Wednesday, October 13, 2010

ભાવે દંપતિની મેઘાણી-મહેફિલ

Meghshree & Sanjay Bhave

સાહિત્યકાર - સાહિત્યસંસ્થાઓ + સાહિત્યભાવકો = ?

ગણિત પ્રત્યે પ્રેમ ન હોવા છતાં ઉપરનું સમીકરણ અને તેનો જવાબ મનમાં સુઝી આવે- ખરેખર તો જવાબ પરથી સમીકરણ સૂઝી આવે, એવું ગઇ કાલે મિત્રદંપતિ સંજય ભાવે-મેઘશ્રી ભાવેનો મેઘાણી વિશેનો કાર્યક્રમ સાંભળીને થયું. સવા કલાકના ‘અભિવાચન’માં ભાવેદંપતિના મેઘાણીપ્રેમ અને મેઘાણીઅભ્યાસ ઉપરાંત મેઘશ્રી ભાવેના કેળવાયેલા કંઠનો લહાવો વધારાનો.

સાંભળ્યું હતું બહુ વખતથી કે સંજયભાઇ અને મેઘશ્રીબહેન ‘આવો માણસ કોઇ દિ’ જોયો નથી’ એ શીર્ષક સાથે મેઘાણીના જીવન અને સાહિત્યનાં વિવિધ પાસાં આવરી લેતો કાર્યક્રમ કરે છે. એકથી વધારે વાર જવાનું વિચાર્યું, પણ અનુકૂળતા ન થઇ. છેવટે બે દિવસ પહેલાં મિત્ર કબીર ઠાકોર-નેહા શાહના ઘરે થોડા મિત્રોની અને ખાસ તો પ્રો.અંજનીબહેનની હાજરીમાં સાંજે સાત-સવા સાત વાગ્યે કાર્યક્રમ થવાનો હતો, એટલે વેળાસર પહોંચ્યો અને સવા કલાક સુધી મેઘાણીસ્મૃતિમાં મહાલ્યો.

મેઘાણીની મહાજાણીતી કૃતિઓ (કોઇનો લાડકવાયો, છેલ્લો કટોરો, શિવાજીનું હાલરડું, ચારણકન્યા)ની સાથોસાથ એકાદ પંક્તિથી જાણીતી પણ આખેઆખી પ્રચલિત ન હોય રચનાઓ, પત્રોના અંશ, વાર્તાના સાર, તેમના સાહિત્યના અંગ્રેજી-ફ્રેન્ચ સહિત ભાષાઓમાં થયેલા અનુવાદની વિગતો, ફુલછાબ કાર્ટૂન કેસ, ગરીબો-પીડિતો માટેની તેમની નિસબત અને તેને વ્યક્ત કરતી કૃતિઓ, વાસણો બનાવતી જીવણલાલ એન્ડ કંપનીમાં તેમની નોકરીથી માંડીને ‘લિ.હું આવું છું’ સુધીની તેમની જીવનયાત્રા, તેમણે વેઠેલી વિપરીતતાઓ અને તેની વચ્ચેથી પણ અવિરતપણે જારી રહેલું સાહિત્યસર્જન..અને આવું તો ઘણું સવા કલાકમાં આવરી લેવાયું છે. છતાં મેઘાણીનું પ્રદાન એટલું પ્રચંડ, બહોળું છતાં માતબર કે આટલું ઓછું લાગે.

પોતાના પ્રિય સાહિત્યકારને કેવી રીતે અંજલિ આપી શકાય, તેનું સરસ ઉદાહરણ ભાવેદંપતિ પૂરું પાડે છે. મેઘાણી આવો અઢી-ત્રણ કલાકનો ફુલ લેન્થ કાર્યક્રમ ખમે એવા છે. વચ્ચે એક ઇન્ટરવલ હોય તો ટાગોર હોલ નહીં ને પરિષદનો હોલ ભરાય એટલા શ્રોતાઓ તો આવા કાર્યક્મ માટે મળી શકે.... ‘લોભને થોભ નહીં’ અમસ્તું કહ્યું છે?

3 comments:

  1. Congratulations to Bhave couple for designing such innovative and marvelous program single handedly. Thnx Urvish for giving space to nice & novel try. Wish them best too.

    ReplyDelete
  2. ભાવે દંપતીનું અભિનંદનીય અભિવાચન: સાંભળે છે ગુજરાત!

    ભાષા-સાહિત્ય ભણતાં, ભણાવતાં અને ભણી ગયેલાં તથા અભ્યાસી અને જાણકાર વ્યક્તિઓ સઘનવાચનથી તો પરિચિત હોય છે, પણ અભિવાચનથી બિલકુલ અપરિચિત. ‘અરધી સદીની વાચનયાત્રા’ નામે આકરગ્રંથો આપીને, વાચકોના વાચનરસને પોષીને, રુચિવર્ધક ને મુલ્યવર્ધક કામ કરનાર મહેન્દ્ર મેઘાણીને મેં શ્રોતાઓ સમક્ષ પુસ્તકોના અંશો વાંચતા જોયા-સાંભળ્યા છે. તેઓ ભાષણ આપતા નથી, માત્ર વાંચે છે. વાચનાનો તેમનો આ પ્રયોગ આપણા માટે અભિનવ છે. ગુજરાતીઓ માટે એક ઓર અભિનવ પ્રયોગ સન્માનનીય ભાવે દંપતીની મેઘાણી-ઉજાણીના અભિવાચનનો છે. વરસદહાડો અગાઉ ‘દલિત અધિકાર’ના ઉપક્રમે યોજાયેલી ગોષ્ઠિમાં ભાવે દંપતીના અભિવાચનની મેઘાણી- મહેફિલ માણ્યાની યાદ હજી તાજી છે. અભિવાચનનું આ કામ અભિનંદનીય છે. બાકી, ‘વાંચે ગુજરાત’ દે ધના ધન...

    - કીકા

    ReplyDelete
  3. i had had a wonderful opportunity to watch Bhaves perform Meghani excerpts at MJ library auditorium and let me tell it was an exhilarating experience! most memorable indeed.

    it's a good consolation for Gujarati cultural scenario that there are at least a couple of concerned and committed cultural activist couples like Meghshree-Sanjay and Charul-Vinay that endeavor to popularize people's poets.

    ReplyDelete