Wednesday, May 03, 2017

માઓવાદીઓ, કાશ્મીરીઓ અને ભારતીયો

કાશ્મીરને કોણ સળગતું રાખે છે?  આ સવાલનો જવાબ ઘણાના માટે બહુ સાદો છેઃ ‘પાકિસ્તાન’. જવાબ ખોટો નથી, તો સંપૂર્ણ સાચો પણ નથી. છેલ્લા બે વર્ષથી વચ્ચે થોડા વિરામ સાથે કાશ્મીરમાં અશાંતિનો નવો તબક્કો શરૂ થયો છે--અને કાશ્મીરના અભ્યાસીઓને લાગે છે કે આ તબક્કો ખતરનાક છે. કારણ કે તેમાં કાશ્મીરના ખીણપ્રદેશના લોકો, ખાસ કરીને યુવાનો મોટા પ્રમાણમાં અને સીધી રીતે સંકળાયેલા છે. વધારે ખરાબ સમાચાર એ છે કે તેમને પોલીસની-લશ્કરની, ઍન્કાઉન્ટરની કે ત્રાસવાદી લેખાવાની કશી બીક રહી હોય તેમ લાગતું નથી. તે બુરહાન વાની જેવા ત્રાસવાદી પ્રત્યે ખુલ્લેઆમ સહાનુભૂતિ પ્રગટ કરે છે, તેને શહીદ ગણે છે અને અંતિમવાદી રસ્તે, ભારતના શાસનની સામે પડી ગયા છે.

બીજી રીતે એમ પણ કહેવાય કે ભારત સરકાર કરતાં ત્રાસવાદીઓ તેમને વધારે પોતીકા લાગે છે. તેનો અર્થ એવો ખરો ભારત સરકાર તેમને પોતીકી નથી લાગતી, એટલે ત્રાસવાદીઓ પોતીકા લાગે છે? ના, સમીકરણ આટલું સાદું પણ લાગતું નથી. ખીણપ્રદેશમાં પ્રચંડ બહુમતી મુસ્લિમોની છે. આઝાદી પછી તરત શેખ અબ્દુલ્લાએ મહારાજા હરિસિંઘ સામે રાષ્ટ્રીય ચળવળનું નેતૃત્વ લીધું હતું   અને તેને કોમવાદથી મુક્ત રાખી હતી. તેમના પક્ષમાં હિંદુઓ પણ હતા. હવે આટલાં વર્ષે અને પલટાઈ ચૂકેલા પ્રવાહ પછી, કાશ્મીરની ‘આઝાદી’ની માગણીમાં સ્વાયત્તતા અને અલગતાની સાથે ધર્મનો રંગ પણ ભળ્યો છે. કાશ્મીરમાં ભારતીય સૈન્યનો વિરોધ કરવો એ ઘણાને ધર્મયુદ્ધ નહીં તો ‘ધર્મ્ય’ યુદ્ધ તો લાગે જ છે.

પહેલાં ‘આઝાદી’ની કે (ભારતમાં રહીને પણ સંતોષી શકાય એવી) સ્વાયત્તતાની માગણીમાં મહદ્ અંશે એવી ભાવના કેન્દ્રસ્થાને હતી કે ‘અમે કાશ્મીરી છીએ. અમારી અલગ ઓળખ છે. અમારે અલગ રહેવું છે. અમને એ નિર્ણય લેવાની તક (જનમત થકી) મળવી જોઇએ.’ બદલાયેલી સ્થિતિમાં એ લાગણી ને માગણી કંઇક આવી હોય તેમ લાગે છેઃ ‘અમે કાશ્મીરી છીએ, ભારત અમને ભારતીય ગણતું નથી,  અમને દેશની મુખ્ય ધારામાં સમાવતું નથી. અમારે ભારતીય ગણાવું પણ નથી, અમારી સ્વતંત્રતાની માગણીને ભારત કચડી રહ્યું છે, ભારતીય સૈન્ય અમારી સાથે ક્રૂર વર્તન કરે છે, તેમનો અત્યાચાર સહન કરવાને બદલે શક્ય હોય એ રીતે મુકાબલો કરવો એ ધર્મ છે, અમારા શત્રુ એવા ભારતીય સૈન્ય સામે જે કોઈ પણ હથિયાર ઉઠાવે તે અમારા હીરો છે અને તે ધર્મયુદ્ધ ખેલી રહ્યા છે તેને અમારો ટેકો છે.’ આટલું ઓછું હોય તેમ, કેન્દ્રની એનડીએ સરકાર દ્વારા કે રાજ્યોની ભાજપ સરકાર દ્વારા લેવાતા ધાર્મિકતાની છાંટ ધરાવતા નિર્ણયો અવિશ્વાસની આગમાં પેટ્રોલ હોમવાનું કામ કરે છે.

અત્યાર લગી ભારતની સૌથી મોટી તાકાત કાશ્મીરમાં યોજાતી ચૂંટણીઓ હતી. તેમાં લોકોની નોંધપાત્ર હિસ્સેદારીથી ભારત વિશ્વ સમક્ષ એવો દાવો કરી શકતું હતું કે ‘જુઓ, કાશ્મીરના લોકો કાશ્મીરને ભારતનું અંગ ગણે છે. એટલે જ ભારતીય બંધારણ અને લોકશાહીના અભિન્ન-અનિવાર્ય હિસ્સા જેવી ચૂંટણીપ્રક્રિયામાં ભાગ લે છે.’ પરંતુ છેલ્લી પેટાચૂંટણીમાં શ્રીનગરમાં થયેલા કંગાળ (7.13 ટકા) મતદાન પછી બીજી પેટાચૂંટણી મોકુફ રાખવી પડી તેનાથી વાત વણસી છે.  અલબત્ત, રાજ્યમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં લોકોએ મોટા પ્રમાણમાં મતદાન કર્યું હતું. પરંતુ ત્યારના સંજોગો જુદા હતા અને હવે કેન્દ્રમાં એનડીએ સરકાર-કાશ્મીરમાં ભાજપ-પીડીપી યુતિ સરકારને ઠીક ઠીક સમય વીતી ચૂક્યો છે. પરંતુ અગાઉની ચૂંટણી વખતે વ્યાપ્ત આશાનું સ્થાન નિરાશાએ લીધું છે.

મોટા પ્રમાણમાં જનસમુદાયની આ સ્થિતિ છે, ત્યારે કાશ્મીરમાં સૈન્યની છાવણીઓ પર ત્રાસવાદી હુમલા ચાલુ છે--અને દરેક વખતે ભારતના પક્ષે થતી ખુવારી સર્જિકલ સ્ટ્રાઇક વખતે વ્યક્ત થયેલી ભાવનાને શરમાવતી રહે છે. પાકિસ્તાનના ‘નૉનસ્ટેટ એક્ટર્સ’ (પાકિસ્તાની શાસકો-સૈન્યનો બિનસત્તાવાર ટેકો ધરાવતાં જૂથ) કાશ્મીરમાં ખુવારી કરતાં રહે છે અને વખતોવખત પાકિસ્તાની સત્તાધીશો કે સૈન્યવડા પણ કાશ્મીર વિશે તેમની ખોરી દાનત વ્યક્ત કરતા રહે છે.

કાશ્મીરની હિંસાની સાથે માઓવાદી હિંસા પણ સંભારવા જેવી છે. કાશ્મીરીઓ અને માઓવાદીઓ વચ્ચેનું એક સામ્ય એ છે કે તે પોતાનો પ્રદેશ ભારતથી અલગ કરવા ઇચ્છે છે.  માઓવાદીઓ અત્યાધુનિક હથિયારો સાથે તે અર્ધલશ્કરી દળો પર ઘાતક હુમલા કરે છે અને અદૃશ્ય થઈ જાય છે. તેમની છાપામાર પદ્ધતિની સરખામણીમાં કાશ્મીરના દેખાવકારો ઉઘાડેછોગ પથ્થરબાજી કરે છે.  ત્યાં ઘાતક શસ્ત્રો અને ઘાતકી હુમલાનો હવાલો પાકિસ્તાનપ્રેરિત ત્રાસવાદી જૂથોએ સંભાળ્યો છે. ભૂગોળની વિષમતાને લીધે સરહદને અભેદ્ય બનાવી શકાતી નથી. એટલે ત્રાસવાદીઓ સહેલાઈથી સરહદ પાર કરીને ભારતમાં આવી જાય છે. એમ તો, માઓવાદીઓને ચીન તરફથી મદદ મળતી હોવાના ઇશારા ભૂતકાળમાં થયા છે. પરંતુ પાકિસ્તાનની જેમ ચીન સીધી રીતે ક્યાંય ચિત્રમાં આવતું નથી.

માઓવાદગ્રસ્ત છત્તીસગઢ જેવા પ્રદેશો કરતાં કાશ્મીરની સ્થિતિ અનેક રીતે જુદી છે. માઓવાદીઓની જેમ કાશ્મીરમાં ત્રાસવાદી સંગઠનો સ્થાનિક સહાનુભૂતિ ધરાવે છે. પરંતુ કાશ્મીરમાં માઓવાદ કરતાં વધારાની બાબત ધર્મ છે. તેના કારણે અસંતુષ્ટ એવા સ્થાનિક લોકો વધારે સહેલાઈથી ત્રાસવાદીઓ સાથે એકરૂપતા અનુભવી શકે છે.  માઓવાદી હિંસાના મામલે માઓવાદીઓ, સ્થાનિક લોકો અને સરકાર એમ ત્રણ મુખ્ય પક્ષો છે. તેમાં વાટાઘાટો માઓવાદીઓ સાથે કરવાની રહે છે, જ્યારે કાશ્મીરસમસ્યાના ભાગીયા (અંગ્રેજીમાં ‘સ્ટેકહોલ્ડર્સ’ અને દેશી ગુજરાતીમાં ‘અભાગિયા’ પણ કહી શકાય) એવા ઘણા પક્ષ છેઃ કાશ્મીરના લોકો, ભારત સરકાર, ભારતીય સૈન્ય, કાશ્મીરના સત્તાવાર રાજકીય પક્ષો, તેમાં વળી થોડોઘણો અલગતાનો સૂર ધરાવતો પીડીપી જેવો પક્ષ, સંપૂર્ણ અલગતાવાદી હુર્રિયત કોન્ફરન્સ, પાકિસ્તાનપ્રેરિત ત્રાસવાદને કારણે જેમને વતનવિહોણા થવું પડ્યું એવા કાશ્મીરી પંડિતો, પાકિસ્તાનમાં રહીને કાશ્મીરમાં ત્રાસવાદ ફેલાવતાં જૂથો અને પાકિસ્તાન પોતે. માટે, કાશ્મીરની લડાઈ  વ્યવહારિક પ્રશ્નો અને તેના વ્યવહારિક ઉકેલોથી બહુ દૂર- બહુ આગળ નીકળીને, લગભગ ‘લડાઈ ખાતર લડાઈ’ના તબક્કે પહોંચી ગઈ છે. ખુવારી તો બન્ને પક્ષે થાય છે, પણ સામા પક્ષની ખુવારી ગણતરીપૂર્વકની અને ઘણા કિસ્સામાં ધર્મઝનૂનનો નશો ચડાવનારી હોય છે, જ્યારે ભારતના પક્ષે એક પણ સૈનિક કાશ્મીરમાં ત્રાસવાદી હુમલામાં માર્યો જાય, તો તેની ભારતના નૈતિક બળ ઉપર અસર પડી શકે છે. તેના સરવાળારૂપે ક્યારેક લોકલાગણી જાગે, તો તેને બીજા રસ્તે વળેલી રાખવાના રાજનેતાઓએ નીતનવા નુસખા શોઢી કાઢવા પડે છે.

કાશ્મીરની કે માઓવાદની સમસ્યા ચપટીમાં ઉકેલાવાની અપેક્ષા કોઈ ન રાખે, પણ એ દિશામાં વાતચીત માટે બન્ને પક્ષો વચ્ચે જરૂરી સામાન્ય ભૂમિકા  પણ અત્યારે તો વર્તાતી નથી. 

3 comments:

  1. Hiren Joshi12:05:00 AM

    This time in Kashmir school-college girls too came on the streets with stones. Reminder of what happened during Navnirman in Gujarat. Generally when students-new generation gets involved in the action, some outcome is obvious. Can we say India is losing Kashmir?

    ReplyDelete
  2. ઉર્વીશ ભાઈ કોઠારી, કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવાનું જટિલ કામ
    શ્રી સરદાર વલ્લભભાઈ જેવા ચકોર મુત્સદી રાજનીતિજ્ઞ સિવાય કોઈનું કામ નથી,જેમ શ્રી નેહરુએ તેમના સમયે આ પ્રશ્નને પોતે કાશ્મીરી હોઈને પોતીકો ગણીને પોતાની રીતે ઉકેલવાની હામભીડી પણ ફટાકડો 'backfire' થયો અને આજની પરિસ્થિતિમાં દેશના બધાજ રાષ્ટ્રીય રાજકારણીયોમાં કોઈ એવો મુત્સદી રાજનીતિજ્ઞ નજરે નથી પડતો અગર કોઈ હોય તો તેનો પક્ષ કદાચ તેને સાથ આપે પણ તેના વિરોધીઓ ખુલ્લેઆમ વિરોધ કરીને નાનીમોટી લડતો આપીને પથ્થરોભરેલો રસ્તો કરે!
    કાશ્મીરના લોકો પણ શાંતિ ઝંખતા હશે,પણ આજના વિશ્વના રાજકારણમાં'ઇસ્લામ ખતરા'માં છે તેવું જે વાતાવરણ છે તેની અસર પણ કાશ્મીરમાં હોય તે સ્વાભાવિક છે.કાશ્મીરના કહેવાતા નેતાઓએ પોતાનીજ ખીચડી-રોટલો પકાવીને કાશ્મીરનું રાજકારણ ચલાવ્યું છે.તેમને કદીય એવું નથી જાહેરમાં કહ્યું કે કાશ્મીર હિન્દુસ્તાનનો એક પ્રાંત છે.સાથે સાથે હિન્દુસ્તાનના બિન-ભાજપીઓ નાં રાજ્કારણીયોએ કાશ્મીરના પ્રશ્નને કોઈજ ગંભીર ગણીને માથું નાં મારવાની બેદરકારી કરી કોકડું કરી નાખેલ છે તેમ તાજેતરનો ઈતિહાસ પણ કહી જાય છે.મુસ્લિમ બહુમતિ ધરાવતો આ પ્રાંત ખાસ ધ્યાન અને તેનીરીતે તેનું રાજકારણ આજદિવસ સુધી ચલાવવા/રમતા કોઈજ હિન્દુસ્તાનના રાજકારણીયોને નથી આવડ્યું તેના પરિણામ આજે ભોગવી રહ્યા છે.કોઈકોઈ વાર 'ગાજર કે કેળુ' લોકોને બતાવ્યું હશે પણ તેની અસર આજે તો નથી કેમકે 'ઇસ્લામ ખતરા'માં છે તેજ કાશ્મીરના મુસ્લિમોને દેખાય છે, આરાબ/અખાત દેશોમાંથી આવતા ધૂમ 'પેટ્રો ડોલ્લાર'ના નાણા અલગતાવાદી મુસ્લીમોને મળે છે તો શા માટે તે સાધારણ મુસ્લિમોને ધર્મના નામે આ ઉશ્કેરે? પાકિસ્તાન જેવા આપણા કટ્ટર દુશ્મન દેશને પણ પોતાનો સ્વાર્થ છે અને તે પણ આવા અલગતાવાદી મુસ્લિમોને પૂરી સહાયતા આપે છે.જે યુવાન કાશ્મીરીની પ્રજાને ઉશ્કેરવામાં ને બહેકાવવામાં આવી છે તેમને પણ ખિસ્સામાં 'પેટ્રો ડોલર'નિયમિત મળે છે તેથી તેમના કુટુંબનું પણ ગુજરાન ચાલે છે પછી બીજું શું જોઈએ?
    આવા ગુંચવાયેલ 'કોક્ડા'ને સરખું કરવા ઊંડી સૂઝ ધરાવતા શ્રી સરદાર વલ્લભ ભાઈ જેવા મહાન રાજનીતિજ્ઞને દેશદાઝ લશ્કરનો સાથ અવશ્ય હોવો જોઈએ, અત્યારેતો ક્ષિતિજમાં એવું કાંઈજ સામાન્ય નજરે નથી પડતું તેની ચિતા હિન્દુસ્તાનના લોકોને લાગે છે. જેથી જ તમારા જેવા પીઢપત્રકારોને આવા લેખો લખીને લોકોને સંદેશ પહોચાડો છો,છેલ્લે ઉમેરતા જે હિન્દુસ્તાનનું અંગ્રેજીભાષી પત્રકારત્વ (જેમાં ટીવી,દૈનિકો પણ આવે) જનસાધારણ લોકો સુધી નથી જતું તેથી હિન્દુસ્તાનનો સામાન્ય માનવી થોડો મૂંઝાઈ છે એવું તમને નથી લાગતું અને પ્રાંતીય ભાષાના ટીવી,દૈનિકો પણ આવા પ્રશ્નોનો કોઈ ખાસ આવી જહેમત નથી ઉઠાવતું તે પણ ઠીક નથી.
    સમય અને જગા આઓવા માટે તમારો આભાર.

    ReplyDelete
  3. Kashmiri have never accepted them to be Indians as the tourist visiting the valley are surprised to hear that "Aap Indians ho Aur kashmiriyon ki problems nahin samaj Paige" We must win the trust of mass of Kashmir.

    ReplyDelete