Wednesday, December 02, 2015
મેગી, સ્નેપડીલ, NRI અને રાષ્ટ્રપ્રેમ
કોઇ પણ ગંભીર
મુદ્દો પહેલી વાર ઉભો થાય કે કોઇ હથિયાર પહેલી વાર પ્રયોજાય અને અસરકારક નીવડે
ત્યારે પ્રતિપક્ષ તેના નવીનપણાથી મૂંઝાય છે. પહેલાં તેની અસરનો ઇન્કાર કરવાની
કોશિશ થાય છે. પછી તેની ધાર કેવી રીતે બુઠ્ઠી કરવી, એની વ્યૂહરચનાઓ ઘડાય છે. એ માટેની બે-ત્રણ જૂની ને
જાણીતી તરકીબો છે : ૧) મુદ્દાને રૂટિન અને શક્ય હોય તો હાસ્યાસ્પદ બનાવી દેવો ૨)
પોતે આરોપીને બદલે પીડિતની-ફરિયાદીની ભૂમિકામાં આવી જવું ૩) જે ટીકા થઇ છે તે
પોતાની કે સરકારની નહીં, પણ
રાજ્યની કે દેશની છે અને એ સાંખી લેવામાં નહીં આવે, એવો વળતો પ્રહાર કરવો...
આ તરકીબો જૂની
હોવા છતાં તેમના થકી લોકોને આડા રસ્તે ચડાવવાની કોશિશ થાય છે અને તે મોટે ભાગે સફળ
પણ નીવડે છે. મેગી નુડલ્સ આરોગ્ય માટે નુકસાનકારક છે કે નહીં, એ જુદી ચર્ચાનો વિષય છે. તેની સામે જે રીતે
ઝુંબેશ શરૂ થઇ, તે ભરોસો નહીં પણ
શંકા ઉપજાવનારી હતી. છતાં ‘અગ્નિપરીક્ષા’માંથી પાર ઉતર્યા પછી મેગી તરફથી શરૂ થયેલો
મારો ‘રાષ્ટ્રવાદી’ પ્રચારઝુંબેશની યાદ અપાવે એવો છે. મેગીની
જાહેરખબરમાં આવતી માતા એ મતલબનું કહે છે કે ‘મને મારી મમ્મીએ મેગી ખવડાવેલી ને હું પણ મારા
સંતાનોને મેગી ખવડાવતી હતી. મેગી પર આરોપ થયા ત્યારે લાગ્યું કે શું બન્ને મા ખોટી
હતી? પણ ના, હવે સાબીત થયું છે કે બન્ને મા સાચી જ હતી.’
ટૂંકમાં, જાહેરખબર એવું સિદ્ધ કરવા માગે છે કે મેગી પર
શંકા એટલે મા પર શંકા. મેગી પર અવિશ્વાસ એટલે મા પર અવિશ્વાસ. છેલ્લા થોડા મહિનાથી
દેશમાં ચાલતી અસહિષ્ણુતાની ટીકાનો સામનો કરવા માટે પણ એ તરકીબ વાપરવામાં આવી :
અનુપમ ખેર અને ચેતન ભગતથી માંડીને અનેક લોકો લઇ પડ્યા,‘એવોર્ડવાપસી કે અસહિષ્ણુતાની વાત કરનારા ભારતનું અપમાન
કરે છે. હકીકતમાં ભારત જેટલો સહિષ્ણુ દેશ જગતમાં બીજો એકેય નથી. ભારતમાં તો
અસહિષ્ણુતાની સદીઓ જૂની પરંપરા છે’ વગેરે..
દિલ્હીવાળા માટે
આ દાવ નવો --અથવા ઇંદિરા ગાંધીના જમાનાનો હોવાથી ભૂલી જવાય એટલો જૂનો -- હોઇ શકે,
પણ ગુજરાતના લોકો માટે એ તરકીબ હજુ
સ્મરણમાં હોય એટલી તાજી છે. મુખ્ય મંત્રી
મોદીએ તેમના શાસનની બધી ટીકાને ગુજરાતની ટીકા તરીકે અને ટીકાકારોને ગુજરાતવિરોધી
તરીકે ખપાવી દીધાં હતાં. (ઇંદિરા ગાંધી તેમના ટીકાકારોને સીઆઇએના એજન્ટ અને
દેશવિરોધી તરીકે ગણાવતાં હતાં.) પરંતુ જેમ
ગુજરાતમાં, તેમ દિલ્હીમાં પણ
સ્વાર્થવશ, અણસમજવશ કે ભક્તિવશ
ઘણા લોકોને આ સાદું સત્ય સમજાયું નથી. એટલે આમીરખાનના વિવાદ પછી નવેસરથી જાગેલી
અસહિષ્ણુતાની ચર્ચામાં ભારત કેટલો સહિષ્ણુ દેશ છે, તેની મુગ્ધ ચર્ચા હજુ થાય છે. એ કરનારાને સમજાતું નથી
કે તે જાણેઅજાણે માર્કેટિંગ વ્યૂહરચનાના પૂરજા તરીકે વર્તી રહ્યા છે : મેગી પર
અવિશ્વાસ એટલે મા પર અવિશ્વાસ. સરકારના-બોલકા વડાપ્રધાનના મૌનની ટીકા એટલે ભારતની
સહિષ્ણુ પરંપરાની ટીકા.
સુરતમાં કોઇને
કહીએ કે ‘ગાળ કેમ બોલો છો?’
તો શક્ય છે કે એ કહેશે,‘પણ કોણ (ગાળ) ગાળ બોલે છે?’ સહિષ્ણુતાની પરંપરાની દુહાઇઓ આપનારા પણ એ જ
પદ્ધતિ અપનાવી રહ્યા છે. આમીરખાને ઘરગથ્થુ વાતચીતનો અને તેમાં પત્નીએ કરેલા ભારત
છોડવાના સૂચનનો ઉલ્લેખ કર્યો, તેનાથી
સહિષ્ણુતાના વારસદારો એટલા છેડાઇ પડ્યા કે તેમણે આમીરખાન જેનો બ્રાન્ડ એમ્બેસેડર
છે, એવી ઇ-કોમર્સ કંપની
સ્નેપડીલનો બહિષ્કાર આદર્યો. તેમની એ સહિષ્ણુતાને દાદ આપવી પડે કે આમીરખાન પર
હુમલાની કે તેનું મોં કાળું કરવાની કોશિશ તેમણે ન કરી. પરંતુ પૂરું જાણ્યાસમજ્યા
વિના આમીરખાને કરેલા ઉલ્લેખને દેશની ટીકા-દેશની બદનામી તરીકે ગણી લેવો અને
સ્નેપડીલ પર દાઝ કાઢવાની ઝુંબેશ ચલાવવી, એ અક્કલનું પ્રદર્શન છે. એ આંકડાથી પણ સાબીત થયું છે. સ્નેપડીલવિરોધી ઝુંબેશ ચાલુ થયા પછી ગુગલના
પ્લેસ્ટોરમાંથી સ્નેપડીલનું એપ ડાઉનલોડ કરવાની સંખ્યા વધી હોવાના અહેવાલ છે. એટલે
કે, ભક્તોની વિરોધી ઝુંબેશના
પગલે સ્નેપડીલને નુકસાન નહીં, ફાયદો
થયો. ‘ઇન્સ્ટન્ટ રાષ્ટ્રવાદ’નું ઇન્સ્ટન્ટ પરિણામ.
આ જ ‘ભાવના’થી પ્રેરાઇને કેટલાક લોકોએ કહ્યું કે ‘આમીર-શાહરુખને આ જ ભારતે સ્ટાર બનાવ્યા છે, એ તેમણે ભૂલવું જોઇએ નહીં.’ આગળ જોયું તેમ, ચર્ચા ભારતની કે તેના સરેરાશ લોકોની સહિષ્ણુતાની નહીં,
હિંદુત્વનું-કોમવાદનું રાજકારણ ખેલતાં
સંગઠનની છે. તેમનું ખાનત્રિપુટી પ્રત્યે કેવું વલણ રહ્યું છે? સત્તધીશો જાહેરમાં ખાનત્રિપુટીની લોકપ્રિયતા
વટાવવા માટે હંમેશાં તત્પર રહે છે. સલમાનખાન ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી મોદી
સાથે પતંગ ચડાવી જાય તો તેના ફોટા સલમાનખાન નહીં, મોદી પોતાના ટિ્વટર એકાઉન્ટ પર મૂકે. પરંતુ ખાનગી
રાહે સંઘ પરિવારની ખુસપુસ વ્યૂહરચનાઓમાં ખાનત્રિપુટીના વર્ચસ્વ અંગે કચવાટ વ્યક્ત
થતો રહ્યો છે. એક-દોઢ દાયકા પહેલાં ઋતિક રોશનનો ઉદય થયો ત્યારે ખાનત્રિપુટી સામે
હિંદુ સ્ટાર તરીકે ઋતિકને ઊભો કરવાના પ્રયાસ પણ તે સમયે થયા હતા.
આમીરખાનના ઘરમાં
તો દેશ છોડવાની ફક્ત વાત થઇ, બીજાં
ઘણાં ઘરમાં આજથી નહીં, વર્ષોથી ‘ભારત છોડો’ની બિનસત્તાવાર ઝુંબેશ ચાલે છે. ગુજરાતનાં ઘર પણ
તેમાંથી બાકાત નથી. બલ્કે, એ
બાબતમાં પહેલી હરોળમાં સ્થાન ધરાવે છે. મુખ્ય મંત્રી તરીકે મોદીના લાંબા શાસન
દરમિયાન, તેમના દાવા પ્રમાણેની
કાર્યક્ષમતાથી પ્રભાવિત થઇને ગુજરાતીઓએ વિદેશ જવાના પ્રયાસ ઓછા કર્યા હોય, એવું જાણવા મળ્યું નથી. બીજી તરફ, વડાપ્રધાન બન્યા પછી મોદીએ વિદેશમાં એક મેળાવડામાં
કહ્યું હતું કે (કોંગ્રેસના રાજમાં) લોકોને ભારતીય હોવા બદલ શરમ આવતી હતી. દેશનો
વડાપ્રધાન પોતે આવું કહે, ત્યારે
દેશની બદનામી નથી થતી? એ તો હવે
વડાપ્રધાનને બ્રહ્મજ્ઞાન લાધ્યું છે કે અગાઉની સરકારોએ પણ દેશ માટે ઘણું કામ
કર્યું છે.
વિદેશોમાં વસતા
ભારતીય મૂળના લોકો (એનઆરઆઇ) સામે વડાપ્રધાન મોટી મોટી વાતો કરે છે અને તેમના
સ્વપ્નનું ભારત બનાવવાના વાયદા કરે છે. પરંતુ અત્યાર લગી કેટલા એનઆરઆઇ વિદેશવસવાટ
છોડીને ભારતમાં આવી ગયા? વેમ્બલી
કે મેડિસન સ્ક્વેરમાં ‘મોદી,
મોદી’ના નારા લગાડતા કેટલા લોકો મહાન ઉદ્ધારકના સુશાસનથી
લાભાન્વિત થવા માટે ભારત પાછા આવવાનો ઇરાદો ધરાવે છે?
ટ્વેન્ટી-ટ્વેન્ટીની
મેચ સાથે કંઇ લેવાદેવા ન હોવા છતાં, તેનો અનિવાર્ય હિસ્સો બનેલી ચીયર ગર્લ્સની જેમ મોટા ભાગના એનઆરઆઇ
વડાપ્રધાનની સભાઓમાં ઝૂમતા જોવા મળે છે. કારણ કે તે મોદીને ઉદ્ધારક માને છે અને તે
માને એ ખોટું કેવી રીતે હોઇ શકે? આમીરખાનની
પત્ની વાતવાતમાં બાળકના ભવિષ્ય માટે દેશ છોડવાની અછડતી વાત કરે તો આમીરખાન
દેશદ્રોહી, પણ પોતાના અને
બાળકોના ભવિષ્ય માટે દેશ છોડી ચૂકેલા ને પાછા ફરવાના ઇરાદા વિના, વિદેશમાં વડાપ્રધાનની સભાઓમાં ઉમટતા લોકો
સવાયા દેશપ્રેમી.
આ ગણિત સમજવું
અઘરું છે. ફક્ત ભક્તદૃષ્ટિથી જ તેને પામી શકાય.
Labels:
film/ફિલ્મ,
Narendra Modi/નરેન્દ્ર મોદી,
NRI
Subscribe to:
Post Comments (Atom)
ha ha..Oh god, please forgive those bhaktas!!
ReplyDeleteતમારી બધીજ વાત અત્યંત સાચી છે પણ હોબાળાપ્રેમી ટીવી પ્રસાર માધ્યમો જેની જાહેરાતો ના પૈસે ચાલે છે કે જેની માલિકી ના છે તેમને દેશહિત કરતા બીજો હેતુ છે. આ મીડિયામાલીકી એક ઘણો ખતરનાક વિષય છે જેના પર કોઈ આંગળી પણ ચીંધી શકતું નથી.
ReplyDeleteગુજરાત મા તો માત્ર ત્રણ કે ચાર સમાચારપત્રો નું વર્ચસ્વ હતું તો તેને તો મેનેજ કરી શકાય પણ રાષ્ટ્રીય પ્રભાવ ધરાવતી ચેનલોની માલિકી ખરીદી ને તેઓનું ખસીકરણ કરી તેમને ભક્ત બનાવી દેવા માટે મોટા કોર્પોરેટસ નાણા ની કોથળીઓ ખોલી મૂકી. રિપોર્ટર ને માત્ર રીપીટર બનાવી મુક્યા છે.
મીડિયા તો પ્રાયવેટ છે પણ ચુંટણી પંચ ને કોની બીક છે?
અમદાવાદ મા માત્ર ૩૪ % મતદાન થયું, મામલતદાર ની યાદી મા નામ હોવા ચાત બુથ પર ની યાદી મા નામ ડીલીટ. રખિયાલ ગરીબનગર ના મુસ્લિમ મતદારો ને મતદાન મથક ૩-૪ કિમી દૂર વિરાટનગર મા આપવામાં આવ્યા, ચાર વાગ્યા સુધી તો કોઈ ની હિંમત જ ના થયી મતદાન કરવા માટે. છેક ચાર વાગે આધેડ મુસ્લિમ મહિલાઓ એ બુથ ઉપર આવી બુથની બહાર ઉભેલા યુવાનો પાસે "પરવાનગી" માંગી કે અમે વોટ આપવા આવી શકીએ ?? ઓઢવ ના રોજ રળતા શ્રમિકો ને વસ્ત્રાલ ગામ મા મથક આપવામાં આવ્યુ.
મને તો માત્ર આ બે બનાવો ની જ સીધી જાણકારી છે, બાકી તો ઘણુંય કાચું કપાયું હશે. Freedom of Media બેધારી તલવાર સાબિત થયી રહી છે.
સાહેબ, બિહારમાં જ્યારે ભાજપ ઊંધા માથે પછડાયો ત્યારે ભક્તજનો દિવસો સુધી એવું કહેતા-લખતા રહ્યા કે દેશ 2020 તરફ આગળ વધી રહ્યો છે અને બિહારની ડફોળશંખ જનતાએ 1990માં જવાનું પસંદ કર્યું છે. હવે ગુજરાતમાં તાલુકા-જિલ્લા પંચાયતોમાં જનતાએ કોંગ્રેસની પસંદગી કરી
ReplyDeleteછે ત્યારે ભક્તજનો એવું કહેશે કે પોતાની માસીઓ-મામાઓ-ફઈઓ--કાકાઓ-બાપાઓ... (જે કોઈ ગામડાંમાં રહેતાં હોય તે) સગાં બધાં ભોટ છે અને અબૂધ છે તેમણે વિકાસની ગાડીને બ્રેક લગાવી છે. પ્લીઝ સર આ અંગે જરા લખો
વાહ ઉર્વિશભાઇ
ReplyDelete