Monday, May 19, 2014

શેષનનો વારસો : ચૂંટણીપંચનો લડાયક મિજાજ

મુક્ત અને ન્યાયી મતદાનની દિશામાં ક્રાંતિકારી કદમ તરીકે શેષને મતદાર ઓળખપત્રો ફરજિયાત બનાવ્યાં. શેષનની પાંખો કાપવા માટે બીજા બે ચૂંટણી કમિશનરોની નિમણૂંકનો સરકારી દાવ પણ નિષ્ફળ રહ્યો. ચૂંટણી પંચનું જે કંઇ માહત્મ્ય છે, તે શેષને પાડેલા ચીલાને આભારી છે. 

સ્વતંત્ર મિજાજથી કામ કરતા ચૂંટણી કમિશનર તરીકે શેષન રાજકારણીઓને- અને ખાસ કરીને ચૂંટણી પછી સત્તા ગુમાવનાર રાષ્ટ્રિય મોરચા-ડાબેરી મોરચાના નેતાઓને તો વિશેષ- નડવા લાગ્યા હતા. પરંતુ તેમને હોદ્દો કોઇ રાજકીય પક્ષની કૃપાથી મળ્યો ન હતો અને સત્તા માટે કોઇ નેતાની કૃપાની જરૂર ન હતી. બંધારણે તેમને સત્તા આપી હતી અને એ પાછી લેવાનો એક જ રસ્તો હતો : સંસદમાં તેમની સામે ઇમ્પીચમેન્ટ (મહાભિયોગ)ની દરખાસ્ત લાવવી અને તે બે તૃતિયાંશ બહુમતીથી પસાર કરવી.

નરસિંહરાવ સરકારના રાજમાં મુખ્ય ચૂંટણી કમિશનર સામે બે તૃતિયાંશ બહુમતીથી આ જાતની દરખાસ્ત પસાર કરવાનું અઘરું હતું. છતાં, રાષ્ટ્રિય મોરચાના અને ડાબેરી મોરચાના દાઝેલા સભ્યોએ, કંઇ નહીં તો જે થોડીઘણી પ્રસિદ્ધિ મળી એ ગણતરીએ, ગૃહના ૧૨૨ સભ્યોની સહીઓ ભેગી કરી અને ગૃહના અઘ્યક્ષ શિવરાજ પાટિલને આવેદનપત્ર આપ્યું. પરંતુ કોંગ્રેસ કે ભાજપ આ દરખાસ્તને ટેકો આપવાનાં ન હતાં. એટલે શેષનને દૂર કરવાનું તેમનું સ્વપ્ન સાકાર ન થયું.

શેષન મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા તે પહેલાં સરકારી અધિકારીઓ ચૂંટણીના કામને કે ચૂંટણીપંચને ગંભીરતાથી લેતા ન હતા.  શેષને ઠરાવ્યું કે ચૂંટણી જાહેર થયા પછી જે સરકારી અધિકારીઓને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવે તે કામચલાઉ ધોરણે ચૂંટણીપંચના તાબામાં ગણાશે અને તેમને ચૂંટણીપંચના નિયમો લાગુ પડશે. આ આદેશના ભંગના મુદ્દે શેષન લાંબી લડાઇ લડ્યા. ચૂંટણીપંચના આદેશ ન ગણકારનાર એક આઇ.એ.એસ.ને ઠપકો આપીને તેમણે બાબુશાહીનો રોષ વહોરી લીધો. કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવ અને ચૂંટણીપંચ વચ્ચે રીતસરનું પત્રયુદ્ધ ફાટી નીકળ્યું. સરકારી સચિવનો મુદ્દો એ હતો કે સરકારી અફસરને શિસ્તભંગની સજા કરવાનો ચૂંટણીપંચને કોઇ અધિકાર નથી અને ભવિષ્યમાં તે આ પ્રકારની પ્રવૃત્તિઓમાં ન પડે.

સરકારની આડોડાઇથી છંછેડાયેલા શેષને બંધારણની જોગવાઇઓ અને સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ટાંકીને ૧૭ પાનાંનો એક હુકમ કાઢ્‌યો. તેમનો કેન્દ્રીય મુદ્દો એ હતો કે સરકારનો આદેશ માનવામાં આવે તો ચૂંટણીપંચ જેવી બંધારણીય સંસ્થા બાબુશાહીને આધીન બની જાય અને લોકશાહીના પાયામાં ઘા લાગે. ચૂંટણીપંચ અને ભારત સરકાર વચ્ચેના આ મતભેદનો નીવેડો ન આવે ત્યાં સુધી ચૂંટણીપંચ બંધારણે સોંપેલી જવાબદારી પ્રમાણે ચૂંટણીનું કામ પાર પાડી શકે એવું શક્ય લાગતું નથી. આથી ચૂંટણીપંચ જાહેર કરે છે કે વર્તમાન વિવાદનો નીવેડો ન આવે ત્યાં સુધી તમામ પ્રકારની, રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની પેટાચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવે છે. ભારત સરકાર જ્યાં સુધી ચૂંટણીને લગતી બંધારણીય જોગવાઇઓનો અને કાયદાનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી ચૂંટણીની કાર્યવાહી આગળ વધારવામાં નહીં આવે.

શેષનની જાહેરાતથી રાબેતા મુજબ ‘લોકશાહી ખતરેમેં’નું બૂમરાણ ઉઠ્યું. વી.પી.સિંઘે કહ્યું કે ફેક્ટરીઓમાં લૉક આઉટ થાય એ સાંભળ્યું છે, પણ લોકશાહીમાં લૉક આઉટ પહેલી વાર જોયું. લાંબા કાનૂની યુદ્ધ પછી સર્વોચ્ચ અદાલતે  એ વાતનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો કે ચૂંટણીના આયોજન કે ચૂંટણીની તારીખો વિશે પંચને સૂચનાઓ આપવાનું અદાલતના અધિકારક્ષેત્રમાં નથી. સામે પક્ષે ચૂંટણીપંચે ચૂંટણીઓ પરનો પોતે જાહેર કરેલો પ્રતિબંધ દૂર કર્યો અને નવી તારીખો જાહેર કરી.

ચૂંટણી પર પ્રતિબંધના આકરા નિર્ણયના એક મહિના પછી, શેષને વઘુ એક ફટાકડો ફોડ્યો. ભારતની ચૂંટણીમાંથી બોગસ વોટિંગ જેવાં દૂષણ નિવારવા માટે તેમણે કહ્યું કે ૧ જાન્યુઆરી, ૧૯૯૫ સુધીમાં બધા મતદારો પાસે ચૂંટણીપંચનું આપેલું ઓળખપત્ર આવી જવું જોઇએ. નહીંતર, ઓળખપત્રો નહીં આવે ત્યાં સુધી ચૂંટણી યોજવામાં નહીં આવે.  આ જોગવાઇ શેષને પોતાના ખિસ્સામાંથી કાઢી ન હતી. ચૂંટણીપંચ સરકારને આ જાતની સૂચના આપી શકે એવી બંધારણમાં જોગવાઇ હતી. પંચ એક વાર વડાપ્રધાનને એ વિશે લખી ચૂક્યું હતું. પરંતુ દોઢ વર્ષ પછી પણ ત્યાંથી કશો જવાબ ન આવ્યો. એટલે પંચે વઘુ રાહ જોવાને બદલે સીધી ડેડલાઇનની જાહેરાત કરી દીધી.

શેષનનો સ્વતંત્ર મિજાજ સરકારને પરવડતો ન હતો અને તેમને દૂર કરવાનું શક્ય ન હતું. એટલે ખંધાઇભર્યા વચલા રસ્તા તરીકે, શેષન રજા પર ફરવા માટે ગયા ત્યારે તેમની ગેરહાજરીમાં વધારાના બે ચૂંટણી કમિશનરોને નિયુક્ત કરીને પંચની ઓફિસમાં હાજર કરી દેવામાં આવ્યા. એકથી વઘુ ચૂંટણી કમિશનર હોય એવું અગાઉ રાજીવ ગાંધીના સમયમાં બન્યું હતું- અને તેનો આશય મુખ્ય ચૂંટણી કમિશનરની સત્તા પર સરકારી રાહે કાપ મૂકવાનો હતો. આ વખતે પણ બીજા બે ચૂંટણી કમિશનરો - એમ.એસ.ગીલ અને જી.વી.જી.કૃષ્ણમૂર્તિ- નીમવાનો એકમાત્ર આશય શેષનની પાંખો કાપવાનો અને તેમને નકામા બનાવી દેવાનો હતો. હવે પછી પંચના નિર્ણયો બહુમતીથી લેવાય એવી ગોઠવણ કરવામાં આવી હતી, જેમાં સરકારે નીમેલા બે ચૂંટણી કમિશનરો એક તરફ રહેવાના હતા. આ બન્ને જણા રાષ્ટ્રપતિભવનના હુકમથી સજ્જ થઇને, પંચની ઓફિસમાં હોદ્દો સંભાળવા માટે હાજર થયા, ત્યાં સુધી શેષનને આખી કાર્યવાહીની હવા પણ ન લાગે તેની તકેદારી લેવામાં આવી હતી.

શેષનને બીજા બે કમિશનરોની નિમણૂંક વિશે જાણ થતાં જ પ્રવાસ ટૂંકાવીને પાછા ફરવાને બદલે, તેમણે પંચના અધિકારીને સૂચના આપી કે બન્ને કમિશનરોને જે સુવિધાઓ જોઇએ તે આપવી. બાકી, તે પાછા ફરીને જોઇ લેશે. ઉત્તર પ્રદેશ, મઘ્ય પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને હિમાચલ પ્રદેશની ચૂંટણીઓ આવી રહી હોય ત્યારે ચૂંટણીપંચમાં સત્તાની ખેંચતાણ અને તેમાં સરકારના કુટિલ દાવપેચ ચિંતાનો વિષય હતા. સરકારી કમિશનરોમાંથી ગિલ શેષન સાથે સૌમ્યતા અને સભ્યતાથી વર્ત્યા, પણ કૃષ્ણમૂર્તિએ મિટિંગમાં શેષનની હાજરીમાં તેમને કડકાઇથી પાઠ ભણાવવાની વાત કરી અને તેમના માટે ‘ઇડિયટ’, ‘સ્ટુપિડ’ , ‘ઇન્સેન’ (મૂર્ખામીના પર્યાય જેવાં વિશેષણો) વાપર્યાં.
President SD Sharma with TN Sheshan, GVG krishnamurthy & MS Gill
શેષન મિટિંગમાં કંઇ બોલ્યા નહીં, પણ સર્વોચ્ચ અદાલતમાં તેમણે કરેલી રજૂઆતનો ટૂંક સમયમાં ચુકાદો આવી ગયો. તેમાં અદાલતે ઠરાવ્યું હતું કે ચૂંટણીપંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર શેષનનો નિર્ણય જ આખરી ગણાવાનો હતો. બીજા કમિશનરોનો અભિપ્રાય તે માગી શકે, પણ એ બન્નેનો અભિપ્રાય શેષન માટે બિલકુલ બંધનકર્તા ન હતો. એટલે કે, મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ‘બંધારણની ગંગોત્રીમાંથી સત્તા પ્રાપ્ત કરતા’ શેષનની વઘુ એક વાર જીત થઇ હતી.

ભારતીય ચૂંટણીમાં શેષનનાં બે ચિરંજીવી પ્રદાન એટલે મૉડેલ કોડ ઑફ કન્ડક્ટ (આચારસંહિતા) અને મતદારોનું ઓળખપત્ર (આઇ-કાર્ડ). આચારસંહિતા શેષનના દિમાગની પેદાશ ન હતી. તેમણે તો જે હતું તેને અમલમાં મૂકવાની મક્કમતા દેખાડી. તેનો વિરોધ કરતાં રાજકારણીઓએ દલીલ કરી કે આચારસંહિતા ફરજિયાત કે કાનૂની રાહે બંધનકર્તા ન હોઇ શકે. એ સ્વૈચ્છિક રીતે પાળવાની બાબત છે. પરંતુ શેષને તેનો અમલ કરાવી બતાવ્યો.

આચારસંહિતાના પ્રતાપે જ સત્તાધીશો ખુલ્લેઆમ-છડેચોક સરકારી સંસાધનોનો ચૂંટણીપ્રચાર માટે ઉપયોગ કરતા અટક્યા. ચૂંટણી પહેલાં કરાતી લોલીપોપ સ્વરૂપ સરકારી જાહેરાતો શેષને પાછી ખેંચાવી.  ચૂંટણી પ્રચાર વખતે રાજકીય પક્ષો દ્વારા ચીતરી મુકાતી દીવાલો ચૂંટણી પછી સાફ કરવાની જવાબદારી પણ રાજકીય પક્ષોની છે, એવું શેષને ઠરાવ્યું.

આચારસંહિતાને કાનૂની માન્યતા છે કે નહીં, તે અંગે સવાલ પૂછાતાં શેષને કહ્યું હતું, ‘તમારે જૂઠું બોલવું ન જોઇએ, એવું કહેવા માટે એકેય કાયદાની જરૂર છે?’ પોતાની તટસ્થતા વિશે શેષને ફૂટબોલની મેચની સરખામણી આપતાં કહ્યું હતું, ‘(મેદાન પર) હું (કોચ તરીકે) વ્હીસલ મારું ત્યારે સામે ખેલાડી તરીકે પેલે છે કે મારાદોના, એ જોતો નથી.’

સંખ્યાબંધ કાનૂની યુદ્ધો લડીને અને નેતાઓની નારાજગી વહોરીને શેષને સિદ્ધ કરેલી ચૂંટણીપંચની સર્વોપરિતા જળવાઇ રહે તે પંચના નહીં, દેશના નાગરિકોના અને લોકશાહીના હિતમાં છે. 

No comments:

Post a Comment