીવટી તંત્ર ને અફસરોની વાત તો બહુ દૂર રહી.

4. પોતે જે કામગીરી હાથ પર લે તેની પૂરી જવાબદારી તેમની રહેતી હતી. અને મેગા સીટી અમદાવાદમાં દર વર્ષે રસ્તાના સમારકામ પાછળ લાખો કે કરોડો રૂપિયા ખર્ચાઈ જાય છે. પણ બીજા વર્ષે અખબારોમાં થતા ઉહાપોહ સિવાય અને રાબેતા મુજબની ઔપચારિક કાર્યવાહીઓ સિવાય બીજું કંઈ થતું નથી. વિદેશનાં શહેરોના 'અભ્યાસ' કરી આવતાં પ્રતિનિધિમંડળો બીજું કંઈ નહીં ને ઉત્તરદાયિત્વ શીખી લાવે-અમલમાં મૂકે તો પણ તેમણે કરેલો ખર્ચ વસૂલ.

આવી ખાંખત (એનું અંગ્રેજી 'સ્માર્ટનેસ’ના દાયરામાં સમાય એવું નથી) હોવાને કારણે ભાઈકાકા સાવ શૂન્યમાંથી વલ્લભ વિદ્યાનગર જેવું સાચા અર્થમાં 'સ્માર્ટ સીટી' ઉભું કરી શક્યા, જેની પાયાની ઇંટ તેમણે એક દલિત મુકાદમના હાથે હતી. ત્યારે તેમને સપને પણ અંદાજ નહીં હોય કે તેમનું એ નગર જતે દહાડે પટેલવાદના અને શિક્ષણના ધંધાદારીકરણ-કમ-માથાભારેકરણના ખદબદતા કેન્દ્ર જેવું બની રહેશે. આપણને આ આવડ્યુંઃ એક સાચકલા 'સ્માર્ટ સીટી’ને પણ આપણે આપણી માનસિકતાના સ્તરે ઉતારી મૂક્યું.

કોઈ શહેર તેના સરેરાશ નાગરિકોની માનસિકતા કરતાં વધુ સ્માર્ટ બની શકતું નથી, એ પણ એટલી જ હકીકત છે. એટલે, સરકાર 'સ્માર્ટ’ના નામે ગમે તેવાં આંબાઆંબલી બતાવે કે અમદાવાદ જેવાં શહેરમાં મેટ્રો રેલ જેવાં નવાં અને મોંઘાદાટ રમકડાં, લોકોની જરૂરિયાત કરતાં વધારે તેમને મોહિત-મુગ્ધ કરી દેવાની ગણતરીથી લઈ આવે, તો પણ નાગરિકોના સક્રિય સહકાર અને સામેલગીરી વિના કોઈ શહેર સ્માર્ટ નહીં બની શકે. અમદાવાદમાં AMTSની સ્થાનિક બસસેવા સાથે કશા તાલમેળ વિના, સુવિધાને બદલે છાકો પાડવાનો હેતુ મનમાં રાખીને શરૂ કરાયેલી BRTS  ઘણી મર્યાદાઓની સાથે ઘણી ઉપયોગીતા પણ ધરાવે છે.

સ્માર્ટ નહીં, કેવળ સારા અને સૂઝભર્યા વહીવટથી BRTSની ઉપયોગીતામાં અનેક ગણો વધારો થઈ શકે છે. છતાં, BRTS માટે રસ્તાની વચ્ચે જાળીઓ બાંધીને બનાવેલા અલગ રસ્તામાં બીજા વાહનચાલકો ઘુસી ન જાય તે માટે એક બાજુની રેલિંગ પર દોરડું બાંધવામાં આવે છે. તેનો બીજો છેડો સામેની રેલિંગ તરફ હોય અને ત્યાં એક ભાઈ એ છેડો પકડીને બેઠા રહે. બસ આવે ત્યારે દોરડું નીચું કરે અને બસ પસાર થઈ જાય એટલે વળી દોરડું ઉંચું. આનાથી વધારે 'ડમ્બ' (અણસમજભર્યું) દૃશ્ય બીજું કયું હોઈ શકે? અને એનો દોષ વહીવટી તંત્રને આપી શકાય તેમ નથી.

પરંતુ અત્યારે વહીવટી તંત્રની અને નાગરિકોની લાક્ષણિકતાઓનો ગુણાકાર શહેરોને 'સ્માર્ટ’ તો ઠીક, પ્રાથમિક રીતે સારાં બનતાં અટકાવી રહ્યો છે. 

Tuesday, July 18, 2017

સિક્કિમ કેવી રીતે (છેક 1975માં) ભારતનો હિસ્સો બન્યું?

રજવાડાંના વિલીનીકરણ વખતે ભારતમાં જોડાનારું સૌથી પહેલું રાજ્ય કયું? એ સવાલના અનેક જવાબ—અને તેની સાથે સંકળાયેલી દંતકથાઓ હોઈ શકે. પોતપોતાના રાજ્ય કે રાજવીનો દેશભક્તિનો દાવો ચડિયાતો બતાવવા માટે પણ એવું કહેવામાં આવે છે કે અમારા રાજાએ (કે નવાબે) સામે ચાલીને ભારતમાં પોતાનું રાજ્ય ભેળવી દીધું.

--પરંતુ ભારતનો હિસ્સો બનેલું છેલ્લું રાજ્ય કયું? સામાન્ય સમજ પ્રમાણે, દેશ આઝાદ થયાનાં 14 વર્ષ સુધી દીવ, દમણ અને ગોવા પોર્ટુગીઝ હકુમત તળે હતાં. આખરે 1961માં તેમને મુક્ત કરીને ભારતમાં સમાવવામાં આવ્યાં. પરંતુ સિક્કિમ એક એવું રજવાડું હતું, જે સંપૂર્ણપણે છેક 1975માં (કટોકટીના માંડ એકાદ મહિના પહેલાં) ભારતનો હિસ્સો બન્યું.

અંગ્રેજોએ ભારતમાંથી બિસ્તરાંપોટલાં બાંધીને વિદાય લીધી, એ સાથે અંગ્રેજ સર્વોપરિતાનો અંત આવ્યો અને રજવાડાં પોતપોતાની રીતે નિર્ણય લેવા સ્વતંત્ર બન્યાં. અંગ્રેજો હતા ત્યારે પણ સિક્કિમ પર તેમનું સીધું રાજ ન હતું. સામ્યવાદી ચીન સાથેની સરહદે આવેલા આ રાજ્યનું વ્યૂહાત્મક મહત્ત્વ ધ્યાનમાં રાખતાં, અંગ્રેજોએ સિક્કિમને 'રક્ષિત રાજ્ય'નો દરજ્જો આપ્યો હતો. ત્યાં એક અંગ્રેજ પ્રતિનિધિ રહે અને વિદેશી હુમલાની સ્થિતિમાં અંગ્રેજ સૈન્ય સિક્કિમના નામગ્યાલ વંશના રાજાઓની મદદે આવે. (એક સમયના ખલીફાની જેમ કે દલાઈ લામાની જેમ સિક્કિમના રાજા પણ રાજકીય અને ધાર્મિક એમ બન્ને પ્રકારના વડા--સ્થાનિક ભાષામાં 'ચોગ્યાલ’-- ગણાતા હતા.)

પણ અંગ્રેજોના ગયા પછી શું? સિક્કિમને રેઢું મૂકવું કે સંપૂર્ણ સ્વતંત્રતા આપવી ભારત માટે ઇચ્છનીય વિકલ્પો ન હતા.  રજવાડાંના વિલીનીકરણની ઐતિહાસિક કામગીરી પાર પાડનાર સરદાર પટેલે મૃત્યુના એકાદ મહિના પહેલાં તત્કાલીન વડાપ્રધાન પંડિત નહેરુને એક લાંબો પત્ર લખ્યો હતો. તેમાં તેમણે તિબેટ અને ભૂતાનની સાથોસાથ સિક્કિમના મહત્ત્વ અને ચીનની દાનત વિશે લખ્યું હતું. ‘આપણાં ઉત્તરનાં અથવા ઈશાનનાં પ્રવેશદ્વારો નેપાળ, ભૂતાન, સિક્કિમ, દાર્જિલિંગ વિસ્તાર અને આસામના આદિવાસી વિસ્તારો છે...આ વિસ્તારોનો આપણી સાથેનો સંપર્ક ઘનિષ્ઠ અને નિકટનો નથી. આ ભાગમાં રહેતા લોકોને ભારત પ્રત્યે સુસ્થાપિત વફાદારી કે નિષ્ઠા નથી...સિક્કિમમાં થોડા સમય પૂર્વે રાજકીય ઉફાળો આવેલો હતો ત્યાં અસંતોષ ધુંધવાઈ રહ્યો હોય એ તદ્દન શક્ય છે...મને ખાતરી છે કે ચીનાઓ અને તેમનું પ્રેરણાસ્થાન સોવિયેટ રશિયા અમુક અંશે પોતાની વિચારસરણીના સમર્થનમાં અને અમુક અંશે તેમની મહત્ત્વાકાંક્ષાના સમર્થનમાં આ નબંળાં સ્થાનનો ગેરલાભ ઉઠાવવાની એક પણ તક જતી કરશે નહીં. એટલે મારી ગણતરી પ્રમાણે પરિસ્થિતિ એવી છે કે જેમાં આપણને આત્મસંતોષી બનવાનું કે ઢચુપચુ રહેવાનું ન પાલવે...’ (7 નવેમ્બર, 1950)

ઉપરના પત્રમાં સરદારે જે રાજકીય ઉફાળાની વાત કરી છે તે લગભગ ત્રણેક સદીથી ચાલતી રાજાશાહી સામેનો હતો. અંગ્રેજોની વિદાયની અને ભારતની આઝાદીની અસર સુદૂરના રજવાડા  સિક્કિમમાં પણ પડી. ત્યાં પહેલી વાર રાજકીય પક્ષો સ્થપાયા. રાજા લોકોની માગણીને વશ ન થયા, પણ સ્વતંત્ર રીતે લાંબા સમય સુધી ઝીંક ઝીલવાનું તેમના માટે કપરું હતું. આથી, સરદારના મૃત્યુના દસ દિવસ પહેલાં, 5 ડિસેમ્બર1950ના રોજ ભારત અને સિક્કિમ વચ્ચે સમજૂતી થઈ. તેમાં સિક્કિમ ભારત દ્વારા સંરક્ષિત (પ્રોટેક્ટરેટ) રાજ્ય હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું અને તેના સંરક્ષણ તથા ભૌગોલિક સીમાઓની રખેવાળીની જવાબદારી ભારત સરકારની ઠરાવવામાં આવી. તેના માટે ભારત ઠીક લાગે તેવાં પગલાં લઈ શકે અને સિક્કિમમાં ઇચ્છે ત્યાં સૈન્ય રાખી શકે એવું પણ નક્કી થયું. બદલામાં સિક્કિમના રજવાડાએ પોતાનું સૈન્ય રાખવાનું નહીં કે ભારત સરકારની મંજૂરી વિના બહારથી લશ્કરી તૈયારી માટે જરૂરી એવાં હથિયાર મંગાવવાનાં નહીં. એ સિવાયની શરતોમાં લોકોને વધુ પ્રમાણમાં પ્રતિનિધિત્વ મળે તેનો પણ સમાવેશ થતો હતો.
Maharaja of Sikkim receiving Prime Minister Pandit Nehru and Indira Gandhi
વડાપ્રધાન પંડિત નહેરુ અને ઇંદિરા ગાંધીને આવકારતા સિક્કિમના મહારાજ
(courtesy:Photo Division)
પહેલાં સિક્કિમમાં અંગ્રેજ પ્રતિનિધિ બેસતો હતો. એને બદલે સિક્કિમની રાજધાની ગંગટોકમાં દિલ્હીનો એક પ્રતિનિધિ બેસતો થયો.  પરંતુ રાજાને એ વાતે સંતોષ હતો કે લશ્કરી સિવાયની ઘણીખરી બાબતોમાં તેમનું 'રજવાડું' ટકી રહ્યું અને ભારતને એ વાતે હાશ થઈ કે કાશ્મીર જેવો ગુંચવાડો ઉભો કર્યા વગર સિક્કિમ ભારતના સંરક્ષણમાં આવી ગયું. અલબત્ત, આ 'સંરક્ષણ’નો કાયદાકીય અર્થ અસ્પષ્ટ હોવાથી, આંતરરાષ્ટ્રિય રાજકારણમાં સિક્કિમનું ભારતના પ્રદેશ તરીકેનું સ્થાન નક્કી ન હતું. પરંતુ એ મુદ્દો તકનિકી હતો અને બે દેશો વચ્ચે વિવાદ ન થાય અથવા આવા સ્થાનિક તકનિકી મુદ્દાને આંતરરાષ્ટ્રિય સ્તરે ભડકાવવામાં ન આવે, ત્યાં સુધી એ વાત ગૌણ બની જતી હતી.
Maharaja of Sikkim with Indira Gandhi and Prime Minister Pandit Nehru

ભારતના સંરક્ષણમાં આવ્યા પછી અને લોકોના દબાણ પછી 1953માં સિક્કિમમાં પહેલી ચૂંટણી થઈ, પણ એ ચૂંટણી ભારત નહીં, સિક્કિમ રાજ્ય દ્વારા સંચાલિત હતી. તેમાં બે મહત્ત્વના રાજકીય પક્ષ હતાઃ સિક્કિમ સ્ટેટ કૉંગ્રેસ અને નેશનલ પાર્ટી. સિક્કિમની વિધાનસભા કહો કે લોકસભા, તેમાં સ્થાનિક વસ્તીના હિસાબે છ પ્રતિનિધિ નેપાળી, છ પ્રતિનિધિ લેપ્ચા અને ભુટિયા સમુદાયના અને પાંચ સભ્યો મહારાજાએ નીમેલા હતા. આગળ જતાં બેઠકોની સંખ્યામાં થોડો વધારો થતો ગયો. આ સભાના સભ્યો 'મહારાજાની મરજી હોય ત્યાં સુધી' હોદ્દા પર ચાલુ રહી શકે તેમ હતા અને સંપૂર્ણપણે તેમને જવાબદાર હતા. સિક્કિમમાં ભારતની સત્તા ફક્ત સંરક્ષણ પૂરતી મર્યાદિત હોવાથી શિક્ષણ, આરોગ્ય, વાહનવ્યવહાર, વેપારધંધા, જંગલ, વિવિધ વેરા અને છાપાં જેવી બધી બાબતો મહારાજાને હસ્તક હતી.

બીજી ચૂંટણી 1958માં યોજાઈ, પણ ત્રીજી ચૂંટણીમાં ભારત-ચીન યુદ્ધને કારણે વિલંબ થતાં તે 1967માં યોજાઈ. ચોથી ચૂંટણી 1970માં થઈ, પરંતુ સિક્કિમ માટે અને ભારત માટે પણ સૌથી મહત્ત્વની બની 1973ની ચૂંટણી. એ ચૂંટણી પહેલાં સિક્કિમ સ્ટેટ કૉંગ્રેસ અને જનતા પાર્ટી એ બન્ને પક્ષના વિલીનીકરણથી નવો પક્ષ બન્યો 'સિક્કિમ જનતા કૉંગ્રેસ’. આ ચૂંટણીમાં એક ઠેકાણે ગોટાળાના આરોપ થયા, પણ મહારાજાનું તંત્ર એ આરોપોની યોગ્ય તપાસ કરી શક્યું નહીં. એટલે લોકોમાં અસંતોષ પેદા થયો. એવા વાતાવરણમાં અસંતોષ ઠારવા માટે મધ્યસ્થી તરીકે, 1974માં ભારતના ચૂંટણીપંચે સિક્કિમમાં ચૂંટણી યોજી. અગાઉની ચૂંટણીઓમાં સમુદાયો આધારિત મતદાન હતું, જે હવે ભારતના બંધારણની જેમ સૌ કોઈ માટે અધિકાર બન્યું. આ ચૂંટણીમાં સિક્કિમ જનતા કૉંગ્રેસે સપાટો બોલાવીને 32માંથી 31 બેઠકો જીતી લીધી. પરિણામે સ્વાભાવિક રીતે જ મહારાજા અને તેમની રાજાશાહી સામેની ઝુંબેશ વધુ ઉગ્ર બની.

એક મત પ્રમાણે, મહારાજાએ સ્થિતિ કાબૂમાં લેવા માટે તત્કાલીન વડાપ્રદાન ઇન્દિરા ગાંધીની મદદ માગી. પરંતુ તેમણે રાજાશાહીવિરોધી ઝુંબેશને (ખાનગી રાહે) બળ આપ્યું. આખરે, મહારાજાને ઘુંટણિયા ટેકવવા સિવાય બીજો રસ્તો ન રહેતાં, 1975માં જનાદેશ યોજવામાં આવ્યો. તેમાં 97 ટકા મત રાજાશાહીની વિરુદ્ધમાં અને ભારતમાં જોડાવાની તરફેણમાં પડતાં, સિક્કિમ ભારતનું બાવીસમું રાજ્ય બન્યું. ત્યાર પછી રાજાશાહીના તરફીઓનો થોડો અસંતોષ ચાલુ રહ્યો અને 'ભારતે કુટિલ નીતિથી સિક્કિમ પડાવી લીધું’ એવી ચર્ચાઓ પણ થતી રહી છે. છતાં, સિક્કિમના જોડાણ સામે ગંભીર કહેવાય એવો પડકાર કે જનઆંદોલન સુદ્ધાં ઉભાં થયાં નથી. 

Sunday, July 16, 2017

અમદાવાદનો વૈશ્વિક વારસો એટલે?

અહમદશાહે આબાદ કર્યા પછી સતત છ સદી સુધી આબાદ રહેલા અમદાવાદને 'યુનેસ્કો’ તરફથી વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેની માન્યતા મળી. તેનો વાજબી આનંદ-ઑચ્છવ મનાવી લીધા પછી ગૌરવવંતા અમદાવાદી કે ગુજરાતી તરીકે મથાળામાં પુછાયેલા સવાલ અંગે થોડો વિચાર કરવા જેવો છે. ‘યુનેસ્કો’ ખાતે ભારતનાં કાયમી પ્રતિનિધિ રુચિરા કમ્બોજે અમદાવાદ વિશે લખ્યું કે,’ગાંધીજીએ શરૂ કરેલી આઝાદીની ચળવળનું કેન્દ્ર, હિંદુ અને જૈન મંદિરો, હિંદુ-મુસ્લિમ કળા અને ઇન્ડો-ઇસ્લામિક શૈલીનાં સ્થાપત્યો અને આ બધા ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રસંઘનો સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો ખ્યાલ મૂર્તિમંત કરતું શહેર.’ ('સસ્ટેનેબલ ડેવલપમેન્ટ' એટલે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગરનો વિકાસ)

આ તો થઈ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનમાં લખવાની વિગતો, જે સાચી છે, પણ પૂરતી નથી. અમદાવાદ શહેરમાં બે-એક દાયકાથી ચાલતા હેરિટેજ કાર્યક્રમમાં જૂની પોળો, તેનાં મકાન, પાણી ભરવાનાં ટાકાં, કોતરકામ, હિંચકા, ચબુતરા જેવી બાબતો પ્રાધાન્ય ભોગવે છે. પણ હેરિટેજના ખ્યાલને આટલેથી અટકાવી દેવા જેવો નથી. અમદાવાદ એ ચાંપાનેર કે હમ્પીની જેમ ઉજડી ગયેલું શહેર નથી. છ સદીથી તેમાં લોકો રહે છે. માટે તેમના વિના હેરિટેજની સમજ કે વાત કદી પૂરી થઈ શકે નહીં.

શહેરને વૈશ્વિક વારસાના ભાગરૂપ જાહેર કરવામાં આવે, તેનો અર્થ એવો પણ નહીં કે પચાસ-સો-બસો જોવાલાયક વસ્તુઓ દેખાડીને, બાકીની ચીજોને લીલા પડદા પાછળ સંતાડી દેવી (જેવું મહાનુભાવોના--અને હવે તો સ્થાનિક એવા વડાપ્રધાનના--આગમન વખતે પણ કરવામાં આવે છે.) આ એક જીવંત શહેર છે અને મોટા ભાગના ભારતની જેમ અહીં પણ બે-અઢી સદીઓ એકસાથે ચાલે છે. હેરિટેજનો વિશાળ અર્થ છેઃ જાળવવા જેવી જૂની ચીજો-લાક્ષણિકતાઓ જાળવી રાખવી અને તજવા જેવી બાબતો તજી પણ દેવી. ગોટાળો ત્યારે થાય છે, જ્યારે આપણા આયોજનોમાં ઘણી કામની ચીજોની ઉપેક્ષા સેવાય છે અને ઘણે ઠેકાણે હેરિટેજના નામે કરોડોના ધુમાડા કરીને મૂળ વસ્તુનો કબાડો કરી નાખવામાં આવે છે. હેરિટેજની જાળવણીના પાયામાં રહેલા ઍસ્થેટિક્સ (સૌંદર્યદૃષ્ટિ)ની તેમાં સદંતર અવગણના થાય છે ને રૂપિયા ખર્ચીને સંતોષ મેળવવાનું મુખ્ય બની જાય છે.

તેનું એક શરમજનક ઉદાહરણ એટલે ભદ્ર વિસ્તારમાં ભારે ખર્ચ કરીને તૈયાર કરવામાં આવેલું ભદ્ર પ્લાઝા. હેરિટેજના નામે ભદ્રના કિલ્લાના વિસ્તારમાં રસ્તા પર પથ્થરો જડી દેવા, લોકો મુક્ત રીતે હરીફરી શકે તે માટે વાહનનો પ્રવેશ બંધ કરી દેવો અને સદીઓ જૂની આ હેરિટેજ સાઇટની બન્ને બાજુએ અત્યંત કદરૂપા અને આંખમાં વાગે એવા લોખંડી દરવાજા લગાડી દેવા. તેમ છતાં, અંદર દ્વિચક્રી-ત્રિચક્રી વાહનો ધરાર ફરતાં હોય, પહેલાંની જેમ બજાર પણ લાગેલું હોય.
Entrance of Bhadra plaza/ ભદ્ર પ્લાઝાનું પ્રવેશદ્વાર
આખું આયોજન અત્યંત કૃત્રિમ લાગે એવું અને ત્યાં ચાલનારાઓ માટે જરાય સગવડદાયક કે હેરિટેજનો અહેસાસ કરાવે એવું નથી. હેરિટેજની જાળવણી એટલે ધૂમ ખર્ચો કરીને મોંઘા પથ્થર લગાડવા ને રાત પડ્યે રંગબેરંગી લાઇટિંગ કરવું--એવી જૂનવાણી, મુગ્ધ સમજને 'વૈચારિક હેરિટેજ' તરીકે વળગી રહેવાની જરૂર નથી--ભલે સરેરાશ લોકો તેનાથી પ્રભાવિત થઈ જતા હોય.

એમ તો ‘યુનેસ્કો’ ગમે તે કહે, પણ કાંકરિયાના કહેવાતા વિકાસને ભાગ્યે જ હેરિટેજનું રક્ષણ કહી શકાય. જૂનું કાંકરિયા તળાવ ખરા અર્થમાં લોકોને મળેલો વારસો હતું. તેમાં સરકારની કોઈ દખલગીરી ન હતી. કાંકરિયાની ફરતેના રસ્તા પરથી પસાર થનાર ગરીબ-અમીર સૌ કોઈને કાંકરિયાના શાતાદાયક દૃશ્યનો અને ઉનાળામાં તેની ઠંડકનો થોડોઘણો અહેસાસ વિના મૂલ્યે--અને ઘણી વાર વિના પ્રયાસે મળી જતો હતો. ત્યાર પછી તેનો 'વિકાસ’ કરવામાં આવ્યો, ત્યારે સ્વચ્છતા જાળવવાના નામે તેની ચોતરફ કિલ્લેબંધી કરી નાખવામાં આવી. રાષ્ટ્રપતિભવનના દરવાજાની નકલ જેવા દરવાજા લગાડી દેવાયા અને પ્રવેશ માટે ટિકીટ થઈ ગઈ.  'પબ્લિક સ્પેસ' કહેતાં જાહેર જગ્યાઓ પણ આપણો હેરિટેજ છે, પરંતુ તેને જાળવવા માટે આપણાં વહીવટી તંત્રો જરાય ઉત્સાહી નથી. બાકી, તળાવને દીવાલો વચ્ચે પૂરી દેવાની અને તેમાં પ્રવેશના રૂપિયા લેવાની કમતિ રાજાશાહીમાં રાજાઓને ન સૂઝી, તે લોકશાહીના 'સેવકો'ને કેવી રીતે સૂઝત?
Kankaria Lake behind gates /દરવાજામાં બંધ કાંકરિયા તળાવ
પરંતુ 'પબ્લિક સ્પેસ'ના લોકશાહી ખ્યાલને વહીવટી તંત્રે 'સ્વચ્છ' કરી દીધો છે. એટલે એક સમયે જાહેર જીવનથી અને વૈકલ્પિક વિચારસરણીઓથી ધબકતા અમદાવાદમાં ધીમે ધીમે એવી જગ્યાઓ ખતમ થતી ચાલી છે. ગુજરાતમાં રાત્રે બે વાગ્યે પણ સલામતીની ચિંતા હોતી નથી, એવું ગાઇવગાડીને કહેનારા શબ્દાર્થમાં સાચા, છતાં બે કારણસર તાત્ત્વિક રીતે જૂઠા છેઃ આવી સલામતી કોઈ શાસકે આપેલી નથી. એ મહદ્ અંશે સામાજિક પોતમાંથી આવી છે. બીજા શબ્દોમાં કહો તો, એ પણ ગુજરાતનો-અમદાવાદનો હેરિટેજ છે. તેના માટે કોઈ શાસકોએ જશ ઉઘરાવવાની જરૂર નથી. ઉલટું, વર્તમાન વહીવટી તંત્રોના પ્રતિનિધિઓ રાત્રે અગિયાર-સાડા અગિયાર વાગ્યે દંડા પછાડતા સડકો પર નીકળી પડે છે અને લોકોને ઘરભેગા કરી દઈને, પોતાની ફરજ અદા કર્યાનો સંતોષ અનુભવે છે. રાત્રે બે વાગ્યે કોઈ નીકળતું જ ન હોય, પછી સલામતીની ચિંતા ક્યાંથી હોય?

હેરિટેજમાં મહત્ત્વનો હિસ્સો અમદાવાદની વિખ્યાત પોળોનો છે. એક સમયે નવી ચેતના ઝીલવાના કેન્દ્રો બનેલી પોળો સમય જતાં રાજકીય સંકીર્ણતાનો ભોગ બનીને, તેમનાં બીબામાં ધીમે ધીમે ઢળતી ગઈ. હવે પોળોમાં હવેલીઓ ને મકાનો રીસ્ટોર કરવામાં આવે છે, તેમાં શોખીન દેશી-પરદેશીઓ રહેવા આવે છે, પણ પોળના લોકોને પૂછશો તો કહેશે કે પોળની અસલી સંસ્કૃતિ મરી પરવારી છે. જીવતા શહેરોમાં ફક્ત ઇમારતો હેરિટેજ હોઈ શકતી નથી. ત્યાં રહેનારાની સંસ્કૃતિ અને સાંસ્કૃતિક આદાનપ્રદાન- સહઅસ્તિત્ત્વ હેરિટેજનો સૌથી મહત્ત્વનો હિસ્સો હોય છે, પરંતુ નવાં સમીકરણોમાં રાજકીય યોજનાઓને અનુકૂળ ન હોય એવી બાબતોની ખાસ ચર્ચા કરવામાં આવતી નથી.

સાંસ્કૃતિક આદાનપ્રદાનની વાત આવે ત્યારે એ પણ કહેવાનું થાય કે ઇન્ડો-ઇસ્લામિક પરંપરાનું સ્થાપત્ય ધરાવતી ઘણી મસ્જિદો, મીનારા ને રોજા અમદાવાદની શાન છે. અમદાવાદને હેરિટેજ સીટીનો દરજ્જો અપાવવામાં આ ઇમારતોનો મોટો ફાળો છે. પરંતુ ત્યાં લટકતાં વાયરનાં લટકણીયાં કે તેના દેખાવમાં વચ્ચે વચ્ચે ખૂંચતાં માઇકનાં ભૂંગળાં ખટકે એવાં હોય છે. એમાં ધર્મ કે ધર્મસ્થાનની ટીકાનો સવાલ આવતો નથી. પરંતુ આપણે વડવાઓ તરફથી મળેલી એક સુંદર જગ્યામાં બંદગી કરતા હોઈએ, ત્યારે એ જગ્યાના સૌંદર્યમાં વધારો ન થાય તો ભલે, પણ ઘટાડો ન થાય એ જોવાની આપણી જવાબદારી છે. એટલે આ જગ્યાઓની દેખરેખ રાખનાર સમિતિઓએ પોતાની પહેલથી ઇમારતની શોભા બગાડતાં વાયર ને માઇકનાં લટકણીયાં દૂર કરીને તેમને એવી રીતે ગોઠવવાં જોઈએ કે જેથી તે જોનારને નડે નહીં. આમ કરવામાં ધર્મને કે ધાર્મિક ભાવનાને કશું નુકસાન પહોંચવાનું નથી. ઉલટું, સૌંદર્યદૃષ્ટિ ધરાવતા, લાયક વારસદારો તરીકેનું ગૌરવ આપણે અનુભવી શકીશું. 

Monday, July 10, 2017

શ્રીમદ્ રાજચંદ્ર ગાંધીજીના 'માર્ગદર્શક' ખરા, પણ...

કોઈ પણ મહાન વ્યક્તિ મહાન કેવી રીતે બની, એ અભ્યાસીઓ માટે અભ્યાસનો અને બાકીના માટે કાયમી કુતૂહલનો વિષય હોય છે. એ વાત મોટે ભાગે વિસરી જવામાં આવે છે કે ઇતિહાસ એ ગણિત નથી. તેમાં બે ને બે ચાર જેવા સરવાળા બેસાડી શકાય નહીં. જેમ કે, ગાંધીજીને ગાંધીજી કોણે બનાવ્યા? આ સવાલના જવાબમાં તેમને રામનામનો મંત્ર આપનાર રંભાથી માંડીને અનેક નામ આપવાં પડે--અને ફક્ત નામ પણ પૂરતાં નથી હોતાં. સ્થળકાળનું પરિબળ પણ તેમાં મહત્ત્વનું હોય છે. છતાં, સામાન્ય વાતચીતમાં શ્રીમદ્ રાજચંદ્ર, તૉલ્સ્તૉય અને રસ્કિન જેવાં નામ ગણાવવામાં આવે છે.

તેમાંથી શ્રીમદ્ રાજચંદ્રનો પરિચય તેમને સૌથી પહેલો થયો, જ્યારે તે વકીલાતનું ભણીને 1891માં બ્રિટનથી પાછા આવ્યા.  શતાવધાની અને આધ્યાત્મિક બાબતોમાં જ્ઞાની તરીકે જાણીતા રાજચંદ્ર ગાંધીજીના પરમ મિત્ર ડૉ.પ્રાણજીવન મહેતાના ભાઈના જમાઈ હતા. તે ઝવેરી તરીકેનો વેપાર સંભાળતા હતા અને તેમાં અત્યંત કુશળ હતા. પણ તેમનો અસલી જીવ અધ્યાત્મનો હતો. જૈન ધર્મી હોવા છતાં, તેમને કોઈ ધર્મનો વિરોધ ન હતો. ડૉ. મહેતાએ બેરિસ્ટર ગાંધીની મુલાકાત રાજચંદ્ર સાથે કરાવી.  ત્યારે ગાંધીજી 22વર્ષના જિજ્ઞાસુ (તેમના પોતાના શબ્દોમાં 'ભિખારી બારિસ્ટર') અને રાજચંદ્ર 24વર્ષના જ્ઞાની હતા. ગાંધીજીએ આત્મકથામાં લખ્યું છે, ‘ઘણા ધર્માચાર્યોના પ્રસંગમાં હું ત્યાર પછી આવ્યો છું...પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈએ પાડી તે બીજા કોઈ નથી પાડી શક્યા. તેમનાં ઘણાં વચન મને સોંસરાં ઉતરી જતાં. તેમની બુદ્ધિને વિશે મને માન હતું,. તેની પ્રામાણિકતા વિશે તેટલું જ હતું. ને તેથી હું જાણતો હતો કે તેઓ મને ઇરાદાપૂર્વક આડે રસ્તે નહીં દોરે...આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમનો આશ્રય લેતો.’
શ્રીમદ્ રાજચંદ્ર /Shrimad Rajchandra (Courtesy :shrimadrajchandratrust.org)

ઇંગ્લેન્ડમાં બૅરિસ્ટર બનવા ગયેલા ગાંધીને થિયોસૉફી અને ખ્રિસ્તી ધર્મ સહિત ઘણા પરિચય થયા અને તેના થકી તેમના મનમાં ધર્મને લગતા અનેક સવાલ ઉભા થયા. ભારત પાછા ફર્યા પછી શ્રીમદ્ રાજચંદ્ર સાથે પરિચય થયો. ત્યારની રૂબરૂ મુલાકાતો અને ત્યાર પછી દક્ષિણ આફ્રિકા જવાનું થયું ત્યારે પણ તેમની વચ્ચેનો સંપર્ક ચાલુ રહ્યો. જુદા જુદા ધર્મોનો અભ્યાસ, તેમની પ્રત્યેનો સમભાવ અને ઉદાર વિધર્મી મિત્રો દ્વારા તેમનો ધર્મ અપનાવવાનાં સૂચન—આ બધાની સાથે ગાંધીજીના મનમાં પણ અનેક સવાલ પેદા થતા હતા. એ વિશે તેમણે પત્રો દ્વારા શ્રીમદ્ સાથે ચર્ચા ચાલુ રાખી.  એક પત્રમાં તેમણે ધર્મ-અધ્યાત્મને લગતા 27 સવાલ પૂછ્યા હતા, જેના શ્રીમદ્ રાજચંદ્રે તેમને વિગતવાર જવાબ આપ્યા. તેનાથી ગાંધીજીના મનનું સમાધાન થયું.

આ પ્રકારની હકીકતોથી શ્રીમદ્ રાજચંદ્રના અનુયાયીઓમાં અને સામાન્ય રીતે પણ એવી છાપ ઊભી થઈ કે ગાંધીજી-રાજચંદ્રનો સંબંધ શિષ્ય-ગુરુનો હતો. હમણાં અમદાવાદના સાબરમતી આશ્રમમાં યોજાયેલા શ્રીમદ્ રાજચંદ્રની દોઢસોમી જન્મજયંતિના કાર્યક્રમમાં પણ આ લાગણીનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો. (આ પ્રકારના સામાન્યીકરણમાં 'ગાંધીજીને ગાંધીજી કોણે બનાવ્યા?’ એવા સવાલનો બાળબોધી જવાબ મળી જતો હોવાનું સુખ પણ ભળી જતું હોય છે.)

ગાંધીજી પર શ્રીમદ્ રાજચંદ્રનું ઋણ નકારવાનો કે તેને ઓછું આંકવાનો જેમ કોઈ સવાલ પેદા થતો નથી, એવી જ રીતે એ બન્ને વચ્ચેના સંબંધોના ઊંડાણને અત્યારનાં સગવડીયાં લેબલ મારવાની પણ શી જરૂર? ગાંધીજીના ઘડતરમાં રાજચંદ્રનો નોંધપાત્ર ફાળો રહ્યો. ગાંધીજીના ચરિત્રકાર પ્યારેલાલે નોંધ્યું છે તેમ અહિંસા, વ્રતો તથા અનેકાંતવાદ (કોઈ એક બાબતને આખરી ગણવાને બદલે, તેમાં બીજાં દૃષ્ટિબિંદુ જોવાની મોકળાશ)--આ ત્રણ બાબતમાં ગાંધીજી પર શ્રીમદની ઉંડી છાપ પડી.  ઉપરાંત, આત્મકથામાં 'બ્રહ્મચર્ય-1’ પ્રકરણના આરંભે ગાંધીજીએ લખ્યું છે,’પત્ની પ્રત્યેની વફાદારી મારા સત્યવ્રતનું અંગ હતું, પણ સ્વસ્ત્રી પ્રત્યે પણ બ્રહ્મચર્યનું પાલન કરવું એ મને દક્ષિણ આફ્રિકામાં જ સ્પષ્ટ સમજાયું...એટલું સ્મરણ છે કે એમાં રાયચંદભાઈની અસરનું પ્રાધાન્ય હતું.’ 1935માં રાયચંદભાઈની પુણ્યતિથિ નિમિત્તે પ્રવચનમાં ગાંધીજીએ કહ્યું હતું કે 'એમના જીવનમાંથી ચાર ચીજો શીખી શકીએઃ ૧. શાશ્વત વસ્તુમાં તન્મયતા ૨. જીવનની સરળતાઃ આખા સંસાર સાથે એકરસખી વૃત્તિથી વ્યવહાર ૩. સત્ય અને ૪. અહિંસામય જીવન.’

તેમ છતાં, તેમની વચ્ચેના સંબંધને સીધેસીધો ગુરુ-શિષ્ય જેવો ગણાવવામાં બન્ને મહાનુભાવોને અન્યાય થાય છે. તેનું સૌથી સાદું અને સૌથી પહેલું કારણ તો એ કે શ્રીમદ્ રાજચંદ્રના ઘણા અનુયાયીઓ હતા અને છે.  પરંતુ તેમાંથી 'ગાંધીજી'એક જ થયા. બીજી વાતઃ ગાંધીજી આધ્યાત્મિકતામાં ઊંડો રસ ધરાવતા હોવા છતાં, તેમનો ખ્યાલ સંસારથી અલિપ્ત રહેવાનો કે સંસારમાં ચાલતા અન્યાય ચૂપચાપ સહી લેવાનો ન હતો. ખુદ રાજચંદ્રના મનમાં દયાધર્મ વિશે કેવો ખ્યાલ હતો, તેની વાત ગાંધીજીએ 1921માં શ્રીમદ્ રાજચંદ્રની જયંતિ નિમિત્તે આપેલા વ્યાખ્યાનમાં કરી હતીઃ 'તેઓ (રાજચંદ્ર) ઘણી વાર કહેતા કે ચોપાસથી કોઈ બરછીઓ ભોંકે તે સહી શકું, પણ જગતમાં જે જૂઠ, પાખંડ, અત્યાચાર ચાલી રહ્યાં છે, ધર્મને નામે જે અધર્મ વર્તી રહ્યો છે, તેની બરછી સહન થઈ શકતી નથી.’  ગાંધીજીના રાજચંદ્ર સાથેના આત્મીય સંબંધોનં, ગૌરવ આ રીતે પણ-- જૂઠ-પાખંડ-અત્યાચારનો શક્ય એટલો વિરોધ કરીને, દયાધર્મ અપનાવીને પણ લઈ શકાય. (શ્રીમદ્ રાજચંદ્રે કીડીમંકોડા બચાવીને માણસને મારતા 'દયાધર્મ'ની આકરી ટીકા કરી હતી, એટલી સ્પષ્ટતા)

શ્રીમદ્ રાજચંદ્રને ગાંધીજીના ગુરુપદે બેસાડી દેતી વખતે, ગાંધીજીનાં આ વચન યાદ રાખવા જેવાં છે. 1927માં પ્રગટ થયેલી આત્મકથામાં, 'રાયચંદભાઈ'એવું મથાળું ધરાવતા પ્રકરણમાં અંતે તેમણે લખ્યું છે,’રાયચંદભાઈને વિશે મારો આટલો આદર છતાં, તેમને હું મારા ધર્મગુરુ તરીકે મારા હૃદયમાં સ્થાન ન આપી શક્યો. મારી એ શોધ આજ પણ ચાલુ છે...અક્ષરજ્ઞાન આપનાર અપૂર્ણ શિક્ષકથી ચલાવી લેવાય, પણ આત્મદર્શન કરાવનાર અપૂર્ણ શિક્ષકથી ન જ ચલાવાય...મારા જીવન ઉપર ઉંડી છાપ પાડનાર આધુનિક મનુષ્યો ત્રણ છેઃ રાયચંદભાઈએ તેમના જીવંત સંસર્ગથી, ટૉલસ્ટૉયે તેમના 'વૈકુંઠ તારા હૃદયમાં છે'પુસ્તકથી ને રસ્કિને 'અનટુ ધિસ લાસ્ટ'—સર્વોદય નામના પુસ્તકથી મને ચકિત કર્યો...’

1935માં રાયચંદભાઈની જયંતિ નિમિત્તે પ્રવચનમાં ગાંધીજીએ કહ્યું, ‘એમના જીવનનો પ્રભાવ મારા પર એટલે સુધીનો પડેલો કે એક વાર મને થયું કે હું એમને મારા ગુરુ બનાવું. પણ ગુરુ તો બનાવવા ચાહીએ તેથી થોડા જ બની શકે છે? ગુરુ તો સહજપ્રાપ્ત હોવા જોઈએ,’
---
તા.ક.-1
બંગલે પહોંચીને મોટરમાંથી ઉતરીને ગાંધીજી રેવાશંકરભાઈને પગે લાગ્યા...

તા.ક.-2
ગાંધીજીએ રેવાશંકરભાઇ જોડે શ્રીમદ્ રાજચંદ્ર વિશે વાતો કરી. શ્રીમદના પુસ્તક સારુ ગાંધીજીએ પ્રસ્તાવના લખી આપેલી. તેમાં લખેલું કે પોતે શ્રીમદને તીર્થંકર નથી માનતા. કારણ દાખલા તરીકે શ્રીમદનું માથું હંંમેશ દુખતું. ગાંધીજીની દલીલ એ હતી કે જે તીર્થંકર હોય તેનું માથું ન દુખે.

રેવાશંકરભાઈઃ 'તમે આવું લખ્યું છે તેથી હું જરા કફોડી સ્થિતિમાં મુકાઈ ગયો છું!'
પાછળથી મેં સાંભળેલું કે ચોપડી ગાંધીજીની પ્રસ્તાવના વગર છપાવેલી!

- 'ગાંધીજીનાં સંસ્મરણો અને બીજી સાંભરણો', શાંતિકુમાર મોરારજી
(પૃ.12 અને પૃ.13)

Tuesday, July 04, 2017

સવાલ દાનતનોઃ હોજસે બીગડી...

સાચી હોઈ શકતી એક રમૂજ પ્રમાણે, રૂપિયા ઉછીના આપનાર લેણદાર અને ઉછીના લેનાર દેણદાર એક રસ્તા પર સામસામે મળી ગયા. લેણદાર કશું પૂછે, એ પહેલાં જ ચતુર દેણદારે કહી દીધું,'તમારા રૂપિયા પાછા આપી દઇશ. એની ચિંતા ન કરશો.' આવું ચાર-પાંચ વખત બન્યું. બન્નેનો રસ્તો એક. એટલે ભેગા તો થઈ જવાય અને લેણદાર બિચારો કશું બોલે તે પહેલાં દેણદાર જ સામેથી રૂપિયાની વાત કાઢે, પણ ધીમે ધીમે તેનો ઘાંટો મોટો થવા લાગ્યો. એક દિવસ તો સામે મળેલા લેણદારનો તેણે ઉધડો લઈ નાખ્યો, 'શરમ નથી આવતી? તમારા રૂપિયા લઈને નાસી જવાનો છું? બીજા કેટલા લેણદારોના રૂપિયા બાકી છે. એ કેવા સજ્જન છે! કંઈ બોલતા નથી ને મને જુએ તો રસ્તો બદલી નાખે છે...' ત્યાર પછી આ લેણદાર પણ તેમને દૂરથી જોઈને ગભરાવા લાગ્યો અને રૂપિયા માગવાનું તો બાજુ પર રહ્યું, નીચું જોઈને રસ્તો બદલી નાખવા લાગ્યો.

આપણા વડાપ્રધાન સાબરમતી આશ્રમમાં ધોળે દહાડે કે સંસદમાં અડધી રાતે 'અભિનયનાં અજવાળાં પાથરે છે' એ જોઈને ઘણાને અંધારાં આવે છે અને ઉપરની કથાના દેણદારની યાદ તાજી થાય છે. ભોળા ભાવે તેમની વાતો સાંભળીએ, તેમનો લોકરંજક અભિનય જોઈએ અને આગળપાછળના બધા સંદર્ભો-સીધીસાદી હકીકતો ભૂલીને, ફક્ત એ ક્ષણમાં તેમની વાત સાંભળીએ, તો વડાપ્રધાન માટે ભારોભાર આદર અને સાથે થોડી અનુકંપા પણ જાગે. થાય કે 'કેટલો સાધુચરિત, કેવો ઉમદા માણસ છે, આ દેશનો કેવો ઉદ્ધાર કરવા ઇચ્છે છે, ગાંધીજી પ્રત્યે અને દેશના અગાઉના નેતાઓ પ્રત્યે તેને કેટલો બધો આદર છે—અને આવા માણસની લોકો ટીકા કરે છે? તેમના ટીકાકારો ખરેખર દ્વેષીલા-ખારીલા છે.'

પરંતુ જેમની યાદશક્તિ સાધારણ સારી હોય, પ્રચારના વાવાઝોડામાં જેમના પગ જમીન પર રહેતા હોય, જેમની સામાન્ય સમજ પક્ષ કે વિચારધારા કે વ્યક્તિપૂજાને ચરણે ને શરણે ન હોય, એવી કોઈ પણ વ્યક્તિને વડાપ્રધાનની કહેણી અને કરણીમાં રહેલો ઘોર વિરોધાભાસ જોઈ શકે છે. તેના માટે દિવ્ય નહીં, સામાન્ય-અહોભાવમુક્ત દૃષ્ટિની જ જરૂર હોય છે.

હા, તેમની પ્રતિભાની કદર તરીકે એટલું કહી શકાય કે તેમની અભિનયક્ષમતા કાબિલેદાદ છે. મોટા જાદુગરો મંચ પરનો હાથી ગુમ કરવા સુધી પહોંચી શક્યા, જ્યારે વડાપ્રધાન તેમનાથી મોટા જાદુગર નીવડ્યા છે. તે દેશ જેવડા દીવાનખાનામાં ઉભેલા સમસ્યાઓ અને નિષ્ફળતાઓના, કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો અને વિચારધારાકીય દ્વેષના ખૂંખાર હાથીઓને અદૃશ્ય કરી શક્યા છે. હાથચાલાકી કરનારા જાદુગરો પ્રેક્ષકોનું ધ્યાન બીજે ખેંચવામાં પાવરધા ગણાય છે, પરંતુ લોકોનું ધ્યાન અસલી મુદ્દાના-સમસ્યાના હાર્દથી બીજે ખેંચવામાં વડાપ્રધાન વ્યાવસાયિક જાદુગરોને ટક્કર મારે એવા નીવડ્યા છે.

અફસોસની વાત એ છે કે આ રીતે મળતું મનોરંજન કરમુક્ત નથી—અને એ કરનો જીએસટીમાં સમાવેશ થતો નથી. વડાપ્રધાનનાં વક્તવ્યોમાં વ્યક્ત થતી ભાવુકતા, લાગણી, સંવેદનશીલતા જો સાચી હોય તો તે આવકાર્ય જ નહીં, પ્રશંસનીય અને આદરણીય ગણાય. પરંતુ તેમની હાલત હોજસે બીગડી બુંદસે સુધારવાનો પ્રયત્ન કરનારા જેવી છે. આર.કે.લક્ષ્મણના એક કાર્ટૂનમાં બે પોલીસ પોલીસચોકીમાં બેસીને ચિંતા વ્યક્ત કરે છે કે, ‘કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કેવી ખાડે ગઈ છે, નહીં?’ સારાં કાર્ટૂનની કરુણતા એ હોય છે કે સમય જતાં તે અતિશયોક્તિમાંથી વાસ્તવિકતા બની જાય છે. હવે વડાપ્રધાનપદે બેઠેલો જણ ‘મેરે દેશકો ક્યા હો ગયા?’ એવું કહીને ગળગળો થઈ શકે છે—અને દેશની આ હાલત કરવામાં પોતાની વડી ભૂમિકા અને જવાબદારી વિશેની વાત સહેલાઈથી ભૂલવાડી શકે છે. ‘મેરે દેશકો ક્યા હો ગયા?’ એવું ગાંધીને જ્યારે પણ લાગ્યું, ત્યારે તે પોતાનો જીવ જોખમમાં મૂકતાં અચકાયા નહીં. આમ તો વડાપ્રધાનના આચરણ સંદર્ભે ગાંધીજીને યાદ ન જ કરીએ, પણ હોર્ડિંગોમાં આજકાલ તેમને આડકતરી રીતે (સત્યાગ્રહીની તરાહ પર) ‘સ્વચ્છાગ્રહી’ તરીકે ઓળખાવવામાં આવે છે અને વડાપ્રધાન પોતે પણ ગાંધીજીના હવાલા આપવાનું ચૂકતા નથી, એટલે આટલું.

ગાંધીજીની વાતથી એ પણ યાદ આવ્યું કે વડાપ્રધાને ગાંધીજીનું નામ વટાવી ખાવાની વાત પણ તેમના ભાષણમાં નાટકીય સંવાદપટુતા સાથે કરી. આ બીજી વ્યાવસાયિક ચાલાકી છેઃ જે છુપાવતાં ભારે મુશ્કેલી પડતી હોય અને છતાં છુપાવવાનું જરૂરી લાગતું હોય, તેને એટલું ઉઘાડુંફટાક કરી મૂકવું કે લોકો તમારી બેશરમીભરી હિંમતથી સ્તબ્ધ થઈ જાય—અને તેની ટીકા કરવાનું ભૂલીને, તમને એમાંથી મુક્તિ આપી દે. કૉંગ્રેસે ગાંધીજીનું નામ વટાવી ખાધું એ હકીકત છે. પરંતુ વડાપ્રધાન બન્યા પછી, સ્વચ્છતાના નામે વડાપ્રધાને ગાંધીજીનું નામ વટાવી ખાવામાં કૉંગ્રેસ સાથે જોરદાર હરીફાઈ આદરી અને પોતાના પ્રચારબળના જોરે એ હરીફાઈ જીતી ચૂક્યા છે. રાજકારણમાં નામો વટાવી ખાવામાં કોઈ પક્ષ બાકાત નથી હોતો. પરંતુ વડાપ્રધાનની કળા એ છે કે (ગાંધીજીનું નામ વટાવવાના) જે ગુનાના સૌથી મોટા આરોપીઓમાં તે પોતે એક છે, એ હકીકત છુપાવવાને બદલે સામે ચાલીને, પૂરી નાટકીય-લાગણીસભર આક્રમકતાથી તે યાદ કરાવે છે—અને એવો ભારોભાર વિશ્વાસ ધરાવે છે કે આમ કરવાથી લોકો તેમને આરોપી ગણવાને બદલે ફરિયાદી ગણી લેશે. તેમના આ વિશ્વાસનું ‘ગુજરાતી’ કરીએ તો એવું થાય કે ‘લોકોને ક્યાં આવી બધી સમજ પડે? અમસ્તા એ આપણી પર ઓવારી ગયેલા છે. તેમની આગળ આરોપીમાંથી ફરિયાદી બની જતાં વાર કેટલી?’ અને ત્યાર પછી જે આપણને આરોપી ગણાવે તેને કહી દેવાનું કે ‘ક્યાં સુધી જૂનાં ગાણાં ગાયા કરશો? મુવ ઑન.’

એવું નથી કે આશ્રમમાં બેઠેલા બધા મૂરખ હતા. તેમાંથી કેટલાક વડાપ્રધાન કક્ષાના માણસની આ હદની બેશરમીથી ડઘાઈને વાચા ગુમાવી બેઠા હોય એવું પણ બને અને કેટલાકને વડાપ્રધાનના હોદ્દાની આમન્યા પણ નડતી હોય. હોદ્દાની આમન્યા નડવી પણ જોઈએ. સવાલ એટલો જ છે કે તે ફક્ત નાગરિકોને જ નડ્યા કરે? ખુદ હોદ્દેદારે પોતાના હોદ્દાની આમન્યાનો વિચાર નહીં કરવાનો?

ઇંદિરા ગાંધી અને પંડિત નહેરુથી જુદી જુદી રીતે પ્રભાવિત વડાપ્રધાનને કદાચ વિદેશમાં પોતાની છબિથી પૂરતું નહીં લાગ્યું હોય, હવે મધરાતે સંસદની બેઠક બોલાવીને, તેમાં પંડિત નહેરુના શબ્દપ્રયોગ ‘ઍટ ધ સ્ટ્રોક ઑફ ધ મિડનાઇટ અવર’ બબ્બે વખત ઉચ્ચારીને, તેમના એ કોડ પૂરા થઈ ગયા હોય તો તેમણે પોતાના બોલેલા પર અમલ કરવાનો સમય છે. એક સવાલ તેમના ચાહકો-પ્રશંસકો માટે પણ છેઃ શું તે વડાપ્રધાનની કાયદો હાથમાં નહી લેવાની, ગોરક્ષાના નામે ગુંડાગીરી નહીં કરવાની અને ગાંધીનાં સપનાંનું ભારત બનાવવાની અપીલને ગંભીરતાથી લેશે? કે પછી ટીકાકારોની જેમ ચાહકો પણ બતાવવાના અને ચાવવાના દાંત વચ્ચેનો તફાવત બરાબર સમજે છે? 

Monday, July 03, 2017

લાકડાના લાડુ જેવી ખેડૂતોની લોનમાફી

મધ્ય પ્રદેશમાં હિંસક બનેલું ખેડૂત આંદોલન શમી ગયું, પણ તેણે સર્જેલાં વમળોની અસર ઓસરી નથી. ખેડૂતોની કઠણ સ્થિતિ અને તેમની ખરાબ અવસ્થા એટલાં વાસ્તવિક છે કે વાતોનાં વડાં કરીને તેને ટાળી શકાય એમ નથી કે ગૌરવનાં ગાનથી તેને છુપાવી શકાય તેમ નથી. ત્યાર પછીનો ત્રીજો શોર્ટ કટ એટલે ખેડૂતોની લોનમાફી.

ખેડૂતોને લોનમાફીની શરૂઆત યુપીએના રાજમાં 2008માં થઈ હતી. એ વખતના નાણામંત્રીએ 2008-09ના બજેટમાં નાના અને સીમાંત ખેડૂતોની લોનમાફી પેટે રૂ. 60,000કરોડની જોગવાઈ કરી હતી.  આવાં પગલાંને ખેડૂતલક્ષી તરીકે ઓળખાવીને, સરકારને ખેડૂતોની કેટલી ચિંતા છે, એનાં ઢોલનગારાં વગાડવાનો રિવાજ છે. હકીકતમાં આવાં પોલાં (છતાં ખર્ચાળ) પગલાંને કારણે ખેડૂતોની સ્થિતિ સુધરતી નથી. કારણ કે તેમના દરદની મૂળમાંથી દવા થતી નથી.

આ વખતે લોનમાફીની શરૂઆત ઉત્તર પ્રદેશના ચૂંટણીપ્રચારથી થઈ, જેમાં અત્યારે કેન્દ્ર સરકાર તરીકે લોનમાફીનો ઇન્કાર કરી રહેલા મહાનુભાવો જ લોનમાફીના વાયદા આપીને આવ્યા હતા. તેમના પક્ષની સરકાર બન્યા પછી તેમના મુખ્ય મંત્રીએ લોનમાફી અમલી બનાવી દીધી. આ પગલાથી રાજ્ય સરકાર પર પડનારો કુલ આર્થિક બોજઃ રૂ. 36,569 કરોડ.  મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં વખતથી ઉકળતા ખેડૂત અસંતોષની ચિનગારીમાં ઉત્તર પ્રદેશના નિર્ણયે ઘી હોમ્યું.

ઉત્તર પ્રદેશની લોનમાફી જેવા ધબડકાજનક નિર્ણય વિશે કૉંગ્રેસને શું કહેવાનું હતું? પક્ષ તરીકે તેણે લાંબા ગાળાનાં અને ટકાઉ પગલાં સૂચવવાને બદલે ઉપરથી એવું કહ્યું કે ઉત્તર પ્રદેશની કુલ લોન તો રૂ. 92,241 કરોડની છે.  તેમાંથી ફક્ત રૂ. 36,000 કરોડની જ લોન માફ કરી, તો બાકીની ક્યારે કરશો? 'યુપીએ સરકાર રૂ.72,000 કરોડની લોનમાફી કરી શકતી હોય તો મોદીજી કેમ નહીં?’ એવો ટોણો પણ એક કૉંગ્રેસી પ્રવક્તાએ માર્યો. તે એટલું પણ સમજવા માગતા નથી કે આર્થિક ઉંટવૈદું અજમાવતી સરકારોને લાંબા ગાળાના કડાકુટિયા રસ્તાને બદલે, લોનમાફી જેવો સહેલો વિકલ્પ અપનાવી લે ત્યારે શું થાય છેઃ યુપીએ સરકારની લોનમાફીનાં પૂરાં દસ વર્ષ પણ નથી થયાં, ત્યાં ફરી એક વાર લોનમાફીની મોસમ આવી પડી છે. આ વખતે કેન્દ્ર સરકારે કહી દીધું છે કે તે લોનમાફીમાં નહીં પડે, પરંતુ ખેડૂત આંદોલનોથી ભીંસ અનુભવી રહેલી રાજ્ય સરકારો લોનમાફીના રસ્તે દોડવા લાગી છે.

તેમાં સૌથી વધુ દબાણ મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી પર આવ્યું.  ત્યાં તોફાને ચડેલા ખેડૂતોની માગણી પોતાના પાક માટે સારા ભાવની હતી. વિરોધ પ્રદર્શનની ધાંધલમાં પાંચ ખેડૂત માર્યા ગયા. સરકારે તેમની જવાબદારીનો પહેલાં ઇન્કાર કર્યા પછી નાકલીટી તાણીને પાંચેયના પરિવારોને સરકારે એક-એક કરોડ રૂપિયા જાહેર કર્યા. તેમ છતાં આંદોલન શાંત ન પડ્યું, એટલે મુખ્ય મંત્રીએ (સરકારી આંકડા પ્રમાણે) છ હજાર કરોડનું દેવું ધરાવતા મધ્ય પ્રદેશના છ લાખ ખેડૂતો માટે લોન સેટલમેન્ટ સ્કીમ જાહેર કરી. મુખ્ય મંત્રી ભલે તેને સીધેસીધી લોનમાફી ન ગણાવતા હોય, પણ અસરકારક રીતે જોતાં તે લોનમાફી જ બની રહેશે.

મધ્ય પ્રદેશના પાડોશી મહારાષ્ટ્રનો ખેડૂત અસંતોષ જૂનો છે. વિદર્ભના ખેડૂતોની કરમકઠણાઈ વિશે વર્ષોથી છૂટુંછવાયું ચર્ચાતું આવ્યું છે. ત્યાંની સ્થિતિ મધ્ય પ્રદેશની હદે ન વણસે, એ માટે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ સાર્વત્રિક લોનમાફીની જાહેરાત કરી. સામાન્ય રીતે આવું પગલું નાના અને સીમાંત ખેડૂતોને લક્ષમાં રાખીને લેવામાં આવે છે, પણ ખેડૂત આંદોલનની રાજકીય અસરોથી બચવા માટે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ 'ઐતિહાસિક’ નિર્ણય લીધો અને કહ્યું કે ‘લોનમાફી ફક્ત નાના અને સીમાંત ખેડૂતો પૂરતી સીમિત નથી. એ બધા ખેડૂતો માટે છે. ’ સરકારે એવો અંદાજ કાઢ્યો કે લોનમાફીનો કુલ આંકડો રૂ. 35,000 કરોડની આસપાસ થશે, પરંતુ સત્તાવાર માહિતી પ્રમાણે મહારાષ્ટ્રમાં ખેડૂતોનું કુલ દેવું 1.14 લાખ કરોડ છે અને કુલ ખેડૂતો 1.36 કરોડ. એટલે સમય જતાં લોનમાફીની રકમમાં વધારો થવાની પૂરી સંભાવના છે.

ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની ભાજપી રાજ્ય સરકારોની સાથે પંજાબ અને કર્ણાટકની કૉંગ્રેસી સરકારો પણ લોનમાફીના લક્કડિયા લાડુ વહેંચવામાં જોડાઈ ગઈ છે. કારણ કે ખેડૂતોની સમસ્યા કોઈ એક પક્ષની નિષ્ફળતાનું નહીં, એકંદર શાસકવર્ગની ઉદાસીનતાભરી કે બેદરકારીયુક્ત નીતિનું પરિણામ છે. પાંચ રાજ્યોની લોનમાફી પછી બીજાં રાજ્યો પણ લાઇનમાં છે. એક અંદાજ પ્રમાણે લોનમાફીની જાહેરાતવાળાં પાંચ રાજ્યો ઉપરાંત બીજાં ત્રણ રાજ્યો-- ગુજરાત (રૂ.40,650 કરોડ), હરિયાણા (રૂ.56,000 કરોડ) અને તામિલનાડુ (રૂ.7,760 કરોડ)--માં લોનમાફી લાગુ પડી જાય, તો કુલ આંકડો રૂ.3.1 લાખ કરોડે પહોંચે. આવા આંકડા આમ તો આપણા માથાની ઉપરથી જાય, પણ અહેવાલની સાથે અપાયેલી સરખામણીતી ખ્યાલ આવે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા બનાવવા માટે ચાલુ વર્ષમાં ફાળવાયેલા બજેટ કરતાં આ રકમ સત્તર ગણી છે. આ જ રકમમાંથી (સંગ્રહ માટે) 4,43,000 વૅરહાઉસ ઊભાં કરી શકાય અથવા ભારતની સિંચાઈક્ષમતામાં છેલ્લાં સાઠ વર્ષમાં જે વધારો થયો છે તેના કરતાં 55 ટકા વધારો કરી શકાય. આવા અંદાજોની ચોક્સાઈમાં ઓગણીસ-વીસ હોઈ શકે, પણ મૂળ મુદ્દો એ છે કે ખેડૂતોને કામચલાઉ રાહત આપતી લોનમાફીની તોતિંગ રકમોમાંથી ખેડૂતોને કાયમી રાહત આપતી સુવિધા ઊભી કરી શકાય.

રાજ્યકક્ષાના કૃષિમંત્રીએ રાજ્યસભામાં આપેલી માહિતી પ્રમાણે, 30 સપ્ટેમ્બર, 2016 સુધીમાં બાકી કૃષિલોનનો કુલ સરવાળો રૂ.12.60 લાખ કરોડ છે. તેમાંથી રૂ. 7.75 લાખ કરોડ પાક માટેની લોન છે અને રૂ. 4.84 લાખ કરોડ ટર્મ લોન (લાંબા ગાળાની) છે.   રૂ.12.60 લાખ કરોડની બાકી લોનમાંથી રૂ. 9.57 લાખ કરોડ કમર્શિયલ બૅન્કોની, રૂ.1.57 લાખ કરોડ સહકારી બૅન્કોની અને રૂ. 1.45  લાખ કરોડ પ્રાદેશિક ગ્રામિણ બૅન્કોની છે. યાદ રાખવા જેવું છે કે પાણી-વીજળી-ખાતર પર સરકારી સબસીડી (આર્થિક સહાય)  મળતી હોવા છતાં, તેમાંથી અને લોનમાંથી પણ જરૂરતમંદો સુધી કેવો ને કેટલો લાભ પહોંચે છે એ શંકાસ્પદ છે. બીજો પણ એક મુદ્દો છે. એક અહેવાલ પ્રમાણે, ખેતી માટે થતી ઉધારીમાંથી 45 ટકા ઇન્ફોર્મલ સૅક્ટર એટલે કે બૅન્કો સિવાયની સંસ્થાઓ કે વ્યક્તિઓ પાસેથી આવે છે. ગામના શરાફ પાસેથી લોન લેનાર ખેડૂતને સરકારી લોનમાફીનો લાભ મળતો નથી ને તેનું દુઃખ દૂર થતું નથી. બીજી તરફ, બૅન્કોની લોન મેળવનારામાં નાના અને સીમાંત ખેડૂત ઓછા, સમૃદ્ધ ખેડૂતો વધારે પ્રમાણમાં હોય છે.

એટલે જ લોનમાફી લાકડાના લાડુ જેવી છે. આપનાર આપ્યાનો સંતોષ લઈ શકે, મેળવનારને ઘડીક સારું લાગે, પણ થોડા વખતમાં ફરી પાછા ઠેરના ઠેર.