Wednesday, May 10, 2017
વ્હાઇટ હેલ્મેટ્સઃ સિરીયાના ઇસ્લામી બચાવસૈનિકો
ગુજરાતના વિસ્તાર કરતાં પણ ઓછો વિસ્તાર ધરાવતો દેશ સિરીયા છેલ્લાં છ વર્ષથી ભયાનક આંતરિક યુદ્ધનો શિકાર છે. પહેલી કઠણાઈ એ કે સિરીયા/Syriaમાં સરકારના નામે સરમુખત્યાર-પ્રમુખ અસદનું રાજ છે. પોતાના નાગરિકો પણ ઝેરી વાયુ છોડવા માટે નામીચા અસદને પુતિનના રશિયાનો અડીખમ ટેકો છે. તેમની સામે પડેલા વિદ્રોહી સૈનિકો પણ મોટા પ્રદેશો પર કબજો ધરાવે છે. અલબત્ત, દેશના વસ્તી ધરાવતા વિસ્તારોમાં સૌથી મોટો પ્રદેશ કુર્દ દળોને હસ્તક છે. આટલો ડખો ઓછો હોય તેમ, ISIS અને અલ-કાઈદામાંથી છૂટું પડેલું એક જૂથ—એમ બબ્બે ત્રાસવાદી જૂથો સિરીયાના કેટલાક હિસ્સા પર કબજો જમાવીને બેઠાં છે. તેમાં સૌથી બળુકું અને ઘાતકી ISIS છે, જે ધર્મપાલનના નામે આતંક મચાવે છે અને લોકોની કતલ કરે છે. સિરીયાનો કેટલાક હિસ્સા પર પાડોશી દેશ તુર્કીની પકડ છે. અમેરિકા પ્રમુખ અસદની સામેની છાવણીમાં છે. એટલે જૂજ વિસ્તારો અમેરિકી સૈન્યના પ્રભાવમાં છે.
માલિકી માટેની આવી હિંસક ખેંચતાણમાં સૌથી વધારે મરો કોઈનો થતો હોય, તો એ સ્થાનિક લોકોનો. લાખો લોકો સિરીયામાં પોતાનાં ઘરબાર છોડીને નિરાશ્રિત તરીકે બીજા દેશોમાં જાય છે. એક અંદાજ પ્રમાણે આશરે ત્રણેક લાખ બાળકોનો તો જન્મ જ નિરાશ્રિત તરીકે થયો છે. બીજા અનેકો (સરકાર સહિતનાં) હિંસક જૂથોની લોહીયાળ લડાઈમાં રહેંસાઈ જાય છે. પ્રમુખ અસદનાં દળો કે તેમનાં જોડીદાર એવાં રશિયાનાં વિમાનો વિદ્રોહીઓના પ્રદેશો પર બૉમ્બમારો કરે ત્યારે મકાનોનાં મકાનો કડડભૂસ થાય છે, તેની નીચે લોકો દટાય છે અને વગર ધરતીકંપે માનવસર્જિત ધરતીકંપ જેવાં કરુણ દૃશ્યો સર્જાતાં રહે છે. પોતાનો જીવ બચાવવાનાં ફાંફાં હોય, એવા દેશમાં બીજાનો જીવ બચાવવાની કોને ફુરસદ હોય? ને એવી વૃત્તિ પણ કોની હોય?
આ સવાલનો જવાબ છેઃ એવા એક-બે નહીં, ત્રણેક હજાર લોકો છે, જે પોતાના જીવનું જોખમ ખેડીને, અવનવા આરોપોનો સામનો કરીને, ધર્મના નામે માનવતાનું કામ કર્યે રાખે છે. આ લોકો માથે સફેદ રંગની હેલ્મેટ પહેરીને કાટમાળમાંથી લોકોને બચાવવાનું કામ કરતા હોવાથી તેમનું નાગરિકજૂથ 'વ્હાઇટ હૅલ્મેટ્સ’/ White Helmetsના નામથી ઓળખાય છે (જેમ આઝાદી પહેલાં સરહદ પ્રાંતમાં બાદશાહખાનની આગેવાની હેઠળ અહિંસક લડત આદરનારા લડવૈયા- ‘ખુદાઈ ખિદમતગાર’-- 'રેડ શર્ટ'ના નામે ઓળખાતા હતા.) ખૂબીની વાત એ છે કે જે ઇસ્લામને આગળ કરીને ISISના ત્રાસવાદીઓ ઘાતકીમાં ઘાતકી કૃત્યો આચરે છે, એ જ ઇસ્લામમાંથી 'વ્હાઇટ હૅલ્મેટ્સ’ લોકોના જીવ બચાવવાની પ્રેરણા મેળવે છે. ઇસ્લામમાંથી તેમણે ગ્રહણ કરેલો બોધપાઠ છેઃ 'એક વ્યક્તિની પણ જિંદગી બચાવો, તે આખી માનવતાને બચાવ્યા બરાબર છે.’ આ જૂથમાં મહિલાઓ પણ સામેલ છે.
‘વ્હાઇટ હૅલ્મેટ્સ’નું કામ કેવું ખતરનાક છે તેનું તાજું ઉદાહરણઃ ઍપ્રિલ29, 2017ના રોજ થયેલા એક હવાઈ હુમલામાં ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ જૂથના આઠ સભ્યો માર્યા ગયા. જ્યાં શબ્દાર્થમાં આટલાં લશ્કર લડતાં હોય ત્યાં હુમલો કોણે કર્યો, એ વિવાદનો વિષય છે. પરંતુ નોકરીના કે સરકારી આદેશના ભાગરૂપે નહીં, ધર્મકાર્ય લેખે બીજાની જિંદગી બચાવવા જનારા આ બહાદુરોમાંથી આઠ ઓછા થયા એ નક્કર હકીકત છે. અત્યાર લગી જૂથે 140થી પણ વધુ સભ્યો ગુમાવ્યા છે. છતાં તેમની નિષ્ઠા મોળી પડી નથી.
સિરીયામાં સૈન્યના એક હિસ્સાએ સરમુખત્યાર અસદ સામે સશસ્ત્ર બળવો પોકાર્યો અને દેશના વિસ્તારો કબજે કર્યા, ત્યારે બળવાખોરો સામેની જવાબી કાર્યવાહી તરીકે અસદે હવાઈ હુમલા કર્યા. 2012ના અંત-2013ની શરૂઆતમાં અસદનાં દળો દ્વારા થતા હુમલા અને તારાજીનું પ્રમાણ વધવા લાગ્યું, ત્યારે બળવાખોરોની નહીં, પણ સ્થાનિક લોકોની પહેલથી 'સિરીયન સિવિલ ડીફૅન્સ'નામે નાગરિકજૂથની સ્થાપના થઈ. તે સમય જતાં ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ તરીકે વધુ જાણીતું બન્યું. તેમનો આશય હતોઃ કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના, ભોગ બનેલા સૌના જીવ બચાવવાની કોશિશ કરવી. આ પ્રયાસમાં અત્યાર લગીમાં આશરે સાઠેક હજારથી પણ વધુ માણસોના જીવ તે બચાવી ચૂક્યા છે.
‘વ્હાઇટ હૅલ્મેટ્સ’નું ઉમદા કામ છાનું કે અછતું રહ્યું નથી. અહેવાલો પ્રમાણે, નૉબેલ શાંતિ પારિતોષિક માટે તેમનું નામ યાદીમાં હતું અને એ સિવાયનાં કેટલાંક મોટાં સન્માન આ જૂથને મળ્યાં છે. તેમની કામગીરી પરથી ગયા વર્ષે બનેલી દસ્તાવેજી ફિલ્મ ‘ધ વ્હાઇટ હૅલ્મેટ્સ’ને આ વર્ષે શ્રેષ્ઠ ડૉક્યુમૅન્ટરી તરીકેનો ઑસ્કાર ઍવોર્ડ પણ મળ્યો. અલબત્ત, રાજકીય વક્રતા એ હતી કે આ ડૉક્યુમૅન્ટરીના સિનેમૅટોગ્રાફર ખાલેદ ખાતિબને ટ્રમ્પનીતિ અંતર્ગત અમેરિકાનો વિઝા મળ્યો નહીં. એટલે તે ઑસ્કારના સમારંભમાં હાજર ન રહી શક્યા. આ વર્ષે રજૂ થયેલી દસ્તાવેજી ફિલ્મ 'લાસ્ટ મૅન ઇન અલેપ્પો’ પણ ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ના પ્રેરણાદાયી કામને ઉજાગર કરે છે.
પરંતુ બધા ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’થી રાજી નથી. સિરીયાના પ્રમુખ અસદ અને તેમના મળતીયા વારેઘડીએ ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ની ટીકા કરે છે. તેમને પેટમાં એ દુઃખે છે કે બળવાખોરોનો કબજો ધરાવતા વિસ્તારોમાં આ લોકો સેવાકાર્ય કરે છે. વાસ્તવમાં ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ આવો કશો ભેદભાવ રાખતા નથી. પરંતુ અસદનું શાસન ધરાવતા વિસ્તારોમાં ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ને કામ કરવાની છૂટ નથી. એવી જ રીતે, અસદને ટેકો આપનારા રશિયાના રાજનેતાઓ પણ ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ વિશે અવનવા આરોપો કરે છે. ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ અલ-કાઈદા જેવા ત્રાસવાદી જૂથના મળતીયા છે અને તે ખુવારીની તથા બચાવની ખોટેખોટી તસવીરો રજૂ કરીને--અથવા એકની એક તસવીર વારંવાર વાપરીને--અસદને બદનામ કરવાની કોશિશ કરે છે, એવી થિયરી અને તેની પરથી લખાયેલા લેખ ઇન્ટરનેટ પર મોટા પ્રમાણમાં મળી રહે છે. તેની સામેનો કુપ્રચાર એટલો વૈવિધ્યપૂર્ણ અને વ્યાપક રીતે ચાલ્યો કે ટૅકનૉલોજીના ખ્યાતનામ સામયિક ‘વાયર્ડ’ની વેબસાઇટ પર આ કુપ્રચાર વિશે એક લેખ પ્રગટ થયો છે. તેમાં એ હકીકત પર ભાર મૂકવામાં આવ્યો છે કે માહિતીવિસ્ફોટ અને સોશ્યલ મિડીયાના જમાનામાં એક સાચકલી વસ્તુ વિશે કેટલી અસરકારકતાથી અને કેટલા મોટા પાયે જૂઠાણાં ફેલાવી શકાય છે. એક જૂઠાણાંબાજે ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ને ઑસ્કાર મળ્યો ત્યારે ઓસામા બિન લાદેન માથે સફેદ હૅલ્મેટ અને હાથમાં ઑસ્કાર ઍવોર્ડની પ્રતિમા સાથે ઊભો હોય એવું કાર્ટૂન બનાવ્યું હતું.
‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ જૂથની તકલીફ એક જ છે કે તેને કોઈ રાજકીય ગઠબંધન નથી. તેની વેબસાઇટ પર જાહેર કરાયેલો તેનો ધ્યેયમંત્ર છેઃ 'અમે નિષ્પક્ષ રીતે, વહેરાઆંતરા વગર અને સિરીયાના બધા લોકો માટે કામ કરીએ છીએ.’ પરંતુ સત્તાની આંતરરાષ્ટ્રીય સોગઠાંબાજીમાં અસલી સિરીયાની--એટલે કે સિરીયાના લોકોની વાત કોને ગમે? શરૂઆતમાં ધરતીકંપમાં બચાવકામનો અનુભવ ધરાવતી સંસ્થા પાસેથી તાલીમ મેળવનાર ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ સિરીયામાં બૉમ્બમારો અને યુદ્ધ અટકાવીને સામાન્ય માણસને તેની સામાન્ય જિંદગી પાછી આપવા માગે છે. તેમનો રસ્તો ઘણો લાંબો છે--અને ઇરાદાપૂર્વક પાથરવામાં આવતા જૂઠાણાંના કાંટાથી આચ્છાદિત. પરંતુ આટલી કારુણી વચ્ચે ‘વ્હાઇટ હૅલ્મેટ્સ’ ઇસ્લામનો જે પેગામ આપે છે, તે મુસ્લિમોએ અને બીજા ધર્મીઓએ પણ અંકે કરવા જેવો છે.

Labels:
film/ફિલ્મ,
international affairs,
muslims
Subscribe to:
Post Comments (Atom)
Commendable efforts by the group in the war-torn country. But bottom line is: Afghanistan, Iraq, Libya, Syria, keep counting. Islamic countries one after other are being demolished slowly but surely. No end to it or solution are in sight.
ReplyDeleteUrvishbhai, it's good....discussions done well.
ReplyDelete