Monday, June 30, 2014

વોકિંગ ક્લબ : રસ્તાની વચ્ચે ટહેલવાની કળા

લાફિંગ ક્લબો ચાલુ થઇ ત્યારથી એક બાબતની શાંતિ થઇ ગઇ છે. હવે કોઇ પણ પ્રવૃત્તિની ક્લબ ચાલુ કરી શકાય છે. તે ‘લાફિંગ ક્લબ’થી વધુ હાસ્યાસ્પદ નહીં લાગે.

માનવસહજ અને માનવવિશેષ ક્રિયા ગણાતા હાસ્ય માટે લોકોએ ખાસ નક્કી કરીને ભેગા થવું પડે અને કસરતની જેમ હસવું પડે, એ વાત ‘સાયન્સ ફિક્શન’ જેવી અથવા ચાર્લી ચેપ્લિનની ટ્રેજિકોમેડી જેવી લાગે છે. પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચેનો મુખ્ય તફાવત દર્શાવતાં અભ્યાસીઓ કહે છે કે ‘પ્રાણીઓ હસી શકતાં નથી.’ આ જૂની હકીકતને આઘુનિક સ્વરૂપે રજૂ કરતાં કહી શકાય કે ‘પ્રાણીઓ લાફિંગ ક્લબો ખોલી શકતાં નથી કે તેનાં સભ્યો પણ બની શકતાં નથી.’ (કોઇ ઉત્સાહી સવારના લાફિંગ ક્લબના કાર્યક્રમમાં પોતાના પાલતુ ટૉમી કે બુ્રનોને લઇને જાય એ જુદી વાત થઇ.)

આ થઇ પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચેના તફાવતની વાત.  તેમની વચ્ચે સામ્ય પણ ઓછું નથી. ‘મનુષ્ય એક સામાજિક પ્રાણી છે’ એ વાક્યમાં ‘પ્રાણી’ શબ્દ કેટલો અગત્યનો છે, તે અમદાવાદ કે સમસ્ત ગુજરાતના વાહનચાલકો બરાબર સમજી શકે છે. ગામમાં  રસ્તે રખડતી ગાયો અને રસ્તે ચાલતા માણસોમાંથી કોણ વધારે નિરંકુશ હોય છે તે નક્કી કરવું અઘરું છે. રસ્તા પર ગાયોનો તોર હાઇ વે પર ચાલતી ટ્રકો જેવો હોય છે. રસ્તો તેમના પૂર્વજોએ બંધાવ્યો હોય અને તેના કોઇ પણ ભાગ પર મન પડે એ રીતે ચાલવું, વળવું અને ઊભા રહેવું એ તેમનો ખાનદાની હક હોય એવી રીતે એે વર્તે છે.

શહેરોમાં ભારે ટ્રાફિકને કારણે રાહદારીઓ આ બાબતમાં ગાયના મુકાબલે થોડા ઉણા ઉતરે છે, પણ ગ્રામ્ય વિસ્તારોમાં કે શહેરોના ગ્રામ્ય લાગતા વિસ્તારોમાં વાહનચાલકોને ન ગાંઠવાની બાબતમાં કોણ ચડે તે નક્કી કરવું અઘરું બને છે. વાહનચાલકોનું અસ્તિત્ત્વ લક્ષમાં ન લેતી અને વખત આવ્યે તેમને ઢીંકે ચઢાવતી ગાયને ત્યારે ‘ગરીબડી’ કોણ કહી શકે? ‘ગરીબ ગાય’ જેવી દશા તો વાહનચાલકોની થાય છે. વચ્ચોવચ્ચ બેઠેલી કે ચાલતાં ચાલતાં ધરાર સાઇડ ન આપતી કે આસપાસથી પસાર થતા વાહનચાલકને ચોંકાવવા શીંગડા ઉલાળતી ગાયો પર વાહનચાલકો ખીજાઇ શકતા નથી. કારણ કે મોટે ભાગે તેમના વાહન કરતાં ગાયની સાઇઝ અને તેની ટક્કર મારવાની ક્ષમતા વધારે હોય છે.

ગાયો અને ઘણાખરા રાહદારીઓ વાહનનાં હોર્ન પ્રત્યે એકસરખો ઉપેક્ષાભાવ સેવે છે. આ બન્ને વર્ગો એવું માનતા લાગે છે કે વાહનચાલકો તેમનાં રડતાં બાળકોને શાંત રાખવા, આજુબાજુથી પસાર થતા કોઇ વિજાતીય પાત્રનું ઘ્યાન દોરવા, પોતે નવું વાહન ખરીદ્યું છે તેની જાહેરજનતાને જાણ કરવા, આ રસ્તા પર પોતાને રોકી શકે એવું કોઇ નથી એવું જાહેર કરવા માટે કે પછી ‘બસ યું હી’ હોર્ન વગાડે છે. ટૂંકમાં, વાહનચાલકો તો હોર્ન વગાડે. એનાથી આપણે વિચલિત થવાનું ન હોય, એવું ગાયો અને ઘણા રાહદારીઓ માને છે.

ગાયો એવો દેખાવ કરે છે, જાણે તેમને હોર્ન સંભળાયું જ નહીં અને રાહદારીઓ માને છે કે ‘આવાં હોર્ન તો બીજાં વાહનોના લાભાર્થે જ હોય ને. આપણે તો શાંતિથી, આપણી મેળે રસ્તા પર ચાલીએ છીએ. માટે હોર્નરૂપી ચેતવણી આપણને લાગુ પડતી નથી.’ કોઇ વડીલ તોફાની છોકરાને ધમકાવતા હોય તેની અસરથી બાજુમાં ઊભેલું ડાહ્યું છોકરું ઢીલુંઢફ થઇ જાય, ત્યારે વડીલ એને બુચકારતાં કહે છે, ‘તને નહીં, હોં બકા’.  એવું જ વાહનનાં હોર્ન સાંભળીને ઘણા રાહદારીઓ પોતાનની જાતને કહે છે.

કેટલાક રાહદારીઓના સ્વમાનનો ખ્યાલ એટલો ઊંચો અને નાજુક હોય છે કે હોર્નના અવાજથી તે બટકી જાય. તેમને લાગે છે જાણે હોર્ન મારનારે ધમકી આપી. એટલે હોર્ન સાંભળીને તે બાજુ પર ખસવાને બદલે, ‘કોણ છે આ ગુસ્તાખ, જે અમને હોર્ન મારવાની જુર્રત કરે છે?’ એવા મુગલ-એ-આઝમ અંદાજમાં પાછળ જુએ છે. એ નજરમાં એવો ભાવ પણ સામેલ હોય છે કે ‘અમે આવાં પચાસ હોર્ન ઘોળીને પી જઇએ. ત્યાં તારા એક તતૂડાની શી વિસાત?’

વાહનચાલક નમૂના વળી અલગ લેખનો વિષય છે, પણ અહીં રાહદારીની વાત છે. તેમના તરફથી હોર્નનો ઠંડો અથવા ગરમ પ્રતિભાવ મળ્યા પછી પણ વાહનચાલકની મૂંઝવણ ચાલુ રહે છે. હોર્ન સાંભળીને  કતરાતી નજરે જોતા રાહદારીને જોઇને વાહનચાલક ‘ડાકા તો નહીં ડાલા, ચોરી તો નહીં કી હૈ’ જેવા મનોભાવ ધારણ કરે છે. પરંતુ જેની પર હોર્ન જેવી બોલકી વસ્તુની અસર ન થાય, તેની સમક્ષ આવા સૂક્ષ્મ મનોભાવની શી વિસાત?

કેટલાક જાગ્રત વાહનચાલકો હોર્નનો પ્રતિસાદ ન મળતાં રાહદારીઓ પર ચીડાય છે. પોતે ચીડાયા છે એવું દર્શાવવા તે એકથી વઘુ વાર હોર્ન મારીને ચાલુ વાહને, રાહદારી સામે ઠપકાની દરખાસ્ત પસાર કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ પૈડાંને બદલે પોતાના પગનો ઉપયોગ કરનારા લોકોનો આત્મવિશ્વાસ હંમેશાં ઉંચો હોય છે. વાહનના હોર્નનો અવાજ ધીમો હોય તો એ ચાલકને ઠપકો આપતાં કહે છે, ‘ભલા માણસ, સાવ પીપુડી જેવું હોર્ન શું રાખ્યું છે? અવાજ તો થોડો મોટો રાખો. આ તો ઘરના ખૂણામાં બિલાડીનું બચ્ચું રડતું હોય એવું લાગે છે.’

અને  જો હોર્નનો અવાજ મોટો હોય તો? થઇ રહ્યું. રાહદારીઓ સભ્યતાનો અવતાર બનીને ઉગ્ર ભાષામાં વાહનચાલકને ઠપકો આપે છે, ‘આવાં જંગલી જેવાં હોર્ન શું જોઇને મુકાવતા હશે? કાચોપોચો તો હોર્ન સાંભળીને જ છળી મરે. તમારા મા-બાપે આવા સંસ્કાર આપ્યા છે? બહુ શોખ હોય તો તમારા ઘરની સામે ડીજે બોલાવીને, તેનાં સ્પીકરનું કનેક્શન વાહન સાથે જોડાવીને એની પર હોર્ન વગાડજો ને નાચજો. અમારી પર શા માટે ત્રાસ ગુજારો છો?’

વિકાસયુગમાં હવે રસ્તા પહોળા અને ચાલવાની જગ્યાઓ સાંકડી થવા લાગી છે. સીધી રીતે, દબાઇ-ચૂમાઇને એક ખૂણે ચાલવાનાં પણ ફાંફાં પડતાં હોય ત્યાં, હોર્નની ઉપેક્ષા કરીને રસ્તાની વચ્ચોવચ ચાલવા જેવી કળા માટે અસ્તિત્ત્તવ ટકાવી રાખવાનું અઘરું સાબીત થઇ રહ્યું છે. વિચારધારાની રીતે પણ મૂડીવાદની જીત અને સમાજવાદના ખાત્માની દિશામાં દુનિયા ઘણી આગળ વધી ગઇ છે. રસ્તાની વચ્ચોવચ્ચ ચાલતા રાહદારીઓ સમાજવાદના છેલ્લા ઘ્વજધારીઓ હતા. એ માનતા હતા કે ‘જ્યાં સુધી આપણે વાહનધારી મૂડીવાદીઓ જેવા ન થઇ શકીએ, ત્યાં સુધી વાંક ગમે તેનો હોય, પણ વાહનધારીઓને ધમકાવવા-ખખડાવવાનો અધિકાર આપણો જ છે. અને તેમણે આપણો ઠપકો સાંભળવો જ રહ્યો. વાહન લઇને શાના નીકળી પડે છે, બચ્ચુઓ?’

ગાંધીજીએ કહ્યું હતું કે સાચું ભારત ગામડાંમાં વસે છે. એ ન્યાયે હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં વાહનો અને તેમનાં જાલીમ હોર્નની ઉપેક્ષા કરીને રસ્તાની વચ્ચોવચ ટહેલવાનો રિવાજ ચાલુ છે. પરંતુ વાહનોની વધતી સંખ્યા સાથે ગામડાં પણ શહેરીકરણના માર્ગે છે. ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે પણ કોઇ વાહનચાલક હોર્ન મારે અને રાહદારી પાછું જોયા કે કતરાયા વિના બાજુ પર ખસી જાય, ત્યારે સમજવું તેના શહેરીકરણની દુઃખદ પ્રક્રિયા પૂર્ણ થઇ. હવે તેના રાહદારીઓએ બાકીનું જીવન રસ્તા પર બિચારાપણામાં વ્યતીત કરવું પડશે. 

Tuesday, June 24, 2014

બારમા પછી બી.એસસી.માં કેન્દ્રીય પ્રવેશપદ્ધતિનો અમલ : ‘સાયન્સ’ના શિક્ષણનું ‘કોમર્સ’

વર્ષો સુધી વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓના મનમાં એવી હૈયાધારણ રહેતી હતી કે પ્રવેશ માટે પ્રયાસ બધે કરી જોવાના, પણ ક્યાંય પ્રવેશ ન મળે તો બી.એસસી. ક્યાં નાસી જવાનું છે? એકાદ સાયન્સ કૉલેજમાં ગમે ત્યારે પ્રવેશ મેળવી લઇશું. બહુ તો શું થશે? ‘સારી’ ગણાતી સાયન્સ કૉલેજમાં પ્રવેશ નહીં મળે ને ‘બી ગ્રેડ’ની કોલેજથી ચલાવવું પડશે એ જ ને?

કઠણાઇ ત્યારે શરૂ થઇ જ્યારે વિજ્ઞાનપ્રવાહનાં પરિણામ અસાધારણ રીતે ઊંચાં આવવા લાગ્યાં. તેના કારણે બી.એસસી.માં પ્રવેશ મેળવવામાં પણ ડખા શરૂ થયા. આટલું ઓછું હોય તેમ, આ શૈક્ષણિક વર્ષથી બી.એસસી.નાં ઍડમિશન માટે પણ કેન્દ્રીય પ્રવેશપદ્ધતિ અપનાવવાનો હુકમ રાજ્યના શિક્ષણ વિભાગે કાઢ્‌યો છે. સસરકારી દાવો એવો છે કે એન્જિનિયરિંગ જેવા પ્રોફેશનલ કોર્સની જેમ બી. એસસી.માં કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિ અપનાવવાથી વિદ્યાર્થીઓ-વાલીઓને ફોર્મ ભરવા માટે કોલેજે-કોલેજે ભટકવું નહીં પડે. એક જ જગ્યાએ ફોર્મ ભરી દીઘું એટલે ઝંઝટ ખતમ. પરંતુ બી.એસસી.માં કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિથી પ્રવેશની ઝંઝટ ઘટશે કે વધશે?

કેન્દ્રીય પ્રવેશ : સુવિધા ને દુવિધા

ગુજરાતના શિક્ષણવિભાગે તા. ૨૭-૫-૧૪ના પરિપત્રથી ઠરાવ્યું કે રાજ્યની તમામ યુનિવર્સિટીઓએ પોતાના સ્તરે બી.એસસી.માં કેન્દ્રીય પ્રવેશ આપવો. ઉદાહરણ તરીકે ગુજરાત યુનિવર્સિટીની વાત કરીએ તો, તેની સાથે સંકળાયેલી તમામ સાયન્સ કૉલેજમાં બી. એસસી.ના ઍડમિશન માટે એક જ ફોર્મ ભરવાનું. આ પ્રક્રિયામાં રાજ્યની સરકારી અને સેલ્ફ ફાયનાન્સ્ડ, એમ તમામ પ્રકારની કોલેજ આવી જાય અને મેરિટ લીસ્ટ બન્યા પછી નક્કી થાય કે વિદ્યાર્થીને યુનિવર્સિટીની કઇ કોલેજમાં પ્રવેશ મળશે.

સભાવના તો સારી લાગે છે. પરંતુ તેના વ્યવહારુ અમલ વિશે વિચારતાં કેટલાક સવાલ જાગે. સૌથી પહેલો મુદ્દો સ્થાનિક વિદ્યાર્થીઓના સ્થાનિક-નજીકની કૉલેજમાં પ્રવેશ અંગેનો છે. ગુજરાત યુનિવર્સિટીનું ઉદાહરણ આગળ વધારીએ તો, ‘ધ ઍડમિશન કમિટી ફૉર પ્રૉફેશનલ કોર્સીસ’ (એસીપીસી)ની વેબસાઇટ પર મુકાયેલી પ્રૉવિઝનલ (કામચલાઉ) યાદી પ્રમાણે, ગુજરાત યુનિવર્સિટીમાં કુલ ૨૪ સાયન્સ કૉલેજ છે. તેમાંથી ૮ કૉલેજ અમદાવાદમાં છે. બાકીની સાયન્સ કૉલેજ ક્યાં આવેલી છે? ભાદરણ, ઠાસરા, ડભોઇ, ગાંધીનગર,  નડિયાદ, માણસા, દાહોદ, કલોલ, લુણાવાડા, કપડવંજ, પેટલાદ, ગોધરા, છોટાઉદેપુર, ખંભાત, ઝાલોદ, બોરસદ.

કેન્દ્રીય પ્રવેશપદ્ધતિમાં જેના વધારે ટકા (કે પર્સન્ટાઇલ) હોય- મૅરિટમાં જેનો નંબર આગળ હોય- તેને પોતાની ગમતી કૉલેજમાં જવાની તક મળે. બાકીના લોકોને જે મળે તે કૉલેજથી સંતોષ માનવો પડે. અત્યાર લગી બારમા સાયન્સમાં ઓછા ટકા ધરાવતા ઘણાખરા વિદ્યાર્થીઓ પોતાને અનુકૂળ એવી નજીકની કે પ્રમાણમાં સહેલાઇથી આવ-જા કરી શકાય એવી કૉલેજમાં પ્રવેશ મેળવીને બી.એસસી. કરી શકતા હતા, પરંતુ કેન્દ્રીય પ્રવેશપદ્ધતિના અમલ પછી તેમની સ્થિતિ બદલાઇ શકે છે.

ધારો કે અમદાવાદના એક વિદ્યાર્થીના ૫૫ ટકા આવ્યા હોય  અને તેને બી.એસસી.માં ઍડમિશન લેવાનું થાય, તો શક્ય છે કે તેને અમદાવાદની એકેય સાયન્સ કૉલેજમાં પ્રવેશ ન મળે. કારણ કે તેનાથી વઘુ ટકા ધરાવતા વિદ્યાર્થીઓથી અમદાવાદની સાયન્સ કૉલેજોની બધી બેઠક ભરાઇ ચૂકી હોય. એવા વિદ્યાર્થીને પછી મેરિટ પ્રમાણે ડભોઇ, દાહોદ, છોટાઉદેપુર, કપડવંજ જેવા વિકલ્પ મળતા હોય તો? ૫૫ ટકા લાવ્યા પછી બી.એસસી. કરવા માટે વિદ્યાર્થીને આટલે દૂર જવું પડે. બી.એસસી.નો અભ્યાસક્રમ ચલાવતી અમદાવાદ બહારની- ખાસ કરીને નાનાં કેન્દ્રોમાં આવેલી- કૉલેજમાં વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્ટેલની વ્યવસ્થા પણ હોય કે કેમ એ સવાલ.

આવું જ સરકારી મદદ ધરાવતી અને સેલ્ફ ફાયનાન્સ્ડ કૉલેજો વચ્ચેની પસંદગીમાં પણ બને. સરકારી કૉલેજ ગમે તેવી હોય તો પણ તેની ઓછી (વર્ષે માંડ રૂ.ત્રણેક હજાર) ફીને કારણે, એ વિદ્યાર્થીઓની પહેલી પસંદ બને છે. વઘુ ટકા ધરાવતા વિદ્યાર્થીઓ એવી કૉલેજમાં પ્રવેશ અંકે કરી લે. તો પછી ઓછા ટકા ધરાવતા વિદ્યાર્થી માટે સરકારી કૉલેજ કરતાં અનેક ગણી વધારે ફી ધરાવતી સેલ્ફ ફાયનાન્સ્ડ કૉલેજમાં પ્રવેશ લીધા વિના આરો ન રહે.

ઓછા ટકા લાવનાર વિદ્યાર્થી સામાન્ય સ્થિતિનો હોય તો એ તેને પરવડે એટલા ખર્ચમાં બી.એસસી. પણ ન કરી શકે, એ કેવું કહેવાય?  ‘સામાન્ય સ્થિતિના લોકો મરતા હોય તો મરે. એમાં અમે શું કરીએ? એમણે વધારે ટકા લાવવા જોઇએ અથવા વધારે રૂપિયાવાળા હોવું જોઇએ’ - એવા ‘સામાજિક ડાર્વિનવાદ’માં માનતા લોકોને આખી વાતમાં કદાચ કશું અજૂગતું ન લાગે, પણ આગળ જણાવેલી શક્યતાઓ બિનપાયાદાર નથી. એ વિશે સરકાર તરફથી વઘુ સ્પષ્ટતા જરૂરી છે.

જેમ કે, કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિનો અમલ કરવો જ હોય તો તે યુનિવર્સિટી સ્તરે કરવાને બદલે, હજુ બે ડગલાં આગળ જઇને સ્થાનિક (તાલુકા કે જિલ્લાના) સ્તરે કરી શકાય. એમ કરવાથી વિદ્યાર્થીઓના લાંબા સ્થળાંતરની સંભાવના ટાળી શકાય અને કેન્દ્રીય પ્રવેશપદ્ધતિનો ફાયદો પણ મળે- આજુબાજુમાં આવેલી કૉલેજોમાં વિદ્યાર્થીને પ્રવેશફોર્મ માટે દોડવું ન પડે.

બી.એસસી.નો કોર્સ ઘણા લોકો માટે ‘બૅક અપ’ની ગરજ સારતો હોય છે. ‘તેમાં પણ એક વાર ઍડમિશન લઇ રાખવું જોઇએ’ એવું સારા ટકા ધરાવતા વિદ્યાર્થીઓ વિચારતા હોય છે. એવા વિદ્યાર્થીઓ મેરિટના જોરે પહેલા રાઉન્ડમાં પોતાની નજીકની, ઓછી ફી ધરાવતી કૉલેજમાં પ્રવેશ મેળવી લે. પરિણામે, ઓછા માર્ક ધરાવતા ઘણા વિદ્યાર્થીઓને દૂરની અને ઊંચી ફી ધરાવતી સેલ્ફ ફાયનાન્સ્ડ કૉલેજમાં ઍડમિશન લેવાનો વારો આવે.

‘ધ ઍડમિશન કમિટી ફૉર પ્રૉફેશનલ કોર્સીસ’ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક પ્રમાણે, ૧૪ થી ૧૮ જુલાઇ, ૨૦૧૪ વચ્ચે વિદ્યાર્થીઓએ કૉલેજની પસંદગી અને તેના વિકલ્પો દર્શાવતું ફોર્મ ભરવાનું રહેશે. તેના આધારે ૨૧ જુલાઇના રોજ પ્રવેશની પહેલી યાદી જાહેર કરવામાં આવશે. ૨૧-૨૫ જુલાઇ વચ્ચે વિદ્યાર્થીઓએ ફી ભરીને પોતાનાં અસલ પ્રમાણપત્રો સાથે કૉલેજમાં હાજર થવું પડશે.

આ તબક્કા સુધી એન્જિનિયરિંગ વગેરેનાં ઍડમિશનનો મામલો થાળે ન પડ્યો પડ્યો હોય તો, ‘બૅક અપ’ તરીકે બી.એસસી.નું ફૉર્મ ભરી રાખનારા પણ મોજુદ હોય. એટલે ઓછા ટકા ધરાવતા લોકોને એક વાર તો નજીકને બદલે દૂરની અને સસ્તીને બદલે મોંઘી-સેલ્ફ ફાયનાન્સ્ડ સાયન્સ કૉલેજમાં ફી ભરીને પ્રવેશ મેળવી લેવો પડે.        

સમયપત્રક પ્રમાણે, ૨૭ જુલાઇના રોજ કઇ કૉલેજમાં કેટલી જગ્યા ખાલી છે તે જાહેર કરવામાં આવશે. ૨૮ જુલાઇથી સત્તાવાર રીતે પહેલું સત્ર શરૂ થશે. પણ ‘રીશફલિંગ’ તરીકે ઓળખાતો પ્રવેશનો બીજો રાઉન્ડ બાકી હશે. તેની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે, એવું એસીપીસીની વેબસાઇટ પર જણાવાયું છે.

રીશફલિંગ પહેલાં એન્જિનિયરિંગ બીજાં ઍડમિશનનું કામ આટોપાઇ ગયું હોય અને ‘બૅક અપ’ તરીકે બી.એસસી.માં ઍડમિશન લઇ રાખનારા ખડી પડ્યા હોય, એટલે શક્ય છે કે ઓછા ટકાવાળા ઘણા વિદ્યાર્થીઓનો નજીકની કૉલેજમાં કે સરકારી કૉલેજમાં નંબર લાગી જાય (અને થોડાને દૂર કે મોંઘી કોલેજમાં જ ભણવું પડે.) પરંતુ ત્યાર પહેલાં એક વાર દૂરની કે મોંઘી ફી ધરાવતી કૉલેજમાં પ્રવેશ મેળવી લેવા માટે કરવી પડતી દોડાદોડ કેવી ખર્ચાળ હશે? અને ખાસ કરીને સામાન્ય સ્થિતિ ધરાવતા વાલીઓને ઓછા ટકા લાવનારા સંતાનના બી.એસસી.-પ્રવેશ માટે આવી દોડાદોડ કરવાની થશે ત્યારે કેવી હાલત થશે?

બારમા ધોરણમાં એ-ગ્રુપ (ગણિત) ધરાવતા ૬૯,૭૪૧ વિદ્યાર્થીઓ અને બી- ગ્રુપ (બાયોલૉજી) ધરાવતા ૩૭,૭૩૮ વિદ્યાર્થીઓ પાસ થયા છે. એ- ગ્રુપવાળા વિદ્યાર્થીઓમાંથી મોટા ભાગના એન્જિનિયરિંગમાં જવાનું વલણ ધરાવે છે. તેમના માટે ચિંતાનું કોઇ કારણ નથી. રાજ્યમાં બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલી અને ફુલેલીફાલેલી ખાનગી એન્જિનિયરિંગ કૉલેજોના પ્રતાપે, એન્જિનિયરિંગની કુલ ઉપલબ્ધ બેઠકોની સંખ્યા, પાસ થયેલા બધા વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં પણ વધારે છે. એટલે ૪૫ ટકાથી ઉપર માર્ક ધરાવતો કોઇ પણ વિદ્યાર્થી ઇચ્છશે તો તે એન્જિનિયર બનીને ગુજરાતનું નામ રોશન કરી શકશે. બી-ગ્રુપના વિદ્યાર્થીઓની મોટી સંખ્યા બી.એસસી.માં ઠલવાશે. તેમને ઝીલવા માટે શિક્ષણસંસ્થાઓ અને શિક્ષણની દુકાનો તૈયાર જ બેઠી છે.

છેલ્લાં આઠ વર્ષમાં બારમા ધોરણના વિજ્ઞાનપ્રવાહના પરિણામમાં અચાનક ઉછાળો આવ્યો છે. ૧૯૯૧થી ૨૦૦૫ સુધી એકાદ અપવાદને બાદ કરતાં પરિણામની સૌથી ઊંચી ટકાવારી હતી : ૬૦.૯૬ ટકા. પરંતુ ત્યાર પછી ગુજરાતના શિક્ષણને એવો વિકાસ થઇ ગયો કે પરિણામો ૭૦-૮૦ ટકાને આંબવા લાગ્યાં : ૮૨.૮૯ ટકા (૨૦૦૬), ૮૩.૫૪ ટકા (૨૦૦૭), ૭૫.૮૫ ટકા (૨૦૦૮), ૭૩.૫૪ ટકા (૨૦૦૯), ૭૫.૭૭ ટકા (૨૦૧૦), ૬૯.૧૬ ટકા (૨૦૧૧), ૬૭.૭૦ ટકા (૨૦૧૨), ૯૨.૫૩ ટકા (૨૦૧૩) અને આ વખતે રેકોર્ડબ્રેક ૯૪.૧૪ ટકા.

પરિણામોનો આ ઉછાળો કોના લાભાર્થે છે? વિદ્યાર્થીઓના કે પછી રાજકીય વર્ગના આશીર્વાદ ધરાવતા શિક્ષણના વેપારીઓના? એ પણ શિક્ષણમાં રસ અને હિત ધરાવતા સૌએ વિચારવાનું છે. 

Monday, June 23, 2014

નર્મદા બંધ, પાણીનું રાજકારણ અને ભાઇકાકા

નર્મદા બંધની ૧૨૧.૯૮ મીટરની ઊંચાઇ પર દરવાજા મૂકીને તેને ૧૩૮.૬૮ ફીટની આખરી ઊંચાઇએ પહોંચાડવાની મંજૂરી મળી જતાં, આ યોજના વઘુ એક વાર ચર્ચામાં આવી છે. છેલ્લા બે-ત્રણ દાયકામાં નર્મદા યોજના વિશે થયેલા વિવાદ મુખ્યત્વે મેધા પાટકર અને ‘નર્મદા બચાવો આંદોલન’ સંદર્ભે હતા. પરંતુ વિવાદ અને ડખાનો એ ઉત્તરાર્ધ હતો. નર્મદા બંધ વિશેની કાર્યવાહી ૧૯૫૦ના દાયકાથી અને તેની તકરારો ૧૯૬૦ના દાયકાથી શરૂ થઇ ચૂકી હતી. ત્યારે પર્યાવરણ કે પુનઃવસન નહીં, પણ વીજળી-પાણી અને ખરૂં જોતાં, પ્રાદેશિક રાજકારણ વિવાદનું મૂળ કારણ હતું.

દરિયામાં ઠલવાઇ જતા નર્મદાના અઢળક પાણીનો રાજ્ય અને દેશના ફાયદામાં ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં ગોરા પાસે બંધ બાંધવાનું નક્કી કરવામાં આવ્યું. ત્યારે અલગ ગુજરાત રચાયું ન હતું. બંધની ઊંચાઇ એ વખતે બે તબક્કે વધારીને ૩૨૦ ફૂટ સુધી લઇ જવાની હતી. તેમાંથી કેનાલો દ્વારા છેક કચ્છ અને બનાસકાંઠા સુધી પાણી પહોંચાડવાની અને વીજળી પેદા કરવાની યોજના હતી, જેને આયોજન પંચે મંજૂરી આપી.

ગુજરાત સરકારે પોતાના અલગ અસ્તિત્ત્વના બીજા જ વર્ષે, ૧૯૬૧માં જવાહરલાલ નેહરુના હાથે ગોરા બંધનું ખાતમુુહુર્ત કરાવ્યું. પરંતુ ભૂસ્તરીય તપાસ દરમિયાન એ જગ્યા યોગ્ય ન લાગતાં, ગોરા બંધની જગ્યાથી નદીના ઉપરવાસ તરફ તપાસ કરવામાં આવી. ત્યાંથી આઠેક કિલોમીટર ઉપર નવાગામ પાસે યોગ્ય જગ્યા મળી આવતાં, સ્થળની ખોજ પૂરી થઇ. નવી જગ્યાએ આજુબાજુના ખડકોની ઊંચાઇ વધારે હતી. એટલે બંધની ઊંચાઇ વધારીને ૪૨૫ ફૂટ (૧૨૯.૫૪ મીટર) કરવાનું ઠરાવાયું.

પહેલેથી નર્મદા બંધનું ખરેખરું કામ ધીમી ગતિએ ચાલતું હતું. એ વખતે સ્વતંત્ર પક્ષના ચૂંટાયેલા સભ્ય તરીકે વિધાનસભામાં બેસતા ઇજનેર અને વલ્લભવિદ્યાનગરના સ્થાપક ભાઇકાકા ઝડપથી તથા કરકસરથી કામ કરવા માટે પંકાયેલા હતા. આઝાદી પહેલાં (૧૯૨૦ના દાયકામાં) સિંધના સક્કર બરાજ પ્રોજેક્ટમાં યુવાન ઇજનેર ભાઇકાકાની કોઠાસૂઝથી સરકારને આશરે એકાદ કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો. પરંતુ આઝાદી પછી આ બાબતમાં સ્થિતિ બદલાઇ - અને ખરાબ થઇ. સ્વ-રાજના નેતાઓ લોકહિત અને દેશહિત આગળ કરવાને બદલે સત્તાકેન્દ્રી રાજકારણના ચક્કરમાં પડ્યા. રાજ્યો વચ્ચે કુદરતી સંસાધનો માટે ખેંચતાણ થાય ત્યારે પોતાના ફાયદા કરતાં બીજાને વધારે ફાયદો ન થવો જોઇએ, એવી વૃત્તિ કામ કરવા લાગી.
bhaikaka / ભાઇકાકા
ભાઇકાકાએ તેમનાં સંસ્મરણોમાં નોંઘ્યું છે તેમ, નર્મદા પરના બંધ સામે મઘ્ય પ્રદેશને શરૂઆતથી વાંધા હતા. તેની મુખ્ય દલીલ એ હતી કે નર્મદાની આઠસો માઇલની લંબાઇમાંથી ગુજરાતમાં તે ફક્ત સો માઇલમાં વહે છે. તેમનો બીજો વાંધો હતો કે ગુજરાતમાં નર્મદા પર બંધ બંધાય તો મઘ્ય પ્રદેશની અમુક જમીન ડૂબમાં જાય અને ભવિષ્યમાં તે નર્મદા પર બંધ બાંધી ન શકે. તેની સામે ગુજરાતના મુખ્ય મંત્રી બળવંતરાય મહેતાએ એક વિશિષ્ય યોજના મઘ્ય પ્રદેશના મુખ્ય મંત્રીના ગળે ઉતારી દીધી. એ પ્રમાણે, મઘ્ય પ્રદેશમાં મોટું સરોવર અને એક બંધ થાય તો આખા રાજ્યને છ-સાત લાખ એકરમાં બારમાસી ખેતી થાય એટલું પાણી નહેરો દ્વારા મળે અને પાણીમાંથી પેદા થનારી વીજળીનો પુરવઠો પણ મળે. આ બંધ માટે ખર્ચાનારા રૂ.૩૦ કરોડમાંથી રૂ.૧૦ કરોડ ગુજરાત લોન પેટે આપે, બીજા રૂ.૧૦ કરોડની ગુજરાત મદદ તરીકે આપે અને તેના બદલામાં પાણી થકી પેદા થતી વીજળીનો ત્રીજો ભાગ મેળવે.

આ યોજના પર બન્ને રાજ્યોના મુખ્ય મંત્રીઓ સંમત હતા, પરંતુ અખબારોમાં આ સમજૂતીની વિગતો આવતાં મહારાષ્ટ્રના પેટમાં તેલ રેડાયું. ખેતી અને ઉદ્યોગોની બાબતમાં ગુજરાત આગળ ન નીકળી જાય એ માટે મહારાષ્ટ્ર બહુ સચેત હતું. તેના દૂતોએ મઘ્ય પ્રદેશના મુખ્ય મંત્રીને અવળું ભૂસું ભરાવ્યું. તેમણે કહ્યું કે જમીન મઘ્ય પ્રદેશની ડૂબે ને લાભ ગુજરાતને મળે? તથા આવું થશે તો મઘ્ય પ્રદેશ ભવિષ્યમાં હરણફાળ પાસે બંધ બાંધવાની અને તેમાંથી પેદા થતી વીજળી મેળવવાની તક ગુમાવશે. એને બદલે જો એ મહારાષ્ટ્ર સાથે સંધિ કરે તો મહારાષ્ટ્ર મઘ્ય પ્રદેશની હદ નજીક જળસિંધી પર બંધ બાંધશે, જે સહિયારો બંધ બનશે. તેનો ખર્ચ મહારાષ્ટ્ર ઉપાડશે.  વીજળીની વહેંચણીમાં ત્રણ ભાગ મઘ્ય પ્રદેશને અને એક ભાગ મહારાષ્ટ્રને મળશે. મઘ્ય પ્રદેશને એટલી વીજળીની જરૂર ન હોવાથી, વીજળી મહારાષ્ટ્ર વાપરશે અને તેના રૂપિયા મઘ્ય પ્રદેશને ચૂકી દેશે. ઉપરાંત, ભવિષ્યમાં તે હરણફાળ પાસે પોતાનો બંધ પણ બાંધી શકશે.

મહારાષ્ટ્રની આ ફાચર આબાદ કામ કરી ગઇ. મઘ્ય પ્રદેશે ગુજરાત સાથેની સંધિ ફોક કરીને મહારાષ્ટ્ર સાથે હાથ મિલાવી લીધા. એટલું જ નહીં, તેમણે જાહેર કર્યું કે ગુજરાતને અમે નર્મદાનું કામ નહીં કરવા દઇએ. ત્યાં સુધી યોજનાની પ્રાથમિક તપાસ અને પરીક્ષણ પાછળ ચારેક કરોડ રૂપિયા ખર્ચાઇ ચૂક્યા હતા. દરમિયાન મહારાષ્ટ્રે એવો ‘અભ્યાસ’ બહાર પડાવ્યો કે નર્મદા બંધ ૨૧૦ ફૂટ ઊંચો થાય અને તેમાંથી ૧૮૦ ફૂટે કેનાલ નીકળે તો પણ એ પાણી કચ્છ સુધી પહોંચી જાય.

રાજ્યો વચ્ચેના દાવા-પ્રતિદાવાનો તકનિકી રાહે નીવેડો લાવવા માટે કેન્દ્ર સરકારે ખોસલા કમિટીની નિમણૂંક કરી. તેમાં ડૉ.ખોસલા સહિતના લોકો ઇજેનેરી બાબતોના નિષ્ણાત અને નિષ્પક્ષ હતા. ખોસલા કમિટીએ ત્રણે રાજ્યોની રજૂઆતો સાંભળી. ગુજરાતમાં આવતાં વેંત તેમણે ‘પોલિટિશ્યન એન્જિનિયર’ ભાઇકાકાને યાદ કર્યા અને તેમની સાથે વિસ્તૃત ચર્ચા કરી. એ સમયે વિપક્ષી આગેવાન એવા ભાઇકાકાએ તેમને કહ્યું કે ‘ગુજરાત પડોશી રાજ્યોને ભોગે કંઇ પણ લાભ લેવા માગતું નથી. અમારું એક જ દૃષ્ટિબિંદુ છે કે નર્મદા એ સારા ભારતની મિલકત છે અને ભારતનું હિત વધારેમાં વધારે સધાય એ રીતે નર્મદાના પાણીનો ઉપયોગ થવો જોઇએ.’ ટેકનિકલ પાસાંની રજૂઆત કરતાં તેમણે કહ્યું કે મઘ્ય પ્રદેશ હરણફાળ આગળ બંધ બાંધે ત્યાં માત્ર વીજળી ઉત્પન્ન થવાની છે. ખેતી માટે પાણીનો લાભ મળવાનો નથી. એવું જ મહારાષ્ટ્ર- મઘ્ય પ્રદેશના સંયુક્ત એવા જળસિંધીના બંધ માટે પણ છે.

મઘ્ય પ્રદેશમાં હરણફાળનો બંધ ૪૬૫ ફૂટ ઊંચાઇએ થવાનો છે. એને બદલે ગુજરાતના નર્મદા બંધને ૪૬૫ ફૂટ (આશરે ૧૪૧ મીટર) ઊંચાઇની મંજૂરી આપવામાં આવે. ત્યાર પછી મઘ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રે બંધ બાંધવાના રહે નહીં. મઘ્ય પ્રદેશમાં હરણફાળનો બંધ બાંધવાથી ડૂબમાં જવાની હતી એટલી જ જમીન ગુજરાતના નર્મદા બંધથી ડૂબમાં જશે. એટલે તેને વધારાનું કશું નુકસાન નહીં થાય. બન્ને બંધોથી જે વીજળી પેદા થવાની છે, એ ગુજરાત બન્ને રાજ્યોને નર્મદા બંધના પ્રતાપે આપી શકશે. બદલામાં બન્ને રાજ્યોએ એ બંધ માટે ખર્ચાનારી રકમ ગુજરાતને આપી દેવાની. તેમની વીજળીની માગ સંતોષાશે, વધારાની જમીન ડૂબમાં નહીં જાય અને ગુજરાતને ૧૪૧ મીટર ઊંચા નર્મદા બંધનો વીજળી અને સિંચાઇ માટે લાભ મળશે.

ખોસલા કમિટીની વિશિષ્ટ ભલામણોમાંની એક નર્મદાની નહેરો દ્વારા ગુજરાતમાં વહાણવટું ખીલવવાની હતી. તેમણે સૂચવ્યું હતું કે નહેરનો એક ફાંટો કંડલા બંદર પાસે હોવો જોઇએ, જેથી ત્યાંથી હોડીઓમાં માલ સીધો નવાગામ પાસે લાવી શકાય અને ત્યાંથી મઘ્ય પ્રદેશમાં છેક જબલપુર સુધી પણ આ રીતે જળમાર્ગ સ્થાપી શકાય. એવી રીતે કલકત્તાને પણ નર્મદાની નહેરો થકી જળમાર્ગે કંડલા સાથે જોડી શકાય. આ રીતે માલનો વાહનવ્યવહાર ખર્ચ ત્રીજા ભાગનો થઇ જાય.

નર્મદા બંધની ૪૬૫ ફૂટની ઊંચાઇ ખોસલા કમિટીએ મંજૂર રાખી હતી. તેમાંથી પાણીના લાભ પેટે ૪૮ ટકા ખર્ચ ગુજરાતે ભોગવવાનું હતું. બાકી રહેલા વીજળી પેટેના ૫૨ ટકા હિસ્સામાંથી ૨૬ ટકા મઘ્ય પ્રદેશ, ૧૩ ટકા મહારાષ્ટ્ર અને ૧૩ ટકા ગુજરાત વચ્ચે વહેંચવામાં આવ્યા હતા. ઉપરાંત, રોકકળ મચાવનાર મહારાષ્ટ્ર- મઘ્ય પ્રદેશને વધારાના ફાયદા આપવામાં આવ્યા હતા. ગુજરાતને આ રીપોર્ટ મંજૂર હતો. પરંતુ તેનો સ્વીકાર કરવામાં મુખ્ય મંત્રી હિતેન્દ્રભાઇ દેસાઇએ ગરજાઉ ઉતાવળ બતાવવાને બદલે વિલંબ દાખવ્યો. ત્યાં સુધીમાં મઘ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં આ ભલામણોના કાલ્પનિક ગેરફાયદા દેખાડીને લોકોને ઉશ્કેરવાનું રાજકારણ શરૂ થઇ ચૂક્યું હતું. એટલે ખોસલા કમિટીની કવાયત પણ પાણીમાં ગઇ.

બાકી, ખોસલા કમિટીના અંદાજ પ્રમાણે, ૧૯૬૫માં નવાગામ બંધ અને તેની કેનાલોનું કામ શરૂ થઇ જવાનું હતું અને ૧૯૭૫માં તે ફક્ત રૂ.૩૦૦ કરોડના ખર્ચે પૂરું થઇ જાત. એને બદલે હજારો કરોડ રૂપિયાના ખર્ચ પછી નર્મદા બંધની ટોચે દરવાજાનું બાંધકામ પૂરું થવામાં ઓછામાં ઓછાં ત્રણ વર્ષ લાગશે. ઉપરાંત, માત્ર ને માત્ર ગુજરાત સરકારની ઉદાસનીતાથી રેઢું પડેલું નહેરોનું બાકી રહેલું ૭૦ ટકા બાંધકામ ક્યારે પૂરું થશે એ કહેવું મુશ્કેલ છે.

‘સોશ્યલ એન્જિનિયરિંગ’ અને ‘ઇલેક્શન એન્જિનિયરિંગ’ની બોલબાલાના જમાનામાં  ભાઇકાકા જેવા ‘પોલિટિકલ એન્જિનિયર’ની ગુજરાતને અને દેશને ખોટ વરતાય છે. 

Friday, June 20, 2014

‘નર્મદાવતરણ’ : ઉજવણી અને સવાલો

રાજકારણમાં આજકાલ ભાવનાસભર વાતાવરણ ચાલે છે. પ્રચંડ જીત પછી વડાપ્રધાન મોદી, ‘શરતો લાગુ’ની ફુદડી સાથે, ઉચ્ચ આદર્શોની વાતો કરવાના મૂડમાં છે. (મુખ્ય શરત : દેખીતા વિરોધાભાસ પ્રત્યે ઉદારતા અને આશાવાદથી આંખ આડા કાન કરવા.)

એક નમૂનો : સંસદમાં તે નૈતિકતાના મેરૂ બનીને કહી શકે છે કે રાજકારણમાંથી અપરાધીકરણ દૂર કરવું જોઇએ. આવું સાંભળીને જે તેમની સિદ્ધાંતનિષ્ઠા પર ઓવારી જાય એ ખરા દેશપ્રેમી. પણ જે એવું પૂછે કે ‘એક બાજુ તમે મુઝફ્‌ફરનગર રમખાણોના આરોપી સંજયકુમાર બલયાનને કેન્દ્રિય મંત્રમંડળમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવો છો અને બીજી બાજુ રાજકારણને અપરાધીમુક્ત બનાવવાની વાત કરો છો. એમાં અમારે શું સમજવું?’ તો આવા લોકો મોદીવિરોધી, વિકાસવિરોધી અને ટીકાખોર.

ભાવનાનો આવો પ્રવાહ રાજ્યસ્તરે પણ છલકાતો રહે છે. નર્મદા બંધ પર દરવાજા મૂકવાની મંજુરી મળી ગયા પછી ગુજરાત સરકારની એક જાહેરાતમાં વડાપ્રધાન-મુખ્ય મંત્રીની મસમોટી તસવીરો સાથે મુકાયેલું એક લખાણ હતું : ‘ગંગાવતરણનું પર્વ- ગંગા દશહરા ઉજવાઇ રહ્યું છે ત્યારે ગુજરાતમાં નર્મદાવતરણનાં દ્વાર ઉઘડ્યાં છે...ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નર્મદાબંધની ઊંચાઇ વધારવા માટે અભૂતપૂર્વ નિર્ણયશક્તિ દાખવી ગુજરાતના પ્રાણપ્રશ્નને ઉકેલી આપ્યો છે.’

આગળ જણાવ્યું તેમ, સરકારી જાહેરખબર લાગણીથી છલકાતી, પણ સચ્ચાઇની રીતે ઊણી છે. ગુજરાતમાં ‘નર્મદાવતરણ’ ક્યારનું થઇ શક્યું હોત, પરંતુ ગુજરાત સરકારની શિથિલતાને કારણે ‘નર્મદાવતરણ’માં વિલંબ થયો છે- અને અફસોસ, હજુ પણ મુખ્ય મંત્રીના હરખ પ્રમાણેનું ‘નર્મદાવતરણ’ થઇ ગયું નથી.

પ્રચાર અને હકીકત 

વર્ષ ૨૦૦૬માં નર્મદા બંધ ૧૨૧.૯૮ મીટરની ઊંચાઇએ પહોંચ્યો. ત્યાર પછી બંધ પર દરવાજા મૂકીને તેને ૧૩૮.૬૮ મીટરની આખરી ઊંચાઇએ મૂકવાનો તબક્કો બાકી રહ્યો હતો. દરમિયાન, ૧૨૧.૯૮ મીટરની ઊંચાઇ ધરાવતા બંધમાં જમા થતો પાણીનો જથ્થો ગુજરાતના અછતગ્રસ્ત વિસ્તારોમાં મોકલવાની વ્યવસ્થા સરકાર કરી શકી છે? જવાબ છે : ના.

‘કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને અન્યાય’ની બૂમો પાડવાનું ગુજરાતની મોદીસરકારને એવું ફાવી ગયું હતું કે યોજનાની સફળતા અનિવાર્ય એવું નહેરોનું નેટવર્ક ઊભું કરવાનું કામ ઢીલું રહ્યું. વર્ષ ૨૦૧૩માં વિધાનસભામાં એક સવાલના જવાબમાં ગુજરાત સરકારે કબૂલ્યું હતું કે નર્મદાની નહેરોના કુલ ૭૪,૬૨૬ કિલોમીટર લાંબા નેટવર્કમાંથી ૩૦ એપ્રિલ, ૨૦૧૩ સુધીમાં ફક્ત ૨૨,૨૮૪.૮૦ કિલોમીટર જેટલું જ નહેરોનું કામ પૂરું થયું છે. એટલે કે, ‘કેન્દ્ર દ્વારા અન્યાય’નું બૂમરાણ મચાવતી ગુજરાત સરકારોએ (એપ્રિલ, ૨૦૧૩ સુધીમાં) પોતે પાર પાડવાનું એવું નહેરોનું કામ માંડ ૩૦ ટકા જેટલું જ પાર પાડ્યું છે. યાદ રહે, આ કામ ફક્ત મોદીસરકારના શાસન દરમિયાન નહીં, અત્યાર સુધી થયેલું કુલ કામ છે.

મુખ્ય કેનાલ અને બ્રાન્ચ કેનાલનું મોટા ભાગનું કામ પૂરું થઇ ગયું છે. એટલે ગુજરાતમાં ફરતી વખતે કેટલીક જગ્યાએ કેનાલમાંથી વહેતું નર્મદાનું પાણી જોવા મળી શકે. પૂરી ખબર ન હોય તો એ પાણી જોઇને પ્રભાવિત પણ થઇ જવાય. પરંતુ હકીકત એ છે કે એ કેનાલ જયાંથી પસાર થતી હોય, તે જગ્યાના લોકોને પણ ફક્ત પાણી જોઇને જ રાજી થવાનું રહે છે. માઇનોર અને સબ-માઇનોર કેનાલોનું કામ પૂરું ન થાય ત્યાં સુધી ‘લાસ્ટ માઇલ કનેક્ટિવિટી’ આવતી નથી- લોકો સુધી પાણી પહોંચતું નથી.

વિધાનસભામાં સરકારે પોતે આપેલા આંકડા પ્રમાણે, ૩૦ એપ્રિલ, ૨૦૧૩ સુધીમાં ૫,૧૧૨ કિમી લાંબી માઇનોર કેનાલમાંથી ૨,૪૬૯ કિ.મી. જેટલું (આશરે અડઘું) કામ થયું હતું, જ્યારે  ૧૦૨૧૬.૯૨ કિમીની લંબાઇ ધરાવતા સબ-માઇનોર કેનાલના નેટવર્કમાંથી ૪૮,૦૫૮ કિ.મી. જેટલું જ કામ પૂરું થયું છે. જોકે, નર્મદાનિગમની વેબસાઇટ પર ‘કરન્ટ સ્ટેટસ’માં કેનાલના અઘૂરા બાંધકામની લગતી વિગતો અડધીપડધી અને સરકારનું સારું દેખાય એવી રીતે જ મૂકવામાં આવી છે. કુલ કેટલું કામ નિર્ધારીત છે અને તેમાંથી હજુ સુધી કેટલું થઇ શક્યું છે, એવા સાદા અને સામાન્ય માણસને સમજ પડે એવી રીતના આંકડા આપવામાં આવ્યા નથી. (આ લખાય છે ત્યારે વેબસાઇટ છેલ્લે ૯ જૂન,૨૦૧૪ના રોજ અપડેટ થયેલી બતાવે છે. એટલે તેની પર ‘નર્મદાવતરણ’ના ખુશખબર પણ જોવા મળતા નથી.)

અન્યાય : કેન્દ્રનો અને ગુજરાતનો

કેન્દ્ર સરકારની ઇચ્છાશક્તિની જરૂર બંધની ઊંચાઇ વધારવા માટે હતી. ટેક્‌નિકલ રીતે એ જવાબદારી ‘નર્મદા કન્ટ્રોલ ઑથોરિટી’ની ગણાય. જુદાં જુદાં રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતી આ સંસ્થાને સર્વોચ્ચ અદાલતે સત્તા આપી હતી કે તે સંબંધિત રાજ્યોમાં પર્યાવરણ અને પુનઃવસનની કામગીરીની વિગતો ઘ્યાનમાં રાખીને, બંધના છેલ્લા તબક્કાના બાંધકામ માટે મંજૂરી આપે. આ મંજૂરીમાં આઠ વર્ષ જેટલો લાંબો સમયગાળો નીકળી ગયો. યુપીએ સરકાર ચોક્કસપણે તેમાં ઉતાવળ કરાવી શકી હોત. કારણ કે આ પ્રકારનાં કામોમાં વિલંબની આકરી રોકડ કિંમત ચૂકવવી પડતી હોય છે. એ વખતે મુખ્ય મંત્રી તરીકે મોદીએ વડાપ્રધાન સમક્ષ કરેલી રજૂઆતો વાજબી હતી. પરંતુ પોતે જે કરવાનું છે તે સરખી રીતે કર્યા વિના, બીજા કશું નથી કરતા તેનો કકળાટ કરવો, એ કેવળ રાજકારણ હતું.

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પછી નર્મદા બંધ પર છેલ્લા તબક્કાના બાંધકામને મંજૂરી મળી ગઇ- અને ગુજરાત સરકાર આ નિર્ણય માટે કેટલી ટાંપીને બેઠી હતી એવું દર્શાવવા માટે બંધ પરનું કામ તત્કાળ શરૂ કરી દેવામાં આવ્યું. દરવાજાને મંજૂરી આપવાના નિર્ણય બદલ ગુજરાત સરકાર પોતાના નાગરિકો વતી વડાપ્રધાન મોદીનો આભાર માને તે વાજબી છે. પરંતુ ગુજરાતના નાગરિકોએ તેર-તેર વર્ષ સુધી મુખ્ય મંત્રી રહેલા મોદી પાસેથી જવાબ લેવાનો રહે છે કે તેમના મહાવિકાસશીલ રાજમાં નર્મદાની નહેરોનું નેટવર્ક ઊભું કરવાનું કામ કેમ ગોકળગાય ગતિએ ચાલ્યું? અને આ ઢીલાશને (મુખ્ય મંત્રી મોદીની પરિભાષામાં) ‘ગુજરાત સરકારે ગુજરાતના નાગરિકોને કરેલો અન્યાય’ ગણી શકાય કે નહીં ?

વહેંચણી અને વિસ્થાપન

નર્મદા બંધ પર દરવાજા મૂકવાના નિર્ણય પાછળનો તર્ક સમજી શકાય એવો છે : દરવાજા મૂકવાથી બંધનું કામકાજ પૂરું થયું ગણાય, બંધની પાણી સંઘરવાની ક્ષમતામાં ઘણો વધારો થાય, તેના લીધે ગણતરી પ્રમાણેની વીજળી પેદા કરી શકાય, જેથી સરવાળે લોકોને ફાયદો થાય. સપરંતુ આ તો થઇ કાગળ પરના આદર્શની વાત. વ્યવહારમાં શું દરવાજા મૂકાવાથી અને ત્રણ વર્ષમાં એ કામ પૂરું થઇ જવાથી ‘નર્મદાવતરણ’ થઇ જશે? અને ગુજરાતનો પ્રાણપ્રશ્ન ઉકલી જશે? વર્તમાન ગુજરાત સરકારે ત્રણ વર્ષમાં દરવાજાનું કામ પૂરું થઇ જાય તેની સમાંતરે નેહરોનું નેટવર્ક બિછાવી દેવાની વાત પણ કરી છે. પરંતુ અત્યાર લગીનો ઇતિહાસ જોતાં સરકારના આ દાવા પર ભરોસો પડે એવું એક પણ કારણ નથી.

ઉપરાંત, અત્યારે આ દરવાજા ખુલ્લા જ રાખવાના છે. કેમ કે, બંધની ઊંચાઇ વધવાથી, ડૂબમાં જનારાં ગામની સંખ્યા વધી છે અને આશરે બે લાખથી વઘુ લોકો વિસ્થાપિત થશે એવો અંદાજ છે. તેમનું સંતોષકારક રીતે પુનઃવસન થાય નહીં, ત્યાં લગી બંધના નવા લગાડેલા દરવાજા બંધ કરવાની પરવાનગી મળવાની નથી. ત્યાં સુધી નર્મદાનું પાણી મોટી કેનાલો દ્વારા સાબરમતી નદીમાં કે હમીરસર તળાવમાં ઠાલવીને લોકોને ‘ફીલગુડ’ કરાવવાનો ખેલ પાડવાને બદલે સરકાર નહેરોની પેટાશાખાઓનું નેટવર્ક ઊભું કરવામાં ઘ્યાન આપે, તો ‘નર્મદાવતરણ’ માટે ઘણા લોકોને રાહ જોવાની જરૂર ન રહે.

ધારો કે ત્રણ વર્ષમાં બંધ પર દરવાજા બની જાય અને નહેરોનું ૭૪.૬૨૬ કિ.મી. લાંબું આખેઆખું નેટવર્ક તૈયાર થઇ જાય, તો પણ સાથી રાજ્યો (મઘ્ય પ્રદેશ-મહારાષ્ટ્ર-રાજસ્થાન) વચ્ચે પાણીની વહેંચણીના મુદ્દે મતભેદો થાય એવી સંભાવના અત્યારથી વ્યક્ત થઇ રહી છે. વરિષ્ઠ અંગ્રેજી પત્રકાર રાજીવ શાહે તેમના બ્લોગ http://www.counterview.net/માં સરકારી અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે ગુજરાતની પ્રાથમિકતા નહેરોમાં પાણી વહાવવાની રહેશે. એવું થાય તો જ અત્યાર લગી લટકાવેલા ગાજર પ્રમાણે, ગુજરાતના ઘણા અછતગ્રસ્ત વિસ્તારોમાં પાણી પહોંચી શકે. પરંતુ આ બંધ પર કેવળ ગુજરાતનો અધિકાર નથી. બલકે, સૌથી મોટો અધિકાર મઘ્ય પ્રદેશનો છે. અપેક્ષા પ્રમાણે ૧,૨૦૦ મેગાવોટ વીજળી પેદા કરવા માટે નર્મદાબંધ પૂરો ભરેલો હોય એ જરૂરી છે. એ વીજળીમાંથી ગુજરાતને ફક્ત ૧૬ ટકા અને મઘ્ય પ્રદેશના ભાગે ૫૭ ટકા વીજળી આવશે.

ઊંચાઇ વધવાને કારણે વઘુ લોકો વિસ્થાપિત થશે. તેમનું સંતોષકારક પુનઃવસન અને અગાઉના પુનઃવસનમાં ઉઠેલી ફરિયાદોનો યોગ્ય નિકાલ- એ પણ ગુજરાત સરકારની જવાબદારીનો હિસ્સો છે. તેમાંથી એ છટકે નહીં તે જોવાનું કામ પણ ગુજરાતના નાગરિકોનું છે. કારણ કે વિસ્થાપિત થયેલા લોકો આપણા ગુજરાતના- આપણા જ દેશના નાગરિક છે.

સરકાર ‘નર્મદાવતરણ’ના જયજયકારમાંથી પરવારે, ત્યાર પછી આ બધા સવાલોના ખુલાસાવાર અને સંતોષકારક જવાબ તેણે નાગરિકોને આપવા રહ્યા. 

Tuesday, June 17, 2014

મંદીગ્રસ્ત બ્રાઝિલમાં ફૂટબોલ વર્લ્ડકપના જશ્નનો જોરદાર વિરોધ : સરકાર વિરુદ્ધ નાગરિકોની ‘મેચ’

ભારતમાં ક્રિકેટ માટે છે એવી કે એનાથી પણ વધારે ઘેલછા બ્રાઝિલમાં ફૂટબોલ માટે છે. ત્યાં ૧૯૫૦ પછી પહેલી વાર ફૂટબોલનો વર્લ્ડ કપ યોજાયો હોય ત્યારે દેશ કેવો હિલોળે ચઢે?

ઘરઆંગણે ૬૪ વર્ષ પહેલાંના વર્લ્ડ કપની ફાઇનલમાં બ્રાઝિલની હાર થઇ હતી. તેનો ઘા દેશના ઘણા ફૂટબોલઘેલા હજુ વિસર્યા નથી. યજમાન અને વર્લ્ડ ચેમ્પિયન બનવાની એ તક ૨૦૧૪માં ફરી આવી હોય ત્યારે ત્યારે બ્રાઝિલના વાતાવરણમાં કેવો ‘ચાર્જ’ હોય?

પણ સવાલ એ છે કે ‘બ્રાઝિલ’ એટલે કોણ?

‘બ્રાઝિલ’ એટલે ‘બ્રાઝિલની સરકાર’ એવી સમજણથી જોઇએ તો, છેલ્લા એકાદ વર્ષમાં સરકારી રાહે વર્લ્ડ કપંની તડામાર તૈયારી ચાલી. જૂનાં સ્ટેડિયમોનું નવીનીકરણ, નવાં સ્ટેડિયમનું બાંધકામ, વર્લ્ડ કપના યજમાન દેશે ‘ફીફા’ / FIFA (ફૂટબોલના આંતરરાષ્ટ્રિય સંગઠન)ની શરતો પ્રમાણે ઊભી કરવી પડતી સંખ્યાબંધ ખર્ચાળ સુવિધાઓ, શહેરોની ‘સફાઇઝુંબેશ’... આ બધા ઉપરાંત બે કલાકાર ભાઇઓએ બ્રાઝિલની ફૂટબોલ ટીમને એક શહેરથી બીજા શહેરમાં લઇ જતા વિમાન પર ચિત્રકામ કર્યું છે. કલર સ્પ્રેના ૧,૨૦૦ ડબ્બા વાપરીને કરાયેલાં આ ચિત્રોમાં બ્રાઝિલના પ્રતિનિધિ જેવા સામાન્ય માણસોના ચહેરા ચિતરાયા છે.


પણ વક્રતા એ છે કે આ જ સામાન્ય માણસોમાંથી ઘણાને ફૂટબોલ વર્લ્ડકપ સામે વાંધો છે.

એટલે કે, ‘બ્રાઝિલ’નો અર્થ ‘બ્રાઝિલના લોકો’- એવો કરવામાં આવે, તો સામાન્ય લોકોનો મોટો સમુદાય મહિનાઓથી દેશનાં જુદાં જુદાં શહેરોમાં ફૂટબોલ વર્લ્ડ કપ સામે પોતાનો વાંધો વ્યક્ત કરી રહ્યો છે. વર્લ્ડ કપનું પ્રતીક કોણ બને? બ્રાઝિલની ફૂટબોલ ટીમ માટેના વિમાન પર દેખાતા બ્રાઝિલના ‘આમઆદમી’ના ચહેરા? કે પછી ડીશમાં ભોજનને બદલે ફૂટબોલ ધરાવતા એક ભૂખ્યા બાળકનું ભીંતચિત્ર? બ્રાઝિલના શહેર સાઓ પાઉલોની એક નર્સરી પર દોરાયેલું એ ચિત્ર ઇન્ટરનેટના માઘ્યમથી એટલી હદે બહોળો પ્રચારપ્રસાર પામ્યું છે કે મેચ જોવા માટે સાઓ પાઉલો આવતા પ્રવાસીઓ ચહીને એ ચિત્ર જોવા જાય છે અને તેની આગળ ઊભા રહીને તસવીરો ખેંચાવે છે.


ફૂટબોલના વર્લ્ડ કપ સામે બ્રાઝિલના લોકોનો વિરોધ આવાં અનેક ભીંતચિત્રોમાં આબાદ વ્યક્ત થતો રહ્યો છે. અન્ય એક ચિત્રમાં ભૂખ્યા બાળકના ચિત્ર સાથે ચોખ્ખા શબ્દોમાં લખવામાં આવ્યું છે : ફૂટબોલ નહીં, ફૂડ (ભોજન)ની જરૂર છે.

બ્રાઝિલની સરકાર પાસે ફૂટબોલના વર્લ્ડ કપથી થનારા ફાયદાનું ગુલાબી ચિત્ર તૈયાર છે. સરકારી પ્રચાર પ્રમાણે, મંદીમાં સપડાયેલા દેશના અર્થતંત્રને ફૂટબોલ વર્લ્ડકપથી મોટો ફાયદો થશે. ચાર વર્ષ પહેલાં સરકારે જાહેર કર્યું હતું કે વર્લ્ડ કપ માટેની તૈયારીના કામકાજમાં ૩૬ લાખ લોકો માટે રોજગારી ઊભી થશે. આસમાની આવકની અપેક્ષા રાખતી સરકારે અગાઉ જાહેર કર્યું હતું કે તેના અર્થતંત્રમાં લાંબા ગાળે ૮૧ અબજ ડોલરનો ફાયદો થશે. આ રકમ બ્રાઝિલના છેલ્લા ચાર વર્ષના જીડીપી (દેશના કુલ ઘરેલુ ઉત્પાદન)ના ૦.૨૬ ટકા જેટલી છે.

પરંતુ ફુટબોલનો વર્લ્ડકપ શરૂ થઇ ગયો છે ત્યારે આ બન્ને દાવા સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભા થયા છે. ૩૬ લાખ લોકો માટે રોજગારીના ગાજરની સામે ફક્ત ૧.૬૦ લાખ લોકોને રોજગારી મળી છે. રેટિંગ એજન્સી મૂડીઝના અંદાજ પ્રમાણે, ફૂટબોલ વર્લ્ડકપથી દેશના અર્થતંત્ર પર થનારી અસર જીડીપીના ૦.૨૬ ટકા જેટલી નોંધપાત્ર નહીં, પણ ૦.૦૫ ટકા જેટલી મામૂલી હશે. તેની સામે બ્રાઝિલે સરકારી તિજોરીમાંથી કરેલો અધધ ખર્ચ ઘણા લોકોને અકળાવી રહ્યો છે. લોકોને લાગે છે કે ફૂટબોલના વર્લ્ડકપનો અસલી આર્થિક લાભ ખાણીપીણી, પ્રવાસન, કન્સ્ટ્રક્શન અને મિડીયા ક્ષેત્રની મોટી ખાનગી કંપનીઓ તથા ભ્રષ્ટાચારથી ખદબદતી ફૂટબોલ સંસ્થા ‘ફીફા’ ખાટી જશે. અત્યાર લગી ‘ફીફા’ના ધોરણ પ્રમાણેની તૈયારીઓમાં બ્રાઝિલે ૧૫ અબજ ડોલરનો ઘુમાડો કરી નાખ્યો હોવાનો અંદાજ છે. ઉપરાંત, સલામતી અને માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની લ્હાયમાં મોટા શહેરોની આસપાસ ઝુંપડાંમાં રહેતાં આશરે અઢી લાખ લોકો વિસ્થાપિત થશે.

દેશમાં શાળાઓ અને દવાખાનાં જેવી પ્રાથમિક અને આવશ્યક સુવિધાઓનાં ઠેકાણાં ન હોય, કંઇક લોકોના માથે છાપરું ન હોય ત્યારે ફૂટબોલના સ્ટેડિયમ પાછળ લાખો ડોલરનું આંધણ યોગ્ય ગણાય? આવો સવાલ દેશના ગ્રામ્ય વિસ્તારમાં નહીં, પણ રિઓ અને સાઓ પાઉલો જેવા શહેરી વિસ્તારોમાં રહેતા લોકોને થયો હતો. બહારની દુનિયા ભલે બ્રાઝિલના લોકોને સામ્બા નૃત્ય, આછાં વસ્ત્રોમાં થતી રંગબિરંગી પરેડ અને ફુટબોલની ઘેલછા થકી ઓળખવા માગતી હોય, પણ સ્થાનિક લોકોમાંથી ઘણાની પ્રાથમિક સમજણ ફુટબોલપ્રેમ કરતાં વધારે તીવ્ર નીકળી. ફૂટબોલના ઓચ્છવ પાછળ નાણાં ઉડાડી રહેલી સરકાર પાસેથી દેશના વિવિધ ક્ષેત્રના લોકોએ ‘વર્લ્ડ કપના ધોરણ પ્રમાણેના’ મહેનતાણાની માગણી કરી. (પ્રવેશોત્સવો સહિતના અનેક ઉત્સવો પાછળ ઘુમાડા કરતી ગુજરાત સરકાર પાસેથી મહિને રૂ.૪,૫૦૦ મેળવતા વિદ્યાસહાયકો સન્માનજનક પગારની માગણી કરે એવી રીતે.) શહેરોમાં આવશ્યક સેવાઓ ખોરવી નાખવામાં આવી. રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયા.

વિરોધ કરનારા લોકોમાં વિવિધ વર્ગના નોકરિયાતો અને  સામાન્ય તથા મઘ્યમ વર્ગના માણસોથી માંડીને ‘બ્લેક બ્લોક્સ’ તરીકે ઓળખાતી ચળવળના લોકોનો સમાવેશ થાય છે. ‘બ્લેક બ્લોક્સ’ના લોકો ચહેરા પર કાળા મહોરાં કે કપડાં બાંધીને આશ્ચર્યજનક કાર્યક્રમો દ્વારા વિરોધ કરે છે. શરૂઆતમાં તેમનો વિરોધ અહિંસક હતો, પણ ધીમે ધીમે તેમણે હિંસાનો બાધ તજી દીધો છે. કંઇક અંશે ‘ફ્‌લેશ મોબ’ જેવી પદ્ધતિ ધરાવતા ‘બ્લેક બ્લોક્સ’ના લોકો ભારપૂર્વક કહે છે કે બ્લેક બ્લોક્સ કોઇ જૂથનું નહીં, પણ ચળવળની પદ્ધતિનું નામ છે. પોલીસ અને સૈન્ય સાથેની અથડામણોમાં આ લોકો ક્યારેક જાહેર સંપત્તિને પણ નુકસાન પહોંચાડતાં ખચકાતા નથી. ગયા મહિને દેશના પાટનગરમાં કેટલાંક આદિવાસી જૂથો તીરકામઠાં લઇને સરકાર સામે મેદાને પડ્યાં હતાં. તેમનો વાંધો હતો કે સરકારે ફૂટબોલ વર્લ્ડકપના નામે આદિવાસીઓની કેટલીક જગ્યાઓ પચાવી પાડી છે. પોલીસે તેમની સામે ટીયરગેસનો પ્રયોગ કરતાં, આદિવાસીઓએ સામે તીર ચલાવ્યાં. તેમાં એક પોલીસને તીર વાગ્યું હોવાનું પણ અહેવાલમાં જણાવાયું હતું.


ફૂટબોલને ધર્મ ગણતા દેશમાં ફૂટબોલ વર્લ્ડકપના મુદ્દે આટલી બબાલ ચાલતી હોય ત્યારે બ્રાઝિલના મહાન ફૂટબોલ સ્ટાર પેલે તેમાંથી બાકાત કેવી રીતે રહી શકે છે? વિરોધ પ્રદર્શન કરનારા લોકોની અડફેટે ચડી ગયેલા પેલેને કેટલાક ભીંતચિત્રોમાં ડોલરની નાણાંકોથળી સાથે ચીતરીને એવું સૂચવવામાં આવ્યું છે કે પેલે ખરીદાઇ ગયા છે. શરૂઆતમાં પેલેએ કહ્યું હતું કે બ્રાઝિલના લોકોએ ફૂટબોલ વર્લ્ડ કપનો વિરોધ કરવો જોઇએ નહીં. કારણ કે તેનાથી દેશનું ખરાબ લાગશે. પછી તેમણે એમ પણ કહ્યું કે, ‘રાજકીય દૃષ્ટિએ જોઇએ તો સ્ટેડિયમ બાંધવા માટે અઢળક નાણાં ખર્ચાયાં છે અને કેટલાક કિસ્સામાં તે જરૂર કરતાં પણ વધારે છે... આ રકમ સ્કૂલો અને હોસ્પિટલોમાં વાપરી શકાઇ હોત...બ્રાઝિલમાં તેની જરૂર છે. એ બાબતમાં હું વિરોધકર્તાઓ સાથે સંમત છું. પરંતુ એ લોકો ભાંગફોડ કરે છે અને બાળે છે. આ રકમ તો આપણે જ ફરી ખરચવાની થશે.’ નેવુના દાયકામાં બ્રાઝિલના ફૂટબોલ સ્ટાર તરીકે વિખ્યાત બનેલા રોમારિયોએ ૨૦૧૪ના ફૂટબોલ વર્લ્ડકપને ‘બ્રાઝિલના ઇતિહાસની સૌથી મોટી લૂંટ’ તરીકે ઓળખાવ્યો છે.

બ્રાઝિલ ફૂટબોલ વર્લ્ડકપની ફાઇનલ મેચ જીતી જાય તો કદાચ કામચલાઉ ધોરણે અર્થકારણ પર ફૂટબોલપ્રેમની જીત થાય, પણ બે વર્ષ પછી બ્રાઝિલમાં યોજાનાર ઓલિમ્પિક રમતોત્સવ સામેના પડકાર તો ઊભા જ રહેવાના છે. 

Monday, June 16, 2014

પ્રશાંતના ચાર સાથી પત્રકારો પ્રતિકારના માર્ગે, ગાંધીધામ બ્યુરોચીફની ઝારખંડ બદલી

’મજિઠીયા પગારપંચનો અમલ અમારે જોઇતો નથી એવી સહીઓ કર્મચારીઓ પાસેથી ઉઘરાવવાની દિવ્ય ભાસ્કરની નીતિનો ચીફ રીપોર્ટર તરીકે પ્રશાંત દયાળે વિરોધ કર્યો,  ત્યારે તેણે પોતાના સાથી પત્રકારો પર સહી કરવા કે ન કરવા અંગે કોઇ જાતનું દબાણ કર્યું ન હતું. તેણે સ્પષ્ટ કહ્યું હતું કે તમે પોતપોતાની રીતે વિચારીને, સ્વતંત્ર રીતે નિર્ણય લેજો.

શરૂઆતમાં ઘણા પત્રકારોને લાગ્યું હતું કે સહી ન કરવી. પરંતુ ૧૦ જૂન, ૨૦૧૪ની રાત્રે પ્રશાંતની ધનબાદ બદલીનો હુકમ જાહેર થયો. બીજા દિવસે, ૧૧ જૂનના રોજ, રીપોર્ટર્સ મિટિંગમાં ત્રણ પત્રકારોએ તંત્રી પાસેથી પ્રશાંતના મુદ્દે જાણકારી મેળવવાનો અને એ વિશે ચર્ચાનો પ્રયાસ કર્યો. તંત્રીએ પ્રશાંતના મુદ્દે કોઇ પણ વાત કરવાનો ઇન્કાર કરતાં ત્રણ પત્રકારો એ મિટિંગમાંથી ઊભા થઇ ગયા. 

તેમનાં નામઃ જિજ્ઞેશ પરમાર, તેજસ મહેતા અને નિમેષ ખાખરિયા. 

આ ત્રણેએ મજિઠીયા પંચને લગતા અન્યાયી સંમતિપત્રક પર સહી કરવાની પણ ના પાડી દીધી. બિમારીને લીધે એ મિટિંગમાં ગેરહાજર ચોથી પત્રકાર લક્ષ્મી પટેલને આ વાતની જાણ થતાં, તેણે પણ સહી ન કરવાનો પોતાનો નિર્ણય જાહેર કર્યો. આ ચારે પત્રકારોએ સ્પષ્ટ કર્યું છે કે સહી કરવાના દબાણને કારણે તેમણે ઓફિસે જવાનું બંધ કર્યું છે. આ લખાય છે ત્યાં સુધી તેમની સામે કોઇ કાર્યવાહી થઇ નથી.

પોતે જેની સાથે સંમત નથી એવા કાગળિયા પર સહી ન કરાય એવું વલણ લેનાર અને પોતાને લાગતા અન્યાય સામે અવાજ ઉઠાવવા બદલ જિજ્ઞેશ પરમાર, તેજસ મહેતા, નિમેષ ખાખરિયા અને લક્ષ્મી પટેલને અભિનંદન.  (તેમના વિશે આનંદ અને શુભેચ્છા પ્રગટ કરનાર સૌ, જરૂર પડે તો અને ત્યારે, તેમને જાહેર કે અંગત ધોરણે સહકાર આપવાની તૈયારી રાખે તો તેમના શબ્દો વધારે નક્કર લાગશે.)

દરમિયાન ~
  • દિવ્ય ભાસ્કરના ગાંધીધામના બ્યુરો ચીફ જયેશ શાહે સંમતિપત્ર પર સહી કરવાની ના પાડતાં તેમની પણ ઝારખંડ બદલી કરવામાં આવી છે. તે હવે કાનૂની લડાઇમાં પ્રશાંતની સાથે જોડાશે.
  • પ્રશાંતને લગતી બ્લોગપોસ્ટના પ્રતિભાવમાં ભૂજ આવૃત્તિના પત્રકાર ઇમરાન દલે આ પ્રમાણે કમેન્ટ લખી છે. તેને કશી વધારાની ટીકાટીપ્પણ કે કાપકૂપ-સુધારાવધારા વિના શબ્દશઃ અહીં મૂકી છેઃ
 પ્રિય, મારા પર પણ ભારે દબાણ હતું, છેવટે તા.12 જુને છેલ્લી ધમકી મળી. મજબુરીથી સહી કરવી પડી. રડ્યો, બે રાત થી મોડે સુધી ઊંઘ નથી આવતી, ખુબ મોટા અવાજે કહેલું કે બળજબરીથી કોઈ સહી લઇ જ કેમ શકે? પણ હવે શું? ખુદ સાથે થતા અન્યાય માટે પણ ના લડી શક્યો ! પ્રશાંત અમે તમારી સાથી છીએ. જરૂર પડે ત્યારે અવાજ દેજો,
  • પ્રશાંતે અગાઉ કહ્યું હતું તેમ, સહી કરનારા મિત્રો વિશે તેના મનમાં લેશમાત્ર ખરાબ લાગણી નથી. તેમની સ્થિતિ એ બરાબર સમજે છે. એટલે સહી કરી દેનારા મિત્રો વિશે કોઇએ કશો દુષ્પ્રચાર કરવો નહીં કે તેમની પર દબાણ લાવવા પ્રયાસ કરવો નહીં. 
અગાઉની બે નોંધોની લિન્ક


Saturday, June 14, 2014

'હું હારીશ તો એ હાર મારા એકલાની હાર હશે, પણ જો હું જીતીશ તો ‘ભાસ્કર’ જૂથના દરેક કર્મચારીની એ જીત હશે.' : પ્રશાંત દયાળ

સર્વોચ્ચ અદાલતે અખબારોને મજિઠીયા પંચ/ Majithia Wage Boardની ભલામણ પ્રમાણે કર્મચારીઓને પગાર આપવાનો આદેશ કર્યો. બીજાં અખબારોએ હજુ તેનો અમલ કર્યો નથી, પણ ‘દૈનિક ભાસ્કર’ જૂથે બે ડગલાં આગળ વધીને, ‘અમારે મજિઠીયા પંચની ભલામણો પ્રમાણે પગાર જોઇતો નથી’ એવી સહી કર્મચારીઓ પાસેથી ઉઘરાવવાનું શરૂ કર્યું. ‘દિવ્ય ભાસ્કર’ (અમદાવાદ)ના ચીફ રીપોર્ટર પ્રશાંત દયાળે આવા ‘સંમતિપત્ર’  પર સહી કરવાની ના પાડી અને કહ્યું કે સાથી રીપોર્ટરોને પણ તે સહી કરવાની ફરજ નહીં પાડે. તેના પગલે પ્રશાંતની બદલી અમદાવાદથી ધનબાદ કરવામાં આવી. (વઘુ વિગત માટે જુઓ : http://urvishkothari-gujarati.blogspot.in/2014/06/blog-post_12.html )

પ્રશાંત અને ‘દિવ્ય ભાસ્કર’ના મેનેજમેન્ટ વચ્ચે નોટિસોની આપ-લે થયા પછી હવે કાનૂની રાહે આગળની લડત ચાલશે. પરંતુ આખા ઘટનાક્રમ અને તેમાં લોકોના વિવિધ પ્રતિભાવો વિશે પ્રશાંત પોતે શું માને છે? આજે પ્રશાંત સાથે થયેલી વાતચીતનો ટૂંકસારઃ

Prashant Dayal / પ્રશાંત દયાળ
ઘણા લોકો એવું કહે છે કે મિત્રોએ પ્રશાંતને દગો કર્યો કે મિત્રો છોડી ગયા. તેમણે સાથ ન આપ્યો. 

પ્રશાંતની સમજ : આમાં કોઇ મિત્રોના દગાનો પ્રશ્ન જ નથી. જેટલા મિત્રો જેટલું સાથે ચાલી શક્યા તેનો આનંદ છે. જે સાથે ચાલી નથી શક્યા, તેમના વિશે હું એવું નથી માનતો કે તેમણે દગો કર્યો છે. હું માનું છું કે તેમને પણ મારા માટે લાગણી છે અને મારી વાતમાં રહેલી સચ્ચાઇ તે સમજે છે. પણ તે પોતપોતાનાં કારણોસર બંધાયેલા છે. આ બઘું બન્યું ત્યારે તરત થોડું એવું લાગ્યું હશે, પણ ત્યાર પછી કદી મને કોઇ મિત્રો માટે ખરાબ લાગ્યું નથી, પછી તે ‘ભાસ્કર’ના મેનેજમેન્ટના મિત્રો હોય કે બીજા પત્રકાર-બિનપત્રકાર મિત્રો. મારી લડાઇ વ્યક્તિઓ સામેની નહીં, ‘ભાસ્કર’ તરફથી પરાણે સંમતિપત્રક પર કરાવાતી સહી સામે હતી અને છે. સંમતિપત્રક પર સહી કરનારા, ‘ભાસ્કર’માં કામ કરતા તમામ મિત્રોને હું કહેવા ઇચ્છું છું કે મહેરબાની કરીને તમારા મનમાં અપરાધભાવ (ગિલ્ટ) ના રાખતા. તમારી લાગણી મારી સાથે છે એ દર્શાવવા માટે તમારે કશી સાબિતી આપવાની જરૂર નથી. તમારી લાગણી મારી સાથે છે એની મને ખાતરી છે.

ઘણા શુભેચ્છકો ચિંતાથી કહે છે કે આ લડાઇમાં તમે હારી જશો...

પ્રશાંતની સમજ : આ લડાઇ હાર-જીતની નથી. અન્યાય સામેની લડાઇમાં નોકરીની કે રૂપિયાના નુકસાનની ચિંતા મેં રાખી નથી. વર્ષો પહેલાં હું નવોદિત હતો અને મારો પગાર રૂ.૫૦૦માંથી વધારીને રૂ.૧,૨૦૦ કરવામાં આવ્યો (જે ત્યારે મોટી રકમ હતી). પછી મને કહેવામાં આવ્યું કે તમારે રૂ.૨,૦૦૦ના વાઉચર પર સહી કરવાની છે, ત્યારે મેં સાફ ના પાડી હતી અને કહ્યું હતું કે આવી ખોટી રીતે હું સહી નહીં કરું. મારો પગાર રૂ.૫૦૦ જ રહ્યો. એનો મને વાંધો ન હતો, પણ ખોટી રીતે સહી કરવાનું મને મંજૂર ન હતું.

ખોટી રીતની સામે લડવું મારા માટે અગત્યનું છે. મારી ‘ભાસ્કર’ની નોકરી તો ગઇ જ છે. કોર્ટમાં હું  હારીશ તો એ હાર મારા એકલાની હાર હશે, પણ જો હું જીતીશ તો ‘ભાસ્કર’ જૂથના દરેક કર્મચારીની એ જીત હશે. આ સોદો મને મંજૂર છે.

ઘણા મિત્રો લાગણીથી પૂછે છે કે અમે કેવી રીતે મદદરૂપ થઇ શકીએ? 

પ્રશાંતની સમજ : હાલ તો કાનૂની લડાઇ વકીલના સ્તરે શરૂ થઇ છે, પણ હાઇકોર્ટમાં જવાનું થશે ત્યારે ફી જેવા ખર્ચ માટે રૂપિયાની જરૂર પડશે. આ લડાઇ નોકરી માટેની નહીં, પણ અન્યાય સામેની અને હક માટેની છે. એટલે એમાં બહુ પ્રેમથી આર્થિક મદદ સ્વીકારવામાં આવશે. પણ આર્થિક મદદની ક્યારે જરૂર છે, એની યોગ્ય સમયે જાણ કરીશું.

Thursday, June 12, 2014

‘દિવ્ય ભાસ્કર’ ના ચીફ રીપોર્ટર, ગુજરાત માટે ગૌરવરૂપ ગણાય એવા પત્રકાર પ્રશાંત દયાળની બદલી અમદાવાદથી ધનબાદ કેમ થઇ?

પત્રકારત્વનો વ્યવસાય બહુ વિચિત્ર છે. ઑફિસની બહાર પત્રકારોએ લોકો સાથે થતા અન્યાયના કે લોકોના હક ડૂબતા હોય તેના સમાચાર લાવવાના, પણ ઑફિસની અંદર પોતાના હકની વાત આવે ત્યારે દબાઇ-ચુમાઇને બેસી જવાનું. બહાર શેર બનીને ફરનારાએ ઑફિસમાં ‘વફાદાર’ બની જવાનું- ક્યારેક પ્રકૃતિવશ, ક્યારેક રોજગારીની બીકથી, ક્યારેક માલિકોને વહાલા દેખાવા માટે ને ક્યારેક આ બધાં કારણોના મિશ્રણથી.   

મિડીયા હાઉસ સામે નાનીસરખી પણ કાર્યવાહી થાય ત્યારે ‘અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર ખતરો’ અને ‘લોકશાહીની ચોથી જાગીર પર હુમલો’ની કાગારોળ ઉઠે, પણ તેના પાયામાં રહેલા પત્રકાર સાથે મિડીયા હાઉસ મનમાની કરે ત્યારે ચૂં કે ચાં ન થાય. 

અખબારોમાં કામ કરતા પત્રકારો-બિનપત્રકારોનાં યોગ્ય પગારધોરણ માટે વર્ષ ૨૦૦૯માં મજિઠીયા પગારપંચ / Majithia Wage Boardની રચના થઇ હતી. એ પંચે કરેલી ભલામણોને સરકારે નવેમ્બર, ૨૦૧૧માં સ્વીકારી. તેની સામે વિવિધ અખબારોનાં મેનેજમેન્ટ અદાલતમાં ગયાં. છેવટે તેમની હાર થઇ. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને બીજા બે ન્યાયાધીશોની બનેલી બેન્ચે મેનેજમેન્ટોની રજૂઆતને ફગાવી દીધી અને આદેશ આપ્યો કે એપ્રિલ, ૨૦૧૪થી અખબારોએ પોતાના તમામ (પત્રકાર-બિનપત્રકાર) કર્મચારીઓને મજિઠીયા પંચની ભલામણો પ્રમાણેનો પગાર ચૂકવવો. એટલું જ નહીં, આ પગારધોરણનો અમલ નવેમ્બર, ૨૦૧૧થી થયેલો ગણાશે. માટે નવેમ્બર, ૨૦૧૧થી માર્ચ, ૨૦૧૪ સુધીના સમયગાળામાં કર્મચારીઓને ચૂકવવાપાત્ર થતો તફાવત મેનેજમેન્ટોએ એક વર્ષના ગાળામાં ચાર સરખા હપ્તામાં ચૂકવી દેવો. 

ઘણાંખરાં અખબારોએ હજુ સુધી સર્વોચ્ચ અદાલતના આદેશનું પાલન કર્યું નથી કે એ વિશે મગનું નામ મરી પાડ્યું નથી. પરંતુ ‘દૈનિક ભાસ્કર’ જૂથ આ બાબતમાં બે ડગલાં આગળ વઘ્યું. તેમણે તારીખ વગરનો એક કાગળ તૈયાર કર્યો, જેમાં એ મતલબનું લખાણ હતું કે ‘અમે અત્યારના પગારોથી સંતુષ્ટ છીએ અને અમારે મજિઠીયા પંચ પ્રમાણેનો પગાર જોઇતો નથી.’ આ લખાણ પર પત્રકાર-બિનપત્રકાર બધા કર્મચારીઓની સહી લેવાનો કાર્યક્રમ શરૂ થયો. 

દરેક વિભાગના વડાને આવું કાગળિયું પકડાવી દેવામાં આવ્યું. વિભાગી વડાઓ પોતાને રીપોર્ટ કરતા કર્મચારીઓને બોલાવીને કાગળીયા પર તેમની સહી કરાવી લે. આ કાગળમાં કે સહીની નીચે તારીખ લખવામાં આવતી નથી, જેથી કંપની આ પ્રકારના નિવેદનનો પોતાને ફાવે તેમ ઉપયોગ કરી શકે. 

‘દિવ્ય ભાસ્કર’ની અમદાવાદ આવૃત્તિમાં આ પ્રકારનું કાગળિયું ચીફ રીપોર્ટર પ્રશાંત દયાળને આપવામાં આવ્યું, ત્યારે પ્રશાંતે તેની પર સહી કરવાની ચોખ્ખી ના પાડી. તેણે કહ્યું કે રીપોર્ટરોમાંથી કોઇએ મજિઠીયા પંચની ભલામણોનો અમલ સામે ચાલીને માગ્યો નથી. પછી આવા કોઇ નિવેદન પર સહી શા માટે કરવી જોઇએ? 

Prashant dayal/ પ્રશાંત દયાળ
રાબેતા મુજબની રીપોર્ટર્સ મિટિંગમાં મજિઠીયા પંચ વિશેની વાતમાં પ્રશાંતે કંપનીનો કાગળ શું કહેવા માગે છે એ સાથી રીપોર્ટરોને જણાવ્યું અને કહ્યું કે દબાણમાં કે દેખાદેખીમાં આવ્યા વિના, સૌએ પોતાની જાતે નિર્ણય લેવાનો છે. કોઇની પર સહી કરવાનું કે ન કરવાનું દબાણ હું કરવાનો નથી. 

પ્રશાંતે કાગળીયા પર સહી ન કરી. તેની સાથે કામ કરતા બીજા રીપોર્ટરોએ પણ કાગળીયા પર સહી ન કરી. સ્થાનિક સ્તરે મેનેજમેન્ટના પ્રતિનિધિ તરીકે રહેલા લોકો મિત્રો જ છે. એટલે વિરોધના પગલામાં અંગત કડવાશ કે દુર્ભાવની ગુંજાઇશ ન હતી, પરંતુ સવાલ ન્યાય, હક અને ગૌરવનો હતો. 

પ્રશાંતની પોતાની વાત કરીએ તો, ‘દિવ્ય ભાસ્કર’ તેને ઊંચા પગારે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માંથી લઇ આવ્યું હતું. એટલે અંગત રીતે પ્રશાંતને મજિઠીયા પંચના અમલથી ફાયદો થવાની કોઇ શક્યતા નથી. ઊલટું, મજિઠીયા પંચ પ્રમાણે બીજા રીપોર્ટરોના પગારમાં નોંધપાત્ર વધારો પણ, પ્રશાંતના પગારમાં ઘટાડો થાય એમ છે. પરંતુ આ મુદ્દો પગારવધારા કે ઘટાડાનો નથી. અસંમતિ હોય ત્યાં કંપની સમંતિપત્રક પર સહી કરવાની ફરજ શી રીતે પાડી શકે? 

પ્રશાંતે કંપની સાથેની વાતચીતમાં કહ્યું કે અમારામાંથી કોઇએ મજિઠીયા પંચના અમલની માગણી કરી નથી. પછી આવા કાગળ પર સહી શા માટે કરવી જોઇએ? કારણ કે કંપનીએ ધરેલા કાગળમાં કાંડા કાપી આપવાની વાત છે. સહી કરવાની ના પાડ્યા પછી કંપનીના એચ.આર. સહિતના સંબંધિત વિભાગોને પ્રશાંતે તા.4-6-14ના રોજ એક ઇ-મેઇલ પણ કર્યો હતો, જેમાં તેણે લખ્યું કે મારી સામે બદલી કે હકાલપટ્ટી જેવી કાર્યવાહી થઇ શકે છે. સાથે ચોખવટ પણ કરી હતી કે આમાં યુનિઅનબાજીનો કે બીજા લોકોને ઉશ્કેરવાનો કોઇ ખ્યાલ નથી.  (આખો ઇ-મેઇલ પોસ્ટના અંતે મૂક્યો છે)

પ્રશાંતની દલીલનો તાર્કિક કે નૈતિક રીતે જવાબ આપવાને બદલે કંપનીએ પ્રશાંતને કહી દીઘું કે તમારી બદલી ધનબાદ (ઝારખંડ) કરવામાં આવે છે. પ્રશાંતે હજુ સુધી બદલીના કાગળનો સ્વીકાર કર્યો નથી. પરંતુ એટલું નક્કી છે કે હવેની લડાઇ કાનૂની રહેશે અને લાંબી ચાલશે. કારણ કે એ રૂપિયાપૈસા માટેની નથી. એ ન્યાય, હક અને ગૌરવ માટેની છે. 

‘જીવતી વારતા’ના લેખક, ગુજરાતના ઉત્તમ-સંવેદનસભર ક્રાઇમ રીપોર્ટર, જેની પર ફક્ત ‘દિવ્ય ભાસ્કર’ને જ નહીં, આખા ગુજરાતને ગૌરવ થઇ શકે, એવા પ્રશાંતને અન્યાયનો વિરોધ કરવા બદલ ધનબાદ મોકલવાનું ફરમાન નીકળે, એ ફક્ત છાપા કે પત્રકારત્વ માટે નહીં, સમાજ માટે પણ ખેદજનક છે. 

આ લડાઇ ફક્ત પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની નથી. જે લોકો સારા પત્રકારત્વની-સારા સમાજની અપેક્ષા રાખતા હોય, પત્રકારત્વમાં સારા માણસો હોવા જોઇએ, પણ બહુ હોતા નથી- એવું જેમને લાગતું હોય, એ સૌ આ લડાઇમાં પોતાનો નૈતિક ટેકો આપી શકે છે. 

નોંધ : 
૧. હું ‘ગુજરાત સમાચાર’ સાથે કોન્ટ્રાક્ટથી સંકળાયેલો છું, પણ સોશ્યલ મિડીયા પરની મારી હાજરી વ્યક્તિગત છે. તેની સાથે ‘ગુજરાત સમાચાર’ને કોઇ પણ પ્રકારની લેવાદેવા નથી.
૨. ગુજરાતનાં  બીજાં કોઇ અખબારોએ ‘અમારે મજિઠિયા પંચની ભલામણ પ્રમાણે પગાર જોઇતો નથી’ એવાં કાગળિયાં તૈયાર કરીને તેની પર કર્મચારીઓની સહી માગી હોય એવું જાણમાં નથી. 

બદલીના થોડા દિવસ પહેલાં, તા 4-6-2014ના રોજ પ્રશાંતે કરેલો ઇ-મેઇલ 

Dear Sir,

I am writing this mail in connection with the recent events of State editor and City editor calling reporters and compelling them to sign to waive off their rights to get benefits of recommendations of Majithiya commission, approved by the supreme court. I am writing this email representing the Ahmedabad City Reporters as their team leader and upon their request. Reporters tell me that those who have not signed on the papers, made individual choice and it was their personal decision. This is put to your notice that those who have either refused or were unable to sign were not against the management and are working in harmony. The work environment has been better and I believe should always remain the same. 

Reporters were told that the company may retrench or transfer the staff if the person doesn't sign the papers. This stand is not professionally appropriate and if after such threats to reporters, any coercive actions are taken against them, I believe it is the time for the HR to ensure that such steps are not taken. This is to clarify that this is not a union activity or rebel against the management or the company.

I hope that you would take the email in spirit rather than going on the language of this email.

Yours sincerely,

Prashant Dayal

Chief reporter

Wednesday, June 11, 2014

‘ગુજરાતી બચાવો’ નહીં, ‘ગુજરાતી સુધારો’


ગુજરાતી ભાષાનું અસ્તિત્ત્વ જોખમમાં છે, એવું રૂદન ઘણા વખતથી ચાલી રહ્યું છે. રૂદન કરનારા ગુજરાતીના દુશ્મન નથી. એ ભાષાના ચાહકો છે. પણ કહેવત છે ને :‘વહાલાં ધારે એવું વેરી પણ ન ધારે.’ 

ગુજરાતી ભાષાની ચિંતા કરનારા, તેના બચાવ માટે વિશ્વ માતૃભાષા દિને રેલી-સરઘસ-કાર્યક્રમ યોજનારા લોકો ભાવનાત્મક રીતે ખોટા નથી, પણ તે ગેરસમજણ અને વ્યાપક ગેરમાન્યતામાં સપડાયા છે. તેમને લાગે છે કે ‘ઇંગ્લીશ મિડીયમના જોરદાર આક્રમણ સામે ગુજરાતી માઘ્યમ અને ગુજરાતી ભાષા હારી રહ્યાં છે. આવી જ સ્થિતિ રહી તો જોતજોતાંમાં ગુજરાતી ભાષા લુપ્તપ્રાયઃ બની જશે.’ 

ફક્ત ‘ગુજરાતી બચાવો’વાળા જ નહીં, બીજા ઘણા  ‘ભણેલાગણેલા’ લોકો માને છે કે ઇંગ્લિશ મિડીયમના વાવાઝોડા સામે ગુજરાતી ભાષાના-માઘ્યમના ડેરાતંબૂ ઉખડી જશે. કેટલાકે તેને ભવિષ્યની  આગાહી નહીં, વર્તમાનની કડવી વાસ્તવિકતા ગણી લીધી છે.

આ વર્ષનાં એસ.એસ.સી. બોર્ડનાં પરિણામથી ‘ગુજરાતી ખતરેમેં’નો કકળાટ વધારે જોર પકડે એવી સંભાવના છે. કેમ કે, ગુજરાતી માઘ્યમમાં દસમા ધોરણમાં ભણતા ૧.૬૧ લાખથી પણ વઘુ વિદ્યાર્થીઓ ગુજરાતીના પેપરમાં નાપાસ થયા છે. હા, એ પૂરા ૩૫ માર્ક પણ લાવી શક્યા નથી- અથવા પેપર તપાસનાર ઉદારતાથી તેમને ૩૫ માર્ક આપીને પાસ કરી શકે, એટલું પણ ઉકાળી શક્યા નથી. 

આ સમાચારની સાથે જ ‘શરમ, શરમ’ના કામચલાઉ પોકાર ઉઠ્યા, પણ કોણે શરમાવાનું એ સ્પષ્ટ ન હતું. એટલે પોકાર ઉઠ્યા એવા શમી પણ ગયા છે. એક ગુજરાતી જણ વડાપ્રધાન બને અને નવી સરકારની રચના વખતના જમણવારમાં ઢોકળાં ને કેળાં-મેથીનું શાક રાષ્ટ્રપતિભવનના મેનુમાં ઉમેરાય, એ શું જેવીતેવી સિદ્ધિ છે કે ગુજરાતે ભાષા જેવી પરચૂરણ બાબતમાં કકળાટ કરવો પડે?  

ગુજરાત શિક્ષણ બોર્ડના સત્તાવાર આંકડા પ્રમાણે, ગુજરાતી માઘ્યમના ગુજરાતીના પેપરમાં આશરે ૭.૭૯ લાખ વિદ્યાર્થી બેઠા હતા. તેમાંથી ફક્ત ૭૯.૨૩ ટકા પાસ થઇ શક્યા. એટલે કે, ૧.૬૧ લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા. ઇંગ્લીશ મિડીયમમાં પણ વિષય તરીકે ગુજરાતી આવે. અલબત્ત, એ નીચલા ધોરણનું હોય. એ ગુજરાતીમાં ઇંગ્લીશ મિડીયમના ૯૩ ટકા વિદ્યાર્થીઓ પાસ થઇ ગયા. 

સરખામણી માટે હવે અંગ્રેજી વિષયની વાત કરીએ. અંગ્રેજીના પેપરમાં ઇંગ્લીશ મિડીયમના ૯૫ ટકા અને ગુજરાતી માઘ્યમના ૮૨ ટકા વિદ્યાર્થીઓ પાસ થઇ ગયા. (જેમ ઇંગ્લીશ મિડીયમમાં નીચલા ધોરણનું ગુજરાતી આવે, તેમ ગુજરાતી માઘ્યમમાં નીચલા ધોરણનું અંગ્રેજી આવે.) આમ, ગુજરાતી માઘ્યમના ૧.૬૧ લાખ વિદ્યાર્થીઓ ગુજરાતીમાં અને ૧.૪૦ લાખ વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં નાપાસ થયા.  

ગૌરવના ઘેરા ચશ્માથી જોતાં તેનો અર્થ એવો પણ કાઢી શકાય કે ‘ગુજરાતી માઘ્યમમાં ભણતા વિદ્યાર્થીઓનું અંગ્રેજી સુધરી રહ્યું છે. એટલે ગુજરાતી કરતાં અંગ્રેજીમાં ઓછા વિદ્યાર્થીઓ નાપાસ થાય છે.’ આવું આશ્વાસન કેટલું હાસ્યાસ્પદ છે એ વિગતે કહેવાની જરૂર ખરી?

ઘરનાં છોકરાં ઘંટી ચાટે...

‘ગુજરાતી બચાવો’ની ઝુંબેશ મુખ્યત્વે ઇંગ્લીશ મિડીયમમાં ભણતાં અને એ કારણે ગુજરાતી ભાષાથી વિમુખ થઇ ગયેલાં બાળકોને નજરમાં રાખીને ચલાવવામાં આવે છે. તેમને ગુજરાતી તરફ વાળવાં, એ ઝુંબેશનો એક મુખ્ય આશય હોય છે. ઝુંબેશ સાથે સંકળાયેલા કે તેના હેતુ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા લોકો પોતાની આજુબાજુના સમાજમાં ઇંગ્લીશ મિડીયમનું વધતું આક્રમણ જુએ છે અને તેનાથી ચિંતિત થાય છે. ‘બોલો, અમારી કામવાળી કે અમારા ડ્રાઇવરનાં બાળકો પણ ઇંગ્લીશ મિડીયમમાં ભણે છે.’ આવું થોડા ગૌરવ અને કંઇક ઉપહાસના ભાવથી કહેનારા લોકોને લાગે છે કે, બસ, હવે ગુજરાતીનો અંત હાથવેંતમાં છે. 

વાતનો પૂર્વાર્ધ ખોટો નથી. માંડ બે છેડા ભેગા થતા હોય એવાં ઘણાં પરિવારો પોતાનાં બાળકોને ઇંગ્લીશ મિડીયમમાં મૂકવા લાગ્યાં છે. પરંતુ તેને વાસ્તવિકતાનું સંપૂર્ણ ચિત્ર ગણી લેવાનું ભૂલભરેલું છે. ઇંગ્લીશ મિડીયમના પ્રચંડ અને મૂળીયાંઉખાડ આક્રમણના પરિણામે ચોમાસામાં ફૂટતા બિલાડીના ટોપની જેમ ઇંગ્લીશ મિડીયમ સ્કૂલો ફૂટી નીકળી છે, સી.એન.વિદ્યાલય જેવી જાણીતી અને વખણાયેલી ગુજરાતી માઘ્યમની શાળાને જમાનાથી પાછળ ન પડી જવાય એ માટે ઇંગ્લીશ મિડીયમ શરૂ કરવું પડ્યું છે, અમદાવાદ જેવા મોટા શહેરમાં, કદાચ વઘુ પડતા વિકાસને કારણે, ધોરણસરની ગુજરાતી માઘ્યમની શાળાઓ ગણવી હોય તો આંગળીના વેઢા વધી પડે એવી હાલત છે...  

આટલે સુધીનું ચિત્ર જાણીતું છે. પરંતુ તેનાથી દોરવાઇને ‘ગુજરાતી ખતરેમેં’નો કકળાટ કરતી વખતે, દીવાનખાનામાં ઊભેલા  હાથી જેવી મસમોટી અને સીધીસ્પષ્ટ હકીકતને નજરઅંદાજ કરવામાં આવે છે. એ હકીકત છે : ગુજરાતી માઘ્યમમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા. સગુજરાત બોર્ડના આંકડા પ્રમાણે, વર્ષ ૨૦૧૪માં ૮.૯૭ લાખ વિદ્યાર્થીઓએ ગુજરાતી માઘ્યમમાં એસ.એસ.સી.ની પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યું હતું. તેમાંથી ૮.૮૯ લાખ વિદ્યાર્થીઓ ખરેખર પરીક્ષામાં બેઠા. (આ સંખ્યામાં શાળામાં ભણતા રેગ્યુલર વિદ્યાર્થીઓ ઉપરાંત રીપીટર જેવા બીજા પ્રકારના વિદ્યાર્થીઓ પણ આવી જાય.)

૮.૯૭ લાખ એટલે કે લગભગ ૯ લાખ વિદ્યાર્થીઓ ‘ખતરેમેં’ અને ‘લુપ્ત થવાના આરે’ આવેલા ગુજરાતી માઘ્યમમાં. તો ‘ગુજરાતીને ઉખેડીને વાવાઝોડાની જેમ ફેલાઇ ગયેલા’ ઇંગ્લીશ મિડીયમમાં કેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા? ફક્ત ૪૮,૩૫૨. તેમાંથી ૪૮,૨૦૪ પરીક્ષામાં બેઠા. આશરો માંડીએ તો પણ ક્યાં નવ લાખ ને ક્યાં પચાસ હજાર? તેનો અર્થ એ થયો કે ઇંગ્લીશ મિડીયમ કરતાં ગુજરાતી માઘ્યમમાં ભણતાં વિદ્યાર્થીઓની સંખ્યા બે-ચાર ગણી નહીં, લગભગ અઢાર ગણી વધારે છે. તો ગુજરાતી ભાષા-માઘ્યમ લુપ્ત થવાની ભીતિ અને તેનો કકળાટ શા માટે? (ગુજરાત બોર્ડ સિવાય સેન્ટ્રલ બોર્ડમાં ઇંગ્લીશ મિડીયમમાં ભણતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઉમેરીએ તો પણ તફાવત કેટલો ઓછો થવાનો?)  

ગુજરાતીની ચિંતા કરનારા ભાષાપ્રેમી સજ્જનોએ સમજવું જોઇએ કે આપણાં કામવાળાં બહેનનાં કે ડ્રાઇવર ભાઇનાં સંતાન ઇંગ્લીશ મિડીયમમાં ભણતાં થઇ ગયાં હોય તો પણ, ગુજરાતના બહુમતી વિદ્યાર્થીઓ ગુજરાતી માઘ્યમમાં જ ભણી રહ્યાં છે. મુશ્કેલી એ છે કે આપણી આંખ સામે રહેલા પચાસ હજાર વિદ્યાર્થીઓએ તેમની પાછળ રહેલા નવ લાખને ઢાંકી દીધા છે. અંગ્રેજી મિડીયમમાં ભણનારાને ગુજરાતી તરફ વાળવાની લ્હાયમાં ગુજરાતીમાં ભણનારા આપણને દેખાતા નથી. ગુજરાતી ભાષા કે માઘ્યમને ખતરો અંગ્રેજી તરફથી નહીં, પણ ‘તરણા ઓથે ડુંગર’ જેવાં ગુજરાતી માઘ્યમમાં ભણતા વિદ્યાર્થીઓની ઘોર ઉપેક્ષાથી છે.

દાનતનો સવાલ

શિક્ષણનું ખાનગીકરણ એક વાત છે ને તેનું વેપારીકરણ સાવ બીજી વાત છે. ગુજરાતમાં છેલ્લાં થોડાં વર્ષમાં સુખતંદ્રામાં મગ્ન લોકોને શિક્ષણનું વેપારીકરણ સીઘું સ્પર્શતું અને દઝાડતું હોવા છતાં, તેને સરકાર સાથે કશી લેવાદેવા હોઇ શકે, એ જ જાણે ભૂલી જવામાં આવ્યું છે. ગુજરાતી માઘ્યમમાં હજુ નવ લાખ વિદ્યાર્થીઓ ભણતા હોવા છતાં, તેના અભ્યાસક્રમોથી માંડીને ગુજરાતી વિષયના શિક્ષણનો દાટ વાળવા માટે કોણ જવાબદાર છે? આવા સીધા સવાલ અનેક વાર પૂછાયા છે, પણ વ્યક્તિપૂજામાં મગ્ન એવા બોલકા, બહુમતી વર્ગે જાણે નજર સામે દેખાય તે ધરાર ન જોવાની પ્રતિજ્ઞા લીધી છે.  

‘પ્રથમ’ જેવી સ્વૈચ્છિક સંસ્થા છેલ્લાં થોડાં વર્ષોથી રાજ્યવાર અભ્યાસની ગુણવત્તાનાં સર્વેક્ષણ કરે છે, જે ખાસ્સાં પ્રમાણભૂત હોય છે. તેમાં ફરી ફરીને એ વાત આવે છે કે સરકારી હલ્લાને લીધે સ્કૂલમાં દાખલ થતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં થોડો વધારો થયો છે, પણ શિક્ષણની ગુણવત્તા નોંધપાત્ર રીતે કથળી છે. વર્ષ ૨૦૧૨ના ‘પ્રથમ’ના અભ્યાસમાં જણાયું હતું કે આઠમા ધોરણમાં ભણતાં વિદ્યાર્થીઓમાંથી ૮૦.૯ ટકા વિદ્યાર્થીઓ ફક્ત બીજા ધોરણના સ્તરનું ગુજરાતી વાંચી શકે છે. બીજા ૧૩.૨ ટકા વિદ્યાર્થીઓ આઠમા ધોરણમાં પહોંચ્યા પછી પણ પહેલા ધોરણથી આગળનું ગુજરાતી વાંચી શકતા નથી.  

બે વર્ષ પહેલાં એસ.એસ.સી.ની પરીક્ષામાં બેઠેલા ગુજરાતી માઘ્યમના વિદ્યાર્થીઓમાંથી ૮.૫ ટકા માંડ પાસ અને ૩.૩ ટકા સદંતર નાપાસ થયાં હતાં. ત્યાર પછી ગુજરાત શિક્ષણ બોર્ડે શિક્ષકોની કસોટી લઇને જાહેર કર્યું હતું કે તેમનું (શિક્ષકોનું) વ્યાકરણ બહુ ખરાબ હોવાથી  ગુજરાતીનું પરિણામ નબળું આવે છે. એ સુધારવા માટે સરકારી શાળાઓમાં ભણાવતા શિક્ષકોને ખાસ તાલીમ આપવાની વાત હતી. 

સરકાર શિક્ષકોની આવડતની કસોટી લઇ શકે. ‘વિદ્યાસહાયક’ના રૂપાળા નામે મહિને રૂ.૪,૫૦૦ જેવી મામૂલી રકમ આપીને સરકારી રાહે તેમનું શોષણ પણ કરી શકે- ભલે નવી પેઢીનું ભવિષ્ય તેમના હાથમાં હોય. પણ ખુદ નાગરિકો ગાફેલ કે મુગ્ધ હોય ત્યારે સરકારી દાનતની કસોટી કોણ લે? શિક્ષણક્ષેત્રે સરકારની ગાફેલિયત  માટે તેનો કાન કોણ પકડે?  

ગુજરાત મૉડેલ હેઠળ અત્યાર સુધી થયેલો શિક્ષણનો નીતાંત વ્યાપારી ‘વિકાસ’ તો જોયો. એક શિક્ષિકા મુખ્ય મંત્રી બન્યાનો જયજયકાર પણ સાંભળ્યો. હવે મુખ્ય મંત્રી ‘બહેન’ એસ.એસ.સી.ના ગુજરાતીના પરિણામ વિશે તથા મરણપથારીએ પડેલી સરકારી શાળાઆને ફરી ચેતનવંતી કરવા અંગે શું વિચારે છે અને શું કરવા ધારે છે, એ જાણવાની ઇંતેજારી છે. 
***

(જે પેપરમાં ૧.૬૧ લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા, તે દસમા ધોરણનું ગુજરાતી માધ્યમનું આખું પેપર અહીં મૂક્યું છે. તેમાં ૫૦ માર્કના એમસીક્યૂ છે અને ૫૦ માર્કના સવાલના જવાબ લખવાના છે.)










Monday, June 09, 2014

પ્રવેશની લાઇન : ગો, સેટ, ગેટ

ના, મૃત્યુ પછીના જીવન જેવા ગહન વિષય અંગે કે બારમા-તેરમા જેવા સામાજિક રિવાજો અંગે ચર્ચા કરવાનો કોઇ ઇરાદો નથી. અહીં વાત છે બારમા ધોરણનું પરિણામ આવી ગયા પછી પ્રવેશજ્વરથી પીડાતા વિદ્યાર્થીઓ અને ખાસ તો તેમના વાલીઓની. બારમું પાસ ન થયું હોય ત્યાં સુધી સૌથી મહત્ત્વની સમસ્યા અને જીવનનું કેન્દ્રબિંદુ બારમાની પરીક્ષા હોય છે. પરંતુ એ  અપાઇ જાય અને પરિણામો આવી જાય એટલે સમજાય છે કે કોઇ એક બિંદુને જીવનનું કેન્દ્ર ધારી લેવું નહીં. પરિણામ પછી પ્રવેશ મેળવવા પર સઘળું લક્ષ્ય કેન્દ્રિત થાય છે.

કોલેજ શરૂ કરવા માટે મકાન ઉપરાંત મેદાન શા માટે જરૂરી મનાય છે, તેનો ખ્યાલ પ્રવેશપ્રક્રિયા સમયે આવે છે. પ્રવેશ વખતે મોટા ભાગના વિદ્યાર્થીઓને તેમના વાલીઓ સહિત કોલેજના મેદાન કે લોબીમાં લાઇનો લગાડવી પડે છે. આશાવાદીઓ તેને ‘કોલેજમાં કરવી પડનારી પહેલી અને છેલ્લી મહેનત’ ગણીને મન મનાવે છે, તો ભાવિ નેતાઓ તેમના પરચા દેખાડવાની શરૂઆત પ્રવેશની લાઇનથી કરે છે. પુત્રનાં લક્ષણ પારણામાં ને વિદ્યાર્થીનેતાનાં લક્ષણ લાઇનમાં. ‘હમ જહાં ખડે હોતે હૈં, લાઇન વહાં સે શુરૂ હોતી હૈ’ના ફિલ્મી નિયમનું ડેમોન્સ્ટ્રેશન આપવાનો એ નેતાઓ પૂરતો પ્રયાસ કરે છે, પણ એ વખતે કોલેજના કારકુનો ‘બચ્ચન’ હોય છે. એ કહી શકે છે,‘હમ જહાં બૈઠતે હૈં, લાઇન વહાં સે શુરૂ હોતી હૈ.’

‘એક પ્રસન્ન ક્લાર્ક પાંચમા ભાગના ખર્ચમાં પાંચ પ્રસન્ન પ્રોફેસરો જેટલો મદદરૂપ થઇ શકે છે’ એ બ્રહ્મજ્ઞાન ભાવિ નેતાઓને પ્રવેશની માથાકુટ વખતે મળી જાય છે. લાઇનમાં ઉભેલા  આશાવાદીઓ વિચારે છે, ‘આ કોલેજમાં- આ કોર્સમાં પ્રવેશ માટે કેટલા બધા વિદ્યાર્થીઓ ઉમટ્યા છે. નક્કી એ સરસ હોવો જોઇએ.’ નિરાશાવાદીઓ વિચારે છે, ‘ધાડાંનાં ધાડાં એડમિશન માટે ઉમટ્યાં છે, તેમાં આપણો નંબર ક્યાં લાગવાનો?’ વાસ્તવવાદીઓ કહે છે,‘લાંબી લાઇનથી કાયર થયે કેમ ચાલશે? કોલેજમાંથી બહાર પડ્યા પછી નોકરી માટે આવી જ લાઇનો હશે.’

ભારતવર્ષમાં સ્ત્રી અને પુરુષની સમાનતા બાબતે લેવાયેલા સૌથી દૃશ્યમાન પગલા મુજબ, સ્ત્રીઓની અને પુરુષોની લાઇન અલગ હોતી નથી. મોટા ભાગના યુવકયુવતીઓ તેને કોલેજજીવનની શરૂઆત તરીકે ગણીને એ પરિસ્થિતિમાંથી આનંદ લેવાનો પ્રયાસ કરે છે. લાંબા ગાળાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની ગણતરીથી લાઇનમાં ઉભા રહેનારા વિદ્યાર્થીઓ ટૂંકા ગાળાના (એટલે કે એકાદ-બે કલાક પછીના) ભવિષ્યને પણ છેક નજરઅંદાજ કરતા નથી. ‘આ કોલેજમાં એડમિશન મળી જાય તો કોની સાથે દોસ્તી કરી શકાય?’ એ વિચારે ઘણા વિદ્યાર્થીઓ લાઇનમાં ઊભેલાં સુયોગ્ય પાત્રો ભણી નજર દોડાવે છે. ‘એક્સક્યુઝ મી, તમારી પેન આપશો, પ્લીઝ?’ જેવાં વાક્યોથી લાઇનમાં ઉભેલા લોકો વચ્ચે સંવાદની શરૂઆત થાય છે, જેનો અંત ‘મારી પાસે પેન નથી’ના ટૂંકા-મોળા પ્રતિસાદથી માંડીને ઘરના સરનામા-ફોન નંબરની આપ-લે તથા ‘કાલે સાંજે છ વાગ્યે 'ઝેન કાફે' પર મળીએ’ જેવા ડાયલોગથી પણ થઇ શકે છે.

પ્રવેશ મેળવવો એ લક્ષ્યવેધ જેવું કામ નથી. એટલે તેના માટે લાઇનમાં ઉભેલા વિદ્યાર્થીઓને બીજું ઘણું દેખાય છે. ‘લાઇનમાં દેખાતાં કન્યારત્નોને આ કોલેજમાં એડમિશન મળશે કે કેમ?’ એની ચિંતાથી માંડીને ‘મને આ કોલેજમાં એડમિશન મળશે?’ જેવા વિચારો તેમને આવે છે. ઓછા ટકાવાળા વિદ્યાર્થીઓને, એક કોલેજની લાઇનમાં ઉભા રહેતી વખતે, પોતે બીજી કોલેજની લાઇનમાં ઉભા રહ્યા હોવાનું ‘વિઝન’ પણ આવે છે. ગંભીર પ્રકૃતિના વિદ્યાર્થીઓના દરેક વિચારોનો અંત એડમિશનના વિચાર પર આવીને ઊભો રહી જાય છે. અડધા-અડધા કલાકે તેને ભાસ થાય છે કે સામેથી આવતો પટાવાળો પ્રિન્સિપાલની ખાસ સૂચનાથી પોતાના માટે પ્રવેશની પહોંચ લઇને આવે છેે.

લાંબા સમય સુધી લાઇનમાં ઉભા રહેવાની ઘણી આડઅસરો થાય છે. એ વખતે ભગવાન પ્રસન્ન થઇને વરદાન માગવાનું કહે તો, ચાર કલાકથી લાઇનમાં ઉભેલો માણસ એડમિશન માગવાને બદલે ‘મને લાઇનમાં છેક આગળ પહોંચાડી દો’ એવું કહી શકે. લાઇનમાં ઉભા રહેનારા દરેકની માનસિકતા જુદી જુદી હોય છે. કેટલાક લોકો સિનેમાની ટિકીટ માટે ઉભા હોય એવી હળવાશથી એડમિશન માટે લાઇનમાં ઉભા રહે છે. (ઘણા સિનેમાપ્રેમીઓ સૂચવે છે કે થિયેટરોમાં ધૂળ ખાતાં ‘હાઉસફૂલ’નાં પાટિયાં થિયેટરમાલિકોએ કોલેજોને વેચી મારવાં જોઇએ.) ‘હર એક પલ મેરી હસ્તી હૈ’ ની ફિલસૂફીમાં માનનારા એ લોકો કેવળ ઘ્યેયલક્ષી બનીને છેલ્લા સ્ટેશનની રાહ જોવાને બદલે મુસાફરીનો ભરપૂર આનંદ માણે છે. તેમને હસીમજાક અને ખિખિયાટા સૂઝે છે. આવા નમૂનાઓનું બિનધાસ્તપણું જોઇને એવું લાગે કે એ એડમિશન લેવા માટે લાઇનમાં ઉભા નથી, પણ લાઇનમાં ઉભા રહેવા માટે એડમિશન લેવા આવ્યા છે. અમુક લોકો રેશનની લાઇનમાં ઉભા હોય એવું મોં કરીને, ‘પ્રવેશ નહીં મળે તો શું થશે?’ની સતત લટકતી તલવારના ઓથાર હેઠળ સમય ગુજારે છે.

કેટલાક લોકોને સતત એવો ભાસ થાય છે કે લાઇનમાં આગળથી લાગવગીયા લોકો ઘૂસી જાય છે. એ લોકો ‘જાગતે રહો’ની બૂમો પાડતા ચોકીદારની જેમ સતત બૂમબરાડા પાડીને આગળપાછળ ઉભેલા લોકોને આ અન્યાય સામે જાગ્રત કરે છે. ‘આપણે ક્યારના ઉભા છીએ, ને પેલા ચેક્સવાળા ચશ્મીસને હમણાં તો મેં અંદર જતો જોયો ને પાંચ મિનિટમાં એ એડમિશન લઇને બહાર નીકળી ગયો. આવું કેવી રીતે ચાલે? આપણે ગધેડા છીએ કે અહીં ક્યારના તાપમાં તપીએ છીએ?’ એવા ઉકળાટ ઠાલવીને એ વાતાવરણને નિષ્ક્રિય બનતું અટકાવે છે. થોડા વખત પછી તેમની તોપનું નાળચું ફરે છે. પોતાની આટલી ઉમદા ઝુંબેશના મૂક પ્રેક્ષક બની રહેનારા લોકોની નિષ્ક્રિયતાની તે ઝાટકણી કાઢે છે અને ‘ભારત એટલે જ ઊંચું નથી આવતું’નો નિઃસાસો નાખીને બીજા કોઇ ચેક્સવાળા ચશ્મીસની તલાશ ચાલુ કરે છે.  મોબાઇલયુગમાં દરેક જણ ટાઇમ પાસ કરવા માટે લાઇનની પ્રગતિથી માંડીને અન્ય પ્રગતિની બાબતે મિત્રો સાથે સતત સંપર્કમાં રહે છે.

કોલેજો અને શિક્ષણ મૂડીવાદી થઇ ગયાં હોવાનો આરોપ બહુ સામાન્ય (અને સાચો) હોવા છતાં, એડમિશનની લાઇનો દરમ્યાન કોલેજોનાં પટાંગણોમાં સમાજવાદ મ્હોરે છે. પચાસ-પંચાવન ટકાથી માંડીને એંસી-પંચ્યાસી ટકા લાવનારા તમામ વિદ્યાર્થીઓ એક જ લાઇનમાં ઊભા રહે છે.  આ દિવસોમાં કોલેજોના ક્લાર્કનો ભાવ આવે છે. તેમના નામે ‘સ્હેજ જોઇ લેજો. પછી સમજી લઇશું’ની ભલામણ ચિઠ્ઠીઓ લખાય છે. અનંત લાઇનમાં ઉભા રહેનારા લોકો માટે ચોથા વર્ગના કર્મચારીઓની કૃપાદૃષ્ટિ પણ ભરઉનાળે ખસની ચટ્ટાઇ જેવી ઠંડક પહોંચાડનારી બની રહે છે.

પરગજુઓ માટે પતઝડ-સાવન-બસંત-બહારથી પણ મહત્ત્વની પાંચમી ૠતુ એડમિશનની છે. તેમાં ભલામણો અને ભલામણચિઠ્ઠીઓ જેવા કર્મ વડે સંચિત પુણ્યનાં ફળ આખું વર્ષ અને ક્યારેક વર્ષો સુધી ચાલ્યા કરે છે. ‘ફલાણા ભાઇ- ના ઓળખ્યા? સુપરસ્ટાર ઓઇલ મિલવાળા? એકદમ પાર્ટી છે. એમના બાબાના એડમિશનનું ક્યાંય થતું ન હતું. પછી એમને કોઇકે કહ્યું કે તમારા બાબાનું એડમિશન કરાવી આપે એવો આખ્ખા અમદાવાદમાં એક જ માણસ છે- અને એણે આપણું નામ દીધેલું. આપણે એક ફોન ઠોક્યો ને પેલાને એડમિશન અપાઇ દીધેલું.’ આ જાતની મોટા ભાગની કથાઓનો અંત માતાજીના પરચા જેવો કે સત્યનારાયણની કથા જેવો હોય છે :‘આપણને કહ્યું તેનું થઇ ગયું,ને આપણને ના કહ્યું એનું રહી ગયું.’ 

Tuesday, June 03, 2014

ગળતેશ્વર : નવ સદીનું ટાઇમટ્રાવેલિંગ



(ગળતેશ્વરની મુલાકાત વિશે બીરેને મુકેલી સચિત્ર પોસ્ટની લિન્ક : ગળતેશ્વ મહાદેવઃ કાળ અને કળાનો સંઘર્ષ )

ગળતેશ્વર ઉર્ફે ગલતેશ્વર/ Galteshwar.નિરીશ્વરવાદીઓ કે રેશનાલિસ્ટોને જલસો પડી જાય એવો સંધિવિગ્રહ છે : ગલત વત્તા ઇશ્વર. (‘અમે તો કહીએ જ છીએ, પણ અમારું માને છે કોણ?’)

મારા ‘ટાઉન-ઇન-લૉ’ ડાકોર/Dakorથી વીસેક કિલોમીટર દૂર આવેતું ગળતેશ્વર યાત્રા-કમ-પ્રવાસધામ તરીકે જાણીતું છે. કદાચ વધારે પડતું જાણીતું - એટલે કે ચવાઇ ગયેલું- છે. એટલે જ ત્યાં ચહીને જવાનું અત્યાર સુધી કદી બન્યું ન હતું. બાળપણમાં એકાદ વાર જવાનું થયું હશે, પણ એની કશી યાદગીરી ન હતી.

ગળતેશ્વરમાં મહીસાગર અને ગળતી નદીનો સંગમ થાય છે. ત્યાં એક જૂનું મહાદેવ- ગળતેશ્વર મહાદેવ- છે. એવી થોડી જાણકારી હતી. મારું મોસાળ સાવલી તાલુકાનું સાંઢાસાલ. મમ્મી પરણીને મહેમદાવાદ આવ્યા તેનાં વર્ષો સુધી, સાંઢાસાલ જતી બસ ગળતેશ્વર થઇને જાય. ત્યારે નદી પર પુલ ન હતો. બસ મોટે ભાગે સુકાયેલા નદીના પટમાં થઇને સામા કાંઠે જાય.  હવે ત્યાં પુલ બની ગયો છે. સેવાલિયાની ક્વોરીઓ નજીક હોવાને કારણે ટ્રકો અને ડમ્પરનો ટ્રાફિક ધમધમતો હોય. ઉપરાંત યાત્રાળુઓ અને પ્રવાસના શોખીનો ભરઉનાળે, બળબળતી ગરમીમાં પણ ગળતેશ્વર આવતા હોય. અમે પણ એવી જ રીતે, ગયા મહિનાની એક ઢળતી બપોરે સપરિવાર ત્યાં પહોંચ્યા. સાંજે ડાકોર જવાનું હતું. ત્યાર પહેલાંનો થોડો સમય ગળતેશ્વર જોવાનો ખ્યાલ હતો.
નદી પરનો પુલ, પટમાં પાર્ક થયેલાં વાહન અને હાટડીઓ, ગળતેશ્વર/Galteshwar
પહોંચ્યા ત્યારે કાળઝાળ ગરમી હતી. છતાં, નદીના પટમાં ઠેકઠેકાણે કોરા ભાગની વચ્ચે વચ્ચે પાણી જોવા મળતું હતું. ત્યાં લોકો નહાતા પણ હતા. પાણીની ઊંડાઇનો ખ્યાલ તો ક્યાંથી આવે? પણ જઇ આવ્યાના થોડા દિવસ પછી, ગઇ કાલના સમાચારમાં વાંચ્યું કે ગળતેશ્વરમાં ચાર જણ નહાતી વખતે ડૂબી ગયા.
મફત પણ મોંઘો નીવડી શકતો કુદરતી વોટરપાર્ક, ગળતેશ્વર
અમારો નહાવાનો કોઇ ખ્યાલ ન હતો. નદીના પટમાં ફરીને જુદા જુદા ખડકો જોયા. દૂરના ખડકો પર સુકાતી રંગીન ચાદરોનું દૃશ્ય સરસ લાગતું હતું. થોડે દૂર, પાણી વગરના ભાગમાં દેશી હાટડીઓ મંડાયેલી હતી. પ્લાસ્ટિકનાં પડીકાં, બાફેલા મકાઇ, શેરડીનો રસ, કપડાની કામચલાઉ આડશોથી ઊભો કરાયેલો કપડાં બદલવાનો તંબુ, છેક નદીના કોરા ભાગ સુધી આવીને પાર્ક થયેલાં વાહનો, પાણી હતું ત્યાં નહાતાં નાની-મોટી ઉંમરનાં સ્ત્રીપુરૂષો-બાળકો...ભયંકર ગરમીમાં નદીનું પાણી ઠંડુ હતું- કમ સે કમ, ગરમ ન હતું. લોકો મસ્તીથી નહાતા હતા. ભયંકર ગરમીમાં આટલા બધા લોકો શું વિચારીને આવ્યા હશે? અને કેવી રીતે મઝા લઇ શકતા હશે? એવા સવાલ પણ થયા. પછી થયું, અમારા વિશે પણ કોઇને આવો જ સવાલ થઇ શકે છે.

મુખ્ય રસ્તાથી નીચે પાર્કિંગ સુધી ઉતરવાનો રસ્તો હિમાલયન  કાર રેલીના રસ્તાની યાદ અપાવે એવો હતો. કાચોપોચો ડ્રાયવર હોય તો એ ગાડી ઉતારી તો દે, પણ ચડાવતાં હાંફી જાય. મોટે ભાગે તો ગાડી પાછી જ પડે. જમીન પણ ઉબડખાબડ. એટલે ગાડીનું તળીયું જમીન સાથે ઘસાય. આટલા જાણીતા અને લોકોની ગીરદી ધરાવતા યાત્રાધામમાં રોજેરોજ અનેકોને અડચણરૂપ થાય એવો રસ્તો કેમ સરખો નહીં કરાતો હોય? આવા સવાલોનો ગુજરાતમાં-ભારતમાં કોઇ જવાબ હોતો નથી.
અહીં એક વારમાં ગાડી ચડાવી આપનારને ઇન્ટરનેશનલ લાયસન્સ આપી દેવું જોઇએ
નદીના પટમાંથી પાછા ઉપર આવ્યા, ત્યારે બપોરનો સમય હોવાથી ખાણીપીણીના સ્ટોલ પર બહુ ગીરદી ન હતી. ચાના એક સ્ટોલ પર એક માજી તલ્લીનતાથી કશું વાંચી રહ્યાં હતાં. પુસ્તકનું કદ અને તેની જીર્ણશીર્ણ અવસ્થા જોતાં એ કોઇ ધાર્મિક પુસ્તક હશે એવું લાગતું હતું. રંગના ભડક વૈવિઘ્યથી ઘ્યાન આકર્ષતાં ભજિયાં આમંત્રણ આપી રહ્યાં હતાં. સામાન્ય સંજોગોમાં એ સ્વીકારવું બહુ ગમ્યું હોત. (કારણ કે હાઇજિનનો બાધ રાખેલો નથી.) પણ આકરા તાપમાં આ ભજિયાં ખાવાની બીક લાગી. એટલે તેમને દૂરથી નમસ્કાર કરીને મંદિરના આંગણમાં પ્રવેશ કર્યો.




કોઇ જજ આવ્યા હોવાથી સામાન્ય રીતે બંધ રહેતા મોટા દરવાજા ખુલી ગયા હતા. અંદર છેક મંદિરના ઓટા પાસે જજસાહેબની લાલ બત્તીવાળી ગાડી પડી હતી. થોડા વખતમાં તેમનો કાફલો સાયરન વગાડતો રવાના થયો. આપણે ત્યાં આવી જગ્યાઓએ શારીરિક રીતે સક્ષમ ન હોય એવા લોકો માટે ભાગ્યે જ કશી વ્યવસ્થા હોય છે, પણ લાલ બત્તીવાળાને શારીરિક રીતે અક્ષમ હોય એટલી હદે ‘સાચવવામાં’ આવે છે.

મંદિર નજીક પહોંચ્યાં ત્યાં મનમાં કચવાટ હતો કે ‘ક્યાં ગળતેશ્વર આવ્યા. અહીં આપણા દાવનું કશું નથી. પણ જેવા મંદિરની નજીક પહોંચ્યા કે આંખો ચાર થઇ ગઇ. મોં લગભગ પહોળું થઇ ગયું અને થયું, ‘ઓહો, અહીં આવું અદ્‌ભૂત મંદિર છે.’


મંદિર પાસે મુકાયેલી મોટી તકતીમાં લખ્યું હતું કે આ મંદિરના સ્થાપત્ય-શિલ્પોમાં જોવા મળતી માળવાશૈલી ગુજરાતમાં દુર્લભ છે. તેમાં ચાલુક્ય શૈલીના અંશ પણ છે. અલબત્ત, તેના સુશોભનની શૈલી - મોલ્ડિંગ્સ એન્ડ ડેકોરેશન્સ- ગુજરાતના શિલ્પ-સ્થાપત્ય શૈલી મુજબનાં છે. મંદિરનું શીખર ખંડિત  છે. તેમાં જોવા મળતી દેવાકૃતિઓમાં શિવ, પાર્વતી, ચામુંડા, કાર્તિકેય, વગેરેનો સમાવેશ થાય છે. શૈલીના હિસાબે તે બારમી સદીનું હોવાનું તેમાં જણાવાયું છે. તેમાં એમ પણ લખ્યું છે કે તેનાં શિલ્પ, વેલબુટા અને ભૌમિતિક આકારો સોમનાથના જૂના મંદિર સાથે સામ્ય ધરાવે છે.


તકતીમાં જે લખ્યું નથી તે એ કે મંદિરની બહારની દિવાલ પરનાં કળાત્મક શિલ્પોમાં મોટી સંખ્યામાં ભોગશિલ્પો પણ છે, જે મુખ્ય અને મોટા કદનાં નહીં, પણ નાની પેનલ કે હરોળમાં જોવા મળે છે. મંદિરના કેટલાક હિસ્સામાં થયેલું સમારકામ આંખ અને સૌંદર્યદૃષ્ટિને ખટકે એવું છે. પરંતુ સૌથી ભયાનક હોય તો મંદિરનું ગર્ભગૃહ. પગથિયાં ઉતરીને અંદર જતાં ચોતરફ લગાડેલી બાથરૂમ ટાઇલ્સની વચ્ચે પુજારી દ્વારા કરાવાતી પુજાનું દૃશ્ય એટલું ભદ્દું લાગે છે કે ૧૨મી સદી કરતાં ૨૦મી સદીમાં ‘સુધરવાનો’ કાંટો અવળી દિશામાં ફર્યો હોવાનો અહેસાસ થાય. ક્યાં બારીક નકશીથી તૈયાર થયેલી લગભગ એકાદ સહસ્ત્રાબ્દિ પહેલાંની મૂર્તિઓ અને આંખને ઠારે એવું માળખું અને ક્યાં તેમાં વચ્ચે વચ્ચે લટકતા વાયરના છેડા...

પરંતુ મંદિર રહ્યું છે એ ગનીમત છે. એ જોવામાં મારે તો બહુ મોડું થયું. રસ ધરાવતા મિત્રોએ એટલું મોડું કરવું જરૂરી નથી.
(all photos : urvish kothari)