Monday, January 09, 2017
સાવિત્રીબાઇ ફુલે અને ગુગલ-સ્મૃતિ
આર,કે,લક્ષ્મણનું એક કાતિલ કાર્ટૂન હતુઃ
તસવીરપ્રદર્શનમાં ગાંધીજીની એક મોટી તસવીર છે અને હૃષ્ટપુષ્ટ નેતાજી વાંકા વળીને
નામ વાંચે છે કે આ કોની તસવીર છે. વાતમાં બેશક કાર્ટૂનસહજ અતિશયોક્તિ છે, સાથોસાથ
તેનો વ્યંગ ચિરંતન છે. ભારતમાં નાયકનાયિકાઓની વિસ્મૃતિનો રોગ એટલો વકરેલો છે કે
ભલભલા ભૂલાઇ જાય છે. બીજી તરફ, વર્તમાન રાજકારણમાં ઓળખની અણીની ધાર એટલી નીકળેલી
છે કે નાયકનાયિકાઓને કેવળ એક પ્રતિક અથવા ગ્રાફિક તરીકે જીવંત કરવાનું ચલણ વધી
પડ્યું છે. એવા વખતમાં પોતાના લોગો સાથે પ્રસંગોચિત ચિત્રો (ડૂડલ) મૂકવા માટે
જાણીતી વેબસાઇટ ગૂગલે કમાલ કરી. જાન્યુઆરી 3ના રોજ તેના લોગોની સાથે સાવિત્રીબાઇ
ફુલેનું ચિત્ર મુકવામાં આવ્યું—અને સ્વાભાવિક રીતે, શબ્દાર્થમાં નહીં તો
ધ્વન્યાર્થમાં ઘણાને વાંકા વળીને જોવું પડ્યું કે આ કોનું ચિત્ર છે.
અલબત્ત, ન ખબર હોવી એ વાંક નથી. ભારતમાં સ્મૃતિ
જીવંત રાખવાના રસ્તા એટલા ખરાબ-એટલા ભદ્દા છે કે કમકમાટી ઉપજે. પૂતળાં ને રસ્તાનાં
નામ. બસ. તેની સરખામણીમાં ગુગલનું ડુડલ ઔપચારિક હોવા છતાં, તેમાં એટલું સુખ છે કે ચિત્ર
પર ક્લિક કરવાથી સાવિત્રીબાઇ વિશેની માહિતીનો ભંડાર ખુલી શકે છે. પૂતળાં કે
રસ્તાનાં નામનાં પાટિયામાં આવી કોઇ વ્યવસ્થા હોઇ શકે, પણ હોતી નથી. નડિયાદમાં
થોડાં વર્ષો પહેલાં હસિત મહેતા/ Hasit Mahetaએ લીટરરી હેરિટેજ વોક જેવો મૌલિક પ્રોજેક્ટ હાથ
ધર્યો, ત્યારે તેમણે સાક્ષરભૂમિ નડિયાદના દોઢ-બે કિલોમીટરના ભૌગોલિક વિસ્તારમાં જીવી
ગયેલા દરેક સાહિત્યકારના ઘરની બહાર તેમના જીવન- કાર્ય વિશે ટૂંકમાં પણ તેમનું
મહત્ત્વ સિદ્ધ થાય એવી માહિતી જહેમતપૂર્વક મૂકી હતી. સાથે તેમની એક તસવીર પણ ખરી. એવી
દૃષ્ટિ ને વૃત્તિ ન હોય, તો શું થાય તેનાં અનેક ઉદાહરણ આપણી આસપાસ જોવા મળે છે. મુંબઇમાં
મહંમદ રફી, શંકર-જયકિશન કે કલ્યાણજીના નામના ચોક હોય તો તેમાં વિગતો ન મુકાય તે
હજુ સમજ્યા, પણ અમદાવાદમાં ઉમાશંકર જોશી માર્ગ ને રાજકોટમાં ક્રિકેટર અમરસિંહ
માર્ગનું શું કરવાનું? એ માર્ગનું નામ વાંચનારને આ મહાનુભાવો વિશે
તત્કાળ—અને ગુગલની મદદ વિના--બીજું કશું જાણવું હોય તો એ શક્ય ન બને. ત્યારે સવાલ
થાયઃ એ માર્ગ શરૂ થતો હોય ને પૂરો થતો હોય ત્યાં બાજુ પર એક તકતીમાં તેમના
પ્રદાનની (અધ્યાપકીય નહીં પણ આમજનતાને સમજાય એવી રીતે લખેલી) વિગતો ન મૂકી શકાય?
માર્ગનું કે ચોકનું નામકરણ બેશક ઔપચારિકતા છે,
પરંતુ ઘણી વાર પ્રતાપી વ્યક્તિત્વોને આ રીતે માર્ગના નામ સાથે જોડવામાં આવે,
ત્યારે તેમના નક્કર પ્રદાનની વિગતો મૂકવી જરૂરી ન હોવી જોઇએ? અમદાવાદમાં સી.વી.રામન માર્ગ કે જોતિબા ફુલે ચોક
હોય ત્યારે, એ ચોક્કસ રસ્તાને તેમનું નામ શા માટે અપાયું તેનું કારણ ભલે જાણવા ન
મળે, પણ રામન અને ફુલે કોણ હતા ને આપણા શહેરમાં તેમના નામે રસ્તો હોવો એ કેમ
ગૌરવની બાબત છે, એટલું જાણવાનો નાગરિકોને અધિકાર નથી? અને
એટલું જણાવવાની એ વિસ્તારના કોર્પોરેટરની કે શહેરના કોર્પોરેશનની ફરજ નથી? આટલું કરવા માટે રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનની
મંજૂરી લેવાની જરૂર નથી. મ્યુનિસિપાલિટીના કમિશનર કે મેયરને સમજાવી શકે એવા એકાદ
સમજુ અને ઉત્સાહી કોર્પોરેટર પણ બસ થઇ પડે. (હા, તકતીઓનો ખર્ચ કેટલો થાય ને એમાં
કોન્ટ્રાક્ટ આપણા માણસને મળે કે કેમ, એવી વૃત્તિઓથી આટલા કામ પૂરતા દૂર રહેવું પડે.)
શહેરોમાં ઘણી વાર સ્થાનિક અગ્રણીઓના નામ પણ રસ્તા કે ચોક સાથે જોડવામાં આવે છે.
તેમનું પ્રદાન ભલે ગાંધી-સરદાર-આંબેડકર જેટલું ન હોય, પણ પોળ કે વિસ્તારના સ્તરે
તેમણે કશુંક રચનાત્મક કામ કર્યું હોય, તો તે પણ પછીની પેઢી સુધી પહોંચવું જોઇએ—અને
તેમનું કામ એટલું મહત્ત્વનું ન હોય, તો એવા કિસ્સામાં રસ્તાનાં નામકરણની એક્સપાયરી
ડેટ નક્કી થવી જોઇએ. જેથી દરેક પેઢીમાં કંઇક સારું કામ કરનારા લોકોનો લાભ એ
રસ્તા-ચોકને મળી શકે.
એનો મતલબ એ નથી કે રસ્તાને અપાયેલાં નામ સ્મૃતિ
જાળવવાની ઉત્તમ રીત છે. મુંબઇનો એસ.વી. રોડ સરદાર વલ્લભભાઇ છે કે સ્વામી વિવેકાનંદ
એ વિશે ઘણા મુંબઇગરાઓને અવઢવ થઇ શકે. અમદાવાદની એમ.જી.સાયન્સ ઇન્સ્ટિટ્યુટના
એમ.જી. તે મહાત્મા ગાંધી નથી, પણ મફતભાઇ ગગલદાસ છે તે બીજાને તો ઠીક, ઘણા
વિદ્યાર્થીઓને પણ જણાવવું પડતું હશે કદાચ. એવી જ રીતે, અમદાવાદના પ્રખ્યાત
સી.જી.રોડવાળા સી.જી. તે ચમનલાલ ગિરધરદાસ અને તે ટાઉનહોલવાળા મંગળદાસ ગિરધરદાસના
નાના ભાઇ—એ પણ લોકોને સહજતાથી, થોથાં ઉથલાવ્યા વિના, શા માટે જાણવા મળવું ન જોઇએ? અને મંગળદાસ તથા અમદાવાદના બીજા શેઠિયાઓની
આફ્રિકાથી નવા આવેલા ગાંધીજી સાથેની સમુહ તસવીર મંગળદાસ ગિરધરદાસ ટાઉનહોલની બહાર
શા માટે ન હોવી જોઇએ? આ બધો
પુસ્તકિયો ઇતિહાસ નથી. ઉલટું, આવી નાની ચેષ્ટાઓ ઇતિહાસને પાઠ્યપુસ્તકની કે
સંગ્રહસ્થાનોની કેદમાંથી કે બહાર કાઢીને રોજિંદા જીવન સાથે તેનો સંબંધ જોડવામાં
સારો ભાગ ભજવી શકે.
વાત સાવિત્રીબાઇ ફુલેથી શરૂ કરી હતી.
સમાજસુધારાના ક્ષેત્રે ભાગ્યે જ જોવા મળે એવી જોતિરાવ અને સાવિત્રીબાઇ ફુલેની
જોડીએ મોટે ભાગે નીચલી ગણાતી જ્ઞાતિઓ માટે પ્રચંડ કામ કર્યું. પરિણામે, અત્યારે
તેમની સ્મૃતિ મોટે ભાગે દલિત (બહુજન) આંદોલન પૂરતી સીમિત બની ચૂકી છે. (એ ફુલે
દંપતિનું નહીં, લોકોનું નુકસાન છે) અભ્યાસી અને સંવેદનશીલ અધ્યાપક સંજય ભાવે / Sanjay Bhaveએ
સાવિત્રીબાઇ ફુલેની અંજલિઓમાં મોટે ભાગે ચુકાઇ જતી એક વિગત ભણી ધ્યાન દોર્યુઃ
યુનિવર્સિટી ઓફ પૂનાનું નામ છેલ્લા થોડા વખતથી સાવિત્રીબાઇ ફુલે પૂણે યુનિવિર્સિટી
કરવામાં આવ્યું છે—અને તેની સામે કોઇ પણ તબક્કે વાંધાવિરોધ ઊભા થયા ન હતા. પ્રગતિશીલ
પરિબળોની સાથોસાથ બ્રાહ્મણવાદી માનસિકતાનો ગઢ ગણાતા પૂણેમાં આ શક્ય બને એ બહુ
નોંધપાત્ર કહેવાય. ઔરંગાબાદની મરાઠવાડા યુનિવર્સિટી સાથે ડો.આંબેડકરનું નામ
જોડવામાં થયેલા કડવા અને હિંસક વિવાદો ધ્યાનમાં રાખતાં તો ખાસ.
પરંતુ એ પણ હકીકત છે કે સાવિત્રીબાઇ ફુલે
યુનિવર્સિટીની વેબસાઇટના હોમપેજ http://www.unipune.ac.in/ પર સાવિત્રીબાઇ ફુલેની સમ ખાવા પૂરતી તસવીર જોવા
મળતી નથી ને આખી વેબસાઇટમાં ક્યાંય સાવિત્રીબાઇ વિશે ચાર લીટી પણ વાંચવા મળતી નથી.
હોમ પેજ પર ‘એબાઉટ પૂણે’નો
વિભાગ છે, પણ ‘એબાઉટ સાવિત્રીબાઇ ફૂલે’ મુકવાનું હજુ સુધી કોઇને સૂઝ્યું નથી.
Labels:
dalit,
history/ઇતિહાસ
Subscribe to:
Post Comments (Atom)
ડૉ. આંબેડકરના નામ સામે આંદોલન થયું અને સાવિત્રીબાઈના નામ સામે આંદોલન ન થયું એનું શું કારણ હોઈ શકે? ઓ.બી.સી. અને એસ.ટી.ચાલશે પણ એસ.સી.નહિ ચાલે એ કોમવાદી વલણ જ કામ કરી ગયું છે.
ReplyDelete