Wednesday, December 29, 2010

કેટલાક કાંદા-લીક્સ

ડુંગળીના તમતમતા ભાવવધારા નિમિત્તે જુદા જુદા નેતાઓ વચ્ચે કેવા પ્રકારની વાતચીત થઇ હશે, તેનો વાસ્તવિક રેકોર્ડ ‘વિકિલિક્સ’ જેવા કોઇ પાસેથી મળે ત્યારે ખરો, પણ અત્યારે આપણે કલ્પનાથી કામ ચલાવવું રહ્યું.
***
રાહુલ ગાંધીઃ કાંદા એટલે પેલું જ ને? તે દિવસે ઉત્તર પ્રદેશમાં ને પછી એક વાર બિહારમાં પેલી દલિત મહિલાને ઘેર ખાઘું હતું...

સોનિયા ગાંધીઃ શ્શ્શ્...ડોક્ટરસાહેબ પાસેથી બીજું કંઇ નહીં તો ચૂપ રહેવાનું તો શીખ. આ બહુ સંવેદનશીલ મુદ્દો છે. આમઆદમી સાથે સંકળાયેલો.

રાહુલ ગાંધીઃ હા, મને પણ ‘આમ’ બહુ ભાવે.

સોનિયા ગાંધીઃ બાબા! મેંગોની નહીં, કોમનમેનની વાત થાય છે.

રાહુલ ગાંધીઃ સોરી. સોરી. મેડમ પાર્ટી પ્રેસિડેન્ટ.

ડો.સિંઘઃ ઇટ્સ ઓલરાઇટ, રાહુલજી. તમારે કોઇ પણ સંજોગોમાં માફી માગવાની જરૂર નથી. નકામો રિવાજ પડી જાય ને લોકો આશા રાખતા થઇ જાય.

રાહુલ ગાંધીઃ તો એમાં વાંધો શું છે? ભૂલ થાય તો માફી ન માગવી પડે?

ડો.સિંઘઃ વાંધો? અરે, કૌભાંડોની સંખ્યા ને ગંભીરતા જોતાં બાકીનાં ત્રણ વર્ષ આપણે માફી જ માગ્યા કરવી પડશે. પછી રાજ ક્યારે કરીશું?

શરદ પવારઃ દરેક વાત વિરોધ પક્ષની દૃષ્ટિએ જોવાનો આપણો અભિગમ બદલવાની જરૂર છે. આપણે લોકોને રાજી થવાનું કહેવું જોઇએ કે આ રાજમાં ડુંગળી કરતાં સફરજન સસ્તાં થઇ ગયાં. આવું ને આવું ચાલશે તો ડુંગળીને બદલે સફરજન ગરીબોની કસ્તુરી તરીકે ઓળખાતાં થઇ જશે. તમે જ કહો. આઝાદી પછીનાં સાઠ વર્ષમાં સફરજન આટલાં સસ્તાં થયાં છે કદી?...આઇડિયા! મને એક આઇડિયા આવે છે. આપણે આપઘાત કરનાર ખેડૂતોને વળતરની રકમ સાથે સફરજનનો એક ટોપલો આપીએ તો?

સોનિયા ગાંધી: ડોક્ટર, આ વૃષભમંત્રીને- આઇ મીન, કૃષિમંત્રીને- કંઇક કહો. એમનું મોં બંધ નહીં રહે તો આવતી ચૂંટણીમાં આપણે બધા ઘેર બેસીશું ને કોંગ્રેસને રાજકારણ છોડીને આઇપીએલમાં ટીમ ઉતારવાનો વારો આવશે.

પવારઃ ડોન્ટ વરી મેડમ, એમાં પણ અઢળક પૈસા છે. આપણે મમ મમ સાથે કામ છે કે ટપ ટપ સાથે?

ડો.સિંઘઃ આપણે નહીં, તમારે. અમારે તો ટપ ટપ સાથે પણ કામ હોય છે પવાર. ટપ ટપ થાય તો જ મમ મમ મળે, પણ તૈયાર ભાણે બેસનારાને એ ક્યાંથી સમજાય?

એ.રાજાઃ એક મિનીટ. મારે પણ કંઇક કહેવું છે. પવારસાહેબ, આઇપીએલમાં ઓક્શન કરવાની શી જરૂર છે? સ્પેક્ટ્રમની જેમ એના પણ ભાવ ઉચ્ચક નક્કી કરી નાખ્યા હોય તો?

દિગ્વિજયસિંઘઃ નીરા રાડિયાનો અવાજ આવો પુરૂષ જેવો કેમ થઇ ગયો? અરે...આ તો રાજા છે. સોરી, રાજા. હું થોડો દૂર બેઠો છું એટલે એકદમ ખ્યાલ ન આવ્યો.

ડો.સિંઘઃ પેલું નામ તમે બોલ્યા તે બોલ્યા. આજ પછી જાહેરમાં કે ખાનગીમાં એ નામ લેતા નહીં.

રાહુલ ગાંધીઃ હવે વિકિલિક્સના જમાનામાં જાહેર ને ખાનગીનો તફાવત ક્યાં રહ્યો જ છે! કોને ખબર, આપણી આ વાતચીત પણ રેકોર્ડ થતી હોય અને કાલે ઉઠીને કોઇ છાપા-મેગેઝીનમાં આવી જાય.

***

કાંદાના ભાવવધારા અંગે કેવી વ્યૂહરચના અપનાવવી એ અંગે ફાઇવ સ્ટાર હોટેલના કોન્ફરન્સ રૂમમાં ભાજપી નેતાઓની બેઠક મળી છે.

અરૂણ જેટલી (ઘૂંઆપૂંઆ અવાજે) : ટેબલ પર કાપેલા કાંદાની પાંચ-છ પ્લેટ, કાપેલાં લીંબુ, મીઠું, મરી...આ બઘું શું છે? કોણે મૂક્યું?

એક એટેન્ડન્ટ : સાહેબ, ગાંધીનગરથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે બેઠક માટે બધી પાકી વ્યવસ્થા કરવાની છે.

અરૂણ જેટલી (ટાઢા પડીને): સારૂં, સારૂં હવે. મૂક્યાં છે તો ભલે રહ્યાં. અન્નદેવતાનું અપમાન ન થાય, પણ એટલું જોજો કે અહીં કોઇ ફોટો ન પાડે.

સુષ્મા સ્વરાજઃ ...અને ફોટો પાડે તો કાલે છાપામાં ન આવે.

ગડકરીઃ સાથીઓ, આપણે આ બધી ચર્ચા છોડીને મુદ્દાની વાત પર આવીએ.

મુરલી મનોહર જોષીઃ ઉમા ભારતીને પક્ષમાં પાછાં લેવાનાં છે કે નહીં?

રાજનાથસિંઘઃ ભવિષ્યમાં આપણે જીતીએ ત્યારે સરકારમાં મારૂં સ્થાન શું રહેશે?

સુષ્મા સ્વરાજઃ મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે રજૂ કરવાના છે?

ગડકરીઃ મુદ્દાની વાત એટલે આ બધી ઘરકંકાસની વાત નહીં. દેશ માટે, દેશની પ્રજા માટે...

(સામુહિક પોકારો થાય છેઃ ભારતમાતાકી....જય. વંદે....માતરમ્)

ગડકરીઃ શાંતિ, શાંતિ. દેશનું નામ આવે એટલે સમસ્યાઓ બાજુ પર રાખીને સૂત્રો પોકારવાની વ્યૂહરચના આપણે જાહેરસભાઓ માટે રાખી છે. આપણી બેઠકોમાં એ દાવ અજમાવવાની જરૂર નથી. દેશની પ્રજાને કાંદાના અને શાકભાજીના વધેલા ભાવની ચિંતા છે અને... (એટેન્ડન્ટને) અરે ભાઇ, જરા શાંતિથી વાત તો કરવા દે. વળી પાછી આ શાની પ્લેટો આવી?

એટેન્ડન્ટઃ સાહેબ, ગરમાગરમ કાંદાભજિયાં છે. શિયાળામાં બહુ સારાં...ગાંધીનગરથી ફોન...

અડવાણીઃ પણ..પણ...

જેટલીઃ શું પણ? કોઇ માણસ પ્રેમથી આપણી સરભરા કરતો હોય ત્યારે જ બધા સિદ્ધાંત યાદ આવે છે? ઝીણાનાં વખાણ કરતી વખતે બઘું ક્યાં જાય છે?

ગડકરીઃ શાંતિ.. શાંતિ..આમ વિવાદમાં ઉતરવાથી પાર નહીં આવે.

અડવાણીઃ પણ મારૂં પૂરૂં સાંભળો તો ખરા. મારો વાંધો કાંદાભજિયાં સામે નથી, પણ એ જેમાં પીરસાયાં છે તે પ્લેટો પર મોદીજીના ફોટાની શી જરૂર હતી? અને ચટણીની કટોરીઓ ઉપર પણ મોદીજીનો નાનો ફોટો?

એટેન્ડન્ટઃ (નમ્રતાપૂર્વક) સાહેબ, ગાંધીનગરથી સૂચના તો એવી હતી કે દરેક ભજિયાની અંદરથી નીકળતા કાંદાના પતીકા પર મોદીસાહેબનો ફોટો હોવો જોઇએ. પણ અમારા શેફે કહ્યું કે એ નહીં બને. એટલે પછી પ્લેટ અને કટોરી પર ફોટોથી સંતોષ માનવો પડ્યો.

જેટલીઃ જોયું? આવી રીતે થાય રાજ!

ગડકરીઃ બસ. હવે બહુ થયું. દિલ્હી એ ગાંધીનગર નથી અને ભારત ગુજરાત નથી. આપણે કાંદાની અને આમજનતાની વાત કરીએ.

સુષ્મા સ્વરાજઃ તે કરોને. કોણે તમારા મોં પર તાળું માર્યું છે!

ગડકરીઃ (ઓઝપાઇને) એટલે હું એમ કહેતો હતો કે કાંદાના ભાવવધારાના મુદ્દે આપણે જેપીસી (સંયુક્ત સંસદીય સમિતિ)ની માગણી કરીએ અને ફરી એક વાર સંસદની કાર્યવાહી ખોરવી નાખીએ. કોંગ્રેસને આપણે એવી
ભીડવીએ, એવી ભીડવીએ કે...

એટેન્ડન્ટ: ...કે કાંદાના ભાવ ઘટી જાય?

ગડકરીઃ (ગુસ્સે થઇને): ચૂપ. તને રાજકારણમાં શી ખબર પડે?

અડવાણીઃ બરાબર છે. કાંદાના ભાવ પહેલી વાર આપણા રાજમાં વધેલા. આને બાપડાને કશી ખબર ન હોય ને કે આપણે કેટલા અનુભવી છીએ! તમારૂં સૂચન હું આવકારું છું.

સુષ્મા સ્વરાજઃ મારો પણ આ સૂચનને ટેકો છે. હવે ગાંધીનગરના હુકમથી અને નીરા રાડિયાની ગોઠવણથી કાંદાની ત્રીજી આઇટેમ આવે તે પહેલાં આપણે બેઠક બરખાસ્ત કરીએ?

ગડકરીઃ ખબરદાર, જો નીરાનું નામ ફરી લીઘું છે તો. આપણું બઘું જ રેકોર્ડ થાય છે. કદાચ આ બેઠકની કાર્યવાહીનું પણ છૂપું રેકોર્ડિંગ થતું હોય અને વિકિલિક્સ જેવા કોઇ તોફાનીના હાથમાં આવીને એ બહાર પડી જાય તો?

Sunday, December 26, 2010

ફિલ્મોની ટ્રીક ફોટોગ્રાફીના પરદાદા બાબુભાઇ મિસ્ત્રીની વિદાય

(Later addition to the post, from janmbhoomi pravasi 21-12-10)


સંશોધક મિત્ર હરીશ રઘુવંશીના ફોનથી જાણ થઇ કે બાબુભાઇ મિસ્ત્રી 19 ડિસેમ્બર, 2010ના રોજ ગયા. હરીશભાઇએ સમાચાર જાણ્યા પછી બાબુભાઇના ઘરે ફોન કરીને તેમનાં બહેન સાથે વાત કરીને ખરાઇ કરી હતી. 5 સપ્ટેમ્બર, 1916ના રોજ જન્મેલા બાબુભાઇ હિંદી ફિલ્મોના ડિરેક્ટર-કેમેરામેન તો ખરા જ, પણ તે જાણીતા બન્યા તેમની ટ્રીક ફોટોગ્રાફી અને ‘કાલા ધાગા’ ટેકનિકથી.

થોડાં વર્ષો પહેલાં મુંબઇમાં બાબુભાઇ મિસ્ત્રીના ઘરે ગયો ત્યારે તેમના ભત્રીજા સાથે સારી એવી વાતચીત થઇ હતી. બાબુભાઇના થોડા ફોટા પણ લીધા હતા. (ડિજિટલ કેમેરા ન હોવાથી ફોટાની ગણતરી રાખવી પડતી હતી.) બાબુભાઇ ગળાના કેન્સરને લીધે માંડ ફફડાટ જેવું બોલી શકતા. છતાં વાતોમાં એ પણ યથાશક્તિ સામેલ હતા. એ વખતે ‘ગુજરાત સમાચાર’ની શતદલ પૂર્તિમાં આવતી મારી કોલમમાં લખેલો લેખ અને હરીશભાઇએ થોડા સમય પહેલાં તેમની દિવ્ય ભાસ્કરની કોલમમાં લખેલો લેખ બાબુભાઇ મિસ્ત્રીને વિદાયની અંજલિ તરીકે મૂક્યા છે.

(click to enlarge)


Thursday, December 23, 2010

‘બત્રીસ કોઠે હાસ્ય’ને જ્યોતીન્દ્ર દવે પારિતોષિક

બે વર્ષ પહેલાં પ્રકાશિત મારા હાસ્યનિબંધ સંગ્રહ ‘બત્રીસ કોઠે હાસ્ય’ને ગુજરાતી સાહિત્ય પરિષદનું હાસ્ય માટેનું (વર્ષ ૨૦૦૮નું) જ્યોતીન્દ્ર દવે પારિતોષિક મળ્યું છે. કોઇના ઝભ્ભાની ચાળ પકડ્યા વિના અને વખત આવ્યે લખવા જેવું (અને લખવું ન ગમે એવું પણ) બઘું જ લખ્યા પછી, આ રીતે કદર થાય એનો સ્વાભાવિક આનંદ છે.

બે કારણથી આનંદ સાથે વિશિષ્ટતાની લાગણી સંકળાઇ છેઃ

૧) અગાઉ મારા પુસ્તક ‘સરદારઃસાચો માણસ, સાચી વાત’ને સાવ જુદી જ- ચરિત્રલેખનની- કેટેગરીમાં, કડક નિર્ણાયકના હાથે કાકાસાહેબ કાલેલકર પારિતોષિક મળ્યું હતું.

૨) જ્યોતીન્દ્ર દવે વિશે છેલ્લા સાત-આઠ વર્ષથી હું સંશોધન કરૂં છું. તેમના નામ સાથે સંકળાયેલો પુરસ્કાર મળે એ સુખદ સંયોગ છે.

બે વર્ષ પહેલાં યોજાયેલા પુસ્તકના અનોખા અને અનન્ય વિમોચન સમારંભ વિશે વાંચવા ઇચ્છતા મિત્રો માટે લિન્ક

For Mock court photos:


વિદ્વાન હાસ્યકાર અને પ્રિય લેખકોમાંના એક રતિલાલ બોરીસાગરે થોડા મહિના પહેલાં ‘પ્રત્યક્ષ’માં ‘બત્રીસ કોઠે હાસ્ય’નો વિગતવાર રિવ્યુ કર્યો હતો, એ અહીં પારિતોષિક નિમિત્તે મૂકું છું.




Wednesday, December 22, 2010

ભાવિ ભારતકથાઃ રાડિયા પછીનું ડહાપણ

આ વાર્તા સદીઓ પહેલાંની નથી. કદાચ અત્યારની પણ હોય. તે ભવિષ્યમાં કહેવાનારી ભારત દેશની વાર્તા છે. એ જ દેશ કે જેના અયોઘ્યા રાજ્યમાં એક જમાનામાં રાજા ભરતે મોટા ભાઇ રામની પાદુકા સિંહાસન પર મૂકીને બાર-બાર વર્ષ સુધી રાજ ચલાવ્યું હતું. આઘુનિક ભારતમાં આ પરંપરા ચાલુ હતી, પણ નવા જમાનામાં સિંહાસન પર શૂઝ મુકવાનું સારૂં ન લાગે, એમ વિચારીને જૂનવાણી રિવાજ પડતો મૂકવામાં આવ્યો હતો.

ભારત એવો દેશ હતો, જ્યાં સ્ત્રીઓને સળગાવવા, વેચવા અને શોષવા ઉપરાંત લખાણોમાં ને વાર્તાઓમાં તેમને પૂજવામાં પણ આવતી હતી. ‘બઘું પહેલાં આપણે ત્યાં જ શોધાયેલું છે’ એ વેદ/ઉપનિષદ/પુરાણ/શાસ્ત્ર/સંહિતાના વાક્ય પ્રમાણે સ્ત્રીનો ઉંચો દરજ્જો ભરતખંડ તરીકે ઓળખાતા ભારતમાં સૌથી પહેલાં સ્થપાયો હતો.
ભરતની પ્રોક્સી-રાજ પરંપરા અને પૌરાણક દેવી પરંપરાના અનુસંધાન તરીકે આઘુનિક ભારતમાં એક ‘ગોડમધર’નું રાજ ચાલતું હતું. ગોડમધર બહુ ત્યાગી સ્વભાવનાં હતાં. એટલે તેમણે સિંહાસન પર પોતાના ચપ્પલ મૂકવાના આગ્રહનો ત્યાગ કર્યો હતો, જેને ભારતની જનતાએ નતમસ્તકે, આંખમાં અહોભાવનાં આંસુ સાથે બિરદાવ્યો હતો.

રામ-ભરત અને ગોડમધરની સ્ટોરીમાં અનેક તફાવત હતા. અયોઘ્યામાં પાદુકા રામની, પણ રાજ ભરતનું ચાલતું હતું, જ્યારે ભારતમાં પાઘડી ગમે તેની હોય, રાજ ગોડમધરની પાવડીનું જ ચાલતું હતું. ઘણાં જનોને પ્રભુમાતા ઉર્ફે ગોડમધરે રસ્તા પર- પથ પર લાવી દીધા હતાં, ઘણાને પદભ્રષ્ટ-પથભ્રષ્ટ કર્યા ને કેટલાકને રસ્તે પણ ચડાવ્યા હોવાથી, ગોડમધરની ‘જગ્યા’ને સૌ ભક્તિભાવથી ‘જનપથ’ કહેતા હતા.

ગોડમધરની અદૃશ્ય પાદુકાઓ માથે લઇને રાજ ચલાવનાર જણ (કૌભાંડો પ્રત્યે) સ્થિતપ્રજ્ઞ હતા. પાદુકા જ્યાં લગી હલાવે નહીં, ત્યાં લગી એ હાલતા પણ નહીં. આ ખૂબીને લીધે તેમને (રામાયણ પરંપરા પ્રમાણે) ભરત ગણવા કે પછી જડભરત, એ વિશે આમજનતામાં ચર્ચા ચાલતી હતી. ગોડમધરના રાજમાં વટવૃક્ષ જેવી ભારતની કૌભાંડ પરંપરાને અનેક નવી વડવાઇઓ ફૂટી, જેની પર હીંચવા માટે વાનરસેનાએ હૂપાહૂપ કરી મૂકી. જોનારને એવું લાગે કે વડનું આખું વૃક્ષ હચમચી ગયું. પણ પાદુકા અને (જડ)ભરત શાંત બેઠા હતા. તેમના પેટનું પાણી પણ હાલ્યું ન હતું.

એક વાત કહેવાની રહી ગઇ. આ વાર્તા જે સમયની છે, તે વખતે ભારતમાં લોકશાહી તરીકે ઓળખાતી શાસનપદ્ધતિ હતી. ‘લોકશાહી’ ત્યારે વ્યાકરણની જ નહીં, રાજકારણની રીતે પણ મઘ્યમપદલોપી સમાસ ગણાતો હતો. ભારતમાં તેનો આખો અર્થ હતોઃ ‘લોકના નામે ચાલતી નેતાઓ-અફસરોની બાદશાહી.’
બ્રિટનની લોકશાહીની જેમ ભારતની લોકશાહીમાં પણ રાજા-રાણી હતાં. રાણીને બિનગુજરાતીઓ ‘રાની’ કહેતાં અને તેમના દોસ્તો, સાથીદારો, સાગરીતોમાં તે ‘રાની’ને બદલે ‘નીરા’ તરીકે ઓળખાતાં હતાં. તેમની એવી રાડ હતી કે તેમની ગેરહાજરીમાં લોકો તેમનો ‘રાડિયા’ તરીકે પણ ઉલ્લેખ કરતા. બ્રિટનની અને ભારતની ‘રાણીશાહી’માં મુખ્ય તફાવત એ હતો કે બ્રિટનમાં રાજા-રાણી સાચાં અને તેમની સત્તા નામની હતી, જ્યારે ભારતમાં રાજા-રાણી નામનાં, પણ તેમની સત્તા અસલી હતી.

‘રાની’ની માયાજાળ આખા દેશમાં ફેલાયેલી હતી. તેમનો પડ્યો બોલ ઝીલાતો, રણક્યો કોલ લેવાતો, ચીંઘ્યું કામ કરાતું. નેતાઓ-પત્રકારો-ઉદ્યોગપતિઓ આ બધા પોતપોતાના ક્ષેત્રના એક્કા ‘રાની’ આગળ પત્તાંની કેટના ગુલામ જેવા લાગતા હતા. ગોડમધરની જેમ ‘રાની’ પણ ત્યાગી પ્રકૃતિનાં હતાં. તેમને પોતાના સુખ કરતાં બીજાના સુખની, પોતાની ઇચ્છાપૂર્તિ કરતાં બીજાની ઇચ્છાપૂર્તિની સતત ખેવના રહેતી હતી. રાજા એવી વ્યક્તિઓમાંના એક હતા, જેમના યોગક્ષેમની જવાબદારી ‘રાની’એ લીધી હતી.

બીજાના કામ માટે ‘રાની’ અડધી રાત્રે પણ ગમે તેવા મોટા માણસને ફોન કરતાં કે તેમને કામ ચીંધતાં શરમાતાં નહીં. કામ પોતાનું ન હોવાથી ‘રાની’ના લહેકામાં કદી અરજદારનો દીન ભાવ સાંભળવા મળતો નહીં. તેમને પ્રસિદ્ધિની બિલકુલ પરવા ન હતી. તે હંમેશાં પરોપકારમાં રમમાણ રહેતાં. એટલે જ તેમના દરવાજે જરૂરતમંદોની કતાર લાગતી. તે કોઇને નિરાશ કરતાં નહીં. તેમનું પ્રિય ભજન હતું: વૈષ્ણવી-જન તો તેને રે કહીએ, જે ‘નીડ’ પરાઇ જાણે રે.

વાર્તાઓમાં આવતાં કેટલાંક પાત્રો માણસ ઉપરાંત પશુ-પંખીઓની ભાષા પણ સમજવાની શક્તિ ધરાવતાં હોય છે. ‘રાની’ રૂપિયાની ભાષા સમજવા અને સમજાવવામાં પાવરધાં હતાં. આ ભાષાના જોરે તે ધીમે ધીમે કરીને છેક ભારત પર રાજ કરતી પાદુકાઓ સુધી પોતાનો પ્રભાવ વિસ્તારી શક્યાં હતાં - અને કોને ખબર? ‘ભવિષ્યમાં આ પાદુકાઓ મારી હશે’ એવો વિચાર પણ કરતાં હોય. રાનીને કોઇ કહેવાવાળું કે રોકવાવાળું ન હતું.

રાની અને ગોડમધરનાં બે જ દૃષ્ટાંત પરથી ધારી શકાય છે કે એ સમયે ભારતમાં નારીશક્તિની કેવી બોલબાલા હશે. નારીતેજને કારણે રાજા અમુક લાખ કરોડ રૂપિયાના ગોટાળા કરવા સક્ષમ હોવા છતાં, લોકોને વધારે રસ ‘રાની’નાં પરાક્રમમાં પડતો હતો. રાની અને ગોડમધર વચ્ચે કેવાં સમીકરણ હશે તે કલ્પનાનો વિષય હતો. પરંતુ મોટાં મંદિરોમાં દર્શન કરવા જનારા લોકો પોતાની મેળે જવાબ શોધી લેતા હતા.

મોટો વિસ્તાર અને ભારે ભીડ ધરાવતાં મંદિરોમાં એવી ગોઠવણ હોય છે કે ભક્ત ભગવાનની મૂર્તિથી અનેક મીટર દૂર ઉભો હોય, પણ પોતાની જગ્યાએ ઉભા રહીને એ નારિયેળ ફોડે એટલે તેનું પાણી ઇલેક્ટ્રિક મોટર અને પાઇપલાઇન દ્વારા વહીને ભગવાનની મૂર્તિ સુધી પહોંચે અને ત્યાં એનો (કે એના જેવા બીજા પાણીનો) અભિષેક થતો ભક્તને દેખાય. આ વિધીમાંથી એક વાર પસાર થયેલા ભક્તોને બ્રહ્મજ્ઞાન થતું કે અર્ઘ્ય કે અભિષેક કરવા માટે ભૌગોલિક રીતે નજીક જવાની કે અડી અડીને ફોટા પડાવવાની જરૂર નથી. એ કામ દૂર રહીને, કોઇની આંખે ચડ્યા વિના પણ થઇ શકે છે.

‘રાની’ના પ્રભાવની આંચ છેક રાજસિંહાસનની પાદુકા સુધી પહોંચી એટલે પાદુકા અને પાદુકાધારક સળવળ્યા. ‘અબ પછતાવે ક્યા હોવત હૈ, જબ રાડિયા ચુગ ગઇ ખેત’ એમ વિચારીને બેસી રહેવાને બદલે તેમણે ‘રાની’-રાજાના સમાંતર સામ્રાજ્ય સામે જંગ આદર્યો. વાર્તા હોય એટલે એમાં લડાઇ તો આવવી જ જોઇએ- ભલે એ ટીવી સિરીયલોમાં આવતી સૈનિકોની તલવારબાજી જેવી નકલી અને હાસ્યાસ્પદ હોય.

લડાઇ થઇ. તેમાં રાજાને ‘જે પોષતું તે મારતું, તે સ્પેક્ટ્રમ દીસે છે કુદરતી’ એ સત્યનું ભાન કરાવવામાં આવ્યું. ‘રાની’ અને તેના કેટલાક ચુનંદા સાથીદારોની (‘વિકિલિક્સ’ની માફક, માહિતી લીક કરીને) ‘ટપક પદ્ધતિથી ખીંચાઇ’ કરવામાં આવી. અંતે, રાજા-‘રાની’ ધંધે લાગ્યાં અને પાદુકાઓએ રાજ કર્યું.

Tuesday, December 21, 2010

અશ્વિની ભટ્ટના ચાહકો-સ્નેહીઓ માટે


Ashwinee Bhatt with mother Sharadkanta Harprasad Bhatt

અશ્વિનીભાઇનાં મા શરદકાન્તા ભટ્ટનું 9 ડિસેમ્બર, 2010ના રોજ અમેરિકામાં અવસાન થયું. ચાર-પાંચ દિવસ પછી તેમણે ફોનથી આ સમાચાર આપ્યા અને ઘણાં વર્ષ પહેલાં તેમણે લખેલો મા વિશેનો લેખ હાથવગો હોય તો મોકલવા કહ્યું. મારા ખજાનામાંથી એ ન મળ્યો એટલે પ્રણવ (અધ્યારુ)ને વાત કરી. તેણે એ શોધી આપ્યો. બાને અંજલિરૂપે એ લેખ જ અહીં મૂક્યો છે.

ચૌદ-પંદર વર્ષ પહેલાં, અભિયાનની મુંબઇ ઓફિસથી નવેનવો અમદાવાદ ઓફિસ આવ્યો ત્યારે અશ્વિનીભાઇના બંગલાના ઉપરના માળે સત્તાવાર ઓફિસ હતી, પણ હકીકતે બંગલા અને ઓફિસ વચ્ચે, ઓફિસ અને પરિવાર વચ્ચે કોઇ ભૌતિક કે માનસિક દીવાલ ન હતી. બપોરે હું મારું ટિફીન લઇને નીચે અશ્વિનીભાઇ સાથે જમવા જતો. એ વખતે ટિફીનની ભાખરીની સાથે ઘણી વાર બાની બનાવેલી ગરમ રોટલી પણ મળતી. એ વખતે બાની ઉંમર 80 તો ખરી જ. માનસશાસ્ત્રી-શિક્ષક-મેડમ મોન્ટેસરીને મળી ચૂકેલા, પચાસ-સાઠના દાયકામાં શેઠિયાઓ સાથે જમવાની ‘ફી’ વસૂલ કરતા અને વટભેર શેઠિયા જેવો બંગલો બનાવનારા શિક્ષક હરપ્રસાદ ભટ્ટનાં જીવનસંગિની એવાં બા સાથે તેમના ચિરંજીવી અશ્વિનીભાઇ વિશે બહુ વાતો કરવાની ન થઇ. પણ તેમનો વૃદ્ધ છતાં ગૌર અને ગરવાઇભર્યો ચહેરો મનમાં અંકાઇ ગયો છે.

(click for larger view)



ન્યાયતંત્રઃ ધોવાતી વિશ્વસનિયતા, ધરખમ વિશેષાધિકાર

‘પડે છે ત્યારે સઘળું પડે છે’ એવી જાણીતી ઉક્તિ છેલ્લા થોડા સમયમાં ભારતની હાલત વર્ણવવા માટે યોગ્ય છે. નેતાઓ અને અફસરો તરફથી આશા રાખવાનું લોકોએ ક્યારનું છોડી દીઘું હતું. પોલીસ સહિતનાં સરકારી તંત્રોની એ જ દશા હતી.

પ્રસાર માઘ્યમો, સૈન્ય અને ન્યાયતંત્ર- આ ત્રણની પ્રમાણમાં ઠીક કહેવાય એવી શાખ બચી હતી. સૈન્યમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ અંગે કાનાફૂસી સાંભળવા મળતી હતી, પણ ‘તહલકા’ના સ્ટીંગ ઓપરેશન (ઓપરેશન વેસ્ટ એન્ડ)થી જણાવા માંડેલો સૈન્યનો વરવો ચહેરો ‘આદર્શ સોસાયટી કૌભાંડ’ પછી સંપૂર્ણપણે ખરડાયેલો અને છળી જવાય એવો નજરે પડ્યો. એ જ રીતે પ્રસાર માઘ્યમોની વિશ્વસનીયતાના ગંભીર પ્રશ્નો વર્ષોથી ફૂંફાડા મારતા હતા, પણ નીરા રાડિયાની ટેપ બહાર આવ્યા પછી કરંડિયાનું ઢાંકણ ખૂલી ગયું અને મીડિયાનો ‘વહીવટદાર’ તરીકેનો ચહેરો આમજનતા સુધી પહોંચી ગયો.

પ્રસાર માઘ્યમો અને સૈન્ય કરતાં ન્યાયતંત્રનાં સ્થાન-સ્થિતિ જુદાં છેઃ ભ્રષ્ટાચારમાં કે ખરડાયેલી છબીમાં નહીં, પણ વિશેષાધિકારની બાબતમાં. ભારતમાં ન્યાયતંત્ર વિશે જાહેરમાં ટીપ્પણી કરનારે અદાલતના અપમાન (કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ)ના ગુના હેઠળ જેલભેગા થવાની તૈયારી રાખવી પડે છે. આ પ્રકારના કિસ્સામાં અદાલત પોતે જ પક્ષકાર અને પોતે જ ન્યાયકર્તાની ભૂમિકામાં હોય છે.

ન્યાયતંત્રની સરખામણીમાં સૈન્ય કે પ્રસાર માઘ્યમો પાસે આત્મરક્ષણાર્થે પ્રહાર કરી શકાય એવું ‘કન્ટેમ્પ્ટ’નું શસ્ત્ર ન હતું. એટલે તેમની સાચીખોટી કે માંડ ટકી રહેલી પ્રતિષ્ઠા પર ઘા પડ્યા, ત્યારે સમસમીને બેસી રહેવા સિવાય તે બીજું કંઇ કરી ન શક્યાં. પરંતુ છેલ્લા થોડા દિવસના- ખરેખર તો થોડા સમયના- ઘટનાક્રમને કારણે સ્થિતિ બદલાઇ ચૂકી છે. કેટલાક ન્યાયાધીશોની સંદેહાસ્પદ વર્તણૂંકને કારણે ન્યાયતંત્રને એવું નીચાજોણું થયું છે કે ‘કન્ટેમ્પ્ટ’નું શસ્ત્ર હાથવગું હોવા છતાં તેને બહાર કાઢવાપણું રહ્યું નથી.

લેવાય તો તક, વેડફાય તો તકલીફ
ન્યાયતંત્રને સંડોવતા શરમજનક અથવા શંકાસ્પદ ઘટનાક્રમમાં છેલ્લો ઉમેરો છેઃ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ- માનવ અધિકાર પંચના વર્તમાન વડા કે.જી.બાલકૃષ્ણન્. અત્યાર લગી ઉપલબ્ધ વિગતો પ્રમાણે, ભૂતપૂર્વ મંત્રી એ.રાજાના મિત્ર અને તામિલનાડુ બાર કાઉન્સિલના પ્રમુખ ચંદ્રમોહને એક ખૂનકેસના આરોપીને જામીન અપાવવા માટે મદ્રાસ હાઇકોર્ટના જસ્ટીસ રધુપતિ પર દબાણ કર્યું.

જસ્ટિસ રધુપતિએ મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ગોખલે મારફતે સુપ્રીમ કોર્ટના તત્કાલીન ચીફ જસ્ટિસ બાલાકૃષ્ણનને પત્ર લખ્યો. તેમાં એમણે ન્યાયપ્રક્રિયામાં દખલઅંદાજી અંગે ફરિયાદ કરી. રાજકીય સ્તરે, કેટલાક સાંસદોએ પણ ન્યાયપ્રક્રિયામાં મંત્રી એ. રાજાની દખલઅંદાજી અંગે વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરી. વડાપ્રધાનના કહેવાથી કાનૂનમંત્રી વીરપ્પા મોઇલીએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પાસેથી અહેવાલ માગ્યો.

એક વર્ષ પહેલાંની આ તકરારમાં અત્યારે ઉભો થયેલો સવાલ છેઃ જસ્ટિસ ગોખલેએ તત્કાલીન ચીફ જસ્ટિસ બાલાકૃષ્ણનને લખેલા પત્રમાં મંત્રી એ.રાજાના નામનો સ્પષ્ટ ઉલ્લેખ હતો કે નહીં? અને ચીફ જસ્ટિસે કાનૂનમંત્રીને લખેલા પત્રમાં મંત્રીનું નામ જણાવાયું હતું કે નહીં?

આ પ્રકારના વિવાદોમાં બને છે તેમ, અત્યારે દરેક જણ પોતપોતાનું ‘સત્ય’ જાહેર કરી રહ્યા છેઃ નિવૃત્ત ચીફ જસ્ટિસ બાલાકૃષ્ણન કહે છે કે ‘મને મોકલવામાં આવેલા પત્રમાં મંત્રીનું નામ ન હતું અને જે કંઇ વિગત હતી તેનો ખુલાસો મેં કાનૂનમંત્રી મોઇલી પાસે કર્યો હતો.’

મદ્રાસ હાઇકોર્ટના તત્કાળ ચીફ જસ્ટિસ ગોખલે કહે છે કે જસ્ટિસ રધુપતિનો પત્ર મારા થકી જ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સુધી પહોંચ્યો હતો અને તેમાં જસ્ટિસ રધુપતિએ ચોખ્ખેચોખ્ખો મંત્રી (એ.રાજા)ના નામનો ઉલ્લેખ કર્યો હતો.

નિવૃત્ત ચીફ જસ્ટિસ બાલાકૃષ્ણને કાનૂનમંત્રી વીરપ્પા મોઇલીને સંડોવતાં, મોઇલીએ ખુલાસો કર્યો કે ‘મને મોકલેલા અહેવાલમાં તત્કાલીન ચીફ જસ્ટિસ બાલાકૃષ્ણને મંત્રીના નામનો ઉલ્લેખ કર્યો ન હતો.’

આ ઘટનાક્રમમાં કોણ કેટલી હદે દોષિત છે કે નિર્દોષ એ નક્કી થાય ત્યારે ખરૂં, પણ અત્યારે એક બાબત પાકી છેઃ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની વિશ્વસનિયતા સામે આંગળી ચીંધાતાં ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો છે. અફસોસની વાત એ છે કે આ ફટકો પહેલો નથી.

મોરારજી દેસાઇની જનતા સરકારમાં કાનૂનમંત્રી રહી ચૂકેલા શાંતિભૂષણે સપ્ટેમ્બર, ૨૦૧૦માં સુપ્રીમ કોર્ટમાં ૧૬ ભૂતપૂર્વ ચીફ જસ્ટિસની એક યાદી રજૂ કરી. શાંતિભૂષણનો દાવો હતો કે સુપ્રીમ કોર્ટના આ ૧૬ ચીફ જસ્ટિસમાંથી ૮ ‘ચોક્કસપણે ભ્રષ્ટ’ છે, ૬ જણ ‘ચોક્કસપણે પ્રામાણિક’ છે અને બાકીના ૨ જણ વિશે કહી શકાતું નથી.

અત્યાર લગી ઘણે ભાગે સુરક્ષિત અને પોતાની સુરક્ષા માટે અતિજાગ્રત મનાતા રહેલા ન્યાયતંત્રના સર્વૌચ્ચ સ્થાન પર આનાથી મોટો ઘા બીજો કયો હોઇ શકે? ભૂતપૂર્વ ન્યાયમંત્રી કક્ષાની એક જવાબદાર વ્યક્તિના આટલા મોટા ધડાકા પછી ખરેખર તો સાતેય કામ પડતાં મૂકીને સૌથી પહેલું કામ આરોપોની ખરાઇની ચકાસણી કરવાનું થવું જોઇએ. જો આરોપ ખોટો ઠરે તો આરોપ કરનારને સજા થવી જોઇએ અને આરોપ ખરો ઠરે તો આરોપીઓ સામે કડક પગલાં લેવાવાં જોઇએ.

પરંતુ ભારતીય પરંપરા પ્રમાણે, આ પ્રકારના પ્રસંગોએ નવેસરથી એકડો માંડવાની તક લેવાને બદલે, સડો છુુપાવવામાં સઘળી શક્તિ કામે લાગી જાય છે. પ્રજામાં અને પ્રસાર માઘ્યમોમાં પણ થોડા દિવસની ગરમાગરમી પછી આખો મુદ્દો વિસરાઇ જાય છે.

દરદ અને દવા
સવાલ એકલદોકલ ન્યાયાધીશોની ભ્રષ્ટ કે પ્રામાણિક વર્તણૂંકનો નહીં, પણ આખા તંત્રને તંદુરસ્ત રાખવાનો છે. ગમે તેટલો હટ્ટોકટ્ટો માણસ પણ વઘુ પડતા આત્મવિશ્વાસ અને સુરક્ષાની ભાવનામાં રાચવા માંડે, તો સમય જતાં તેની ગાફેલિયત નબળાઇમાં ફેરવાય. ભારતના ન્યાયતંત્ર સાથે સંકળાયેલી સૌથી મોટી સમસ્યા વ્યક્તિગત ભ્રષ્ટાચારની નહીં, પણ શેરબજારની ભાષામાં કહીએ તો ‘સેલ્ફ કરેક્શન’ના અને તબીબી ભાષામાં કહીએ તો ‘સેલ્ફ હીલિંગ’ના અભાવની છે. ન્યાયતંત્રમાં એવી કોઇ વ્યવસ્થા નથી કે જે પોતાના દોષો સાથે અસરકારક રીતે પનારો પાડીને તેને દૂર કરી શકે અને સડો આગળ વધતો અટકાવે.

ન્યાયતંત્ર, વહીવટી પાંખ અને રાજકીય નેતાગીરી- આ ત્રણે લોકશાહીના સ્તંભ ગણાય છે. તેમાંથી બાકીના બે સ્તંભમાં ગરબડગોટાળા થાય, તો ન્યાયતંત્ર તેમનો કાંઠલો પકડી શકે છે, પણ ન્યાયતંત્રમાં કંઇક ખોટું થાય તો? ન્યાયતંત્રની ઉપર, ન્યાયતંત્રને ટપારી શકે, તેમાં રહેલાં ભ્રષ્ટ તત્ત્વોને ફગાવી શકે, ન્યાયતંત્રની વિશ્વસનીયતા પુનઃસ્થાપિત કરી શકે, એવું કોઇ તંત્ર નથી.

હાઇ કોર્ટ-સુપ્રીમ કોર્ટના જસ્ટિસની એક વાર નિમણૂંક થયા પછી તેમને પદ પરથી હટાવવાનું લગભગ અશક્ય છે. ગમે તેવા ભ્રષ્ટ કે ગુનેગાર પુરવાર થયેલા ન્યાયાધીશને દૂર કરવાનો એક જ રસ્તો છેઃ સંસદમાં તેમની પર ઇમ્પીચમેન્ટ (મહાભિયોગ)ની દરખાસ્ત બે તૃતિયાંશ બહુમતિથી પસાર કરવી. ઇમ્પીચમેન્ટની દરખાસ્ત લાવતાં પહેલાં પણ ત્રણ ન્યાયાધીશોની બનેલી તપાસસમિતિ દ્વારા આરોપોની તપાસ કરાવવી પડે છે અને તેમાં આરોપ સિદ્ધ થાય ત્યાર પછી મામલો સંસદમાં આવે છે.

ભારતના બંધારણના સાઠ વર્ષના અનુભવો દર્શાવે છે કે આ દરખાસ્ત કેવળ પોથીમાંનાં રીંગણાં જેવી બની રહી છે. ભારતનું બંધારણ અમલમાં આવ્યું તે પહેલાં, ૧૯૪૯માં ગર્વનર જનરલ સી. રાજગોપાલાચારીની મંજૂરીથી, ‘સત્તાનો દુરૂપયોગ કરીને ન્યાયતંત્રની આબરૂને ઝાંખપ લગાડવા’ બદલ જસ્ટિસ સિંહાને ઇમ્પીચમેન્ટ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ ૧૯૫૦ પછી એક પણ ભ્રષ્ટ ન્યાયાધીશને ઇમ્પીચમેન્ટ દ્વારા સજા કરી શકાઇ નથી. જસ્ટિસ વી.રામસ્વામી સામે ૧૯૯૩માં ઇમ્પીચમેન્ટની દરખાસ્ત દાખલ થવા સુધી મામલો પહોંચ્યો હતો, પણ નરસિંહરાવના રાજમાં કોંગ્રેસના સાંસદોએ ઇમ્પીચમેન્ટની દરખાસ્ત પર મતદાન ન કર્યું. તેને કારણે દરખાસ્તનું સૂરસૂરિયું થઇ ગયું અને રામસ્વામી નિર્દોષ ઠર્યા.

અગાઉ ૧૯૭૯માં જસ્ટિસ રામસ્વામીના સસરા અને મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ કે.વીરાસ્વામી સામે અપ્રમાણસરની સંપત્તિનો આરોપ થયો હતો. એ વખતે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની મંજૂરી પછી જ તેમની સામે સી.બી.આઇ.ની તપાસ થઇ શકી હતી અને આખા કેસમાં ત્રીસેક વર્ષ જેટલો લાંબો સમયગાળો વીતી જતાં, તપાસનો હેતુ સર્યો નહીં. ગયા વર્ષે કલકત્તા હાઇકોર્ટના જસ્ટિસ સૌમિત્ર સેન સામે ઇમ્પીચમેન્ટની કાર્યવાહી ચલાવવા માટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે વડાપ્રધાનને ભલામણ કરી હતી. પરંતુ અત્યાર લગીનો ઇતિહાસ જોતાં ભૂતપૂર્વ જસ્ટિસ સેનને ચિંતા કરવાનું કોઇ કારણ નથી. આવા બીજાં અનેક ઉદાહરણ ટાંકી શકાય.

ભારતીય ન્યાયતંત્રમાં કાર્યવાહીનો અક્ષમ્ય વિલંબ, કેસોનો ભરાવો, ગરીબ માણસ માટે દોહ્યલો બનેલો ન્યાય- આ માળખાગત સમસ્યાઓ હજુ ઊભી છે, બલ્કે વઘુ ગંભીર બની રહી છે અને ‘લો કમિશન’ જેવી સંસ્થાઓનાં સૂચનો અમલ વિના ઘૂળ ખાતાં પડી રહ્યાં છે, ત્યારે વિશ્વસનીયતાના મુદ્દે નવી સમસ્યા ઉભી થઇ છે. ન્યાયાધીશોના ભ્રષ્ટાચાર, ગેરવર્તણૂંક જેવી બાબતોની ફરિયાદોનો નીવેડો લાવવા માટે ન્યાયતંત્રના સહયોગથી, પણ સ્વતંત્ર અસ્તિત્ત્વ અને અડીખમ વિશ્વસનીયતા ધરાવતી કોઇ સંસ્થા રચાય એ દિશામાં ઘણી વાતો અને દરખાસ્તો થઇ છે.

શાંતિભૂષણના પુત્ર અને ધારાશાસ્ત્રી પ્રશાંતભૂષણ જેવા કેટલાક લોકો ન્યાયતંત્રના ઉત્તરદાયિત્વ અને તેની જવાબદેહી વિશે ચળવળ ચલાવી રહ્યા છે. પરંતુ લોકશાહીના ત્રીજા સ્તંભ જેવા ન્યાયતંત્રને લગતી કોઇ પણ બંધારણીય જોગવાઇમાં ફેરફાર કરવાની સત્તા ફક્ત સંસદને છે. સાંસદો અને તેમના રાજકીય પક્ષો પાસે નિવૃત્ત ન્યાયાધીશોને આપવા માટેના હોદ્દા હોય છે. તેને કારણે પણ ન્યાયતંત્રના કેટલાક હિસ્સા પર રાજકારણનો પ્રભાવ પડ્યા વિના રહેતો નથી. સૌથી ટોચે સાંસદોનું બેજવાબદાર અને પક્ષકેન્દ્રી રાજકારણ તો ખરૂં જ, જે આવા ગંભીર મુદ્દાને સ્પર્શવાની ત્રેવડ ખોઇ બેઠું છે.

ન્યાયતંત્ર ખોખલું થઇ જશે તો ‘આવ ભાઇ હરખા’ ન્યાયે, સૌથી વધારે આનંદ લોકશાહીના બાકીના બે, પૂરેપૂરા સડી ચૂકેલા સ્તંભોને થશે અને સૌથી મોટું નુકસાન (રાબેતા મુજબ), ન્યાયતંત્રને હજુ પણ છેલ્લો આશરો ગણીને ચાલતા સામાન્ય નાગરિકના ભાગે આવશે.

Saturday, December 18, 2010

ગેંડો છે પણ ગેંડો નથી, માલિક છે પણ માલિક નથી

જાહેરખબરોમાં ઘણી વાર જે દેખાય છે તે હોતું નથી. તેના બે નમૂના.

ગેંડા દોરીની જાહેરખબરમાં ગુજરાતીમાં લખ્યું છે ગેંડા અને દોર્યું છે રીંછ. અંગ્રેજીમાં પણ લખ્યું છે Bear.. ગેંડાને બદલે ભાલુ લખ્યું હોત તો શું જતું હતું?


બીજી જાહેરખબરમાં સાઇબાબાના ધ્રુવમંત્ર જેવા વાક્ય ‘સબકા માલિક એક’ની ‘ગુટખા આવૃ્ત્તિ’ વાંચવા મળે છે, જે ‘માણેકચંદ’ની નકલ જેવા કોઇ ‘માલિકચંદ’ની પ્રશસ્તિમાં વપરાઇ છે.


Thursday, December 16, 2010

જનતા ‘પાર્ટી’?

રેલવે સ્ટેશનના સ્ટોલ પર ‘જનતા ખાના’નું પોસ્ટર જોઇને નવાઇ લાગી. ફક્ત 10 રૂપિયામાં 7 પુરી, 150 ગ્રામ ભાજી, અથાણું અને એક લીલું મરચું- આ તો ખરેખર સસ્તું કહેવાય, પણ આવું હોય ખરું? ભલું પૂછવું. રેલવેમાં મંત્રીઓને તુક્કા બહુ આવતા હોય છે. મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી જીતવાની તૈયારી તરીકે આખા દેશમાં આવી કોઇ સ્કીમ કાઢી હોય તો કોને ખબર?

મનમાં આવા વિચારો સાથે સ્ટોલના માલિકને જનતા ખાના વિશે પૂછ્યું. એ ચહેરેથી ઓળખે. એટલે ખુલ્લાશથી વાત કરી. ‘આવું જનતા ખાના મળે છે?’ એવું પૂછ્યું, એટલે એ હસીને ‘આવું તે કંઇ હોતું હશે? કેવી વાત કરો છો’ના અંદાજમાં કહે છે, ‘ના રે ના. આ તો રેલવેવાળાને લીધે લગાડવું પડે. બાકી કેવી રીતે પોસાય?’ મને બીજા પણ પેટાસવાલ થયાઃ જનતા ખાના કોને મળે? બહારથી કોઇ પ્લેટફોર્મ પર લેવા આવે તો તેને અપાય?

મેં પૂછ્યું, ‘પોસ્ટર લગાડીને જનતા ખાના આપો નહીં તો કોઇ કકળાટ ન કરે?’ એટલે સ્ટોલના માલિકે ભારોભાર આદર સાથે કહ્યું, ‘આપણી પબ્લિક સમજુ છે. એ પણ સમજે છે કે આટલા રૂપિયામાં તો કંઇ આટલું ખાવાનું મળતું હશે? એટલે કોઇ તકરાર કરતું નથી.’

પબ્લિક ખરેખર બહુ સમજુ છે...

Wednesday, December 15, 2010

સિંહ અને શિયાળની વિકાસવાર્તા

સદીઓ પહેલાંની વાત છે. યુનિવર્સિટીઓ ખુલી ન હતી અને સેનેટની ચૂંટણીઓ થતી ન હતી, એટલે ભરતખંડમાં ગુરૂઓ-ઋષિઓ ટ્યુશન કે કાવાદાવાને બદલે તપ કરતા હતા. સહકારી મંડળીઓ શરૂ થઇ ન હોવાથી ઘી-દૂધની નદીઓ વહેતી હતી. લોકશાહી ન હોવાથી ગણ્યાગાંઠ્યા સત્તાધીશોને જ ગોટાળા કરવાની તક મળતી હતી. લોકોનું સરેરાશ આયુષ્ય ઓછું હતું, પણ ડોક્ટરો-હોસ્પિટલો ન હોવાથી લોકો દેવાદાર બન્યા વિના શાંતિથી મરી શકતા હતા. શેરબજાર અને સેન્સેક્સ ન હોવાથી લોકો વિકાસના ખોટા ભ્રમમાં જીવતા ન હતા અને જીડીપી ગણીને હરખાતા ન હતા. જમીનો બધી રાજની અને રાજ રાજાનું હતું, એટલે જમીનફાળવણી જેવા મુદ્દે વિવાદો કે કૌભાંડ થતાં ન હતાં. સી.બી.આઇ. અને તેની તપાસસમિતિઓ ન હતી, એટલે તેની તપાસમાં ઢીલાશ કે વિલંબની ફરિયાદો પણ ન હતી. રાજાને કોઇનો ટેકો લેવો પડતો ન હતો અને જે ટેકો લે તે રાજા તરીકે ટકી શકતો ન હતો. એટલે પ્રજાને અસલી રાજા કોણ છે એવી મૂંઝવણમાં મૂકાવું ન પડતું હતું.

એવા પ્રાચીન યુગમાં લખાયેલી કેટલીક વાર્તાઓ બોધકથા તરીકે હજુ ચાલે છે. પરંતુ બદલાયેલા જમાના પ્રમાણે તેની નવી આવૃત્તિ તૈયાર કરવામાં આવે તો? ‘આ વાર્તા મેં બહુ વાર સાંભળી છે’ એવો વિચાર ટાળીને વાંચવા જેવો, સિંહ અને શિયાળની નવા સ્વરૂપની વાર્તાનો એક નમૂનોઃ
***
એક જંગલ હતું. તેમાં સિંહનું રાજ હતું. જાતે શિકાર કરતાં સિંહ કરતાં આ સિંહરાજા જરા જુદા હતા. તેમને દર અઠવાડિયે ખોરાક તરીકે એક-એક પ્રાણી મોકલવું પડતું હતું. જંગલના માહિતીખાતા દ્વારા પ્રકાશિત સામયિકમાં દર પખવાડિયે સિંહની પ્રભાવશાળી તસવીરો છપાતી હતી. સ્વાભાવિક છે કે તેમાં કદી પ્રાણીનો નાસ્તો કરતા સિંહની કે નાસ્તો થઇ ગયેલાં પ્રાણીની તસવીર છપાતી નહીં.

પ્રાણીઓ ‘વ્યવહારૂ’ હતાં. કામ કરાવવું હોય તો ‘ખવડાવવું’ પડે એ સિદ્ધાંત તેમને સમજાઇ ચૂક્યો હતો. એટલે નૈતિકતાના નામે જંગલમાં ચણભણાટ કરનારા લોકોને વીણી વીણીને તે સિંહ પાસે મોકલી આપતાં હતાં. સિંહ સમજતો હતો કે પ્રાણીઓ પર તેનો આતંક છે, જ્યારે વ્યવહારૂ પ્રાણીઓ માનતાં હતાં કે વગર સોપારી આપ્યે તે સિંહનો ઉપયોગ કરી રહ્યાં છે અને જંગલના (એટલે કે પોતાના) શત્રુઓ ઓછા કરી રહ્યાં છે.

આખરે એક દિવસ એવો આવ્યો, જ્યારે આખા જંગલમાં નૈતિકતાની વાત કરનાર કોઇ પ્રાણી ન બચ્યું. વ્યવહારૂ પ્રાણીઓ વિચારમાં પડ્યાં: બગડી ગયેલી આદતોવાળા સિંહને હવે કેવી રીતે કાબૂમાં લેવો? સિંહ પોતાની ભૂખની આડે આવતાં પ્રાણીઓની બાબતમાં ઘાતકી અને ખારીલો હતો. ઘણાબધાને દાઢમાં રાખ્યા હોવાથી તેનું મોં બહુ ગંધાતું હતું, પણ સિંહને કોણ કહે કે તું બ્રશ કર?

‘હવે શું કરવું?’ એ નક્કી કરવા યોજાયેલી સભામાં થોડા ગણગણાટ પછી એક હાથી ઉભો થયો. તરત ઓડિયન્સમાંથી કોઇ બોલ્યું, ‘આ કામ ધોળા કે કાળા એકેય હાથીનું નથી.’ ચપ્પલનો ઘા ચૂકાવ્યા પછી તરત સ્વસ્થ થઇ જતા નેતાઓની જેમ, હાથીએ પણ આ ટીપ્પણી પચાવીને બોલવાનું શરૂ કર્યું, ‘આપણા ખરેખર આફતમાં છીએ અને તેને ખરેખર દૂર કરવા ઇચ્છીએ છીએ. એટલા આપણે તપાસસમિતિ નીમવાને બદલે નક્કર ઉકેલ વિચારવો પડશે. હું એક શિયાળને ઓળખું છે, જે શહેરોના સીમાડે બનતી નવી ક્લબો અને સ્કૂલ-કોલેજોનાં ચક્કર કાપીને આવ્યું છે. તેના શારીરિક કદ કે વાતચીતની ઢબ સામે ન જોતાં તેની વાત સાંભળજો. નાની-નાની વાતોમાં રાડો પાડવાની એની ટેવને લીધે તે રાડિયા શિયાળ તરીકે ઓળખાય છે. મને ખાતરી છે કે તે સિંહને પટાવીને આપણું હિત સાધી આપશે.’

હાથી બેસી ગયો. તેના ઇશારાથી શિયાળ ઉભું થયું અને પ્રાણીઓને સંબોધીને કહે,‘તમારો બધાનો સહકાર હશે તો આપણે ચોક્કસ સિંહને ઠેકાણે પાડી દઇશું. મને એ કહો કે સિંહની નબળાઇ શી છે? તેને શું બહુ ગમે છે? તેને શાનો શોખ છે?’

તરત થોડાં બોલકાં પ્રાણીઓ સમૂહમાં બોલી ઉઠ્યાં,‘તેને પોતાનો ચહેરો જોવાનું બહુ ગમે છે. અમારી સાથે અસલમાં તેણે અઠવાડિયે બે પ્રાણી મોકલવાની શરત કરી હતી. પછી એવો વિકલ્પ આપ્યો કે તમે જંગલનાં તમામ હોર્ડિંગમાં મારા ફોટા મૂકવાના હો તો અઠવાડિયે એક પ્રાણી ચાલશે.’

આ સાંભળીને શિયાળે થોડો વિચાર કર્યો અને પછી કહ્યું,‘મારી પાસે એક જોરદાર આઇડીયા છે. તમારે ફક્ત એટલું જ કરવાનું કે આવતા અઠવાડિયે કોઇ પ્રાણીને મોકલવાનું થાય, ત્યારે મને સિંહ પાસે મોકલજો.’

પ્રાણીઓને આખી વાતમાં કંઇ ગુમાવાનું ન હતું. શિયાળ ખોટું પડે તો એનો જ જીવ જશે, એમ વિચારીને વ્યવહારૂ પ્રાણીઓ રાજી થયાં.

નિયત દિવસ આવી પહોંચ્યો. બધાં પ્રાણીઓ શિયાળને વિદાય આપવા ઇચ્છતાં હતાં, પણ શિયાળે મનાઇ કરી. કહ્યું કે ‘નકામી સિંહને શંકા જાય.’

ભૂખથી વ્યાકુળ જણ સાથે ચર્ચા ન થાય, એ સમજતું શિયાળ સમય કરતાં થોડું વહેલું, શેમ્પેઇનની બોટલ અને મોંઘોદાટ બૂકે લઇને સિંહની ગુફામાં પહોંચ્યું. સિંહ તૈયાર થતો હતો. શિયાળના હાથમાં ગિફ્ટ જોઇને તે મરક્યો. શિયાળે તરત કહ્યું,‘આ તો હજુ શરૂઆત છે મહારાજ.’

સિંહ કહે,‘શરૂઆત શાની? આજે તો તારો અંત છે. તને પ્રાણીઓએ કહ્યું નથી?’

‘એનો આધાર તમારી બુદ્ધિ પર છે.’ શિયાળ બોલ્યું,‘તમારી પાસે બે વિકલ્પ છેઃ મને મારી નાખો અને પછી મળનારા બધા લાભ ગુમાવો અથવા મને જીવતો રાખો અને જિંદગી આખી જલસા કરો.’

સિંહે ભારોભાર અવિશ્વાસથી શિયાળ સામે જોયું. એટલે શિયાળ સિંહને કેશવાળીથી લગભગ ખેંચીને ગુફાની બહાર લઇ ગયું. સામે એક મોટો કૂવો હતો. તેના કાંઠે લાવીને શિયાળે સિંહને ઉભો રાખ્યો અને કહ્યું,‘વર્ષો પહેલાં અમારા એક વડવાએ તમારા વડવાને એમ કહીને મૂરખ બનાવ્યા હતા કે કૂવામાં બીજો સિંહ છે. તમારા વડવા કૂવાના પાણીમાં પોતાના પ્રતિબિંબને બીજો સિંહ માની બેઠા અને ઉશ્કેરાઇને કૂવામાં કૂદી પડ્યા. હું જાણું છું કે ત્યારથી તમે કૂવાથી દૂર રહો છો. પણ હું તમને કહું છું કે આ કૂવાનો તમે તમારા ફાયદામાં શા માટે નથી કરતા?’

સિંહના ભેજામાં આખી વાત હજુ ગોઠવાતી ન હતી. તે આશ્ચર્યમૂઢ થઇને શિયાળ સામે જોઇ રહ્યો. એટલે શિયાળે આગળ ચલાવ્યું, ‘તમારે જંગલનાં પ્રાણીઓને કહેવાનું કે જુઓ, આખા જંગલમાં ક્યાંય તમારો ચહેરો જોવા માટે અરીસો ન હતો. એટલે મેં તમારા માટે આટલો મોટો અરીસો તૈયાર કરાવ્યો છે અને જંગલનો વિકાસ કર્યો છે. હવે હું દર અઠવાડિયે એક પ્રાણી માગું એની ટીકા કરશો તો રાજદ્રોહનો ગુનો થશે અને તમે સીધા રહેશો તો હું આવા બીજા અરીસા બનાવીશ. જંગલનો જોરદાર વિકાસ કરીશ.’

શિયાળનો આઇડીયા સાંભળીને સિંહનો ચહેરો ચમકી ઉઠ્યો. તે સિંહ મટીને શેખચલ્લી બની ગયોઃ ‘આ જ વાતનો પ્રચાર જંગલની બહાર બીજાં જંગલોમાં કરવામાં આવે તો આપણો જયજયકાર થઇ જાય...મારા વિકાસકાર્યોને લીધે કદાચ બધાં જંગલોના રાજા તરીકે પણ મને બેસાડી દેવામાં આવે.’

સ્વપ્નમાં સરી પડેલા સિંહને શિયાળે ઢંઢોળ્યો અને કહ્યું,‘તમારાં બધાં સ્વપ્નાં હું હોઇશ તો પૂરાં થશે. તમારે ફક્ત એટલું જ કરવાનું કે મને મરેલો જાહેર કરવાનો. બીજાં પ્રાણીઓને એવું પણ કહેવાનું કે મરતાં પહેલાં મેં બહુ તરફડિયાં માર્યાં હતાં. બસ, પછી હું તમારી ગુફામાં રહીશ, તમારૂં પ્રચારતંત્ર ગોઠવી આપીશ. બદલામાં તમારે મને શિકારમાંથી ભાગ આપવાનો અને ભવિષ્યમાં તમે આગળ વધો ત્યારે પણ બઘું કામ મારી એજન્સીને જ આપવાનું.’

આ રીતે જંગલમાંથી સિંહનો ત્રાસ દૂર થયેલો જાહેર કરવામાં આવ્યો. જંગલનો વિકાસ થવાથી પ્રાણીઓ પોરસાવા લાગ્યાં અને શિયાળ? એ ગુફામાં બેઠું બેઠું જંગલમાં રાજ કરે છે અને પ્રાણીઓને લાગે છે કે જંગલમાં સિંહનું રાજ છે.

Sunday, December 12, 2010

મનચાહી ડિંગ મારવાનું વિજ્ઞાન

દિવ્ય, મહા, સત્સંગ, હીલિંગ....આ બધી ચટણીઓ એવી છે કે તે નાખવાથી ગમે તેવાં વાસી મઠિયાં-પૂરી-સકરપારા-મમરાની ભેળપૂરી સ્વાદિષ્ટ બને અને ચપોચપ વેચાઇ જાય.

ઉપરની તસવીરમાં દેખાતા ભાઇ આખી વાતમાં ‘વિજ્ઞાન’ શું કરવા લઇ આવ્યા હશે? અને પોતાની મનચાહી ચીજો પ્રાપ્ત કરવા માટે આમ શહેર શહેર શા માટે ભટકતા હશે?

Friday, December 10, 2010

મારા વતન તળાજાના ખેડૂતો પાસેથી સાંભળીને ગુજરાતી શીખ્યો : ‘રાજનીતિ’ના લેખક અંજુમ રજબઅલીઃ

Anjum Rajabali at Nadiad

પરમ મિત્ર-આચાર્ય અને દૃષ્ટિવંત આયોજક હસિત મહેતાના પ્રતાપે નડિયાદમાં બે દિવસનો સાહિત્યકૃતિ પરથી ફિલ્મની રૂપાંતરણ પ્રક્રિયા અંગેનો સેમિનાર યોજાઇ ગયો. હસિત મહેતા જેના આચાર્ય છે તે નડિયાદની યુ.ટી.એસ. મહિલા કોલેજ ઉપરાંત દિલ્હી અને ગાંધીનગરની સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે 4 અને 5 ડિસેમ્બરના રોજ આ કાર્યક્રમ હતો. તેમાં ભાગ લેવા માટે આવેલા ફિલ્મલેખક અંજુમ રજબઅલી સાથે થયેલી મુલાકાતનો ટૂંકો અહેવાલ.


પ્રકાશ ઝાની હિટ ફિલ્મ ‘રાજનીતિ’ના લેખક અંજુમ રજબઅલી છેલ્લાં 18 વર્ષથી ફિલ્મલેખનમાં સક્રિય છે. ગોવિંદ નિહલાની જેવા પ્રતિષ્ઠિત નિર્દેશકની ફિલ્મ ‘દ્રોહકાલ’થી લેખન કારક્રિર્દીની શરૂઆત કરનાર અંજુમનું વતન છે સૌરાષ્ટ્રનું તળાજા. બાળપણનાં ચાર વર્ષ તળાજામાં વીતાવ્યા પછી અંજુમને તેમના પિતા યાકુબભાઇ રજબઅલીએ મુંબઇ ભણવા માટે મોકલ્યા.

મુંબઇ, બેલગામ અને પૂનામાં અભ્યાસ કરનાર અને સાયકોલોજીમાં એમ.એ. થયેલા અંજુમ રજબઅલીનો ગુજરાત અને ગુજરાતી સાથેનો નાતો જીવંત રહ્યો છે. નડિયાદની યુ.ટી.એસ.મહિલા આર્ટ્સ કોલેજના ઉપક્રમે સાહિત્યકૃતિમાંથી ફિલ્મના રૂપાંતર અંગેના પરિસંવાદમાં ભાગ લેવા માટે આવેલા અંજુમ રજબઅલી ‘ગુજરાત સમાચાર’ સાથેની વાતચીતમાં કહે છે, ‘બહાર ભણતો હોવા છતાં દર વર્ષે ઉનાળામાં બે મહિના અને દિવાળીમાં એક મહિનો તળાજા આવવાનું થતું હતું. મારા પિતા ખેડૂત હતા. તળાજામાં અમારી ખેતીવાડી. એટલે હું કાઠિયાવાડી ખેડૂતોનું ગુજરાતી સાંભળીને ભાષા શીખ્યો.’

પોતાની જાતને ‘અંગ્રેજી વાંચતા અને ગુજરાતી સાંભળતા’ જણ તરીકે ઓળખાવનાર અંજુમનું સૌથી મોટું પ્રદાન એ છે કે તેમના સતત પ્રયાસ અને પહેલને કારણે વર્ષ 2004માં ભારતમાં પહેલી વાર ફિલ્મલેખન માટેનો અભ્યાસક્રમ (પૂનાની ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં) શરૂ થયો. એ વિશે વાત કરતાં અંજુમ કહે છે, ‘મેં ફિલ્મલેખનની કોઇ તાલીમ લીધી નથી. કારણ કે વિશ્વભરમાં સૌથી વધુ ફિલ્મો બનાવતો દેશ ભારત હોવા છતાં ભારતમાં ફિલ્મલેખન શીખવતી કોઇ વ્યવસ્થા મોજુદ ન હતી. તેની સરખામણીમાં અમેરિકામાં ફિલ્મલેખન શીખવતી 440 સંસ્થાઓ હતી. તાલીમસંસ્થા ન હોવાને કારણે આ ક્ષેત્રમાં આવવા ઇચ્છનારને કેટલી તકલીફ પડે તેનો મને જાતઅનુભવ છે. મને જે મુશ્કેલી પડી તે મારા પછી આવનાર લોકોને ન પડે એ આશયથી મેં સરકાર સાથે પત્રવ્યવહાર કરીને, પાછળ પડીને પૂનામાં ફિલ્મલેખનનો અભ્યાસક્રમ દાખલ કરાવ્યો. ત્યાર પછી મુંબઇમાં સુભાષ ઘાઇની સંસ્થા વ્હીસલવુડમાં પણ મેં એ કોર્સની શરૂઆત કરી.’

અંજુમને ફિલ્મલેખન ક્ષેત્રે આગળ કરનાર હતા તેમના મિત્ર (શબાના આઝમીના ભાઇ) બાબા આઝમી. ‘તેમના આગ્રહના જોરે મેં પહેલી વાર 1992માં ફિલ્મલેખનની શૈલીમાં કંઇક લખ્યું. એ વાંચીને બાબા આઝમીએ મને કહ્યું કે મારી ફિલ્મ બને કે ન બને, પણ તું લખવાનું ચાલુ રાખજે.’ અંજુમ કહે છે, ‘એ બનાવના થોડા મહિના પછી આકસ્મિક રીતે એક મિત્રએ મારી ઓળખાણ ગોવિંદ નિહલાની સાથે કરાવી. એ રીતે તેમની ફિલ્મ દ્રોહકાલમાં સ્ક્રીપ્ટનું સહલેખન કર્યું.’

બાકાયદા તાલીમ ન હોવાને કારણે અંજુમે ફિલ્મલેખન શીખવા માટે દેશી પદ્ધતિ અપનાવી. ‘હું અઢળક ફિલ્મો જોઉં. ફિલ્મ જોઇને મારી રીતે તેની સ્ક્રીપ્ટ લખું અને તેની પર વિચાર કરું કે ફિલ્મના લેખકે આ લખતી વખતે શું ધ્યાનમાં રાખ્યું હશે અથવા અમુક સીન લખતી વખતે તેમના મનમાં શું હશે.’ વિજ્ઞાનની ભાષામાં ‘રીવર્સ એન્જિનિયરિંગ’ કહી શકાય એવી આ પદ્ધતિ પ્રમાણે અંજુમે ઘણી ફિલ્મો જોઇને પ્રેક્ટિસ તરીકે તેની સ્ક્રીપ્ટ લખી. આ પ્રક્રિયામાં તેમને જે ફિલ્મોમાંથી બહુ શીખવા મળ્યું એવી ફિલ્મોમાંથી અંજુમે આપેલાં કેટલાંક નામઃ મધર ઇન્ડિયા, ગંગાજમના, અર્ધસત્ય, આક્રોશ, મંથન, દીવાર, નાયકન.

ગોવિંદ નિહલાની માટે તેમણે ‘દંશ’ અને ‘દહન’ એમ બીજી બે સ્ક્રીપ્ટ પણ લખી હતી. એ પ્રોજેક્ટ પર કામ આગળ ચાલ્યું નહીં, પણ પહેલાં ‘ઝખ્મી’ નામથી તૈયાર થયેલી ફિલ્મ ગુલામ, ચાયના ગેટ, પુકાર, લીજેન્ડ ઓફ ભગતસિંઘ, જેવી ફિલ્મોથી અંજુમ રજબઅલી સફળ ફિલ્મલેખક તરીકે સ્થાપિત થઇ ગયા.

‘કળા અને કસબના મિશ્રણ જેવું ફિલ્મલેખન શીખવી શકાય?’ એવા સવાલના જવાબમાં ભારતમાં ફિલ્મલેખનના શિક્ષણના સ્થાપક એવા અંજુમ નિખાલસતાથી કહે છે, ‘કળાનો ભાગ વ્યક્તિની પોતાની અંદરથી- તેના પોતાના અનુભવોમાંથી આવે છે, જ્યારે ક્રાફ્ટિંગ-કસબના મૂળભૂત સિદ્ધાંતો સમજાવી શકાય છે. ફિલ્મલેખન શીખી શકાય. શીખવાડી ન શકાય. હું વિદ્યાર્થીઓને એ લોકો કેવી રીતે શીખી શકે, એ પ્રક્રિયામાં મદદરૂપ થાઉં છું. તેમને શીખવતો નથી.’

ફિલ્મઉદ્યોગમાં લેખનના મહત્ત્વ અંગે અંજુમ કહે છે, ‘લેખકોનું સ્થાન સૌથી છેલ્લું ગણાતું હતું. બધી તૈયારીઓ થઇ જાય, બાકીના બધા નક્કી થઇ જાય ત્યાર પછી લેખકની શૌધ કરવામાં આવતી હતી. હવે પરિસ્થિતિ બદલાઇ રહી છે અને લેખનનું મહત્ત્વ વધી રહ્યું છે. એટલે જ ફિલ્મલેખનના અભ્યાસક્રમોને સતત વિદ્યાર્થીઓ મળી રહે છે.’

‘ગુજરાતી સાથેનો નાતો જીવંત છે, તો ગુજરાતીમાં ફિલ્મ લખવાની ઇચ્છા ખરી?’ એનો જવાબ આપતાં અંજુમ કહે છે, ‘એ વિશે હું માત્ર પોઝિટિવ જ નહીં, આતુર છું. ચોક્કસ જ મને ગુજરાતી ફિલ્મ લખવાનું મન છે. મારી લિખિત ભાષા કોઇ પાસે થોડીઘણી સરખી કરાવવી પડે. તેમ છતાં ગુજરાતી ફિલ્મ લખવી એવો મારો ઇરાદો તો છે જ.’

રામાયણઃ લીક થયેલી ટેપ્સ અને અહેવાલોના આધારે

લીક થયેલી ટેલીફોન ટેપ્સથી કેવી રામાયણ સર્જાય છે એ હવે કોઇને સમજાવવાની જરૂર નથી. કલ્પનાનો વિષય એ છે કે રામાયણના જમાનામાં સેલફોન અને સેલફોન ટેપિંગ શોધાઇ ગયું હોત, તો રામાયણની ‘સ્ટોરી’ પ્રસાર માઘ્યમોમાં કેવા સ્વરૂપે આવી હોત?

***

અયોઘ્યાનું વારસકૌભાંડઃ વારસની પસંદગી પર પ્રકાશ પાડતી ફોન ટેપ્સ
અયોઘ્યા, તા.૫

અયોઘ્યાના સમ્રાટ દશરથરાજાના ઉત્તરાધિકારી તરીકે ભરતની નિમણૂંક અને રામની બાદબાકી ઘણા સમયથી ચકચારનું કારણ બનેલી છે. અયોઘ્યાના ગૃહ મંત્રાલયે એ દિશામાં તપાસના હેતુથી કેટલાક ફોન નંબરનું ટેપીંગ કર્યું હતું. તેના કેટલાક અંશો પ્રસાર માઘ્યમો સુધી પહોંચી જતાં સનસનાટી મચી જવા પામી છે. વારસકૌભાંડમાં એક મહિલાની ભૂમિકા સૌથી મહત્ત્વની જણાય છે. અત્યાર સુધી એ નામ કૈકેયી કે મંથરાનું હોવાની છાપ હતી, પણ ટેપ્સમાંથી મળતી માહિતી પ્રમાણે, એ મહિલા રાજપરિવારની ગૃહિણી નહીં, પણ પી.આર.એજન્સીની માલિકણ છે. ઘણા સમયથી તે અયોઘ્યામાં પી.આર.એજન્સી ચલાવે છે. એટલું જ નહીં, રાજા દશરથ ઉપરાંત શ્રીરામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, કૈકેયી અને દૂરના દેશ લંકામાં રાજ કરતા રાજા રાવણ- આ બધાનું પી.આર. પણ એ જ મહિલા સંભાળે છે. અત્યાર લગી દરેક આરોપોનો રદીયો આપવાને કારણે તે મહિલા ‘મિસ રદીયા’ તરીકે જાણીતી બની છે. અયોઘ્યા અને લંકાનાં હિતોનું એકસાથે રક્ષણ કરતી મિસ રદીયાની ભૂમિકા પર વઘુ પ્રકાશ પડે એ માટે ટેપ્સની ઝીણવટપૂર્વક તપાસ ચાલુ છે.

***

ટેલીફોન ટેપ્સઃ કેટલાક પ્રતિભાવ
અયોઘ્યા, મિથિલા અને વનપ્રદેશ, તા. ૭

રાજા જનકઃ વારસાકૌભાંડના પગલે મારાં દીકરી-જમાઇ સીતા-રામને વનમાં જવું પડ્યું ત્યારથી જ મને લાગતું હતું કે આ મોટું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે. દોષનો આખો ટોપલો મિસ રદીયા પર ઢોળી દેવાનું ઠીક નથી. એમ તો એ મારૂં પી.આર. પણ કરે છે.

રાજા ભરતઃ મિસ રદીયા સાથે મારી વાતચીતની ટેપ હોય એનાથી કશું સાબીત થતું નથી. એમ તો મારા મોટા ભાઇ રામચંદ્રજીએ પણ મિસ રદીયા સાથે વાતચીત કરેલી છે. મિસ રદીયા ફક્ત અયોઘ્યાનાં જ નહીં, મારા ભાઇના સસરાનાં પણ પી.આર. છે.

રામચંદ્રજીઃ હું યુવરાજ હતો ત્યારથી મિસ રદીયાને ઓળખું છું. એ બહુ હોંશિયાર છે. ‘દશરથરાજાના અવસાન પછી ગાદી તમને જ મળવી જોઇએ’ એવું એમણે ફક્ત મને જ નહીં, અમને ચારેય ભાઇઓને અલગ અલગ રીતે કહ્યું હતું. મને ગાદીની પરવા નથી. એટલે તો હું અત્યારે વનમાં છું. પણ બહાર શું ચાલે છે એ જાણવા માટે પણ મિસ રદીયાના સંપર્કમાં રહેવું મારા માટે જરૂરી હતું.સીતાની ગઇ વર્ષગાંઠે મિસ રદીયાએ અમને લંકાનું હોલિડે પેકેજ ઓફર કર્યું હતું. કારણ કે એ લંકાનું પી.આર. પણ કરે છે.

કૈકેયીઃ મંથરાએ મને રદીયાના ધંધા વિશે કહ્યું ત્યારથી મને ખાતરી થઇ ગઇ હતી કે આ બઘું ક્યારેક છાપરે ચડીને પોકારશે. એટલે મેં રદીયા જોડેનું કામકાજ સાવ ઘટાડી દીઘું. એના કરતાં મંથરા લાખ દરજ્જે સારી.

***

અયોઘ્યાના સિંહાસન પર મૂકાયેલી પાદુકા શ્રીરામની નહીં, પણ મિસ રદીયાની છે?
અયોઘ્યા અને વનપ્રદેશ, તા.૨૧

વિવાદાસ્પદ વારસાકાંડમાં અનેક નવા ફણગા ફૂટી રહ્યા છે. સાથોસાથ અયોઘ્યા અને તેની આસપાસના પ્રદેશોમાં મિસ રદીયાના પ્રભાવની નવી વિગતો બહાર આવી રહી છે. એક ચેનલ પર પ્રસારિત થયેલા સનસનીખેજ અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અયોઘ્યાના રાજસિંહાસન પર મૂકાયેલી ‘શ્રી રામચંદ્રજીની પાદુકા’ ખરેખર મિસ રદીયાની પાદુકાઓ છે.

શ્રી રામચંદ્રજીએ વનમાં પોતાની કુટીરમાં આપેલા ઇન્ટરવ્યુમાં ચેનલના પ્રતિનિધિને જણાવ્યું હતું કે ભરત તેમને મળવા આવ્યો હતો, પણ તેમણે ભરતને કોઇ પાદુકા આપી નથી. ઉપરથી શ્રીરામને જંગલનિવાસ દરમિયાન તકલીફ ન પડે એ માટે ભરત અયોઘ્યાથી કેટલીક જાણીતી બ્રાન્ડની પાદુકાઓ લઇને આવ્યા હતા. ચેનલે કરેલી તપાસમાં એ પાદુકાઓ ભરત માટે મિસ રદિયાની એજન્સીએ, અયોઘ્યાના બજારમાં લંકાના ભાવે ખરીદી હોવાનું પણ જાણવા મળ્યું છે. ભાઇઓ વચ્ચે પાદુકાઓની આપ-લેનો લાભ લઇને મિસ રદીયાએ પોતાની પાદુકાઓ શ્રી રામચંદ્રજીના નામે અયોઘ્યાના સિંહાસન પર મૂકાવી દીધી હોવાના સંકેત પણ એક ટેલીફોનિક વાતચીતમાંથી મળ્યા છે. અયોઘ્યા સિવાય બીજી જગ્યાઓએ સિંહાસન પર મિસ રદીયાની પાદુકાઓ ન હોય તો પણ રાજ તો એમનું જ ચાલે છે, એવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

***

લંકાપતિ રાવણે કરેલું સીતાનું અપહરણઃ મિસ રદીયાની મઘ્યસ્થી?
અયોઘ્યા, તા. ૮

લંકાપતિ રાવણે સાઘુવેશે જઇને શ્રીરામચંદ્રનાં ધર્મપત્ની સીતાનું અપહરણ કર્યું હતું. આ સમાચારથી અયોઘ્યાની જનતામાં આઘાત અને રોષની લાગણી વ્યાપી હતી. શહેરમાં નીકળેલા એક સરઘસમાં રાવણનાં પૂતળું પણ બાળવામાં આવ્યું હતું. સીતાજીના અપહરણની ઘટના અંગે મિસ રદીયાએ આશ્વાસન આપતાં કહ્યું હતું કે ‘શ્રી રાવણને હું વર્ષોથી ઓળખું છું. એ મારા ક્લાયન્ટ છે અને હું આખી વાતનો શાંતિપૂર્વક નીવેડો લાવવા બનતા તમામ પ્રયાસ કરી છૂટીશ.’ શ્રી રાવણની વિદ્વત્તાની પ્રશંસા કરતાં મિસ રદીયાએ કહ્યું હતું કે સામાન્ય સંજોગોમાં એ આવું કરે નહીં, પણ છેલ્લા ઘણા સમયથી મારી એમની સાથે વાત થઇ નથી.

***

સીતાના અપહરણમાં મિસ રદીયાનો હાથઃ રદીયા-રાવણ વાતચીતની ટેપમાંથી થયેલો ધડાકો
અયોઘ્યા, તા. ૧૦

વારસાકૌભાંડે લીધેલા નવા અને અણધાર્યા વળાંકમાં મિસ રદીયા અને લંકાપતિ રાવણ વચ્ચે થયેલી વાતચીતની એક ટેપે ધરતીકંપ સર્જ્યો છે. તેમની વચ્ચે થયેલી વાતચીતના અંશ.

રદીયાઃ હાય.
રાવણઃ હાય રદીયા.
રદીયાઃ ફાઇન. પણ હમણાં અયોઘ્યામાં જરા ઠંડું ચાલે છે. મને લાગે છે કે તમારે એમાં કંઇક રસ લેવો જોઇએ.
રાવણઃ કઇ જાતનો રસ?
રદીયાઃ તમે એવું કંઇક કરો કે જેનાથી બઘું અવળસવળ થઇ જાય અને પછી...હું મારી ઇચ્છા પ્રમાણે બઘું ગોઠવી શકું.
રાવણ: પણ એવું હું શા માટે કરૂં?
રદીયાઃ યુ નો ધેટ. અયોઘ્યાના ટોપ ૧૦ કોર્પોરેટ્સ મારા ક્લાયન્ટ છે. તમે કહો એટલું ઇન્વેસ્ટમેન્ટ હું લંકામાં કરાવી દઊં. આખી લંકાને સ્વર્ણિમ બનાવી દઊં. કહો તો અયોઘ્યાનાં મોટાં જાહેર સાહસોમાં થોડો ભાગ તમારો થઇ જાય એવું ગોઠવી દઊં.
રાવણઃ પણ મારે કરવાનું શું છે?
રદીયાઃ રામની પત્ની સીતાનું અપહરણ.
(નાના ખટકા સાથે ટેપ અધવચ્ચેથી અટકી જાય છે. ત્યાર પછી ફક્ત ઘરઘરાટી સંભળાય છે.)

***
મિસ રદીયાની ઓફિસો પર દરોડા, તપાસ
અયોઘ્યા, મિથિલા, તા. ૧૪

ગઇ કાલે મોટી સાંજે અયોઘ્યામાં આવેલી પાંચ ઓફિસ સહિત મિસ રદીયાની કુલ ૧૩ ઓફિસ પર સ્થાનિક ગુપ્તચરો ત્રાટક્યા હતા. તેમની સાથે વિવિધ વિભાગોના અફસરો પણ સામેલ હતા. મિસ રદીયાએ ટીવી કેમેરા સમક્ષ સ્માઇલ આપતાં કહ્યું હતું કે પોતે તમામ પ્રકારની તપાસમાં સહકાર આપશે. લંકાપતિ સાથે તેમની ટેપની વિગત બહાર આવ્યા પછી બન્ને વચ્ચે ફોનની સંખ્યા ઘણી વધી ગઇ હોવાનો પણ ગુપ્તચર અહેવાલ છે.

***

રામ-રાવણ યુદ્ધ : શ્રી રામની ભવ્ય જીત
લંકા, તા. ૨૮

અયોઘ્યા સરકારે પ્રગટ કરેલી અખબારી યાદી પ્રમાણે, રાવણ સામેના યુદ્ધમાં મિસ રદીયાની મદદથી શ્રીરામની ભવ્ય જીત થઇ છે. સરકારી અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, બન્ને પક્ષોએ મિસ રદીયાની એજન્સી મારફતે હથિયારોની ખરીદી કરી હતી. વાનરસેના અને રાક્ષસસેનામાં ભરતીની કામગીરી પણ મિસ રદીયાની એજન્સીને જ મળી હતી, પરંતુ છેલ્લી ઘડીની સોદાબાજીમાં રાવણે મિસ રદીયાની ઇચ્છા મુજબ વર્તવાનો ઇન્કાર કરી દેતાં, યુદ્ધનું પલ્લું શ્રીરામ તરફ નમી ગયું.

વિજય પછીની ભવ્ય ઉજવણીમાં અયોઘ્યાના ગૃહમંત્રીએ મિસ રદીયાની ભૂમિકા બિરદાવતાં કહ્યું હતું કે ‘મિસ રદીયા તો રતન છે રતન!’ ખુદ શ્રીરામચંદ્રજીએ ભગવાન શૈલીમાં કહ્યું હતું કે દર યુગે મારૂં અવતરણ થાય કે ન થાય, મિસ રદીયાઓ દરેક યુગે અવતરતી રહેશે.

Wednesday, December 08, 2010

રાડિયા અને મીડિયાઃ નૈતિકતા? કિસ ખેતકી ચિડીયા?

ચોથી જાગીરની બાંધી મુઠ્ઠી વધુ એક વાર ખુલી ગઇ છે. હજુ સુધી કોઇ પત્રકાર સામે સાબીત થવાનું તો બાજુ પર રહ્યું, કોઇ ગુનો પણ નોંધાયો નથી. સામે પક્ષે, આરોપીઓ પત્રકાર હોવાને કારણે તેમણે પોતાને મળતી જગ્યામાં મજબૂત ખુલાસા પણ કર્યા છે. છતાં, ટેલીફોન ટેપીંગમાં ઝડપાયેલી વાતચીતોમાં કેટલાક મોટા પત્રકારોની અને એકંદરે આખા વ્યવસાયની વિશ્વસનીયતા ટીકા તથા શંકાને પાત્ર બની છે.

થોડાંઘણાં જાગ્રત પ્રસાર માધ્યમોમાં એક સૂર એવો પણ સંભળાઇ રહ્યો છે કે ‘જોજો, મીડિયાની પ્રતિષ્ઠાનું નાહી નાખવામાં અતિરેક ન થાય અને સૂકા ભેગું લીલું ન બળે.’ નીતિમત્તામાં ઓછી બાંધછોડ કરનારાં પ્રસાર માધ્યમોને ચિંતા છે કે રાજકારણીઓની જેમ મીડિયા વિશે પણ ‘બધા ચોર છે’ એવી માન્યતા ઘર ઘાલી જશે તો સમાજને ઘણું નુકસાન થશે. તેમની ચિંતા બિનપાયેદાર કે કવેળાની ભલે ન હોય, એક સિદ્ધાંત તરીકે તેમાં સંમતિ જ હોય, છતાં આ તબક્કે તેમની સૈદ્ધાંતિક ચિંતામાં સૂર પુરાવવાનું અઘરું લાગે છે.

કબૂલ કે પ્રસાર માધ્યમોમાં હજુ ઉજ્જવળ અપવાદો છે, જે પત્રકારત્વના હાર્દને સમજે-જાળવે-અનુસરે છે, જે કોર્પોરેટ જગત સામે પૂંછડી પટપટાવતા કે લાળ ટપકાવતા નથી, જે હકથી લાંચ માગતા નથી અને બ્લેકમેઇલિંગને કર્મસિદ્ધ હક ગણતા નથી, જે ‘સમાજ પ્રત્યેની ફરજ’ જેવી જૂનવાણી બાબત મનમાં રાખે છે, વાચકો-દર્શકોનો વિશ્વાસઘાત ન થાય એનું બને એટલું ધ્યાન રાખે છે, જેમના માટે કોઇ પણ ભોગે, ઉપરની કે નીચેની, આવક વધારવી તે એકમાત્ર લક્ષ્ય નથી, જેમને મન મીડિયા ઇમાનદારીથી કરવાનો વ્યવસાય છે. બલ્કે, ફક્ત વ્યવસાય જ નહીં, અમુક અંશે જીવનકાર્ય પણ છે.

ઉપરનું બધું નહીં તો પણ થોડુંઘણું વર્ણન જેમને લાગુ પાડી શકાય એવાં પ્રસાર માધ્યમો હજુ અસ્તિત્ત્વ ધરાવતાં હોય, તો પણ તેમનું પ્રમાણ કેટલું ઓછું? અને તેમના માથે ઝળુંબતો ટકી રહેવાનો સંઘર્ષ કેટલો મોટો? તેમની સરખામણીમાં, ન કરવાનાં તમામ કામ કરતાં પ્રસાર માધ્યમોની બહુમતિ છે. સચ્ચાઇ બિચારી પ્રગટ થાય તો પણ ક્યાં? કારણ કે પ્રગટ થવા- લોકો સુધી પહોંચવા તો છેવટે વ્યાવસાયિક મીડિયા પાસે જ આવવું પડે. બિનવ્યાવસાયિક માધ્યમો છે, પણ સાવ વેરવિખેર અને પહોંચની ભારે મર્યાદાઓ ધરાવતાં. બાકીનાં માધ્યમો તગડાં થયાં છે- તંદુરસ્ત નહીં. તેમના સિવાય નાગરિક સમાજમાં એવી જગ્યા જ ક્યાં પેદા થઇ છે કે જ્યાંથી લોકશાહીની જાગીરો પર નજર રાખી શકાય અને જરૂર પડ્યે તેમને અંકુશમાં રાખી શકાય?

મીડિયાની નિરંકુશ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખતાં, નીરા રાડિયાનું પ્રકરણ ઘણાને ક્ષોભજનક છતાં વાસ્તવિકતાના ઉઘાડ માટે આવકારદાયક લાગ્યું હશે. કેમ કે, તેનાથી સામાન્ય લોકોને એટલું તો સમજાયું છે કે લોકશાહીની બીજી જાગીરો (નેતાઓ-અધિકારીઓ-ન્યાયતંત્ર) કરતાં ચોથી જાગીરને અલગ અને મૂઠી ઊંચી ગણવાનું કોઇ દેખીતું કારણ નથી. સિવાય કે પવિત્ર વ્યવસાય તરીકેની જૂની છાપ.

લપટી લક્ષ્મણરેખા

એકાદ વરિષ્ઠ પત્રકાર તરફથી એવું પણ સાંભળવા મળ્યું છે કે ‘પત્રકારો પોતાના કામ માટે પી.આર.એજન્સી સાથે વાતચીત કરે એમાં કશું ખોટું કે ગેરકાયદે નથી. મોટા માણસો પર નજર રાખવા માટે અને તેમની હિલચાલોની વિગત રાખવા માટે આ બધું કરવું જ પડતું હોય છે.’

માની લેવાનું મન થઇ જાય એવી આ દલીલમાં સચ્ચાઇ હોવા છતાં, તેમાં આખું ચિત્ર રજૂ થતું નથી. કોઇથી આભડછેટ રાખવાનું પત્રકારોને પોષાય નહીં. ભ્રષ્ટમાં ભ્રષ્ટ અને ખતરનાકમાં ખતરનાક વ્યક્તિ સાથે પણ તેમને વાત કરવી પડે અને તેમાં દેખીતી રીતે જ કોઇ અનૈતિકતા નથી. પરંતુ આ સંબંધ લાગે છે એટલો સીધો કે સહેલો હોતો નથી. કેમ કે, પત્રકાર સાથે વાત કરનાર માણસને પણ પોતાનો સ્વાર્થ હોય છે. બન્ને પક્ષ એવું માનતા હોય છે કે પોતે સામેવાળાનો ઉપયોગ કરી રહ્યા છે. ઘણી વાર બન્ને સાચા હોય છે, પણ પત્રકારના પક્ષે નૈતિકતાનો ભંગ થયો છે કે નહીં, તેનો આધાર આખરી પરિણામ પર રહેલો છે. બરખા દત્ત કે વીર સંઘવી કે બીજા કોઇ પણ પત્રકાર પી.આર. એજન્સી ચલાવતાં નીરા રાડિયા સાથે સંવેદનશીલ વિષયો પર વાતો કરે ત્યાં સુધી ઠીક છે, પણ એ વાતોનું આખરી પરિણામ શું આવ્યું?

વધારે સ્પષ્ટતાપૂર્વક કહીએ તો, આખરે કામ કોનું થયું? પત્રકારોનું કે નીરા રાડિયાનું? રાડિયાના ફોન રેકોર્ડિંગ પરથી એટલું તો સમજાય છે કે ઘણાખરા કિસ્સામાં પત્રકારોએ નીરા રાડિયા સાથેની વાતચીતમાં ખુલ્લાશથી ચર્ચ્યા હોય એવા ઘણા મુદ્દા સમાચારોમાં કદી આવ્યા નથી. એટલે કે, નીરા રાડિયા પાસેથી મળેલા ‘જ્ઞાન’નો પત્રકારોએ શો સદુપયોગ કર્યો એ હજુ સ્પષ્ટ થતું નથી. બીજી તરફ, નીરા રાડિયાએ જે કામ હાથમાં લીધાં હતાં, તે પાર પાડ્યાં જ છે. એટલે એવી છાપ ઉભી થાય છે કે પત્રકારો અને નીરા રાડિયા વચ્ચેના સંબંધોમાં, શાહબુદ્દીન રાઠોડની રમૂજમાં આવે છે તેમ, પહેલી ફૂંક મોટે ભાગે નીરા રાડિયાએ મારી હશે.

બરખા દત્ત જેવાં નામી પત્રકારે એવી દલીલ કરી છે કે લીક થયેલી ટેપ સાથે ચેડાં થયેલાં છે અને કેટલાંક વાક્યો સંદર્ભ વિના જોડી દેવામાં આવ્યાં છે. વીર સંઘવી સહિત બીજા ઘણા પત્રકારોએ વાતચીતની ટેપ કોણે લીક કરી અને આ સમયે જ કેમ તે લીક થઇ, એવા સવાલ ઉભા કર્યા છે. પત્રકારોના પક્ષે દલીલ કરનારા લોકોએ ‘ક્વિડ પ્રો ક્વો’ (કોઇ કામના સાટામાં મળતા વળતર) નો મુદ્દો આગળ કરીને કહ્યું છે કે ‘આખરે આ કામમાંથી પત્રકારોએ શું મેળવી લીધું છે?’

આ બધું ક્યાંક સાંભળેલું હોય એવું લાગે છે? મોટે ભાગે તે પ્રસાર માધ્યમોના આક્રમણ સામે નેતાઓ પાસેથી સાંભળવા મળે છે. પરંતુ આ વખતે બંદૂકના નાળચાની દિશા બદલાઇ ગઇ છે. ‘ફક્ત રૂપિયાની લેવડદેવડ થાય તેને જ ભ્રષ્ટાચાર કહેવાય’ એવી ભોળી સમજ દુનિયાને સમજાવતા પત્રકારો પાસેથી સાંભળવા મળે ત્યારે (સોનામાં સુગંધની જેમ) કીચડમાં દુર્ગંધ ભળે છે. અસલી મુદ્દો પત્રકારત્વનાં સંસ્થાગત અને પત્રકારોના વ્યક્તિગત મૂલ્યોનો છે.

જાતને છેતરવાની છટકબારીઓ

પ્રસાર માધ્યમોને ‘પવિત્ર ગાય’ ગણતાં પહેલાં એટલું યાદ રાખવાની જરૂર છે કે તેની સાથે સંકળાયેલા તમામ લોકો માણસ હોય છે. એટલું જ નહીં, તે પોતપોતાના સમયની પેદાશ હોય છે. એટલે, ઘણાખરા કિસ્સામાં મીડિયા માણસને ઘડે તેના કરતાં વધારે પ્રમાણમાં માણસ મીડિયાને ઘડે છે- તેની પર પોતાની, પોતાની વિચારસૃષ્ટિ અને કાર્યક્ષમતાની, પ્રતિભા અને તેજસ્વીતાની, નૈતિકતા અને પ્રામાણિકતાનીની છાપ ઉપસાવે છે. મીડિયાના માણસો વર્તમાન સમાજનાં ચલણી મૂલ્યો સાથે લઇને આવે છે. એ માણસો જુદેસરથી બનેલા નથી હોતા. એટલે ગાંધીયુગમાં નીરા રાડિયા પ્રકારનાં ‘જનસંપર્ક નિષ્ણાત’ની કલ્પના કરી ન શકાય અને રાડિયાયુગમાં ગાંધીજી જેવા પત્રકારોની અપેક્ષા ન રાખી શકાય. પ્રામાણિકતાથી પોતાનું કામ કરનારા પત્રકારો હોય તો તે વાતાવરણના પ્રતાપે નહીં, પણ વ્યક્તિગત ખાસિયતને કારણે.

તો પછી સવાલ એ થાય કે કોઇ પોતાની વ્યક્તિગત ખૂબી-ખામી પ્રમાણે વર્તે તેમાં આટલો બધો હોબાળો શા માટે? ભ્રષ્ટાચારનો જ્યાં છોછ ન હોય, બલ્કે, કોઇ પણ રસ્તે વગદાર-પૈસાદાર બનવું એ મોભો ગણાતો હોય, જ્યાં ડોક્ટરો-વકીલો-અધ્યાપકો-ઉદ્યોગપતિઓ-અફસરો-નેતાઓ એવા તમામ વ્યાવસાયિકોમાં નૈતિકતા અપવાદરૂપ કિસ્સામાં જ બચી હોય, ત્યાં પત્રકારોને શા માટે અલગ ગણવા?

તેનો જવાબ છેઃ સમાજમાં- જાહેર જીવનમાં પ્રસાર માધ્યમોનું મહત્ત્વ. ઇન્ટરનેટના યુગમાં પરંપરાગત પ્રસાર માધ્યમોનો દબદબો થોડો ઓસર્યો હોવા છતાં, તેમની પકડ ખાસ ઢીલી પડી નથી. સરેરાશ નાગરિકની માનસિક ભૂમિકામાં પ્રસાર માધ્યમો ઓવરહેડ ટાંકીનું કામ કરે છે. ટાંકીને કબજામાં કરી લીધા પછી પોતાની વાત પહોંચાડવા માટે ઘરે ઘરે ભટકવાની જરૂર રહેતી નથી. છેલ્લાં વર્ષોમાં કોર્પોરેટ જગત માટે ટાંકીના દરવાજા ખુલી જતાં પત્રકારત્વ અને નફાલક્ષી વ્યવસાય વચ્ચેની ભેદરેખા ભૂંસાઇ ગઇ છે. પત્રકારો માટે ભારે લપસણા અને તેમને ઝેરને બદલે ગોળથી મારતા કોર્પોરેટ માર્ગનું એક મોટું સુખ છેઃ તેમાં પત્રકારો હંમેશાં એવું આશ્વાસન લઇ શકે છે કે અમે તો માહિતી મેળવવાનું અને તેના તળ સુધી જવાનું અમારું કામ કરીએ છીએ. તેમાં કોઇને ફાયદો થતો પણ હોય તો અમે શું કરીએ?’

પરંતુ કાજળકોટડીમાં નિષ્કલંક રહેવા જેવું આ કામ સહેજ પણ ગાફેલ રહેનારને નૈતિકતાનો રસ્તો ચૂકાવે છે અને જાગ્રત રહેનારાને ગાફેલ બનવા ઉશ્કેરે છે. કોર્પોરેટ ગૃહોનાં હિતની દેખરેખ રાખતી પી.આર. એજન્સીઓ પાસે નેતાઓની-અફસરોની-પત્રકારોની નૈતિકતા ચુકાવવાના સીધા-આડકતરા અનેક રસ્તા હોય છે. તેમને મન પોતાના ધ્યેયમાં સફળતા સિવાય બીજી કોઇ વસ્તુ કિમતી નથી. ભ્રષ્ટ થવા આતુર ન હોય એવાં પ્રસાર માધ્યમોથી તે કદી નિરાશ થતાં નથી અને તેમના નૈતિક આગ્રહો સામે લાલચનાં તોરણ લટકાવવાનાં ચાલુ રાખે છે. તેમ છતાં, સગીર વય વટાવી ગયેલા કોઇ પણ માણસની ભ્રષ્ટ નીતિમત્તા માટે દોષનો આખો ટોપલો બીજા કોઇના માથે નાખી શકાય નહીં.

‘કોર્પોરેટ યુગ’માં પી.આર.એજન્સીઓને બાકાયદા પત્રકારત્વની નૈતિકતાના ભોગે પોતાની ‘મેનકાગીરી’ કરી શકે કે નહીં અને એ માટેની લક્ષ્મણરેખા કેવી રીતે આંકી શકાય, એ પ્રસાર માધ્યમોએ વિચારવાલાયક મુદ્દો છે. કોર્પોરેટ જૂથો જનસંપર્ક અધિકારીઓ દ્વારા સરકારની રચનામાં દખલ કરવા સુધી પહોંચી જાય, પત્રકારો તેનાથી વાકેફ હોય, છતાં એ બધી વિગતો સંભવતઃ પોતાની આત્મકથાઓ માટે બાકી રહે અને પ્રસાર માધ્યમોમાં કદી રજૂ ન થાય, તે ભ્રષ્ટાચાર ગણાય કે નહીં? એ પણ વિચારવા જેવું છે. બાકીના બધા પાસેથી જવાબ માગતાં પ્રસાર માધ્યમોનો પોતોના વારો આવે ત્યારે જવાબ આપવામાં એ પણ રીઢા નેતાઓ જેવાં જ સાબીત થાય છે, તે દુઃખદ વાસ્તવિકતા છે.

Monday, December 06, 2010

ભ્રષ્ટાચારઃ ફળ, મૂળીયાં અને ખાતર-પાણી

અફાટ બ્રહ્માંડ વિશે વાત માંડવાની હોય તો કેવી મૂંઝવણ થાય! કંઇક એવી જ હાલત ભારતમાં ભ્રષ્ટાચારની વાત કરતી વખતે થઇ શકે છે. આઇપીએલ, કોમનવેલ્થ ગેમ્સ, આદર્શ, સ્પેક્ટ્રમ, મીડિયાની સોદાબાજી, વિવાદાસ્પદ ચીફ વિજિલન્સ ઓફિસર, જમીનગોટાળા, ગેરકાયદે ખાણકામ, કેતન દેસાઇનાં પરાક્રમો...

વાંચનાર થાકે, લખનાર થાકે, પણ કૌભાંડની યાદી અટકે એમ નથી. તેમાં તાજા કલમ તરીકે એલ.આઇ.સી. અને જાહેર ક્ષેત્રની કેટલીક બેન્કની ગેરરીતિઓનો ઉમેરો થયો છે. આ સંસ્થાઓના કેટલાક અધિકારીઓએ નિયમોની ઉપરવટ જઇને મોટી કંપનીઓને તોતિંગ રકમની લોન આપ્યાનો આરોપ છે.
-અને આ લેખ છપાઇને તમારા સુધી પહોંચે ત્યાં સુધીમાં ભ્રષ્ટાચારનો કોઇ નવો કરંડિયો નહીં ખુલે એની શી ખાતરી?

નાણાં મંત્રી કહે છે કે એલ.આઇ.સી.-બેન્કનું કૌભાંડ બહુ મોટું કે ચિંતાજનક નથી. કારણ? એ ‘ફક્ત’ થોડા સો કરોડ રૂપિયાનું છે, જ્યારે ભારતમાં કૌભાંડો હજાર કે લાખ કરોડ રૂપિયાના એકમમાં થાય છે! નાણાંમંત્રીએ ચિંતા ન કરવાના સંકેત સામાન્ય પ્રજાના નહીં, પણ શેરબજારના અને તેની સાથે સંકળાયેલા અર્થતંત્રના લાભાર્થે આપ્યા હશે. કેમ કે, પ્રજા અમસ્તી પણ ચિંતા કરવાની નથી, એ તેમના જેવા રીઢા નેતા જાણતા જ હોય.

ભ્રષ્ટાચારના આરોપો હેઠળ સરકાર જાય એ સમય ક્યારનો વીતી ગયો. બે-અઢી દાયકાથી બેફામ ભ્રષ્ટાચાર અપવાદ નહીં, પણ નિયમ બની ચૂક્યો છે. એ ઘ્યાનમાં રાખતાં, અત્યારે ટપોટપ ખૂલતાં કૌભાંડમાં આશ્ચર્ય પામવા જેવું કે ભોળા ભાવે અરેરાટીપૂર્ણ ડચકારા બોલાવવા જેવું કંઇ નથી. બહુ તો, ભ્રષ્ટાચાર વિશેની કેટલીક ગેરમાન્યતાઓ હજુ દૂર ન થઇ હોય, તો તેમને સમજવટો આપી શકાય.

ભ્રષ્ટાચાર એટલે કૌભાંડો
ઇન્વેસ્ટીગેટીવ જર્નાલિઝમ/ખોજી પત્રકારત્વની જેમ ભ્રષ્ટાચાર માટે પણ એવી ગેરસમજણ પ્રવર્તે છે કે ભ્રષ્ટાચાર એટલે કેવળ નાણાંકીય કૌભાંડો. નેતાઓ કે અધિકારીઓ કે ‘તંત્ર’ દ્વારા થતી ગેરરીતિ, લાંચ-રૂશવત-કટકીના મામલા, સચિવાલયોમાં ફાઇલો ચલાવવા કે અટકાવવા માટેના કારસા, પોલીસના હપ્તા....ટૂંકમાં, સામાન્ય નાગરિકો જેના વિશે ફક્ત બળાપો કાઢી શકે એવા, ‘બીજા’ દ્વારા- ખાસ કરીને સત્તાધીશો દ્વારા થતા રૂપિયાના ગોટાળા.

આ ગેરમાન્યતા પંપાળવામાં મોટું સુખ એ છે કે તેમાં નાગરિકોની કોઇ જવાબદારી રહેતી નથી. અંદરોઅંદર વાતચીતમાં બીજાની ટીકા કરીને તે જાગૃત હોવાનો સંતોષ મેળવી શકાય છે. ભ્રષ્ટાચારની સંધિ છોડીને, તેના વ્યાપક અર્થ (ભ્રષ્ટ આચાર) વિશે વિચારવાનું લોકો અજાણતાં કે ઘણુંખરૂં તો ઇરાદાપૂર્વક ટાળે છે. કેમ કે, ભ્રષ્ટ આચારની વાત આવે ત્યારે ‘આપણે’ અને ‘બીજા’ વચ્ચેની ભેદરેખાઓ ભૂંસાવા લાગે છે. અલબત્ત, દરેક પ્રકારના ભ્રષ્ટાચારની ગંભીરતા એકસરખી હોતી નથી. પરંતુ ટ્રાફિક સિગ્નલ તોડ્યા પછી પોલીસને દસનું પત્તું પકડાવીને છટકવાની કોશિશથી માંડીને ઓફિસની ખરીદીમાં થતી કટકી અને ધંધામાં કરવામાં આવતા ગોટાળા- આ બધા ભ્રષ્ટાચારનાં જ નાનાંમોટાં સ્વરૂપ છે- અને આ તો ફક્ત આર્થિક ભ્રષ્ટાચારની વાત થઇ.

સામાજિક સંબંધોમાં ભ્રષ્ટ આચારનું ક્ષેત્ર બહુ મોટું બની જાય છે. ગરજાઉ સંબંધોથી માંડીને યેનકેનપ્રકારે ધનિક બની બેઠેલાઓથી અંજાવું- તેમના દાખલા લેવા, એ બધો ભ્રષ્ટ આચાર જ છે. ભ્રષ્ટાચારના એવા સપાટાને કારણે સમાજના આદર્શ/રોલમોડેલ બદલાઇ જાય છે અને ક્યારેક જ્યાં મહાત્મા ગાંધી મહાપુરૂષ ગણાતા હતા, તેમના સ્થાને અબજોપતિ ધનકુબેરોને બેસાડી દેવામાં આવે છે. ‘કોર્પોરેટ કલ્ચર’ના રૂપાળા આવરણ તળે ભલભલા ભ્રષ્ટ આચારોને વાજબી અને વ્યવહારૂ ગણીને હોંશે હોંશે નભાવી લેવામાં આવે છે. આ બધા ભ્રષ્ટાચારો જથ્થાની અને તીવ્રતાની રીતે રાજાના કે કલમાડીના કૌભાંડો કરતાં અનેક ગણા નાના હોઇ શકે, પણ પ્રકારની રીતે એ જરાય જુદા નથી. હકીકતે, ભ્રષ્ટાચારને નભાવી લેવો, તેનાથી રૂંવાડું પણ ફરકવા ન દેવું અને ચા પીતાં પીતાં તેની ચર્ચા કર્યા પછી વરીયાળી ખાઇને કામે વળગી જવું એ પણ એક પ્રકારનો ભ્રષ્ટ આચાર જ ગણાય.

સારા કોલસ્ટેરોલની જેમ ‘સારો ભ્રષ્ટાચાર’ પણ હોય
દુનિયાદારી જોઇ ચૂકેલા અનુભવીઓ પહેલાં મજબૂરીથી, પછી ટેવથી અને અંતે વ્યવહારના ભાગ તરીકે સ્વીકારતા થઇ જાય છે કે ‘માણસ ભલે રૂપિયા લે, પણ કામ તો કરે છે ને!’ આ બાબતને ‘સારો’ અથવા ‘અસરકારક’ ભ્રષ્ટાચાર ગણીને લગભગ હકારાત્મક રીતે સ્વીકારી લેવામાં આવે છે. પરંતુ વિજ્ઞાનના નિયમની પરિભાષામાં કહેવું હોય તો, ભ્રષ્ટાચાર કદી અચળ રહેતો નથી. તે સતત વધતો રહે છે. તેનો એક તબક્કો સંતોષાય એટલે તે ઉપરની તરફ ગતિ કરે છે. એમ કરતાં રકમ મોટી થતી જાય છે અને કહેવાતી અસરકારકતામાં ઘટાડો આવતો જાય છે. કેમ કે, મોટાં કામ કદી એક બેઠકે, એક સહીથી કે એક મુલાકાતમાં પૂરાં થતાં નથી, જ્યારે ભ્રષ્ટાચારીનું મીટર સતત ફરતું રહે છે. પ્રીપેઇડ મોબાઇલના કાર્ડની જેમ ભ્રષ્ટાચારીની તિજોરી પણ વારંવાર ‘રીફિલ’ કરવી પડે છે. સાર એટલો જ કે ‘સારો ભ્રષ્ટાચાર’ એ લેબલ આપનારની મજબૂરી કે લાલચનું બીજું નામ હોય છે.

ભ્રષ્ટાચાર સ્ટાઇલથી થાય તો એ હોંશિયારી કહેવાય
ભ્રષ્ટાચાર સાવ જાડી રીતે કરવામાં આવે અને તેની પાછળ લાલુપ્રસાદ યાદવ હોય તો (યોગ્ય રીતે જ) તેમની પર ભ્રષ્ટાચારીનું, ચારાકૌભાંડીનું લેબલ લાગી જાય છે. રાજીવ ગાંધી જેવા ‘શીખાઉ’ પણ બોફર્સના કટકી કૌભાંડી તરીકેના લેબલ સાથે વિદાય લે છે. પરંતુ ભ્રષ્ટાચારનો પટ અનેક ગણો પહોળો પથરાયેલો હોય, તેમાં ફિલ્મ-રાજકારણ-ક્રિકેટ- કોર્પોરેટ જગત જેવા બોલકા વર્ગોનાં હિત સંકળાયેલાં હોય અને તેના કરનાર લલિત મોદી જેવા કોઇ હોય તો? ‘ગમે તેમ તો પણ માણસ કાબો કહેવાય’ એવા બહુમાનના તે અધિકારી બને છે. પ્રેસ કોન્ફરન્સમાં જેની એક બાજુ શિલ્પા શેટ્ટી ને બીજી બાજુ શાહરૂખખાન હોય, જેની ક્રિકેટમેચ કરતાં મેચની પાર્ટીઓ વધારે લાંબી ચાલતી હોય અને જેનાં આયોજનો ક્રિકેટઘેલી પ્રજા રાષ્ટ્રિય ઓચ્છવની જેમ ઉજવતી હોય, એવો માણસ લાલુપ્રસાદની હરોળમાં ગણાતો નથી. જતે દહાડે ભારતના મંત્રીમંડળમાં બમ્બૈયા ફિલ્મઇન્ડસ્ટ્રીનાં હીરો-હીરોઇનને સ્થાન આપવામાં આવે તો સંભવ છે કે ભ્રષ્ટાચાર વિશેની પ્રજાની અડધી ફરિયાદો દૂર થઇ જાય અથવા તે પ્રજાકીય મનોરંજનભૂખને પોષતો-સંતોષતો ખોરાક બની રહે.

નિષ્ક્રિય પ્રામાણિકતા ભયોભયો
હિંદીની વિખ્યાત વ્યંગનવલકથા ‘રાગ દરબારી’માં એક પાત્ર અંગે કહેવામાં આવે છે કે ‘વો બડે ગઉ (ગાય જેવા) આદમી હૈ.’ તરત સામેનું પાત્ર જવાબ આપે છે,‘ગઉ હૈ તો યહાં ક્યા કર રહૈ હૈં? જાકે ડેરીમેં બંધ જાય. ભૂસા ખાય ઔર દૂધ દે.’

જેટલી વાર કોઇ નિષ્ક્રિય, નબળા અને પ્રામાણિક માણસનાં વખાણ થાય એટલે વાર ‘રાગ દરબારી’નો સંવાદ યાદ આવે છે. સત્તાસ્થાને બેઠા પછી કે જવાબદારી સંભાળ્યા પછી ‘ગઉ આદમી’ હોવું પૂરતું નથી. કેમ કે, પ્રામાણિકતા એ કાર્યક્ષમતા, નીરક્ષીરવિવેક કે ખોટાને પડકારવાની હિંમત જેવા સદ્ગુણોની ખોટ ભરપાઇ કરી શકે એવડો મોટો સદગુણ નથી. બીજા શબ્દોમાં કહીએ તો, આગળ જણાવ્યા છે એવા બીજા ગુણ ન હોય તો સ્વતંત્રપણે પ્રામાણિકતાનું મૂલ્ય એક હદથી વધારે નથી. પરંતુ ચોતરફ ભ્રષ્ટાચારની બોલબાલા હોય ત્યારે એક પ્રતિક્રિયા ‘રૂપિયા લે છે, પણ કામ તો કરે છે’ એવી આવે અને તેનો બીજો અંતીમ છેઃ ‘ગમે તે કહો, ભલે માણસ કંઇ કરતો નથી, પણ તેની ઇમાનદારી વિશે આંગળી ચીંધી શકાય એમ નથી.’ બન્ને અંતીમો મૂળભૂત રીતે હતાશામાંથી ઉદભવે છે.

ભ્રષ્ટાચાર આદિકાળથી અને અત્રતત્રસર્વત્ર છે
ઉપરાછાપરી કૌભાંડોને કારણે અત્યારે ભલે અભૂતપૂર્વ ભ્રષ્ટાચારનો અનુભવ થતો હોય, પણ ભ્રષ્ટાચાર દરેક કાળમાં અને માનવજાતના મૂળભૂત ગુણ- સ્વાર્થ-ની અભિવ્યક્તિ તરીકે ઓછેવત્તે અંશે વિશ્વવ્યાપી છે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ જેવી સંસ્થાઓ દર વર્ષે ઠરાવેલાં ધારાધોરણ પ્રમાણેનાં પરિબળોની માપણી કરીને, દુનિયાભરના દેશોને ભ્રષ્ટાચારમાં નંબર આપે છે- જેનો નંબર આગળ હોય તે ઓછા ભ્રષ્ટ અને પાછળ હોય તે વઘુ ભ્રષ્ટ. તેમાં આ વર્ષે ભારતનો નંબર ૮૭મો હતો. આશ્વાસન ખાતર કહેવું હોય તો કહી શકાય કે ભારતથી વધારે ભ્રષ્ટાચાર ધરાવતા હોય એવા ૭૦-૮૦ દેશ આ પૃથ્વીના પટ પર છે. એમ પણ કહી શકાય કે ચીન જેવા દેશમાં ભ્રષ્ટાચારીઓ સામે મોતની સજા સુધીની કાર્યવાહી થાય છે. છતાં ચીન પણ ભ્રષ્ટાચારની યાદીમાં છેક ૭૯મા ક્રમે છે. મતલબ, ભ્રષ્ટાચાર માનવપ્રકૃતિનો હિસ્સો છે.

પરંતુ આ અર્ધસત્ય છે. ભ્રષ્ટાચાર સર્વવ્યાપી અને અનાદિકાળથી હોવાનું સ્વીકારી લઇએ તો પણ ખરો મુદ્દો તેની સામાજિક સ્વીકૃતિનો છે. દારૂ પીનાર માટે ‘કાયદો છોડશે નહીં અને સમાજ સ્વીકારશે નહીં’ એવું સૂત્ર નશાબંધી વિભાગે એક સમયે પ્રચલિત કર્યું હતું. આ સૂત્ર વર્તમાન સમયમાં ભ્રષ્ટાચારીઓને લાગુ પાડી શકાશે? કેમ કે, મોટા ભાગના ભ્રષ્ટાચારીઓને કાયદો અડી શકતો નથી અને સમાજ તેમની આવડતને- તેમની સમૃદ્ધિને બિરદાવે છે અથવા કમ સે કમ, તેમને સામાજિક સ્વીકૃતિ તો આપે જ છે. કોઠાકબાડા કરીને અઢળક રૂપિયા કમાનારનો સમાજે બહિષ્કાર કર્યો હોય એવું ભાગ્યે જ જાણવા મળશે.

મતલબ, ભ્રષ્ટાચાર માનવપ્રકૃતિ સાથે વણાયેલો હોય તો પણ તેને એક મૂલ્ય તરીકે સ્થાપિત કરવામાં અથવા સમાજ સમક્ષ આદર્શ તરીકે રજૂ થતાં વ્યક્તિત્વોના ભ્રષ્ટાચારને નજરઅંદાજ કરવામાં દરેક સમયના સમાજની સહનશક્તિ ઓછીવત્તી હોય છે. એક જમાનો એવો હતો જ્યારે ‘લાખ જજો, પણ શાખ ન જજો’ એવી કહેવત ચાલતી હતી. એ વખતે ભ્રષ્ટાચાર તો હતો જ, પણ સમાજમાં ભ્રષ્ટાચારીઓને ઉંચું આસન અને આબરૂ મળતાં ન હતાં, તેમની ‘હોંશિયારી’નાં લોકો વખાણ કરતા ન હતા અને પ્રામાણિક લોકોને ‘વેદીયા’ની ગાળ પડતી ન હતી. હવે ‘શાખ જજો, પણ લાખ આવજો’નો જમાનો છે. લાખ (કરોડ-અબજ) આવે એટલે શાખ આપોઆપ આવી જ જાય છે. ‘સાધનશુદ્ધિ’ જેવા શબ્દો ચલણમાંથી નીકળી ગયા છે, સ્તર તપાસ્યા વિના કેવળ બજારૂ સફળતાનાં ઉજવણાં અવિરતપણે ચાલે છે.

આ સ્થિતિ માટે ફક્ત કૌભાંડીઓ જ જવાબદાર છે અને તેમાં આપણો કોઇ ફાળો નથી, એ પણ એક દૂર કરવાલાયક ગેરસમજ છે.

Friday, December 03, 2010

સંગીત તનકો પૂંછ લગાયે?

'સંગીત મનકો પંખ લગાયે' એ તો 'બસંતબહાર'ના ગીતના પ્રતાપે સૌ જાણે છે, પણ મથાળામાં કરાયેલો દાવો વિચારવા જેવો છે. ઘણા લોકોના અવાજ કે ગાયકી એવા હોય છે કે તે ગાતા હોય ત્યારે ગાંગરતા હોય એવું લાગે. એવા લોકો માટે વપરાતો લોકપ્રિય શબ્દ છેઃ ભેંસાસુર એટલે કે જેના ગાંગરવાથી ભેંસનું ગાવું, મતલબ, જેના ગાવાથી ભેંસનું ગાંગરવું યાદ આવે છે તે આત્મા.

એટલે જ થોડા દિવસ પહેલાં વડોદરામાં એક રસ્તા પર ઉપરનું દૃશ્ય જોયું ત્યારે હું સડક પરથી પસાર થતાં થતાં સડક થઇ ગયો. કોઇ દેવતાનું નામ 'અસુર' હોય અને તે પણ ભેંસાસુર. 'વાહ, ભેંસાસુરદાદા, કહેવી પડે તમારી લીલા' એવું હું પ્રગટપણે વિચારતો હતો, ત્યાં બાઇક ચલાવતા મોટા ભાઇ બીરેને કહ્યું કે તેના ઘરની નજીકનો એક રસ્તો 'ભેંસાસુર માર્ગ' તરીકે ઓળખાતો હતો કે હજુ પણ ઓળખાય છે. અલબત્ત, એવું કોઇ પાટિયું મારેલું નથી.

ભેંસાસુર દાદાની ઉત્પત્તિ તેમ જ વ્યુત્પત્તિ વિશે જાણતલો કંઇક જણાવશે તો...ભેંસાસુરે ગાવાનું મન થઇ આવે એટલો આનંદ થશે.

Wednesday, December 01, 2010

...ઔર દિલ પે રહેના કાબૂ

શમશાદ બેગમની મુલાકાત વિશેની અનૌપચારિક વાતો લખવામાં થોડો સમય જાય, તે દરમિયાન તેમનાં ગીતો બરાબર સાંભળ્યાં ન હોય અથવા નવેસરથી તાજાં કરવા ઇચ્છતાં હોય એવા મિત્રો માટે તેમનાં કેટલાંક નમૂનારૂપ અને નમૂનેદાર ગીતોની લિન્ક.

કાહે કોયલ શોર મચાયે (સંગીતઃ રામ ગાંગુલી)

http://www.youtube.com/watch?v=xK-TfQp_9lI



કૈસે બજે દિલ કા સિતાર (નૌશાદ, રફી)

http://www.youtube.com/watch?v=6ixGbW1XnZU

audio



મિલતે હી આંખે દિલ હુઆ (નૌશાદ, તલત મહેમૂદ સાથે)

Milte hi ankhen

http://www.youtube.com/watch?v=k0uEjAXzcAE



જબ નૈન મિલે નૈનોં સે (નૌશાદ)

http://www.youtube.com/watch?v=dRBTxBa7fSk



લા દે મોહે બાલમા આસમાની ચૂડિયાં (ગુલામ મહંમદ, રફી સાથે)

http://ww.smashits.com/rail-ka-dibba/songs-9029.html

audio



સૈંયા દિલમેં આના રે (એસ.ડી.બર્મન)

http://www.youtube.com/watch?v=wUv-V7a-jK4



યે દુનિયા રૂપકી ચોર (ચાર-પાંચ ભાષામાં ગીત)

http://www.youtube.com/watch?v=rjxsnx3Y7Us



કહીં પે નિગાહેં (ઓ.પી.નૈયર)

http://www.youtube.com/watch?v=OS-C9adkCWo



ગાડીવાલે ગાડી ધીરે હાંક રે (મધર ઇન્ડિયા)

http://www.youtube.com/watch?v=WElRQ7TIWDs



સાવનકે નઝારે હૈ (ગુલામ હૈદર)

http://www.youtube.com/watch?v=VFv1plRFg_0



એક તેરા સહારા (ગુલામ હૈદર)

http://www.youtube.com/watch?v=wgVbeTwyPe0



ઠંડી ઠંડી હવા જો આયે (જ્ઞાન દત્ત)

http://www.youtube.com/watch?v=qYC50Q_8Irc



આયી સાવન રૂત આયી (નૌશાદ)

http://www.youtube.com/watch?v=p2v95P3AI30



મેરે પિયા ગયે રંગૂન (સી.રામચંદ્ર- તેમની જ સાથે)

http://www.youtube.com/watch?v=cO-27f41370



મેરી નીંદોમેં તુમ (ઓ.પી.નૈયર- કિશોરકુમાર સાથે)

http://www.youtube.com/watch?v=1rl4aE225As



તેરી મહેફિલમેં કિસ્મત (નૌશાદ)

http://www.youtube.com/watch?v=APDDAtbfxnw



છોડ બાબુલકા ઘર (નૌશાદ)

http://www.youtube.com/watch?v=GEij0ZK3x9w



કજરા મોહબ્બતવાલા (ઓ.પી.નૈયર)

http://www.youtube.com/watch?v=DFUu-BdQWa4&feature=related



રેશમી સલવાર (ઓ.પી.નૈયર)


મેરે ઘુંઘરવાલે બાલ (ગુલામ મહંમદ)