Tuesday, October 12, 2010

પૂતળાંસ્વરૂપ મહાનુભાવોને વટાવી ખાવાના કીમિયા

વર્ષો પહેલાં ડો.આંબેડકરે વ્યક્તિપૂજા સામે વાંધો વ્યક્ત કરતાં એ મતલબનું કહ્યું હતું કે જેમનાં પૂતળાં બને એ નેતાઓ અપ્રસ્તુત થઇ જાય છે. પછીનાં વર્ષોમાં દલિતોની ઉપેક્ષા કરીને, રાજકીય લાભ ખાટવા માટે ઉભાં કરાયેલાં ડો.આબેડકરનાં પૂતળાંએ બાબાસાહેબની વાત સાચી પાડી બતાવી.

રાજકીય કે વર્તમાન રાજકારણ સાથે સાંકળી શકાય એવી હસ્તીઓનાં પૂતળાં રાજકીય પક્ષોની લુચ્ચાઇ અને તેમના દંભનાં પ્રતીક છે. ખાસ કરીને છેલ્લા એકાદ-બે દાયકામાં ઉભાં કરાયેલાં રાજનેતાઓનાં પૂતળાં પાછળની મુખ્ય ગણતરી આ જ હોય છેઃ લોકોને તેમના ગમતા નેતાનું મસ્ત મોટું પૂતળું બનાવી આપો. એટલે આપણે (વર્તમાન નેતાઓ) દિવંગત હસ્તીના રસ્તે ચાલતા નથી કે તેમના આદર્શોની પરવા કરતા નથી, એવો ધોખો રાખ્યા વિના લોકો આપણી પર રીઝી જશે.

બીજા શબ્દોમાં કહેવું હોય તો, રાજકીય પક્ષો પ્રજાના મોટા સમુદાયને એટલો મૂરખ સમજે છે કે તે પૂતળા જેવી નકામી ચીજથી રાજી થઇ જાય.

પ્રજા વિશેની તેમની આ માન્યતા સાચી પડી છે કે નહીં એ જુદો વિષય છે, પણ નેતાઓની ઘૃષ્ટતા ગજબની છે. જરાય ખચકાટ વિના, લોકશાહીના છ દાયકા પછી પણ, પૂતળાં જેવાં ‘રમકડાં’ દ્વારા ઘણાંખરાં તમામ ઊંમરનાં બાળકોને આંજી શકાશે અથવા તેમની આંખમાં ઘૂળ નાખી શકાશે એવું તે માને છે અને ઘણી હદે સાબીત પણ કરી બતાવે છે.

ખરૂં જોતાં પક્ષીઓ સિવાય બીજા કોઇ માટે પૂતળાંનો કશો ઉપયોગ હોતો નથી. પરંતુ રાજકીય નેતાઓ તેમાં અપવાદ છે. લોકોની લાગણી સાથે રમત રમીને લોકપ્રિયતા લણવાની હોય કે મત ઉઘરાવવાના હોય, ત્યારે મૃત નેતાઓનાં પૂતળાં જીવંત નેતાઓને ઠીક ઠીક ખપમાં લાગે છે.

પૂતળાનું નામ, પોતાનું કામ
બે વર્ષ પહેલાં મુંબઇમાં કોંગ્રેસ-એન.સી.પી.ની યુતિ સરકારે દરિયાકિનારે છત્રપતિ શિવાજીનું ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ કરતાં પણ ઉંચું, ભવ્ય પૂતળું મૂકવાની જાહેરાત કરી હતી. મલબાર હિલ અને નરીમાન પોઇન્ટ વચ્ચે અરબી સમુદ્રમાં મુકાનાર આશરે ૩૦૦ ફૂટ ઊંચા પૂતળા પાછળ રૂ.૩૫૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ હતો.
વાસ્તવમાં શિવાજીનું મસમોટું પૂતળું બનાવવાનું વચન ૨૦૦૪ની ચૂંટણીઓ વખતે કોંગ્રેસ-એનસીપી યુતિએ પોતાના ચૂંટણીઢંઢેરામાં આપ્યું હતું. એ જુદી વાત છે કે તેના અમલનાં હજુ ઠેકાણાં નથી. પરંતુ પૂતળાની નિરર્થકતા અંગે ટીકા કરનાર અને આ પ્રોજેક્ટનો સૈદ્ધાંતિક વિરોધ કરનાર મરાઠી ‘લોકસત્તા’ના તંત્રી કુમાર કેતકરના ઘર પર હુમલો થયો હતો.

આ હુમલો કોણે કર્યો હશે? કોઇ અટકળ?

શિવસેનાના કાર્યકરોએ? મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ? ના, આ હુમલો શિવાજીનું નામ ધરાવતી કોઇ સંસ્થાએ કર્યો હતો, જે શરદ પવારના એનસીપી સાથે સંબંધિત હતી!

શિવાજીના અને મરાઠા અસ્મિતાના નામે કોઇ પણ હદે જવા માટે કુખ્યાત બાળ ઠાકરેએ આ હુમલા વિશે શું કહ્યું હતું? તેમણે હુમલાનો વિરોધ કરીને કહ્યું હતું,‘હુમલો કરનારા કેતકરના લેખનો મર્મ સમજ્યા નથી. કેતકરે પ્રજાકીય નાણાંના બગાડ સામે આંગળી ચીંધી છે.’

બાળ ઠાકરેના મોઢેથી ‘લખાણનો મર્મ’ જેવા શબ્દો અને શાણપણની વાત સાંભળીને આઘાત પામવાની જરૂર નથી. કારણ કે, છેવટે આ બઘું રાજકારણ છે. શિવાજીનું મહાકાય પૂતળું બનાવીને કોંગ્રેસ-એનસીપી રાજકીય ફાયદો લઇ જાય, તો શિવસેના શું કરે? વિરોધ તો કરી શકે નહીં, પણ પ્રોજેક્ટનો વિરોધ કરનારને સાચાં નહીં, પોતાનાં કારણોસર ટેકો તો આપી શકે!

પૂતળાના તરફદારો ઇતિહાસ અને સંસ્કૃતિથી માંડીને ગૌરવ અને પરંપરાના હવાલા આપે છે. શિવાજીનું વિરાટ પૂતળું પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે એવું પણ કોંગ્રેસી મુખ્ય મંત્રી વિલાસરાવે કહ્યું હતું- કેમ જાણે મુંબઇમાં પ્રવાસીઓ માટેનાં આકર્ષણોની ખોટ હોય. તેમણે શિવાજીના પૂતળાની સાથોસાથ બગીચો, મ્યુઝીયમ, શિવાજીના જીવન વિશેની ફિલ્મ પ્રદર્શીત કરવાની વ્યવસ્થા...વગેરે રાબેતા મુજબનાં રૂડાંરૂપાળાં આયોજનો જાહેર કર્યાં હતાં, જેથી કેવળ પૂતળા પાછળ આટલો મોટો ખર્ચ થઇ રહ્યો છે એવી ટીકાથી બચી શકાય અને કંઇક નક્કર, અભ્યાસપૂર્ણ અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું કામ થઇ રહ્યું છે એવો દેખાવ ઉભો કરી શકાય.

પરંતુ આપણા દેશમાં પ્રતિષ્ઠિત અને વર્ષોથી સ્થપાયેલાં મ્યુઝીયમની તથા ઐતિહાસિક ચીજવસ્તુઓ-દસ્તાવેજોની કેવી કરૂણ અવસ્થા છે એ સૌ જાણે છે. રૂ.૩૫૦ કરોડ શિક્ષણ કે આરોગ્યની મૂળભૂત સુવિધાઓને બદલે ધારો કે ઇતિહાસ-સંસ્કૃતિ- ગૌરવ-પરંપરા પાછળ વાપરવાનું નક્કી કરી નાખ્યું હોય તો સંગ્રહસ્થાનો, સંશોધનસંસ્થાઓ, ઐતિહાસિક દસ્તાવેજો વગેરેની સાચવણી, તેમનું ડિજિટાઇઝેશન અને ઇન્ટરનેટ પર તેમને ઉપલબ્ધ બનાવવા જેવાં અનેક કામ થઇ શકે. તેનાથી દેશ ઉપરાંત વિદેશમાં પણ ભારતીય ઇતિહાસ-સંસ્કૃતિ-પરંપરાની ગૌરવગાથા પહોંચે.

પરંતુ એવું કરવાથી ચૂંટણીમાં શો ફાયદો થાય? મનોરંજન ઝંખતી આમજનતામાં શી રીતે જયજયકાર થાય?

કોની ઊંચાઇ વધારવી છે?
મહારાષ્ટ્રમાં ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં ઉંચા’ શિવાજીના પૂતળાનું ઠેકાણું પડે તે પહેલાં ગુજરાતના મુખ્ય મંત્રીએ સરદાર પટેલના ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની જાહેરાત કરી છે. એમ્યુઝમેન્ટ પાર્ક/મનોરંજન નગરીની શૈલીમાં નીતનવાં જોણાં ઉભાં કરીને લોકપ્રિયતા મેળવવા-સરકાર ચલાવા જાણીતા ગુજરાતના મુખ્ય મંત્રીએ જણાવ્યું છે કે સરદાર પટેલનું આ પૂતળું ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ કરતાં બમણું ઉંચું અને વિશ્વમાં સૌથી ઉંચું હશે. ત્યાં હાઇટેક મ્યુઝીયમ, રીસર્ચ એન્ડ એકેડેમિક સેન્ટર, સાંસ્કૃતિક કેન્દ્ર વગેરે વગેરે પણ સ્થાપવામાં આવશે. (આ બઘું આગળ, હમણાં જ, ક્યાંક વાંચેલું લાગે છે?) આખા પ્રોજેક્ટનો ખર્ચ રૂ.૧ હજાર કરોડ થવાનો અંદાજ છે.

સરદાર સરોવર બંધથી ૩ કિ.મી. દૂર ઉભા થનારા સરદાર પટેલના ‘વિશ્વમાં સૌથી ઉંચા (૧૮૨ મીટર ઉંચા)’ પૂતળામાં અને મુંબઇના દરિયાકાંઠે સ્થપાનારા શિવાજીના પૂતળામાં ઉંચાઇ સિવાય કોઇ તાત્ત્વિક ફરક ખરો? દાવાથી માંડીને આશય સુધીની બાબતોમાં શિવાજીના પૂતળા વિશે જણાવ્યું છે, એ બઘું સરદારના પૂતળાને પણ લાગુ નથી પડતું?

મુખ્ય વાંધો તો બન્ને પૂતળાંની નિરર્થકતા સામે અને પૂતળાંથી મહાનુભાવોને મોટા દેખાડવાના દાવાથી હોવો જોઇએ. વધારામાં, સરદારના પૂતળાને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ તરીકે ઓળખાવવું, એ મુંબઇના ફિલ્મઉદ્યોગને ‘બોલિવુડ’ કહેવા જેવું છે- ઝટ જીભે તો ચડી જાય, પણ સહેજ વિચારતાં નકલીયું અને અપમાનજનક નથી લાગતું? અમેરિકાનો ફિલ્મઉદ્યોગ હોલિવુડ તરીકે ઓળખાતો હોય અને કલકત્તાના ટોલિગંજ વિસ્તારને કારણે બંગાળી ફિલ્મઉદ્યોગ ટોલિવુડ તરીકે ઓળખાતો હોય તો ભલે, પણ મુંબઇ (અગાઉના બોમ્બે)નો ફિલ્મઉદ્યોગ બોલિવુડ તરીકે શા માટે ઓળખાવો જોઇએ? એવું જ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે કહી શકાય, જે ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ કરતાં બમણા કદનું થયા પછી પણ ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ની નકલમાંથી બહાર આવી શકતું નથી.

રહી વાત ‘ધ લાર્જેસ્ટ સ્ટેચ્યુ ઇન ધ વર્લ્ડ’ના દાવાની. એ દાવો પૂતળાના બાંધકામના એક વિક્રમ તરીકે નોંધપાત્ર ગણી શકાય, પણ તેનાથી સરદાર પટેલનો મહિમા વધશે એમ માની લેવું અઘરૂં છે. અત્યાર સુધીમાં સરદાર પટેલનો ઉપયોગ, દુરૂપયોગ અને ઉપેક્ષા થવાનાં હતાં એટલાં થઇ ચૂક્યાં છે. કેટલાક પટેલો સરદારને ‘પટેલ’ ગણીને ખોટેખોટા પોરસાય છે, ભાજપી નેતાઓ સરદારપટેલને ખોટી રીતે હિંદુતરફી અને મુસ્લિમવિરોધી ગણીને, ‘એ તો આપણાવાળા કહેવાય’ એવી ખોટી છાપ ફેલાવે છે અને સરદારના નામ પર કોમવાદનું કલંક લગાડે છે. નેહરૂ સાથેના સહકારભર્યા કામ છતાં તેમની સરદાર-નેહરૂ વચ્ચેના મતભેદોને લીધે, કરોડરજ્જુ વગરના કોંગ્રેસીઓએ સરદારને કચવાતા મને સ્વીકાર્યા છે અને તેમનો મહિમા કરવાનું બને ત્યાં સુધી ટાળ્યું છે. આ પરિસ્થિતિમાં ‘દુનિયાનું સૌથી ઉંચું પૂતળું’ મુખ્ય મંત્રી પોતાના લાભાર્થે તૈયાર કરાવી રહ્યા છે કે સરદારના લાભાર્થે, એવો સવાલ પૂતળાથી પોરસાઇ જનારા સૌએ શાંત ચિત્તે પોતાની જાતને પૂછવાનો છે.

સરદારને બીજાથી જુદા કે બીજાથી ઉંચા દેખાવા માટે કદી બાહ્ય દેખાડા કે ઠઠારાની જરૂર પડી ન હતી. ફક્ત પોતાના કર્તૃત્વના જોરે તે પાંચ ફૂટ સાડાપાંચ ઈંચની પોતાની શારીરિક ઊંચાઇ કરતાં અનેક ગણા વધારે ઉંચા ઉઠી શક્યા હતા. સરદારની સાદગીની તુલના ડિઝાઇનર્સ કપડાં પહેરતા નેતાઓ સાથે ન કરીએ અને તેમને બદલાયેલા જમાનાનો (ગેર)લાભ આપીએ તો પણ, વહીવટી બાબતોમાં, રાષ્ટ્રની સેવામાં અને ન્યાયનું શાસન સ્થાપિત કરવામાં અત્યારનો એકેય નેતા સરદારની ટચલી આંગળીના નખની તોલે પણ આવે એમ નથી.

ભારતના ભાગલાના પગલે આખો દેશ કોમી હિંસાની હોળીમાં સળગતો હતો અને કાયદો-વ્યવસ્થા જાળવવાનું અશક્ય થઇ પડ્યું હતું, ત્યારે મતભેદો છતાં સરદાર અને નેહરૂએ રાજધર્મ જાળવીને શાસન ચલાવ્યું. ન્યૂટનનો ત્રીજો નિયમ ત્યારે પણ શોધાઇ ચૂક્યો હતો. છતાં સરદાર પટેલે ગુંડાઓના ધર્મને કે રાજકારણીઓની ગુંડાવૃત્તિને ઉત્તેજન આપ્યું નહીં. દેખાડાને બદલે દેશસેવા તેમની પ્રાથમિકતા હતી.

સરદાર પટેલને યાદ કરવા, તેમને અંજલિ આપવા અને તેમના જીવનકાર્યને આમજનતા સુધી પહોંચાડવા માટે- ટૂંકમાં સરદારને અમર કરવા માટે વિશ્વનું સૌથી ઉંચું પૂતળું બનાવવાની જરૂર નથી. મુખ્ય મંત્રીને સૌથી ઉંચું પૂતળું બનાવ્યાનો જશ લેવો હોય તો લે, પણ એમાં સરદાર પટેલ જેવા સાદગીને વરેલા સમર્પીત દેશસેવક અને નિષ્પક્ષ-ન્યાયી વહીવટકર્તાને વચ્ચે લાવવાની- તેમનું નામ વટાવી ખાવાની જરૂર નથી.

ખરેખર તો ગાંધી-આંબેડકર-સરદાર-નેહરૂ કે તેમના પહેલાંની પેઢીના ટિળક-ગોખલે જેવા રાજનેતાઓ વિશે અથવા રાણા પ્રતાપ-શિવાજી જેવાં પાત્રો વિશે ‘પૂતળાં પ્રતિબંધક કાયદો’ ઘડવાનો સમય પાકી ગયો છે. આવો કાયદો આવશે તો ‘મોંઘાં રમકડાં’ પાછળ વેડફાતા પ્રજાના રૂપિયાની સાથોસાથ દિવંગત મહાનુભાવોની યાદગીરીની ગરીમા પણ બચી જશે.

12 comments:

  1. Instead, establishing a 'Chair of Understanding at SP University+ where disseminating views of resp. Sardar, views and experience of old politicians, movements, old-Congress, Indian pre-post independence, would help.

    Besides recent Pre & Post-Godhra's facts so that future generation may learn with new words of co-existence with and without difference.

    Jabir Mansuri
    Media Cell, Monitoring Issues Affect & Develop Society.

    ReplyDelete
  2. So you think only Mayaavati can erect statues?

    ReplyDelete
  3. Anonymous8:05:00 PM

    Agreed Totally.

    Sukumar M. Trivedi

    ReplyDelete
  4. ‘દુનિયાનું સૌથી ઉંચું પૂતળું’ મુખ્ય મંત્રી પોતાના લાભાર્થે તૈયાર કરાવી રહ્યા છે કે સરદારના લાભાર્થે, એવો સવાલ.....Jawahar rojgar yojna was for whoes benefit? Indira Gandhi International Airpost, for whose benefit?....you can add thousands of such examples here for ppl to ask 'Q' to themselves.
    Congress and others have tried enough to mislead ppl of Guj. & brandish Modi in bad light all the time, in all the issues, whether that issue demand it or not. Ppl of Guj. are intelligent enough to differntiat betw truth and false now.
    Writing is on wall if one wants read, really.

    ReplyDelete
  5. બીરેન1:47:00 PM

    બરાબર છે કે કોંગ્રેસે અમુકતમુક (નાદાની, મૂર્ખામી, ખોટી પબ્લીસીટી, અને બીજી અનેક નકારાત્મક બાબતો) વસ્તુઓ કરી. તો શું ભાજપ યા અન્ય કોઇ પક્ષ કે નેતાએ પણ એનું પુનરાવર્તન કરીને એને કોમ્પેન્સેટ કરવાનું? તો પછી બન્નેમાં ફરક શો રહ્યો? ગુજરાતના લોકો સાચું-ખોટું પારખવા જેટલા બુદ્ધિમાન છે, તો આ તો તેમની બુદ્ધિના અપમાન જેવી બાબત ગણાય. અન્ય પક્ષે લોકોને મીસલીડ કર્યા તો અમે પણ શા માટે છોડીએ- એવી માનસિકતા જ ખતરનાક ગણાય, ભલે ને એ ગમતા નેતાની કે પક્ષની કેમ ન હોય?

    ReplyDelete
  6. Binit Modi (Amdavad)5:36:00 PM

    નર્મદા ડેમ સાઈટ - સરદાર સરોવર સ્થળે વલ્લભભાઈ પટેલનું ગુજરાતના ધારાસભ્યોની સંખ્યા જેટલું ૧૮૨ મીટર ઊંચું બાવલું મુકાવાની યોજના જાહેર થઇ છે. આ યોજના અત્યારે માત્ર કાગળ પર છે. તેના માટે ગ્લોબલ ટેન્ડર બહાર પડે તે પહેલા યોજના અંગે સૂચનો પણ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા માંગવામાં આવ્યા છે. ભારતીય નાગરિક પાસે કોઈ પણ મુદ્દે સૂચનો ના હોય તેવો દુકાળ મેં જોયો નથી. તો આ રહ્યા સૂચનો. એક - ૧૮૨ મીટર ઊંચાઈમાં ગુજરાતના લોકસભાના ૨૬ સંસદસભ્યો અને રાજ્યસભાના ૯ સભ્યોના એમ મળીને કુલ ૩૫ મીટર ઉમેરવા સાથે બાવલું ૨૧૭ મીટર ઊંચાઈનું બનાવવું. બે - યોજનાના એન્જીનીઅર હા પાડે તો રાજ્યની ૨૬ જીલ્લા પંચાયતો, ૨૧૦ તાલુકા પંચાયતો, નગરપાલિકાના સભ્યો, સાત મહાનગરપાલિકાઓ (અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર અને જુનાગઢ)ના નગર સેવકોની કુલ સંખ્યા બરાબરના સેન્ટીમીટર ગણી તેને મીટરમાં ફેરવી ૨૧૭ મીટરમાં ઉમેરીને બાવલું હજુ વિશાળ બનાવી શકાય. ત્રણ - બાવલું ગમે તેટલું મોટું કે નાનું બને, એક વાતનો ખાસ ખ્યાલ રાખવો. બાવલાના કાનની બહારની બાજુએ જાળી ફીટ કરવી જેથી તેની આજુ બાજુ ઉડતા પક્ષીઓ અંદર ના જઈ શકે અને બાવલાને બહેરાશ પણ ના આવે.
    બિનીત મોદી (અમદાવાદ)
    Mobile: 9824 656 979
    E-mail: binitmodi@gmail.com

    ReplyDelete
  7. Anonymous7:40:00 PM

    I think as per geological survey, Narmada dam is on an earth fault.. So there is high probability of earthquake.. In past there are some examples that due to heavy pressure of dam, the same attracts earthquakes.. if this statue is made there is high risk as pressure of full sardar sarovar dam + statue of unity (with low base area, having high pressure) it may be dangerous. plus height equal to a building of about 61 floors. Think is it possible (in near future)!

    I am not against our CM NM & his policies but and he is an inspiring person who converts every attack in opportunity. But he shall not do such waste of money, as after all its all about our, taxpayers', money.

    Development does not mean construction only. Properly designed town planning, environment, stress level & standerd of living and mainly balance in all aspects is much importent. Cm sir shall aim development.

    ReplyDelete
  8. કેમ સરદાર પટેલના સ્ટેચ્યુ પાછળ રૂપિયા બરબાદ થશે એવું વિચારવામાં આવે છે????એનાથી પર્યટનમાં કેટલો વધારો થશે એની ગણતરી તો કરો.....આજે ખાલી સરદાર ડેમ જોવા માટે જ રોજ કેટલા બધા પર્યટકો આવે છે....એના રૂપિયાથી ગુજરાતને રોજગારી અને રૂપિયા નહી મળે!!!!! કોઈ પણ રાજ્યનો મુખ્યમંત્રી મુરખો નથી હોતો કે,જાહેરમાં પ્રજાના પૈસાની લ્હાણી કરે...આ પ્રોજેક્ટ દુનિયાના એન્જીનીઅર્સ અને બાંધકામ ક્ષેત્રના માંધાતાઓ પાસેથી સલાહ લઈને અમલમા મુકવામાં આવશે...ભવિષ્યમાં આનાથી ગુજરાતને ફાયદો જ થવાનો છે...એમાં કોઈ શંકા ને સ્થાન નથી....

    ReplyDelete
  9. shailesh modi10:07:00 PM

    i visited sardar memorial at karamsad a few days ago. it is, notwithstanding pleasant outdoor areas, a dull and unimaginatively created memorial. the ticket-counter personnel were shooing visitors away on the ground that the evening fountain show was an hour away.i steamrolled my way thru and discovered that there was a gujarati film shoot going on in the outdoor areas; the real reason for keeping visitors at bay!hope someone breathes life and management into karamsad memorial.

    ReplyDelete
  10. Anonymous11:26:00 AM

    Introspection: Academically, hope we have wisdom to differentiate in personifying our legend in terms of cementing height and social political height.

    ReplyDelete
  11. Dear no1 or no2 Modibandhu,

    7 mahanagarpalika mathi 6 na result aavi gaya chhe.Samajdar ko ishara kafi

    ReplyDelete
  12. this modi is different from his namesake but no less creative than the bigg boss !

    and binit, why not add at least one centimeter per CM i.e. THE COMMON MAN whose population is either 5 crore or 5.5 crore as per the inclination of our real CM i.e. the CHIEF MINISTER !

    the statue must represent the total height of all gujaratis or even excluding the ones not befitting modi saheb's definition.

    ReplyDelete