Friday, July 18, 2014

(બુ)લેટ ટ્રેન : અસુવિધા કે લિયે ખેદ હૈ

ભારતમાં લેટ ટ્રેેનની જેમ બુલેટ ટ્રેનની- એટલે કે તેના વાયદાની- પણ નવાઇ રહી નથી. જે રીતે વર્ષોથી બુલેટ ટ્રેનના નામે લોકોને ગોળીઓ ગળાવવામાં આવે છે, એ જોતાં તેનું નામ ‘કેપ્સુલ ટ્રેન’ રાખવામાં આવે તો પણ ખોટું નથી.

બુલેટ ટ્રેન જોઇ ન હોય એવા ઘણા લોકો  પોતપોતાની રીતે તેનો અર્થ સમજવા કે બેસાડવા પ્રયાસ કરે છે. સત્તાધારી પક્ષના કેટલાક વીઆઇપીઓ આ પ્રોજેક્ટને ‘સાહેબનો’ ગણીને જાહેરમાં તેનાં ગુણગાન ગાતા હશે, પણ અંદરખાને તેમને ચિંતાભર્યો સવાલ થાય છે : ‘બુલેટપ્રૂફ બખ્તર પહેરીને બુલેટ ટ્રેનમાં બેસી શકાય? અને જો બેસીએ તો બુલેટપ્રૂફ બખ્તર કામ આપવાનું ચાલુ રાખે ખરું?’ કેટલાક પોલીસ અફસરોને લાગે છે કે નકલી એન્કાઉન્ટરો વખતે છોડેલી બુલેટોનો હિસાબ આપવા માટે અમદાવાદથી મુંબઇની અદાલતોમાં ધક્કા ખાવાનું સહેલું પડે, એટલા માટે સરકાર ઝડપથી આ વ્યવસ્થા ઊભી કરવા માગે છે અને એટલે જ તેને ‘બુલેટ ટ્રેન’ જેવું સૂચક નામ આપ્યું છે. શક્ય છે કે તેને અમદાવાદથી નહીં, પણ સાબરમતી સ્ટેશનેથી ઉપાડવામાં આવે.

રેલવે ક્રોસિંગ બંધ થઇ ગયા પછી, તેની નીચેથી ઝૂકીને પોતાનાં વાહનો સાથે પાટા ક્રોસ કરનારા સાહસિકો અત્યારથી બુલેટ ટ્રેનના સ્વાગત માટે થનગની રહ્યા છે. કલ્પના કરો : ક્રોસિંગ બંધ થાય, બુલેટ ટ્રેન ધસમસતી આવી રહી હોય અને મોતને મુઠ્ઠીમાં લઇને ફરતા અમદાવાદના જાંબાઝ વાહનચાલકોમાંનો કોઇ, રૂ.૬૦ હજાર કરોડના ખર્ચે બનેલી બુલેટટ્રેનની આબરૂની ઐસીકી તૈસી કરીને, તેની સામેથી બિનધાસ્ત સાયકલ કે સ્કૂટર દોરીને પાટા ઓળંગી જાય...

‘બુલેટ ટ્રેનના રસ્તામાં ક્રોસિંગ ન હોય’ - એવી ટેક્‌નિકલ દલીલ અહીં અસ્થાને છે. (એટલે તો કલ્પના કરવાનું કહ્યું છે.) પણ આવું થાય તો જોનારાને કેવો એક્શન-પેક્‌ડ રોમાંચ મફતમાં અનુભવવા મળે? અને પાટા ઓળંગનારને (જો એ જીવીત હોય તો) એક પણ રૂપિયો ખર્ચ્યા વિના, ઘરઆંગણે એડ્‌વેન્ચર સ્પોર્ટ્‌સનો કેવો લહાવો પ્રાપ્ત થાય? આટલી હિંમત ન ધરાવતા સાધારણ મનુષ્યોને બુલેટ ટ્રેન પસાર થતી જોઇને જ હરખઘેલા થઇ જશે. આમ પણ, પોતાને સીધો કશો ફાયદો  ન હોય એવા ઝળહળાટથી રાજી થવાની અમદાવાદના-ગુજરાતના લોકોને હવે ખાસ્સી પ્રેક્ટિસ પડી ગઇ છે - પછી તે સાબરમતી નદીમાં ઠલવાયેલું નર્મદાનું પાણી હોય કે કાંકરિયામાં  મુકાયેલું હિલીયમ બલુન. તેની સરખામણીમાં બુલેટ ટ્રેન તો રૂ.૬૦ હજાર કરોડનો મામલો છે.

ઘણા લોકોને મૂંઝવણ થાય છે કે સરકાર રૂ.૬૦ હજાર કરોડ જેટલી તોતિંગ રકમ લાવશે ક્યાંથી? મોટા ભાગના લોકો માટે લાખ રૂપિયાથી ઉપરની રકમો સાક્ષાત્કાર કે અનુભૂતિનો નહીં, શ્રદ્ધાનો વિષય હોય છે. એટલે રૂ.૬ હજાર કરોડ, રૂ.૬૦ હજાર કરોડ અને રૂ.૬૦ લાખ કરોડમાં તેમને ખાસ ફરક લાગતો નથી. ‘હજાર કરોડ’ એ બે શબ્દો સાથે બોલતાં જ મોઢું એટલું ભરાઇ જાય છે કે બાકીની વિગતો ગૌણ બની જાય.  છતાં સંશયાત્માઓની જાણ માટે : ગયા વર્ષનું આખા દેશનું આરોગ્ય માટેનું બજેટ રૂ.૩૭ હજાર કરોડ ને શિક્ષણનું બજેટ લગભગ રૂ.૬૫ હજાર કરોડ હતું.

બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનો અત્યારનો અંદાજ રૂ.૬૦ હજાર કરોડનો છે, પણ જો એ ખરેખર બનશે તો, ભારતની ભવ્ય પરંપરા પ્રમાણે તેની પાછળ થયેલું ખર્ચ ઘણું વધી ચૂક્યું હશે. એ સમયના ભારતીયો ગૌરવથી કહી શકશે કે દેશના એક વર્ષના શિક્ષણ બજેટ જેટલા રૂપિયા તો અમે ફક્ત અમદાવાદ-મુંબઇ વચ્ચેની બુલેટ ટ્રેનમાં નાખ્યા છે. વઘુ પડતા સંવેદનશીલ માણસોને આ વાત બંદૂકની ગોળીની જેમ લમણે વાગશે- અને તેમને ‘બુલેટ ટ્રેન’નું નામ સાર્થક લાગશે. ખર્ચના હિસાબે કેટલાક તેને ‘તાજમહાલ ઑન વ્હીલ્સ’ કહેવા પણ લલચાશે.

બુલેટ ટ્રેનને અમદાવાદથી મુંબઇ પહોંચતા બે-ત્રણ કલાક લાગશે એવું કહેવાય છે. તેની પર ‘શરતો લાગુ’ની ફુદડી છે કે નહીં તે જાણવા મળ્યું નથી. મુખ્ય શરત એ હોઇ શકે છે કે ‘બે-ત્રણ કલાકનો સમય અમદાવાદથી મુંબઇ પહોંચવાનો ‘નેટ’ સમય છે. ટ્રેન લેટ થાય એ સંજોગોમાં અમારી કોઇ જવાબદારી રહેશે નહીં અને એ સંજોગોમાં ગ્રાહકે ડ્રાયવર કે ટીટી સાથે તકરાર કરવી નહીં.’ કૌંસમાં એવું પણ સૂચવવામાં આવશે કે તમને મફત ખાવાપીવાનું તો આપીએ છીએ. પછી ‘ટાઇમ, ટાઇમ’ શું કરો છે? હિંદુસ્તાની છો કે અંગ્રેજ?

આટલા ઓછા સમયમાં મુસાફરી પૂરી થઇ જતી હોવાથી, બુલેટ ટ્રેનના મુસાફરો માટે એક આખું હિંદી પિક્ચર જોવા જેટલો ટાઇમ પણ નહીં રહે. પિક્ચરનો એન્ડ બાકી હશે ને મુંબઇ આવી જશે, એટલે ગ્રાહક તરીકેના હક માટે સદાજાગ્રત એવા કેટલાક મુસાફરો ટિકિટના કેટલાક હિસ્સાનું વળતર મેળવવા કકળાટ મચાવશે. તેમાંથી લાંબા ગાળે બુલેટ ટ્રેનની મુસાફરી જેટલી જ લંબાઇની ફિલ્મો બનાવવાનો નવો દૌર શરૂ થશે.

બુલેટ ટ્રેનને કારણે મુંબઇ નોકરી કરતા લોકો અમદાવાદમાં રહેવા આવી શકશે. અમદાવાદમાં પણ ‘ન્યૂ મણિનગર’ની જેમ ‘નવી મુંબઇ’ જેવા વિસ્તારો અસ્તિત્ત્વમાં આવશે. મુંબઇનું ભૌગોલિક અંતર ઘટી જતાં  અમદાવાદમાંથી દારૂબંધી દૂર કરવાની માગ ઊભી થશે. એ ન સ્વીકારાય ત્યાં સુધી બુલેટ ટ્રેનના ટાઇમે પ્લેટફોર્મ પર કડક પોલીસ ચેકિંગ રહેેશે. દારૂની બોટલમાં પાણી ભરતા અમદાવાદના મુસાફરો તથા પાણીની બોટમાં દારૂ ભરતા મુંબઇના મુસાફરોના ‘માલ’ની ચાખ્યા વિના ચકાસણી શી રીતે કરવી? એવી મૂંઝવણ અનુભવીને પોલીસ એ સૌ પાસેથી ‘મૂંઝવણવેરો’ વસૂલ કરશે.

બુલેટ ટ્રેનમાં બારી ખુલ્લી રાખવી કે બંધ, એવી વિશ્વશાંતિ માટે ખતરારૂપ સમસ્યાઓ (બંધ રહેતી બારીઓને લીધે) ટળી જશે, પણ બુલેટ ટ્રેનમાં અપ-ડાઉન કરનારા રોજિંદા નોકરિયાતો અમદાવાદથી ઉપડેલી ટ્રેનમાં ખાલી જગ્યાઓ રાખી મૂકશે? અને એ જગ્યા તરફ અપેક્ષાભરી નજરે જોનારને ‘આવે છે?’ કહીને ખાળી શકશે? અને ‘હવે તો ટ્રેન સીધી મુંબઇ જ ઊભી રહેવાની છે. પછી કોણ આવવાનું છે?’ એવી તાર્કિક દલીલોને ડોળા કાઢીને ફગાવી શકશે? બુલેટ ટ્રેનમાં ચાલુ ગાડીએ ચઢવા કે ઉતરવાનું શક્ય નહીં બને, એ તેની એક મોટી મર્યાદા બનશે. તેના કારણે હીરો કે હીરોઇનમાંથી એક જણ ટ્રેનમાં ચડી ગયું હોય ને બીજું પ્લેટફોર્મ પર હાથ લાંબો કરીને દોડતું હોય એવી ફિલ્મ રોમેન્ટિક સિચ્યુએશનો શક્ય નહીં બને.

શતાબ્દિ પ્રકારની ટ્રેનોમાં બેઠકો હોય એટલી જ ટિકિટ આપવામાં આવે છે. પરંતુ બુલેટ ટ્રેનમાં અમદાવાદથી મુંબઇ બે-ત્રણ કલાકમાં પહોંચી શકાતું હોય તો, મુંબઇગરાઓને એ થાણા-મુંબઇ જેવું લાગશે. એ સંજોગોમાં તે બુલેટ ટ્રેનમાં ઊભાં ઊભાં મુસાફરી કરી શકાય- અને શક્ય હોય તો દરવાજે ઊભા રહેવાય- એ માટે રજૂઆતો કરશે. એ વખતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ નજીક હશે તો આ માગણીઓ કદાચ સ્વીકારાઇ પણ જશે.

પવનવેગી મુસાફરીમાં સ્વાદ અને ગંધ ઉમેરવા માટે ચણાની દાળ, કાકડી, શિંગોડાં, સફરજન, ખારી સિંગ જેવી ચીજવસ્તુઓ વેચતા ફેરિયાઓને બુલેટ ટ્રેનમાં પરવાનગી આપી શકાય. એમ કરવાથી બુલેટ ટ્રેનનો સમાજના છેવાડાના વર્ગ સાથે નાતો સ્થાપ્યાનો સંતોષ લઇ શકાશે  અને તેમાં પ્રવાસ કરનારા હાઇ-ફાઇ મુસાફરોને મફતમાં વાસ્તવિક ભારતદર્શન કરાવી શકાશે. 

5 comments:

  1. સરસ છે. મજા આવી.
    "પોતાને સીધો કશો ફાયદો ન હોય એવા ઝળહળાટથી રાજી થવાની અમદાવાદના-ગુજરાતના લોકોને હવે ખાસ્સી પ્રેક્ટિસ પડી ગઇ છે" -- ખુબ સરસ.
    "તાજમહાલ ઑન વ્હીલ્સ" - ક્યાંથી લાવ્યા ??
    "દારૂની બોટલમાં પાણી ભરતા અમદાવાદના મુસાફરો તથા પાણીની બોટમાં દારૂ ભરતા મુંબઇના મુસાફરોના ‘માલ’ની ચાખ્યા વિના ચકાસણી શી રીતે કરવી?" -- જો ચાખે તો party ON Wheels !!!
    ખુબ મજા પડી.

    ReplyDelete
  2. ઉત્પલ ભટ્ટ1:47:00 AM

    વાહ....વાહ!
    'આરપાર' વખતે લખેલો બુલેટ ટ્રેનનો લેખ યાદ આવી ગયો. આટલા વર્ષે પણ નરી કલ્પના માત્ર!

    ReplyDelete
  3. Anonymous5:50:00 AM

    bullet train ne shu kahi shakay, lolipop, praja ne shikshan, dawa, road, rasta ane rojgar ni kalpana kari hot to ketlu saru hot.

    thoda divas pahela, maru shaher ane rajya, chagdole (rajkiya arthvyavastha) ne goli chusi ne nasha na vahem ma raheta hata, have to kadach samagra desh ma a prescription no maja malshe.

    ek kehvat, yad avi gai:
    "ru pinjnaro hodi no vahak na khape"

    translate simply, a cotton spinner becomes sailor.


    ReplyDelete
  4. પોતાને સીધો કશો ફાયદો ન હોય એવા ઝળહળાટથી રાજી થવાની અમદાવાદના-ગુજરાતના લોકોને હવે ખાસ્સી પ્રેક્ટિસ પડી ગઇ છે - પછી તે સાબરમતી નદીમાં ઠલવાયેલું નર્મદાનું પાણી હોય કે કાંકરિયામાં મુકાયેલું હિલીયમ બલુન
    - Amdavad k Gujarat nhi pan have samagra desh na loko ni pan aaj halat chhe.

    ગયા વર્ષનું આખા દેશનું આરોગ્ય માટેનું બજેટ રૂ.૩૭ હજાર કરોડ ને શિક્ષણનું બજેટ લગભગ રૂ.૬૫ હજાર કરોડ હતું.
    Ane bulle train nu budget 60 hajar crore...wah re Indian public and politicians... lafo khai ne y gal to lal j rakhvo...:)1

    ReplyDelete
    Replies
    1. Anonymous6:18:00 AM

      vepari kom ni samaj thi vishesh shu?

      Delete