Monday, December 07, 2015

બહેરામજી મલબારીઃ કવિ-પત્રકાર-સુધારક

આશરે દોઢસો વર્ષ પહેલાં કવિ તરીકે ટેનિસન અને મેક્સમુલર જેવા મહાનુભાવોની પ્રશંસા મેળવનાર પારસી ગુજરાતી સર્જકનું સ્મરણ
Behramji Malabari/બહેરામજી મલબારી
નવાઇ લાગે એવી વાત છે કે કવિ, પત્રકાર અને સુધારકનું સંયોજન એકવીસમી સદીમાં જેટલું દુર્લભ કે અસામાન્ય લાગે છે, એટલું ઓગણીસમી સદીના ગુજરાતમાં ન હતું. દલપતરામ અને નર્મદ જેવા ઓગણીસમી સદીના પ્રમુખ કવિઓ પોતપોતાની રીતે સુધારક અને અમુક અર્થમાં પત્રકાર પણ હતા. ત્રિવિધ પ્રતિભાના મામલે તેમની હરોળમાં મુકી શકાય એવું એક નામ એટલે બહેરામજી મલબારી. વડોદરામાં 1853માં જન્મેલા મલબારી પારસી ગુજરાતીને બદલે એ જમાનાના સાક્ષરોની શિષ્ટ ગુજરાતીમાં લખનારા પહેલા પારસી કવિ ગણાય છે. (જ્યાં જ્યાં હસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતના રચયિતા અરદેશર ફરામજી ખબરદારનો જન્મ 1881માં થયો હતો.)

મલબારીની પ્રતિભાની વિશિષ્ટતા એ હતી કે તે ગુજરાતી જેટલી જ સહજતાથી અને પ્રભુત્વપૂર્વક અંગ્રેજીમાં કાવ્યો લખી શકતા હતા. તેમના કાવ્યસંગ્રહ ઇન્ડિયન મ્યુઝ ઇન ઇંગ્લીશ ગાર્બ એન્ડ અધર પોએમ્સની પ્રશંસા કરતાં વિખ્યાત અંગ્રેજ કવિ ટેનિસને તેમને એક પત્રમાં લખ્યું હતું. તમારું પુસ્તક રસપ્રદ છે અને તમે કેટલી સારી રીતે અંગ્રેજી વેશમાં કામ પાર પાડ્યું છે એ જોવાનું વધારે રસપ્રદ છે. કાશ, માતૃભાષામાં લખાયેલાં તમારાં કાવ્યો હું વાંચી શક્યો હોત.(16-5-1878) ભારતીય સંસ્કૃતિના જર્મન અભ્યાસી પ્રો.મેક્સ મૂલરે પણ બહેરામજીના કાવ્યસંગ્રહને આવકાર આપતાં લખ્યું હતું તમે અંગ્રેજીમાં કવિતા લખી શક્યા, એ બહુ મોટી વાત છે. તમારી જેમ મારા માટે અંગ્રેજી અપનાવેલી ભાષા છે, પણ મેં કદી ગદ્યથી આગળ વધવાનો પ્રયાસ કર્યો નથી...આપણે અંગ્રેજી ગદ્ય લખીએ કે પદ્ય, એના થકી નીતાંત ભારતીય કે જર્મન વિચારો રજૂ કરીને જ આપણે સાચી સેવા કરી શકીશું, એ આપણે ન ભૂલીએ...જે પંક્તિઓમાં તમે સાચા ભારતીય જેવી લાગણી વ્યક્ત કરી છે અને ભારતીયની જેમ બોલ્યા છો, તેમાં તમારી વાણી સાચા કવિ જેવી લાગી છે... (30-6-1878) ફ્લોરેન્સ નાઇટિંગલે તેમના કાવ્યસંગ્રહ વિશે આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરતાં, ભારત અને ઇંગ્લેન્ડ એકબીજાનું ભલું કરે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. (18-12-1878)

આવા મહાનુભાવો તરફથી પ્રશંસા મેળવતી વખતે બહેરામજીની ઉંમર હતી માંડ પચીસ વર્ષ. તેનાં ત્રણ વર્ષ પહેલાં 1875માં તેમનો પહેલો ગુજરાતી કાવ્યસંગ્રહ નીતિવિનોદ પ્રકાશિત થઇ ચૂક્યો હતો. ગુજરાતીનું વ્યાકરણ રચનાર રેવરન્ડ જોસેફ ટેલરની ભલામણથી બીજા ભાષાશાસ્ત્રી-શિક્ષણશાસ્ત્રી ડો. જોન વિલ્સને યુવાન મલબારીનાં કાવ્યો જોયાં, વખાણ્યાં અને તેમના સંગ્રહને નીતિવિનોદ જેવું નામ આપ્યું. બહેરામજી વિશે પુસ્તિકા લખનાર એચ.એન.દલાલે નોંધ્યા પ્રમાણે, આ સંગ્રહને કવિ દલપતરામ, મનઃસુખરામ ત્રિપાઠી અને રણછોડલાલ ઉદયરામ જેવા પ્રતિષ્ઠિત સાક્ષરોએ આવકાર આપ્યો.

ગુજરાતી અને અંગ્રેજી કવિતાઓના સંગ્રહો થકી પચીસ વર્ષની વયે પ્રતિષ્ઠા અને ખ્યાતિ મેળવનાર બહેરામજીનું બાળપણ ગરીબી અને વિષમતામાં વીત્યું હતું. પિતા ધનજીભાઇ મહેતાનું મૃત્યુ થયું ત્યારે બહેરામજી માંડ પાંચ વર્ષના હતા. તેમનાં માતા ભીખીબાઇએ પોતાના પિયર સુરતમાં મલબારી ચંદનના વેપારી એવા મહેરવાનજી મલબારી સાથે લગ્ન કર્યું. સાવકા પિતાને કારણે બહેરામજી પણ મલબારીબન્યા અને જાહેર જીવનમાં એ જ અટકથી ઓળખાયા. બાર વર્ષની વયે તેમનાં માતાના અવસાનનો ઘા વેઠનાર બહેરામજી ગુજરાતી નિશાળમાં માસ્તરોની સજાથી ત્રાસીને સુરતની આઇરીશ મિશન સ્કૂલમાં જોડાયા. ત્યાં ગુજરાતીની સાથે અંગ્રેજી ઉપર પણ એવી હથોટી મેળવી કે બન્ને ભાષાઓમાં તે સહજતાપૂર્વક લખતા થયા. તેમનું ગણિત કાચું એટલે મેટ્રિકમાં ત્રણ વાર નાપાસ થયા અને 1871માં મેટ્રિક થયા.

કવિતાઓ દ્વારા અંગ્રેજી વર્તુળમાં ખ્યાતિ થયા પછી સર કાવસજી જહાંગીરે બહેરામજીનો પરિચય ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના તત્કાલીન તંત્રી માર્ટિન વૂડ સાથે કરાવ્યો અને કવિ મલબારીના જીવનમાં પત્રકાર-લેખક તરીકેનું નવું પ્રકરણ શરૂ થયું. માર્ટિન વૂડે તેમને પત્રકારત્વના પ્રાથમિક પાઠ શીખવ્યા અને મોકળું મેદાન પણ આપ્યું. બહેરામજીને તે સમાજજાગૃતિનું ઉત્તમ માધ્યમ લાગતાં, તેમણે ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં સામાજિક અને ધાર્મિક વિષયો પર અનેક લેખો લખ્યા.

એ સમય પરંપરા અને નવા વિચારો વચ્ચે સંઘર્ષ ચાલતો હતો. સુધારાવાદી બહેરામજીએ લેખનને પોતાનું કર્તવ્ય ગણીને સામાજિક-ધાર્મિક મુદ્દે નિષ્ઠાપૂર્વક લખવાનું ચાલુ રાખ્યું. કેટલાક યુવાનોએ ઇન્ડિયન સ્પેક્ટેટરસાપ્તાહિક શરૂ કરતાં બહેરામજીએ તેમાં લખવાનું શરૂ કર્યું, થોડા વખત પછી તેના સહતંત્રી બન્યા અને 1880માં ડચકા ખાતાં ઇન્ડિયન સ્પેક્ટેટરને બહેરામજીએ (૩૭ વર્ષની વયે) ખરીદી લીઘું. ત્યારે તેના માંડ ૫૦ ગ્રાહક હતા! બહેરામજીએ રૂપિયા ઉછીના લઇને છાપું ટકાવ્યું અને તેનાં વ્યાજ ભરવા માટે ઘરેણાં વેચ્યાં. તેમનાં પત્ની ધનબાઇ પણ પતિની પડખે રહ્યાં. અખબારને લગતી પહેલેથી છેલ્લે સુધીની કામગીરી- લેખન, સંપાદન, પ્રૂફ રીડિંગ, પોસ્ટિંગ, વિતરણ અને વેચાણ- બહેરામજી જાતે કરતા હતા.  ઇન્ડિયન સ્પેક્ટેટરનો નવો અંક છપાઇને તૈયાર થઇ જાય, એટલે ખુદ બહેરામજી  ઘોડાગાડીમાં બેસીને પેપરની નકલો પહોંચાડવા અને વેચવા ઉપડી જતા હતા. તેમના પ્રયાસથી ઇન્ડિયન સ્પેક્ટેટરદેશનું અગ્રણી અખબાર બન્યું. અમૃતબઝાર પત્રિકા અને ઇન્ડિયન સ્ટેટ્‌સમેન જેવાં નામી અખબારોએ બહેરામજીના ઇન્ડિયન સ્પેક્ટેટરને વખાણ્યું. તેમનું અખબાર ગવર્નર અને વાઇસરોયથી અંગ્રેજી વાંચતા દેશીઓ સુધી બધે પહોંચતું હતું. ધીમે ધીમે તેને આર્થિક સહયોગ પણ મળવા લાગ્યો અને અસ્તિત્ત્વનો પ્રશ્ન ઉકલી ગયો.

અંગ્રેજી અખબારની સફળતા પછી બહેરામજી ગુજરાતીમાં દૈનિક કાઢવા ઇચ્છતા હતા, પણ એ શક્ય બન્યું નહીં. અંગ્રેજીમાં વ્યાપક સ્વીકૃતિ અને ખ્યાતિ મેળવ્યા પછી બહેરામજી ગુજરાતી ભાષાને ભૂલ્યા ન હતા. ગુજરાતીમાં લખવાનું તેમણે ચાલુ રાખ્યું હતું. દરમિયાન, ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનું તંત્રીપદું છોડ્યા પછી માર્ટિન વૂડે ધ બોમ્બે રીવ્યુનામનું અઠવાડિક શરૂ કર્યું હતું. તેના માટે વૂડે બહેરામજીને ગુજરાત-સૌરાષ્ટ્રનો પ્રવાસ કરીને જાતઅનુભવના આધારે જનજીવન અને લોકો વિશે એક લેખમાળા લખવાનું સોંપ્યું. ધ બોમ્બે રીવ્યુંમુખ્યત્વે દેશી રજવાડાં અને તેની પ્રજા સાથે સંબંધિત સામગ્રી પ્રગટ કરતું હતું. બહેરામજીએ તક ઝડપી લીધી. ગુજરાતનાં દેશી રજવાડાંમાં રાજવીઓથી વેપારીઓ, વિદ્વાનો અને ખેડૂતો સુધીના અનેક લોકોને તે મળ્યા. સમાજ અને સ્થળો વિશેની માહિતી એકઠી કરી અને ધ બોમ્બે રીવ્યુમાં લેખમાળા સ્વરૂપે રજૂ કરી. આ લખાણો પ્રશંસા પામતાં, લંડનના પ્રકાશક મેસર્સ એલને તેમને પુસ્તકસ્વરૂપે પ્રસિદ્ધ કર્યાં. એ પુસ્તક એટલે ગુજરાત એન્ડ ધ ગુજરાતીઝ’- પિક્ચર્સ ઓફ મેન એન્ડ મેનર્સ ટેકન ફ્રોમ લાઇફ.
***
સાક્ષરી ગુજરાતીમાં લખતા પહેલા પારસી કવિ અને અંગ્રેજી કવિતા માટે ટેનિસન અને મેક્સમૂલર જેવાની પ્રશંસા મેળવનાર બહેરામજી મલબારીમાં કવિ-પત્રકાર-સુધારકનો દુર્લભ સમન્વય થયો હતો. તેમણે સાપ્તાહિક ધ બોમ્બે રીવ્યુ માટે અંગ્રેજીમાં લખેલું ઓગણીસમી સદીના ગુજરાતનું વર્ણન એટલું વખણાયું કે 1882માં બ્રિટનના મેસર્સ એલને એ લેખોનું સચિત્ર પુસ્તક પ્રકાશિત કર્યું. તેનું નામ હતું ગુજરાત એન્ડ ધ ગુજરાતીઝ. બ્રિટનનાં ડેઇલી ટેલીગ્રાફ, ડેઇલી ન્યૂઝ, વેનિટી ફેર, મોર્નિંગ પોસ્ટ, વેસ્ટમિનિસ્ટર રીવ્યુ, બ્રિટિશ ક્વાર્ટરલી રીવ્યુ જેવાં પ્રકાશનો તેમજ ભારતનાં પાયોનીયર, ધ ઇંગ્લીશમેન, સિવિલ એન્ડ મિલિટરી ગેઝેટ, બોમ્બે ગેઝેટ, મદ્રાસ ટાઇમ્સ, ડેક્કન હેરાલ્ડ જેવાં પ્રકાશનોમાં બહેરામજીના ગુજરાત વિશેના પુસ્તકના રીવ્યુ છપાયા. તેમાં બહેરામજીનાં સૌથી વધુ વખાણ સચોટ અભિવ્યક્તિ બાબતે થયા.

બે જ વર્ષમાં એ પુસ્તકની બીજી આવૃત્તિ મુંબઇથી પ્રસિદ્ધ થઇ. તેમાં નવાં પાંચ પ્રકરણ ઉમેરવામાં આવ્યાં. પુસ્તકનો મુખ્ય આશય વિદેશી વાચકોને ગુજરાત અને ગુજરાતીઓની કેટલીક લાક્ષણિકતાઓનો ખ્યાલ આપવાનો હતો. પરંતુ મલબારીએ પોતાનાં હળવાં- નર્મમર્મયુક્ત વર્ણનોમાં અંગ્રેજી સરકારી તંત્રની પણ ફિરકી ઉતારી હતી, જેની ખાસ નોંધ પુસ્તકની સમીક્ષા કરનારાં અંગ્રેજ અખબારોએ લીધી. જેમ કે, અંગ્રેજી રાજના ઉત્સાહી અફસરના નમૂનાલેખે તેમણે એક યુવાન પોસ્ટમાસ્તરનો કિસ્સો આલેખ્યો હતો. તેમને દંડ કરવાનો બહુ શોખ.

પોસ્ટમાસ્તરના હાથ નીચેના ટપાલીઓનો પગાર મહિને ગણીને રૂપિયા સાત, પણ એટલી રકમમાંથી તેમણે દર વર્ષે એક લાલ કોટ, વર્ષે બે જોડ બૂટ, પાઘડી, પેન્ટ, છત્રી...આ બધી ખરીદી કરવાની. પગારનો થોડો હિસ્સો ગુડ કન્ડક્ટ ફંડમાં જાય અને પછી જે વધે, તેમાંથી પત્ની, બાળકો, મા-બાપ, ભાઇ-ભત્રીજા સહિત આખા પરિવારનું પિતૃસત્તાક બ્રિટિશ સરકારના કર્મચારીને છાજે એવી રીતેભરણપોષણ કરવાનું.  આવી સ્થિતિમાં નવા પોસ્ટમાસ્તર દર મહિને કોઇક ને કોઇક ભૂલ બદલ સરેરાશ બે રૂપિયાનો દંડ કરે. એટલે બાકી રહેતા પાંચ રૂપિયામાં આગળ લખેલી બધી ફરજો અદા કરવાની. નમૂનેદાર પોસ્ટમાસ્તરની વાત હળવાશથી મૂક્યા પછી મલબારીએ લખ્યું હતું, અમે જેમને ઉત્સાહી અફસરો’  કહીએ છીએ તેનો આ લાક્ષણિક નમૂનો છે. તે દેશી પણ હોય ને યુરોપીયન પણ હોઇ શકે. પરંતુ મોટે ભાગે સાહેબોને ખુશ કરવા, નાની બાબતોમાં તુમાખી અને ઉદ્ધતાઇથી કામ કરનારા આવા લોકો સરકારને બદનામ કરે છે. દુઃખની વાત એ છે કે આવા લોકો એકલદોકલ નથી કે અમુક વિસ્તારો પૂરતા મર્યાદિત નથી. તે આખા સામ્રાજ્યમાં ફેલાયેલા છે.
 
Behramji Malabari in old age/ ઢળતી વયે બહેરામજી મલબારી


કરસનદાસ મુળજી અને નર્મદ જેવા સુધારકો કેટલાક વૈષ્ણવ મહારાજોની લીલાઓ સામે કોર્ટે ચડ્યા અને જીત્યા, ત્યાર પછીના સમયગાળામાં બહેરામજીએ મહારાજોના દબદબાની ઘણી વિગત આપી છે. તેમના વર્ણન પરથી લાગે કે સુધારકોને મળેલી જીત કામચલાઉ હતી. આશરે સવા સો વર્ષ પહેલાં મલબારીએ લખ્યું હતું કે કરવેરા નાખવામાં વૈષ્ણવ મહારાજોની મૌલિકતા સામે ભારતના નાણાંમંત્રી શિખાઉ લાગે. વિષ્ણુના વારસદાર ને તેમના અવતાર ગણાતા વૈષ્ણવ મહારાજોનું આખું ભાવપત્રકતેમણે આપ્યું હતું : દર્શનના રૂ.૫, ચરણસ્પર્શના રૂ.૨૦, મહારાજના ચરણ પખાળવાના (પગ ધોવાના) રૂ.૩૫, મહારાજને ચામર ઢોળવાના (હાથથી પંખો નાખવાના) રૂ.૪૦, મહારાજના શરીરે સુગંધીત દ્રવ્યો લગાડવાના રૂ.૪૨, મહારાજ સાથે બેસવાના રૂ.૬૦, ભક્તો દ્વારા મદનમુર્તિ’ (કામદેવનું  સ્વરૂપ) તરીકે ઓળખાતા મહારાજ સાથે એક જ રૂમમાં  રહેવાના રૂ.૫૦થી રૂ.૫૦૦, મહારાજ કે તેમના સેવકો દ્વારા આશીર્વાદના પ્રતીક જેવી લાત ખાવાના રૂ.૧૧, રાસક્રીડાના રૂ.૧૧૦ થી રૂ.૨૦૦, મહારાજે ફેંકી દીધેલાં પાનસોપારીનો પ્રસાદખાવાના રૂ.૧૭, મહારાજ નાહ્યા હોય કે એમણે તેમનાં કપડાં ધોયાં-નીચોવ્યાં હોય એ પાણી પીવાના રૂ.૧૯.... આ ભાવ ત્યારના છે, જ્યારે મહારાજના ચરણસ્પર્શની કે તેમને પંખો નાખવાની ફી જેટલી રકમ શિક્ષકોને માસિક પગાર તરીકે મળતી હતી. મહારાજકથા પૂરી કરતાં મલબારીએ લખ્યું હતું, દિવ્ય અવતાર ગણાતા આ મહારાજો પણ આખરે વહેલા કે મોડા મૃત્યુ પામે છે ને આ એકમાત્ર રીતે સમાજની સેવા કરવા બદલ આપણે તેમનો આભાર માનવો જોઇએ.

પુસ્તકમાં એક વિભાગમાં સુરત- ભરૂચ-વડોદરા-અમદાવાદ જેવાં સ્થળોની ખાસિયતો, મહત્ત્વના લોકોના પરિચય અને જોવાલાયક સ્થળોની વિગત એક મુંબઇગરા ભારતીય પ્રવાસીની નજરે આપવામાં આવી હતી. ગોરાઓની જોહુકમીના પ્રસંગો પણ તેમણે ટાંક્યા. ટ્રેનમાં બૂટ પહેરીને સુઇ જતા અને બુટવાળા પગ કોઇ દેશી મુસાફરના ખોળામાં મૂકતા અંગ્રેજોની નવાઇ એ વખતે ન હતી, એવું મલબારીના વર્ણન પરથી લાગે છે. દેશી માણસ સાહેબના બૂટવાળા પગ પોતાના ખોળામાંથી નીચે મૂકે ને સાહેબની ઉંઘ બગડે, તો અંગ્રેજી ગાળો સાંભળવાની તૈયારી રાખવા પડે. સુરતમાં આગ અને પુરથી થતી તબાહી તથા તેને છુપાવવાની સરકારી ચેષ્ટા અંગે હળવી નુક્તચીની કરતાં મલબારીએ લખ્યું હતું,સરેરાશ ૧૨૫ ઘર તબાહ થાય ત્યારે ફક્ત ૧ જણનું મોત થાય છે.  સરકારે આવું સમીકરણ બેસાડી દીઘું હોય, તો તેને ખોરવવાની મારી જરાય ઇચ્છા નથી. અફસરો તેમના ઉપરીઓને અકળાવનારું સત્ય કહેતાં ડરે છે. ઓછો ખર્ચો ને વધારે આવક બતાવવી એ બઢતી અને ખિતાબો મેળવવાનો સહેલામાં સહેલો રસ્તો છે.

વડોદરાના કૂતરાઓને જેન્ટલમેન એટ લાર્જતરીકે ઓળખાવતાં એમણે લખ્યું હતું, રાજની સવારી આવતી હોય તો પણ આ લોકો ખસીને રસ્તો કરી આપતા નથી. છેવટે તેમની સધર્ન એક્સ્ટ્રીમીટી’ (શરીરનો દક્ષિણ છેડો- પૂંછડી) પકડીને તેમને ફંગોળવા પડે છે. આવા સંજોગોમાં પણ તેમની સ્વસ્થતા યથાવત્‌ રહે છે.’  રખડતાં કૂતરાંની સમસ્યાનો મલબારીએ સૂચવેલો ઉકેલ, તેમનો દેશનિકાલ કરવો જોઇએ અથવા મ્યુનિસિપલ કમિશનરે તેમને યુનિફોર્મ આપીને ઇમ્પીરીયલ’  (રાજના) કામે જોતરી દેવાં જોઇએ. અફઘાન યુદ્ધ હજી પૂરું થયું નથી ને ઝુલુ યુદ્ધ પણ ફરી શરૂ થઇ શકે છે. રામ પાસે વાનરસેના હતી, તો વડોદરા પોતાની શ્વાનસેના (કેનાઇન કેવેલરી) શા માટે ન મોકલી શકે?’

પુસ્તકનાં ૨૯ પ્રકરણોમાં હિંદુ, મોમેડન, પારસી, વોરા, મારવાડી, વાળંદ, વકીલ, સ્મોલ કોઝ કોર્ટનાં દૃશ્યોથી માંડીને નેટિવ એબ્યુઝ’ (ગાળો) અને હોમલાઇફ ઇન ગુજરાતઉપરાંત રામાયણ, બળેવ, શ્રાવણ માસ, મોહરમ, હોળી જેવા તહેવારો વિશે બહેરામજીએ અભ્યાસના ભાર વિના, હળવાશથી છતાં સૂઝબૂઝપૂર્વક લખ્યું હતું. તેનો પ્રાથમિક વાચકવર્ગ જુદો હોવા છતાં, ઓગણીસમી સદીના અંતભાગના ગુજરાતના એક દેશી સર્જક દ્વારા કરાયેલા પ્રથમદર્શી વર્ણન તરીકે અને બહેરામજી મલબારીની અંગ્રેજી લેખનપ્રતિભાની યાદગીરી તરીકે એ પુસ્તક મહત્ત્વનું ગણાય. 

2 comments:

  1. આવી પ્રતિભા વિષે વિસ્તૃત જાણકારી આપવા બદલ ખુબ ખુબ આભાર. "Gujarat and the Gujaratis" નું નાનકડું વર્ણન જ ઘણું રસાળ છે.

    ReplyDelete
  2. This is a piece with few parallels Urvish. You have brought alive the magic of Malbari through a perspective that I was sorely lacking in all this while. A man who was sleeping undisturbed through the pages of our long-forgotten history has come alive in flesh and blood for those of us who did not know him beyond a nugget of historical trivia. This man seems to be a giant of his time. How I wish you would write more about him someday soon. What a wonderful pen portrait this was!

    ReplyDelete