Wednesday, December 15, 2010

સિંહ અને શિયાળની વિકાસવાર્તા

સદીઓ પહેલાંની વાત છે. યુનિવર્સિટીઓ ખુલી ન હતી અને સેનેટની ચૂંટણીઓ થતી ન હતી, એટલે ભરતખંડમાં ગુરૂઓ-ઋષિઓ ટ્યુશન કે કાવાદાવાને બદલે તપ કરતા હતા. સહકારી મંડળીઓ શરૂ થઇ ન હોવાથી ઘી-દૂધની નદીઓ વહેતી હતી. લોકશાહી ન હોવાથી ગણ્યાગાંઠ્યા સત્તાધીશોને જ ગોટાળા કરવાની તક મળતી હતી. લોકોનું સરેરાશ આયુષ્ય ઓછું હતું, પણ ડોક્ટરો-હોસ્પિટલો ન હોવાથી લોકો દેવાદાર બન્યા વિના શાંતિથી મરી શકતા હતા. શેરબજાર અને સેન્સેક્સ ન હોવાથી લોકો વિકાસના ખોટા ભ્રમમાં જીવતા ન હતા અને જીડીપી ગણીને હરખાતા ન હતા. જમીનો બધી રાજની અને રાજ રાજાનું હતું, એટલે જમીનફાળવણી જેવા મુદ્દે વિવાદો કે કૌભાંડ થતાં ન હતાં. સી.બી.આઇ. અને તેની તપાસસમિતિઓ ન હતી, એટલે તેની તપાસમાં ઢીલાશ કે વિલંબની ફરિયાદો પણ ન હતી. રાજાને કોઇનો ટેકો લેવો પડતો ન હતો અને જે ટેકો લે તે રાજા તરીકે ટકી શકતો ન હતો. એટલે પ્રજાને અસલી રાજા કોણ છે એવી મૂંઝવણમાં મૂકાવું ન પડતું હતું.

એવા પ્રાચીન યુગમાં લખાયેલી કેટલીક વાર્તાઓ બોધકથા તરીકે હજુ ચાલે છે. પરંતુ બદલાયેલા જમાના પ્રમાણે તેની નવી આવૃત્તિ તૈયાર કરવામાં આવે તો? ‘આ વાર્તા મેં બહુ વાર સાંભળી છે’ એવો વિચાર ટાળીને વાંચવા જેવો, સિંહ અને શિયાળની નવા સ્વરૂપની વાર્તાનો એક નમૂનોઃ
***
એક જંગલ હતું. તેમાં સિંહનું રાજ હતું. જાતે શિકાર કરતાં સિંહ કરતાં આ સિંહરાજા જરા જુદા હતા. તેમને દર અઠવાડિયે ખોરાક તરીકે એક-એક પ્રાણી મોકલવું પડતું હતું. જંગલના માહિતીખાતા દ્વારા પ્રકાશિત સામયિકમાં દર પખવાડિયે સિંહની પ્રભાવશાળી તસવીરો છપાતી હતી. સ્વાભાવિક છે કે તેમાં કદી પ્રાણીનો નાસ્તો કરતા સિંહની કે નાસ્તો થઇ ગયેલાં પ્રાણીની તસવીર છપાતી નહીં.

પ્રાણીઓ ‘વ્યવહારૂ’ હતાં. કામ કરાવવું હોય તો ‘ખવડાવવું’ પડે એ સિદ્ધાંત તેમને સમજાઇ ચૂક્યો હતો. એટલે નૈતિકતાના નામે જંગલમાં ચણભણાટ કરનારા લોકોને વીણી વીણીને તે સિંહ પાસે મોકલી આપતાં હતાં. સિંહ સમજતો હતો કે પ્રાણીઓ પર તેનો આતંક છે, જ્યારે વ્યવહારૂ પ્રાણીઓ માનતાં હતાં કે વગર સોપારી આપ્યે તે સિંહનો ઉપયોગ કરી રહ્યાં છે અને જંગલના (એટલે કે પોતાના) શત્રુઓ ઓછા કરી રહ્યાં છે.

આખરે એક દિવસ એવો આવ્યો, જ્યારે આખા જંગલમાં નૈતિકતાની વાત કરનાર કોઇ પ્રાણી ન બચ્યું. વ્યવહારૂ પ્રાણીઓ વિચારમાં પડ્યાં: બગડી ગયેલી આદતોવાળા સિંહને હવે કેવી રીતે કાબૂમાં લેવો? સિંહ પોતાની ભૂખની આડે આવતાં પ્રાણીઓની બાબતમાં ઘાતકી અને ખારીલો હતો. ઘણાબધાને દાઢમાં રાખ્યા હોવાથી તેનું મોં બહુ ગંધાતું હતું, પણ સિંહને કોણ કહે કે તું બ્રશ કર?

‘હવે શું કરવું?’ એ નક્કી કરવા યોજાયેલી સભામાં થોડા ગણગણાટ પછી એક હાથી ઉભો થયો. તરત ઓડિયન્સમાંથી કોઇ બોલ્યું, ‘આ કામ ધોળા કે કાળા એકેય હાથીનું નથી.’ ચપ્પલનો ઘા ચૂકાવ્યા પછી તરત સ્વસ્થ થઇ જતા નેતાઓની જેમ, હાથીએ પણ આ ટીપ્પણી પચાવીને બોલવાનું શરૂ કર્યું, ‘આપણા ખરેખર આફતમાં છીએ અને તેને ખરેખર દૂર કરવા ઇચ્છીએ છીએ. એટલા આપણે તપાસસમિતિ નીમવાને બદલે નક્કર ઉકેલ વિચારવો પડશે. હું એક શિયાળને ઓળખું છે, જે શહેરોના સીમાડે બનતી નવી ક્લબો અને સ્કૂલ-કોલેજોનાં ચક્કર કાપીને આવ્યું છે. તેના શારીરિક કદ કે વાતચીતની ઢબ સામે ન જોતાં તેની વાત સાંભળજો. નાની-નાની વાતોમાં રાડો પાડવાની એની ટેવને લીધે તે રાડિયા શિયાળ તરીકે ઓળખાય છે. મને ખાતરી છે કે તે સિંહને પટાવીને આપણું હિત સાધી આપશે.’

હાથી બેસી ગયો. તેના ઇશારાથી શિયાળ ઉભું થયું અને પ્રાણીઓને સંબોધીને કહે,‘તમારો બધાનો સહકાર હશે તો આપણે ચોક્કસ સિંહને ઠેકાણે પાડી દઇશું. મને એ કહો કે સિંહની નબળાઇ શી છે? તેને શું બહુ ગમે છે? તેને શાનો શોખ છે?’

તરત થોડાં બોલકાં પ્રાણીઓ સમૂહમાં બોલી ઉઠ્યાં,‘તેને પોતાનો ચહેરો જોવાનું બહુ ગમે છે. અમારી સાથે અસલમાં તેણે અઠવાડિયે બે પ્રાણી મોકલવાની શરત કરી હતી. પછી એવો વિકલ્પ આપ્યો કે તમે જંગલનાં તમામ હોર્ડિંગમાં મારા ફોટા મૂકવાના હો તો અઠવાડિયે એક પ્રાણી ચાલશે.’

આ સાંભળીને શિયાળે થોડો વિચાર કર્યો અને પછી કહ્યું,‘મારી પાસે એક જોરદાર આઇડીયા છે. તમારે ફક્ત એટલું જ કરવાનું કે આવતા અઠવાડિયે કોઇ પ્રાણીને મોકલવાનું થાય, ત્યારે મને સિંહ પાસે મોકલજો.’

પ્રાણીઓને આખી વાતમાં કંઇ ગુમાવાનું ન હતું. શિયાળ ખોટું પડે તો એનો જ જીવ જશે, એમ વિચારીને વ્યવહારૂ પ્રાણીઓ રાજી થયાં.

નિયત દિવસ આવી પહોંચ્યો. બધાં પ્રાણીઓ શિયાળને વિદાય આપવા ઇચ્છતાં હતાં, પણ શિયાળે મનાઇ કરી. કહ્યું કે ‘નકામી સિંહને શંકા જાય.’

ભૂખથી વ્યાકુળ જણ સાથે ચર્ચા ન થાય, એ સમજતું શિયાળ સમય કરતાં થોડું વહેલું, શેમ્પેઇનની બોટલ અને મોંઘોદાટ બૂકે લઇને સિંહની ગુફામાં પહોંચ્યું. સિંહ તૈયાર થતો હતો. શિયાળના હાથમાં ગિફ્ટ જોઇને તે મરક્યો. શિયાળે તરત કહ્યું,‘આ તો હજુ શરૂઆત છે મહારાજ.’

સિંહ કહે,‘શરૂઆત શાની? આજે તો તારો અંત છે. તને પ્રાણીઓએ કહ્યું નથી?’

‘એનો આધાર તમારી બુદ્ધિ પર છે.’ શિયાળ બોલ્યું,‘તમારી પાસે બે વિકલ્પ છેઃ મને મારી નાખો અને પછી મળનારા બધા લાભ ગુમાવો અથવા મને જીવતો રાખો અને જિંદગી આખી જલસા કરો.’

સિંહે ભારોભાર અવિશ્વાસથી શિયાળ સામે જોયું. એટલે શિયાળ સિંહને કેશવાળીથી લગભગ ખેંચીને ગુફાની બહાર લઇ ગયું. સામે એક મોટો કૂવો હતો. તેના કાંઠે લાવીને શિયાળે સિંહને ઉભો રાખ્યો અને કહ્યું,‘વર્ષો પહેલાં અમારા એક વડવાએ તમારા વડવાને એમ કહીને મૂરખ બનાવ્યા હતા કે કૂવામાં બીજો સિંહ છે. તમારા વડવા કૂવાના પાણીમાં પોતાના પ્રતિબિંબને બીજો સિંહ માની બેઠા અને ઉશ્કેરાઇને કૂવામાં કૂદી પડ્યા. હું જાણું છું કે ત્યારથી તમે કૂવાથી દૂર રહો છો. પણ હું તમને કહું છું કે આ કૂવાનો તમે તમારા ફાયદામાં શા માટે નથી કરતા?’

સિંહના ભેજામાં આખી વાત હજુ ગોઠવાતી ન હતી. તે આશ્ચર્યમૂઢ થઇને શિયાળ સામે જોઇ રહ્યો. એટલે શિયાળે આગળ ચલાવ્યું, ‘તમારે જંગલનાં પ્રાણીઓને કહેવાનું કે જુઓ, આખા જંગલમાં ક્યાંય તમારો ચહેરો જોવા માટે અરીસો ન હતો. એટલે મેં તમારા માટે આટલો મોટો અરીસો તૈયાર કરાવ્યો છે અને જંગલનો વિકાસ કર્યો છે. હવે હું દર અઠવાડિયે એક પ્રાણી માગું એની ટીકા કરશો તો રાજદ્રોહનો ગુનો થશે અને તમે સીધા રહેશો તો હું આવા બીજા અરીસા બનાવીશ. જંગલનો જોરદાર વિકાસ કરીશ.’

શિયાળનો આઇડીયા સાંભળીને સિંહનો ચહેરો ચમકી ઉઠ્યો. તે સિંહ મટીને શેખચલ્લી બની ગયોઃ ‘આ જ વાતનો પ્રચાર જંગલની બહાર બીજાં જંગલોમાં કરવામાં આવે તો આપણો જયજયકાર થઇ જાય...મારા વિકાસકાર્યોને લીધે કદાચ બધાં જંગલોના રાજા તરીકે પણ મને બેસાડી દેવામાં આવે.’

સ્વપ્નમાં સરી પડેલા સિંહને શિયાળે ઢંઢોળ્યો અને કહ્યું,‘તમારાં બધાં સ્વપ્નાં હું હોઇશ તો પૂરાં થશે. તમારે ફક્ત એટલું જ કરવાનું કે મને મરેલો જાહેર કરવાનો. બીજાં પ્રાણીઓને એવું પણ કહેવાનું કે મરતાં પહેલાં મેં બહુ તરફડિયાં માર્યાં હતાં. બસ, પછી હું તમારી ગુફામાં રહીશ, તમારૂં પ્રચારતંત્ર ગોઠવી આપીશ. બદલામાં તમારે મને શિકારમાંથી ભાગ આપવાનો અને ભવિષ્યમાં તમે આગળ વધો ત્યારે પણ બઘું કામ મારી એજન્સીને જ આપવાનું.’

આ રીતે જંગલમાંથી સિંહનો ત્રાસ દૂર થયેલો જાહેર કરવામાં આવ્યો. જંગલનો વિકાસ થવાથી પ્રાણીઓ પોરસાવા લાગ્યાં અને શિયાળ? એ ગુફામાં બેઠું બેઠું જંગલમાં રાજ કરે છે અને પ્રાણીઓને લાગે છે કે જંગલમાં સિંહનું રાજ છે.

7 comments:

  1. vaah vaah... jordaar....
    keep it up...

    ReplyDelete
  2. superb satire!! apt for the uncovering events we are witnessing these days in our country!

    ReplyDelete
  3. સિંહ રાજા અને રાડિયા શિયાળ. વાહ ભાઈ વાહ.

    ReplyDelete
  4. વાહ, બહોત અચ્છે ઉર્વીશભાઈ.

    ReplyDelete
  5. urvish,
    i am curious to know whether you get any feedback from your targets?

    if yes, do they receive the missives in good humor or get annoyed? do you ever get any hate-mails or threats for your veiled vitriols?

    ReplyDelete
  6. urvish kothari10:23:00 PM

    @neeravbhai: no. don't get feedback.

    ReplyDelete
  7. ૨૦૧૦ના ઉત્તમ હાસ્ય નિબંધો પસંદ કરવાના હોય તો આ નિબંધને હું પેલા પાંચમાં સ્થાન આપું!

    ReplyDelete