Wednesday, January 18, 2017

સૈન્ય, સોશ્યલ મિડીયા અને કવિન્યાય

સોશ્યલ મિડીયા પર આ જ થવાનું બાકી હતું.

રાજકીય પક્ષો તેની પર જૂઠાણાં ચલાવતા હતા, ચૂંટણીઝુંબેશો ને સામાજિક આંદોલનોના સાચાખોટા ઉભરા તેની પર ચઢતા ને ઉતરતા હતા, ભક્તોનાં ને ભાડૂતીઓનાં ટોળાં ત્યાં આયોજનબદ્ધ અરાજકતા ને શાબ્દિક આતંક મચાવતાં હતાં, અમેરિકાના રાષ્ટ્રપતિપદે ચૂંટાયેલા ટ્રમ્પ  સત્તાવાર નિવેદન ઉપરાંત  શેરીયુદ્ધ કક્ષાના હુમલા સોશ્યલ નેટવર્ક પરથી વહેતા મૂકતા હતા. (સ્વાતિ ચતુર્વેદીના પુસ્તક આઇ એમ ટ્રોલમાં નોંધ્યા પ્રમાણે) નરેન્દ્ર મોદી ટિ્‌વટર પર ગાળાગાળી-ધાકધમકી-શાબ્દિક ગુંડાગીરી કરનારા બે ડઝન ટ્રોલને વડાપ્રધાન બન્યા પછી પણ ફૉલોકરતા હતા--અને વડાપ્રધાન અમને ફૉલો કરે છેએવું ગૌરવયુક્ત પ્રોત્સાહન તેમને લેવા દેતા હતા. વિચારવિરોધીઓ વિશે સોશ્યલ મિડીયા પર સુઆયોજિત ઝુંબેશો ચલાવાતી હતી...

છતાં, ભારતીય સૈન્ય સોશ્યલ મિડીયાના ઓટલાથી દૂર હતું. ભૂતકાળમાં જનરલ વી.કે.સિંઘ જેવા સૈન્યવડાએ ચાલુ હોદ્દે ઉભા કરેલા વિવાદ કક્ષાના મામલે સોશ્યલ નેટવર્કિંગ પર થતી તકરારોની યાદ અપાવે એવા હતા. નિવૃત્તિ પછી અને નવી સરકારમાં મંત્રી બન્યા પછી જનરલ સિંઘે નવા સૈન્ય વડા સામેના ગંભીર આક્ષેપ ટિ્‌વટ થકી જ ઉછાળ્યા હતા. પરંતુ ફરજ પરના જવાનો સુધી સોશ્યલ મિડીયા-ચાળો પહોંચ્યો ન હતો. કેમ કે, તેમણે ફરજ પર મોબાઇલ ફોન વાપરવાનો હોતો નથી. ઘણાખરા કિસ્સામાં વિષમ વિસ્તારોમાં જીવના જોખમે ફરજ અદા કરતા જવાનો માટે મોબાઇલ ફોન વાપરવાનું શક્ય પણ નથી હોતું.

છતાં, નિયમ, મર્યાદા અને શિસ્તનાં બધાં બંધન ઓળંગીને સીમા સુરક્ષા દળ (BSF)ના એક જવાને ભોજનની ખરાબ ગુણવત્તા વિશેનો વિડીયો સોશ્યલ નેટવર્ક પર રજૂ કર્યો. તેનો સાર એ હતો કે જેમના માથે સરહદના રક્ષણની જવાબદારી અને અપેક્ષા છે, એવા જવાનોને કંગાળ અને હલકી ગુણવત્તાનું ભોજન પીરસાય છે. બીએસએફની ગણતરી અર્ધલશ્કરી દળમાં થાય છે. છતાં, તેનું મહત્ત્વ ઓછું નથી. માટે, આ વિડીયોના પગલે તીવ્ર પ્રતિક્રિયા જાગી. કેટલાક જાણીતા ખેલાડીઓએ આ વિડીયો શેરકરીને પરિસ્થિતિને શરમજનક ગણાવી.

તેની સામે સરકાર અને સૈન્યનું વહીવટી તંત્ર આક્રમક બચાવની મુદ્રામાં પેશ થયાં. એક તરફ ફરિયાદ કરનાર જવાનનો ભૂતકાળ ઉખેળીને તેની ગેરશિસ્તનો પ્રશ્ન જૂનો હોવાનું જણાવાયું, તો બીજી તરફ આવો વિડીયો તે ઉતારી જ કેવી રીતે શકે અને ફરજ પર તેની પાસે મોબાઇલ ક્યાંથી આવ્યો?’ એવા સવાલ ઉભા કરવામાં આવ્યા. એ જવાનની તત્કાળ બદલી કરીને તેમને બીજા, ઉતરતા ગણાતા કામમાં મૂકી દેવાયા. છતાં, ‘તેમને મળતા ખરાબ ભોજનનું શું? એ કેવી રીતે ચલાવી લેવાય?’ એવો અણીદાર સવાલ ઊભો રહ્યો. એ મુદ્દે સરકાર અને સૈન્યના વહીવટી તંત્રે સંતોષકારક રીતે ઉજળા દેખાવાનું બાકી છે.

વર્તમાન માહોલ પ્રમાણે આ સમાચાર જેટલી ઝડપે ચગ્યા, તેટલી જ આસાનીથી વિસરાઇ ગયા હોત. પણ બોર્ડર સિક્યોરિટી ફોર્સ પછી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CRPF)ના એક જવાને વિડીયો મૂક્યો ને પછી તો જાણે ફરિયાદ-અસંતોષ નોંધાવવાની એ સ્વીકૃત પદ્ધતિ બની ગઇ હોય તેમ, ભારતીય સૈન્યના એક જવાને લશ્કરમાં ચાલતી સહાયક  પ્રથા સામે અવાજ ઉઠાવ્યો. આ પ્રથાને કારણે જવાનોને અફસરોના ઘરનોકર જેવાં કામ કરવાં પડે છે, એવો તેમનો વાંધો હતો--અને એ પણ સોશ્યલ મિડીયા પર જ રજૂ થયો.

ભારતીય જવાનોએ લશ્કરની આંતરિક પ્રણાલિને બદલે પોતાની સાચી કે અતિશયોક્તિપૂર્ણ પીડા રજૂ કરવા માટે સોશ્યલ નેટવર્કનો સહારો લીધો, ત્યારે ઘણો ખળભળાટ થયો. આ ઘટનાક્રમ ત્રણ રીતે ઇચ્છનીય નથીઃ સૈનિકની ફરિયાદ સાચી હોય અને તેમની સાથે આવો વ્યવહાર થતો હોય તો તે કેટલું ખરાબ કહેવાય, એ લખવાની જરૂર નથી. આવું ન થયું હોય અને કોઇ જવાન પોતાની નોકરી જોખમમાં મૂકીને સોશ્યલ નેટવર્ક પર આ હદે બોલવા જેટલો મરણીયો થાય, તો એ મરણીયાપણું ચિંતાજનક છે. અને ત્રીજો મુદ્દો : જવાનનો આરોપ સાચો હોય તો પણ, એ સૈન્યની આંતરિક વ્યવસ્થામાં ઉકલવાને બદલે--અથવા એવી સંતોષકારક વ્યવસ્થાના અભાવે-- સોશ્યલ મિડીયા પર પહોંચે, એ ઠીક નથી.

સૈન્યની ખાસિયતો-મર્યાદાઓ છતાં અને એ બધાથી ઉપર તેમાં શિસ્તનું આગવું મહત્ત્વ છે. સિવિલિયન (નાગરિકી) દૃષ્ટિથી સમજવા-સ્વીકારવામાં ક્યારેક મુશ્કેલ લાગી શકે, એવા તકાદા લશ્કરમાં જરૂરી હોય છે. (એટલા માટે તો શિસ્તની આગળ કડકાઇ સૂચવવા લશ્કરી જેવું વિશેષણ વાપરવામાં આવે છે.) આ પ્રકારની સોશ્યલ મિડીયાબાજીથી લશ્કરી શિસ્તનું માળખું તૂટે છે અને તેની જાહેરમાં, શત્રુ દેશો સહિત સૌને જાણ થાય છે. જવાનોની નૈતિક હિંમતને તોડવાનું કામ કરનારાં બીજાં પરિબળો પણ હોય છે. છતાં, એ પરિબળો હોવાને કારણે સોશ્યલ નેટવર્કિંગ પર ફરિયાદ દ્વારા થતું નુકસાન વાજબી ઠેરવી શકાતું નથી. માટે, નવા સૈન્ય વડાએ વાજબી રીતે જ, સોશ્યલ નેટવર્ક પર ફરિયાદ કરનાર સામે કડક પગલાંની ચીમકી આપી છે.

જવાનોની ફરિયાદો સૈન્ય અને રાષ્ટ્રવાદનો રાજકીય ઉપયોગ કરનાર ભાજપના રાજમાં થાય, તે ન ચૂકવા જેવી વક્રતા છે. સાથોસાથ, વિરોધ પક્ષોએ આ બનાવ રાજકીય રીતે ચગાવવા જેવા નથી. કારણ કે ૧) આ વાત સાચી હોય તો તે ફક્ત સરકારની નહીં, રાષ્ટ્રીય શરમની બાબત છે. આ બાબતમાં કૉંગ્રેસ સહિતના રાજકીય પક્ષોનો ઇતિહાસ ગૌરવ લેવા જેવો નથી. ૨) બહાદુરી અને ફનાગીરી જેવા ગુણોને કારણે યોગ્ય રીતે જ લોકોના આદરને પાત્ર બનતા સૈન્યના સંગઠનમાં (બીજા સરકારી વિભાગોની જેમ) ભરપૂર બાબુશાહી છે. તેને કોઇ એક પક્ષ સાથે સાંકળી શકાય તેમ નથી.

સહાયક જેવા કેટલાક રિવાજ અંગ્રેજ સાહેબબહાદુરોના જમાનાના છે. તેમના વિશે પુનર્વિચાર થવો રહ્યો, પરંતુ સોશ્યલ મિડીયા એ માટેનું યોગ્ય માધ્યમ નથી. સૈન્યને લગતી તોતિંગ રકમોની ખરીદીમાં ભ્રષ્ટાચારને પૂરતો અવકાશ હોય છે અને ઘણી ખરીદીઓમાં ભ્રષ્ટાચારના આરોપ સાચા હોય તો પણ, તે જુદી રીતે નુકસાનકારક સાબીત થાય છે. તેમાં સંડોવાયેલા લોકોનો ગુનો પુરવાર થતો નથી, તેમને કશી સજા થતી નથી અને હોબાળાને કારણે ખરીદી અટકી જાય છે. તેના લીધે સૈન્યની સજ્જતા પર માઠી અસર પડે છે.


સૈન્યને રાજકારણથી દૂર રાખવામાં જ સાર છે--અને આ વાત અત્યારે હોંશે હોંશે કહેતા લોકોએ યાદ રાખવા જેવું છે કે લોકસભાની ચૂંટણીના પ્રચાર વખતે ભાજપે બિલકુલ આ જ ધંધો કર્યો હતો. તેના માટે આ નાનું તો નાનું, પણ કવિન્યાયનું ટાણું છે.

1 comment:

  1. અગાઉ લશ્કર બાબતે પતંગો ચગાવી ચૂકેલાઓ માટે હવે પોતે જવાબદારી લેવાનો વારો આવ્યો છે. સૌરાષ્ટ્રમાં આને માટે એકદમ યોગ્ય વાક્યપ્રયોગ થતો હોય છે. . . . 'ટોલામાં આવ્યું'.

    ReplyDelete