Monday, December 14, 2015
ઇન્ટરનેટ વડે શિક્ષણમાં ક્રાંતિ માટે મથતા એક સલમાનખાન : ‘તાતા રતન’ ધન પાયો
Ratan Tata- Salman Khan / રતન તાતા- સલમાનખાન |
શિક્ષણ અને આરોગ્ય- આ બે
બાબતો એવી છે,
જે સૌ કોઇને સ્પર્શે. છતાં તેમાં માઠા સમાચારનો વરસાદ થતો
હોય છે ને સારા સમાચાર સાંભળવા તરસી જવાય. ગયા સપ્તાહે આ મહેણું ભાંગ્યું અને
શિક્ષણક્ષેત્રે સારા સમાચાર સાંભળવા મળ્યા : યુટ્યુબની વિડીયોના માઘ્યમથી
ગણિત-વિજ્ઞાન સહિતના અઘરા વિષયો ભણાવતા ‘ખાન એકેડેમી’ (www.khanacademy.org)ના સલમાનખાન ભારતની
મુલાકાતે આવ્યા. અત્યાર લગી ફક્ત અંગ્રેજીમાં વિડીયો શિક્ષણ આપતી ખાન એકેડેમીએ
પહેલી વાર હિંદીમાં શૈક્ષણિક વિડીયો મૂકી. તેમની કુલ ૫૦૦ હિંદી વિડીયો આઠમા ધોરણના
ગણિતના લગભગ પાંચસો મુદ્દાને આવરી લે છે. બીજા શબ્દોમાં કહીએ તો, હિંદી સમજતા વિદ્યાર્થીઓએ આ પાંચસો મુદ્દા પૂરતી ગણિતનું
ટ્યુશન રાખવાની જરૂર નથી. પોતાના કે મિત્રના કે સ્કૂલના કમ્પ્યુટર પર કે ઇન્ટરનેટ
ધરાવતા ફોન પર આ વિડીયો તે મન પડે એટલી વાર, સમજ ન પડે ત્યાં સુધી જોઇ શકે છે. તેમાંથી શીખી શકે છે
--અને આ તો હજુ શરૂઆત
છે. સલમાનખાનની ‘ખાન ઍકેડેમી’ને
ભારતમાં-ભારતીય ભાષાઓમાં કામ કરવા માટ તાતા ટ્રસ્ટે આર્થિક સહયોગ આપવાનું નક્કી
કર્યું છે. તેની જાહેરાત પણ રતન તાતા અને સલમાનખાને સંયુક્ત રીતે કરી. ત્યાર
પહેલાં અમેરિકામાં બિલ ગેટ્સ સહિતના આઇ.ટી.અબજોપતિઓ ‘ખાન ઍકેડેમી’ પર ફીદા થયેલા છે
અને તેની સહયોગ આપી રહ્યા છે. બિલ ગેટ્સ જેવો માણસ એમ કહે કે ‘મારાં બાળકોને ભણાવવા માટે હું ખાન ઍકેડેમીના વિડીયોપાઠનો
ઉપયોગ કરું છું’,
તો તેનું મહત્ત્વ અને તેની અસર કલ્પી શકાય છે.
હાર્વડ અને એમઆઇટી જેવી
વિશ્વપ્રસિદ્ધ સંસ્થાઓમાં ભણીને હેજ ફંડ મેનેજરની કસદાર નોકરી કરતા તેજસ્વી યુવાન
સલમાનખાનને શિક્ષણક્ષેત્રે આવવાનું થાય એવા સંજોગો નહીંવત્ હતા. પરંતુ ગણિતમાં
હોંશિયાર ગણાતા ખાને પોતાની પિતરાઇ બહેન નાદીયાને એ વખતે ઉપલબ્ધ ટેક્નોલોજીનો
સહારો લઇને ઇન્ટરનેટના માધ્યમથી ગણિત શીખવવાનું શરૂ કર્યું. તેનું પરિણામ જોયા પછી
બીજા લોકોએ પણ ખાનને આ પ્રવૃત્તિ અંગત ધોરણે કરવાને બદલે જાહેરમાં મૂકવા આગ્રહ
કર્યો. તેમની દલીલ હતી કે તમે એક જણને શીખવવામાં જે કરો છે, એનાથી વધારે કશું કરવાનું નથી. તો એ જ સામગ્રીનો લાભ વધારે
લોકોને આપવામાં શો વાંધો?
એ રીતે સલમાનખાને આઠ-દસ
મિનીટની લંબાઇ ધરાવતી શૈક્ષણિક વિડીયો યુટ્યુબ પર મૂકવાનું શરૂ કર્યુ અને ૨૦૦૯માં
તો નોકરી પણ છોડી દીધી. એ વખતે તેમની ઉંમર હતી ૩૩ વર્ષ. શરૂઆતમાં ગાંઠના ખર્ચે
ગોપીચંદન કર્યા પછી તેમને મદદ મળવાની શરૂઆત થઇ. ભારત કરતાં જુદા સ્તરે અમેરિકામાં
પણ અગ્રણીઓને શિક્ષણની ઘણી ચિંતા હતી. ખાનગી અને સરકારી નિશાળોમાં સુધારો કરવા
માટે બહુ મોટા પ્રયાસ કરવા પડે. તેમાં નીતિવિષયક બાબતો આવે. એક માણસની કે નાના
જૂથની ઇચ્છાથી તે શક્ય ન બને. તેની સામે સલમાનખાનના વિડીયો શિક્ષણના મૉડેલથી
સરકારી માળખામાં ઘૂસ્યા વિના, ઘણી હદે પોતાની
રીતે ઉત્તમ ગુણવત્તાનું શિક્ષણ આપી શકાતું હતું. વિદ્યાર્થીઓ ઇચ્છા થાય ત્યારે, ઇચ્છા થાય એટલી વાર વિડીયો જોઇને પોતાની સમજ કેળવી શકતા
હતા. ગણિત,
વિજ્ઞાન, કમ્પ્યુટર સાયન્સ
અને બીજા પણ વિષયો તેમાં આવરી લેવાયા.
દરેક વિડીયો મોટે ભાગે આઠ-દસ
મિનીટની હોય. તેમાં સ્ક્રીન પર સલમાનખાનનો ચહેરો ન દેખાય. ફક્ત તેમનો અવાજ સંભળાતો
હોય અને વર્ગમાં બોર્ડ પર જે રીતે સમજૂતી અપાય, એવી જ રીતે અહીં સ્ક્રીન પર મુદ્દાની માંડણી થતી હોય. સમજૂતી આપનાર સલમાનખાન
પણ સમજૂતી આપતી વખતે વચ્ચે વિચારે, અટકે અને આગળ વધે.
તેથી આખી પ્રક્રિયા એકદમ સ્વાભાવિક લાગે. ભારતમાં ટીવી પર શિક્ષણની ચેનલ ચાલે છે
ને સ્ટુડિયોમાં આ રીતે કાળા પાટિયા પર શીખવાડાય છે. પરંતુ તેની ઢબ મોટે ભાગે
માસ્તરીયા લાગે,
જ્યારે ખાનની વિડીયોનો અંદાજ મૈત્રીપૂર્ણ હોય છે. તેના
કારણે વિદ્યાર્થીને શીખવામાં ત્રાસ પડતો નથી. ગણિત-વિજ્ઞાન જેવા વિષયના મુદ્દા
સ્ટાન્ડર્ડ પાઠ્યપુસ્તકોને અનુરૂપ હોય તેનું ધ્યાન રાખવામાં આવે છે. છતાં, ખાન એકેડેમીનો આશય કેવળ વિદ્યાર્થીઓને નહીં, જેને શીખવાનું મન હોય એ સૌને શિક્ષણ પૂરું પાડવાનો છે.
‘મેસીવ ઓપન ઑનલાઇન કોર્સીસ’ (MOOC) તરીકે ઓળખાતા શિક્ષણના નવા મૉડેલમાં ઘણી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓએ ઑનલાઇન
કોર્સ શરૂ કર્યા છે. કોર્સ પૂરો થયા પછી તે ઑનલાઇન પ્રમાણપત્ર પણ આપે છે. ખાન
એકેડેમીનું કામકાજ જુદું છે. તેનું સંપૂર્ણ લક્ષ્ય શક્ય એટલા વધારે વિષયો આવરીને, તેની સમજૂતીની વિડીયો બને એટલી સરળ ઢબે જાહેરમાં મૂકી
દેવાની છે. સૌ કોઇને મફત શિક્ષણ આપવાના આશય સાથે શરૂ થયેલી ખાન ઍકેડેમીની
પ્રવૃત્તિ હજુ સુધી ધંધાદારી બની નથી અને સલમાનખાનનો એવો ખ્યાલ પણ નથી. અમેરિકામાં
મોટી કંપનીઓ કે અબજોપતિઓના તોતિંગ રકમનાં દાન આપીને ખાન ઍકેડેમીને મદદરૂપ થાય છે.
પરંતુ શૈક્ષણિક વિડીયોમાં ક્યાંય એ કંપનીઓની જાહેરખબર મૂકવામાં આવતી નથી. શીખવવાનો
અનુભવ ધંધાદારી ન બની જાય તેની પૂરતી તકેદારી લેવામાં આવી છે.
ભારતમાં શિક્ષણની સમસ્યા
વ્યાપ અને ગુણવત્તા એમ બે સ્તરે છે. ખાનગીકરણ વધતું જાય તેમ ગરીબ બાળકો વઘુ ને વઘુ
પ્રમાણમાં શિક્ષણથી વંચિત થાય છે. તાણીતૂસીને પૂરુ કરતાં લોકોથી માંડીને મધ્યમ
વર્ગના લોકો ખાનગી માલિકીની નિશાળોમાં બાળકોને મોકલે છે, પણ ત્યાં શિક્ષણની ગુણવત્તાના પ્રશ્નો છે. ભારે ફી લેતી
ખાનગી નિશાળોમાં ગુણવત્તાની આ સ્થિતિ હોય તો આ બાબતે સાવ રેઢી મૂકી દેવાયેલી
સરકારી નિશાળોની હાલત કલ્પી શકાય છે. તેમાં સુધારો કરવાનું કામ ભલભલા ભગીરથને પણ
ભારે પડે એવું છે.
પરંતુ ખાન એકેડેમીના
વિડીયો શિક્ષણથી વ્યાપ અને ગુણવત્તા એ બન્ને સમસ્યાઓ ઘણી હદે હળવી થઇ શકે એમ છે. ભારતમાં
ખાન ઍકેડેમીએ હિંદી વિડીયોથી શરૂઆત કરી છે, પણ તેમનું ધ્યેય ભારતીય ભાષાઓમાં શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવાનું અને એ માટે
કેન્દ્રીય તથા રાજ્ય સરકારના શિક્ષણવિભાગો સાથે સહયોગ સાધવાનું પણ છે. પહેલાં બે
વર્ષ (૨૦૧૮ સુધી) અંગ્રેજી અને હિંદીમાં સામગ્રી તૈયાર કરવાનું આયોજન છે અને ત્યાર
પછી ૨૦૧૮થી ૨૦૨૧ સુધીમાં ભારતમાં ચાલતા અભ્યાસક્રમો અને પાઠ્યપુસ્તકો પ્રમાણે
સ્થાનિક ભાષાઓમાં શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવાની ગણતરી છે. તેનો લાભ લેવા માટે
વિદ્યાર્થી પાસે ઇન્ટરનેટ વાપરી શકાય એવું સાધન હોવું જરૂરી છે. આ સુવિધા ધરાવતા
ફોન પ્રમાણમાં સસ્તા છે. છતાં બધા ગરીબ વિદ્યાર્થીઓ ફોન પર વિડીયો જોઇને ભણી લે
એવી અપેક્ષા રાખી શકાય નહીં. સલમાનખાન પોતે પણ એવું માનતા નથી. તેમને આશા છે કે
ઇન્ટરનેટની સુવિધા છેવાડાના લોકો સુધી
પહોંચાડવા માટે ટેલીકોમ કંપનીઓ અને સરકાર પણ મદદે આવશે.
ખાન ઍકેડેમીનો પ્રયોગ
સફળ થશે તો ભારતમાં શિક્ષણની કાયાપલટ
થવાની ઊજળી સંભાવના રહે છે. કેવળ ગોખણપટ્ટીને બદલે વિષયની સમજ કેળવતા અને
ટ્યુશનક્લાસ છલકાવવાને બદલે ઘરે બેસીને વિડીયો દ્વારા જાતે શીખતા વિદ્યાર્થીઓ
જેવાં દૃશ્યો ખાન ઍકેડેમીનું ભવિષ્યનું દર્શન છે. એ સફળ થાય તો ભારત માટે કયા
સલમાનખાનને ‘સુપરસ્ટાર’ ગણવા, તેની વ્યાખ્યા (કે સમજ) બદલાઇ શકે છે.
Labels:
education/શિક્ષણ
Subscribe to:
Post Comments (Atom)
This is real super-star via education at no cost for all, especially in all languages.
ReplyDeletegood but its not sure direction bcoz its cover only bountry we makes six,,,,
ReplyDelete