Wednesday, December 08, 2010

રાડિયા અને મીડિયાઃ નૈતિકતા? કિસ ખેતકી ચિડીયા?

ચોથી જાગીરની બાંધી મુઠ્ઠી વધુ એક વાર ખુલી ગઇ છે. હજુ સુધી કોઇ પત્રકાર સામે સાબીત થવાનું તો બાજુ પર રહ્યું, કોઇ ગુનો પણ નોંધાયો નથી. સામે પક્ષે, આરોપીઓ પત્રકાર હોવાને કારણે તેમણે પોતાને મળતી જગ્યામાં મજબૂત ખુલાસા પણ કર્યા છે. છતાં, ટેલીફોન ટેપીંગમાં ઝડપાયેલી વાતચીતોમાં કેટલાક મોટા પત્રકારોની અને એકંદરે આખા વ્યવસાયની વિશ્વસનીયતા ટીકા તથા શંકાને પાત્ર બની છે.

થોડાંઘણાં જાગ્રત પ્રસાર માધ્યમોમાં એક સૂર એવો પણ સંભળાઇ રહ્યો છે કે ‘જોજો, મીડિયાની પ્રતિષ્ઠાનું નાહી નાખવામાં અતિરેક ન થાય અને સૂકા ભેગું લીલું ન બળે.’ નીતિમત્તામાં ઓછી બાંધછોડ કરનારાં પ્રસાર માધ્યમોને ચિંતા છે કે રાજકારણીઓની જેમ મીડિયા વિશે પણ ‘બધા ચોર છે’ એવી માન્યતા ઘર ઘાલી જશે તો સમાજને ઘણું નુકસાન થશે. તેમની ચિંતા બિનપાયેદાર કે કવેળાની ભલે ન હોય, એક સિદ્ધાંત તરીકે તેમાં સંમતિ જ હોય, છતાં આ તબક્કે તેમની સૈદ્ધાંતિક ચિંતામાં સૂર પુરાવવાનું અઘરું લાગે છે.

કબૂલ કે પ્રસાર માધ્યમોમાં હજુ ઉજ્જવળ અપવાદો છે, જે પત્રકારત્વના હાર્દને સમજે-જાળવે-અનુસરે છે, જે કોર્પોરેટ જગત સામે પૂંછડી પટપટાવતા કે લાળ ટપકાવતા નથી, જે હકથી લાંચ માગતા નથી અને બ્લેકમેઇલિંગને કર્મસિદ્ધ હક ગણતા નથી, જે ‘સમાજ પ્રત્યેની ફરજ’ જેવી જૂનવાણી બાબત મનમાં રાખે છે, વાચકો-દર્શકોનો વિશ્વાસઘાત ન થાય એનું બને એટલું ધ્યાન રાખે છે, જેમના માટે કોઇ પણ ભોગે, ઉપરની કે નીચેની, આવક વધારવી તે એકમાત્ર લક્ષ્ય નથી, જેમને મન મીડિયા ઇમાનદારીથી કરવાનો વ્યવસાય છે. બલ્કે, ફક્ત વ્યવસાય જ નહીં, અમુક અંશે જીવનકાર્ય પણ છે.

ઉપરનું બધું નહીં તો પણ થોડુંઘણું વર્ણન જેમને લાગુ પાડી શકાય એવાં પ્રસાર માધ્યમો હજુ અસ્તિત્ત્વ ધરાવતાં હોય, તો પણ તેમનું પ્રમાણ કેટલું ઓછું? અને તેમના માથે ઝળુંબતો ટકી રહેવાનો સંઘર્ષ કેટલો મોટો? તેમની સરખામણીમાં, ન કરવાનાં તમામ કામ કરતાં પ્રસાર માધ્યમોની બહુમતિ છે. સચ્ચાઇ બિચારી પ્રગટ થાય તો પણ ક્યાં? કારણ કે પ્રગટ થવા- લોકો સુધી પહોંચવા તો છેવટે વ્યાવસાયિક મીડિયા પાસે જ આવવું પડે. બિનવ્યાવસાયિક માધ્યમો છે, પણ સાવ વેરવિખેર અને પહોંચની ભારે મર્યાદાઓ ધરાવતાં. બાકીનાં માધ્યમો તગડાં થયાં છે- તંદુરસ્ત નહીં. તેમના સિવાય નાગરિક સમાજમાં એવી જગ્યા જ ક્યાં પેદા થઇ છે કે જ્યાંથી લોકશાહીની જાગીરો પર નજર રાખી શકાય અને જરૂર પડ્યે તેમને અંકુશમાં રાખી શકાય?

મીડિયાની નિરંકુશ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખતાં, નીરા રાડિયાનું પ્રકરણ ઘણાને ક્ષોભજનક છતાં વાસ્તવિકતાના ઉઘાડ માટે આવકારદાયક લાગ્યું હશે. કેમ કે, તેનાથી સામાન્ય લોકોને એટલું તો સમજાયું છે કે લોકશાહીની બીજી જાગીરો (નેતાઓ-અધિકારીઓ-ન્યાયતંત્ર) કરતાં ચોથી જાગીરને અલગ અને મૂઠી ઊંચી ગણવાનું કોઇ દેખીતું કારણ નથી. સિવાય કે પવિત્ર વ્યવસાય તરીકેની જૂની છાપ.

લપટી લક્ષ્મણરેખા

એકાદ વરિષ્ઠ પત્રકાર તરફથી એવું પણ સાંભળવા મળ્યું છે કે ‘પત્રકારો પોતાના કામ માટે પી.આર.એજન્સી સાથે વાતચીત કરે એમાં કશું ખોટું કે ગેરકાયદે નથી. મોટા માણસો પર નજર રાખવા માટે અને તેમની હિલચાલોની વિગત રાખવા માટે આ બધું કરવું જ પડતું હોય છે.’

માની લેવાનું મન થઇ જાય એવી આ દલીલમાં સચ્ચાઇ હોવા છતાં, તેમાં આખું ચિત્ર રજૂ થતું નથી. કોઇથી આભડછેટ રાખવાનું પત્રકારોને પોષાય નહીં. ભ્રષ્ટમાં ભ્રષ્ટ અને ખતરનાકમાં ખતરનાક વ્યક્તિ સાથે પણ તેમને વાત કરવી પડે અને તેમાં દેખીતી રીતે જ કોઇ અનૈતિકતા નથી. પરંતુ આ સંબંધ લાગે છે એટલો સીધો કે સહેલો હોતો નથી. કેમ કે, પત્રકાર સાથે વાત કરનાર માણસને પણ પોતાનો સ્વાર્થ હોય છે. બન્ને પક્ષ એવું માનતા હોય છે કે પોતે સામેવાળાનો ઉપયોગ કરી રહ્યા છે. ઘણી વાર બન્ને સાચા હોય છે, પણ પત્રકારના પક્ષે નૈતિકતાનો ભંગ થયો છે કે નહીં, તેનો આધાર આખરી પરિણામ પર રહેલો છે. બરખા દત્ત કે વીર સંઘવી કે બીજા કોઇ પણ પત્રકાર પી.આર. એજન્સી ચલાવતાં નીરા રાડિયા સાથે સંવેદનશીલ વિષયો પર વાતો કરે ત્યાં સુધી ઠીક છે, પણ એ વાતોનું આખરી પરિણામ શું આવ્યું?

વધારે સ્પષ્ટતાપૂર્વક કહીએ તો, આખરે કામ કોનું થયું? પત્રકારોનું કે નીરા રાડિયાનું? રાડિયાના ફોન રેકોર્ડિંગ પરથી એટલું તો સમજાય છે કે ઘણાખરા કિસ્સામાં પત્રકારોએ નીરા રાડિયા સાથેની વાતચીતમાં ખુલ્લાશથી ચર્ચ્યા હોય એવા ઘણા મુદ્દા સમાચારોમાં કદી આવ્યા નથી. એટલે કે, નીરા રાડિયા પાસેથી મળેલા ‘જ્ઞાન’નો પત્રકારોએ શો સદુપયોગ કર્યો એ હજુ સ્પષ્ટ થતું નથી. બીજી તરફ, નીરા રાડિયાએ જે કામ હાથમાં લીધાં હતાં, તે પાર પાડ્યાં જ છે. એટલે એવી છાપ ઉભી થાય છે કે પત્રકારો અને નીરા રાડિયા વચ્ચેના સંબંધોમાં, શાહબુદ્દીન રાઠોડની રમૂજમાં આવે છે તેમ, પહેલી ફૂંક મોટે ભાગે નીરા રાડિયાએ મારી હશે.

બરખા દત્ત જેવાં નામી પત્રકારે એવી દલીલ કરી છે કે લીક થયેલી ટેપ સાથે ચેડાં થયેલાં છે અને કેટલાંક વાક્યો સંદર્ભ વિના જોડી દેવામાં આવ્યાં છે. વીર સંઘવી સહિત બીજા ઘણા પત્રકારોએ વાતચીતની ટેપ કોણે લીક કરી અને આ સમયે જ કેમ તે લીક થઇ, એવા સવાલ ઉભા કર્યા છે. પત્રકારોના પક્ષે દલીલ કરનારા લોકોએ ‘ક્વિડ પ્રો ક્વો’ (કોઇ કામના સાટામાં મળતા વળતર) નો મુદ્દો આગળ કરીને કહ્યું છે કે ‘આખરે આ કામમાંથી પત્રકારોએ શું મેળવી લીધું છે?’

આ બધું ક્યાંક સાંભળેલું હોય એવું લાગે છે? મોટે ભાગે તે પ્રસાર માધ્યમોના આક્રમણ સામે નેતાઓ પાસેથી સાંભળવા મળે છે. પરંતુ આ વખતે બંદૂકના નાળચાની દિશા બદલાઇ ગઇ છે. ‘ફક્ત રૂપિયાની લેવડદેવડ થાય તેને જ ભ્રષ્ટાચાર કહેવાય’ એવી ભોળી સમજ દુનિયાને સમજાવતા પત્રકારો પાસેથી સાંભળવા મળે ત્યારે (સોનામાં સુગંધની જેમ) કીચડમાં દુર્ગંધ ભળે છે. અસલી મુદ્દો પત્રકારત્વનાં સંસ્થાગત અને પત્રકારોના વ્યક્તિગત મૂલ્યોનો છે.

જાતને છેતરવાની છટકબારીઓ

પ્રસાર માધ્યમોને ‘પવિત્ર ગાય’ ગણતાં પહેલાં એટલું યાદ રાખવાની જરૂર છે કે તેની સાથે સંકળાયેલા તમામ લોકો માણસ હોય છે. એટલું જ નહીં, તે પોતપોતાના સમયની પેદાશ હોય છે. એટલે, ઘણાખરા કિસ્સામાં મીડિયા માણસને ઘડે તેના કરતાં વધારે પ્રમાણમાં માણસ મીડિયાને ઘડે છે- તેની પર પોતાની, પોતાની વિચારસૃષ્ટિ અને કાર્યક્ષમતાની, પ્રતિભા અને તેજસ્વીતાની, નૈતિકતા અને પ્રામાણિકતાનીની છાપ ઉપસાવે છે. મીડિયાના માણસો વર્તમાન સમાજનાં ચલણી મૂલ્યો સાથે લઇને આવે છે. એ માણસો જુદેસરથી બનેલા નથી હોતા. એટલે ગાંધીયુગમાં નીરા રાડિયા પ્રકારનાં ‘જનસંપર્ક નિષ્ણાત’ની કલ્પના કરી ન શકાય અને રાડિયાયુગમાં ગાંધીજી જેવા પત્રકારોની અપેક્ષા ન રાખી શકાય. પ્રામાણિકતાથી પોતાનું કામ કરનારા પત્રકારો હોય તો તે વાતાવરણના પ્રતાપે નહીં, પણ વ્યક્તિગત ખાસિયતને કારણે.

તો પછી સવાલ એ થાય કે કોઇ પોતાની વ્યક્તિગત ખૂબી-ખામી પ્રમાણે વર્તે તેમાં આટલો બધો હોબાળો શા માટે? ભ્રષ્ટાચારનો જ્યાં છોછ ન હોય, બલ્કે, કોઇ પણ રસ્તે વગદાર-પૈસાદાર બનવું એ મોભો ગણાતો હોય, જ્યાં ડોક્ટરો-વકીલો-અધ્યાપકો-ઉદ્યોગપતિઓ-અફસરો-નેતાઓ એવા તમામ વ્યાવસાયિકોમાં નૈતિકતા અપવાદરૂપ કિસ્સામાં જ બચી હોય, ત્યાં પત્રકારોને શા માટે અલગ ગણવા?

તેનો જવાબ છેઃ સમાજમાં- જાહેર જીવનમાં પ્રસાર માધ્યમોનું મહત્ત્વ. ઇન્ટરનેટના યુગમાં પરંપરાગત પ્રસાર માધ્યમોનો દબદબો થોડો ઓસર્યો હોવા છતાં, તેમની પકડ ખાસ ઢીલી પડી નથી. સરેરાશ નાગરિકની માનસિક ભૂમિકામાં પ્રસાર માધ્યમો ઓવરહેડ ટાંકીનું કામ કરે છે. ટાંકીને કબજામાં કરી લીધા પછી પોતાની વાત પહોંચાડવા માટે ઘરે ઘરે ભટકવાની જરૂર રહેતી નથી. છેલ્લાં વર્ષોમાં કોર્પોરેટ જગત માટે ટાંકીના દરવાજા ખુલી જતાં પત્રકારત્વ અને નફાલક્ષી વ્યવસાય વચ્ચેની ભેદરેખા ભૂંસાઇ ગઇ છે. પત્રકારો માટે ભારે લપસણા અને તેમને ઝેરને બદલે ગોળથી મારતા કોર્પોરેટ માર્ગનું એક મોટું સુખ છેઃ તેમાં પત્રકારો હંમેશાં એવું આશ્વાસન લઇ શકે છે કે અમે તો માહિતી મેળવવાનું અને તેના તળ સુધી જવાનું અમારું કામ કરીએ છીએ. તેમાં કોઇને ફાયદો થતો પણ હોય તો અમે શું કરીએ?’

પરંતુ કાજળકોટડીમાં નિષ્કલંક રહેવા જેવું આ કામ સહેજ પણ ગાફેલ રહેનારને નૈતિકતાનો રસ્તો ચૂકાવે છે અને જાગ્રત રહેનારાને ગાફેલ બનવા ઉશ્કેરે છે. કોર્પોરેટ ગૃહોનાં હિતની દેખરેખ રાખતી પી.આર. એજન્સીઓ પાસે નેતાઓની-અફસરોની-પત્રકારોની નૈતિકતા ચુકાવવાના સીધા-આડકતરા અનેક રસ્તા હોય છે. તેમને મન પોતાના ધ્યેયમાં સફળતા સિવાય બીજી કોઇ વસ્તુ કિમતી નથી. ભ્રષ્ટ થવા આતુર ન હોય એવાં પ્રસાર માધ્યમોથી તે કદી નિરાશ થતાં નથી અને તેમના નૈતિક આગ્રહો સામે લાલચનાં તોરણ લટકાવવાનાં ચાલુ રાખે છે. તેમ છતાં, સગીર વય વટાવી ગયેલા કોઇ પણ માણસની ભ્રષ્ટ નીતિમત્તા માટે દોષનો આખો ટોપલો બીજા કોઇના માથે નાખી શકાય નહીં.

‘કોર્પોરેટ યુગ’માં પી.આર.એજન્સીઓને બાકાયદા પત્રકારત્વની નૈતિકતાના ભોગે પોતાની ‘મેનકાગીરી’ કરી શકે કે નહીં અને એ માટેની લક્ષ્મણરેખા કેવી રીતે આંકી શકાય, એ પ્રસાર માધ્યમોએ વિચારવાલાયક મુદ્દો છે. કોર્પોરેટ જૂથો જનસંપર્ક અધિકારીઓ દ્વારા સરકારની રચનામાં દખલ કરવા સુધી પહોંચી જાય, પત્રકારો તેનાથી વાકેફ હોય, છતાં એ બધી વિગતો સંભવતઃ પોતાની આત્મકથાઓ માટે બાકી રહે અને પ્રસાર માધ્યમોમાં કદી રજૂ ન થાય, તે ભ્રષ્ટાચાર ગણાય કે નહીં? એ પણ વિચારવા જેવું છે. બાકીના બધા પાસેથી જવાબ માગતાં પ્રસાર માધ્યમોનો પોતોના વારો આવે ત્યારે જવાબ આપવામાં એ પણ રીઢા નેતાઓ જેવાં જ સાબીત થાય છે, તે દુઃખદ વાસ્તવિકતા છે.

1 comment:

  1. Anonymous11:23:00 PM

    Very good researched article. MNC-Politician-Bureacurate-Media, run the show. Voters are innocent & silent spectators.

    ReplyDelete