Friday, December 10, 2010

રામાયણઃ લીક થયેલી ટેપ્સ અને અહેવાલોના આધારે

લીક થયેલી ટેલીફોન ટેપ્સથી કેવી રામાયણ સર્જાય છે એ હવે કોઇને સમજાવવાની જરૂર નથી. કલ્પનાનો વિષય એ છે કે રામાયણના જમાનામાં સેલફોન અને સેલફોન ટેપિંગ શોધાઇ ગયું હોત, તો રામાયણની ‘સ્ટોરી’ પ્રસાર માઘ્યમોમાં કેવા સ્વરૂપે આવી હોત?

***

અયોઘ્યાનું વારસકૌભાંડઃ વારસની પસંદગી પર પ્રકાશ પાડતી ફોન ટેપ્સ
અયોઘ્યા, તા.૫

અયોઘ્યાના સમ્રાટ દશરથરાજાના ઉત્તરાધિકારી તરીકે ભરતની નિમણૂંક અને રામની બાદબાકી ઘણા સમયથી ચકચારનું કારણ બનેલી છે. અયોઘ્યાના ગૃહ મંત્રાલયે એ દિશામાં તપાસના હેતુથી કેટલાક ફોન નંબરનું ટેપીંગ કર્યું હતું. તેના કેટલાક અંશો પ્રસાર માઘ્યમો સુધી પહોંચી જતાં સનસનાટી મચી જવા પામી છે. વારસકૌભાંડમાં એક મહિલાની ભૂમિકા સૌથી મહત્ત્વની જણાય છે. અત્યાર સુધી એ નામ કૈકેયી કે મંથરાનું હોવાની છાપ હતી, પણ ટેપ્સમાંથી મળતી માહિતી પ્રમાણે, એ મહિલા રાજપરિવારની ગૃહિણી નહીં, પણ પી.આર.એજન્સીની માલિકણ છે. ઘણા સમયથી તે અયોઘ્યામાં પી.આર.એજન્સી ચલાવે છે. એટલું જ નહીં, રાજા દશરથ ઉપરાંત શ્રીરામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, કૈકેયી અને દૂરના દેશ લંકામાં રાજ કરતા રાજા રાવણ- આ બધાનું પી.આર. પણ એ જ મહિલા સંભાળે છે. અત્યાર લગી દરેક આરોપોનો રદીયો આપવાને કારણે તે મહિલા ‘મિસ રદીયા’ તરીકે જાણીતી બની છે. અયોઘ્યા અને લંકાનાં હિતોનું એકસાથે રક્ષણ કરતી મિસ રદીયાની ભૂમિકા પર વઘુ પ્રકાશ પડે એ માટે ટેપ્સની ઝીણવટપૂર્વક તપાસ ચાલુ છે.

***

ટેલીફોન ટેપ્સઃ કેટલાક પ્રતિભાવ
અયોઘ્યા, મિથિલા અને વનપ્રદેશ, તા. ૭

રાજા જનકઃ વારસાકૌભાંડના પગલે મારાં દીકરી-જમાઇ સીતા-રામને વનમાં જવું પડ્યું ત્યારથી જ મને લાગતું હતું કે આ મોટું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે. દોષનો આખો ટોપલો મિસ રદીયા પર ઢોળી દેવાનું ઠીક નથી. એમ તો એ મારૂં પી.આર. પણ કરે છે.

રાજા ભરતઃ મિસ રદીયા સાથે મારી વાતચીતની ટેપ હોય એનાથી કશું સાબીત થતું નથી. એમ તો મારા મોટા ભાઇ રામચંદ્રજીએ પણ મિસ રદીયા સાથે વાતચીત કરેલી છે. મિસ રદીયા ફક્ત અયોઘ્યાનાં જ નહીં, મારા ભાઇના સસરાનાં પણ પી.આર. છે.

રામચંદ્રજીઃ હું યુવરાજ હતો ત્યારથી મિસ રદીયાને ઓળખું છું. એ બહુ હોંશિયાર છે. ‘દશરથરાજાના અવસાન પછી ગાદી તમને જ મળવી જોઇએ’ એવું એમણે ફક્ત મને જ નહીં, અમને ચારેય ભાઇઓને અલગ અલગ રીતે કહ્યું હતું. મને ગાદીની પરવા નથી. એટલે તો હું અત્યારે વનમાં છું. પણ બહાર શું ચાલે છે એ જાણવા માટે પણ મિસ રદીયાના સંપર્કમાં રહેવું મારા માટે જરૂરી હતું.સીતાની ગઇ વર્ષગાંઠે મિસ રદીયાએ અમને લંકાનું હોલિડે પેકેજ ઓફર કર્યું હતું. કારણ કે એ લંકાનું પી.આર. પણ કરે છે.

કૈકેયીઃ મંથરાએ મને રદીયાના ધંધા વિશે કહ્યું ત્યારથી મને ખાતરી થઇ ગઇ હતી કે આ બઘું ક્યારેક છાપરે ચડીને પોકારશે. એટલે મેં રદીયા જોડેનું કામકાજ સાવ ઘટાડી દીઘું. એના કરતાં મંથરા લાખ દરજ્જે સારી.

***

અયોઘ્યાના સિંહાસન પર મૂકાયેલી પાદુકા શ્રીરામની નહીં, પણ મિસ રદીયાની છે?
અયોઘ્યા અને વનપ્રદેશ, તા.૨૧

વિવાદાસ્પદ વારસાકાંડમાં અનેક નવા ફણગા ફૂટી રહ્યા છે. સાથોસાથ અયોઘ્યા અને તેની આસપાસના પ્રદેશોમાં મિસ રદીયાના પ્રભાવની નવી વિગતો બહાર આવી રહી છે. એક ચેનલ પર પ્રસારિત થયેલા સનસનીખેજ અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અયોઘ્યાના રાજસિંહાસન પર મૂકાયેલી ‘શ્રી રામચંદ્રજીની પાદુકા’ ખરેખર મિસ રદીયાની પાદુકાઓ છે.

શ્રી રામચંદ્રજીએ વનમાં પોતાની કુટીરમાં આપેલા ઇન્ટરવ્યુમાં ચેનલના પ્રતિનિધિને જણાવ્યું હતું કે ભરત તેમને મળવા આવ્યો હતો, પણ તેમણે ભરતને કોઇ પાદુકા આપી નથી. ઉપરથી શ્રીરામને જંગલનિવાસ દરમિયાન તકલીફ ન પડે એ માટે ભરત અયોઘ્યાથી કેટલીક જાણીતી બ્રાન્ડની પાદુકાઓ લઇને આવ્યા હતા. ચેનલે કરેલી તપાસમાં એ પાદુકાઓ ભરત માટે મિસ રદિયાની એજન્સીએ, અયોઘ્યાના બજારમાં લંકાના ભાવે ખરીદી હોવાનું પણ જાણવા મળ્યું છે. ભાઇઓ વચ્ચે પાદુકાઓની આપ-લેનો લાભ લઇને મિસ રદીયાએ પોતાની પાદુકાઓ શ્રી રામચંદ્રજીના નામે અયોઘ્યાના સિંહાસન પર મૂકાવી દીધી હોવાના સંકેત પણ એક ટેલીફોનિક વાતચીતમાંથી મળ્યા છે. અયોઘ્યા સિવાય બીજી જગ્યાઓએ સિંહાસન પર મિસ રદીયાની પાદુકાઓ ન હોય તો પણ રાજ તો એમનું જ ચાલે છે, એવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

***

લંકાપતિ રાવણે કરેલું સીતાનું અપહરણઃ મિસ રદીયાની મઘ્યસ્થી?
અયોઘ્યા, તા. ૮

લંકાપતિ રાવણે સાઘુવેશે જઇને શ્રીરામચંદ્રનાં ધર્મપત્ની સીતાનું અપહરણ કર્યું હતું. આ સમાચારથી અયોઘ્યાની જનતામાં આઘાત અને રોષની લાગણી વ્યાપી હતી. શહેરમાં નીકળેલા એક સરઘસમાં રાવણનાં પૂતળું પણ બાળવામાં આવ્યું હતું. સીતાજીના અપહરણની ઘટના અંગે મિસ રદીયાએ આશ્વાસન આપતાં કહ્યું હતું કે ‘શ્રી રાવણને હું વર્ષોથી ઓળખું છું. એ મારા ક્લાયન્ટ છે અને હું આખી વાતનો શાંતિપૂર્વક નીવેડો લાવવા બનતા તમામ પ્રયાસ કરી છૂટીશ.’ શ્રી રાવણની વિદ્વત્તાની પ્રશંસા કરતાં મિસ રદીયાએ કહ્યું હતું કે સામાન્ય સંજોગોમાં એ આવું કરે નહીં, પણ છેલ્લા ઘણા સમયથી મારી એમની સાથે વાત થઇ નથી.

***

સીતાના અપહરણમાં મિસ રદીયાનો હાથઃ રદીયા-રાવણ વાતચીતની ટેપમાંથી થયેલો ધડાકો
અયોઘ્યા, તા. ૧૦

વારસાકૌભાંડે લીધેલા નવા અને અણધાર્યા વળાંકમાં મિસ રદીયા અને લંકાપતિ રાવણ વચ્ચે થયેલી વાતચીતની એક ટેપે ધરતીકંપ સર્જ્યો છે. તેમની વચ્ચે થયેલી વાતચીતના અંશ.

રદીયાઃ હાય.
રાવણઃ હાય રદીયા.
રદીયાઃ ફાઇન. પણ હમણાં અયોઘ્યામાં જરા ઠંડું ચાલે છે. મને લાગે છે કે તમારે એમાં કંઇક રસ લેવો જોઇએ.
રાવણઃ કઇ જાતનો રસ?
રદીયાઃ તમે એવું કંઇક કરો કે જેનાથી બઘું અવળસવળ થઇ જાય અને પછી...હું મારી ઇચ્છા પ્રમાણે બઘું ગોઠવી શકું.
રાવણ: પણ એવું હું શા માટે કરૂં?
રદીયાઃ યુ નો ધેટ. અયોઘ્યાના ટોપ ૧૦ કોર્પોરેટ્સ મારા ક્લાયન્ટ છે. તમે કહો એટલું ઇન્વેસ્ટમેન્ટ હું લંકામાં કરાવી દઊં. આખી લંકાને સ્વર્ણિમ બનાવી દઊં. કહો તો અયોઘ્યાનાં મોટાં જાહેર સાહસોમાં થોડો ભાગ તમારો થઇ જાય એવું ગોઠવી દઊં.
રાવણઃ પણ મારે કરવાનું શું છે?
રદીયાઃ રામની પત્ની સીતાનું અપહરણ.
(નાના ખટકા સાથે ટેપ અધવચ્ચેથી અટકી જાય છે. ત્યાર પછી ફક્ત ઘરઘરાટી સંભળાય છે.)

***
મિસ રદીયાની ઓફિસો પર દરોડા, તપાસ
અયોઘ્યા, મિથિલા, તા. ૧૪

ગઇ કાલે મોટી સાંજે અયોઘ્યામાં આવેલી પાંચ ઓફિસ સહિત મિસ રદીયાની કુલ ૧૩ ઓફિસ પર સ્થાનિક ગુપ્તચરો ત્રાટક્યા હતા. તેમની સાથે વિવિધ વિભાગોના અફસરો પણ સામેલ હતા. મિસ રદીયાએ ટીવી કેમેરા સમક્ષ સ્માઇલ આપતાં કહ્યું હતું કે પોતે તમામ પ્રકારની તપાસમાં સહકાર આપશે. લંકાપતિ સાથે તેમની ટેપની વિગત બહાર આવ્યા પછી બન્ને વચ્ચે ફોનની સંખ્યા ઘણી વધી ગઇ હોવાનો પણ ગુપ્તચર અહેવાલ છે.

***

રામ-રાવણ યુદ્ધ : શ્રી રામની ભવ્ય જીત
લંકા, તા. ૨૮

અયોઘ્યા સરકારે પ્રગટ કરેલી અખબારી યાદી પ્રમાણે, રાવણ સામેના યુદ્ધમાં મિસ રદીયાની મદદથી શ્રીરામની ભવ્ય જીત થઇ છે. સરકારી અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, બન્ને પક્ષોએ મિસ રદીયાની એજન્સી મારફતે હથિયારોની ખરીદી કરી હતી. વાનરસેના અને રાક્ષસસેનામાં ભરતીની કામગીરી પણ મિસ રદીયાની એજન્સીને જ મળી હતી, પરંતુ છેલ્લી ઘડીની સોદાબાજીમાં રાવણે મિસ રદીયાની ઇચ્છા મુજબ વર્તવાનો ઇન્કાર કરી દેતાં, યુદ્ધનું પલ્લું શ્રીરામ તરફ નમી ગયું.

વિજય પછીની ભવ્ય ઉજવણીમાં અયોઘ્યાના ગૃહમંત્રીએ મિસ રદીયાની ભૂમિકા બિરદાવતાં કહ્યું હતું કે ‘મિસ રદીયા તો રતન છે રતન!’ ખુદ શ્રીરામચંદ્રજીએ ભગવાન શૈલીમાં કહ્યું હતું કે દર યુગે મારૂં અવતરણ થાય કે ન થાય, મિસ રદીયાઓ દરેક યુગે અવતરતી રહેશે.

3 comments:

  1. મિસ રદીયા દરેક યુગે નવા નવા નામે અવતરતી જ રહી છે.

    ReplyDelete
  2. raw material of drama script.........sir ek dhamakedar natak lakhi nakho,

    ReplyDelete
  3. sory pan maja na avi......

    ReplyDelete