Tuesday, May 31, 2016

સુપરપાવર અમેરિકાની 'ટ્રમ્પ-ઘટના'

અમેરિકી રાજકારણના નજીકના ઇતિહાસની કદાચ સૌથી શરમજનક ઘટના ગયા સપ્તાહે બની : રીપબ્લિકન પક્ષના ડોનાલ્ડ ટ્રમ્પે પક્ષની આંતરિક ચૂંટણીમાં જરૂરી મત મેળવી લીધા અને પ્રમુખપદની આખરી સ્પર્ધામાં પોતાની ઉમેદવારી પાકી કરી લીધી.

અમેરિકાના રાજકારણમાં ટ્રમ્પ-ઘટનાપહેલી વારની નથી. ટ્રમ્પને ન્યાય ખાતર કહેવું પડે કે  અણઆવડત, અગંભીરતા, છૂટી જીભથી વાગતા ગોટાળા જેવી બાબતોમાં જ્યોર્જ બુશ (જુનિયર) ટ્રમ્પને મજબૂત હરીફાઇ પૂરી પાડે એવા હતા. છતાં, અમેરિકાના રાજકારણમાં તે રાજ્યના ગવર્નર (મુખ્ય મંત્રી) તરીકે સફળ કારકિર્દી બનાવી શક્યા. ત્યાર પછી બબ્બે મુદત માટે તે અમેરિકાના પ્રમુખ પણ બન્યા. અમેરિકાને યુદ્ધખોરી અને દેવાદારીના રસ્તે છેક આગળ લઇ જવામાં જ્યોર્જ બુશ (જુનિયર)નો મોટો ફાળો હતો. છતાં, તેમણે લોકશાહી ઢબે ચૂંટાઇને આઠ વર્ષ સુધી અમેરિકા પર રાજ કર્યું.

ભારતમાં વર્ષો સુધી એક પક્ષની (કોંગ્રેસની) એકહથ્થુ સત્તા અને તેના વિકલ્પે શંભુમેળા સરકારોની અસ્થિરતાથી ત્રાસેલા ઘણા લોકો અમેરિકા ભણી મીટ માંડતા હતા. તેની પ્રમુખશાહી પદ્ધતિ અને ફક્ત બે રાષ્ટ્રિય પક્ષોની વ્યવસ્થા કેટલાકને આદર્શ અથવા ઇચ્છનીય લાગતી હતી. જ્યોર્જ બુશ (જુનિયર)ની બબ્બે વારની જીતે આ માન્યતા સામે પ્રશ્નાર્થ ઊભો કર્યો હતો. હવે ટ્રમ્પની ઉમેદવારીએ દ્વિપક્ષી પ્રમુખશાહી આદર્શ કે ચડિયાતી હોવાની માન્યતાને સાવ અભરાઇ પર ચડાવી દીધી છે. ભવિષ્યની સ્પર્ધામાં ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ ન બની શકે તો પણ અમેરિકાના રાજકારણને તેમણે એક નવા તળિયે પહોંચાડી દીધું છેઅને તે પ્રમુખ નહીં જ બને એવું ખાતરીપૂર્વક કહી શકાય એમ નથી.

કેમ કે, ડોનાલ્ડ ટ્રમ્પે રૂઢિચુસ્ત ગણાતા રીપબ્લિકન પક્ષમાંથી પોતાની ઉમેદવારી જાહેર કરી, ત્યારે પણ તેમને કોઇએ ગંભીરતાથી લીધા ન હતા. અનેક ધંધા ધરાવતા અબજોપતિ, જીભછૂટા, રીઆલીટી શોમાં રહી ચૂકેલા, પોતાના નામનાં ઉત્પાદનો ધરાવતા, મહિલાઓના મામલે બેશરમ-અસભ્યની છાપ ધરાવતા ટ્રમ્પ આમ પણ અભિમાની માલેતુજારના અમેરિકન નમૂના લેખે વધારે જાણીતા હતા. પ્રમુખપદની ચૂંટણીમાં શરૂઆતના તબક્કે પક્ષનો ઉમેદવાર નક્કી કરવા માટે હરીફાઇ થાય ત્યારે તેમાં આવા નમૂનાની નવાઇ હોતી નથી. તેમના થકી પ્રમુખપદની ચૂંટણીમાં ઠીક ઠીક મનોરંજન ઉમેરાતું હોય છે. પરંતુ એક પછી એક રાજ્યોમાંથી પોતાની ઉમેદવારી માટે ટેકો મેળવવાની, પ્રાયમરી તરીકે ઓળખાતી ગંભીર કવાયત શરૂ થાય, ત્યારે આવા ઉમેદવારો ખડી પડે છે.

બધાની ધારણાથી વિપરીત, ટ્રમ્પના કિસ્સામાં એવું ન બન્યું. છ મહિના પહેલાં જેમની ઉમેદવારીને હસી કાઢવામાં આવતી હતી એ ટ્રમ્પ એક પછી એક વિધ્નો વટાવતા, પોતાની નમૂનાગીરીને જરાય મોળી કર્યા વિના, બલ્કે, એની પર મદાર રાખીને, છેલ્લા તબક્કા સુધી પહોંચી ગયા છે. ટ્રમ્પની ઉમેદવારીમાં અમેરિકાની નામોશી જોનાર વર્ગ હવે એ દુઃસ્વપ્નનો સામનો કરી રહ્યો છે કે આ ભાઇ અમેરિકાના પ્રમુખ બની જશે તો?’

નીતિવિષયક સ્પષ્ટતાઓ કે સૂઝ સાથે ટ્રમ્પને આડવેર છે. અર્થતંત્રથી માંડીને વિદેશનીતિ જેવી બાબતોમાં તેમને સમજ નથી પડતીઅને એ જાણવા માટે ઊંડા અભ્યાસની જરૂર નથી. તેમનાં બે-ચાર ભાષણ સાંભળી કે વાંચી લેવા પૂરતાં છે. પ્રમુખપદના ઉમેદવાર હોવા છતાં, તદ્દન શેરીકક્ષાનાં ભાષણો આપતાં તેમને જરાય ખચકાટ થતો નથી. મુસ્લિમો વિશે એ બેફામ બોલી શકે છે, પાડોશી દેશ મેક્સિકોની સરહદે દીવાલ બાંધવા જેવા મોંમાથા વગરના આઈડીયા ગંભીરતાપૂર્વક ભાષણોમાં કહી શકે છે. રશિયાના માથાભારે (અને કંઇક અંશે પોતાના જેવાં લક્ષણો ધરાવતા) નેતા પુતિન સાથે તે સારા સંબંધ રાખવાની વાત કરી શકે છે. ઘડીકમાં તે ભારતને ગમે એવું, તો ઘડીકમાં એ ભારત વિશે ગમે તેવું બોલી શકે છે. ટ્રમ્પ એક એવી બંદૂક છે, જે ગમે તે દિશામાં ફૂટી શકે છે અને ગમે તેને અડફેટે લઇ શકે છે. સભ્યતાના, સજ્જનતાના અને રાજદ્વારી ગંભીરતાનાં એકેય ધોરણ એમને નડતાં નથી ને એકેય ધોરણમાં તે બંધ બેસતા નથી.

સામાન્ય રીતે, આ સ્તરની ચૂંટણીમાં ઉમેદવારનો એકાદ બફાટ તેની ઉમેદવારીની આકાંક્ષાઓનો અંત આણવા માટે પૂરતો થઇ પડે. પરંતુ ટ્રમ્પના કિસ્સામાં એવું બનતું નથી. એ બફાટ પર બફાટ કર્યે જ જાય છે અને તેમની ઉમેદવારી પર કશી અસર પડતી નથી. ઉલટું, લોકો તેમની કથિતમર્દાનગીઅને વીર ચોખ્ખું કહેવાવાળાની છાપને કારણે તેમનું બધું માફ કરવાના મૂડમાં હોય એમ લાગે છે. આ પ્રકારની માનસિકતા ભારતમાં 2014ની લોકસભા ચૂંટણીઓ પહેલાં જોવા મળી હતી. વિશ્વના બીજા દેશોમાં પણ તેનો ઉદય થયો છે. જેમ કે, યુરોપના દેશ ઓસ્ટ્રિયામાં આ મહિને થયેલી ચૂંટણીમાં એક જમણેરી ઉમેદવાર સહેજ માટે પ્રમુખપદની ચૂંટણી હારી ગયા છે. તેમની હારનો નહીંવત્ તફાવત ઘણાને ચિંતાનું કારણ લાગ્યો છે.

આ પ્રકારના ઉમેદવારો માટે અનુકૂળ સંજોગો પેદા થવાનાં કેટલાંક કારણ: અસ્થિર અર્થતંત્ર, સરેરાશ લોકોમાં પ્રસરેલી અસલામતી, બહારથી પોતાના દેશમાં આવેલા અથવા પરંપરાગત રીતે બીજા’ (ધ અધર) ગણાતા લોકો પ્રત્યેની શંકાશીલ વલણ, ચાલુ સરકારો માટેનો અસંતોષ...આ બધાથી ઘેરાયેલા લોકો સારા-નરસાનો, વાસ્તવિક-અવાસ્તવિકનો કે ઇચ્છનીય-અનિચ્છનીયનો ભેદ પારખવાને બદલે ફિલ્મી સ્ટાઇલમાં શત્રુની સ્પષ્ટ ઓળખ, તેનો પરાજય અને પોતાના દેશનો જયજયકાર ઇચ્છે છે. આવું ફિલ્મી સપનું તેમને જે બતાવે અને જેટલા વધારે બેફામ થઇને બતાવે, એ તેમનો હીરો. આવાં સપનાં બતાવતી વખતે તેને સાચું કેમ કરીને પાડીશું, એવી ચિંતા ટ્રમ્પ પ્રકારના ઉમેદવારે કરવાની હોતી નથી. જમણેરી રાજકારણના ખેલાડીઓ દેશભક્તિના નામે ઠાલી સાથળપછાડથી મર્દાનગીનો આભાસ ઉભો કરવામાં પાવરધા હોય છેપછી તે ભારત હોય, અમેરિકા હોય કે રશિયા.


અમેરિકામાં જેમનું એકંદરે ઠેકાણે છે એવા લોકો અને કેટલાંક પ્રસાર માધ્યમો લોકોને ટ્રમ્પના અસલી રંગોનો પરિચય કરાવી રહ્યાં છે. છતાં, સમસ્યાઓના ઉકેલ માટે સુપરમેનની તલાશ કરતા લોકો, એવો દાવો કરનાર કોઇ મળી જાય તો મૂલ્યો બાજુ પર મૂકીને, બધા અવગુણ નજરઅંદાજ કરીને એવાસુપરમેનને તક આપવા ઉત્સુક હોય એવું અત્યાર સુધીના ઘટનાક્રમ પરથી લાગે છે. ભારતીયો આ ખેલ બે વર્ષ પહેલાં જોઇ ચૂક્યા છે. લાગે છે કે હવે અમેરિકાનો વારો છે.

Monday, May 30, 2016

નંદશંકર મહેતાનું ‘જીવનચિત્ર’ : એક-દોઢ સદી પહેલાંના સુરતની રસઝરતી છબી

અઢળક દેવું કરીને અપાર મોજમઝા કરવી ને મોટાઇ અનુભવવી, એ ભલે વિજય માલ્યાયુગનું લક્ષણ લાગતું હોય, પણ સવાસો-દોઢસો વર્ષ પહેલાંના સુરતમાં દેવું કરવાની બોલબાલા વિશે જાણ્યા પછી એવું જ લાગે કે સમયના ચક્રનો આખો આંટો પૂરો થયો છે. જુઓ આ વર્ણન :

હશે તેને જ કોઇ ધીરશેએવો ખ્યાલ લોકોમાં પ્રચલિત. એટલે જેને બારણે શેઠનો મહેતો (ઉઘરાણી કરવા) ફરક્યો નહીં તે અમીર નહિ, હૈસિયતદાર નહિ. કન્યા તેને કોઇ આપે નહીં... હજાર રૂપિયાના માસિક પગારે અરદેશર કોટવાલને પાંચ લાખનું દેવું! હજારો વાર જપ્તી આવે. માલમતા મિત્રોને ત્યાં સંતાડાય. તે જ્યારે પાછી આવે ત્યારે અડધી જ!આ અરદેશર કોટવાલ પર કામ ચાલ્યું ને એ નિર્દોષ ઠર્યા ત્યારે, ઘરે પાછા જતી વખતે તેમણે દસ દસ હજાર રૂપિયાની બે મોટી થેલી સામે મૂકેલી અને તેમાંથી મુઠ્ઠેમુઠ્ઠા રૂપિયા ચારો તરફ વેરેલા.

આ હકીકત વિનાયક મહેતાએ તેમના પિતા નંદશંકર તુળજાશંકર મહેતાના જીવનચિત્રમાં નોંધી છે. નંદશંકરની વાત પર આવતાં પહેલાં, એ જમાનાની એક ઓર તાસીર :
તે વેળા જે જમાનો અસ્ત પામતો હતો, તે અદ્‌ભૂત હતો. નવાબી પડી પડી પણ ઉજાસ મારી રહી હતી...ફારસીનો પ્રચાર ઝાઝો હતો..શાસ્ત્રીઓની દક્ષિણા કમી થયેલી, એટલે નિષ્કામ સંસ્કૃતનો અભ્યાસ છૂટ્યો...આ ફારસીની ગાંડાઇ એટલે લગી ચાલેલી કે મુત્સદીઓમાં એક્કા કહેવડાવતા રાયજી કુટુંબમાં તો નામ પણ બદલાઇ મિજલસરાય’, ‘સાહેબરાયનામ રખાયાં. સાહેબરાય તો સંધ્યા પણ ફારસીમાં બોલે ને કાળને અનુસરી આ ક્રોધી પુરુષના કુળગોરને પણ ફારસી બોલવું પડતું.

આ સુરતમાં જન્મેલા ત્રણ એ નવો જમાનો ઘડવામાં--લોકોને નવો રસ્તો ચીંધવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું : નર્મદ (જન્મ : ૧૮૩૩), નંદશંકર મહેતા (૧૮૩૫) અને નવલરામ (૧૯૩૬). ત્રણેનાં કાર્યક્ષેત્રો એકબીજામાં ભળતાં, છતાં આમ ઘણાં જુદાં. નંદશંકર મહેતા ગુજરાતી ભાષામાં પહેલી સંપૂર્ણ મૌલિક નવલકથા કરણઘેલોલખીને અમરત્વ પામ્યા. 
Karan Ghelo by Nandshankar Mehta

જતે દિવસે નંદશંકર મોટે ભાગે ફક્ત કરણઘેલોના લેખક તરીકે --અને સામાન્ય જ્ઞાનના એક માર્કના સવાલ તરીકે -- યાદ કરાતા રહ્યા. આ વર્ષે (૨૦૧૬માં) કરણઘેલોનો અંગ્રેજી અનુવાદ પૅંગ્વિનજેવા મોટા અંગ્રેજી પ્રકાશને પ્રગટ કર્યો. તેના ઐતિહાસિક મહત્ત્વને અવગણ્યા વિના, વર્તમાન વાચકોને જુદી રીતે રસ પડે એવી કૃતિ છે નંદશંકરનું જીવનચિત્ર’, જે તેમના પુત્ર વિનાયક મહેતાએ લખ્યું હતું. પહેલી વાર ૧૯૧૬માં પ્રગટ થયેલા એ ચિત્ર’ (ચરિત્ર)નું આ શતાબ્દિ વર્ષ છે.



ચરિત્ર લખનાર વિનાયક મહેતા પિતા નંદશંકરની જેમ વિદ્વાન હતા. પિતાએ કારકિર્દી ગુજરાતી હેડમાસ્તર તરીકે શરૂ કરેલી અને કલેક્ટરપદું તથા રજવાડાના વહીવટ સંભાળ્યા. પુત્ર વિનાયક મહેતા  બ્રિટનમાં સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરીને ભારત આવ્યા. નંદશંકરના પરિવારમાં વિશિષ્ટ પ્રતિભા ધરાવતાં ઘણાં પ્રતાપી નામ વાંચવા મળે છે :  વડોદરાના દીવાન સર મનુભાઇ મહેતા નંદશંકરના પુત્ર, ગુજરાતના જાહેર જીવનમાં પ્રતિષ્ઠા ધરાવતા ડૉક્ટર સુમંત મહેતા નંદશંકરના દૌહિત્ર થાય. નંદશંકરનાં પૌત્રી (મનુભાઇ મહેતાનાં પુત્રી) હંસા મહેતા સામાજિક કાર્યકર-લેખિકા, તો સાંસ્કૃતિક ક્ષેત્રે કાર્યરત અને ઇંદિરા ગાંધીનાં પરમ સખી પુપુલ જયકર પણ નંદશંકરનાં પૌત્રી (વિનાયક મહેતાનાં પુત્રી). પુસ્તકના લેખક વિનાયક મહેતાનાં એક પુત્રી અમરગંગા (અમરુ). તેમના પુત્ર આનંદ મહેતાનાં પુત્રી અંજલિ મહેતા, જે સચિન તેંડુલકર સાથે લગ્ન પછી અંજલિ તેંડુલકર બન્યાં. 
(L to R) Manubhai Mehta, Hansa Mehta, Dr. Jivraj Mehta
વિનાયક મહેતાએ નંદશંકરનું જીવનચિત્રમાં પિતૃકથા અને કુટુંબકથા ઉપરાંત સમયકથાનો પણ ખ્યાલ રાખ્યો. તેથી એ જમાનો સમજવામાં ઉપયોગી થાય એવી ઘણી વિગતો પુસ્તકમાં આવી. કસ્ટમ્સમાં કામ કરતા દાદા તુળજાશંકર વિશે વિનાયક મહેતાએ લખ્યું છે,‘પાંચ રૂપિયાના પગારથી નોકરી શરૂ કરી, અવસાન સમયે પંદર રૂપિયાના દરજ્જે ચઢ્‌યા હતા. તે જમાનામાં પગાર ઉપરાંત દસ્તૂરી (લાંચ) ઠીક મળતી. આ એક જાતનો હક્ક જ સમજવામાં આવતો. એની માગણી કરવાની જરૂર જ પડતી નહિ. જો કોઇ ન લે તો ધન્યવાદ તો ઘેર ગયો, પણ ઓલિયા યા ધૂનીમાં ખપે. આ જમાનામાં સારાંનરસાંનો ખ્યાલ એવો તો હલકો થઇ ગયો હતો કે આવી જાતની દસ્તૂરી મળે તો તે અયોગ્ય છે એમ કોઇ સમજતું નહિ... સામાન્ય ખ્યાલ તો એવો જ હતો કે જોરજુલમ થાય કે અધિકારી વર્ગ પાસેથી વધારે મંગાય તો જ શિક્ષાપાત્ર થવાય. બાકી તો થતું આવ્યું છે તેમ થવા દેવામાં કોઇ દોષ નહિ સમજાતો. આ કારણથી જ તે સમયમાં પગાર ઓછો રાખવામાં  આવતો.

ઓછા પગાર પાછળનો આ તર્ક તપાસનો વિષય છે, પરંતુ જૂના વખતમાં સતયુગ હતો ને મૂલ્યનિષ્ઠાની બોલબાલા હતી, એવું માનનારા માટે આવી તો સાચું ચિત્ર આપતી ઘણી વાતો પુસ્તકમાં નોંધાયેલી છે. અંગ્રેજોના ન્યાય પર ઘણા દેશી લોકોને બહુ ભરોસો હતો. પરંતુ ન્યાય કેવી રીતે વેચાતો તેનું પણ વર્ણન પુસ્તકમાંથી મળે છે. ભ્રષ્ટ અધિકારીને લાંચ તરીકે ભાવતાં ભોજન અપાય અને તેમાં વાદી-પ્રતિવાદી વચ્ચે હરીફાઇ થાય. એકબીજા ઉપર સરસાઇ કરવામાં ઠેઠ ચટણી લગી વાત જતી. હાકેમ પસંદ આવતાં મિષ્ટાન્નની તારીફ કરતો ને મુકર્દમાનો ફેંસલો તે મુજબ આવતો.

લાંચની બોલી પણ ખુલ્લેઆમ અને બેશરમીપૂર્વક બોલાવવામાં આવતી. દુનિયામાં એક ઇશ્વર છે તેના ઉપર મારો ભરોસો છે, એમ કહી વાદી એકઆંગળી ઊંચી કરે, તો તેના જવાબમાં પ્રતિવાદી કહે, ‘નારે, હું તો ત્રિપુટીમાં માનું છું.શિરસ્તેદાર ધીરે રહી કહે,‘ભાઇઓ, કળજુગમાં તો પંચાયતનાં જ ફળ આપે જો.

અત્યારે લોકો વાહનો આડેધડ હંકારે છે, તો એ વખતે બળદગાડાં પૂરપાટ ચલાવવાની ફૅશન હતી. વિનાયક મહેતાએ નંદશંકરના નાના વિશે લખ્યું છે,‘(તેમને) જુવાનીમાં બળદની ગાડી હાંકવાનો ભારે શોખ હતો. એ તો જગજાહેર છે કે ગાડી હાંકવાનો શોખ થયો તો કયા સુરતવાસીએ ગાડી ધીરી હાંકેલી સાંભળી? એક વાર ગાડી ઊંધી વળી જવાથી તેમનો હાથ ભાંગ્યો હતો. છતાં બેલગાડી હાથે હાંકવાની ને તે પણ ધમધોકાર હાંકવાની કુટેવ ગઇ નહિ.

૧૮૫૭ના સંગ્રામમાં દેશી રાજાઓ હાર્યા, ત્યારે એ સમયના ઘણા સુધારકોએ હાશકારો વ્યક્ત કર્યો હતો. નંદશંકરનો પણ એવો જ મત હતો,‘પરરાજ્ય તો પરરાજ્ય, પણ સડેલા મોગલો અને લુંટારા મરાઠા કરતાં તેના (અંગ્રેજના) રાજ્યમાં હજાર ગણું વધારે સુખ હતું. આથી નવી કેળવણી પામેલામાંથી તો સોએ પંચાણું ટકા બળવાખોરોની વિરુદ્ધ રહ્યા.અલબત્ત, એ વખતે એવા લોકો પણ હતા, જે નાનાસાહેબનું રાજ પાછું આવશે, એમ માનીને મરાઠી શીખવા લાગ્યા હતા.

(અંગ્રેજી રાજમાં સૌથી મોટું પરિવર્તન ઝીલનારાં ક્ષેત્રોમાનું એક હતું : કેળવણી. તેની વાત આવતા સપ્તાહે)

Wednesday, May 25, 2016

સૂરજ રે, જલાતે રહેના...

ક્રિકેટમૅચના સ્કોર કે શૅરબજારના સૅન્સેક્સ જેવા આંકડાની ચિંતા કરનારા લોકોનું ગયું સપ્તાહ એક જુદા પ્રકારના આંકડાની ચર્ચા કરવામાં વીત્યું.વાત તો ડિગ્રીની જ હતી, પણ એ ડિગ્રી વડાપ્રધાનની નહીં, થર્મોમીટરની હતી. બન્ને મામલા ગરમાગરમ હતા અને બન્ને પ્રકારની ડિગ્રીની ખરાઇ ચર્ચાસ્પદ રહી. છતાં, એકાદ સપ્તાહ પૂરતો થર્મોમીટરની ડિગ્રીનો આતંક લોકોનાં મનમાં અને સ્માર્ટફોનના સ્ક્રીન પર છવાયેલો રહ્યો.

વડાપ્રધાને દેખાડેલું ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન ગરમીના દિવસોમાં વ્યાપક સ્તરે સાકાર થયુ-- ભલે વાંકદેખા મીડિયાએ તેની નોંધ લેવા જેટલી મૌલિકતા ન દેખાડી હોય. અગાઉની સરકારોના વખતમાં ઘણા લોકો છાપામાં ગરમીના આંકડા વાંચીને પશ્ચાદ્‌વર્તી (ગુજરાતીમાં કહીએ તો, રેટ્રોસ્પેક્ટિવ) અસરથી ગરમીના હાયકારા કરતા હતા. જોયું? છાપામાં લખ્યું છે કે કાલે ૪૪ ડિગ્રી હતી, ને કાલે જ હું ભરબપોરે બહાર ફરતો હતો. આ વાંચ્યા પછી લાગે છે કે ૪૪ ડિગ્રીમાં રખડવા બદલ પટકાઉં નહીં તો સારું. ખરેખર, આ ગરમીનો --એટલે કે તેના સમાચારનો-- બહુ ત્રાસ છે.

આ વખતે નવી સરકારની ડિજિટલ ઇન્ડિયાસ્કીમ એટલી અસરકારક રીતે અમલી બની કે ગરમીના આંકડા વાંચીને હાયવોય કરવા માટે લોકોએ જૂનવાણી યુગનાં છાપાં પર આધાર રાખવાનું છોડી દીઘું અને સૌ ડિજિટલ યુગમાં દાખલ થયા. ગયા સપ્તાહે ગરમીનું બૂમરાણ મચાવનારા મોટા ભાગના લોકો સ્માર્ટફોનધારક હતા. ફોનના સ્ક્રીન પર ૪૯-૫૦ ડિગ્રીના આંકડા જોઇને તેમને બેચેની લાગવા માંડી, માથું ચકરાવા લાગ્યું. તેનો નીવેડો છાશ પીવાથી કે માથે ભીનાં પાણીનાં પોતાં મૂકવાથી આવે એમ ન હતો. સ્ક્રીન થકી માથે ચઢેલી ગરમીનું મારણ એક જ હતું : ગરમીનો આંકડો દેખાડતા સ્ક્રીનની તસવીર (સ્ક્રીનશૉટ) સોશ્યલ મિડીયા પર મૂકીને રાહતનો શ્વાસ લેવો. ફેસબુક-વૉટ્‌સેપ પર ગરમીનું સ્ટેટસ વેળાસર અપડેટ નહીં કરીએ તો સભ્ય સમાજમાંથી બહાર ફેંકાઇ જઇશુંએવી ચિંતાથી ઘણા લોકો તપારો-બફારો-દઝારો અનુભવવા લાગ્યા. એ પણ ગરમીની જ અસર ન કહેવાય?

ફિલ્મોના પ્રતાપે મોટા ભાગના લોકોને પોલીસની થર્ડ ડિગ્રીનો ખ્યાલ હોય છે, પણ સૂરજની થર્ડ ડિગ્રી કેવી હોય તેનો અનુભવ આ ઉનાળે પાકા પાયે થયો. ઉપરવાળા માટે કહેવાય છે કે એની લાકડીમાં અવાજ નથી હોતો. સૂરજની લાકડીપણ એવી જ હતી. તેનો ત્રાસવાદ દેખીતી રીતે પુરવાર કરવાનું અઘરું હતું, પણ તેના આતંકના પરચા એસી ઑફિસથી માંડીને ખુલ્લી સડક સુધી જોવા મળ્યા. એસી ઑફિસમાં કામ કરતા લોકો લોકો લાંબો સમય ઑફિસમાં બેસવા લાગ્યા અને સાહેબોના મનમાં પોતાની નિષ્ઠાનો ભ્રમ પેદા કરવા લાગ્યા. સાહેબોને રહેતે રહેતે સમજાયું કે આ ભાઇ (કે બહેન) વેળાસર ઑફિસે આવી જાય છે ને સમય પૂરો થયા પછી પણ થોડી વાર રહીને નીકળે છે, એ માટે પોતાનો નહીં, સૂર્યનો આતંક જવાબદાર છે.

સૂર્યનો ત્રાસવાદકે સૂર્યનો આતંકજેવા શબ્દપ્રયોગો આમ તો વાજબી નથી. મેઘાણીની બહારવટિયા પરંપરાના પ્રેમીઓ તેને સૂરજનું બહારવટુંકહી શકે. કારણ કે મૂળભૂત ગુનેગાર સૂરજ નથી. સૂરજ તો જે છે, તે જ છે. પણ માણસોની આડેધડ, અવિચારી વિકાસદોડને લીધે, પર્યાવરણના સત્યાનાશને લીધે સૂરજ એવો આકરો લાગે છે, જાણે માણસજાત સામે બહારવટે ચડ્યો હોય.

આવી ગરમીથી બચવા કે તેને અટકાવવા શું કરવું જોઇએ, એ અંગે વિવિધ લોકોનાં સૂચન લેવાયાં હોત તો?

પાટીદાર આંદોલન સમિતિ
અમે માનીએ છીએ કે હાર્દિક પટેલને મુક્ત કરવામાં આવશે અને અમારી અનામત સહિતની તમામ માગણી સંતોષવામાં આવશે, તો તાપમાનનો પારો ૪૮ની આસપાસથી સીધો ૩૮ની આસપાસ આવી જશે. કારણ કે, ૧૦ ડિગ્રી ગરમી તો અમારા આંદોલનની જ હશે. એક વાર સરકાર અમારી શરતો સ્વીકારી લે તો પછી અમે એવી માગણી પણ કરવાના છીએ કે ગુજરાતમાં ઠંડકની પણ અનામત પ્રમાણે વહેંચણી કરવામાં આવે. વ્યવહારમાં આવું કેવી રીતે થાય એની અમને ખબર નથી, એ અમારો વિષય નથી ને એ જાણવાની અમને પરવા પણ નથી. એ કામ સરકારનું છે ને સરકાર એનો અમલ નહીં કરે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. જય સરદાર.

આનંદીબહેન પટેલ
લોકો ભલે એવી અફવા ફેલાવ કે હું હસીશ તો આપોઆપ તાપમાન નીચું આવી જશે. આ અને મારા વિશેની બીજી તમામ અફવાઓનું હું ભારપૂર્વક ખંડન કરું છું. આટલી કાળઝાળ ગરમીમાં મારી પ્રજા શેકાતી હોય ત્યારે બહેન જાય છેએવી અફવા ફેલાવવા બદલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકી દેવાનો વિચાર મને આવ્યો હતો. પણ પછી થયું કે આવી ગરમીમાં બીજી કોઇ સુવિધા તો છે નહીં ને ઇન્ટરનેટ પણ નહીં હોય, તો લોકો કરશે શું? અને એમનો રોષ કદાચ મારી પર ઠલવાય. આ સ્પષ્ટતાનો અર્થ કોઇએ એવો ન કાઢવો કે ગરમી ઓછી થયા પછી મારી જવાની શક્યતાઓ છે.

ઍન્કાઉન્ટર કરનાર જાંબાઝઅફસરો
ત્રાસવાદ નાબૂદ કરવા માટે અમે કોઇ પણ હદે જવા ઉત્સુક હોઇએ છીએ. માથે સાહેબોનું છત્ર હોવું જોઇએ અને અમને જાંબાઝ-વીર-બહાદુર ગણનાર ભક્તમંડળ હોવું જોઇએ, બસ. સૂર્ય આતંક મચાવતો હોય અને તેના ઍન્કાઉન્ટરથી અમારા સાહેબોને કંઇક ફાયદો થવાનો હોય, તો એનું પણ ઍન્કાઉન્ટર કરી નાખવું જોઇએ, એવું અમારું આગ્રહપૂર્વકનું સૂચન છે. એક વાર ઍન્કાઉન્ટર કરી નાખ્યા પછી આપણે કાયમની જેમ જાહેર કરી દેવાનું કે આ સૂર્ય વાસ્તવમાં પાકિસ્તાને મોકલેલો ત્રાસવાદી હતો, જે ભારતના વડાપ્રધાનને બદનામ કરવા માટે સૂર્યનું માયાવી સ્વરૂપ ધારણ કરીને આવ્યો હતો. (અમને જાંબાઝને જાન પર ખેલનારાતરીકે પૂજી શકતી પ્રજાને ત્રાસવાદી માયાવી સ્વરૂપ ધારણ કરીને સૂર્ય બની શકે, એવું સ્વીકારવામાં તકલીફ ન પડવી જોઇએ.) અમે સૂરજનું ઍન્કાઉન્ટર કરી નાખીએ એટલે દુષ્ટ સૅક્યુલરિસ્ટો રાબેતા મુજબ કકળાટ કરશે, પણ એમની અમને પરવા નથી. અમારી બિરદાવલીઓ ગાનારાના મુખેથી ઝરતી અમારી પરાક્રમગાથા અમને દેશહિતનાં આવાં કાર્યો કરવા માટે પ્રેરે છે અને પ્રેરતી રહેશે.

ગુજરાત કૉંગ્રેસ
અમે રાહુલજીને ગુજરાતમાં બોલાવીને ઠેરઠેર તેમની સભાઓ યોજવા માગીએ છીએ. રાહુલજી દેશનું ભવિષ્ય છે. રાહુલજી ભારતની આવતી કાલ છે. રાહુલજી યુવા નેતૃત્વની સક્ષમ મિસાલ છે...અને અમારો અનુભવ છે કે રાહુલજી જ્યાં જાય ત્યાં બધું ટાઢુંબોળ થઇ જાય છે. તો પછી તેમની આ પ્રતિભાનો લાભ ગુજરાતને શા માટે ન અપાવવો?

Tuesday, May 24, 2016

કોંગ્રેસ : જાગીને જુએ તો...

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીએ કોંગ્રેસ વિશે કેટલાંક જૂનાં સત્યો તાજાં અને નવાં સત્યો ઉજાગર કરી આપ્યાં.

જેમ કે, કોંગ્રેસ શીતનિદ્રામાં સરી ગયેલો પક્ષ છે. શીતનિદ્રામાં જનારાં પ્રાણીઓ શિયાળો પૂરો થયે ફરી જીવતાં થવાની તક હોય છે, પણ એ જીવતાં થાય જ એ અનિવાર્ય નથી. છેલ્લાં બે વર્ષમાં કોંગ્રેસની વર્તણૂંક જોતાં તે ફરી ચેતનવંતી થશે કે કેમ, એ વિશે ગંભીર શંકાઓ જાગી હતી. ચૂંટણીનાં પરિણામ એ શંકાને ટેકો કરી રહ્યાં છે. આંકડાપ્રેમીઓએ કહ્યું છે તેમ, હવે ભારતના માંડ છ ટકા ભૌગોલિક હિસ્સા પર કોંગ્રેસશાસિત સરકાર બચી છે. નવાઇ એની પણ નથી. સૃષ્ટિની જેમ રાજકારણમાં આવી ઉથલપાથલો થયા કરે. પરંતુ કોંગ્રેસની બોધપાઠ નહીં લેવાની વૃત્તિ નોંધપાત્ર છે.

લોકસભાની ચૂંટણીમાં બેઠકસંખ્યાની રીતે બે આંકડામાં આવી ગયેલી અને સંખ્યાત્મક રીતે વિરોધપક્ષના નેતાનો દરજ્જો પણ ન મળે, એટલી હદે કોકડું થઇ ગયેલી કોંગ્રેસ માટે એ પણ એક તક હતી. કેટલીક વાર સાદી સારવાર કામ ન લાગે, ત્યારે શોક થેરપી કામ કરતી હોય છે. એ ન્યાયે લોકસભામાં પછડાટ પછી કોંગ્રેસ નવેસરથી મોટું મશીન ચાલુ કરવાની કવાયત આદરી શકી હોત. રાજકારણમાં કશું અશક્ય કે કાયમી નથી હોતું. પરંતુ રાહુલ ગાંધી-સોનિયા ગાંધીનો સતત બચાવ કરવાની, તેમને કોઇ દોષ નહીં આપવાની અને જે કંઇ સારું થાય તે બધાનું શ્રેય એમને જ આપવાની વૃત્તિથી કોંગ્રેસ શાહમૃગ અને ડાયનોસોરનું વિચિત્ર સંયોજન બની ગઇ છે. વિધાનસભાની ચૂંટણીઓમાં કોઇ એક જ પક્ષ નિર્વિવાદપણે પરાજિત તરીકે ઉભર્યો હોય તો એ કોંગ્રેસ છે. પરંતુ હજુ એ પાંચ ચૂંટણીઓના સરવાળામાં પોતાની બેઠકો વધારે છે, એવાં આશ્વાસનો લીધા કરશે તો તેનું રહ્યુંસહ્યું ડૂબવાનું પણ નક્કી છે.

કોંગ્રેસે એ સ્વીકારી લેવાની જરૂર છે કે તેની સીધી સ્પર્ધા હવે ભાજપ સાથે નથી. કારણ કે કોંગ્રેસ હવે રાષ્ટ્રિય પક્ષ રહ્યો નથી. યુપીએના જમાનાની રાજસી માનસિકતામાંથી બહાર આવીને સોનિયા ગાંધી-રાહુલ ગાંધી અને તેમના સલાહકાર મંડળે હવે ઇંચ-ઇંચ જમીન માટે, ખરું જોતાં અસ્તિત્ત્વ માટે સંઘર્ષ કરવાનો વારો આવ્યો છે. અને તેમાં જવાહરલાલ નેહરુની મહાનતા કે ઇંદિરા ગાંધીની કાબાગીરી કોઇ કામ આવે તેમ નથી. સોનિયા ગાંધીએ રાજકારણમાં કેળવેલી અને દર્શાવેલી રાજકીય ચતુરાઇ પણ સંઘર્ષ કરીને નવેસરથી બેઠા થવાની પ્રક્રિયામાં કેટલી કામ આવે એ સવાલ છે. માટે, કોંગ્રેસ ભવ્ય ભૂતકાળના મિથ્યાભિમાનમાંથી જેટલી વહેલી બહાર આવે અને જમીની કામધંધે લાગે, એટલું એનું ભલું છે.

બીજા અનેક લાયક ઉમેદવારો મૂકીને રાહુલ ગાંધીને વડાપ્રધાનપદ માટે રજૂ કરવાનું જોખમ કોંગ્રેસે લીધું અને તેનું પરિણામ પણ ભોગવ્યું. ઠીક છે. પણ એક દાયકા સુધી રાહુલ ગાંધીને દૂધપાક ખેલાડી તરીકે રમાડીને અને વાસ્તવિક સત્તાથી-જવાબદારીથી-ઉત્તરદાયિત્વથી દૂર રાખીને એક રીતે કોંગ્રેસે પોતાનું અને રાહુલ ગાંધીનું મોટું નુકસાન કર્યું છે. લોકો બીજા બધાથી કંટાળીને જ્યાં સુધી રાહુલ ગાંધીને વડાપ્રધાન નહીં બનાવે ત્યાં સુધી અમે રાહ જોવા તૈયાર છીએ એવી વૃત્તિને વફાદારી નહીં, આત્મઘાત કહેવાય અને આવું માનનાર હિતેચ્છુ નહીં, હિતશત્રુ ગણાય. ધારો કે રાહુલ ગાંધી અત્યંત સજ્જન હોય, તો પણ આ ક્ષેત્રમાં તે નિષ્ફળ ગયા છે તેનો સ્વીકાર જેટલો ઝડપથી થાય, એટલો કોંગ્રેસના અને દેશના ફાયદામાં છે.

કોંગ્રેસ માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે તેની તાકાત ગણાતું તેનું વૈવિધ્ય ગાંધી પરિવારની ધરી ન હોય તો વેરવિખેર થઇ શકે છે. જુદા જુદા ક્ષેત્રીય નેતાઓની ભારી ગાંધી પરિવારનું દોરડું ન હોય તો છૂટી પડી જાય. બીજી તરફ, એ દોરડું જ એટલું મજબૂત રહ્યું નથી કે તે ભારીને એકજૂટ રાખીને મુકામ સુધી પહોંચાડી શકે. આ સંજોગોમાં દોરડું બદલાય અથવા ભારી છૂટી પડે. આસામમાં ત્રણ મુદતથી મુખ્ય મંત્રી રહેલા કોંગ્રેસી તરુણ ગોગોઇ પુત્રપ્રેમમાં પોતાના સમર્થ સાથી હિમંતાવિશ્વ શર્માની ઉપેક્ષા કરતા રહ્યા. ચૂંટણી જીતાડવામાં મહત્ત્વના ખેલાડી ગણાતા શર્મા છેવટે નારાજ થઇને ભાજપમાં જોડાઇ ગયા અને આસામમાંથી કોંગ્રેસનું શાસન ઉખાડવામાં મહત્ત્વનું પરિબળ બની રહ્યા. પુત્રપ્રેમ અને રાજકીય ભવિષ્ય—બન્ને સાથે લાંબા સમય સુધી ફળદાયી બની શકતાં નથી. ગોગોઇ હોય કે ગાંધી, માવતરોએ આ વાત સમજવાની હોય છે. પરંતુ સાહેબને (કે મેડમને) કોણ કહે કે તમારું મોં પક્ષપાતથી ગંધાય છે?

ભાજપ ભલે ગમે તેવા દાવા કરે, આસામમાં તેનો વિજય મહદ્ અંશે ભાજપની નીતિવિષયક બાબતો થકી નહીં, કોંગ્રેસથી અસંતુષ્ટ નેતાઓ ભાજપમાં ભળ્યા અને તેમની મદદથી (તથા કેન્દ્રના હાઇકમાન્ડની દખલગીરી વિના) સ્થાનિક સ્તરે અસરકારક વ્યૂહરચનાઓ ગોઠવાઇ, તેના કારણે થયો છે. બાકી, ભાજપી રાજકારણના સ્વીકારનો જ મામલો હોત તો પશ્ચિમ બંગાળમાં ભાજપી નેતાગીરીએ કઇ વાતે કસર છોડી હતી? પરંતુ પક્ષપ્રમુખ અમિત શાહની કહેવાતી જાદુગરી હવામાં ઓગળી ગઇ અને બંગાળમાં ભાજપને પરાજયનો કડવો ઘૂંટડો પીવો પડ્યો.

કોંગ્રેસની મુશ્કેલી એ છે કે તેણે હવે ફક્ત ભાજપ સામે નહીં, બીજા અનેક વ્યક્તિકેન્દ્રી ક્ષેત્રિય પક્ષોના મુખિયા સાથે પનારો પાડવાનો થશે—અને એ પણ પોતે સિંહાસન પર બેસીને અને એ લોકોને દરબારી તરીકે ગણીને નહીં. તેમને સરખેસરખા અને હકીકતમાં તો પોતાના કરતાં વધારે સત્તા ધરાવતા નેતાઓ તરીકે સ્વીકારીને. કારણ કે એ નેતાઓ પાસે કંઇ નહીં તો છેવટે એક રાજ્ય તો એવું છે, જ્યાં તેમનો દબદબો હોય અને તેમના પક્ષની સરકાર હોય. કોંગ્રેસ પાસે કર્ણાટકના અપવાદને બાદ કરતાં એવું એકેય મોટું રાજ્ય બચ્યું નથી. એટલે કોંગ્રેસ માટે સૌથી પહેલું કામ રાષ્ટ્રિય સ્તરે ભાજપને ટક્કર આપવાનું નહીં, થોડાં કે એકાદ રાજ્યમાં પણ નવેસરથી પોતાનો પાયો ઊભો કરવાનું છે. એ કામ હાઇકમાન્ડના રીમોટ કન્ટ્રોલથી નહીં, સ્થાનિક નેતાગીરીના સ્વીકારથી ને તેમને મોકળાશ આપવાથી શક્ય બને છે.

હજુ કોંગ્રેસ અને કોંગ્રેસીઓ એવી આશા સેવતાં હશે કે રાહુલ ગાંધી ભલે ન ચાલ્યા, પ્રિયંકા ગાંધી આવશે અને કોંગ્રેસનો ઉદ્ધાર કરી નાખશે તો ગાંધીપરિવારના ભક્તો તેને વિજેતા વ્યૂહરચના તરીકે ભલે વધાવી લે, પણ કોંગ્રેસ માટે એ નાલેશી ગણાશે. પ્રિયંકા ગાંધી જીતાડે કે નહીં એ મુદ્દો જ નથી. કોંગ્રેસ કારમી પછડાટો ખાધા પછી બેઠા થવાની ક્ષમતા ગુમાવી ચૂકી હોય અને પ્રિયંકા ગાંધી જેવા શોર્ટકટ ઉપર હજુ પણ તેનો આધાર હોય, તો એ ગાફેલિયતની-પરિવારભક્તિની હદ ગણાય.


સોનિયા ગાંધી માટે સવાલ ભલે તેમના પુત્રની કારકિર્દીનો કે પક્ષના શાસનનો હોય, નાગરિકો માટે રાષ્ટ્રિય સ્તરના અસરકારક વિપક્ષનું હોવું એ લોકશાહીની તંદુરસ્તીનો પ્રશ્ન છે. 

Monday, May 23, 2016

‘આ અવતરણ મારું નથી’ : ગાંધીજી, વૉલ્તેર, ચર્ચિલ...

વિદ્વાન દેખાવું હોય તો અવતરણ ટાંકવાં પડેઆવું કોઇએ કહ્યું નથી. છતાં, ઘણા વક્તાઓ તેને બ્રહ્મવાક્ય માનીને ભાષણોમાં અચૂકપણે અને આત્મવિશ્વાસપૂર્વક અવતરણો ટાંકે છે. ઇન્ટરનેટ અને સોશ્યલ મિડીયાના જમાનામાં તો અવતરણોના સાગર છલકાયા છે. એકાદ ચિત્ર કે તસવીર અને સાથે વાંચીને જ એવી કીકઆવી જાય કે તેનો અમલ કરવાની જરૂર ન રહે એવું અવતરણ, એટલે  કામ થઇ ગયું. ઘણાંખરાં ચાલુ અવતરણ એટલે ચિંતનનો આભાસ કરાવતો, પ્રેરણાનો ઇન્સ્ટન્ટ ડોઝ.

શિક્ષક કભી સાધારણ નહીં હોતા’--આ અવતરણ અને તેની સાથે ખુલ્લી શીખાવાળા ચાણક્યનું તેજસ્વી ચિત્ર સોશ્યલ મિડીયા આવ્યું તે પહેલાંનાં ચલણમાં છે. અનેક ભાષણોમાં અસંખ્ય વક્તાઓ એવા આત્મવિશ્વાસપૂર્વક આ અવતરણ ટાંકે છે, જાણે તેમણે ચાણક્યે તેમને જ કહ્યું હોય. અહોભાવિત-આફરીન થઇ જવાની સ્વીચ લપટી પડી ગઇ હોય, તો અવતરણોના વરસાદમાં નહાવાની બહુ મઝા આવે. પરંતુ સામાન્ય સમજ વાપરવાની કુટેવ હોય તો તરત સવાલ થાય કે ચાણક્ય  હિંદીમાં શી રીતે અવતરણ આપે? એમના સમયમાં હિંદી ભાષા જ ન હતી. બને એવું કે કોઇ ઉત્સાહીએ ચાણક્યનો એકાદ હિંદી અનુવાદ વાંચી કાઢ્‌યો હોય અને તેમાંથી આ અવતરણ કે તેની નજીકનો અર્થ ધરાવતું કશુંક શોધી કાઢ્‌યું હોય, એટલે કામ થઇ ગયું.

બહુ દૂરના ભૂતકાળના ચાણક્યની વાત જવા દો, ગાંધીજીના નામે પણ આવું એક બનાવટી અવતરણ ચાલે છે, જે એટલું સૂત્રાત્મક છે કે કોઇને પણ માની લેવાનું મન થાય. અનેક આંદોલનો વખતે અને એ સિવાય પણ છૂટથી વપરાતું એ અવતરણ છે : બી ધ ચેન્જ યુ વિશ ટુ સી ઇન ધ વર્લ્ડ.’ (જગતમાં પરિવર્તન ઝંખનારા, તમે પોતે સાક્ષાત્‌ પરિવર્તન બનો) 

આ વાક્યના ભાવાર્થમાં કશો ગોટાળો નથી. સમાજપરિવર્તન માટે વ્યક્તિપરિવર્તન જરૂરી છે. મુશ્કેલી ફક્ત એટલી છે કે ગાંધીજીએ આવું કશું કહ્યું ન હતું. ઉત્તમ રીતે દસ્તાવેજીકરણ પામેલાં ગાંધીજીનાં લખાણોમાં ક્યાંય આવું કોઇ વાક્ય આવતું નથી, એવું અભ્યાસીઓએ ખોંખારીને કહ્યું છે. આવા કિસ્સામાં એવું થાય કે ગાંધીજીના લાંબા લખાણના સારરૂપે કોઇ અભ્યાસીએ આવું સૂત્રાત્મક વાક્ય મૂક્યું હોય, જે સરવાળે ગાંધીજીના અવતરણ તરીકે ચાલતું થઇ જાય.

ગાંધીજીના અવતરણ જેવું જ વૉલ્તેરના કિસ્સામાં બન્યું. વિખ્યાત ફ્રેન્ચ ફિલસૂફ વૉલ્તેરનું વિચારભેદના સંદર્ભે વારંવાર રજૂ કરાતું અવતરણ છે, ‘તમારી વાત સાથે હું અસંમત છું, પણ એ કહેવાના તમારા અધિકારનું હું પ્રાણાંતે પણ રક્ષણ કરીશ.વાસ્તવમાં વૉલ્તેરે આવું ક્યાંય લખ્યું નથી. તો પછી એ વિધાન વૉલ્તેરના નામે ચઢ્‌યું શી રીતે? તેનો એક સંભવિત જવાબ છે : વૉલ્તેરના ૧૯૦૬માં પ્રગટ થયેલા ચરિત્ર ધ ફ્રૅન્ડ્‌ઝ ઑફ વૉલ્તેરમાં અંગ્રેજ લેખિકા હૉલે અન્ય એક ફ્રેન્ચ ફિલસૂફ પ્રત્યે વૉલ્તેરનો અભિગમ વ્યક્ત કરવા માટે આવું વાક્ય રચ્યું હતું. એટલે કે, એ વૉલ્તેરનું પોતાનું અવતરણ નહીં, પણ તેમના અભિગમની સમજૂતી હતી. પરંતુ તે પહેલા પુરૂષમાં લખાઇ હોવાથી, વૉલ્તેરના વિધાન તરીકે જગમશહુર બની ગઇ.

ગાંધીજી કે વૉલ્તેરની જેમ અમેરિકન કવયિત્રી માયા ઍન્જેલુ પોતાના ક્ષેત્રમાં અત્યંત પ્રતિભાશાળી હોવા છતાં, એક એવું અવતરણ તેમની ઓળખ બન્યું, જે તેમનું હતું જ નહીં. અ બર્ડ ડઝન્ટ સિંગ બીકૉઝ ઇટ હૅઝ ઍન આન્સર. ઇટ સિંગ્સ બીકૉઝ ઇટ હૅઝ અ સૉંગ.’ (પંખી એટલા માટે નથી ગાતું કે તેની પાસે જવાબ છે. પંખી ગાય છે કારણ કે એના મનમાં ગીત છે.) 

બીજા તો ઠીક, અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ આ વાક્ય (કે પંક્તિ) માયા ઍન્જેલુની હોવાનું કહ્યું. અમેરિકાના પોસ્ટવિભાગે માયા ઍન્જેલુની ટપાલટિકિટ બહાર પાડી, તેની ઉપર પણ આ જ લીટી મૂકવામાં આવી. પરંતુ વૉશિંગ્ટન પોસ્ટઅખબારે શોધી કાઢ્‌યું કે આ લીટી ૧૯૬૭માં પ્રકાશિત થયેલા જૉન વૉલ્શ એન્ગલન્ડના બાળવાર્તા સંગ્રહમાં હતી. મઝાની વાત એ છે કે ખુદ માયા ઍન્જેલુએ આ લીટી પોતાની છે એવું કદી કહ્યું નથી. છતાં, તે પ્રબળપણે તેમના નામે ચડી ગઇ અને તેમની ટપાલટિકિટ સુધી પહોંચી ગઇ.

પોતાનું ન હોય એવું વિધાન પોતાના નામે ફરતું થઇ જાય તો એ ઘણી વાર જીવલેણ કે કારકિર્દીલેણ નીવડી શકે છે. ચૂંટણીઓ વખતે ઘણી વાર નેતાઓનાં વિધાનોને તોડીમરોડીને, તેમાંથી અનુકૂળ અર્થો કે અનર્થો કાઢીને તેને લોકો સુધી પહોંચાડવામાં આવે છે. એનાં સૌથી ખતરનાક ઉદાહરણોમાંનું એક વિધાન લોહિયાળ ફ્રેન્ચ ક્રાન્તિનાં ખલનાયિકા, લુઇ સોળમાનાં રાણી મૅરીના નામે બોલે છે,‘એમની (ગરીબોની) પાસે ખાવા માટે બ્રેડ ન હોય, તો એ લોકો કેક ખાય.અસલમાં રાણી મૅરીએ આવું કદી કહ્યું ન હતું. આ પ્રકારનું વિધાન ફ્રેન્ચ ફિલસૂફ રુસોએ તેમના પુસ્તક કન્ફેશન્સમાં એક અનામી રાજકુમારીના મોઢે મૂક્યું છે. પરંતુ ફ્રૅન્ચ ક્રાંતિ વખતે શાહી દંપતિ સામે અસંતોષ ભડકાવવા કે ભડકેલા અસંતોષમાં પેટ્રોલ છાંટવા માટે આ વિધાન રાણી મૅરીના નામે વહેતું કરવામાં આવ્યું અને તેની ધારી અસર થઇ. હજુ આજે પણ શાસકોની ભપકાબાજીની ટીકા કરવા માટે એ વિધાન રાણી મૅરીના નામે ટાંકવામાં આવે છે.

મહાનુભાવોનાં અવતરણ વાંચવા-સાંભળવાથી એવું જ લાગી શકે, જાણે બધા મહાનુભાવો કોઇ ને કોઇ તબક્કે ઍડ એજન્સીમાં કૉપીરાઇટર રહી ચૂક્યા હશે. એ સિવાય આવાં ટૂંકાં છતાં ચોટડુક વિધાન કેવી રીતે આપી શકે? પરંતુ સહેજ તપાસ કરતાં જણાય છે કે મહાનુભાવોએ ખરેખર જે કંઇ કહ્યું હોય, તેમાં કોઇ કસબીનો કે કોઇ પત્રકારનો કે સંપાદકનો હાથ ફરે છે અને એક યાદગાર અવતરણનો જન્મ થાય છે. તેમાં કળા કરનારવિશે ભાગ્યે જ જાણવા મળે છે અને લોકોને એ જાણવાની જરૂર પણ લાગતી નથી. જેમ કે, બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન્ટ ચર્ચિલના લડાયક મિજાજને વ્યક્ત કરતા યાદગાર ત્રણ શબ્દો છે : બ્લડ, સ્વેટ એન્ડ ટીઅર્સ (ખૂન,પસીનો અને આંસુ) વાસ્તવમાં ચર્ચિલે કહ્યું હતું,‘આઇ હેવ નથિંગ ટુ ઑફર બટ  બ્લડ, ટૉઇલ, ટીઅર્સ ઍન્ડ સ્વેટ.પરંતુ કોઇ સંપાદકને વિધાન વઘુ કૅચીબનાવવાનું મન થયું હશે. એટલે ક્રમની બદલી અને ટૉઇલ (કઠોર પરિશ્રમ)ને પડતી મૂકીને બ્લડ, સ્વેટ, ટીઅર્સઆવ્યું.

આવું ફક્ત વાસ્તવિક મહાનુભાવો સાથે જ બને એવું નથી. સર આર્થર કૉનન ડૉયલે સર્જેલા જાસુસી કથાઓના વિખ્યાત કાલ્પનિક પાત્ર શૅરલોક હોમ્સના નામે ચડેલો એક વિખ્યાત સંવાદ છે,‘ઍલીમેન્ટરી, માય ડીઅર વૉટ્‌સન.’ વૉટસન હોમ્સના સહાયક હતા અને બન્ને પાત્રોની પ્રચંડ લોકપ્રિયતાને કારણે આ વિધાન જગવિખ્યાત બન્યું. પરંતુ અભ્યાસીઓએ શોધી કાઢ્‌યું છે કે શેરલોક હોમ્સની એેકેય કથામાં શેરલોક હોમ્સ આવો સંવાદ બોલ્યા નથી. તેમની કથાઓ પરથી બનેલા નાટક અને ફિલ્મમાં આવો સંવાદ ઉપજાવી કઢાયો હોયએવી સંભાવના છે. ખૂબી એ વાતની છે કે મૂળ લેખકે લખેલો ન હોવા છતાંતે શૅરલોક હોમ્સના ચરિત્ર સાથે આબાદ મેળ ખાય છે.

નામમાં શું બળ્યું છે, એવું શૅક્સપિયરનું અવતરણ બીજાં અવતરણો માટે પણ સાચું લાગે છે.

Friday, May 20, 2016

ડિગ્રી વિશે મહા(વાસ્તવિક) નિબંધ

ભારત ડિગ્રીપ્રધાન દેશ છે. તેમાં શિક્ષણ માટે ડિગ્રી નહીં, ડિગ્રી માટે શિક્ષણ અપાય છે. એ પ્રાપ્ત કરનારાને પણ શિક્ષણ કરતાં ડિગ્રી મેળવવામાં, પોતાના નામની આગળ કે પાછળ એકાદ લટકણીયું લગાડવામાં વધારે રસ હોય છે. એમાં પણ પીએચ.ડી. થયેલાને પોતાના વિષયમાં ઊંડા ઉતરીને નામ કાઢવા કરતાં, ટૂંકા રસ્તે પોતાના નામની આગળ ડૉ. લગાડવાનો ઉત્સાહ વધારે હોય છે. બાળપણમાં પોતાના પ્રથમ નામની આગળ ખીજવાચક ડો’ (દા.ત. રવિડો) લાગતાં છેડાઇ પડતા લોકો નામની આગળ ડૉ. લગાડવા માટે ભલભલી ચીજોનાં બલિદાન આપવા તૈયાર હોય છે-- સાહિર લુધિયાનવીના અંદાજમાં કહીએ તોડૉ. બનવા માટે લોકો, જાન ક્યા ચીઝ હૈ, ઇમાન ભી દે દે.

જેમ કે, ડૉક્ટર ઑફ ફિલોસૉફી (ડૉ.) બનવા માટે એક મહાનિબંધ લખવો પડે છે. પરંતુ જ્યોતીન્દ્ર દવેના પ્રખ્યાત નિબંધ મારી વ્યાયામસાધનામાં તેમણે દંડબેઠક કર્યાએમ કહીને કર્તા અધ્યાહાર રાખ્યો હતો. એવી જ રીતે, ઘણા ડૉક્ટરપદેચ્છુકો મહાનિબંધ લખ્યો હોવાનું જાહેર કરે છે, પણ એ નિબંધના ખરા કર્તા અધ્યાહાર હોય છે. ગામમાં કેટલાક લોકો અમુક હજાર રૂપિયાના બદલામાં પોતાનું કર્તૃત્વપદ જતું કરવા જેટલી વિરક્તી દાખવી શકે છે. એવા લોકોને ઘોસ્ટ રાઇટર કહેવાય કે સંત? એ વિચારવા જેવું છે. ઘોસ્ટ રાઇટરો પાસે મહાનિબંધ લખાવનારા ઉમેદવારોની ટીકામાં પણ  ધસી જવા જેવું નથી. પીએચ.ડી.ની ડિગ્રીનો આશય જ લોકોમાં વિદ્યાવ્યાસંગ વધારવાનો છે. ઉમેદવાર પોતે પોતાનો મહાનિબંધ લખી નાખે તો એ સ્વાર્થી ઠરે. કારણ કે એમ કરવાથી જેને ડૉક્ટરેટની ડિગ્રી મળવાની છે, એના પૂરતી જ વિદ્યા સીમિત રહે છે. પરંતુ તે ઘોસ્ટ રાઇટર પાસે પોતાના વિષયનો મહાનિબંધ લખાવે, ત્યારે અંતે એકને બદલે બે જણને ત્રણ ફાયદા થાય છે : ઉમેદવારને ડિગ્રી મળે છે, ઘોસ્ટ રાઇટર એ વિષયમાં મહેનત કરીને બધું લખી આપતો હોવાથી, વિદ્યાનો વ્યાપવિસ્તાર થાય છે અને બદલામાં તેને મહેનતાણું ચૂકવવું પડતું હોવાથી, ઉમેદવાર ભારતની મહાગંભીર એવી બેરોજગારીની સમસ્યા યત્કિંચિત્‌ રીતે હળવી કરવામાં નિમિત્ત બને છે. વડાપ્રધાન સમક્ષ યોગ્ય રજૂઆત કરવામાં આવે, તો ઘોસ્ટ રાઇટરોને સ્ટાર્ટ અપનો દરજ્જો અપાવી શકાય. એ ન બને તો તેમને કમ સે કમ મહાનિબંધસહાયકજેવું કશુંક સત્તાવાર નામ આપી જ શકાય. 

રીઢા નિષ્ણાતો માને છે કે મહાનિબંધ મધ્યમપદલોપી સમાસ છે, જેનો વિગ્રહ થાય છે : મહાબોરિંગ નિબંધ. તમામ પ્રકારના વિગ્રહોથી દૂર રહેતા શાંતિપ્રિય લોકોને જુદી રીતે સમજાવી શકાય : જે નિબંધમાં મોટા ભાગનું લખાણ કાં વાંચી ન શકાય એવું અથવા બીજા કોઇનું હોય, તેને મહાનિબંધ કહેવાય. બધી બાબતોની જેમ મહાનિબંધોમાં પણ અપવાદ હોય છે. પરંતુ એવા લોકો ટ્રાફિક સિગ્નલ પર કેસરી લાઇટ જોઇને ઊભા રહી જનારા વેદિયાઓ જેવા હોય છે. તે સમાજની ગતિ અને પ્રગતિ ખોરવી નાખે છે. બધા લોકોએ વાહન ત્રાંસાં પાર્ક કર્યાં હોય અને ત્રાંસું એ જ સીધું ગણાતું હોય, ત્યારે સીધું વાહન પાર્ક કરનારા માણસનાં વખાણ કરવાં જોઇએ કે તેને સજા ફટકારવી જોઇએ? એવી જ રીતે, મોટા ભાગના મહાનિબંધો આગળ જણાવ્યા એ પ્રકારના મધ્યમપદલોપીહોય, ત્યારે વાચ્ય કે સુવાચ્ય મહાનિબંધો લખનારા સામે ઍકેડૅમિક અન્ડરવર્લ્ડના વણલખ્યા નિયમોનો ભંગ કરવા બદલ સખતમાં સખત કાર્યવાહી કરવી જોઇએ. શક્ય હોય તો એ મહાનિબંધ લખનાર શખસના ગાઇડને પણ આકરી સજા કરવી જોઇએ, જેથી ભવિષ્યના ગાઇડો અને મહાનિબંધો લખનારા મહાવિદ્યાર્થીઓ પર દાખલો બેસે.

ડૉક્ટરેટ મેળવવાનું કામ કડાકૂટભર્યું છે. ટિકીટ લેવા માટે લાંબી લાઇનમાં ઊભા રહ્યા પછી, ટિકીટ મેળવવામાં તો માંડ અડધી મિનીટ લાગતી હોય છે. ડૉક્ટરેટનું પણ એવું જ છે. તેમાં વાસ્તવિક કામો કરતાં બીજી પ્રક્રિયાઓનું મહત્ત્વ એટલું વધારે હોય છે કે ડિગ્રી તો ખરેખર સંબંધિત વિષયની નહીં, આખી પ્રક્રિયા દરમિયાન અખૂટ ધીરજ રાખવાની મળવી જોઇએ. આ રસ્તે ડિગ્રી ન મેળવવી હોય એમના માટે બીજો, વધારે સહેલો અને વધારે લોકતાંત્રિક રસ્તો ખુલ્લો છે : રાજકારણમાં દાખલ થવું, કોઇ શિક્ષણમાફિયા સાથે ગુપ્ત રીતે ભાગીદારીમાં ધંધો કરવો અથવા તેમની પર કૃપાવર્ષા રાખવી અને બદલામાં માનદ્‌ ડૉક્ટરેટની ડિગ્રી મેળવી લેવી. બધાને ખબર છે કે ઍવોર્ડની જેમ માનદ્‌ ડિગ્રીઓમાં પણ ગોઠવણો હોઇ જ શકે છે. એટલે શરમાવાની જરૂર નથી.

ઘણા નિરાશાવાદીઓ માને છે કે ડિગ્રીઓનો કશો ઉપયોગ નથી. તેનાં કાગળીયાં જરા જાડાં હોવાથી તે ચવાણાનું કે પ્રસાદનું પડીકું પણ વાળવાના કામમાં પણ આવતાં નથી. આ વાતમાં તથ્ય હોવા છતાં, અતિશયોક્તિ પણ છે. એટલે જ તો, ડિગ્રી મેળવવા માટે માણસ શું શું નથી કરતો. કેટલીક ડિગ્રીઓ નોકરી મેળવવા માટે જરૂરી છે, તો કેટલીક વટ પાડવા માટે. કેટલીક બન્ને હેતુઓ સિદ્ધ કરવામાં ઉપયોગી બને છે. પહેલાંના જમાનામાં ભણેલા લોકો ફિલ્મમાં આવતા ન હતા, ત્યારે કેટલાક અભિનેતાઓ અને ટેક્‌નિશ્યનો પોતાના નામની પાછળ બી.એ., એલ.એલ.બી. જેવાં લટકણિયાં લગાડીને ભણેલા હોવાનો વટ પાડતા હતા. વડાપ્રધાન મોદીએ કદી પોતાની એમ.એ.ની ડિગ્રીનો વટ પાડવા માટે ઉપયોગ કર્યો હોય એવું જાણમાં નથી. દેશના સોમાંથી માંડ બે-ચાર લોકો વડાપ્રધાનના એમ.એ.ના અભ્યાસ વિશે જાણતા હશે અને એંસી-નેવુ લોકો વડાપ્રધાનના કથિત ચા વેચવાના કામ વિશે જાણે છે. વડાપ્રધાનને તેમની એમ.એ.ની ડિગ્રી કરતાં ચા વેચવાની કામગીરીનું વધારે ગૌરવ હોય એવું અત્યાર સુધી લાગ્યું છે. એમ.એ.ની ડિગ્રીને પાછળ અને ચાવાળાની ઓળખને આગળ રાખીને વડાપ્રધાને આડકતરી રીતે યુવાનોને સંદેશો આપ્યો છે કે આ દેશમાં ડિગ્રીઓનું કશું મહત્ત્વ નથી. અસલી ચીજ છે પેકેજિંગ. જો પેકેજિંગ આવડતું હોય તો ચાવાળા તરીકેની ઓળખ વેચીને વડાપ્રધાનપદ સુધી પહોંચી શકાય છે અને એ ન આવડે, તો એમ.એ. જેવી ડિગ્રી પણ નકામી નીવડી શકે છે.

નવાઇની વાત એ છે કે પોતે ચા વેચતા હતા તેને લગતું કોઇ પ્રમાણપત્ર વડાપ્રધાને કે તેમના ઉત્સાહી પક્ષપ્રમુખ-નાણાંમંત્રીએ પ્રેસ કૉન્ફરન્સ ભરીને હજુ સુધી રજૂ કર્યું નથી. બાકી, એ સક્ષમ માણસો છે. વડાપ્રધાન જ્યાં ચા વેચવાનો દાવો કરે છે, એ જગ્યાના સ્ટેશન કે બસસ્ટેશન પરથી કમ્પ્યુટરાઇઝ્‌ડ એપ્રેન્ટીસશીપ પ્રમાણપત્ર તે લાવી શકે એમ છે અથવા જે મગર સામે તેમની નિર્ભયતાની (શબ્દાર્થમાં) બાળવાર્તાઓ ચાલે છે, એ મગરના વારસદારો પાસેથી પણ તે બહાદુરીનું પ્રમાણપત્ર રજૂ કરી શકે છે.


લોકો કહે છે કે ફક્ત ધર્મ ને ઇશ્વર શ્રદ્ધાનો વિષય છે, પરંતુ ભારતવર્ષમાં, ખાસ કરીને આધુનિક યુગમાં, શૈક્ષણિક ડિગ્રીઓનું માહત્મ્ય અને તેમની ખરાઇ શ્રદ્ધાનો વિષય બની ગયાં છે. એવા વખતે ડિગ્રી ખોટી છે કે નહીં એની ચર્ચામાં માણસ સાચો છે કે ખોટો, એની ચર્ચા બાજુ પર ન રહી જાય, એનું ધ્યાન રાખવા જેવું છે.