Tuesday, August 21, 2012

આસામ, મુંબઇ, બેંગ્‍લોરઃ આખરે શું ચાલી રહ્યું છે?


આસામના કોકરાઝાર જિલ્‍લામાં ગયા મહિનાથી સ્‍થાનિક આદિવાસી બોડો લોકો અને મુસ્‍લિમો વચ્‍ચેનું ઘર્ષણ હિંસક બન્‍યું. તેમાંથી મોટા પાયે ફાટી નીકળેલા હુલ્‍લડમાં મુસ્‍લિમો મોટા પાયે ભોગ બન્‍યા. સેંકડો મુસ્‍લિમોને ઘરબાર છોડીને રાહતછાવણીઓમાં આવી જવું પડયું. સામે પક્ષે, સ્‍થાનિક આદિવાસી એવા બોડો લોકોમાં પણ હુલ્‍લડબાજી પછી સરકારી પગલાંની દહેશત ફેલાઇ. એટલે તે પણ ઘરબાર છોડીને ભાગ્‍યા. કોકરાઝાર અને આસપાસના વિસ્‍તારોમાંથી અંદાજે દોઢ-બે લાખ લોકોએ રાહતછાવણીની ભરપૂર અગવડો સામે જોવાને બદલે પોતાની સલામતીને વધારે અગત્‍યની ગણી.

આસામના ઇતિહાસમાં આંતરસંઘર્ષની નવાઇ નથી. તેમાં ફક્‍ત બોડો-મુસ્‍લિમો વચ્‍ચે જ નહીં, બોડો અને બીજી આદિવાસી જાતિઓ વચ્‍ચે પણ લોહિયાળ સંઘર્ષ અને હત્‍યાકાંડ થયા છે. કેટલાક બનાવોને દાયકાથી વધારે સમય વીતી ગયો હોવા છતાં, લોકો હજુ રાહતછાવણીમાં રહે છે. તેમનું જીવન થાળે પડયું નથી. બોડો આદિવાસીઓને ‘હિંદુ' ગણીને, એ સંઘર્ષને ‘હિંદુ-મુસ્‍લિમ કોમવાદ'ના ખાનામાં ગોઠવી દેવાનું બહુ સહેલું અને સુવિધાભર્યું છે. પરંતુ હકીકતમાં બોડો સહિતના ઘણા આદિવાસીઓ હિંદુ ધર્મને બદલે પોતાનો પરંપરાગત ધર્મ પાળે છે અથવા ખ્રિસ્‍તી પણ બન્‍યા છે.

બીજી તરફ, આઝાદી પહેલાંથી અંગ્રેજ જમીનમાલિકોનાં ખેતરોમાં કામ કરવા આસામ આવેલા મુસ્‍લિમ ખેતમજૂરો સ્‍થાનિક આદિવાસીઓને ‘બહારના' લાગે છે. આ કચવાટ બાંગલાદેશમાંથી ગેરકાયદે આસામમાં આવતા મુસ્‍લિમોના કારણે વધે છે. આટલું જ્‍વલનશીલ મિશ્રણ ઓછું હોય તેમ, આખી પરિસ્‍થિતિમાં રાજકારણ ભળે છે. ભાજપ આખી સમસ્‍યાનાં ઇતિહાસ-ભૂગોળ ઘ્‍યાનમાં લીધા વિના તેને ‘બાંગલાદેશી ધૂસણખોરોની સમસ્‍યા' તરીકે ખપાવવા ઉત્‍સુક હોય છે, જ્‍યારે કોંગ્રેસ કશી સ્‍પષ્ટ ભૂમિકા વગર બોડો અને મુસ્‍લિમ એમ બન્‍ને બાજુથી લાડુ લેવાની ફિરાકમાં રહે છે. સુશાસન અથવા કાયદાના શાસન માટે કે આસામ સહિત ઇશાન ભારતનાં રાજ્‍યોની વિશિષ્ટ પરિસ્‍થિતિ સમજવા માટે કોઇ પક્ષ પાસે વૃત્તિ નથી.


આસામની આગના લંબાતા લબકારા

આસામનો આંતરસંઘર્ષ અત્‍યાર સુધી મુખ્‍યત્‍વે સ્‍થાનિક બનાવો પૂરતો મર્યાદિત રહેવાથી, તેની ગંભીરતા દેશના લોકોને અંકે થઇ ન હતી. પરંતુ આ વખતે બે બનાવોને લીધે આખું સમીકરણ બદલાઇ ગયું અને આસામની હિંસા દેશ માટે ચિંતા-ઉચાટનો વિષય બની. સૌથી પહેલાં મુંબઇની રઝા એકેડેમી અને બીજી કેટલીક સંસ્‍થાઓએ આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજ્‍યો. તેનો મુદ્દો હતોઃ મ્‍યાંમાર અને આસામમાં મુસ્‍લિમો પર થઇ રહેલા અત્‍યાચારનો અને પ્રસાર માઘ્‍યમો દ્વારા થતી તેની ઉપેક્ષાનો વિરોધ. એ કાર્યક્રમમાં પંદરેક હજાર મુસ્‍લિમો ઉમટયા. મુંબઇ પોલીસનો પૂરતો બંદોબસ્‍ત હતો, પરંતુ કમિશનર અરૂપ પટનાયકના જણાવ્‍યા પ્રમાણે, મેદાનની બહાર રહેલા એક ટોળાએ ધાંધલ અને હિંસાની શરૂઆત કરી. તેમણે પોલીસ તથા તેમનાં વાહનો પર હુમલા કર્યા. પ્રસાર માઘ્‍યમોનાં પ્રતિનિધિઓ અને ટીવી ચેનલોની ઓબી વાન પણ તોફાનીઓની ગુંડાગીરીનો ભોગ બન્‍યાં.

એ સમયે ઘટનાસ્‍થળ પર પહોંચી ગયેલા કમિશનર અરૂપ પટનાયકે અસાધારણ સંયમથી કામ લીઘું : કાર્યક્રમમાં મંચ પર પહોંચીને તેમણે ઉપસ્‍થિત મુસ્‍લિમોને અપીલ કરી કે કોઇ પણ હિસાબે ૧૯૯૨નાં કોમી રમખાણોનું પુનરાવર્તન થવું ન જોઇએ. બહાર તોફાને ચઢેલા લોકો અને મેદાનમાં ઉપસ્‍થિત મુસ્‍લિમોને એક લાકડીએ હાંકવામાં નહીં આવે એવી ખાતરી પછી, તોફાનીઓ સામે ટીયરગેસ અને ગોળીબારથી કામ લેવામાં આવ્‍યું, જ્‍યારે મેદાનમાં ભેગા થયેલા મુસ્‍લિમોમાંથી ઘણાખરા સહીસલામત રીતે વિખેરાઇ ગયા. ગોળીબારમાં બે વ્‍યક્‍તિનું મોત થયું, પણ સંખ્‍યાબંધ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા.

મુંબઇમાં મુસ્‍લિમો પર થતા અત્‍યાચારના વિરોધના બહાને, તોફાની ટોળાની ગુંડાગીરીના શરમજનક પ્રદર્શનથી, કોમી દ્વેષ માટે ફળદ્રુપ વાતાવરણ ઊભું થયું. ઘણા સમયથી કોમી તનાવ ભૂલી ચૂકેલા મુંબઇગરાઓ ભડકી ગયા.  અંતીમવાદી રાજકારણના ખેલૈયા ઠાકરે કાકા-ભત્રીજાને મુંબઇ પોલીસનું પગલું સંયમભર્યું પગલું બિલકુલ ન ગમ્‍યું, પણ તેનાથી વિસ્‍ફોટક સ્‍થિતિ એક કલાક કરતાં પણ ઓછા સમયમાં થાળે પડી ગઇ અને જનજીવન સામાન્‍ય બની ગયું. અલબત્ત, સામાન્‍ય નાગરિકોના મનમાં મુસ્‍લિમોના વિરોધ પ્રદર્શનનો (તેની આડપેદાશ જેવી હિંસાને કારણે) કડવો સ્‍વાદ રહી ગયો.


આટલું ઓછું હોય તેમ, ભારતના આઇ.ટી. પાટનગર ગણાતા બેંગ્‍લોરમાં અફવાઓનો દૌર શરૂ થયો. તેનો સાર એટલો હતો કે આસામમાં મુસ્‍લિમો પર થતા અત્‍યાચારનો બદલો, બેંગ્‍લોરમાં રહેતા આસામવાસીઓ- ઇશાન ભારતીયો પર લેવામાં આવશે. એસ.એમ.એસ. અને મુસ્‍લિમો પર અત્‍યાચારની કાલ્‍પનિક વિકૃત તસવીરો-વિડીયો ધરાવતા એમ.એમ.એસ. ફરવા લાગ્‍યા. સાથોસાથ, રમજાન મહિનો પૂરો થયે, મુસ્‍લિમો વળતો હુમલો કરશે એવી ધમકી પણ ખરી.

જોતજોતાંમાં ફેલાઇ ગયેલી અફવાની દહેશતને કારણે આસામ ઉપરાંત ઇશાન ભારતનાં બીજાં રાજ્‍યોના લોકો પણ બેંગ્‍લોર રેલવે સ્‍ટેશન પર સેંકડોની સંખ્‍યામાં ઉમટી પડયા. બે-ત્રણ દિવસમાં દસ હજારથી પણ વઘુ લોકો શહેર છોડીને વતનમાં ચિંતા કરતા પોતાના પરિવાર પાસે પહોંચી ગયા. તેમાં ઇશાન ભારતના કેટલાક મુસ્‍લિમો પણ ખરા. કારણ કે બેંગ્‍લોરમાં તે પહેલાં ઇશાન ભારતીય અને પછી મુસ્‍લિમ હતા.

બેંગ્‍લોરનો ચેપ ચેન્‍નઇ, પૂના, મુંબઇ જેવાં શહેરોમાં પણ લાગ્‍યો. ઇશાન ભારતના લોકો હોસ્‍પિટલ, રેસ્‍ટોરાં, હોટેલ જેવા સર્વિસ સેક્‍ટરના વ્‍યવસાયોમાં નોકરી માટે વતન છોડીને દૂર આવતા હોય છે. આ ક્ષેત્રોમાં તેમની કામગીરી ઘણી વખણાય છે. એટલે નોકરી મૂકીને વતનભેગા થવા ઉતાવળા બનેલા ઇશાન ભારતીયોને સમજાવવા માટે કંપનીના અફસરો છેક પ્‍લેટફોર્મ સુધી ગયા હતા. પરંતુ જીવના જોખમની અફવા સાંભળ્‍યા પછી એ રોકાવા તૈયાર ન થયા.

કારણોનો ચક્રવ્‍યૂહ

અત્‍યાર સુધી બનેલા બનાવોના અર્થઘટન માટે સૌથી સહેલું અને સૌથી અનુકૂળ બીમું ‘હિંદુ વિરૂદ્ધ મુસ્‍લિમ'નું છે. ‘મુસ્‍લિમો તોફાની છે અને એમના લીધે જ બધે અશાંતિ ઊભી થાય છે'- એવો પૂર્વગ્રહ ફેલાવવાના  પ્રયાસો નોંધપાત્ર પ્રમાણમાં સફળ થયા હોવાથી, એ દિશામાં ફક્‍ત હવા આપવાની જ જરૂર હોય છે. ત્‍યાર પછી લોકોના મનમાં પડેલા પૂર્વગ્રહોના તણખા આગ પકડી લે છે. સાથોસાથ, એ વાત પણ  સાચી છે કે મુસ્‍લિમોની રાજકીય, સામાજિક અને ધાર્મિક નેતાગીરી આ પૂર્વગ્રહ ફેલાતો અટકાવવામાં ઊણી ઉતરી છે.


‘એ લોકો વિરૂદ્ધ આપણે લોકો'ની કોમી રમતમાં મુસ્‍લિમ સમાજનો અમુક વર્ગ ઘણી વાર જાણે કે અણજાણે સક્રિય પક્ષકાર બની જાય છે અથવા એ રમતથી પોતાને અળગો કરી શકતો નથી. મુસ્‍લિમોએ દરેક વખતે, દરેક પ્રસંગે પોતાનો રાષ્‍ટ્રપ્રેમ દર્શાવવાની કે સાબીત કરવાની જરૂર ન હોય. પરંતુ પોતાના ધર્મ અને સમાજના લોકો દ્વારા થયેલાં કરતૂતોને છાવરવાને બદલે કે આઘાત-પ્રત્‍યાઘાતની થિયરી મુજબ વાજબી ઠેરવવાને બદલે, તેના વિશે વધારે ખુલ્‍લાશથી અને ખેદથી બહાર આવવું પડે. શિવસેના કે ભાજપને ધરવવા નહીં, પણ પોતાનો હિસાબ ચોખ્‍ખો રાખવા માટે.

‘અમે જે નથી કર્યું તેના માટે અમારે શા માટે દિલગીરી વ્‍યક્‍ત કરવી જોઇએ?' એવો સવાલ અહીં થઇ શકે. પરંતુ મ્‍યાંમાર અને આસામમાં મુસ્‍લિમો પર થઇ રહેલા અત્‍યાચારોના સાચાખોટા સમાચાર સાંભળીને મુંબઇના મુસ્‍લિમો જો ઉકળી શકતા હોય, તો મુંબઇના કેટલાક તોફાની મુસ્‍લિમોનાં કરતૂતોથી એ જ મુસ્‍લિમો શરમાઇ ન શકે? જેટલી સહજતાથી સરેરાશ મુસ્‍લિમો દૂરનાં રાજ્‍યો કે દેશમાં રહેતા મુસ્‍લિમોની અવદશાથી ઉશ્‍કેરાઇ જાય છે, એટલી સ્‍વાભાવિકતાથી પોતાના પ્રદેશ કે દેશમાં પોતાના જ (વંઠેલા) સહધર્મીઓનાં તોફાનથી તે ઉશ્‍કેરાતા નથી.  આ પરિસ્‍થિતિ બન્‍ને પક્ષના અંતીમવાદીઓને બહુ માફક અનુકૂળ આવે છે. કારણ કે બન્‍ને પોતપોતાની ધિક્કારઝુંબેશ માટે દોષનો ટોપલો સામેના પક્ષ પર ઢોળીને, તેને વાજબી ઠરાવી શકે છે.


નાગરિકશાસ્‍ત્ર અને અર્થશાસ્‍ત્ર

આસામ હોય કે બેંગલોર, આખા વિવાદમાં કેન્‍દ્રસ્‍થાને રહેલો એક મુખ્‍ય મુદ્દો પરપ્રાંતીયોના હક અને તેમની સલામતીનો છે. ઘણા અભ્‍યાસીઓ માને છે કે આસામમાં સ્‍થાનિક આદિવાસીઓને ફક્‍ત બાંગ્‍લાદેશીઓ સામે નહીં, ‘બહારના' કહેવાય એવા બધા સામે વાંધો છે. તેમાં આઝાદી પહેલાં આસામમાં વસેલા મુસ્‍લિમો પણ આવી ગયા.  એ લોકો મુસ્‍લિમ છે, તે સંયોગની વાત છે. બાકી, આસામના આદિવાસીઓ અંતીમવાદી હિંદુત્‍વની તાલીમ ધરાવતા હિંદુઓ નથી. બલ્‍કે, અગાઉ જણાવ્‍યું તેમ, એમાંથી ઘણા ખ્રિસ્‍તી છે તો ઘણા આદિવાસી દેવતાને પૂજનારા છે. એટલે ભારતની કહેવાતી મુખ્‍ય ધારાનાં રાજ્‍યોમાં હિંદુ-મુસ્‍લિમ વચ્‍ચેનો દ્વેષ ભલે સ્‍વાભાવિક માની લેવાતો હોય, પણ આસામમાં સ્‍થિતિ જુદી છે. આદિવાસી-મુસ્‍લિમો વચ્‍ચે વેરઝેરનું મુખ્‍ય કારણ મુસ્‍લિમોનો ધર્મ નહીં, પણ ‘બહારના' તરીકેની તેમની ઓળખ છે.

આસામ હોય કે આંધ્ર પ્રદેશ, કર્ણાટક હોય કે મહારાષ્‍ટ્ર- ‘બહારના' લોકો બીજાં રાજ્‍યોમાં કેવી અસલામતી અનુભવે છે, તે બેંગ્‍લોર-ચેન્‍નઇ-પૂણેમાંથી થયેલી સામુહિક હિજરતે દર્શાવી આપ્‍યું છે. એ હિજરત માટે મુસ્‍લિમોના ખોફ કરતાં પણ વધારે ‘બહારના' તરીકેની અસલામતી વધારે અંશે જવાબદાર જણાય છે. ભારતના તમામ નાગરિકોને કોઇ પણ સ્‍થળે જઇને વસવા અને કામ કરવાનો હક હોય છે. એ ફક્‍ત નાગરિકશાસ્‍ત્ર માટે જ નહીં, અર્થતંત્ર માટે પણ આદર્શ પરિસ્‍થિતિ છે. છતાં રાજ્‍ય સરકારો મોટે ભાગે ‘આપણા વિરૂદ્ધ બહારના' જેવા સૂક્ષ્મ ભેદને પ્રોત્‍સાહન આપે છે. મહારાષ્‍ટ્ર જેવાં રાજ્‍યોમાં તો પરપ્રાંતીયો વિરૂદ્ધના દ્વેષની ધરી પર આખેઆખા પક્ષો રચાયા અને ટક્‍યા છે. ભારતનું આર્થિક પાટનગર ગણાતું મુંબઇ પણ અનેક વાર ‘સ્‍થાનિક વિરૂદ્ધ પરપ્રાંતી'ના સંકુચિત રાજકારણનો ભોગ બની ચૂક્‍યું છે.

આવા મુદ્દા બાજુ પર રાખીને, આસામ-મુંબઇ-બેંગ્‍લોરની ઘટનાઓને માત્ર ને માત્ર બાંગલાદેશી ધૂસણખોરોની કે તોફાની મુસ્‍લિમોની સમસ્‍યાના પરિપાક તરીકે જોવામાં આવે, તો તેનાથી અસલામતીનું રાજકારણ ખેલી શકાય, પણ સમસ્‍યાના મૂળ સુધી કદી ન પહોંચાય. તેનો ઉકેલ તો બહુ દૂરની વાત છે.





8 comments:

  1. સાચી વાત છે. પરપ્રાંતીય કહેવાની લાલસામા આપણે એ ભૂલી જઇ એ છે કે તેઓ ઉત્તર ભારતીય, ઇશાની, બિહારીની પહેલા ભારતીય છે. સહુની ભારતભૂમી પર એટલી જ માલિકી છે, જેટલી જેતે જગ્યાએ રહેનારાઓની છે. વ્યક્તિને જો તેના વતન પાછા ફરવાની ફરજ પાડવામાં આવે તો કદાચ આખું ભારત ખાલી થઇ જાય, કારણ કે આપણે સહુ તો 'વિદેશી' એવા આર્યોના વંશજો છે. હકીકતે રોઇ, ધાર્મિક અને સુરક્ષા એવા વિવિધ કારણોસર વિવિધપ્રજા સ્થળાંતર કરતી રહી છે. નવા પ્રદેશને પોતાના વતન બનાવીને વસી ચૂકી છે/વસી રહી છે. આ માનવસંસ્ક્રુતિની સહજ પ્રક્રીયા છે, જે ઇચ્છો તો પણ ન અટકાવી શકાય. આ વિશે ગંદુ રાજકારણ ખેલાય તે રાષ્ટ્રવાદની હાંસી છે.

    જોકે આપણા ગુજરાતમાં 'ગુજરાતનિ અસ્મિતા' શબ્દ ફક્ત ગુજરાતીઓ પૂરતો નાનો સીમીત ન બનાવી દેતાં પરપ્રાતિઓ પ્રત્યે ઉદારતાપૂર્વકનું વર્તન રાખવામાં આવ્યું છે/રાખવામાં આવશે જ.આ બાબતે ગુજરાતના શાસકને એ વાતે પણ અભિનંદન કે મતની લાલચાએ વિવિધપ્રાંતોના લોકોની મીટીંગો ભલે ગોઠવતા હોય, પણ તેમને ગુજરાતના બહારના ગણવાને બદલે ગુજરાતના વિકાસના ભાગીદાર ગણાવ્યા. ચલો એક નવા રાજકારણની ક્યાંક તો શરુઆત થઇ. પ્રશંશનીય પગલું. રહી વાત, મતની લાલચ, એ માંગવાનો તો દરેક નેતાને હક છે.!!!

    ReplyDelete
  2. જે ભારતીય-પછી કોઇ પન જાતીનો છે તેને યથાસ્થાને રાખીને, સુરક્શાનુ અભય સ્થાન આપીને નવી જાતીઓને પ્રવેશતી અતકાવવાનુ કામ અને જવાબદારી સરકારની છે- દેશ માતે આ બહુ મોતો ખતરો છે. સરકારને માત્રને માત્ર પોતાનો લાભજોઇને દેશને ભયમા મૂકવાનો કોઇ હક નથી એ એક હકિકત છે છતા સરકાર આખો બન્ધ કરીને બેસે એતો વ્યાજબી નથીજ્ને.આમકરીને યેનકેન પ્રકારેન સરકારજ હિંસાને ઉત્તેજન આપે છે એમા જરાય શંકા નથી- સમૂહને તો પોતાની બુધ્ધી ના હોય એસ્વાભાવિક છે

    ReplyDelete
  3. Anonymous11:53:00 PM

    Thought provoking pen on burning issue. If individually and collectively we try to contribute to our legacy, our Nation can give best example of healthy plural society. Our sincere approach would give lesson to our next generation to co-habit with and without difference of caste, creed, religion, etc.

    ReplyDelete
  4. 'આખરે શું ચાલી રહ્યું છે?' yes, this is the question 'Anna-Ramdev party' must ask itself.

    by now it must have realized that the real and most urgent problem the country is facing is not 'corruption' but the fundamental one of most Indians not getting their constitutional rights to live with human dignity, equality, liberty and fraternity. they are denied access to resources and opportunities as if they are foreigners and enemies, they are discriminated against on the basis of caste, gender, ethnicity, creed et al and barred from enjoying full citizen rights.

    corruption is certainly a bigger issue and only issue for those exploiting few who want to make big money by looting the country's resources without any hindrance, without sharing their profits with the equally exploiting ruling and bureaucratic class.

    ReplyDelete
    Replies
    1. Anonymous6:52:00 PM

      ભ્રષ્ટાચાર ની વ્યાખય નો એક નવી તરહ નો અનુભવ:

      "મેં સબ ka ખાઉં,
      જો મેરા ખાવે,
      વહ અન્ધા હો જાવે."

      Delete
  5. પણ કાયદા એ કાયદા નું કામ કરવાનું કે નહિ? જે પોલીસ કાયદો અને સુરક્ષા ને નામે અન્ના કે રામદેવ ને કશી હિંસા ના કરી હોવા છતાં પકડી લેતી હોય એ જ પોલીસ રાજકીય સૂઝબુઝ ના નામે મુસ્લિમો ની હિંસા સાંખી લે તો કોમવાદ વધે કે ઘટે? this teesta setalvad logic defies common sense, what a sinister way to justify police inaction! suppose yesterday's raj thackeray rally had turned violent and police had remained inactive, would you apply similar justification? its not about hindus or muslims, rule of law is being consistently compromised for political considerations, this case is no exception.

    ReplyDelete
  6. Possibly the most comprehensive and balanced piece I have read since the controversy erupted. Such an 'evolved' and unbiased understanding of contemporary events is what we need more and more in mainstream journalism so that the man on the street can actually make sense on what is happening around him. On the other hand are the likes of Tavleen Singh who have given such a poor account of themselves not only in their opinion pieces but even when they appear on chat shows going to the extent of justifying competitive rallies of RT by saying it was needed to counter what happened earlier!

    ReplyDelete
  7. Anonymous9:39:00 PM

    મુસ્‍લિમોની રાજકીય, સામાજિક અને ધાર્મિક નેતાગીરી આ પૂર્વગ્રહ ફેલાતો અટકાવવામાં ઊણી ઉતરી છે.

    Do they have any socio-religio-political leadership ?
    Do you seriously think that we can consider all indian muslims as one group ?

    આસામમાં મુસ્‍લિમો પર થઇ રહેલા અત્‍યાચારોના સાચાખોટા સમાચાર સાંભળીને મુંબઇના મુસ્‍લિમો જો ઉકળી શકતા હોય, તો મુંબઇના કેટલાક તોફાની મુસ્‍લિમોનાં કરતૂતોથી એ જ મુસ્‍લિમો શરમાઇ ન શકે?

    Yes indeed they feel bad & yes they do denounce & condemn all such acts but Mr Kothari such condemnation never become newsworthy for our materialist media, if we dont see their objections in the main stream media, doesn't mean it doesn't exist.

    ReplyDelete