Tuesday, April 29, 2014

મતદાર : ‘ઑડિયન્સ’ કે નાગરિક?

એક ભાઇને એવી ટેવ કે પોતે ચમકતો ગુલાબી ઝભ્ભો પહેરીને આવ્યા હોય, પણ કેવાં કપડાં પહેરવાં જોઇએ તેની વાત નીકળે એટલે એ જોસ્સાભેર કહી દે, ‘હેંહેંહે, ચમકતો અને એ પણ ગુલાબી ઝભ્ભો- એવું તે કંઇ આપણાથી પહેરાતું હશે?’આટલી ઉઘાડી બેશરમી અને બેધડક છેતરપીંડી છતાં, તેમને ખાતરી હોય કે આમ કહેતી વખતે તેમણે પોતે ચમકતો ગુલાબી ઝભ્ભો જ પહેર્યો છે, એ લોકો નજરઅંદાજ કરશે. દસમાંથી સાત લોકો જોયું- ન જોયું કરશે. બાકીના ત્રણમાંથી એકાદ જણ ગણગણાટ કરી શકે છે, પણ સંખ્યાત્મક લોકશાહીમાં તેમની શી વિસાત?

લોકોને આત્મવિશ્વાસપૂર્વક મૂર્ખ બનાવીને કે ભપકાદાર-ભવ્ય જૂઠાણાંથી તેમને આંજીને ‘છવાઇ જવાની’ તરકીબ કટારલેખન કરતાં ઘણી વધારે ગંભીરતાથી રાજકારણમાં પ્રયોજાતી રહી છે.

જેમ કે, કોંગ્રેસ દ્વારા થતી સેક્યુલારિઝમની વાર્તાઓ. કોંગ્રેસે મુસ્લિમ સમાજના પ્રગતિશીલ હિસ્સાને હાંસિયામાં ધકેલીને જૂનવાણી બળોને પ્રોત્સાહન આપ્યું છે - અને આ કરતી વખતે તેની જીભે રટણ તો સેક્યુલારિઝમનું જ હોય. ગુજરાતની કોમી હિંસા વખતે ઘણા કોંગ્રેસીઓ ટોળાં સાથે જોડાઇ ગયા હતા. એટલું જ નહીં, હુલ્લડબાજીના આરોપસર જેલમાં ગયેલા કેટલાકને સ્થાનિક કોંગ્રેસી નેતાઓ ટિફીન પણ પહોંચાડતા હોવાનું નોંધાયું છે. આ એક બાબતમાં સક્રિયતાને બાદ કરતાં, ગુજરાતનું વાતાવરણ થાળે પાડવામાં કોંગ્રેસી નેતાઓ લગભગ નિષ્ક્રિય અને સદંતર નિષ્ફળ રહ્યા. છતાં, તેમનો દાવો તો સેક્યુલારિઝમનો જ. સોનિયા ગાંધી ચૂંટણી વખતે મુસ્લિમ ધર્મગુરુને મળવા જાય અને તેમની પાસેથી કોંગ્રેસતરફી મતદાન માટેની અપીલો કરાવે. છતાં માળા સેક્યુલારિઝમની જપવાની. સહેંહેંહેં, ચમકતો અને એ પણ ગુલાબી ઝભ્ભો - એવું તે કંઇ આપણાથી પહેરાતું હશે?

૧૯૮૪નાં શીખવિરોધી રમખાણોના ઘેરા ડાઘ ધોવાનો સન્નિષ્ઠ પ્રયાસ કરવાનો નહીં. હૃદયપૂર્વકની માફી પણ બાજુ પર રહી. ઉલટું, ટાઇટલર જેવા નેતાઓને ફરજિયાત નિવૃત્ત કરી દેવાને બદલે તેમને ચાલુ રાખવાના. પણ ગુજરાતની કોમી હિંસાની વાત આવે એટલે કકળાટ મચાવવાનો. હેંહેંહેં...આપણે તો આવું કરતા હોઇશું?

પણ એક વાત સ્વીકારવી પડે. આ ‘કળા’માં ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ખરેખર નંબર વન ‘કળાકાર’ છે. વડાપ્રધાન બનવા માટે તલપાપડ મોદીએ તેમના ચૂંટણીપ્રચારમાં  જે વચન અને નિવેદન આપ્યાં છે, તેમાં રહેલા કાતિલ દંભનું અને બેશરમ આત્મવિશ્વાસનું પ્રમાણ ભયજનક સપાટી વટાવી ગયું છે.  આ નિવેદનો ‘ચમકતા ગુલાબી ઝભ્ભા’ કરતાં ઘણાં વધારે મહત્ત્વપૂર્ણ વિષયો અંગેનાં છે.

એ જુદી વાત છે કે મોદીની સામે અથવા તેમની વાત આવે એટલે ઘણા લોકો નાગરિક મટીને ઑડિયન્સ બની જાય છે- જાદુનો ખેલ જોવા જતું ઑડિયન્સ. જાદુગરો પ્રામાણિક હોય છે. એટલે એ મનોરંજન માટે ઑડિયન્સને નિર્દોષ રીતે છેતરે છે, જ્યારે નેતાઓની - અને અહીં વાત થાય છે તે વડાપ્રધાનપદના ઉમેદવારની- છેતરપીંડી નિર્દોષ હોતી નથી.  તેમણે ઊભું કરેલું સામુહિક સંમોહન ‘ઑડિયન્સ’ને ભીંત ભૂલાવે છે.

આરોપ વઘુ પડતો તીખો લાગે છે? તો, વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકેની મોદીએ આપેલાં વચન અને એ જ બાબતોમાં મુખ્ય મંત્રી તરીકેની તેમની વર્તણૂંકને સાથે મુકવાથી કાતિલ દંભનો મુદ્દો સ્પષ્ટ થઇ જશે.

વડાપ્રધાન બન્યા પછી દેશમાં સ્વચ્છ-ભ્રષ્ટાચારમુકત શાસન આપવાનો દાવો ‘અબકી બાર, મોદી સરકાર’ના પ્રચારમાં કરવામાં આવે છે. પરંતુ એ જ મોદીએ ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે રાજ્યમાં લોકાયુક્તની નિમણૂંકમાં રોડાં નાખવામાં કોઇ કસર છોડી ન હતી,  એ ઉઘાડી અને જાણીતી સચ્ચાઇ છે. સ્વચ્છ-ભ્રષ્ટાચારમુક્ત શાસન ધરાવનાર મુખ્ય મંત્રીએ લોકાયુક્તથી ગભરાવાની જરૂર ન હોય. પરંતુ  અન્ના આંદોલનને હોંશે હોંશે સગવડીયો ટેકો આપનાર મોદી પોતાના શાસનમાં તટસ્થ લોકાયુક્ત નીમાય એ શક્યતાથી શિયાંવિયાં થતા હતા.

‘કેગ’ના અહેવાલના આધારે કેન્દ્ર સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ કરવામાં મુખ્ય મંત્રી મોદી બહુ ઉત્સાહી. પરંતુ એ જ ‘કેગ’ દ્વારા ગુજરાત સરકારના નાણાંકીય વ્યવહારોની ટીકા થઇ, ત્યારે મુખ્ય મંત્રી તરીકે મોદીએ શું કર્યું? રાજીનામું આપી દીઘુંં? ગળે ઉતરે એવો તાર્કિક ખુલાસો આપ્યો? ના, તેમણે વિધાનસભામાં છેક છેલ્લા દિવસે કેવળ ઔપચારિકતા ખાતર ‘કેગ’નો અહેવાલ રજૂ કર્યો હતો. એ જ મોદી વડાપ્રધાન બન્યા પછી ભ્રષ્ટાચારમુક્ત શાસનનો વાયદો કરે છે.

મહિલા સુરક્ષા વિશે વાત કરવા માટે પણ ‘મોદી સરકાર’ ઉત્સુક હોય છે. એક મુલાકાતમાં તેમણે ગુજરાતની નવરાત્રિનો દાખલો આપીને, પોતાના રાજમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે એની વાત કરી હતી. ગુજરાતના નાગરિકોએ વિચારવાનો પ્રશ્ન : ગુજરાતની બહેન-દીકરીઓ મુખ્ય મંત્રી મોદીના રાજ પછી જ- એટલે કે ૨૦૦૧ પછી જ-નવરાત્રિમાં રાત્રે બિનધાસ્ત હરતીફરતી થઇ? ત્યાર પહેલાં એ અસલામતીથી ઘરમાં ગોંધાઇ રહેતી હતી?

પોતે વડાપ્રધાન બને તો રાજકારણને અપરાધીઓથી મુક્ત બનાવશે એવો વાયદો મોદીએ કર્યો છે. તેમણે કહ્યું છે કે એ વડાપ્રધાન બનશે તો દાગી સાંસદો-વિધાનસભ્યો સામે ઝડપથી કેસ ચલાવવા માટે  સર્વોચ્ચ અદાલતને કહેશે. પ્રશ્ન એ થાય કે કોઇ વડાપ્રધાન ગમે તેટલો સારો ઇરાદો હોવા છતાં, અમુક કેસ ઝડપથી ચલાવવા એવું સર્વોચ્ચ અદાલતને કહી શકે? સર્વોચ્ચ અદાલત વડાપ્રધાનની સૂચના પ્રમાણે વર્તતી સંસ્થા નથી. માટે, વડાપ્રધાન બનતાં પહેલાં કોઇ ઉમેદવાર ‘સર્વોચ્ચ અદાલતને હું આમ કહી દઇશ’ એવી વાત કરે ત્યારે તેના અજ્ઞાન કે આપખુદ આત્મવિશ્વાસ વિશે ચિંતા થવી ન જોઇએ?

રહી વાત તેમના અપરાધીમુક્ત રાજકારણના દાવાની. ‘હેંહેંહેં, આપણે તે કંઇ ચમકતો ગુલાબી ઝભ્ભો પહેરતા હોઇશું?’ સ્ટાઇલનો તે વઘુ એક ઉત્તમ નમૂનો છે. સૌ જાણે છે : અમિત શાહ મોદીનો જમણો હાથ છે - અને તે સ્વાતંત્ર્ય સંગ્રામમાં કે કટોકટીના વિરોધમાં નહીં, નકલી એન્કાઉન્ટરના કેસમાં જેલ જઇને જામીન પર છૂટેલા છે.

અમિત શાહ મંત્રીપદે હોય કે ન હોય, ગુજરાતની ‘મોદી સરકાર’માં તેમના હાથ બહુ લાંબા રહ્યા છે. ‘સાહેબ’ના આદેશથી એક ગુજરાતી યુવતી પર જાસુસી કરાવવાના મુખ્ય સૂત્રધાર તરીકે અમિત શાહ વગોવાઇ ચૂક્યા છે. તેમણે, સંભવતઃ ‘સાહેબ’ના આદેશથી જ, એક નિર્દોષ છોકરીની જાસુસી માટે અને તેની રજેરજની હિલચાલની વિગતો મેળવવા માટે તેની પાછળ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ લગાડી દીધી હતી. એ આખો વાર્તાલાપ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે અને અખબારોમાં પણ આવી ચૂક્યો છે.

અમિત શાહના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પોલીસ અફસરો સહિત ડઝનબંધ વિશ્વાસુ પોલીસ અધિકારીઓ જેલમાં અથવા જામીન પર છે. (દરમિયાન, એકેય એન્કાઉન્ટર રાજ્યના હિતમાં કે મુખ્ય મંત્રીનો જીવ બચાવવા માટે થયાં ન હતાં એ સ્પષ્ટ થઇ ચૂક્યું છે.) ગુજરાત રાજ્યની સ્થાપનાની સુવર્ણજયંતિ ઉજવાઇ ત્યારે યોજાયેલા ભવ્ય સમારંભમાં મુખ્ય મંત્રી સહિત આખું મંત્રીમંડળ મંચ પર ઉપસ્થિત હતું, પરંતુ ગૃહરાજ્યમંત્રી અમિત શાહ  ધરપકડની આશંકાથી એ સમારંભમાં ગેરહાજર રહ્યા હતા. આ અમિત શાહને જમણા હાથ તરીકે રાખીને મોદી રાજકારણમાંથી અપરાધીઓને દૂર કરવાનો વાયદો આપે છે.

ફક્ત અમિત શાહ જ શા માટે, કોમી હિંસાનાં આરોપી માયાબહેન કોડનાનીને મુખ્ય મંત્રી મોદીએ પોતાના મંત્રીમંડળમાં સ્થાન આપ્યું હતું. ગુજરાતમાં મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદીની પકડ સંપૂર્ણ હોવા છતાં, તેમના મંત્રીમંડળમાં બાબુભાઇ બોખીરીયા અને પુરુષોત્તમ સોલંકી જેવા અપરાધનો ઇતિહાસ ધરાવતા નેતાઓને સ્થાન મળતું રહ્યું છે. અને આ જ મોદી મુખ્ય મંત્રીને બદલે વડાપ્રધાન બની ગયા પછી, રાજકારણને અપરાધીમુક્ત બનાવી દેવાનો વાયદો આપે છે. ટીવી પર મોદીના ફિક્સ્ડ લાગતા ઇન્ટરવ્યુ લેનારા કોઇ એમને પૂછતા નથી કે અમિત શાહ, બોખીરીયા, સોલંકી જેવા મહાનુભાવો વિશે મોદીને શું કહેવાનું છે. ‘અપરાધી સાબીત ન થાય ત્યાં સુધી નિર્દોષ’ની ઘીસીપીટી રેકોર્ડ જ વગાડવાની હોય તો પછી કોંગ્રેસમાં અને મોદીમાં ફરક શો? અને આટલી ગર્જનાઓનો શો અર્થ છે?

ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ શિક્ષત ઉમેદવારનું સરકારી રાહે શોષણ કરવા માટે ‘વિદ્યાસહાયક’ અને ‘અઘ્યાપકસહાયક’ જેવી વિશિષ્ટ વ્યવસ્થાઓ ઊભી કરી છે. પાંચ વર્ષ જેટલા લાંબા ગાળા સુધી મામુલી પગારમાં શિક્ષિતો પાસે નોકરી કરાવવી, એ રાજ્યસ્તરે મોદીનો રોજગારીનો ખ્યાલ છે અને વડાપ્રધાન બન્યા પછી એ રાષ્ટ્રિય સ્તરે બેરોજગારી દૂર કરવાના છે.

યાદ રહે, આ વાતોમાં ક્યાંય મુસ્લિમોનો કે ૨૦૦૨ની કોમી હિંસાનો મુદ્દો તો હજુ સુધી આવ્યો જ નથી. એ સિવાયના મુદ્દા પણ પૂરતા ગંભીર અને ચિંતાજનક છે. લોકો ભલે મનમોહનસિંઘને ‘મૌનમોહન’ કહે, ભીંસમાં આવે ત્યારે નરેન્દ્ર મોદીને પણ ‘મૌનમોહન’ બનતાં વાર લાગતી નથી. (એક ઉદાહરણ : આશ્રમમાં બાળકોની હત્યાના મુદ્દે મુખ્ય મંત્રીનું નિવેદન કદી જોયું-સાંભળ્યું?)

આગળ લખેલી બધી વિગતો જાહેર છે. પ્રસાર માઘ્યમોમાં આવી ચૂકી છે. હવે મતદારોએ નક્કી કરવાનું છે કે તે ‘ઑડિયન્સ’ છે કે જાગ્રત નાગરિક? તે કાતિલ દંભથી છેતરાવા ઉત્સુક છે? કે ખુલ્લી આંખે- ખુલ્લા મને જોઇ-વિચારી શકે છે? આ ચૂંટણીમાં પસંદગી કોઇ પક્ષ કે નેતાની નહીં, આ સવાલોના જવાબની થવાની છે.

5 comments:

  1. As a concern citizen I am fully agree with you Uravshibhai Gujarati ma ek kahevat che " Vad j jyan chibhada galvani hoy" tyan shnu apekshao rakhavani ???

    ReplyDelete
  2. Really Interesting facts about politician, I really like the way it started with "Gulabi Jabbho".. Thanks for posting.

    ReplyDelete
  3. Aa vat aaj na yuvan ma kem utarvi a ek agatya ni vat che....
    Bas khali mota mota bhashno thi mantramugdh thai janara loko a ani pachal nu satya jovu rahyu... Baaki j halat gujarat ni thai che a desh ni thata var nai lage....

    ReplyDelete
  4. My dear urvishbhai in politics we have to select the lesser evil with experience of governance otherwise i truly agree with you. - jiten bhatt

    ReplyDelete
  5. Anonymous12:27:00 PM

    ઉર્વીશભાઈ। આજના રાજકારણનાં સંદર્ભે લાલબહાદુર શાસ્ત્રી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવો 100% શુદ્ધ રાજકારણી નાં મળે ત્યાં સુધી રાહ જુઓ.

    ReplyDelete