Sunday, May 08, 2016

1300મી પોસ્ટ : વીસ વર્ષની વાત

સપ્ટેમ્બર, ૨૦૧૫માં પત્રકારત્વ-લેખનમાં વીસ વર્ષ પૂરાં થયાં. એ વખતે કશું લખવાનું મન થયું ન હતું. થોડા વખત પહેલાં બધું ગોઠવતાં 'અભિયાન'ના વખતની કેટલીક યાદગીરી હાથ લાગી. એ સાથે ઘણી સ્મૃતિઓ તાજી થઇ અને લખવાનો ધક્કો લાગ્યો. એમાં 1300મી પોસ્ટનું નિમિત્ત ભળ્યું--અને જલસો-6ના કામમાંથી પરવાર્યો. એનું પરિણામ એટલે  આ પોસ્ટ.





મારા કરતાં ઘણાં વધારે વર્ષનો અનુભવ ધરાવતા, પ્રદાનની રીતે અનેક ગણું માતબર કામ કરનાર ગુરુજનો અને મિત્રો મોજૂદ હોય ત્યારે વીસ વર્ષના સમયગાળાથી હરખાઇ જવાનો કે મેં કેવાં તીર માર્યાં, એ લખવાનો અહીં ઇરાદો નથી. એને બદલે, અત્યારનું વાતાવરણ જોતાં, એવી યાદી બનાવવાનું મન થાય છે કે આ વીસ વર્ષમાં શું નથી કરવું પડ્યું અને છતાં લેખન-કોલમલેખન-પત્રકારત્વમાં પ્રમાણમાં સારી રીતે કામ ચાલી ગયું.

- અભિયાનના નવા માલિકોએ નિર્દોષતાપૂર્વક બેગમાં (જાહેરખબરનું) રેટકાર્ડ રાખવાનું સૂચન કર્યું (અને :"તમને કમિશન પણ આપીશું" એવું કહ્યું--1996માં) ત્યારે તેમની કેબિનની બહાર નીકળીને પ્રશાંત દયાળે અને મેં રાજીનામું આપવાનું નક્કી કરી લીધું ને આપી પણ દીધું. ત્યારથી એક સમજ હતી કે પત્રકારની-કોલમિસ્ટની વફાદારી તેના લખાણ પ્રત્યે હોવી જોઇએ. લખનારનો ધર્મ પ્રામાણિકતાથી અને નિષ્ઠાપૂર્વક લખવાનો છે- તે એક ઠેકાણે પણ હોઇ શકે ને અનેક ઠેકાણે પણ. કામનાં સ્થળ બદલાઇ શકે, પણ વિચારધારામાં કે કામ પ્રત્યેની નિષ્ઠામાં ફરક પડવો ન જોઇએ. એક ઠેકાણે ચોંટી રહેવા માત્રથી કે વારંવાર કામ બદલવા માત્રથી કશું પુરવાર થતું નથી. જે મૂલ્ય હોય તે થતા કામનું જ હોઇ શકે.

જેમની સામે ભારે વૈચારિક વાંધો છે, એવા ગુણવંત શાહે દાયકાઓ પછી 'સંદેશ' છોડ્યું, ત્યારે 'સંદેશ'ની પૂર્તિમાં એક ભાઇએ ગુણવંત શાહના 'સંદેશ' છોડવાના પગલા વિશે બેફામ લખ્યું હતું. (કારણ કે એ ભાઇને માલિકો સમક્ષ પોતાની 'વફાદારી' પુરવાર કરવાની ખંજવાળ ઉપડી હશે અથવા એમની પોતાની સમજ એટલી ટૂંકી હશે કે બન્ને.). એ વખતે, ગુણવંત શાહ વિશેના બધા વૈચારિક વાંધા ઊભા રાખીને, પેલા ભાઇના લેખની મેં ટીકા કરી હતી..

આ પ્રકારની માનસિક સ્પષ્ટતાને કારણે માલિકો કે સાહેબો પ્રત્યે 'વફાદારી' દેખાડવાની કદી જરૂર પડી નથી. વફાદારી દેખાડવાના નામે છાપાંના માલિકોની ચાપલૂસી કરવી પડી નથી, ઓફિસની બહાર જાહેર ફંક્શનમાં તંત્રીઓ-માલિકો મળે ત્યારે, એ આવે ત્યારથી એ જાય ત્યાં સુધી એમને "કંપની આપવી પડી નથી" (એટલે કે એમના અનુચરની માફક  ફરવું પડ્યું નથી,) 'સાહેબ, મારો આટલો ફોટો છાપી આપશો? મારા પુસ્તક વિશે--મને મળેલા એવોર્ડ વિશે આટલું છાપશો?' એવી ભલામણો લઇને માલિકોની આગળ અરજદારની મુદ્રામાં ઊભા રહેવું પડ્યું નથી (મોટા ભાગના માલિકો મોટા ભાગના કટારલેખકો જેટલા હોંશીલા નથી હોતા કે આવું બધું સામે ચાલીને છાપે.) આ ધંધામાં ન પડવાથી બહાર જયજયકાર ઓછો થયો હશે કે નહીં થયો હોય, પણ જાત આગળ સ્વમાન જળવાઇ રહ્યું છે. બહાર બાણું લાખ માળવાના ધણી તરીકે ફાંકાફોજદારી કરવી ને માલિકો આગળ ખંડિયા તરીકે પેશ થવું, એવું નથી કર્યું.  ધોરણસરના સંબંધ રહ્યા છે. છતાં, કામ ચાલ્યું છે.

- પોતાની કોલમમાં જાતે, વારંવાર, અવિરતપણે પોતાનાં વખાણ કરવાં પડ્યાં નથી. "હું મારી મહાનતાની માળા જપતો બંધ થઇ જઇશ, તો લોકો મને ગણતા બંધ થઇ જશે"--એવી અસલામતી કદી લાગી નથી. 'આપણે તો વીર સાચું કહી દેવાવાળા' એવાં કે બીજા કોઇ પ્રકારનાં જૂઠાં ઇમેજ પ્રોજેક્શન કરવાં પડ્યાં નથી,   વાચકોને લખાણની ગુણવત્તા સિવાય બીજી કોઇ રીતે (ગલગલિયાંથી કે ચાલુ વિષયોથી કે કાલાંઘેલાં સંબોધનોથી કે બીજી છીછરી તરકીબોથી) રીઝવવાનો પ્રયત્ન કર્યો નથી. વાચકોને લટુડાંપટુડાં કરીને વાચકપ્રિય બનવાની કે તેમને વડચકાં ભરીને જમાદારી જમાવી દેવાની જરૂર પડી નથી. એવી શ્રદ્ધા હતી કે ફક્ત લખાણની ગુણવત્તા પર ધ્યાન આપીશું તો પણ સારી રીતે ટકી રહેવાશે. લખવાનો આનંદ રહે એટલા વાચકો પણ મળી રહેશે...
આટલાં વર્ષે કહી શકાય કે આ રસ્તે એટલા નહીં, એનાથી પણ ઘણા વધારે વાંચનારા -- અનુચર કે ભક્ત કે 'ફોલ્ડર' નહીં એવા-- સમરસિયા, સજ્જ અને દરેક ઉંમરના મિત્રો સતત મળ્યા છે. હજુ મળે છે. મળતા જ રહે છે અને લેખનમાં હોવાની સાર્થકતાનો અનુભવ કરાવતા રહે છે.

- જુલ વર્ન ઘરની બહાર પગ મૂક્યા વિના મુગ્ધ કરે એવી કથાઓ લખી ગયા ને રાહુલ સાંકૃત્યાયન દુનિયા ફરીને અદભૂત લખી ગયા. એથી ઘરે બેસી રહેનારા બધા જુલ વર્ન ન થઇ જાય ને દુનિયા ફરનારા રાહુલ સાંકૃત્યાયન ન થઇ જાય.  વાચનથી માંડીને પ્રવાસ જેવી બાબતો માણસને ઘણો સમૃદ્ધ કરી શકે. પરંતુ એમ થવું જરૂરી નથી. અનિવાર્ય તો બિલકુલ નથી. એના ઘણા દાખલા આપણી આજુબાજુમાંથી મળી રહેશે.

- "મને ઉત્તર ધ્રુવ પરનાં પેંગ્વિનોએ ખાસ આમંત્રણ આપીને બોલાવ્યો હતો" (એ જુદી વાત છે કે પેંગ્વિન દક્ષિણ ધ્રુવ પર હોય છે),  "મારી પાસે અમુક હજાર પુસ્તકો છે કે અમુક હજાર ગીતો છે"--એવા પ્રકારના દાવા કદી કરવાની જરૂર પડી નથી. લખનાર ગમે તેટલા દાવા કરે, તેનું અસલી પોત તેના લખાણમાં પ્રકાશી જતું હોય છે. વાચકોને એ અસલી પોત સાથે નિસબત હોવી જોઇએ. ભરમાવા આતુર વાચકોની અને તેમને ભરમાવવા આતુર લેખકોની મંડળીથી દૂર રહેવા છતાં, ટકી શકાયું છે.

- સરકારોની કે મુખ્ય મંત્રીની કે અધિકારીઓની ચાપલૂસી કરી નથી. અવિનાશભાઇ (પારેખ)ના 'અભિયાન' થકી પત્રકારત્વમાં પ્રવેશ્યો ત્યારથી બંધાયેલો ખ્યાલ એવો હતો કે પત્રકાર એન્ટી-એસ્ટાબ્લિશમેન્ટ હોવો જોઇએ. એ શક્ય એટલો પાળ્યો છે. મુખ્ય મંત્રીના હાથે એવોર્ડ લેવાના કે તેમની ગુડ બુકમાં રહેવાના કોડ કદી જાગ્યા નથી. તેના કારણે, ગાડરિયા પ્રવાહમાં સાથે વહેવાથી મળતી લોકપ્રિયતા તો ન જ મળે (અને એનો ઊંડો સંતોષ હોય).. ઉપરથી એવા બાલિશ આરોપ પણ સાંભળવાના આવે  કે "તમે પ્રસિદ્ધિ મેળવવા આ બધું કરો છો." આવું કહેનારા બિચારા એટલું પણ નથી સમજતા (સ્વાભાવિક છે) કે પ્રસિદ્ધિ જ મેળવવી હોય તો 'સાહેબ'ની કે એન્કાઉન્ટરબાજોની આરતી ઉતારવી એ ઘણો સહેલો, ટૂંકો ને ઘણાએ સફળતાપૂર્વક અજમાવેલો અસરકારક રસ્તો હતો.

- છાપાંમાં આવતાં મારાં લખાણમાંથી ઘણાં લખાણ હું બ્લોગ-ફેસબુક પર મૂકું છું. કારણ કે, હું ઇચ્છું છું કે છાપું ન વાંચતા લોકો સુધી પણ એ પહોંચે...એ લખાણોમાં આપવડાઇની જેમ બ્લોગ-વડાઇ પણ કરી નથી.  "નેટજગતમાં તો બોસ, આપણા ડંકા વાગે છે" એવી બડાશો કોલમમાં કરી નથી. છતાં બ્લોગ ચાલ્યો છે અને માત્ર બ્લોગને કારણે ગાઢ મિત્ર બન્યા હોય એવા પરિચય થયા છે. સોશ્યલ નેટવર્કિંગ સાઇટોના ચલણ પછી ખોટા પ્રોફાઇલ ઊભા કરવા પડ્યા નથી, બીજા લખનારાઓને પ્રતિસ્પર્ધી ધારીને, તેમની પર (સાચા અને ખોટા નામે) હલકટ પ્રકારના શાબ્દિક હુમલા કરવાની- કરાવવાની ચાલબાજીઓ કરવી પડી નથી. છતાં, બ્લોગની જેમ ફેસબુકને કારણે પણ એવા સાર્થક પરિચયો ને દોસ્તી થયાં છે, જે સામાન્ય સંજોગોમાં ન થયાં હોત.

કોલમમાં કદી ટેઇલ પીસ રાખ્યો નથી. ગુજરાતી કટારલેખનમાં ટેઇલપીસની શરૂઆત સંભવતઃ સલિલ દલાલે કરી હતી. એ વખતે તેની નવાઇ હતી અને ફોર્મેટ તરીકે પણ એ સરસ લાગતું હતું. ચંદ્રકાંત બક્ષી સહિત બીજા ઘણા લેખકોએ ટેઇલ પીસનો આઇડીયા સફળતાથી વાપર્યો. મેં લખવાનું શરૂ કર્યું ત્યારે એ આઇડીયા ઘણો જૂનો થઇ ચૂકેલો અને મને એના માટે આકર્ષણ ન થયું. (તેના જેન્યુઇન ઉપયોગો ઉપરાંત એક ઉપયોગ લોકોને ઓબ્લાઇજ કરવાનો પણ છે)

- વાચક તરીકે અને પછી લેખક તરીકે લેખન-કટારલેખનને કદી ઘોડાની રેસની જેમ જોયું નથી. એટલે તેમાં કોઇથી આગળ નીકળી જવાનો કે કોઇને પાછળ પાડી દેવાનો ખ્યાલ મેં લખવાનું શરૂ કર્યું ત્યાર પહેલાંનો મને હાસ્યાસ્પદ લાગતો હતો. વાચક તરીકે મને એક સાથે અનેક લેખક ગમતા હતા-- ગમે છે. તેમાંથી કોઇ એકને જ મારે શા માટે નંબર વન ગણવા?--ભલે ને એ પોતે એવો દાવો કરે.

કોઇ મહાન વક્તાને અમેરિકાના પ્રમુખ વિનંતી કરીને 'કૃષ્ણ અને ઔદ્યોગિક ક્રાંતિ' એ વિષય પર વક્તવ્ય આપવા માટે વ્હાઇટ હાઉસમાં બોલાવે કે કોઇ મહાન લેખકના ચાહકો મંગળ ગ્રહ પર પણ હોય, તો એ એમનો વિષય (કે પ્રોબ્લેમ) છે. એક વાચક તરીકે મારે એની સાથે શી લેવાદેવા? અને મારે શા માટે તેમની આપવડાઇથી અહોભાવિત થવું જોઇએ? મારે તો એમના લખાણ સાથે મતલબ.

હું કોલમ લખતો થયો ત્યારથી સરખી કે આસપાસની પેઢીના સમકાલીનોમાં હાસ્યમાં લલિત લાડ, હીરેન અંતાણી ('નવગુજરાત સમય') અને ઘણી વાર સંજય છેલ, સરળ-ગંભીરમાં દીપક સોલિયા, નવલકથામાં- રંગદર્શી છતાં રીસર્ચ ધરાવતાં લખાણોમાં ધૈવત ત્રિવેદી, અભ્યાસપૂર્ણ છતાં રસાળ લેખોમાં હર્ષલ પુષ્કર્ણા, વિશ્લેષણાત્મકમાં રમેશ ઓઝા- ચંદુ મહેરિયાઆર્થિક બાબતોમાં કાર્તિકેય ભટ્ટ, રેશનાલિસ્ટ વલણ ધરાવતાં લખાણમાં મૂરજીભાઇ ગડા, એ સિવાય નીલેશ રૂપાપરા, શિશિર રામાવત, બીરેન કોઠારી, વર્ષા પાઠક, આશિષ કક્કડ, કિરણ જોશી, ઋતુલ જોષી, પ્રણવ અધ્યારુ, જિજ્ઞેશ મેવાણી, હિમાંશુ કીકાણી, આરતી નાયર, પૂર્વાશ્રમના સૌરભ શાહ... હજુ કેટલાંક નામ ભૂલતો હોઇશ.--એવા ઘણા લેખક ગમે છે -- અને આમ કહેતી વખતે મારા મનમાં પ્રમાણપત્ર આપવાનો કે પેટ્રનાઇઝ કરવાનો કોઇ ભાવ નથી.એ મારું કામ પણ નથી. આ અંગત રુચિની વાત છે. મને એ બધા મારી સમકક્ષ અને કેટલાક તો મારાથી ઉપર લાગે છે. આમાંથી કોઇ એક જણ એવો પ્રચાર ચાલુ કરે કે "આપણે તો સર્વાધિક લોકપ્રિય", તો હસવું ન આવે?
(રજનીકુમાર પંડ્યા, નગેન્દ્ર વિજય, વિનોદ ભટ્ટ, પ્રકાશ ન.શાહ- આ બધા તો ગુરુજનો છે. તેમને આ હરોળમાં મૂક્યા નથી)

- લોકપ્રિયતા વિશેની વાત થાય ત્યારે સાવ નજીકનો ભૂતકાળ ભૂલી જવાની કે ભૂલાવી દેવાની જરૂર પડી નથી. માહિતી-વિજ્ઞાન વિષયક લખાણો દ્વારા વાચકોની પેઢીઓ ઘડવામાં નગેન્દ્ર વિજયની, વાચકોનો નક્કર-રોકડો પ્રતિસાદ મળે એવી પ્રચંડ લોકપ્રિયતામાં રજનીકુમાર પંડ્યાની, જેમના છાપું બદલવાથી વાચકો છાપું બદલી નાખે એવી સજ્જડ લોકપ્રિયતામાં અશ્વિની ભટ્ટની, ગુણવત્તાની ચર્ચા કર્યા વિનાની નકરી લોકપ્રિયતામાં પ્રિયકાંત પરીખ કે અમીન કુરેશીની, ફિલ્મવિષયક કોલમમાં સલિલ દલાલની --આ બધાની બરાબરી મારા સહિત કોઇ વર્તમાન કોલમિસ્ટ કરી શકે એમ નથી. આ બધાની વચ્ચે જુદું-પોતીકું સ્થાન જરૂર બની શકે (અને એ જ ઇચ્છનીય ગણાય). પરંતુ તેમને ટપી જવાનો ને તેમને ટપી જઇને સર્વાધિક લોકપ્રિય થવાનો ભ્રમ રાખવો ને રખાવવો હોય, તો ઇતિહાસ ભૂંસવો-ભૂલાવવો પડે.

મને વાંચનારાની સમજ સંકુચિત નહીં, વ્યાપક બને એમાં રસ પડે છે. મારું સ્થાન બનાવવા માટે મારે બીજાને ભૂલાવી દેવા પડ્યા નથી કે "ઠીક છે, એક જમાનામાં હું પણ એ બધાનો ચાહક હતો, પણ હવે તો અખિલ બ્રહ્માંડમાં હું જ છું." એવા દાવા પણ કરવા પડ્યા નથી. બાકી, દાવા માનનારાનું તો શું છે? લોકો જેલમાં રહેલા આસારામના દાવા પણ માની લેતા હોય તો ગુજરાતી કટારલેખકો પ્રમાણમાં (હા, પ્રમાણમાં) ઘણા નિર્દોષ કહેવાય.

- "હું પ્રખર વક્તા છું" અથવા તો "આપણું (ભાષણ) ક્યાંક ગોઠવો ને" એવું પહેલાં કે અત્યારે કદી કહેવું પડ્યું નથી. છતાં, વર્ષો વીત્યે સ્કૂલો-ક્લબો-આચાર્યો-સંસ્થાઓ-કોલેજોમાંથી આમંત્રણ આવતાં ગયાં છે.  વક્તા તરીકે છવાઇ જવા માટે, એક વારના યજમાનને મહિને-પંદર દિવસે ફોન કરીને ખબરઅંતર પૂછવાનું ને એમની સર્કિટમાં "બીજે ક્યાંય ગોઠવાય એવું હોય તો જોજો" એવું કહેવાનું કદી ફાવ્યું નથી. છતાં, વક્તવ્યો માટેનાં આમંત્રણો એની મેળે, એની ગતિએ આવ્યા કરે છે.
અનુભવે સમજાયું છે કે બોલવું એ પ્રમાણમાં સૌથી સહેલું કામ છે. ફક્ત ને ફક્ત મહાવરાથી પણ તેમાં નિપુણતા કેળવી શકાય છે. એ ક્ષેત્રમાં (પ્રકાશ શાહ કે ચંદુ મહેરિયા કે દીપક સોલિયા કે હસિત મહેતા જેવા થોડા અપવાદને બાદ કરતાં) છીછરાપણું સફળતા સાથે સીધો સંબંધ ધરાવે છે. (વર્તમાન કે ભવિષ્યમાં 'બોલવીર' તરીકે છવાવા ઉત્સુકો આને 'સફળતાની ચાવી' ન ગણે, એવી વિનંતી અને અપેક્ષા)

- 2001માં સંદેશની ફુલટાઇમ નોકરી છોડી ત્યારથી નક્કી કર્યું હતું કે હવે પ્રકાશનોમાં લખવું કે તેમની સાથે સંકળાવું ખરું, પણ તેના સ્ટાફના કોટિક્રમમાં- હાયરાર્કીમાં ન જવું. એટલે ત્યાર પછી જ્યાં પણ સંકળાવાનું થયું ત્યાં કન્ટ્રિબ્યુટર તરીકે જ સંકળાયો. છતાં આનંદપૂર્વક અને કરવા જેવું- કરતાં સંતોષ થાય એવું ઘણું કામ થઇ શક્યું છે. હજુ થાય છે.

***
લેખન-પત્રકારત્વમાં શું કર્યું એની વાત ઘણી વાર થતી હોય છે. સાથોસાથ, શું નથી કર્યું એ પણ મને અગત્યનું લાગ્યું. એટલે જેટલું યાદ આવ્યું એટલું અહીં લખ્યું છે. આ બધું નહીં કરનાર હું એકલો નથી. બીજા ઘણા છે. આ માટેનું કોઇ એક મોડેલ પણ નથી. પ્રશાંત (દયાળ) અને દીપક (સોલિયા)ને તો હું વીસ વર્ષથી નજીકથી ઓળખું છું ને તેમને આ બધું નહીં કરતા, છતાં જુદી જુદી રીતે પોતાનું માનભર્યું સ્થાન બનાવતા જોયા છે. એવા બીજા પણ ઘણા મિત્રો હશે, જેમને આ બધું કરવાની જરૂર પડી નથી. છતાં, એ સારી રીતે કામ કરી શક્યા છે.


એવા સૌ મિત્રોને સફરના આ તબક્કે સલામ, આ (બધું નહીં કરવાનો) રસ્તો બરાબર છે તેની સતત પ્રતીતિ કરાવનારા સૌ વાચકોનો દિલથી આભાર અને ફક્ત કામની ગુણવત્તાના કારણે મને નિભાવનાર સૌ સહકર્મીઓ-ઉપરીઓનું પણ સાભાર સ્મરણ.

19 comments:

  1. આપનો આ લેખ literary piece લાગ્યો,ગુણવત્તા ના કારણે જે ટકે એને જ લોકો યાદ રાખતા હોય છે,ખુબ માજા આવી ઉર્વીશભાઈ

    ReplyDelete
  2. એકદમ પ્રામાણિકતાપૂર્વર્ક લખાયેલો લેખ. 👍👍 હાલ એક લીડિંગ ન્યૂઝપેપરમાં લખતા અને ખૂબ જ આશાસ્પદ પત્રકારે એક વખત ફેસબુક પર પોતાના માટે આદર્શ એવા ચાર તંત્રીના નામ લખ્યા હતા. એમાં ચોથું નામ જે તે વખતે તે ન્યુઝપેપરના તંત્રીનું હતું. આગળના ત્રણ મહાનુભાવોની પંગતમાં સ્વાભાવિક પણે આ ચોથું નામ બંધ નહોતું બેસતું. હશે તેમની કોઈ પ્રોફેશનલ મજબૂરી. મેં નીચે કોમેન્ટમાં લખ્યું કે ચોથું નામ તમારે શા માટે લખવું પડ્યું એ સમજી શકાય છે.પ્રત્યુત્તરમાં તેમણે મને બ્લોક કર્યો છે.

    ReplyDelete
  3. ગુજરાતી સમાચાર પત્રોમાં છપાતા કોલમોમાં હવે બે પાંચ અપવાદ બાદ કરતા કોઈ રસ રહ્યો નથી...છાપાની કોલમો કરતા સારા આર્ટિકલ કેટલાક બ્લોગ પર વાંચવા મળે છે...જે પ્રકારની ક્વોલિટીના આર્ટિકલ આજકાલ સાપ્તાહિકમાં આવે છે એ તો જોતા તો લાગે છે કે ગુજરાતી કોલમ લેખન વસૂકી ગયેલી ગાય જેવું થઇ ગયું છે.બાય ધ વે આખા વિશ્વના સર્વાધિક વંચાતા કે સૌથી વધુ સંભળાતા વક્તા ઓ ની વાત આવે છે ત્યારે સાલું એવું થાય છે કે આ લોકોએ એવો સર્વે કરાવ્યો ક્યારે? ક્યારે સૌથી લોકપ્રિય લેખકની ચૂંટણી થઇ અને એ જીત્યા? કે પછી એ બિનહરીફ સાબિત થઇ ગયા...એ લોકોએ સારા સાયકીયાટ્રિકની મદદ લેવી જોઈએ...નહી તો પછી એમને સાચા માનતા મુગ્ધ ચાહકોએ કોઈ સારવાર લેવી જોઈએ

    ReplyDelete
  4. Kiran Trivedi6:14:00 PM

    જાત વીશે લખવું એ અઘરું કહેવાય; શું લખવું, કેવી રીતે લખવુંથી માંડીને એવું તે શું જુદું લખી શકીશું - એ બધી સીમાઓ સાચવી- જરુર પડ્યે વળોટીને સરસ લખી શકાયું! આવું ઉર્વીશ વીશે, તેના ક્ષેત્ર વીશે બીજે ક્યાં વાંચવા મળે!! આભાર અને આવી સરસ કારકીર્દી ઘડી તે માટે અભીનંદન પણ.
    - કીરણ ત્રીવેદી

    ReplyDelete
  5. Anonymous3:23:00 AM

    Kiranbhai aekdam sachi vat.mara mate gujarati lakhan ni gunvatta no aekam ( unit) URVISH chhe!!
    Vinod Solanki

    ReplyDelete
  6. ચંદ્રકાંત બક્ષી કહી ગયા છે કે, પોતાની છાતી પર સ્તેતોસ્કોપ મુકવાનું કામ અઘરું નથી, પણ બેચેન બનાવી દે તેવું છે. ખૂબ સરસ, ઉર્વીશ ભાઈ.

    ReplyDelete
  7. પ્રિય ઉર્વિશ,
    પત્રકારત્વના વીસ વર્ષની આ યાત્રા વાંચવી એ પણ તારા અનેકાનેક લખાણો વાંચવા જેવો જ લહાવો બની રહ્યો.
    મને બે લક્ષણો નજરે ચઢે છે. કોઇકને એ અપલક્ષણ લાગે તો એ તેમનો પ્રોબ્લેમ છે એમ સમજવું.

    એક...આ વીસ વર્ષમાં નજીકના કે દૂરના સંપર્કસ્થાનો કે મિત્રોએ તારી પાસેથી એવી અપેક્ષા નથી રાખી કે તમે પ્રેસમાં છો, પત્રકાર તરીકે સક્રિય છો તો જરા અમથું કે આટલું અમારું છપાવી આપોને. તારા મિત્ર તરીકે મને ઓળખતા કેટલાક લોકો વધુ વજન પાડવાની અપેક્ષાએ જ આવી દરખાસ્ત લઇને મારી પાસે પણ આવે છે. હું એમને ‘આમ નહીં બની શકે’ તેમ કહી શકું છું...ભારપૂર્વક કહી શકું છું...એ પણ તારી સાથેની મિત્રતાને જ કારણે.

    બીજું કે...જાહેર માધ્યમમાં લખનાર તરીકે તું રાજકારણીઓથી અંતર તો ન રાખી શકે. એમ કરવું કદાચ જરૂરી પણ નથી. પણ હા એટલું કહીશ કે તેમની સાથે વાત કરવાના પ્રસંગે (કામ પાર પાડવાના પ્રસંગે નહીં જ) તેં કાયમ અદબ વાળીને સલામત અંતર જાળવી રાખ્યું છે.

    તેં એમને એટલા નજીક ક્યારેય નથી આવવા દીધા કે એ રાજકારણીઓ તારા ખભે હાથ મુકીને વાતો કરી શકે અને પછી તારી સાથેની મિત્રતાનો દાવો ગામ આખામાં કરતા ફરે.

    અઘરું છે તોય આ કામ તેં કરી બતાવ્યું છે તેનો મને ગર્વ છે.

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
    Replies
    1. વાહ. અતિઉત્તમ

      Delete
  8. ....ઉપરોક્ત યાદીમાં તમે મારો સમાવેશ કર્યો છે એવું નહીં કબૂલું તો મારી જાત સમક્ષ જ હું દંભી ઠરીશ. પત્રકારત્વમાં મને પણ ૨૦ વર્ષ થઇ ચૂક્યાં છે પરંતુ હાસ્ય લેખનમાં હજુ તો પા પા પગલી માંડવાનું શરૂ જ કર્યું છે. તમને અને લલિતભાઇને વાંચીને મારે હજુ ક્યાં સ્તરે પહોંચવાનું છે તે વિચારતો હોઉં છું. આ યાદીમાં મારો સમાવેશ તમારી મોટપ અને ઉદારતા દર્શાવે છે. થેન્કસ...!

    ReplyDelete
  9. Salil Dalal4:34:00 PM

    ‘વીસે વાન’ એ વિશે તને શું કહેવાનું હોય? આ લેખમાં વાન બરાબરનો ઉઘડ્યો છે. આપણો પરિચય આજકાલ આખું એક વર્તુળ પુરું કરી રહ્યો હોય એમ લાગે છે... પ્રથમ તું દૂર મહેમદાવાદમાં બેઠો પત્ર લખતો એક વાચક અને હું એક અખબારી કોલમ લેખક, પછી આપણે બન્ને વરસો સુધી ટ્રેનના અપડાઉનિયા સહપ્રવાસીઓ તરીકે ચર્ચવાલાયક લેખોના વાચક, પછી તું સંપાદક અને હું કોન્ટ્રિબ્યુટર, પછી ટેક્નોલોજિકલી ચેલેન્જ્ડ એવા મને મારું પ્રથમ ઇમેઇલ એકાઉન્ટ ખોલી આપવાથી માંડીને બ્લોગ શરૂ કરવા માર્ગદર્શન આપનાર વર્ચ્યુઅલ ગુરુ અને હવે તું એક માતબર અખબારનો નિયમિત વંચાતો કોલમ-લેખક મિત્ર અને હું દૂર કેનેડામાં બેઠો બેઠો કોમેન્ટ લખતો એક વાચક! તારું બે દાયકાનું પ્રવાસવર્ણન વાંચતાં એ આખી યાત્રા આંખ સામેથી પસાર થઈ. એ લેખમાં મારો પણ નામોલ્લેખ જોઇ આનંદ જ આનંદ.
    Thanks Urvish.

    ReplyDelete
    Replies
    1. પ્રિય સલિલભાઇ
      તમને ભલે એ વર્તુળ જેેવું લાાગતું હોય, મારે મન એ રેખા જ છે... મારા મનમાં સૌથી ઊંડી છાપ ધરાવતી મધુર સ્મૃતિ તમારી સાથેના વાચકલેખક સંબંધની છે. તમારા એ વખતના કેટલાક પત્રો હજુ પણ એટલા જ પ્રેમથી સચવાયેલા છે. બાકી બધું તો ચાલ્યા કરે, પણ પેલી જાહેરખબરમાં કહેવાતું હતું એમ, જો ખરા હૈ વો કભી નહીં બદલતા. :-)

      Delete
  10. Anonymous10:04:00 AM

    ઊર્વિશભાઈ ,આભિનન્દન.લગભગ ૨૦૦૮ થી તમને નિયમિત વાંચુ છુ.૨૦૦૧ પહેલા તમને વાંચ્યા હોય તેવુ યાદ નથી.અનેક્વાર વીચારભેદ હોવા છતા તમારી તટસ્થતા માટૅ માન છે.તમ્ને અને વૈચારીક તમારાથી વિરુધ્દ્દ બન્ને પ્રકાર ના લેખ વાંચતા હોવાથી જુદો દ્રશ્તિકોણ જાણવા મળે છે.ક્યારેક ગુજરાત ક્વિન ના ડબ્બા મા મળી જાઓ તેવી આશા છે. તમારી લેખન યાત્રા ચાલુ રહે અને અમારા જેવા ને તમારા વિચારો પિરસતા રહો તેવી અભ્યરથના અને ખુબ ખુબ શુબેછ્છાઓ.
    - રાજન શાહ ( નડીયાદ/વેન્કુવર) rajanoshah at gmail.com

    ReplyDelete
  11. Amazing & Graceful .

    ReplyDelete
  12. વાહ.... ખુબ સરસ...
    અને ખુબ ખુબ અભિનંદન. આવી જ રીતે આવનારા વર્ષો પણ લખાતુ રહે તેવી શુભેચ્છાઓ :)

    તા.ક. 'અરે વાહ. મને લેખકમાં ગણ્યો' આ મજાકથી કોમેંટ શરુ કરીશ એવું વિચાર્યુ હતું. પણ, લેખ પતતા સુધીમાં તો ભૂલાઇ ગયું :(
    તમે યાર, હાસ્ય નથી લખતા ત્યારે સોંસરા ઉતરો છો. (આમ તો હાસ્યમાં પણ. ક્યારેક ખબર પડી જાય છે)

    ReplyDelete
  13. ચંદુ મહેરિયા2:57:00 PM

    પ્રિય ઉર્વીશભાઈ,
    અગાઉ ઝડપથી આ વાંચી ગયેલો ત્યારે કંઈક પ્રતિભાવ આપું એવી આંગળામાં તાકાત નહોતી આજે ફરી નિરાંતે વાંચ્યું ત્યારે ?
    20વરસનો ગાળો ખાસ્સો મોટો કહેવાય આવું બધું ન કરવાનું કરતા રહીને આટઆટલું લખવા બદલ.માર્ટિનભાઈએ તમને એવોર્ડ આપવાનું નક્કી કર્યું અને સન્માનપત્ર મારે લખવાનું આવ્યું ત્યારે એ મેં સજળ આંખે લખેલું.આજે એ લખ્યું સાર્થક લાગે છે.
    કાશ! આ બધું તમે જલસો-6માંથી પરવાર્યા પૂર્વે કે જલસો-7માં ખૂંપ્યા દરમિયાન લખ્યું હોત તો કેટલું સારું થાત.

    ReplyDelete
    Replies
    1. પ્રિય ચંદુભાઇ
      આપણી પહેલી (વ્યવસ્થિત) મુલાકાત હજુ યાદ છે...એ એવોર્ડ જે તબક્કે મળ્યો હતો તેને કારણે મારે મન એની ઘણી કિંમત હતી. તમને સન્માનપત્ર લખ્યાનો પસ્તાવો કદી ન થાય, એવી શુભેચ્છા સામે ચાલીને માગું છું. :-)
      મને લખાણ એટલું અંગત લાગતું હતું કે એ બ્લોગ પર જ મૂકવાનો વિચાર આવ્યો.

      Delete
  14. Urvish bhai,
    Boss khali tamari yatra vishe j lakhu ke tamari drashti ae bija koi ni yatra vishe pan lakhyu chhe :P . ..
    Tamane yar Jay Vasavada nathi gamata column ma ae pan saru lakhe chhe. Tamara jevu pan lakhe chhe kyarek. Aemane pan vancho yar kyarek ...
    Tame ghani var ghanu uttam drashtikon thi lakho j chho. Virodhi vicharo nu vanchava thi magaj ni dhar nikali shake aetale tamaro vicharo no virodh hova chhata pan hun aene vanchu chhu. Mostly.
    Mari comment ke virodh pan spasht ane sara shabdo ma hoy chhe. Tamara amuk mitro mari cooment ne karane massage kari ne gala gali kare chhe ae judhi vat thai.
    20 varas ni lekhak yatra mate abhinanadan .
    Ane potani liti moti karo yar..
    Bija ne pathara marava thi tamari liti thodi na moti thava ni .
    Againg Abhinandan ane agal upar ni yatra mate shubhkamana o.

    ReplyDelete
  15. અભિનંદન બદલ આભાર.
    લીટી મોટી કરવાની સલાહ લાગુ પડતી નથી. એટલે સાભાર પરત.
    બધી વખત લીટીની લંબાઇ માપવાની નથી હોતી. એ પેનની છે કે પેન્સિલની- ત્યાંથી માંડીને ટકાઉ છે કે ભૂંસાઉ, એવી અનેક બાબતો જોવાની હોય છે...પણ એ તો દેખીતી લંબાઇ સિવાયની બાબતો સમજતા હોય એવા લોકો માટે. તમને એ લાગુ પડે તો સ્વીકારજો. નહીંતર મારી જેમ તમે પણ સાભાર અસ્વીકાર કરજો.

    ReplyDelete