Friday, December 18, 2015

મંચગમનમાં વિધ્નો

મનુસ્મૃતિથી બત્રીસ પૂતળીઓની વાર્તા સુધીનાં શાસ્ત્રોટાંકનાર અને સંસ્કૃત છાંટવાને કારણે વિદ્વાન લાગતા વક્તાનું પ્રવચન પૂરું થયું. સભામાં વધુ એક વાર અનામત વિશેના સૂત્રોચ્ચાર થયા. મંચની નીચે ઊભેલા ભદ્રંભદ્રે ઉત્તેજના પર મહાપુરૂષોને છાજે એવો સંયમ રાખતાં, વીર પુરૂષોને અનુરૂપ દૃઢતાથી કહ્યું,‘અંબારામ, આ જ ક્ષણ છે લક્ષ્યવેધની, આ જ ક્ષણ છે સુધારાને પરાસ્ત કરવાની, આ જ ક્ષણ છે મંચસ્થિત ધ્વનિવર્ધક યંત્ર પરથી આકાશવાણી થકી આરક્ષણના ઉચ્છેદનની ઘોષણા કરવાની. શ્રી લક્ષ્મણે જેમ એક જ તીરથી ઇન્દ્રજિતને હણ્યો, શ્રી રામે જેમ એક તીરથી રાવણની નાભિમાં રહેલો અમૃતકુંભ નષ્ટ કર્યો, એવી જ રીતે દૈવી પ્રેરણાથી પ્રેરિત એવો હું મંચારૂઢ થઇને આર્યાવર્ત મધ્યેથી આરક્ષણનો નાશ કરવા માટે તત્પર છું.

અંબારામે ભદ્રંભદ્રની લાગણીનો યથોચિત પ્રતિઘોષ પાડતાં કહ્યું,‘નિઃશંક, આર્યાવર્ત જ નહીં, સમસ્ત દેવલોક આ ક્ષણની પ્રતિક્ષામાં છે. દેવો અને અસુરો તેમનો સંગ્રામ થંભાવીને આપના દ્વારા થનારા આરક્ષણઉચ્છેદનનું દૃશ્ય જોવા ઉમટ્યા છે. આપનું યુગકાર્ય નિહાળવા માટે ગાંધર્વોએ તેમનું ગાયનવાદન અને કિન્નરોએ તેમનું નર્તન જ નહીં, તેમના શ્વાસ પણ થંભાવી દીધા છે. આપની કાર્યસિદ્ધિ આવતી કાલના સૂર્યોદય જેટલી જ નિશ્ચિત છે. આપ મંચ પર સિધાવો, શુદ્રો માટે આરક્ષણનું સમર્થન કરનાર સુધારાવાળાને પરાજિત કરો અને આપણું પુનરાવતારકાર્ય સંપન્ન કરો, જેથી આપણે પુનઃશ્ચ દેવલોકગમન કરી શકીએ.

અંબારામનાં વચનોથી પ્રોત્સાહિત ભદ્રંભદ્ર પગથિયાં ભણી આગળ વઘ્યાં. મંચની નીચે લીલી જાજમ બિછાવેલી હતી, જે નિઃશંક સુધારાનું પ્રતિક હતી. તેના કારણે જમીનનો વિકાસ થઇ ગયો હોય એમ લાગતું હતું --એટલે કે તેના ખાડા-ટેકરા પૂરાયા વિના ઢંકાઇ ગયા હતા. જોસ્સાથી આગળ વધતા ભદ્રંભદ્ર સુધારાવાળા સામે પ્રત્યક્ષ યુદ્ધમાં પરાજિત થાય એમ ન હતા, પણ તેમના છળથી એ છેતરાયા. જાજમ નીચેથી ઉપસેલા નાના ટેકરાની ઠોકર તેમને વાગી. એ લડખડ્યા અને સહેજ વધારે ઝડપ સાથે પહેલું પગથિયું ચડી ગયા. તેમને જોનારે અને અંબારામે સુદ્ધાં એમ ધાર્યું કે તેમની વેગવૃદ્ધિ તેમના ઉત્સાહને આભારી છે.

એ જ વખતે, લાકડાના પગથિયાની બાજુ પર સહેજ ઊંચી થયેલી ખીલીના ટોપકામાં કલિ પ્રવેશ્યો. એટલે નિર્જીવ ખીલીમાં ભદ્રંભદ્રના ધોતીયા વિશે મોહ જાગ્રત થયો. તેણે ભદ્રંભદ્રની ધોતીની કિનાર પોતાના ટોપકામાં ગ્રહી લીધી. ખીલીની અને તેમાં છુપાયેલા કલિની લીલા ન સમજી શકનારા સભાજનો એવું સમજ્યા કે ઝડપથી પગથિયાં ચડવા જતાં ભદ્રંભદ્રનું ધોતીયું ખીલીમાં ભરાયું.

કશી સમજ પડે તે પહેલાં ભરાયેલું ધોતીયું ભદ્રંભદ્રના પગમાં અટવાયું. એ સાથે જ તે ગડથોલું ખાઇને પડ્યા. ભદ્રંભદ્રના વ્યક્તિત્વના પ્રતાપને અનુરૂપ મોટો અવાજ થયો. ક્ષણભર અંબારામને લાગ્યું કે એ ગગનભેદી અવાજ આરક્ષણના વિષવૃક્ષના સમૂલ ઉચ્છેદનને કારણે થયો હશે. પણ તરત તેમની નજર ભદ્રંભદ્ર પર પડી. ધરાશાયી થયેલા વિરાટ વડલાની જેમ તે જમીન પર પથરાયા હતા. એ જોઇને અંબારામ, પોતાની પણ એ સ્થિતિ ન થાય એની કાળજી રાખતા દોડી આવ્યા. મંચ પરથી- પ્રેક્ષકોની આગલી હરોળમાંથી કેટલાક લોકો દોડી આવ્યા. સ્વયંસેવકો પણ આવી ગયા. તેમાંથી કેટલાક લાકડાનાં પગથિયાંને નુકસાન થયું છે કે નહીં, તેની તપાસ કરતા હોય એમ જણાતું હતું.

ભદ્રંભદ્રને લોહી તો ન નીકળ્યું, પણ બેઠો માર વાગ્યો હતો. તેમના શરીરસૌષ્ઠવને કારણે ક્યાં સોજો ચડ્યો છે ને ક્યાં શરીરનો સામાન્ય ભાગ છે, એ નક્કી કરવાનું બીજા લોકોને અઘરું પડતું હતું. અંબારામ અગાઉ અનેક વાર આ સ્થિતિમાંથી પસાર થઇ ચૂક્યા હતા. તેમણે ભદ્રંભદ્રની કમરે હાથ અડાડ્યો એટલે તેમના મોંમાંથી ઊંહકારો નીકળ્યો. થોડી ક્ષણો પછી તેમણે ધીમેથી પડખું ફેરવીને બેઠા થવા કોશિશ કરી. અંબારામે પણ તેમને ઉપર તરફ ખેંચવા પ્રયાસ કર્યો. પરંતુ સમસ્ત સનાતન ધર્મનો ભાર લઇને ફરનાર ભદ્રંભદ્રનો ઉદ્ધાર કરવાનું અંબારામનું શું ગજું? અંબારામ પોતે પડું પડું થઇ ગયા. છેવટે બીજા સ્વયંસેવકોએ સમુહયજ્ઞના ધોરણે ભદ્રંભદ્રને બેઠા કર્યા.

બોલવાના હોશકોશ આવતાં જ ભદ્રંભદ્રે કહ્યું,‘અંબારામમંચગામી થતાં પહેલાં પૃથ્વીનમસ્કાર કરવા પાછળનું રહસ્ય મારી સાથેના લાંબા સહવાસને કારણે તને વિદિત હશે. આ અબુધોને તું જ્ઞાત કર કે જે ધરા પરથી આરક્ષણઉચ્છેદનનું યુગકાર્ય સંપન્ન થવાનું હોય, તેની ધૂલિકા પણ દંડવત્‌ પ્રણિપાતને પાત્ર હોવાથી મેં તેમ કર્યું છે. મહાજનોને અનુસરવાની પરંપરા અનુસાર અન્ય લોકો પણ આજ પશ્ચાદ આ ભૂમિને પ્રણામ કરશે. જેમ શ્રી કાશીમાં ંદેહવિસર્જન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેમ આરક્ષણઉચ્છેદનતીર્થસ્થલિમાં ઘૂલિકાસ્નાન પણ મોક્ષકારી છે. ત્રિકાળજ્ઞાનના પ્રતાપે હું આરક્ષણઉચ્છેદન પૂર્વે જ આ ભૂમિને દંડવત્‌ કરીને પુણ્ય...

મંચ પરથી દોડી આવેલા એક આયોજકે ભદ્રંભદ્રની વાત સાંભળીને ચિંતાથી અંબારામને પૂછ્‌યું,‘આમને લોહી દેખાતું નથી, પણ માથામાં ગંભીર ઇજા પહોંચી લાગે છે. જુઓને, કેવું બોલે છે.

અંબારામ કંઇ ખુલાસો કરે તે પહેલાં ભદ્રંભદ્ર આયોજકની સામે જોઇને બોલ્યા,‘મારા મસ્તિષ્કમાં સંગૃહિત સનાતન ધર્મપ્રીતિ સમક્ષ શીશ ઝુકાવવાને બદલે તેનો ઉપહાસ કરવામાં તારું ઘોર અજ્ઞાન પ્રગટ થાય છે. કિંતુ આ સભામા અતિથી હોવાને કારણે હું ઉદારતાથી તને ક્ષમા કરું છું. તેને મારી દુર્બલતા નહીં, વીરોચિત ઔદાર્ય ગણવું યથાર્થ છે.

આ સાંભળીને બીજા લોકો ઓર મૂંઝાયા. સ્વયંસેવકો એકબીજાની સામે અને પછી અંબારામ તરફ જોવા લાગ્યા. એક આયોજકે અંબારામના કાન પાસે મોં લઇ જઇને પૂછ્‌યું,‘આ મહારાજનો પ્રોબ્લેમ શો છે? એ કેમ આવી ભાષામાં બોલે છે? એમને દક્ષિણા-બક્ષિણા જોઇતી હોય તો આપણે સમજી લઇએ, પણ તમે અહીંથી વિદાય થાવ. અમારી સભાના મંચ પર આ મહારાજને કઇ થયું, એવા સમાચાર ફેલાશે તો નકામો અમારો ખેલ બગડશે.

આયોજકોને રક્ષણાત્મક મુદ્રામાં જોઇને અંબારામે ભદ્રંભદ્રને સંભળાય એ રીતે કહ્યું, ‘મહારાજનું નામ આર્ય ભદ્રંભદ્ર છે. તે સનાતન ધર્મના સંરક્ષક છે. આ ઉત્તરદાયિત્વ તેમણે દેવલોકમાંથી પોતાના તપોબળ વડે પ્રાપ્ત કર્યું છે. આ સભામાં આવવાનું તેમનું પ્રયોજન પણ અનામતનાબૂદીનું છે.

એ સાંભળીને આયોજક મૂંઝાયા. તેમાંથી એકે અંબારામને ગુસપુસ સ્વરે પણ સહેજ કડકાઇ સાથે કહ્યું,‘તમને ખ્યાલ નથી? આ સભા અનામત માગવા માટેની છે. ચૂપચાપ અહીંથી નીકળી જાવ..

આર્ય ભદ્રંભદ્રને તમારી અનામત સામે વાંધો નથી. એ શુદ્રોની અનામતના વિરોધી છે અને એ વિશે મંચ પરથી વાત કરવા માગે છે.


ઘડીક વિચાર કર્યા પછી આયોજકોએ પીછો છોડાવવા કહ્યું,‘ઠીક છે. એમને કહી દો કે જે કહેવું હોય તે ટૂંકમાં પતાવે. કોઇ ધાંધલધમાલ નહીં જોઇએ અને ભાષણ પૂરું થયા પછી અહીંથી ચૂપચાપ સરકી જજો. નહીંતર...’ (ક્રમશઃ)

2 comments:

  1. Anonymous9:14:00 PM

    Your Sanskritized Gujarati parody (real issue of reservation), remind 3-Idiot episode of definition of Machine (jugglary between the Professor & Amir Khan). Reservation theory had different aspects and different lexicon(s), one by Constitution, One by concerned Ministry, one by Student, one by a Professor who favours Dalit and by another professor who disfavours reservation. The lexicon of Bhrahmin vis-a-vis lexicon of a Dalit, SC, ST and Minorities are in opposite direction. Confused state of affairs after 65 years; a Judge in Gujarat High Court reservation inappropriate, which is objected by the 50 Members of Parliament.

    ReplyDelete
  2. ચંદુ મહેરિયા5:23:00 PM

    પ્રિય ઉર્વીશભાઈ,ભદ્રંભદ્રના આરંભનો લેખ થોડો મોડો જોયેલો. પણ પછી એનું એવું બંધાણ થયું કે હવે મંગળને બદલે બુધવારની વધુ પ્રતીક્ષા રહે છે.
    તમને જો ગુજરાતી વિવેચકો તટસ્થ હશે તો મોટો યશ આપે તેવું આ કામ થયું છે.ખૂબ સરસ રીતે લખાય છે. વિચાર, ભાષા અને શૈલી બધુ જ સરસ. ક્યારેય પૂરી ન થાય એવી આ હાસ્યકથા બનશે. અભાર અને અભિનંદન.
    ચંદુ મહેરિયા

    ReplyDelete