Wednesday, May 17, 2017

ભારતને ભીંસમાં લેતો ચીનનો મહાપ્રૉજેક્ટ

કમ્પ્યુટર-ઇન્ટરનેટના ચલણ પછી એવું લાગતું હતું કે દેશોના ભૌગોલિક સીમાડા ગૌણ બની ગયા અને હવે કોઈ દેશે બીજા દેશો પર પ્રભુત્વ જમાવવા માટે સૈન્ય લઈને આક્રમણ નહીં કરવું પડે. એ દેશનું બજાર કબજે કરવાથી કામ થઈ જશે. પરંતુ જેમ ઇન્ટરનેટના ખુલ્લાપણા વિશેનો અને તેની પર પાબંદી શક્ય નથી-- એવો ખ્યાલ ચીને ખોટો પાડ્યો, તેમ એકવીસમી સદીમાં ફક્ત બજાર સર કરવાનું મહત્ત્વનું છે અને ભૌગોલિક વર્ચસ્વ ગૌણ—એવી સમજ પણ ચીન ખોટી પાડી રહ્યું છે. તિબેટને દાયકાઓ પહેલાં ગળી ચૂકેલું ચીન અરૂણાચલ પ્રદેશના અમુક વિસ્તારો પર માલિકીહક કરતું રહ્યું છે. દક્ષિણી ચીની સમુદ્રમાં આધિપત્ય માટે પણ ચીનની દાંડાઈ ચાલુ છે.

--અને ચીનની વિસ્તારભૂખ આ બે વિસ્તાર પૂરતી મર્યાદિત નથી. તેનો પ્રૉજેક્ટ 'વન બેલ્ટ, વન રોડ' (OBOR) – હવે 'બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટીવ' (BRI)-- ભારે મહત્ત્વાકાંક્ષી છે. એ અંગે સૌથી વધુ ચિંતા હોય તો એ વાતની કે ચીનની મહત્ત્વાકાંક્ષા શેખચલ્લીનાં ખ્વાબ જેવી નહીં, અમાપ લશ્કરી બળ અને અઢળક નાણાંના પાયા પર ઊભેલી છે.  ચીન એશિયા, આફ્રિકા અને યુરોપના આશરે 60થી પણ વધુ દેશોને જમીનમાર્ગે અથવા દરિયાઈ માર્ગે સાંકળવા ઇચ્છે છે, જેથી તેમની સાથે વ્યાપાર કરવાનું (ચીનમાં ઢગલામોઢે બનતો માલ ખડકવાનું) ચીન માટે આસાન બની જાય. હાલમાં યુરોપ-આફ્રિકા-અખાતી દેશોમાંથી ચીન જતાં-આવતાં જહાજોને મલકની સામુદ્રધુની/ Strait of Malaccaમાંથી પસાર થવું પડે છે.  કાલે ઉઠીને તણખો થાય અને અમેરિકી નૌકાદળ ત્યાં ચીની જહાજો માટે 'નો એન્ટ્રી' જાહેર કરી દે તો?   'વન બેલ્ટ, વન રોડ' પ્રોજેક્ટ અંતર્ગત ચીનને પાકિસ્તાનના ગ્વાદર બંદર થકી હિંદ મહાસાગરનું થાણું મળી જાય છે.  ત્યાંથી તે અમેરિકાની દખલગીરીની સંભાવના વિના દરિયાઈ માર્ગે બેરોકટોક વેપાર કરી શકે છે.

આટલે સુધીના વર્ણનમાં ભારતને કશો વાંધો પડે એવું નથી. પોતાના રૂપિયાથી કોઈ દેશ પોતાનો વેપાર વધારવા ઇચ્છતો હોય અને તેના માટે માળખાકીય સુવિધા ઊભી કરતો હોય, તો બીજાને (આ કિસ્સામાં ભારતને) શું? પરંતુ ધૂર્તતા અને વિસ્તારની ભૂખ માટે જાણીતા ચીનની વાત પર એમ વિશ્વાસ મૂકાય નહીં. ચીની પ્રવક્તાઓ અને લેખકો ગાઈવગાડીને કહે છે કે ચીનનો હેતુ વિશુદ્ધપણે આર્થિક છે અને જે દેશોમાંથી OBORનું માળખું પસાર થાય છે, એ દેશોના સાર્વભૌમત્વને કોઈ ખતરો નથી. આવું એક સ્થળ છે પાકિસ્તાનના અંકુશ હેઠળનું કાશ્મીર. તેના ગિલગિટ અને બાલ્ટીસ્તાનના પ્રદેશો ચીન-પાકિસ્તાન ઇકોનૉમિક કૉરિડોર (CPEC) નો હિસ્સો બન્યા છે અને આ કૉરિડોર પોતે OBORનો મહત્ત્વનો હિસ્સો છે.

ભારતના મતે, કૉરિડોર (CPEC) સામે વાંધો ન ઉઠાવવો એટલે કાશ્મીરના પાકિસ્તાને પચાવી પાડેલા પ્રદેશ પર તેનો કબજો આડકતરી રીતે કબૂલ રાખવો. ચીન આવા અર્થઘટનનો ઇન્કાર કરીને ભારતને OBOR પ્રૉજેક્ટમાં સાંકળવા પ્રયત્નશીલ છે. તેની દલીલ છે કે કૉરિડોર માત્ર ને માત્ર આર્થિક હેતુથી વિચારાયેલો પ્રૉજેક્ટ છે અને તેમાં સાથ આપવાથી કાશ્મીર અંગે ભારતની વર્તમાન સ્થિતિમાં કશો ફરક પડવાનો નથી.

OBOR અંગે 14-15મેના રોજ યોજાયેલા સંમેલનને ચીને વૈશ્વિક સહકાર-કમ-શક્તિપ્રદર્શનનું પ્રતીક બનાવી દીધો.  તેમાં બીજા દેશો ઉપરાંત સૌથી નોંધપાત્ર હાજરી જાપાન અને અમેરિકાની હતી. ચૂંટણીપ્રચાર વખતે ચીની માલના બહિષ્કારની શેખી મારનાર ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે આર્થિક સમજૂતી કરવી પડી.  અમેરિકા ચીનમાં લિક્વિફાઇડ નેચરલ ગેસ અને ગોમાંસ સહિતની કેટલીક ચીજવસ્તુઓની નિકાસ કરે. સામે ચીની બૅન્કોને અમેરિકામાં ધંધો કરવા મળે, એવો કડદો થયો. તેના પગલે અમેરિકાના પ્રતિનિધિઓએ OBORના સંમેલનમાં હાજર રહીને ચીનનું માન જાળવી લીધું. એવી જ રીતે, જાપાનને ચીન સાથે સીધી હરીફાઈ હોવા છતાં અને જાપાન પોતે પોતાની રીતે આવો પ્રૉજેક્ટ હાથ ધરી રહ્યું હોવા છતાં, તેનું સત્તાવાર પ્રતિનિધિ મંડળ બેજિંગના સંમેલનમાં હાજર રહ્યું. જાપાનના બેલ્ટ એન્ડ રોડ પ્રૉજેક્ટનું નામ 'પાર્ટનરશીપ ફોર ક્વૉલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ છે, જેમાં તે બીજા દેશોમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરીને તેમની સાથે વેપાર વધારવા માગે છે.  (જાપાને ભારતને મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે આપેલી લોન આ પ્રૉજેક્ટ અંતર્ગત હતી.)

પરંતુ મહત્ત્વનો ફરક દાનતનો છે. આજનું જાપાન ભૂતકાળનું સામ્રાજ્યવાદી જાપાન રહ્યું નથી, જ્યારે ચીનના મનમાં પોતાની પ્રાચીન ભવ્યતાનો અને તેને ફરી સાકાર કરવાનો ખ્યાલ છે. તે માટે ખર્ચવાં પડે એટલાં નાણાં તેની પાસે છે. (ઉપરાંત એશિયાઈ અને વૈશ્વિક નાણાંકીય સંસ્થાઓની લોન પણ ખરી.) ચીનનો મુકાબલો કરવાનું આજે ભારતને જ નહીં, અમેરિકા જેવા અમેરિકાને કાઠું પડે તેમ છે. ઘણા સમયથી ચીને ભારતના પાડોશી દેશોમાં યેનકેનપ્રકારે પોતાનાં થાણાં જમાવવાનો વ્યૂહ અપનાવ્યો છે અને તેમાં ભારે સફળતા પણ મેળવી છે. આજે ભારતના તમામ સાખપાડોશી દેશોના મોટા માળખાકીય પ્રૉજેક્ટ ચીનની લોનથી ચાલે છે કે પછી લોન ભરપાઈ નહી કરી શકવાને કારણે ચીનને તેમાં ભાગીદાર બનાવી દેવાયું છે. નેપાળ છેલ્લો પાડોશી દેશ હતો, જે ચીન કરતાં ભારત સાથે વધારે સંબંધ ધરાવતો હતો. આ સંબંધો કથળી રહ્યા હતા, પણ વર્તમાન વડાપ્રધાનના રાજમાં ચીન નેપાળ સાથે સંયુક્ત લશ્કરી કવાયતો કરતું અને પોતાના અગત્યના પ્રૉજેક્ટ ચીનને સોંપતું થઈ ગયું.

નેપાળ ચીનના ખોળે ગયું, તેમાં બધો દોષ વર્તમાન વડાપ્રધાનનો નથી. પરંતુ ભૂકંપગ્રસ્ત નેપાળને કરેલી મદદ બાબતે વડાપ્રધાન મોદી તેમની કુખ્યાત પ્રચારપટુતા બતાવવા ગયા. તેનાથી સંબંધોને વણસવાનું વધુ એક મજબૂત કારણ મળ્યું. નેપાળના અપવાદને બાદ કરતાં, ચીનના ભરડા બાબતે વડાપ્રધાનની વિદેશનીતિ યથાયોગ્ય રહી છે. તેમણે બાંગલાદેશ, શ્રીલંકા, મોંગોલિયા અને જાપાન જેવા દેશો સાથે સંબંધ વધારીને, જરૂરતમંદ દેશો માટે શક્ય હોય ત્યાં આર્થિક મદદ કરીને ચીનનો ઘેરો હળવો કરવાનો પ્રયાસ કર્યો છે.  હમણાં તે શ્રીલંકાની મુલાકાતે જઈ આવ્યા. કારણ કે ચીન ત્યાં પણ પેસી ચૂક્યું છે અને કેટલાંક મહત્ત્વનાં સ્થાનો-માળખાકીય સુવિધામાં હાજરી ધરાવે છે.

આમ, વર્તમાન સરકારની ચીનવિષયક નીતિ અને તે અંગેની જાગ્રતતા સારાં છે, પરંતુ ચીનના ખેલનો પથારો એટલો મોટો છે કે તેમાં એક સપને સવાર પડે એમ નથી. વડાપ્રધાન તેમના કાર્યકાળની શરૂઆતમાં ચીન ગયા ત્યારે જે રીતે ઘરઆંગણે 'છાકો પાડી દીધો'નું વૃદગાન ચાલ્યું હતું, તેની બાલિશતા પછીના દિવસોમાં સમજાઈ જવી જોઈએ. સાથોસાથ, એ પણ સમજવું પડે કે  OBOR પ્રૉજેક્ટ અને એકંદરે ચીન દુશ્મન હોવા છતાં તેની સાથે ખુલ્લેઆમ દુશ્મનાવટ રાખવાનું શક્ય નથી. માટે, ચીનની કુટિલ નીતિઓ સાથે પનારો પાડવા માટે પક્ષીય નહીં, રાષ્ટ્રિય નીતિ નક્કી કરવાનું જરૂરી છે. તેને પાઠ ભણાવવા કામચલાઉ વટ પાડી દેનારાં લોકરંજની પગલાં લેવાને બદલે, લાંબા ગાળાના ભવિષ્યની રીતે સાતત્યપૂર્ણ એવી રાષ્ટ્રીય વ્યૂહરચના ઘડવાનું વધારે ઉપયોગી છે. 

6 comments:

  1. લોકરંજન તો શ્વાસ ને પ્રાણ છે, એ કેમ છોડાય?

    ReplyDelete
  2. Hiren Joshi USA10:15:00 PM

    My Chinese colleague asked me how come India did not send representatives to OBOR conference? Even US and Japan were there irrespective of troubles in South China sea. He also suggested India should view its relations with China keeping Pakistan out the focus. I could not agree entirely, but as you noted in the article India definitely needs a sound national policy to counter the challenges posed by China. India should always look up to China in terms of high achievements and goals instead of falling low to Pakistani standards!

    ReplyDelete
  3. વડાપ્રધાનશ્રીની વૈશ્વિક રાજકારણ અંગેની સમજ અને પ્રવૃત્તિ આપણા કરતા પાંચ વર્ષ આગળ હોય તેવુ વધારે લાગે છે. આપણા સુધી તેના પરિણામ પહોંચતા સમય તો લાગવાનો જ છે. આ બાબતે આપણે ત્યાં વાતાવરણ હમણાથી વધારે ગરમ થયેલુ જણાય છે. મનમોહન સિંહ સુધી તો પત્રકારો સહિત દેશ ખાસ તે બાબતે જાગૃત નહોતા જણાતા.

    ReplyDelete
    Replies
    1. "તેને પાઠ ભણાવવા કામચલાઉ વટ પાડી દેનારાં લોકરંજની પગલાં લેવાને બદલે, લાંબા ગાળાના ભવિષ્યની રીતે સાતત્યપૂર્ણ એવી રાષ્ટ્રીય વ્યૂહરચના ઘડવાનું વધારે ઉપયોગી છે. " Nice review of international chess politics

      Delete
  4. મારૂં માનવું છે કે દેખીતી રીતે આપણે ચીનના લાંબા ગાળાની વ્યૂહરણનિતીઓના પ્રતિભાવમાં ટુંકા ગાળાનાં પગલાં લેવાની સાથે લાંબા ગાળાનો સકારાત્મક પ્રતિભાવ પણ વિચારવો જોઇએ. આ કામમાં સરકારની થિંક ટેંકને દેશનાં બધા જ વિચારશીલ નાગરિકો તરફથી પણ ઈનપુટ્સ મળે એ વધારે સારૂં પડે.

    ReplyDelete
  5. ઉર્વીશ ભાઈ કોઠારી,શ્રી મોદી સરકાર આજ દિવસ સુધી જે કઈ દેશના હિત માટે પગલાં લઇ રહી છે તેન પરિણામો ભલે લોકોના ખિસ્સામાં કે તેમના બેન્કોના ખાતામાં નથી દેખાતા પણ એકંદરે તેમને કૈક તો કરી બતાવ્યું છે,આપણે સહુ પોતપોતાની રીતે એવી ગણતરી કરીએ કે મોદી સરકારે આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ,એમ કોઈ દેશના રાજ ચાલતા નથી! મોદી સરકારે આવ્યા પછી તેમને વણમાગી સલાહનો ધોધ કોંગ્રેસ,સામ્યવાદીઓ,સમાજવાદીઓ અને સુડોસેક્યુલરો વહાવેજ રાખે છે! ચીનની પોતાની જમાવટ કરવાની મહ્ત્વકાન્ક્ષા કઈ આજની નથી, ૧૯૬૦ની સાલથી આફ્રિકાના પોતાનાં તાબાના દેશોને બ્રિટન,ફ્રાંસ,બેલ્જીઉમ,પોરટ્યુગલે આઝાદી આપવાનું શરુ કર્યું કે તુર્તજ ચીને પોતાની ઘુસણખોરી શરુ કરી હતી,આજે તેને અડધી સદી જેવું થયું, એ દરમ્યાન આપણા હિન્દુસ્તાન દેશે નેહરુ અને તેના પછીના દેશના નેતાઓએ કોઈએ પોતાનાં ઘરની 'ઝોળીઓ' ભરે રાખી! આપસમાં હુંસાતુંસી કરવામાજ સમય બગડતા રહ્યા.
    ચીનના રાજકારણીયો ને દેશની અંદરના દુશ્મનો હતા નહિ તેનો પૂરો લાભ મળ્યો,હા સત્તા માટેની સાઠમારી થઇ હશે પણ તેમની'પોલીબ્યુરો'એ સમતોલન જાળવીને દેશને કામે લગાડી એક ઝળહળતી ઔદ્યોગિક ક્રાંતિ લાવીને મોખરાનો દેશ બનાવી દીધો, આપણે ત્યાં પંચવર્ષીય યોજનાઓ કાચબાની ગતિએ ચાલતી રહી જેમાં બહુ 'સકરવાર' નાં હતો,ચીનને હિન્દુસ્તાનને સરખાવાની કોશિશ બેકાર છે! સાથે સાથે ચીન ભલેને ગમે તેટલું ઊંચાનીચું થાય કે પોતાનો પંજો વધુ મજબુત બનાવે,અમેરિકા,યુરોપ,અન્ય દેશો પણ પોતાની કુટનીતિ અને રાજરમત પણ રમ્યા વિના ચુપ બેઠા નાં રહે તે પણ જોવાનું છે.
    મોદી સરકારનું મહત્વ કોઈ ભૂલી જવાનું ચુકી જાય તો તેને દીર્ઘદૃષ્ટિ વાપરી નથી એવું કહેવામાં કાંઈજ અતિશયોક્તિ નથી.
    મોદી સરકાર નાં દેશહિતના કામ માટે પણ તેમને થોડી
    'ક્રેડીટ' આપવાનું જરુરુ બને છે.
    કોઈ કટાક્ષમાં કહે કે '' લોકરંજન તો શ્વાસ ને પ્રાણ છે, એ કેમ છોડાય!'' તે શબ્દો તેમને કદાચ નાં બોલ્યા હોત તો સારું નો અફસોસ રહી જાય !

    ReplyDelete