Monday, October 25, 2010

કરસુખબહેન જ્યોતીન્દ્ર દવેઃ સો વર્ષ પૂરાં


(Karsukh - Jyotindra Dave)

(Pradip Jyotindra Dave - Karsukhben - Ragini Pradip Dave)

જ્યોતીન્દ્ર દવેનાં પુસ્તકોમાં કોપીરાઇટધારક તરીકે જેમના નામનો મારી જેમ અનેક વાચકોને પરિચય હશે, એવા કરસુખબહેન દવેની આજે (25 ઓક્ટોબર) 100મી વર્ષગાંઠ છે. ચાર જ દિવસ પહેલાં જ્યોતીન્દ્ર દવે (1901-1980)ની 109મી વર્ષગાંઠ હતી. યોગાનુયોગે એ દિવસે હું તેમના ઘરે તેમના પુત્ર-પુત્રવધુ પ્રદીપભાઇ-રાગિણીબહેનને ગયો હતો. તસવીર એ સાંજે લીધેલી છે.

છેલ્લાં સાત-આઠ વર્ષથી, બીજાં અનેક લડતાં લશ્કરોની વચ્ચે હું જ્યોતીન્દ્ર દવેના જીવન અને સર્જન વિશે સંશોધન કરું છું. (એ બધું પુસ્તકો સ્વરૂપે આવશે ત્યારે યથાયોગ્ય સમયે જાણ કરીશ). એ સિલસિલામાં ઘણી વખત મુંબઇ જ્યોતીન્દ્રભાઇના ઘરે જવાનું થયું. છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી કરસુખબહેનની ઉત્તરોત્તર કથળતી તબિયત અને તેમની સેવાચાકરી કરતાં પુત્ર-પુત્રવધુ પણ જોયાં.

કરસુખબહેનની સ્મૃતિ અને સંવેદનતંત્ર સાવ ખળભળી ગયાં છે. ફક્ત સૂચનોનું પાલન કરી શકે, પ્રવાહીસ્વરૂપે માંડ થોડો ખોરાક લઇ શકે, શરીરમાં ફક્ત હાડકાં રહી ગયાં છે. તેની પરની ત્વચા એટલી પાતળી થઇ ગઇ છે કે સહેજ પણ ઘસારો લાગે તો ઉતરડાઇ જાય. એવું ન થાય એ માટે તેમને જમાડતી વખતે કે બેસાડતી વખતે આજુબાજુ ઓશિકાં અને બીજી પોચી વસ્તુઓ મૂકવામાં આવે છે. પહેલાં તો એ શૂન્યમનસ્ક ભાવે પણ બહાર હિંચકે આવીને બેસતા હતા. હવે સદંતર પથારીવશ છે. જેમના નિકટ પરિચયમાં આવવાનો લહાવો મળ્યો એવા ઘણા નેવુ-સો વર્ષના માણસોમાંથી કરસુખબહેન એવાં છે, જેમની શારીરિક અવસ્થા જોઇને અફસોસ - અને તેમની જે રીતે સંભાળ રખાય છે એ જોઇને રાજીપો થાય.

5 comments:

  1. આ તમે નવી જાણકારી લઈ આવ્યા. સામાન્ય રીતે જ્યોતીન્દ્ર દવે અને એના લેખનની વાત થતી હોય છે. એમના પત્ની જીવતા છે કે કેમ એની બહુ બધાને પરવા હોતી નથી. તમે એમની સારી જાણકારી આપી છે.

    ReplyDelete
  2. Anonymous2:41:00 PM

    તમે જ્યોતિન્દ્ર દવેના જીવન અને સર્જન વિષે સંશોધન કર છો...એ જાણીને ખૂબ આનંદ થયો...

    ReplyDelete
  3. Iam so impressed that you have given such happy news of Karsukhben completing 100 years on Monday 25 October 2010.It is a happy moment not only for her family but also for all the fans and wellwishers and lovers of Gujarati literature.Apurva Navin Parekh Tuesday 26 October 2010 ANPS

    ReplyDelete
  4. 1972-73માં સિતાંશુભાઈએ કે અમૃતલાલ યાજ્ઞિકે મીઠીબાઈ કૉલેજમાં એમને કશાકના ઉદઘાટન માટે બોલાવ્યા હતા ત્યારે મળ્યો હતો પહેલીવાર અને છેલ્લીવાર,તેમનું પહેલું વાક્ય હતું--ઉદઘાટન એટલે કશુંક ઢાંકેલું હોય તેને ઉઘાડવું" ગુજરાતી ભાષાના દ્વૈત સંદર્ભ વાક્યથી એ યુવાનીમાં હસી પડ્યો હતો.એ કૃશકાય હાસ્યના બેતાજ બાદશાહને આજે પણ ટોપી પહેરલા સંસ્મૃતિમાં જોઇ શકું છું, આભાર.

    ReplyDelete
  5. પુસ્તક નો ઇન્તજાર

    ReplyDelete