Tuesday, January 24, 2017

પત્રકારત્વ, ટ્રમ્પ અને ‘ગુજરાત મૉડેલ’

અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા પછી હોદ્દો ગ્રહણ કરતાં પહેલાં ટ્રમ્પે એક પત્રકાર પરિષદ ભરી. તેમાં CNNના વ્હાઇટ હાઉસના એક પત્રકારે ટ્રમ્પને સવાલ પૂછ્‌યો, પણ ટ્રમ્પે એ સવાલ સાંભળવાની ના પાડી દીધી અને કહ્યું,‘યૉર ઑર્ગેનાઇઝેશન ઇઝ ટેરીબલ’ (તમારી સંસ્થા ભયંકર છે.) પત્રકારે પત્રકારધર્મ પ્રમાણે, વિવેકથી અને મક્કમતાથી સવાલ પૂછવાનો પ્રયાસ ચાલુ રાખ્યો, ત્યારે ટ્રમ્પે પત્રકારને કહ્યું,‘ડોન્ટ બી રુડ’ (ઉદ્ધત ન થાવ) અને કહ્યું,‘હું તમારો સવાલ નહીં સાંભળું. યુ આર ફેક ન્યૂઝ’ (તમે તો જૂઠા સમાચારવાળા છો). આખા ખંડમાં બીજા અનેક પત્રકારો મોજૂદ હતા. તેમાંથી કોઇને ટ્રમ્પની આવી ઉદ્ધતાઈ સામે વાંધો પડ્યો નહીં.

અગાઉ ઑગસ્ટ, ૨૦૧૫માં ટ્રમ્પે યુનિવિઝનના એક ઍન્કરને પ્રેસ કૉન્ફરન્સમાંથી બહાર કઢાવ્યા હતા. કારણ કે મૅક્સિકનોને બળાત્કારી ગણાવતા ટ્રમ્પના વિધાન વિશે તે સવાલ કરી રહ્યા હતા. એ વખતે બીજા બે પત્રકારોની દરમિયાનગીરીથી એ પત્રકારને પાછા બેસાડવામાં આવ્યા.  CNNના પત્રકારવાળો કિસ્સો બન્યા પછી ફૉક્સ ન્યૂઝપર એક ઍન્કરે ટ્રમ્પની આ વર્તણૂંક સામે વાંધો નોંધાવ્યો. ફૉક્સનું રાજકીય વલણ ટ્રમ્પને અનુકૂળ હોવા છતાં, તેના ઍન્કરે કહ્યું કે આ રીતે પત્રકારોને નીચે પાડવાની અને તેમના હકને નકારી કાઢવાની રીત બરાબર  નથી.

ઘણા શાસકોનાં લક્ષણ રહી રહીને પ્રગટ થાય છે, તો કેટલાકનાં લક્ષણ પારણામાંજ પરખાઈ જાય છે. ગુજરાતના મુખ્ય મંત્રી તરીકેનો હોદ્દો સંભાળ્યા પછીની પત્રકાર પરિષદોમાં નરેન્દ્ર મોદી સવાલો પૂછતા પત્રકારો સાથે ઉદ્ધતાઇથી વર્તતા હતા. પોતાની જાતને રાજ્યના CM--ચીફ મિનિસ્ટરનહીં, પણ કૉમનમેન’-- ગણાવતા નરેન્દ્ર મોદી અણીયાળા સવાલ પૂછનાર પત્રકારને કહેતા હતા,‘તમારા છાપાનું સરક્યુલેશન કેટલું? આટલા સરક્યુલેશનમાં એક જ સવાલ હોય.અને પછી તો એટલો જવાબ મળતો પણ બંધ થઇ ગયો.

પત્રકારો સાથેની વર્તણૂંક અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના ઉત્તરદાયિત્વ વિશેના ગુજરાત મૉડેલની આ શરૂઆત હતી. એ વખતે મુખ્ય મંત્રીને અણીયાળા સવાલ પૂછીને પત્રકારધર્મ અદા કરતા કેટલાક પત્રકારોની પડખે તેમના મોટા ભાગના સાથીઓ ઉભા ન રહ્યા. ટ્રમ્પની પત્રકારપરિષદમાં બન્યું તેમ, ઘણા પત્રકારો ચૂપ રહ્યા કે ચાપલૂસીમાં સરી પડ્યા. મુખ્ય મંત્રીને તેમનું ઉત્તરદાયિત્વ યાદ કરાવવાને બદલે તે સવાલ પૂછનાર પત્રકારને સમજાવવાલાગ્યા. પછીનાં વર્ષોમાં મુખ્ય મંત્રીની મીઠી નજર માટે અને તેમની સાથે પોતાના ફોટા પડાવવાની એવી મીઠી લ્હાય લાગી કે અણીવાળા સવાલ પૂછવાનું યાદ જ ન આવે. ત્યારથી જવાબો ન આપવાની નરેન્દ્ર મોદીની ટેવ પોષાઈ. પછી એ તેમની સ્ટાઇલ ગણો તો સ્ટાઇલ ને મૉડેલ ગણો તો મૉડેલ બની ગઈ. હવે વડાપ્રધાન તરીકે તે જવાબ આપતા નથી, બસ મનકી બાતના પ્રજાજોગ પ્રેરક સંદેશા વહેતા મૂકે છે. તેમના રાજમાં મંત્રીઓ-અધિકારીઓ સાથે પત્રકારોની મેળમુલાકાતો પર પાબંદી મૂકી દેવામાં આવી. અંદરની માહિતી બહાર આવવાના રસ્તા પર શક્ય એટલી આડશો મૂકી દેવામાં આવી. પહેલાં ગુજરાતમાં ને પછી દિલ્હીમાં.

અમેરિકાના ઘણા પત્રકારોને ટ્રમ્પ-રાજ વિશે આવી જ આશંકા છે--અને અત્યાર લગીની ટ્રમ્પની પત્રકારો સાથેની ઉદ્ધત વર્તણૂંક ઘ્યાનમાં રાખતાં, તે બિનપાયેદાર નથી. તેના અનુસંધાને ગયા સપ્તાહે કૉલંબિયા જર્નલિઝમ રીવ્યુના ઍડિટર-ઇન-ચીફે  અમેરિકાના પત્રકારો વતી ટ્રમ્પને ખુલ્લો પત્ર લખ્યો. આપણા સંબંધ તંગ છેએમ  કહીને તેમણે ટ્રમ્પને પત્રકારવિરોધી વલણની કેટલીક વાતો યાદ અપાવી છે અને વિવેકી છતાં કડક ભાષામાં કેટલાક પાયાના નિયમ (ગ્રાઉન્ડ રુલ્સ)ની યાદ અપાવી છે.આગામી ચાર વર્ષમાં તમારે અમારી પાસેથી શી અપેક્ષા રાખવાની છે, એ સમજી લેજોએમ કહીને તેમણે આપેલાં ગ્રાઉન્ડ રુલ્સનાં કેટલાંક ઉદાહરણ :

તમે અમારા માટે માહિતીના દરવાજા બંધ કરી દેશો તો અમને બીજી રીતે માહિતી મેળવતાં આવડે છે. તમારી પાબંદી વ્હાઇટ હાઉસમાં ચાલશે, પણ તમારી નીતિઓ આખા અમેરિકામાં લાગુ પડવાની છે... તમારા વતી જૂઠાણાં ચલાવનારાને કેટલો સમય આપવો એ અમે નક્કી કરીશું...ઑબ્જેક્ટિવ ટ્રુથ’ (નિરપેક્ષ સત્ય) જેવું કંઇક હોય છે અને અમે તમને એ બતાવતા રહીશું. એટલે કે, તમે અથવા તમારા માણસો ખોટા સાબીત કરી શકાય એવા દાવા ચલાવશે ત્યારે અમે તેને ચોક્કસ પડકારીશું અને સાચી હકીકત આપીશું.’ 

લોકશાહી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના કોઇ પણ તરફદારને આ પત્ર બહુ ગમે એવો છે. અલબત્ત, એ પત્રમાં અને પત્ર નિમિત્તે પત્રકારત્વ વિશે પણ કેટલાક મહત્ત્વના મુદ્દા ઊભા થાય છે. તેમાં સૌથી મોટો મુદ્દો પત્રકારત્વની ખોવાયેલી વિશ્વનસનિયતાનો છે. તેનાં ઘણાં પાસાં છે. જમીની સચ્ચાઇથી દૂર થયેલા પત્રકારોથી માંડીને  ચાપલૂસીમાં કોઇ પણ હદે જઇ શકતા પત્રકારોની મોટી ફોજ લોકોની નજરમાં પત્રકારોની કિંમત ઘટાડે છે. ગુજરાતીમાં પત્રકારો કહેતાં રીપૉર્ટર સિવાય કટારલેખકોનો મોટો સમુદાય છે, જે  દેખીતી ચાપલૂસીથી માંડીને આપણે-તો-વીર-સાચું-કહેવાવાળાજેવો દેખાવ રાખીને પહેલી તકે સત્તાધીશોનાં ગુણગાન ગાવા બેસી જાય, એટલી રેન્જ ધરાવે છે.

ગુજરાત-ભારત અને અમેરિકાની સ્થિતિ જુદી છે. માટે, બન્ને ઠેકાણે પત્રકારત્વની વિશ્વસનિયતા અને સ્વતંત્રતા જોખમમાં હોવા છતાંતેનો મુકાબલો કરવાની બાબતમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ભારતમાં નરેન્દ્ર મોદીની સફળતાથી કચડાઇ ગયા વિના, પોતાના પગ તળેની ભોંય જાળવી રાખીને, ચોથી જાગીરની નિષ્ફળતા વિશે અને તેમાંથી બહાર આવવાની તજવીજ વિશે ઝાઝો વિચાર થયો નથી. નેતાએ લોકશાહી રસ્તે મેળવેલી જીતનો સ્વીકાર કરવો એક વાત છે અને તેને નવી વાસ્તવિકતાગણીને તેનાં ઉજવણામાં-તેને વાજબી ઠરાવવામાં જોડાઇ જવું, એ સાવ બીજી વાત છે. ભારતમાં બીજો વિકલ્પ અપનાવારા મોટી સંખ્યામાં છે.

વડાપ્રધાનના વિરોધના નક્કર મુદ્દા લઇને અડીખમ ઉભેલા લોકો સામે  નેતાઓના સો ગુના માફ, પણ પત્રકારની મર્યાદા કેમ ચલાવી લેવાય?’--આવી પેઇડ અથવા મુગ્ધ માન્યતા ધરાવતાં ટોળાં સોશ્યલ નેટવર્કિંગ માથે લે છે. પ્રસાર માધ્યમોની-પત્રકારોની નીતિરીતિની તપાસ રખાય અને લોકશાહીના-પત્રકારત્વનાં મૂલ્યોના હિતમાં જરૂર પડ્યે તેની કડક ટીકા થાય તે જરૂરી છે. પણ અત્યારે આવી ટીકા કરનારા ઘણાખરા પોતાના પ્રિય નેતા કે વિચારધારાના ઝનૂની બચાવ માટે એ પ્રવૃત્તિ કરે છે.


અમેરિકામાં ટ્રમ્પવિજયને પત્રકારત્વમાં વ્યાપેલી ઊંડી બિમારીની કડવી દવા તરીકે જોવાનો પણ એક મત બન્યો છે. તે મુજબ, હવે પત્રકારો અને સમાચારસંગઠનો વધારે સાવધ, વધારે જાગ્રત અને વધારે સજ્જ બનશે. ન્યૂયૉર્ક ટાઇમ્સ અને વૉશિંગ્ટન પોસ્ટ સહિતનાં ઘણાં પ્રતિષ્ઠિત માધ્યમોએ વ્હાઇટ હાઉસ માટેના પોતાના પ્રતિનિધિઓની સંખ્યામાં વધારો કર્યો છે અને તથ્યોની ચકાસણી માટે નવી ટુકડીઓ બનાવી છે. ભારતમાં નરેન્દ્ર મોદીયુગ પત્રકારત્વ માટે એવું કામ કરશે? અઢી વર્ષમાં તો એવું ખાસ લાગ્યું નથી.

4 comments:

  1. એકલા પત્રકારો જ શું, ભલભલા બૌધ્ધિકો, કર્મશીલો, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, અધ્યાપકો અને યુનિવર્સટીના ચાન્સેલરો પણ આ જ ગતિવિધિમાંથી પસાર થઈ રહ્યા છે.

    ReplyDelete
  2. એકદમ સાચી વાત ...ખરેખર સાચાં ને સાચું અને ખોટાને ખોટું કેહવા વાળા પત્રકારો ભારતમાં લુપ્ત થવાને આરે છે. અને ચાપલુસોની ભરમાંર નીકળી છે...

    ReplyDelete
  3. Hiren Joshi USA10:40:00 PM

    Reporters in general have lost the professional respect and standing by their own behavior. Leaders like Modi and Trump (and some Indian cricketers and movie stars) know that well and treat them like losers.

    ReplyDelete
  4. ઘણા પત્રકારો એ વિવિધ ખેસ ધારણ કરી લીધા છે , જે સાચું પત્રકારત્વ જીવે છે તેમને પત્રકારીતા ના મુખોટા માં ફરતા 90% માર્કેટિંગ એકજીકયુટિવ ઓ પાડી દેવા મેદાનમાં ઉતરી પડે છે, હવે બધે જ આવા લોકોની ટોળાંશાહી છે એટલે ટ્રમ્પ જેવી હરકત થાય છે..ઉર્વીશ ભાઈ આપની લાગણી ને સમર્થન અને નમન છે.... જય હિન્દ

    ReplyDelete