Tuesday, August 07, 2012

આસામની હિંસાઃ મૂળીયાં અને ફળ


જુલાઇ ૨૦૧૨ના છેલ્લા અઠવાડિયામાં, આસામ ભારતમાં છે તે ફરી એક વાર યાદ આવ્યું. સ્થાનિક બોડો આદિવાસી અને (મુખ્યત્વે બાંગલાદેશથી આવીને વસેલા) મુસ્લિમો વચ્ચેની હિંસાનો સિલસિલો વ્યાપક બન્યો. સરકારી અંદાજ પ્રમાણે ૪૦નાં મરણ થયાં ને સેંકડો જીવ બચાવવા માટે ઘરબાર છોડીને ભાગ્યા. હુલ્લડબાજીને કારણે ૭૨ કલાક સુધી આસામ સાથે બંગાળ, દિલ્હી અને બાકીના ભારતનો ટ્રેન વ્યવહાર ખોરવાઇ જતાં હજારો મુસાફરો પ્લેટફોર્મ પર અટવાઇ ગયા. દરમિયાન કોંગ્રેસી મુખ્ય મંત્રી તરુણ ગોગોઇ ચુસ્તીથી સક્રિય થવાને બદલે કેન્દ્ર સરકારની સામે ટાંપીને બેસી રહ્યા.

અહેવાલો પ્રમાણે હવે રાજ્યમાં શાંતિ છે. ખરેખર તો એમ કહેવું જોઇએ કે ફક્ત હિંસા અટકી છે.

એ વધારે સાચું છે. કારણ કે આ વખતની હિંસા ભલે શમી હોય, પણ તેને પેદા કરનારા અને ભડકાવનારાં કારણ યથાવત્‌ ઊભાં છે. તેમાં ઉતરતાં પહેલાં, કશી ટીકાટીપ્પણ વગર, ટૂંકમાં જે બન્યું તેનો ઘટનાક્રમઃ

૧૯ જુલાઇ, ૨૦૧૨ના રોજ કોકરાઝારમાં બે મુસ્લિમો પર હુમલો થયો. એ માટે ‘બોડો લિબરેશન ટાઇગર્સ’ના માણસો તરફ આંગળી ચીંધાઇ. ૨૦ જુલાઇની રાતે, ચાર બોડો ટાઇગર્સને ટોળાંએ ખતમ કરી નાખ્યા. ૨૧ જુલાઇથી આસામના ત્રણ જિલ્લામાં બોડો લોકોએ મુસ્લિમો પર વ્યાપક હુમલા કર્યા. સરકારી અંદાજ પ્રમાણે ૪૦નાં મોત થયાં. (બીજા અંદાજ પ્રમાણે, પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામેલા ૭ સહિત ૫૭ જણે જીવ ખોયા.) બીજા સેંકડો જીવ બચાવવા માટે ઘરબાર છોડીને નાઠા. તેમનાં ખોરડાં સળગાવી દેવાયાં. હિંસાનો દૌર ચલાવ્યા પછી, હિંસા કરનારા પોલીસપગલાંની બીકે નાસવા લાગ્યા. આમ,  જુદા જુદા અંદાજો પ્રમાણે દોઢ લાખથી માંડીને ચાર લાખ લોકો બેઘર થયાના આંકડા મુકાયા. તેમાંથી ઘણા સરકારે ઊભી કરેલી અને પ્રાથમિક સુવિધાઓ વગરની  રાહતછાવણીઓમાં જઇને રહ્યા.

આસામની હિંસા સમાચારોનાં મથાળે આવી અને હોહા થઇ એટલે વડાપ્રધાને આસામની મુલાકાત લીધી. મુખ્ય મંત્રી ગોગોઇએ હિંસાને તત્કાળ કાબૂમાં લેવાની પોતાની નિષ્ફળતા સ્વીકારવાને બદલે, થોડા દિવસ પછી ‘સબસલામત’ અને ‘પરિસ્થિતિ કાબૂમાં’ હોવાનો દાવો કર્યો. રાજ્યના ૨૮માંથી ફક્ત ૪ જિલ્લામાં હિંસા ફેલાઇ હોવાથી ‘આખું રાજ્ય સળગે છે’ એવું કહેતાં પ્રસાર માઘ્યમોને ઠપકો આપ્યો. તાજા ભૂતપૂર્વ ગૃહમંત્રી બનેલા ચિદમ્બરમે કહ્યું કે બધા લોકોએ એકબીજાની સાથે શાંતિથી રહેતાં શીખવું પડશે. ભાજપી નેતા અડવાણીએ આસામની મુલાકાત પછી કહ્યું કે આ સમસ્યાને હિંદુ-મુસ્લિમ સંઘર્ષના માળખામાં જોવાને બદલે, તેને દેશી વિરુદ્ધ વિદેશી (બાંગલાદેશી)ના પ્રશ્ન તરીકે જોવી જોઇએ.

આસામની સ્થિતિનો શક્ય એટલી વ્યાપક રીતે ખ્યાલ મેળવવા માટે સમસ્યાનાં વિવિધ પાસાંની તથ્યો અને આંકડા આધારિત જાણકારી મેળવીએ.

બાંગલાદેશી- મુસ્લિમ પાસું

આસામની વર્તમાન કોમી હિંસા જ નહીં, સ્થાનિક બોડો લોકોના એકંદર અસંતોષ માટે ‘ગેરકાયદે ધૂસી આવતા બાંગલાદેશી મુસ્લિમો’ જવાબદાર હોવાનું ઘણાને લાગે છે. આવું નિદાન કરનારા દ્વારા અપાતાં કેટલાંક મુખ્ય કારણઃ

૧) આસામ અને બાંગલાદેશ વચ્ચેની પોલી સરહદેથી સંખ્યાબંધ બાંગલાદેશી મુસ્લિમો આસામમાં આવી પહોંચે છે. ત્યાં રહેતાં તેમનાં સગાવહાલાં કે પરિચિતો તેમને સ્થાયી થવામાં મદદરૂપ થાય છે. ઘણી વાર ધૂસણખોર આસામ પહોંચે તે પહેલાં તેના બનાવટી દસ્તાવેજ આસામમાં રહેતાં તેનાં પરિચિતો તૈયાર કરી નાખે છે.

૨) ગેરકાયદે ધૂસી ગયેલા બાંગલાદેશી મુસ્લિમોના મત મેળવવા માટે કોંગ્રેસ તેમના પ્રત્યે આંખ આડા કાન કરે છે અથવા તેમને પ્રોત્સાહન - અને નાગરિકત્વ- મતાધિકાર આપે છે.

૩) આસામમાં મુસ્લિમોનું પ્રમાણ એટલું વધી રહ્યું છે કે સ્થાનિક બોડો આદિવાસી લોકો ખૂણે હડસેલાઇ રહ્યા છે. બોડો લોકોના મનમાં સતત વધતો અસલામતીનો અહેસાસ તનાવ અને સરવાળે અથડામણ- હિંસાને જન્મ આપે છે.

૪) ગેરકાયદે ધૂસતા બાંગલાદેશીઓ રાજ્યનાં જમીન-સંસાધનોમાં ભાગ પડાવે છે અને વખત જતાં કબજો જમાવે છે. તેને કારણે સ્થાનિક બોડો આદિવાસીઓ પોતાના જ વતનમાં બિચારા બની જાય છે.

૫) દેશની સરહદે આવેલા રાજ્યમાં બીજા દેશના લોકો ધૂસી આવે અને રહી પડે એ ચંિતાજનક છે. છતાં, સરકાર એ વાતની ગંભીરતા સમજતી નથી.

આગળ જણાવેલા મુદ્દામાં તથ્યોની સાથોસાથ થોડી પૂર્વગ્રહનીભેળસેળ અને થોડો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય- આંકડાકીય વાસ્તવિકતાનો અભાવ પણ રહેલો છે.

ઐતિહાસિક પાસું

આસામ સમસ્યાની વાત કરતી વખતે બે પ્રાથમિક મુદ્દા સૌથી પહેલાં ઘ્યાનમાં રાખવા પડેઃ આસામના બધા મુસ્લિમો ગેરકાયદે બાંગલાદેશી ધુસણખોરો નથી. માટે, તે સ્થાનિક આદિવાસી બોડો લોકો સહિત બીજા ભારતીય નાગરિકો જેટલા જ અધિકાર ધરાવે છે.

બીજી વાતઃ આસામમાં બોડો એકમાત્ર આદિવાસી સમુહ નથી. કુલ ૩૪ આદિવાસી સમુહોમાં તેમનો સમુહ સૌથી મોટો, રાજકીય દૃષ્ટિએ સૌથી બોલકો અને સંગઠિત છે. તેમના મનમાં પેદા થયેલી અન્યાયની લાગણી માટે કેવળ બાંગલાદેશી ધૂસણખોરો કે કેવળ મુસ્લિમો કારણભૂત નથી. એ સિવાય સંથાલ આદિવાસીઓ સાથે બોડો લોકોના હિંસક સંઘર્ષનો પણ ઇતિહાસ છે.

આસામમાં મજૂરીકામ માટે બંગાળના મુસ્લિમોને લાવવાની શરૂઆત આશરે સો વર્ષથી પણ પહેલાં થઇ હતી. વર્ષો વીતતાં તે જમીનમાલિક અને સ્થાનિક સંસાધનોમાં ભાગ પડાવનારા બન્યા. એ વખતે પ્રશ્ન ગેરકાયદે ધૂસણખોરીનો નહીં, પણ ‘સ્થાનિક વિરુદ્ધ બહારના’  લોકોનો હતો. આસામના- ખાસ કરીને બોડો લોકોની બહુમતી હોય એવા વિસ્તારોનાં- સંસાધનો પર પોતાનો અધિકાર જમાવવા માટે બોડો લોકોનો સંઘર્ષ શરૂ થયો. મુંબઇમાં મરાઠીભાષીઓને લાગે કે ગુજરાતીઓ આવીને મુંબઇ પર કબજો જમાવીને બેસી ગયા છે, એ પ્રકારની આ વાત હતી.

એટલા માટે બોડો લોકોને ફક્ત મુસ્લિમો સામે જ નહીં, બીજા આદિવાસીઓ સામે પણ વાંધા હતા. મોટા આદિવાસી સમુહોને પોતાનાં હિતો જાળવી રાખવા માટે અલગ રાજ્ય જોઇતાં હતાં. અત્યારે મેઘાલય તરીકે ઓળખાતું રાજ્ય આઝાદીના બે દાયકા સુધી આસામનો હિસ્સો હતું. પરંતુ ત્યાંના ગારો અને ખાસી આદિવાસીઓની અલગ રાજ્યની માગણી પછી ૧૯૭૨માં આસામમાંથી ગારો-ખાસી લોકો માટે મેઘાલય રાજ્ય છૂટું પાડવામાં આવ્યું. એવી રીતે બોડો લોકોની માગણી અલગ ‘બોડોલેન્ડ’ માટેની હતી.

૧૯૮૦-૧૯૯૦ના દાયકાઓમાં બોડોલેન્ડ માટેની માગણી સાથે બોડો લિબરેશન ટાઇગર્સની હિંસા ચરમસીમાએ પહોંચી હતી. દરમિયાન, ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી પૂર્વ પાકિસ્તાન બાંગલાદેશ બન્યું. ત્યાંથી મુસ્લિમોની ગેરકાયદે ધૂસણખોરીએ જોર પકડ્યું. પોતાની સર્વોપરિતા સ્થાપિત કરવાની લડાઇમાં બોડો લોકોની મુસ્લિમો ઉપરાંત સંથાલ જેવાં આદિવાસી જૂથો સાથે પણ હિંસક અથડામણો થઇ.  બોડો ટાઇગર્સની હિંસાનો જવાબ હિંસાથી આપવા માટે સંથાલોએ આદિવાસી કોબ્રા ફોર્સની રચના કરી. ૧૯૮૩માં થયેલા નેલ્લી હત્યાકાંડમાં આશરે બે હજાર મુસ્લિમોએ જીવ ગુમાવ્યા.

રાજકીય  પાસું

બોડો વિરુદ્ધ બીજાં જૂથોની હિંસા ઠારવા માટે ૨૦૦૩માં બોડો લીબરેશન ટાઇગર્સ સાથે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને પડખે રાખીને સમજૂતી કરી. તેના પગલે બોડો ટેરિટોરિઅલ કાઉન્સિલ (બીટીસી)ની રચના થઇ. એ રીતે બોડો લોકોને અલગ રાજ્ય તો નહીં, પણ તેમની બહુમતી ધરાવતા વિસ્તારો પૂરતી સ્વાયત્તતા આપવામાં આવી. એ વિસ્તાર ‘બોડોલેન્ડ  ટેરિટોરિઅલ એડમિનિસ્ટર્ડ ડિસ્ટ્રિક્ટ્‌સ’ તરીકે ઓળખાયા. તેમાં કોકરાઝારનો પણ સમાવેશ થઇ જતો હતો. આ ગોઠવણથી બોડો લોકોની લાંબા સમયની માગણી સંતોષાતી હતી. અત્યાર સુધીની સરકારો દ્વારા થયેલી તેમનાં હિતોની ઉપેક્ષા પછી તેમના હાથમાં વહીવટ આવ્યો હતો.  તેમ છતાં, સમસ્યા અને હિંસાનો અંત આવ્યો નહીં.

બોડોલેન્ડના જિલ્લાઓમાં ૨૫ ટકા વસ્તી ધરાવતા બોડો લોકો બાકીના પર રાજ કરે તેનો એ વિસ્તારનાં બોડો સિવાયનાં ૧૮ સંગઠનો વિરોધ કરે છે. બીજી તરફ બોડો લોકોમાંથી એક સમુહને લાગે છે કે બોડો લોકોની સ્વાયત્તતાથી સમસ્યા ઉકલી નથી. કારણ કે તેમના નેતાઓ કોંગ્રેસની કઠપૂતળી બની ગયા છે અને બાંગલાદેશી ધૂસણખોરોનો વસ્તીવધારો અને તેમને મતાધિકાર આપવાની પ્રવૃત્તિ હજુ ચાલે છે. આસામના કુલ ૧.૮૫ કરોડ મતદારો છે. તેમાંથી ચૂંટણીપંચના આંકડા પ્રમાણે આશરે દોઢ લાખ મતદારો શંકાસ્પદ (બાંગલાદેશી મુસ્લિમો) છે.  આ આંકડો બેશક ઓછો નથી અને ચિંતાજનક છે, પરંતુ તે દર્શાવવામાં આવે છે એટલો પ્રચંડ પણ નથી.

આખી સમસ્યામાં સૌથી ખેદજનક અને શરમજનક અભિગમ સરકારનો રહ્યો છે. કોંગ્રેસને એક તરફ બોડો કાઉન્સિલના ટેકાથી આસામમાં સરકાર બનાવવી અને ટકાવવી છે, તો બીજી તરફ બાંગલાદેશમાંથી ગેરકાયદે આવતા મુસ્લિમો પ્રત્યે આંખ આડા કાન કરીને  મતાધિકાર આપીને, તેમના મત પણ મેળવવા છે. બોડો લોકો સાથેની સમજૂતીમાં તે આદિવાસીઓના જમીનહક સુરક્ષિત કરવાની વાત મૂકે છે. સાથોસાથ, બાકીના લોકો પણ છૂટથી જમીન ખરીદી, વેચી કે બીજાના નામે કરી શકે એવી જોગવાઇઓ કરે છે. તેને કારણે બનાવટી દસ્તાવેજો ધરાવતા બાંગલાદેશી ધૂસણખોરો ખાસ કશી ખરાઇ વિના, સહેલાઇથી જમીનની ખરીદી કરી શકે છે.

બાંગલાદેશને ભારત પ્રત્યે સદ્‌ભાવ નથી એ જોતાં આસામને બાંગ્લાદેશી આગંતુકો માટે રેઢું મૂકવાની સરકારી ઉદાસીનતા કે સ્વાર્થી આંખમીંચામણાં પણ દેશહિત માટે નુકસાનકારક છે. સરકારનું કામ આદિવાસી કે મુસ્લિમ, સંથાલ કે બોડોની પંચાતમાં પડ્યા વિના કે પ્રાંતવાદના અખાડામાં ઉતર્યા વિના, નાગરિકોને સમાન તકો આપવાનું, કાયદો-વ્યવસ્થા કડકાઇથી જાળવવાનું અને દેશની સરહદો પર થતી ધૂસણખોરી અટકાવવાનું છે. હિંસા પછી રાહતછાવણીઓ અને નિવેદનબાજીઓથી સંતુષ્ટ થઇ જતી સરકારો જ્યાં સુધી પોતાની મૂળભૂત ફરજો ચૂકતી રહેશે અને સમસ્યાના મૂળથી દૂર રહીને ઇલાજની કોશિશ કરતી રહેશે ત્યાં સુધી આસામની હિંસા જેવી દુર્ઘટનાઓ અટકાવવી મુશ્કેલ છે.

4 comments:

  1. I heartily appreciate your neutral point of view with this issue. But why has media been silent with this chapter ?

    ReplyDelete
  2. આસામની હિંસાના મૂળિયાં હજી ઊંડા જોઈ શકાય. બાંગ્લાદેશના અને બંગાળના બહુમતી મુસ્લિમો પણ ધર્માન્તરિત દલિતો જ છે અને એ રીતે અવિભાજિત બંગાળના સમયથી અને ત્યારબાદના બંગાળ અને બાંગ્લાદેશની આ 'દલિત મુસ્લિમ' હિજરતોમાં મૂળે તો દલિતો જ તમામ પ્રકારના શોષણ-દમનનો ભોગ બને છે. એક બાજુ પોતાને મૂલપ્રજા ગણાતા આદિવાસીઓ અને એક બાજુ ફૂટબોલની જેમ અહીતહી ફેંકાતા બહિષ્કૃત દલિતો અને એ બેઉનો બિલ્લીન્યાય તોળીને અમનચમન કરતા હિંદુ ભદ્રલોક! વાહ,ક્યા સ્ટાઈલ હૈ આપકી!

    ReplyDelete
  3. Wonderful analysis of a highly complicated situation. The Congress has much to answer for, as usual.

    ReplyDelete
  4. Neeravbhai, these 'bhadralok' doesn't even bother to acknowledge that Adivasi religion is different than Hindu religion. Read this guy, http://www.gujaratsamachar.com/20120718/purti/shatdal/vanchan.html, he even uses phrase like "Hindu Adivasi".
    Till now I have not heard much about bodo culture(and religion if it is different religion) apart from the fact that they have been in violence for so long.

    ReplyDelete