Thursday, May 22, 2014

પરિણામ પછીની તપાસ

લોકસભાની ચૂંટણીનાં વિક્રમસર્જક કહેવાય એવાં પરિણામો અને તેને પગલે છવાયેલો વિજયોલ્લાસનો માહોલ ટૂંક સમયમાં શમવા લાગશે. ત્યાર પછી શાસન અને રાજકારણની રોજિંદી ઘટમાળ ચાલુ થશે. એ દિવસોમાં નાગરિકી ભૂમિકાએથી શું જોવા-તપાસવાની ઇંતેજારી રહેશે? તેની અછડતી યાદી.

કોંગ્રેસ

આ પરિણામોએ કોંગ્રેસનું અભૂતપૂર્વ ધોવાણ કરી નાખ્યું છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાંથી જીત્યાં એ જ ગનીમત છે.  રાજીવ ગાંધીની હત્યા પછી શરૂઆતમાં સોનિયા ગાંધી વિના અને પછી સોનિયા ગાંધીની આગેવાની હેઠળ, મોરચા  સરકારો થકી કોંગ્રેસનું ગાડું રગડધગડ ગબડતું રહ્યું. વચ્ચે એક મુદત માટે વાજપેયીની આગેવાની હેઠળની એનડીએ સરકાર આવી, પણ કોઇ એક પક્ષને બહુમતી મળે એ યુગ પૂરો થઇ ગયેલો લાગતો હતો. એટલે વારાફરતી વારાના ન્યાયે ઓછી બેઠકો છતાં સરવાળાના જોરે બે વાર યુપીએની સરકારો બની ગઇ અને કોંગ્રેસનો સત્તાધારી પક્ષ તરીકેનો જૂનો ભ્રમ ટકી રહ્યો.

ગુજરાતમાં નરેન્દ્ર મોદીના ઉદય પછી રાજ્યસ્તરે કોંગ્રેસનું ધોવાણ સંપૂર્ણ બન્યું, જે કોંગ્રેસની નેતાગીરીના ગાફેલપણા કે મેળાપીપણા કે આંતરિક કલહ કે આ બધાના સરવાળા વિના શક્ય ન હતું. ત્યાર પછી રાષ્ટ્રિય સ્તરે કોંગ્રેસનો વારો નીકળ્યો છે.

હવે જોવાનું એ રહે છે કે -

-કોંગ્રેસની નેતાગીરીમાં રાષ્ટ્રિય સ્તરે રાહુલ ગાંધીને ખસેડીને બીજું કોઇ નામ જાહેર કરવામાં આવશે? કે પછી રાબેતા મુજબ, પરિવાર પ્રત્યે વફાદારીનો ઠરાવ પસાર કરીને, આંત્મમંથનના નામે બે-ચાર નેતાઓને વધેરીને સંતોષ માની લેવાશે? રાહુલ ગાંધીને ખસેડવામાં આવે તો પણ તે સોનિયા ગાંધીની જેમ સત્તા વગરની સત્તા ભોગવતા રહેશે? કે કોઇ નવા માણસને તક મળશે? કે પછી પ્રિયંકા ગાંધીમાં નવાં ઉદ્ધારકનાં દર્શન કરીને, તેમને સક્રિય રાજકારણમાં સંડોવવામાં આવશે?

- લોકસભામાં કોંગ્રેસ અને સોનિયા ગાંધી- રાહુલ ગાંધી ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચની જેમ પોતાની હાજરી અને નેતા તરીકેનું વિત્ત, વિપરીત પરિસ્થિતિમાં સિદ્ધ કરી શકશે? (નોંધ : અહીં ભરૂચનો સંદર્ભ અહમદ પટેલ માટે નથી)

- સભારંજની, જૂઠાણાં અને પ્રચારમારા પર મુસ્તાક નરેન્દ્ર મોદી પ્રકારની નેતાગીરી તથા તેમના બહુચર્ચિત ગુજરાત મૉડેલમાં મસમોટાં ગાબડાં હતાં. છતાં કોંગ્રેસ રાજ્યના કે રાષ્ટ્રના, એમ એકેય સ્તરે તે ગાબડાં સરખી રીતે ઉજાગર કરી શકી નહીં અને એ ગાબડાં જોવા- ગંભીરતાથી લેવા માટે નાગરિકોને સમજાવી શકી નહીં. સ‘ગુજરાતમાં કોંગ્રેસ નરેન્દ્ર મોદીની સૌથી મોટી સાથીદાર છે’ એવી રાજકીય રમૂજ જાણીતી હતી. એ ચીલામાંથી કોંગ્રેસ રાષ્ટ્રિય સ્તરે બહાર નીકળશે? નીકળી શકશે? કે પછી ‘ઑટો મોડ’માં રહીને, નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનું બળતણ ખૂટે તેની રાહ જોઇને બેસી રહેશે?

આમઆદમી પક્ષ

પરિણામો પછી રાષ્ટ્રિય સ્તરના મજબૂત વિપક્ષની જગ્યાએ મોટા પાયે શૂન્યાવકાશ સર્જાયો હોય એવું લાગે છે. મમતા બેનરજી-જયલલિતા-નવીન પટનાયકના પક્ષો અને તેમનું રાજકારણ સ્થાનિક છે. રાષ્ટ્રિય સ્તરે તેમની અપીલ નથી. સરખામણીમાં આમઆદમી પક્ષ લોકસભામાં ભલે ચાર સભ્યો ધરાવતો હોય, પણ તેની પાસે કોંગ્રેસ-ભાજપ કરતાં જુદા અને લોકલક્ષી રાજકારણનું એક ઓજાર છે.

ચૂંટણીમાં સાવ ઓછી બેઠકો મળ્યા પછી, ‘આપ’માંથી નાના પાયે હિજરત થાય એવી શક્યતા પણ રહે. એવું થાય તો પણ, ત્યાર પછી જે ‘આપ’ રહેશે, તેની પાસે અસરકારક વિરોધ પક્ષ તરીકે રાષ્ટ્રિય સ્તરે ઊભરવાની તક છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓમાં એનો દેખાવ સારો રહે કે ન પણ રહે, તેની પાસે લોકસભાની ચૂંટણી પહેલાં હતી એવી જ તક ચૂંટણી પછી, આ વખતે કોંગ્રેસના ધબડકાને કારણે, આવી ઊભી છે. અલબત્ત, એ તક (ચૂંટણી પહેલાંનાં સંભવિત ગણિતોની જેમ) ઇન્સ્ટન્ટ સફળતા અપાવે એવી નથી અને ઘણું કામ માગી લે એવી છે.

આગામી લોકસભા ચૂંટણી સુધીનાં વર્ષોમાં દિલ્હીમાં, મોદી વગરના ગુજરાતમાં, થોડી સફળતા જ્યાં મળી છે તે પંજાબમાં, જ્યાં મોદીતરફી મોજા પછી પણ ‘આપ’ના ઉમેદવારો કોંગ્રેસથી આગળ, બીજા નંબરે આવ્યા છે એવાં ઠેકાણે, જ્યાં ‘નોટા’ને દસ હજાર કે વઘુ મત મળ્યા છે એવી બેઠકો પર- આ બધે અરવિંદ કેજરીવાલ અને ‘આપ’ના સભ્યો ઠરીને કામ કરે, લોકોને ફક્ત આશા જ નહીં, દોરવણી પણ આપે અને રાજકારણના ‘ઉદ્ધારક’ મૉડેલમાંથી જનતાના સશક્તિકરણના મૉડેલ તરફ લોકોને લઇ જવાનો નિષ્ઠાવાન પ્રયાસ કરે, તો તેનાથી દેશને ઘણો ફાયદો થશે. ‘આપ’ ધીરજપૂર્વક અને મક્કમતાથી એ કરી શકશે?

કેજરીવાલ રાજકારણની શતરંજની બાબતમાં નરેન્દ્ર મોદીને ટક્કર આપી શકે એવા ખેલાડી છે. પરંતુ હવે તેમની પાટી ચોખ્ખી નથી. દિલ્હીમાંથી તે જવાબદારી છોડીને નાસી ગયા, એવા સચ્ચાઇથી વેગળા પણ લોકપ્રિય આરોપનો તેમણે સતત સામનો કરવાનો રહેશે. સાથોસાથ,  પોતાના પક્ષની નિષ્ઠા વિશે ભરોસો ઊભો કરવો પડશે. રિવાજ લેખે સત્તાધીશો તરફથી રજૂ થતાં જુસ્સાદાર- ઝાકઝમાળભર્યાં જૂઠાણાંની અસલિયતને ફક્ત ઉજાગર કરવાથી નહીં ચાલે. તેનાથી લોકહિત કેવી રીતે જોખમાય છે - લોકોને કેવું ને કેટલું નુકસાન થાય છે, તે સમજાવવાનું રહેશે. એ કોંગ્રેસની જેમ ફક્ત બોલાવવા પૂરતી પ્રેસ કોન્ફરન્સ બોલાવવાથી નહી બને.

સત્તાના લાભ વિના કેવળ લોકજાગૃતિ ખાતર રાજકારણ ખેડવાનું સહેલું નથી. આમઆદમી પક્ષના લોકોની તેમાં કઠણ પરીક્ષા થશે. પરંતુ જો એ તેમાં સારી રીતે પાર ઉતરે તો દેશને સારો એવો ફાયદો થઇ શકે છે.

- અને હા, એક રીમાઇન્ડર : દેશ એટલે વડાપ્રધાન નહીં. દેશ એટલે દેશના લોકો.

મોજા-મુક્ત પ્રદેશો

દોઢ મહિના પહેલાં, ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના એક લેખને ટાંકીને અહીં નોંધવામાં આવ્યું હતું કે તામિલનાડુ, આંધ્ર, કર્ણાટક, કેરળ અને બંગાળ જેવાં રાજ્યો રાષ્ટ્રિય સ્તરે મોજું હોય ત્યારે, જાણે સાવ જુદા પ્રદેશો હોય એવી રીતે જ વર્ત્યાં હતાં. આ વખતે પણ કેરળમાં ભાજપની એક પણ બેઠક આવી નથી. તામિલનાડુમાં નરેન્દ્ર મોદી- જયલલિતા વચ્ચે ચૂંટણી સમજૂતી થઇ ન હતી, પણ પરિણામોમાં જયલલિતાના એઆઇડીએમકેનો જયજયકાર છે. એવી જ રીતે, મોદી અને મમતા બેનરજી વચ્ચે ચૂંટણી પહેલાં ઘણી હુંસાતુંસી થઇ હોવા છતાં- અને પરિણામોમાં મોદીતરફી પ્રચંડ મોજું દેખાવા છતાં, બંગાળમાં મમતા બેનરજીનો તૃણમૂલ કોંગ્રેસ મેદાન મારી ગયો છે. ઓડિશામાં લાગલગાટ ચોથી વાર વિધાનસભાની ચૂંટણી જીતીને વિક્રમ સર્જનાર બીજુ જનતા દળના નવીન પટનાયકે લોકસભાની ચૂંટણીમાં પણ મોદીતરફી મોજાને ખાળ્યું છે. આ ઉદાહરણો દર્શાવે છે કે ભાજપની સ્પષ્ટ બહુમતીને લીધી રાષ્ટ્રિય સ્તરે એનડીએને ભલે બીજા પક્ષોની જરૂર ન હોય, પણ તેનાથી જયલલિતા-મમતા બેનરજી-નવીન પટનાયક જેવાં નેતાઓને તેમના પ્રદેશમાં ઓછા આંકવાની અને પ્રાદેશિક નેતાગીરીના અંતનો ઓચ્છવ મનાવી કાઢવાનું હજુ વહેલું છે.  

હાંસિયાની બહાર

મોદીતરફી મોજામાં ફક્ત કોંગ્રેસ જ નહીં, બીજા કેટલાક પક્ષો પણ અકલ્પનીય રીતે ધોવાઇ ગયા. તેમાં મોખરાનું નામ છે માયાવતીનો બહુજન સમાજ પક્ષ. એક સમયે ભારતના વડાપ્રધાનપદ માટે તેમનું નામ પ્રસાર માઘ્યમોમાં ચર્ચાતું હતું અને ખુદ માયાવતી તો હમણાં સુધી પોતાની જાતને એ ભૂમિકામાં જોતાં હતાં. કાંશીરામે ઊભા કરેલા બહુજન સમાજ પક્ષને તેની સ્થાપના પછી ત્રણ દાયકામાં પહેલી વાર લોકસભામાં પ્રવેશ સુદ્ધાં મળ્યો નથી. દલિતલક્ષી રાજકારણ માટે એ ચિંતનનો વિષય છે અને માયાવતી પોતાનું ગુમાવેલું મેદાન હાંસલ કરવા માટે શું કરે છે, એ જોવાનું રહે છે.

જ્ઞાતિવાદ આધારિત મતદાન માટે કુખ્યાત ઉત્તર પ્રદેશમાં માયાવતીએ ‘સામાજિક ઇજનેરી’ના આધારે પહેલાં દલિત મતબેન્કના આધારે અને પછી દલિત-બ્રાહ્મણ જેવી વિશિષ્ટ યુતિના આધારે નોંધપાત્ર વિજયો મેળવ્યા હતા. પરંતુ આ ચૂંટણીમાં બાકીની બેઠકો પર તો ઠીક, દલિતો માટે અનામત બેઠકો ઉપર પણ બહુજન સમાજ પક્ષનો એક પણ ઉમેદવાર વિજયી બન્યો નહીં.

દલિત રાજકારણના ગઢ જેવા ઉત્તર પ્રદેશમાં પોતાનો સિક્કો ફરી જમાવવા માટે અને તેમનો સાથ છોડીને મોદીતરફી મોજામાં વહી ગયેલા દલિતોને માયાવતી મનાવી શકે છે? દલિતહિતના રાજકારણને તે ફરી જીવતું કરી શકે છે? કે પછી ‘લોકસભા અને વિધાનસભામાં મતદાનની તરાહ જુદી હોઇ શકે છે’ એવું આશ્વાસન લઇને, ‘વિધાનસભાની ચૂંટણીમાં જોયું જશે’ એમ વિચારે છે?

તમિલનાડુમાં જયલલિતાના એઆઇડીએમકે સામે કરુણાનિધિના ડીએમકેની અને બંગાળમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ સામે ડાબેરીઓ બૂરી દશા થઇ છે. બંગાળ વિધાનસભામાં જીત પછી મમતારાજથી લોકો નારાજ હોવાની ચણભણને કમ સે કમ ચૂંટણીમાં તો સંખ્યાત્મક ટેકો મળ્યો નથી. યુપીએની પહેલી મુદત વખતે ભારતના રાજકીય ઇતિહાસમાં શીર્ષ પર પહોંચેલા ડાબેરીઓ માટે ૨૦૦૯ પછી ૨૦૧૪ તો સાવ ખીણબિંદુ જ સાબીત થયું છે. પોતાના રાજકીય અસ્તિત્ત્વ માટે તેમની પાસે કોઇ નવી વ્યૂહરચના હોય તો તે ૨૦૦૯-૧૪ના ગાળામાં જોવા મળી નથી. હવે એ દિશામાં કશું કામ થશે? આ બધા સવાલોના જવાબ પર આવનારા દિવસો-મહિનાઓમાં ભારતના રાજકીય પ્રવાહોનો ઘણો આધાર છે.

(આવતા સપ્તાહે : ભાજપ સંબંધિત અપેક્ષાઓ-ઇંતેજારી-ભયસ્થાનો)

1 comment: