Thursday, May 29, 2014

પરિણામ પછીની તપાસ (૨)

લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભાજપને મળેલી જીતથી પક્ષમાં આનંદ-ઉત્સવનો અને વિપક્ષોમાં સન્નાટાનો માહોલ છે. ભાજપ સિવાયના પક્ષોની પરિણામ પછીની સ્થિતિ અને સંભાવનાઓ વિશે ગયા સપ્તાહે વાત કરી હતી. આ વખતે ભાજપની જીત સંબંધિત થોડી વાતો.

જીતનાર પોતે સુખદ આંચકો અનુભવે એવાં પરિણામ પછી નરેન્દ્ર મોદી અને તેમના સાથીદારો વાજબી રીતે વિજયોલ્લાસમાં છે.  દિલ્હી અને ગાંધીનગરમાં સર્જાયેલાં લાગણીસભર દૃશ્યો પછી હવે બન્ને સ્તરે સરકારનું વાસ્તવિક કામ શરૂ થશે. ગુજરાતને પહેલાં મહિલા મુખ્ય મંત્રી મળ્યાં છે, જ્યારે દેશને છેલ્લા ત્રણ દાયકામાં સ્પષ્ટ બહુમતી મેળવનારા પહેલા વડાપ્રધાન. મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની અનેક નીતિરીતિઓનો મુદ્દાસર, આકરો વિરોધ કરનારા સૌએ વડાપ્રધાન મોદી અંગે કેટલીક પ્રાથમિક બાબતોમાં સ્પષ્ટ થવું રહ્યું.

સ્વીકાર અને સંઘર્ષે

સૌથી પહેલો મુદ્દો પરિણામોના ખેલદિલીપૂર્વકના સ્વીકારનો છે. લોકશાહી પદ્ધતિથી થયેલી ચૂંટણીનાં પરિણામ અણગમતાં હોય તો પણ, તેને પૂરા મનથી સ્વીકારવાં પડે. અંગ્રેજીમાં જેને ‘ડીનાયલ મોડ’ અને ગુજરાતીમાં ‘નકારની મનોસ્થિતિ’ કહેવાય, એ ન સર્જાય તો ઉત્તમ. સર્જાય તો બને એટલી વહેલી ખંખેરી નાખવી પડે.

રાજકીય હિત ન ધરાવતા લોકો, નાગરિક ભૂમિકાએ પણ ‘મોદી ન જીતવા જોઇએ’ એવું ઇચ્છી જ શકે. મોદી ન જીતે એ માટે શક્ય એટલા પ્રયાસ કરવામાં  કશું ખોટું નથી. એ બઘું લોકશાહી પ્રક્રિયાનો ભાગ છે. ત્યાર પછી પણ મોદી જીતી જાય તો? ‘ના,ના, હું માનતો હતો કે મોદી ન જીતે તો સારું. એટલે મોદી જીતી જ ન શકે અને જો એ જીત્યા હોય તો નક્કી કંઇ ગરબડ થઇ હોવી જોઇએ’- આ જાતનાં વિચારવમળ ટાળવા જેવાં છે. કારણ કે તે વાસ્તવિકતાથી દૂર લઇ જનારાં છે. સ્વસ્થ વિચારશક્તિ-સાફ જોવાની શક્તિ પર તેનાથી ખરાબ અસર પડી શકે છે. કોઇ પણ પક્ષની-નેતાની આ પ્રકારની બહુમતી આવે અને એ આક્રમક પ્રચારમાં પાવરધા હોય ત્યારે સાફ જોવાની ક્ષમતા ટકાવી રાખવાનું બહુ અગત્યનું છે.

‘લોકો તર્કથી ક્યાં સમજે છે? નજર સામેના મસમોટા મુદ્દા લોકોને દેખાતા નથી. પછી આપણે શું કરી લેવાના? આપણે ગમે તે કરીએ, તેનો કશો અર્થ નથી.’ આવી નિરાશાવાદી વિચારમાળાથી પણ બચવા જેવું છે. મોદીની જીત કે કોંગ્રેસની હાર સાથે વ્યક્તિગત સ્વાર્થ કે હિત સંકળાયેલાં ન હોય તેમણે શા માટે નિરાશાના કે દુઃખના પહાડ માથે લઇને ફરવું? જેમને મન આ સત્‌ વિરુદ્ધ અસત્‌ની લડાઇ હોય તેમણે એટલું જ વિચારવાનું : જીત અગત્યની છે કે અંગત હિત વિના, કોઇના મોહમાં કે વફાદારીમાં લપટાયા વિના, પોતાને સમજાયેલું - નરી આંખે દેખાતું સત્ય? સ્વાર્થ વગરનું (પોતાને સમજાયેલું) સત્ય મહત્ત્વનું લાગે તો (શક્ય એટલી કટુતા ટાળીને) એ કહેવાનું કામ ચાલુ રાખવું. તેના લેવાલ ચૂંટણીનાં પરિણામ બદલી શકે એટલી મોટી સંખ્યામાં ન થાય તો પણ, એ પ્રયાસ સાવ વ્યર્થ જતા નથી. ધારો કે બીજું કંઇ ન થાય- એક પણ માણસ નવેસરથી વિચારતો ન થાય- તો પણ, ‘સ્વધર્મ’ અને ફરજઅદાયગીની દૃષ્ટિએ તે અત્યંત મૂલ્યવાન છે.

પરિણામના સ્વીકાર સાથે સંકળાયેલો એક મુદ્દો આરોપોને લગતો છે. દિલ્હીમાં થયેલી રાષ્ટ્રિય બેઠકમાં કોંગ્રેસી નેતાઓએ સોનિયા-રાહુલ ગાંધીની નેતાગીરી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ધબડકા માટે ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીન (ઇવીએમ)ને જવાબદાર ઠેરવ્યાં છે. ગુજરાત અને ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોની બેઠકમાં કોંગ્રેસી નેતાઓએ ઇવીએમ સાથે ચેડાંનો આક્ષેપ મૂકીને જૂની ઢબથી ચૂંટણી યોજવાની માગણી મૂકી છે.

ઇવીએમ સાથે ચેડાંની ફરિયાદ ચૂંટણી પહેલાં આવી હતી. આસામમાં એક ઇવીએમ પર કોઇ પણ બટન દબાવતાં ભાજપને મત મળે એવી ‘ટેકનોલોજી’ છતી થઇ હતી. પરંતુ એ વાત ત્યાં જ આટોપાઇ ગઇ. ત્યાર પછી સૌ પક્ષો ચૂંટણી લડ્યા ત્યારે એ નક્કી હતું કે ઇવીએમ જ વપરાવાનાં છે. એ વખતે કોઇને ઇવીએમ સામે વાંધો ન પડે અને પરિણામ પછી ઇવીએમ સાથે ચેડાંનો કકળાટ થાય, એ સદંતર ગેરવાજબી અને સગવડીયું છે. ઠોઠ કારીગર ઓજારોનો વાંક કાઢે એવો આ ઘાટ છે. તેનાથી સૌથી વધારે નુકસાન ભાજપને નહીં, કોંગ્રેસને પોતાને છે. કેમ કે, ઇવીએમનો દોષ કાઢી દીધા પછી કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસને ખરેખર ડૂબાડનારાં પરિબળો વિશે ગંભીરતાથી કામ તો ઠીક, વિચાર પણ કરવાનો રહેતો નથી.

ત્રીજો મુદ્દો ભાજપને મળેલા મતોની ટકાવારીને લગતો છે. ગોપાલકૃષ્ણ ગાંધી સહિત કેટલાક લોકોએ એવી દલીલ કરી છે કે ભાજપને ફક્ત ૩૧ ટકા મળ્યા છે. એનો અર્થ એ થયો કે ૬૯ ટકા લોકોએ ભાજપને-મોદીને ફગાવી દીધાં છે. નવી સરકારે આ હકીકત ભૂલવી જોઇએ નહીં અને એ લોકોનાં હિતનું ખાસ ઘ્યાન રાખવું જોઇએ.

આ દલીલમાં પણ આંકડાને આગળ કરીને વાસ્તવિકતા નજરઅંદાજ કરવાની વૃત્તિનો ઘણો હિસ્સો હોઇ શકે છે. ‘ફર્સ્ટ પાસ્ટ ધ પોલ’ તરીકે ઓળખાતી, રેસમાં જે સૌથી આગળ હોય તે જીતે એવી ચૂંટણીપદ્ધતિ આપણે સ્વીકારેલી છે. અત્યાર સુધીની તમામ ચૂંટણીઓનાં પરિણામ આ જ રીતે આવ્યાં છે. તમામ સરકારો આ જ રીતે રચાઇ છે. માટે, ભાજપને ‘ફક્ત ૩૧ ટકા’ મત મળ્યા છે એમ કહેવું અન્યાયી અને ગેરવાજબી છે. ધારો કે એને ૨૧ ટકા મત મળ્યા હોત અને કોંગ્રેસને ૧૯ ટકા મળ્યા હોત તો પણ એ બેઠકસંખ્યામાં તે આગળ હોત તો તેને જ જનાદેશ મળેલો ગણાત અને તેની જીત સ્વીકારવી પડત.

મુખ્ય મંત્રી તરીકે મોદીની મથરાવટી જોતાં વડાપ્રધાન બન્યા પછી તે ફક્ત ભાજપના મતદાતાઓને નહીં, પણ સમગ્ર ભારતના વડાપ્રધાન છે એવું યાદ કરાવવાનું કોઇને મન થઇ શકે. પરંતુ શરૂઆતના દિવસોમાં મોદીએ ગરીમાપૂર્વક, કિન્નાખોરી વિના કામ કરવાની વાતો કરી છે. એ બાબતે તેમની ટીકા કરવાનું અત્યારે કોઇ કારણ નથી. બીજા કોઇ પણ વડાપ્રધાનની જેમ તેમને પણ સુશાસનની અને કામ કરી બતાવવાની તક મળવી જોઇએ.  

ચર્ચાસ્પદ સવાલ એ છે કે વડાપ્રધાન બનેલા મોદીના મુખ્ય મંત્રી તરીકેના કાર્યકાળમાં ચીતરાયેલા-ખરડાયેલા ચોપડાનું શું? સીધી વાત છે : વડાપ્રધાન તરીકે તેમને નવેસરથી, જૂની છાપના બોજ વિના કામ કરવાની તક મળવી જોઇએ, પણ એ માટે થઇને તેમના અગાઉના રાજના જૂના-અઘૂરા ચોપડા બાળી નખાય નહીં. આજે મોદી છે. કાલે ઉઠીને બીજા કોઇ પણ હોય. ચૂંટણીમાં મળેલી જીત સંખ્યાત્મક બહુમતીનું સમર્થન સૂચવે છે. લોકશાહીમાં તેનું ચોક્કસ મૂલ્ય છે, પરંતુ એ ન્યાયનો કે કાનૂની કાર્યવાહીનો વિકલ્પ નથી. (એવો જ તર્ક હોય તો શીખ હત્યાકાંડના આરોપી એવા સજ્જનકુમાર કે ટાઇટલર જેવા ચૂંટાયેલા નેતાઓ સામે કયા આધારે કકળાટ કરી શકાય?) કોઇ નેતા ગમે તેટલી પ્રચંડ બહુમતીથી જીતે, તો પણ તેની શેહશરમ કે પ્રભાવ ન્યાયપ્રક્રિયા પર પડવાં ન જોઇએ. જેમ વિકાસ, તેમ ચૂંટણીવિજય પણ ન્યાયના વિકલ્પ તરીકે અથવા ગુનાઇત કૃત્યો કે માનસિકતાને વાજબી ઠરાવવા માટે વાપરી ન શકાય.

આશા-અપેક્ષા

મુસ્લિમો વિશે મોદીની નીતિ કેવી હશે એ ગંભીર અટકળોનો વિષય રહ્યો છે. ભાજપ ‘તુષ્ટિકરણ’માં માનતું નથી અને ‘સૌનો સાથ, સૌનો વિકાસ’માં માને છે એવો પ્રચાર છે. બીજા સમુદાયોથી અલગ પાડીને મુસ્લિમોની વાત ન કરવી જોઇએ, એવું મોદી કહેતા રહ્યા છે. પરંતુ આ વાત કહેનારની દાનત અગત્યની છે. મુસ્લિમોમાં અલગાવની લાગણીને ઉત્તેજન આપવા માટે નહીં, પણ મુસ્લિમ સમુદાયની વિશિષ્ટ સમસ્યાઓનાં ઓળખ અને ઉકેલ માટે, તેમનો અલગથી વિચાર કરવો પડે, તો એ વોટબેન્કનું રાજકારણ બની જતું નથી.

કોંગ્રેસે અત્યાર સુધી મુસ્લિમ સમાજમાં પ્રગતિશીલ નેતાગીરીને ઉત્તેજન નહીં આપવાનું પાપ કર્યું છે, તો નરેન્દ્ર મોદી સરકારે ગુજરાતની હિંસા પછીનાં વર્ષો સુધી મુસ્લિમ સમુદાયને મલમપટ્ટો લગાડવા માટે કંઇ જ કર્યું નહીં. હિંસાના મહિનાઓ પછીની ગૌરવયાત્રા કે વર્ષો પછીનાં તેમનાં કાંટાદાર પ્રવચનથી માંડીને સર્વોચ્ચ અદાલતે ગુજરાતની બહાર ખસેડવા પડેલા કેસ જેવા મુદ્દે મોદી લાંબા સમય સુધી આક્રમક અને છેલ્લે છેલ્લે ‘બસ, બઘું ભૂલી જાવ. સૌ સારાં વાનાં થશે’ની ભૂમિકામાં રહ્યા છે. તેમની પાસેથી કહેવાતા તુષ્ટિકરણની અપેક્ષા કોઇ ન રાખે, પરંતુ સમાન તકો અને ન્યાયની અપેક્ષા બેશક રહે છે. કોંગ્રેસની જેમ મોદી પણ કેટલાક ચહેરાને મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિ તરીકે આગળ ધરીને, તેમના મોઢે પોતાનાં ગુણગાન ગવડાવીને સંતોષ માનતા રહેશે તો, પરિસ્થિતિ ઠેરની ઠેર રહેશે.

ગુજરાત વિધાનસભામાંથી વિદાયવેળા મોદીએ કહ્યું કે ‘કેગના અહેવાલનો ઉપયોગ રાજકીય આક્ષેપબાજી માટે ન થવો જોઇએ. તેમાં સૂચવાયેલાં સુધારાનાં પગલાં પર અમલ થવો જોઇએ.’ મુખ્ય મંત્રી તરીકે મોદી પોતાની સરકારની ટીકા ધરાવતા ‘કેગ’ના અહેવાલને વિધાનસભામાં સત્રના છેલ્લા દિવસે લાવતા હતા, જેથી ઝાઝી ચર્ચાને અવકાશ ન રહે. તેમના પક્ષની કોંગ્રેસવિરોધી ઝુંબેશનો મોટો હિસ્સો ‘કેગ’ના અહેવાલ આધારિત હતો. હવે કેન્દ્ર સરકારમાં આવ્યા પછી એ ‘કેગ’ના રચનાત્મક ઉપયોગોની વાત કરે ત્યારે તેમાં રહેલી વક્રતા ઉડીને આંખે વળગે એવી લાગે છે.

વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી તેમના વિશે વ્યક્ત કરાયેલી આશંકાઓ ખોટી પાડે અને આક્રમક પ્રચારથી નહીં, પણ વાસ્તવિક કામગીરીથી તેમના બિનપક્ષીય ટીકાકારોને ખોટા પાડી બતાવે તો, તેમના ભક્તોની ખબર નથી પણ,  સૌથી વધારે આનંદ તેમના એવા ટીકાકારોને થશે. 

8 comments:

  1. અભિનંદન...પહેલીવાર...પહેલીવાર મોદી પરના તમારા લેખમાં લગભગ "તટસ્થ" કહી શકાય તેવું અને બિલકુલ સમજદારીભર્યું લખાણ...આમાં હું પણ તમારી સાથે;તમારી જેમ જ- 'સારા દિવસો'ની રાહ જોઈ રહ્યો છું...સરસ;ઘણી બાબતોને સમાવી લેતું આકલન...

    ReplyDelete
    Replies
    1. પરિક્ષીતભાઇ,
      આનંદ થયો. પણ આવું બનવાનું કારણ એ છે કે આ લેખ કોરી પાટી ધરાવતા વડાપ્રધાન માટે લખાયેલો છે અને અત્યાર સુધીનો આ મુદ્દે આપણી વચ્ચેનો મતભેદ ખરડાયેલી પાટી ધરાવતા મુખ્ય મંત્રી વિશેનો હતો.

      Delete
  2. Dear Urvishji, marvelous observation and let me say that it is non partisan and judicious narration. Hats Off

    ReplyDelete
  3. Urvishbhai... Nice work.... keep it up

    ReplyDelete
  4. Anonymous4:36:00 PM

    'પોતે ગુનેગાર અને પોતે જ અદાલત' ની જે નીતિ ગુજરાતનાં તેમનાં કાર્યકાળમાં જોવા મળી છે, તે કેન્દ્રમાં પણ જોવા મળશે, તેની શક્યતાઓ હાલ તો પૂરેપૂરી જણાય છે. આવા સંજોગોમાં હવે દેશનાં મીડિયાની પરીક્ષા થશે. અને ખરી ટીકા કે સમીક્ષા સોશિયલ મીડિયા પર જોઇ શકાશે, કેમ કે આ ટીકા કે સમીક્ષા ફક્ત ગુજરાતનાં લોકો કે મોદીભક્તો તરફથી જ નહીં, દેશ વિદેશમાંથી પણ આવશે. ખરેખર હવે સમય એક નાગરિક તરીકેની આપણી પોતાની સમજદારીને ચકાસવાનો પણ આવ્યો છે.

    ReplyDelete
  5. નરેન્દ્રભાઇ જ્યારે પ્રચારક હતા ત્યારે ટી.વી.ચેનલોમાં મુસ્લીમ તૃષ્ટીકરણનો વિરોધ કરનારા તરીકે બોલકા હિંદુવાદી આર.એસ.એસ.ના કાર્યકર અને નેતા જેવા હતા.

    કાળક્રમે, ગુજરાતની બહાર રહેતા રહેતા પણ ગુજરાતની રાજ્ય સરકારના મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલની ગતિવિધિ પર નજર રાખતા હતા.

    કાળક્રમે નરેન્દ્રભાઇ જ ગુજરાતના મુખ્ય પ્રધાના બન્યા. અને પછી ગોધરા કાંડ થયો. તે વખતના મુખ્ય મંત્રી નરેન્દ્રભાઇ, મુખ્ય મંત્રીના વિધાનો ભાવવાહી લાગણીના પ્રત્યાઘાત (આઘાતના પરીણામ) સમા હતા. જેને લઇને નરેન્દ્રભાઇ કરતાં એક મુખ્ય મંત્રી તરીકે ખાસ્સી ચર્ચામાં આવ્યા અને દેશ-પરદેશમાં તેના વમળો ઉઠ્યા..શમતા વાર લાગી. અને કાળક્રમે, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી બોલવા પર કાબુ મૂકતા ગયા. ભાવનાઓને નિયંત્રણમાં લેતા આવ્યા હશે !! ગુજરાતના મુખ્યમંત્રી આતંકવાદીઓના હીટ લીસ્ટમાં હોવાના સમાચાર અવાર-નવાર આવતા રહ્યા.

    ગુજરાતના મુખ્યમંત્રીને ઇજા પહોંચાડવા આવેલા આતંકીઓ ઠાર !! ના સમાચારો કરતાં એન્કાઉન્ટરોના મુદ્દા પર ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની આસ-પાસ ચર્ચાઓ ચાલ્યા જ કરી. અને છેવટે પરિસ્થિતી એવી થઇ ગઇ કે, ૨૦૦૭ ની વિધાનસભામાં બહુમતીથી ભાજપની જીત થઇ. નરેન્દ્રભાઇ મોદીની સુરક્ષાની જવાબદારી સરકારો પર જ રહી. અને આ બધામાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને અટલબિહારી બાજપાઇએ ‘રાજધર્મ’ ની આપેલી શીખ બરાબર કોઠે પડી ગઇ. સંવેદનશીલ મુદ્દા પર બિનસાંપ્રદાયિક ભારતવર્ષમાં એક મુખ્યમંત્રીએ કેળવવાની વિચારસરણી કેળવાઇ ગઇ. સદભાવના મિશનો થયા.

    કાળક્રમે, હવે આ બધી જ બાબતોની શીખ નવા પી.એમ. પાસે છે. આમ જોઇએ તો, આ શખ્સે વિરોધ સિવાય કંઇ જ જોયું નથી- એમ કહેવામાં એક રીતે સત્ય જ છે. ગોવામાં થયેલી ભાજપની બેઠક અને અડવાણીએ ઉપસ્થિત કરેલી સ્થિતી, અને બાદમાં આ શખ્સ બધા જ વિરોઘો-વાંધાઓ પાર કરીને એવા તબક્કે પહોંચી ગયા કે, અડવાણીજીએ ચૂંટણી બાદ, નરેન્દ્રભાઇની ‘કૃપા’ પર આભાર માનવો પડ્યો. પણ આ શખ્સ એવા ભારરૂપી આભારને એક તણખલાની જેમ ઉડાડી દે એમ છે. અને ઉડાડી પણ દીધો..જૈસે ભારત મેરી માતા હૈ, ભાજપા ભી મેરી મા હૈ.. કોઇ ક્યા મા પર કૃપા કરતા હૈ..આ ભક્તિએ ભલભલાના હૃદય હચમચાવી દીધા.

    કંઇક વિરોધોનો સામનો કરીને આવેલા આ પી.અેમ. ૧૨ વર્ષ ૭ માસનો વહીવટનો અનુભવ ધરાવે છે. સરકારી બાબુઓ ક્યાં ક્યાં રોડા નાંખી શકે અને કેવી રીતે સરકારી તંત્રની સારી છાપ ઉપસાવવામાં કામ લાગી શકે એમ હોય છે તેનો વિશાળ અનુભવ ધરાવે છે..

    આ બધુ જ હવે ભારતના પી.એમ.ને કામ લાગવાનું જ છે. અને અત્યાર સુધીમાં તો પાકિસ્તાનના શરીફને બદમાસી ના કરવાનું સારી રીતે કહી દીધુ. દેશને બતાવી દીધુ આ નર-બંકાએ.

    અને એ રીતે કામ આગળ ચાલશે તો, મજબૂત ભારતના મજબૂત પીએમ મળ્યા છે તેનાથી દેશનો સમય સારો આવશે.

    આ એ નર-બંકો છે જે બચપણમાં મગરનું બચ્ચું ઘેર લઇ આવેલ. અને ઘરના બધાના કહેવાથી બચ્ચાની મા ખાતર પાછુ તળાવમાં એ મગરના બચ્ચાને છોડી દીધેલ. યાદ રાખવું જોઇએ આપણે કે મગરનું બચ્ચુ મગરના બચ્ચા તરીકે નહીં, પણ એક માથી વિખૂટૂ પડેલ બચ્ચા તરીકે પાછુ તળાવમાં ગયું. બાકી આ બાળક તો મગરના બચ્ચાને ય ક્યાં છોડે એવો હતો ?

    આમ કરતાં કરતાં પરદેશમાં ગયેલું કાળુ નાણું (હજારો કરોડ) જો પરત આવી ગયું અથવા તે દિશામાં કોઇક સારુ ચિત્ર ઉભુ થઇ જશે તો, દેશને ફાયદો જ થવાનો છે..

    સંવિધાનની કલમ ૩૭૦ અને ૩૫૬ ને સમજીને અને ૩૭૦ મી કલમની અસરો અને જે એન્ડ કે માં બીજા ભારતીયો જમીન ખરીદી ના શકે - બસ, માત્ર એટલા અવલોકન થી આ બાબતને ના જોતાં આવુ બીજા રાજ્યોમાં પણ છે કે કેમ ? અને ચીન તથા પાકિસ્તાન બીજા પડોશી રાજ્યોમાં આ મુદ્દે પ્રવર્તતી સ્થિતી વગેરે ધ્યાને લઇને આ બાબતે બારીક વિચાર કરવો પડે તેવા ગંભીર મુદ્દા છે ..

    આ બધા મુદ્દા ઉપર કોઇ કાર્યવાહી થઇ તેમ તો લાગશે જ. અને પ્રજાએ પણ કંઇ કરવું પડશે...ને ?

    ReplyDelete
    Replies
    1. Anonymous6:47:00 PM

      Dear Pravin,

      BJP has purely created its political space in Gujarat by polarization, partisan, exploited Administration, Police, Judiciary and Media in connivance of Corporate.

      If constitution sense needs its real translation, Gujarat is more qualified to answer for killing of its innocent citizens and property, which had tag of India alone.

      Let governance, police, judiciary, media translate its natural course and mechanism, and then, expect a political space from voter, i.e. real governance and that is for and by the people's choice.

      ma

      Delete
  6. Anonymous9:47:00 PM

    પી ટી ઠક્કર ખૂબ આશાવાદી છે.

    ReplyDelete