Tuesday, February 16, 2010

માતૃભાષાની ચિંતા વિશેની ચિંતા

પચાસેક વર્ષ પહેલાં ઝવેરચંદ મેઘાણીનો ઉલ્લેખ હંમેશાં ‘સ્વર્ગસ્થ મેઘાણી’ તરીકે જ થતો. જ્યાં ને ત્યાં. જ્યારે ને ત્યારે. પરિણામ એ આવ્યું કે ફક્ત ‘સ્વર્ગસ્થ’ બોલાય તો મેઘાણી યાદ આવે ને ફક્ત ‘મેઘાણી’ બોલાય તો સ્વર્ગસ્થ યાદ આવે! ‘ગુજરાતી બચાવો’ની સ્થિતિ અત્યારે કંઇક એવી છેઃ ફક્ત ‘ગુજરાતી’ બોલાય, તો પણ ‘ગુજરાતી બચાવો’ જ સંભળાય છે.

ગુજરાતમાં ત્રણ-ચાર દાયકા પહેલાં અંગ્રેજી બચાવવાની સીઝન ચાલતી હતી. શિક્ષણમાં અંગ્રેજી દાખલ કરાવવા માટે બૌદ્ધિકોએ આંદોલન કરવાં પડતાં હતાં અને અદાલતી લડાઇઓ લડવી પડી હતી. હવે ગુજરાતી બચાવવા માટે આંદોલન, ઝુંબેશ, પ્રચાર, જાગૃતિ, પી.આર....બઘું કરવામાં આવે છે. છતાં હજુ સુધી પરિણામ તો દૂર, તેની દિશા સાચી હોવાની પણ એંધાણી મળતી નથી.

માતૃભાષા તરીકે ગુજરાતી ખરેખર ખતરામાં છે? એ લુપ્ત થઇ જશે? એને બચાવી શકાય એમ છે? એ ચર્ચા છેડતાં પહેલાં, અત્યાર સુધી ધૂંટાતી રહેલી ગેરસમજણોને દૂર કરવી રહી.

ગેરસમજણ ૧: ભાષા એટલે સાહિત્ય
બહુમતિ લોકો ભાષાની વાત આવે એટલે ‘આ તો સાહિત્યની વાત છે’ એમ કહીને કપડાં ખંખેરીને ઉભા થઇ જાય છે. ઘણા સાહિત્યકારોને પણ આ સ્થિતિ (પોતાનો ધારી લીધેલો વિશેષાધિકાર) મનોમન ગમે છે. હકીકતે, ભાષાનો સંબંધ કે ભાષાનો ઠેકો સાહિત્યકારો પાસે નથી.

સરખામણી કરવી હોય તો કહી શકાય કે, ભાષા સોનાની લગડી છે અને સાહિત્યકારો સોની છે. એ લોકો ભાષામાંથી પોતાની આવડત-વૃત્તિ (કે બજારની માગ) પ્રમાણે ઘરેણાં બનાવે છે. પણ જેમની પાસે ઘરેણાં બનાવવાની આવડત નથી, એમની પાસે સોનાની લગડી તો છે જ અને એની કિંમત જરાય ઓછી નથી. બલ્કે, ઘરેણાંમાંથી લગડી નહીં, લગડીમાંથી ઘરેણાં બને છે.

ગેરસમજણ ૨: ભાષાબચાવો એટલે અંગ્રેજીનો વિરોધ
ગુજરાતીની વાત નીકળે એટલે એક મોટું જૂથ તરત આઘુનિક યુગમાં અંગ્રેજી કેટલું જરૂરી છે, અંગ્રેજી જાણનારા કેટલા આગળ નીકળી ગયા ને અંગ્રેજી નહીં જાણનારા કેટલા પાછળ પડી ગયા, તેની કથાઓ શરૂ કરી દે છે. ગુજરાતીની વાત કરનારને એટલું કહેવાની પણ તક નથી મળતી કે ‘જે ભાષામાં- જે માઘ્યમમાં ભણવું હોય તેમાં ભણો, પણ માતૃભાષાને અભરાઇએ ચડાવવાની કે તેનાથી શરમ અનુભવવાની શી જરૂર છે?’

અંગ્રેજીનો વિકલ્પ નથી એ ખરૂં છે. પણ ગુજરાતમાં કૌટુંબિક અને અંગત વ્યવહારમાં ગુજરાતી ભાષાનો સન્માનજનક વિકલ્પ છે ખરો? મોટી ઊંમરનાં દાદા-દાદી કે નાની ઊંમરનાં માતા-પિતાને ઈંગ્લીશ મિડીયમનાં બાળકો સાથે ભાંગ્યાતૂટ્યા કે લધુતાગ્રંથિગ્રસ્ત ઈંગ્લીશમાં વાતો કરતાં સાંભળવાં, એ બહુ કરૂણ દૃશ્ય હોય છે. વડીલો પોતાની ગરજે બાળકો સાથે અંગ્રેજીમાં સંવાદનો પ્રયાસ કરે અને બાળકોની કસોટીમાં નાપાસ થાય, એ કરૂણ દૃશ્ય સામાન્ય બનતું જાય છે.

ગેરસમજણ ૩: જમાના પ્રમાણે પરિવર્તન એટલે ગુજલિશ
‘ટેબલ’ને ‘મેજ’ અને ‘ટ્રેન’ ને ‘આગગાડી’ કહેવાની- ટૂંકમાં, ભદ્રંભદ્ર બનવાની - વાત નથી. સાર્થ જોડણી કોશમાં અંગ્રેજી કે ઉર્દુ તો ઠીક, અલમારી અને ઇસ્કોતરો જેવા પોર્ટુગીઝ ભાષાના શબ્દો પણ ગુજરાતી તરીકે સ્થાન પામ્યા છે. ભાષા એના સહજ ક્રમમાં અને જરૂરિયાત પ્રમાણે બીજા શબ્દોને સમાવતી રહે છે. એ જ રીતે ભાષા સમૃદ્ધ બને છે. પરંતુ અભિવ્યક્તિ માટે પોતાની ભાષામાં સચોટ, સબળ છતાં ભદ્રંભદ્રીય નહીં એવા શબ્દો હાથવગા હોમી છતાં, આઘુનિક દેખાવા કે યુવા પેઢી સાથે તાલ મિલાવવા માટે શહેરી બોલચાલની ભાષાના અંગ્રેજી શબ્દો કે શબ્દઝુમખાં ઠપકારવાં, એ ભાષાનો વિસ્તાર નથી. ભાષાની વિકૃતિ છે.

વિસ્તાર અને વિકૃતિ વચ્ચેનો ભેદ ન સમજતા કે ન સમજવા માગતા લોકો આયાસપૂર્વક લખેલી ગુજલિશથી ગુજરાતી ભાષાના ચીરહરણનું દુઃશાસનકાર્ય કરે છે અથવા અનાયાસે-સહજતાથી લખેલી ગુજલિશથી ગુજરાતી ભાષામાં લખવાની પોતાની ગેરલાયકાત છતી કરે છે. છતાં, લખાણમાં અંગ્રેજી શબ્દો ન જ આવવા જોઇએ, એવો ભદ્રંભદ્રીય આગ્રહ જેટલો હાસ્યાસ્પદ લાગે છે, એટલું હાસ્યાસ્પદ ‘ગુજલિશ ખાતર ગુજલિશ’ લાગતું નથી. કારણ કે તેમાં લખનારની જેમ વાંચનારના પક્ષે પણ ‘ક્યાંક આઘુનિકતાની ટ્રેન ચૂકી ન જવાય!’- એવી માનસિકતા કામ કરતી હોય છે. આઘુનિકતાને માત્ર ભાષા સાથે સંબંધ નથી હોતો, એ સીઘુંસાદું સત્ય સૌ પોતપોતાના લાભાર્થે જાહેર થવા દેતા નથી.

ચેતન ભગત ગુજરાતીમાં લખતા હોત તો?
કેટલાક મિત્રો એવું માને છે કે ગુજરાતીમાં કોઇ ચેતન ભગત જેવું લખતું નથી, એટલે યુવાનો ગુજરાતીમાં વાંચતા નથી. આવું માનનારા સ્વાભાવિક રીતે જ ચેતનના ભગત હોય છે. ભગતની ભક્તિ સ્વૈચ્છિક અને અંગત પસંદગીની બાબત છે, પણ તેને એક મૂલ્ય તરીકે- ગુણવત્તાના માપદંડ તરીકે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ હાસ્યાસ્પદ છે. ચેતન ભગતના ચાહકોએ એટલો ભેદ તો પાડવો રહ્યો કે ચેતન ભગતના કારણે અંગ્રેજી નહીં, પણ અંગ્રેજીના કારણે ચેતન ભગત આટલા સફળ છે. ચેતન અત્યારે જે લખે છે, એવું જ જો ગુજરાતીમાં લખતા હોત તો? બહુ સંભવ છે કે તેમના ઘણા ગુજરાતી ભક્તો ખડી પડ્યા હોત.

સાહિત્યકારોથી ભાષાનો વટ પડે છે, એવી માન્યતા પ્રચલિત માન્યતા છે. પણ ખરેખર જેમના થકી ભાષાનો વટ પડે એવા લેખકો બહુ ઓછા હોય છે -અને ગુજરાતી ભાષામાં એવા લેખકો છે, જેમના કારણે ગુજરાતી આપણી માતૃભાષા હોવાનું આપણને ગૌરવ થાય. ફક્ત સાહિત્ય જ શા માટે, વિજ્ઞાન જેવા વિષયોમાં પણ દાયકાઓથી એકનિષ્ઠ કામ કરનારા છે. પરંતુ ‘ગુજરાતી બચાવો’ મંડળીઓ એ કામને ભાગ્યે જ ઘ્યાનમાં લે છે- તેને આદર્શ તરીકે રજૂ કરવાનું તો બહુ દૂર! આ રીતે થોડું ઘણું સારૂં કામ પણ સરવાળે ખૂણે હડસેલાતું જાય છે અને રોકકળ મુખ્ય કાર્યક્રમ બની જાય છે. તેમાં અંગ્રેજીના આક્રમણ કરતાં વધારે વધારે લોકોની ઉપેક્ષા અને ભાષાના કહેવાતા રક્ષણહારો-તારણહારોની આંધળીબહેરી ચિંતા પણ ભાગ ભજવે છે.

વાત ફક્ત પ્રભાવશાળી અને આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા લેખકથી ભાષાનું ગૌરવ અનુભવવાની વાત હોય તો ગુજરાતી ભાષા પાસે સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર મહાત્મા ગાંધી છે. (એ ચેતન ભગત કરતાં મોટા કહેવાય કે નહીં, એનો નિર્ણય ભગતના ભક્તો નક્કી કરે.) એટલે, ગુજરાતી ભાષામાં સેલિબ્રિટી લેખકો થઇ જાય તો પણ સામાન્ય પ્રજાના મનમાં ભાષાનું ગૌરવ વધી જશે, એવું માની લેવાય નહીં.

ભાષા પહેલાં બીજું ઘણું લુપ્ત થશે
‘ગુજરાતી બચાવો’માં કારકિર્દી બનાવવી ન હોય અને ગુજરાતીના ઉદ્ધારક તરીકે પેશ ન આવવું હોય, છતાં માતૃભાષા પ્રત્યે લાગણી હોય તો પહેલાં થોડો વિચાર અને પછી થોડું આચરણ કરી શકાય. એના માટે સાહિત્યકાર કે કટારલેખક હોવું જરૂરી નથી. ફક્ત ગુજરાતી હોવું પૂરતું છે.

વિચારનો પહેલો મુદ્દો એ છે કે ગુજરાતી ભાષા બોલનારા ગુજરાતીઓનો આંકડો કરોડમાં છે. છતાં, ભાષા લુપ્ત થવાની બૂમો શા માટે? કારણ કે, સમાજના ટોચના, સફળ, ધનિક, બોલકા વર્ગની નવી ભાષા અંગ્રેજી છે. તેમની સફળતામાં અંગ્રેજીનો હિસ્સો કેટલો હતો એ ગૌણ છે, પણ દૂરથી જોનારને એટલો સંદેશો સ્પષ્ટ ઝીલાય છે કે સફળ થવું હશે તો અંગ્રેજી શીખવું પડશે. શાળાઓમાં બીજા (ટકાવારીમાં) ‘કામના’ વિષયો શીખવવાનું ઠેકાણું ન હોય, ત્યાં અંગ્રેજીમાં ક્યાંથી ભલી વાર આવે? એટલે અંગ્રેજી શીખવવાનો અધકચરો છતાં એકમાત્ર રસ્તો, બાળકને ઈંગ્લીશ મિડીયમની સ્કૂલમાં મૂકી દેવાનો છે.

ઈંગ્લીશ મિડીયમમાં બાળકને ભણાવવાનો વાંધો નથી, પણ એ મિડીયમને સફળતાના પર્યાય તરીકે ગણવામાં ગોટાળો છે. લોકો એટલું પણ વિચારતા નથી કે એક જમાનામાં ગુજરાતી માઘ્યમમાં હતાં, એથી પણ વઘુ વિદ્યાર્થીઓનાં ટોળાં, યોગ્ય શિક્ષકો કે પૂરતી સજ્જતા ન હોય એવી ઈંગ્લીશ મિડીયમની શાળાઓમાં ઉભરાઇ રહ્યાં છે, તો એ બધાં કેવી રીતે સફળ થઇ જશે?

ઈંગ્લીશ મિડીયમમાં ભણતા બાળક માટે ઈંગ્લીશને અપનાવવા જેટલું જ ગુજરાતીને તરછોડવું જરૂરી ગણવામાં આવે છે, એ સૌથી કમનસીબ બાબત છે. આ કાવતરામાં સૌની સહિયારી જવાબદારી છે. વાલીઓને બાળક અંગ્રેજી બોલે એટલાથી ગૌરવ થતું નથી. ગુજરાતી ન આવડે તો જ પોતે અંગ્રેજી મિડીયમમાં ન ભણ્યાનો વસવસો કરતાં માતાપિતાનો મોક્ષ થાય છે. સ્કૂલમાં ફરજિયાત રીતે અંગ્રેજી અને અંગ્રેજી નહીં તો હિંદી પણ ગુજરાતી તો નહીં, નહીં ને નહીં જ, એવો નિયમ રાખવામાં આવે છે. એટલે નખશીખ ગુજરાતી પરિવારનાં ઈંગ્લીશ મિડીયમમાં ભણતાં બાળકો ઘરમાં કે મિત્રો સાથે હિંદી-ઈંગ્લિશમાં વાતો કરે છે અને એકબીજાને આંજવાની પ્રક્રિયામાં એકબીજાથી અંજાય છે.

રહી વાત માતાપિતા કે કુટુંબીજનોની. એમને સમજાય છે કે ગુજરાતી ભાષાનેે ઉતરતી ગણવા માંડેલું બાળક અંગ્રેજીને ભાષાને બદલે લાયકાત સમજી બેસે છે? અને મોટા ભાગનાં માબાપ એ લાયકાતના અભાવે, માંડ પ્રાથમિક સુધી પહોંચેલા બાળકની નજરમાં ડફોળ ઠરવા માંડે છે? ગુજરાતી ભાષા લુપ્ત થતાં થશે, પણ સંતાનના મનમાંથી તેમનો દરજ્જો અકાળે લુપ્ત થઇ જાય છે.

જે ભાષા કરોડની સંખ્યામાં લોકો બોલતા હોય, તે એમ કંઇ લુપ્ત થઇ જવાની નથી અને ભાષાની બ્રીફ લઇને ફરનારા અણઘડ વકીલોથી બચવાની પણ નથી. ગુજરાતીને બચાવવાનો દાવો મોટો અને ગેરરસ્તે દોરનારો છે. અત્યારે ખરી જરૂર ગુજરાતીને બચાવવાની નહીં, તેનો મહિમા કરવાની છે. તેનું ગૌરવ સ્થાપવાની છે. વૈજ્ઞાનિક અભિગમ અને માતૃભાષાનું વૈજ્ઞાનિક મહત્ત્વ જાણવું જરૂરી છે, પણ લોકોની શરમ તોડવામાં એ માહિતી બહુ કામ નહીં લાગે. તેના માટે સમાજના સફળ-પ્રભાવશાળી વર્ગમાંથી ગુજરાતીનો મહિમા વહેતો કરવો પડે અને તે પણ ઉપદેશ દ્વારા નહીં, આચરણ દ્વારા. બિનગુજરાતી અભિનેત્રીઓ બે લીટી ગુજરાતીમાં બોલી જાય, તો લોકો કેવા અડધા અડધા થઇ જાય છે! તો ખરેખર ગુજરાતી જાણતા-ગુજરાતી વાંચતા પ્રસિદ્ધ લોકો ગુજરાતી ભાષા માટે પોતાની લાગણી જાહેર ન કરી શકે?

ગુજરાતીનો મહિમા કરવાના તમામ પ્રયત્નો આવકાર્ય છે, પરંતુ ભાષાને ગૌરવ અપાવવાનું આખરે સૌ ગુજરાતીઓના હાથમાં છે. ગુજરાતમાં, ગુજરાતી તરીકે રેસ્ટોરાંમાં, બેંકમાં કે બીજી જાહેર સેવાઓની જગ્યાએ ગભરાતાં ગભરાતાં હિંદી- અંગ્રેજીમાં બોલવાને બદલે, છટાથી ગુજરાતીમાં બોલીને પણ ગુજરાતીનો મહિમા વધારી શકાય. સાહિત્યકારોની ઝુંબેશો કરતાં સામાન્ય લોકોનાં આવાં નાનાં પગલાં લાંબા ગાળે મોટો ફરક પાડી શકે છે. ૨૧ ફેબ્રુઆરીને (વિશ્વ માતૃભાષા દિન ઉર્ફે માતૃભાષા મહિમા દિનને) આ પાઠ યાદ કરવા માટે નિમિત્ત બનાવી શકાય.

32 comments:

  1. Anonymous6:56:00 PM

    તમે જ સૌથી વધારે ગુજરાતી વાપરો છો... થોડુંક અંગ્રેજીમાં લખવાનું પણ રાખો...એમ પણ બહુ ઓછુ બચ્યું છે ગુજરાતી અને તમે વાપરી નાખશો...

    "ગુજરાતી બચાવો"

    ;)

    ReplyDelete
  2. માતૃભાષા પ્રત્યે લાગણી હોય તો પહેલાં થોડો વિચાર અને પછી થોડું આચરણ કરી શકાય. એના માટે સાહિત્યકાર કે કટારલેખક હોવું જરૂરી નથી. ફક્ત ગુજરાતી હોવું પૂરતું છે.
    -----------
    જે ભાષા કરોડની સંખ્યામાં લોકો બોલતા હોય, તે એમ કંઇ લુપ્ત થઇ જવાની નથી અને ભાષાની બ્રીફ લઇને ફરનારા અણઘડ વકીલોથી બચવાની પણ નથી. ગુજરાતીને બચાવવાનો દાવો મોટો અને ગેરરસ્તે દોરનારો છે. અત્યારે ખરી જરૂર ગુજરાતીને બચાવવાની નહીં, તેનો મહિમા કરવાની છે.
    -------------------
    ગુજરાતીનો મહિમા કરવાના તમામ પ્રયત્નો આવકાર્ય છે, પરંતુ ભાષાને ગૌરવ અપાવવાનું આખરે સૌ ગુજરાતીઓના હાથમાં છે. ગુજરાતમાં, ગુજરાતી તરીકે રેસ્ટોરાંમાં, બેંકમાં કે બીજી જાહેર સેવાઓની જગ્યાએ ગભરાતાં ગભરાતાં હિંદી- અંગ્રેજીમાં બોલવાને બદલે, છટાથી ગુજરાતીમાં બોલીને પણ ગુજરાતીનો મહિમા વધારી શકાય. સાહિત્યકારોની ઝુંબેશો કરતાં સામાન્ય લોકોનાં આવાં નાનાં પગલાં લાંબા ગાળે મોટો ફરક પાડી શકે છે.
    --------------------
    આખો લેખ બહુ જ ગમ્યો. પણ ઉપરની વાતો એક સામાન્ય માણસ તરીકે બહુ જ ગમી ગઈ. ભાષાનું ગૌરવ અમારા જેવા સામાન્ય, રસ્તા પરના માણસોએ જાળવવાનું છે.
    સાચી દીશા ચીંધવા માટે અંતરથી અભીનંદન.

    ReplyDelete
  3. બહુ જ સુંદર લેખ બન્યો છે-તમારી કલમને સલામ-લોકો પર અસર થાય તો સારું-મેં તો ગમતાનો ગુલાલ કરીને મિત્રોને વાંચવા મોકલ્યો છે.

    ReplyDelete
  4. સલામ ઉર્વીશભાઈ! ખરી જરૂર ભાષાનું ગૌરવ કરવાની છે, ભાષા બચાવવાની નહીં. આપણે બધા દુખે છે પેટ ને કૂટે છે માથું કહેવતને સાર્થક કરી રહ્યા છીએ. ગુજરાતી ઘણી સમૃદ્ધ છે એના ભાષકો જ નમાલા છે. ગુજરાતી હજી એના પૂરા કૌવતથી ખેડાઈ નથી એ ભાષાની કરુણતા છે, એની મતલબ એ નથી કે ભાષા નબળી છે. નબળા તો આપણે જ છીએ. આપણને ભાષા ન આવડતી હોય એમાં ભાષા શું કરે?

    ReplyDelete
  5. "અદાલતી લડાઇઓ લડવી પડી"ની વીગતો જાણવી છે.
    ગુજરાતી બચાવવા માટે કોઇ અદાલતી લડાઇનું વીચારાય છે કે?
    ગુજરાતી બચાવો આંદોલન, સરઘસ સભા, વગેરે "નાની ઊંમરનાં માતા-પિતાને ઈંગ્લીશ મિડીયમનાં બાળકો સાથે ભાંગ્યાતૂટ્યા કે લધુતાગ્રંથિગ્રસ્ત ઈંગ્લીશમાં વાતો કરતાં સાંભળવા" સામે હતું/છે?
    "શબ્દો હાથવગા હોમી છતાં" ???
    "ગુજરાતી ભક્તો ખડી પડ્યા હોત" ???
    "વિજ્ઞાન જેવા વિષયોમાં પણ દાયકાઓથી એકનિષ્ઠ કામ કરનારા છે" આની વીગતો લખશો?
    "એક જમાનામાં ગુજરાતી માઘ્યમમાં હતાં, એથી પણ વઘુ વિદ્યાર્થીઓનાં ટોળાં, યોગ્ય શિક્ષકો કે પૂરતી સજ્જતા ન હોય એવી ઈંગ્લીશ મિડીયમની શાળાઓમાં ઉભરાઇ રહ્યાં છે" આના કોઇ આંકડા ખરા?
    "હિંદી પણ ગુજરાતી તો નહીં" તેનું કારણ "એકબીજાને આંજવાની પ્રક્રિયામાં" નથી. તેનું કરાણ છે ગુજરાતીના માસ્તરોની હીંદીના, રાજસ્થાન, યુપી,બીહારમાંથી આવેલા માસ્તરો કરતાં વધારે પડતી ટ્યશનીયા વૃત્તી છે.

    "ગુજરાતીને બચાવવાનો દાવો મોટો અને ગેરરસ્તે દોરનારો છે" તેમ નથી હકીકતે દાવો આડકતરી રીતે નમોદીએ ગ્રાંટ ન લેતી અંગરેજી માધ્યમની નીશાળોને માન્યતા આપવા માંડી તેની સામે પણ નથી, પણ ફરજીયાત મતદાનના કાયદાનો વીરોધ જોતાં તે નમોદી સામે છે.
    ગુજરાતીનો મહીમા, તેનું ગૌરવ ગણીત, વીજ્ઞાની ચોખ્ખી ચોપડીઓથી થશે. તે સારુ પાઠ્યપુસ્તકો ઉપરનો સરકારી ઇજારો ખસેડવો પડશે, જે માટે નીશાળ શીક્ષણ ઉપરનો સરકારી ઇજારો ખસવાની જરુરત છે.
    "ગુજરાતી જાણતા-ગુજરાતી વાંચતા પ્રસિદ્ધ લોકો ગુજરાતી ભાષા માટે પોતાની લાગણી જાહેર ન કરી શકે?" આ સવાલ કયા પ્રસીદ્ધ લોકો સામે છે? નમોદી સામે?

    ReplyDelete
  6. શ્રી દયાશંકરભાઇના સવાલો અંગે-
    -અદાલતી પ્રયાસોની વિગત એક-બે દિવસમાં.
    - હું ગુજરાતી બચાવ અભિયાન સાથે સંકળાયેલો નથી. એની વર્તમાન અને ભાવિ કામગીરીને લગતી વિગતો અભિયાન સાથે સંબંધિત હોય એવા મિત્રો પાસેથી મળી શકે.
    - શબ્દો હાથવગા હોવા છતાં-- (હોવા ને બદલે હોમી- સરતચૂક છે.)
    - વિજ્ઞાન જેવા વિષયોમાં દાયકાઓથી એકનિષ્ઠ કામ કરનારામાં વિજયગુપ્ત મૌર્ય, નગેન્દ્રવિજય અને હર્ષલ પુષ્કર્ણાનાં નામ છે. સુશ્રુત પટેલ પણ ખરા. હજુ બીજાં ગણાવી શકું.
    - અંગ્રેજીના વિકલ્પે હિંદી માટેનો તમારો તર્ક, મારા થોડાઘણા અનુભવે સાચો લાગતો નથી. ‘અંગ્રેજી નહીં તો હિંદી’ની પાછળનો મૂળભૂત તર્ક એવો લાગે છે કે બાળક તેની માતૃભાષામાં અભિવ્યક્તિ કરતું બંધ થાય તો જ બીજી ભાષા શીખે.
    - આખી વાતમાં નરેન્દ્ર મોદી ક્યાંય આવતા નથી. તમે ક્યાંથી લઇ આવ્યા?

    ReplyDelete
  7. Unfortunately it is not possible to copy-paste here.
    I forgot how I managed to put in my comments here.
    I would prefer to intersperse comments with correspondent's writing.
    For example I would have liked you to name some celebrities (apart from all those eating in restaurants0 who as per your writing are not coming out speaking in Gujarati.
    English medium is getting ground surely because Gujarat has not attended to English teaching in schools, but to say that parents get their children take Hindi in 10th or 12th with the view to wash their minds off Gujarati language is too far fetched.
    Gujarati at SSC had become tuitionable subject in fifties.
    If any subject becomes a conpulsory subject its tuitionability goes up whethere its marks count towards medical or engineering admissions or not.
    I like the promotors of Gujarati Bachav movement to come out and say that it is directed against parents who are sending their children to English Medium Schools.
    I am putting whole discussion on soc.culture.indian.gujarati where it is possible to copy paste and intersperse comments in correspondent's write up.

    ReplyDelete
  8. Hindi is not talked about as a subject in my piece. It's mentioned as spoken language of english medium students.
    If you think this piece is against English Medium schools, well, all I can say is: happy re-reading!

    ReplyDelete
  9. ઉર્વીશભાઈ અને મિત્રો,

    આ જ વિષય પર એક અલગ છટાનો લેખ: http://kramashah.blogspot.com/2009/09/blog-post.html
    કદાચ આ લેખ વાંચવો ગમશે!

    ReplyDelete
  10. ઉર્વીશભાઇ, blogspot.com ની તકલીફ એ છે કે તેમાં કંઇ ચોંટાડવું અઘરું છે અને મુકેલી લીંક ક્લીક થતી નથી. તમારી આ લીંક મારે કોપી કરી બ્રાઉઝરમાં મુકવી પડી. હું ઇચ્છું કે તમે soc.culture.indian.gujarati ઉપર જઇ મેં ત્યાં તમારા નામ સામે શરુ કરેલ થ્રેડ ઉપર ચર્ચા આગળ વધારો.

    ReplyDelete
  11. shri dayashankarbhai,
    you can post your comments in Name/url option. it's hassle-free and needs no registration.
    Reg. my only answer left, here are the details.

    શ્રી પ્રસન્નદાસ પટવારીના લેખના સંકલિત અંશો (ગુજરાતમાં રોયવાદી ચળવળના પંચોતેર વર્ષો, પૃ.104-105)

    1948 સુધી દ્વિભાષી મુંબઇ રાજ્યમાં તમામ માધ્યમિક શાળાઓમાં અંગ્રેજી પાંચમા ધોરણથી શીખવવામાં આવતી હતી. 1948 પછી તે આઠમા ધોરણથી શીખવવાનો અમલ શરૂ થયો. બન્ને રાજ્યો 1960માં અલગ થતાં મુંબઇના મુખ્યપ્રધાન યશવંતરાવ ચવ્હાણે મહારાષ્ટ્રમાં અંગ્રેજી પાંચમા ધોરણથી શરૂ કરવાનો નિર્ણય લીધો. કેમ કે અંગ્રેજી વિરોધી નીતિને કારણે વિદ્યાર્થીઓનું નબળું અંગ્રેજી તેઓ સુધારવા માંગતા હતા. મોરારજીભાઇ અંગ્રેજી ભાષાના ઝનૂની વિરોધી હતા.
    ગુજરાતના ધારાસભ્યો પૈકી પોપટલાલ જોશી અને ઠાકોરભાઇ ઠાકોર સિવાયના બધા મોરારજીના ટેકેદાર હતા, પરિણામે ગુજરાત રાજ્ય અલગ થતાં ચવ્હાણના નિર્ણયનો અમલ ગુજરાતમાં થતો અટકાવ્યો અને અંગ્રેજી આઠમાથી જ હતું તે ચાલુ રાખ્યું.

    શારદાબેન મહેતાના પ્રમુખપદે પ્રેમાભાઇ હૉલમાં ભરાયેલી અગ્રણીઓની સભામાં ગુજરાત સરકારની અંગ્રેજીવિરોધી નીતિનો સામનો કરવા માટે વાલીમંડળની સ્થાપના કરવામાં આવી, જેના પ્રમુખપદે ગટુભાઇ ધ્રુવ નીમાયા. માનદમંત્રી બન્યા પ્રસન્નદાસ પટવારી.

    આ દરમિયાન ગુજ.યુનિ.ના ઉપકુલપતિ અને અંગ્રેજી માધ્યમના સખત વિરોધી મગનભાઇ દેસાઇએ ગુજ.યુનિ. તેમજ તેમજ તેની સાથે સંલગ્ન તમામ કોલેજોમાંથી અંગ્રેજી માધ્યમ નાબૂદ કરીને તેની જગાએ ગુજરાતી માધ્યમ અપનાવવાનો નિર્ણય કર્યો. તેની સામે સેનેટરોના વિરોધી ઠરાવને આઉટ ઓફ ઓર્ડર ઠેરવવાથી ચાર સેનેટરો(કસ્તૂરભાઇ લાલભાઇ, અમૃતલાલ હરગોવિંદદાસ, હિંમતલાલ શુકલ, બટુભાઇ દેસાઇ) એ ગુજ.હાઇ કોર્ટમાં રીટ કરી. મગનભાઇના નિર્ણયને આપખુદ અને ગેરકાયદેસર ઠરાવવાથી મગનભાઇએ રાજીનામું આપ્યું. ત્યાર પછી આવેલા ઉપકુલપતિએ પણ અંગ્રેજી માધ્યમ ક્રમશ: નાબૂદ કરવાની નીતિ ચાલુ રાખી.

    ચન્દ્રકાન્ત દરૂએ ગુજ.હાઇકોર્ટમાં પ્રેકટીસ શરૂ કરી હતી, તેમણે આની સામે કાનૂની લડત આપવાનો નિર્ણય કર્યો અને ટેસ્ટ કેસ તરીકે સેન્ટ ઝેવીયર્સમાંથી એવો મહારાષ્ટ્રનો વિદ્યાર્થી શોધી કાઢ્યો, જે ભણેલો મરાઠીમાં અને ગુજરાતી આવડતું ન હોવા છતાં તેને ગુજરાતી માધ્યમમાં ભણવાની ફરજ પાડવામાં આવી હતી. કોલેજ તેને અંગ્રેજી માધ્યમનો લાભ આપવા ઇચ્છતી હતી, પણ સરકારના ડરથી કરતી નહોતી. શ્રી દરૂએ કોલેજ, યુનિ. અને સરકારને સામા પક્ષે મૂકીને હાઇકોર્ટમાં રીટ કરી.

    આઠ દિવસ સુધી ચાલેલા આ કેસમા ન્યાયમૂર્તિ શ્રી શેલત, શ્રી ભગવતી અને શ્રી મોદીની બનેલી ખાસ બેંચે ગુજ.યુનિ. અને ગુજ.સરકારની વિરુદ્ધમાં ચૂકાદો આપ્યો. આ ચૂકાદાની વિરુદ્ધ સરકાર તથા યુનિ.એ સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી પણ સુપ્રિમે તે કાઢી નાંખી. ભારતભરમાં કોઇ પણ રાજ્ય કે યુનિ.એ અંગ્રેજી માધ્યમનો વિકલ્પ આપવો જ પડે.

    આ પછી ગુજરાતમાં ઠેરઠેર અંગ્રેજી માધ્યમની શાળાઓ થવા લાગી, પણ તેનો લાભ પૈસાદાર કુટુંબોનાં બાળકો જ લઇ શકતા હોવાથી અંગ્રેજીને પાંચમાંથી શીખવાડવાની લડતને વેગ મળ્યો અને અ.મ્યુ. કો.ની ચૂંટણીમાં આ મુદ્દે કોંગ્રેસનો પરાજય થયો.

    સરકારે પાંચમાથી અંગ્રેજીની છૂટ આપવી પડી, પણ તેને નુકસાન થાય એવાં ઘણાં પગલાં લીધાં, જેમ કે- ગ્રાન્ટ બંધ કરવી, શિક્ષકોના લાભ અટકાવવા વગેરે..

    પણ આની પ્રતિક્રિયારૂપે ગુજરાતમાં ઠેરઠેર અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ થઇ.

    after completing all my duties, I have something to say.
    WHY you always seem like summoning answers, as if I have done something wrong? As if you're the examiner and I'm suppose to submit?

    Friendly tone/ basic courtesy is expected in future questions (if any).

    Also, It's not possible to discuss & discuss & discuss. If there is something solid or informative to say, one can write. otherwise, I'm not interested in "akhada-baji" of opinions.

    ReplyDelete
  12. Again the problem here is pasting anything. It becomes essenial to put in a comment against what correspondent has written. Without that facility one has to retype everything that one wishes raises issue with.
    I suppose you are used to only approbation.
    As you have not attempted to get on soc.culture.indian.gujarati I see no point in me writimg anything further. As to અદાલતી લડાઇઓ you have been able to substantiate it with Daru's fight for getting English Medium continued at College level. No case of even a single લડાઇ for English medium at school level, or for restarting English from 5th standard?

    ReplyDelete
  13. SALIL DALAL (TORONTO)8:26:00 PM

    અભિનંદન !! બે બાબતો માટે.
    પ્રથમ તો ગુજરાતી ભાષા વિષે અને તેને બચાવવાના પ્રયાસોના આ દિવસોમાં એ વિષય ઉપર લખાયેલો આ એક સચોટ લેખ છે. તેથી તેની મુબારકબાદી.. એક સમયે અંગ્રેજી પાંચમાથી ભણાવવું કે આઠમાથી તેની હિમાયત કરનારા બે ઠાકોરભાઈ હતા (ઠાકોરભાઈ ઠાકોર અને ઠાકોરભાઈ દેસાઈ) અને મીડિયામાં એકને ઠાકોરભાઈ પાંચમા અને બીજાને ઠાકોરભાઈ આઠમા તરીકે ઓળખવામાં આવતા. અમારી પેઢી આઠમા ધોરણથી અંગ્રેજી ભણી હોવાથી ગુજરાતી વધારે સારી રીતે લખી, વાંચી, સમજી, વાપરી શકે છે એવું માનવાનું મન થાય છે. પણ પાંચમાથી ભણ્યા હોત તો કદાચ અંગ્રેજી પણ પ્રમાણમાં વાજબી ધોરણનું પ્રારંભથી જ શીખી શક્યા હોત એવી પણ લાગણી ખરી. જો કે ગુજરાતી નવલકથાઓ અને વાર્તાઓને કારણે દસમા ધોરણ સુધીમાં ભાષામાં જ એટલો બધો રસ પડ્યો કે પછી પોતાની ધગશથી અંગ્રેજી સાહિત્ય વાંચ્યું અને એ ભાષાનો પણ ગાઢ પરિચય થયો. એટલે સાવ બાલ મંદિરથી (કિન્ડરગાર્ટનથી) નહિ અને ઠેઠ આઠમાથી પણ નહિ, પણ સમતોલ રીતે પાંચમા ધોરણથી બાળકને અંગ્રેજીથી પરિચિત કરાવાય એ યોગ્ય છે. ઈંગ્લીશ મીડીયમની સ્કુલમાં પણ ગુજરાતમાં ગુજરાતી ફરજીયાત હોય તો અંગ્રેજી ભણનારા માતૃભાષાથી વંચિત થઇ જતા હોવાની ફરિયાદ રહે નહિ.

    મારા બીજા અભિનંદન ચર્ચા કરવાની પૂર્વ શરત જેવી કેટલીક બાબતો ફરી એકવાર સ્પષ્ટ કરવા બદલના છે. જયારે અહી ઉઠાવાયેલા મુદ્દાઓ અંગે કશી ઉપયોગી ચર્ચા કરવાને બદલે 'બે કપ ચા' નો ઓર્ડર મારતા હોય એમ અહી મુકાયેલા લખાણમાં થી 'ફલાણાની વિગતો આપો' એમકોઈ લખે, ત્યારે આશ્ચર્ય ઉપરાંત અકળામણ પણ થતી હતી. (અહી 'અકળામણ' એ 'ગુસ્સો' શબ્દ નહિ વાપરવાના આશયથી પ્રયોજ્યો છે.) પણ પ્રત્યુત્તરમાં ખરેખર જ માગેલી વિગતો અહી મુકાઈ અને તે પણ કેટલી લાંબી? છતાં હોમવર્ક તપાસાતું હોય એ ભાષામાં કે પછી મુદ્દામાલ શોધવા ઉલટ તપાસ કરતા પોલીસની અદામાં ઉઘરાણી થાય ત્યારે લેવા પાત્ર વલણ લેવા બદલ ખાસ ખાસ અભિનંદન!

    ReplyDelete
  14. આ લેખ ખરેખર સારો છે અને જે લોકો માત્ર અંગ્રેજી ને જ વિકાસનો કે "ભણેલા-ગણેલા" હોવાનો પુરાવો ગણે છે એમના માટે આ આંખો ખોલનાર છે...ગુજરાતી માત્ર માતૃભાષા જ નથી એ ગુજરાતી ઓ ની આત્મ-ભાષા જ છે અને જે આત્મ-ભાષા હોય એના માટે આટલી બધી ચૂંથ ન હોય..
    -- મારા લેખ તમે..rajmistry2.wordpress.com પર વાંચી શકો છો...

    ReplyDelete
  15. સલિલ ભાઈ! હું એ ઠાકોર ભાઈ પાંચમાની શાળા - દિવાન બલ્લુભાઈ મા.શા. માં ભણેલો અને આઠમા વાળાની કૃપાને લીધે ફરી વખત એવીને એવી ચોપડી આઠમામાં ભણ્યો'તો. એ ગાંધીવાદી ઝનુની પેઢીને કારણે અમારી પેઢીએ ઘણું સહન કર્યું છે, નોકરીઓમાં બિન ગુજરાતીઓ કરતાં પાછળ પડ્યા છી. અને બે ત્રણ વર્ષ અંગ્રેજી સારું બોલી અને લખી ન શકવા માટે લઘુતા અનુભવી છે.
    --------------
    હવે સમયનાં વહેણ બદલાયાં છે - અને ગુજરાતીનો મહિમા વધારવા
    બચાવ ઝુંબેશ' અને ઉર્વીશભાઈ જેવાની બ્રિગેડમાં જોડાયો છું !

    આ લેખના અનુસંધાનમાં મારા વિચારો -
    http://gadyasoor.wordpress.com/2010/02/19/gujarati_worry/

    ReplyDelete
  16. ઉત્પલ ભટ્ટ1:04:00 PM

    મિત્ર દ. મો.

    વિજ્ઞાન જેવા વિષયોમાં દાયકાઓથી એકનિષ્ઠ કામ કરનારામાં વિજયગુપ્ત મૌર્ય, નગેન્દ્રવિજય અને હર્ષલ પુષ્કર્ણાનાં જ નામ હોય. એમાં પ્રશ્નાર્થ કરવો પડે એમાં આપનું ગુજરાતી ભાષાનું ઉપરછલ્લું જ્ઞાન છતું થઈ જાય છે!

    લેખ બેમિસાલ છે તેમાં ના નહી.

    ReplyDelete
  17. ઉત્પલ ભટ્ટ ભાઇ, વીજ્ઞાન ગણીતની ગુજરાતીમાં લખાયેલી ચોપડીઓ વાંચી તે વીષયોને છોકરાંવ જાતે સમજી શકે ખરાં ? અંગરેજીમાં તેવી ચોપડીઓ મળે છે.
    તમને જાણ છે અગીયારમા-બારમાના ભૌતીકશાસ્ત્રનું ગુજરાત બોર્ડનું પાઠ્યપુસ્તક કોણકોણે લખ્યું? કયા આધારે લખ્યું.
    તમે તમારું સરનામું મારા વેબપાના ઉપર નીચેના ખુણે મુકેલ સરનામે મોકલાવો તો હું તમને લીંક મોકલાવું અને વીનંતી કરું કે આ વીષયે તેમ જ ઉર્વીશ કોઠારીએ અંગરેજી માધ્યમમાં છોકરાંઓને મોકલતાં તેમ જ ગુજરાતી બચાવ આંદોલન પાછળ પૈસા અને વખત ખરચનારાઓ સામે અહીં જે લખ્યું તે ઉપર આગળની ચર્ચા કરવાનું સગવડભર્યું ઠેકાણું કયું છે.
    સગવઢ ભર્યા ઠેકાણા વીશે મેં ઉપર બેતણ વાર લખેલ છે.

    ReplyDelete
  18. ઉત્પલ ભટ્ટ9:34:00 PM

    શ્રી દ.મો.

    આવા 'વાહિયાત' પ્રકારના પ્રશ્નો પૂછવાને બદલે નિયમિત રીતે ગુજરાતી મેગેઝિન 'સફારી' વાંચવાનું શરૂ કરો તો સારો અને સાચો 'થોટ પ્રોસેસ' શરૂ થશે. ભૂતકાળમાં પ્રગટ થતું 'સ્કોપ' જો વાંચ્યું હોત તો ઉપરનો પ્રશ્ન ઉદભવ્યો જ ન હોત.

    મેં તમને 'મિત્ર'નું સંબોધન કર્યું અને તમે તો 'શત્રુ' જેવો વ્યવહાર શરૂ કર્યો!!

    ReplyDelete
  19. Anonymous10:53:00 PM

    Great Urvishbhai... Superb article.. Maan Gaye Mughal-e-aazam..!
    (Sorry MR. Dayashankar, for using such Hindi sentence!)
    It is bestever read before on this subject. (Sorry Mr. Dayashankar, Dont ask me about more articles)
    - Dhaivat Trivedi

    ReplyDelete
  20. ગુજરાત રાજ્યનાં છોકરાંઓ નેશનલ સ્કોલરશીપ, આઇઆઇટી પ્રવેશ, સીબીએસઇ-મેડીકલ પ્રવેશ, વગેરે પરીક્ષાઓમાં બીહાર, આસામ, ઓરીસા જેવાં ગરીબ રાજ્યો કરતાં દસ પગથીયાં નીચે રહે છે. 1988 ના અમદાવાદના ઇંડીયન એક્સપ્રેસમાં જાહેર થયેલ નેશનલ સ્કોલરશીપ પરીક્ષાનાં પરીણામો મુજબ ગુજરાતની તે વખતની વસતીના ચાળીસ લાખ સામે એક નેશનલ સ્કોલર નીકળ્યો, તે સામે મહારાષ્ટ્ર રાજ્યમાં સાડાતણ લાખની વસતી સામે એક સ્કોલર નીકળ્યો.
    તેનું કારણ ગણીત વીજ્ઞાનનાં ગુજરાતી મેગેઝીનો છોકરાંઓ વાંવતાં નથી તે ગણવું ?

    ReplyDelete
  21. nice info... good discussion !

    ભાષાને ગૌરવ અપાવવાનું આખરે સૌ ગુજરાતીઓના હાથમાં છે. v.true, I too believe so.. and wrote,

    http://webmehfil.com/?p=2877

    ReplyDelete
  22. એક મસ્ત વિરોધાભાસ: ગુણવંત શાહ પોતાને ગુજરાતીની બહુ ચિંતા હોય એમ વારંવાર ગુજરાતીની ચિંતા કરતા લેખો લખ્યા કરે છે. એમનો પોતાનો બ્લોગ અંગ્રેજીમાં છે!! વળી એ જે પૂર્તિમાં લખે છે એ પૂર્તિનું નામ પણ અંગ્રેજી(Sunday) માં છપાય છે! બોલો છે ને મહાનતા?
    (ખાસ નોંધ- હું ગુજરાતી ભાષાની ચિંતા કરતો નથી એટલે મારી જોડણીમાં પણ ભૂલ હોઈ શકે)
    - બીજી એક નોંધવા જેવી વાત: ગુજરાતી પ્રકાશકો દર મહીને ઢગલાબંધ નવા ગુજરાતી પુસ્તકો બહાર પાડે છે. અંગ્રેજી પુસ્તકોનો ગુજરાતી અનુવાદ પણ બહુ થાય છે. એ બધા વેચાય પણ છે. તો કેવી રીતે માનવું કે ગુજરાતીને ખતરો છે?

    ReplyDelete
  23. બીરેન4:22:00 PM

    લલિતભાઇની વાતમાં વધુ: ગુજરાતી લુપ્ત થઇ જવાના ડરથી એક પણ ગુજરાતી પ્રકાશકે પોતાની લાઇન બદલી નથી, બલ્કે મોટા ભાગનાએ તો આ લાઇનમાં પેઢીગત વેપાર ચાલુ રાખીને તેને આગળ ધપાવ્યો છે. અને તેમાં જ 'બે પાને'થઇને નદીની પેલે પારના સમૃદ્ધ વિસ્તારમાં શોરૂમ કર્યા છે.ફક્ત અનુવાદના નાણાં ઠરાવતી વખતે (કેટલાકને તો ચૂકવતી વખતેય)જ ઘણા બધાને ગરીબી નડે છે.

    ReplyDelete
  24. If as claimed by Kothari English Medium in Gujarat Schools started only after Daru fought against Gujarat University removing English Medium from College level education, I am looking for more concrete details on the issue.
    Was there no English Medium at school level when most of Gujarat was in Mumbai State?
    Was there no English Medium at school level in the State of Saurashtra before it was merged into Gujarat?
    Maganbhai Desai had to resign not getting his way in turning college education of Gujarat University only Gujarati Medium, then how could the subsequent Vice Chancellors could have make that happen?
    Were all kinds of colleges, Arts, Commerce, Science, Pharmacy, Medical, Engineering turned into or were sought to turn into Gujarati Medium?
    Searching for words Chandrakant Daru English Medium on web no relevant information is found.
    I am sure there have been several research studies done on the issue at least in Education Departments of Universities of Gujarat.

    ReplyDelete
  25. arvind adalja3:10:00 PM

    શ્રી ઉર્વીશભાઈ
    આપના ગુજરાતીનો મહિમા વધારો લેખ ખૂબ જ સુંદર અને ચીલા ચાલુ વાતો થી અલગ રીતે વિચારણીય બની રહ્યો છે. ધન્યવાદ ! દયાશંકરભાઈની આદત તો દૂધમાંથી પુળા કાઢવાની જ રહી છે ! મારે પણ એક વાર એમના મારાં બ્લોગ ઉપરના તેમના પ્રતિભાવના પ્રત્યુત્તરમાં કહેવું પડેલ કે મને મારા પ્રાથમિક શાળાના શિક્ષકની યાદ આવી ગઈ હતી કારણ તેમને ( દયાશંકરભાઈ )પણ લેખના મુખ્ય હાર્દ સમજવા સિવાય માત્ર જોડણી કે જે ઉતાવળે કે ગુજરાતી ટાઈપ કરવાનો મહાવરો ના હોતા ભૂલ થઈ હોય તે પકડી લખનારની ટીકા જ કરવામાં કોણ જાણે પણ કેમ વિકૃત આનંદ આવે છે તે સમજ્માં આવતું નથી. કદાચ ઉમરનો પ્રભાવ પણ હોઈ શકે ! આપના આ લેખ વિષે તેમજ સુરેશભાઈના સુચનો ઉપર મેં સુરેશભાઈના બ્લોગ ઉપર મારા પ્રતિભાવ જણાવ્યા છે ! એટલે અહિ તેનું પુનરાવર્તન કરતો નથી. અંતમાં આપને ધન્યવાદ ! અસ્તુ !
    સ-સ્નેહ
    અરવિંદ

    ReplyDelete
  26. બીરેન4:18:00 PM

    દયાભાઇને કોણ સમજાવે કે વેબ સિવાયની, વાસ્તવની પણ દુનિયા હોય છે. વેબમાં કંઇ ન મળે એટલે તે બન્યું જ નથી એમ માનવું એ જ ધોરણ હોય તો...? તો વેબ પર 'દયાશંકર જોશી બર્થ' શબ્દો વડે સર્ચ કરતાં કશી માહિતી ઉપલબ્ધ નથી.એનો મતલબ એ કે જોશી જન્મ્યા જ નથી?(એને કારણે તેમનું કૃત્ય 'માનવીય' નહીં, પણ 'પિશાચી'લાગતું હશે?)'તડીપાર'ની જેમ 'વેબપાર' જેવો શબ્દ જો કાલે ઉઠીને લોકકોશમાં ઉમેરાય તો એનો જશ જોશીને જશે.

    ReplyDelete
  27. બીરેનકુમારનાં લખાણથી સમજું છું કે તેમની પાસે મેં રીક્વેસ્ટ કરેલી માહીતી હાજરાહજુર છે. તેઓ વખત બગાડ્યા વગર અહીં ટાઇપ કરવા માંડશે, પ્લીઝ.

    ReplyDelete
  28. અડાલજાના "સત્તધીશો જ્યારે આપેલા વચન ના પાડે ત્યારે" જેવું જ કોઠારીનું "ગુજરાતી ભક્તો ખડી પડ્યા હોત" છે. ફેર એટલો કે અડાલજાએ તે ઉપરનો મારો સવાલ તેમના બ્લોગમાં ચડવા જ ન દીધો જ્યારે કોઠારીએ તે સવાલને તેમના બ્લોગમાં અહીં ચડવા દીધો.

    ReplyDelete
  29. ઉર્વીશભાઈ,
    હું પણ લલિત અને બિરેનભાઈ સાથે સહમત છું. ગુજરાતી બચાવવા વાળા લેખકો ની ૭૦૦ કોપી પછી બીજી એડીશન નથી થઇ.પણ અંગ્રેજી સાહિત્ય ગુજરાતી માં આવ્યું અને ગુજરાતી માં ખુબ જ ટૂંકા ગાળામાં રીપ્રિન્ટ થઇ છે. મેં તો એમાં ડીઝાઇન લેવલે કામ કર્યું છે એટલે કહું છું. એક દિવસ ત્રણેય છાપામાં આ જ લેખો હતા.ચાલુ ગાડી એ ચડી જાય છે આ લોકો. હું તો કહું છું કે આવા કહેવાતા ઠેકેદારો લીધે જ માતૃભાષાનું અવમુલ્યન થાય છે, જાણે ગુજરાતી એમને મન માં અને આપણે મન ડાકણ છે. બસ તમારા આ વિચારો બધે પહોચે એવી આશા રાખું છું.

    ReplyDelete
  30. કોઠારીએ ઉપર લખ્યું કે ચંદ્રકાંત દરુનો સેંટ ઝેવીયર્સ કોલેજ તરફી લડાઇમાં કોરટ-વીજય પછી ગુજરાતની નીશાળોમાં બધે અંગરેજી માધ્યમની શરુઆત થઇ.
    આની વધારે ચોખવટ મેલવવા માટે કોઠારીને અને પછી કેટલાક મીત્રોને લખ્યું પણ જવાબ ન આવતાં Gujarat Secondary and Higher Secondary Education Board ને નીચે મુજબ લખ્યું છે.

    Seeking information on English Medium in schools affiliated with Gujarat Secondary and Higher Secondary Education Board.

    Recently (16/2/10) a prominent journalist of દૈનીક – ગુજરાત સમાચાર wrote in his column that for getting English Medium started people had to fight court battles in Gujarat. On querying him on his Blog he informed that Chandrakant Daru fought for English Medium in Colleges of Gujarat University, did not say if in Arts or Science. It could not be Commerce, Engineering, Medical or Pharmacy as he referred to St Xaviers College which in my memory was teaching Arts and Science. He also wrote that after that Court Verdict in favour of Daru, English medium started in schools.

    Can someone in GSHSEB tell me exactly when English Medium began in schools of Gujarat? Was it after Higher Secondary was introduced in late seventies I believe, or prior to that or even when Gujarat was Saurashtra and Mumbai States.

    ReplyDelete
  31. ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં,હિન્દી મીડિયા સામે સચોટ પડકાર આપવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે.

    ReplyDelete
  32. બિનગુજરાતી અભિનેત્રીઓ બે લીટી ગુજરાતીમાં બોલી જાય, તો લોકો કેવા અડધા અડધા થઇ જાય છે! તો ખરેખર ગુજરાતી જાણતા-ગુજરાતી વાંચતા પ્રસિદ્ધ લોકો ગુજરાતી ભાષા માટે પોતાની લાગણી જાહેર ન કરી શકે?
    ના, ના કરી શકે. હાલના ગુજ્જુઓ બહુ સ્માર્ટ થઇ ગયા છે. પોતાના સ્વાર્થ સિવાય ગુજરાતી બોલવાનું ટાળી રહ્યા છે, શરમાઈ રહ્યા છે.

    આપણા વડાપ્રધાન મોદી સાહેબને જ જોઈ લ્યો... મુખ્યમંત્રી હતા એટલે ગુજરાતીમાં ભાષણ કરતા... હવે સમય બદલાયો છે. આવા ઘણા ઉદાહરણ આપણી સામે છે.
    માતૃભાષાને બચાવવા માટે અથવા તેના ગૌરવ માટે બૂમો પડી રહ્યા છે તે પણ સાવ ખોટા નથી.

    ReplyDelete