Thursday, February 11, 2010

સ્ટીવ જોબ્સ: ટેકનોલોજીના ‘આઇ’ સ્પેશ્યલિસ્ટનું આશ્ચર્યજનક અંગત જીવન

જીવન કોલેજના પહેલા સેમેસ્ટરમાંથી ઉઠી ગયેલા ‘એપલ’ના સીઇઓ સ્ટીવ જોબ્સ ગયા મહિને બજારમાં મૂકેલા ‘આઇપેડ’ દ્વારા ફરી એક વાર ચર્ચામાં છે. પરંતુ, જોબ્સની જિંદગી તેમનાં આઇમેક-આઇપોડ-આઇફોન-આઇપેડ કરતાં પણ વધારે મંત્રમુગ્ધ કરે એવી છે

ફિલ્મી પ્રચારની આ ખાસિયત છેઃ ‘થ્રી ઇડિયટ્સ’ જેવી સરેરાશ મસાલા ફિલ્મ અને તેનાં નાટકીયાં પાત્રોથી અંજાઇને ભલભલા બુદ્ધિમંતો ‘શિક્ષણપદ્ધતિ-શિક્ષણપદ્ધતિ’ કરવા લાગ્યા છે, પણ ફિલ્મમાં દર્શાવ્યાં છે એના કરતાં ઓછાં નાટકીય અને વધારે નક્કર એવાં વાસ્તવિક પાત્રોમાં લોકોને રસ પડતો નથી. કારણ કે વાસ્તવિક જીવનનાં એ પાત્રોનો ‘શિક્ષણપદ્ધતિ’ની ધરી પર પ્રચાર થતો નથી. ‘રેન્ચો’નું પોપટિયું રટણ કરતા પ્રેમીઓને કરીના કપુર અને શેતાની તોફાનો સિવાયના, શુદ્ધ જીનીયસ સંશોધક રણછોડમાં કેટલો રસ પડશે? એવા અઘરા સવાલ કૌંસમાં રાખીને, વાત કરીએ એક એવા જણની, જેની જિંદગીના ચડાવઉતાર આગળ ફિલ્મી કથાઓ ઝાંખી પડે અને જેની સિદ્ધિઓ ટેકનોલોજીના ઇતિહાસની દંતકથાઓ બની ચૂકી હોય.




સ્ટીવન જોબ્સ. સિત્તેરના દાયકાના અમેરિકાનું લાક્ષણિક પાત્ર. કોલેજનો અભ્યાસ અઘૂરો છોડીને પોતાની આવડતથી ઇતિહાસ સર્જનાર ખેરખાં. પંચાવન વર્ષની અંગત જિંદગીમાં અનેક નવલકથાઓની સામગ્રી જીવી કાઢનાર એક અનોખો જણ.



સ્ટીવની જિંદગીની શરૂઆત જ નાટકીય રહી. રાજ્યશાસ્ત્રના અઘ્યાપક અને મૂળ સિરીયાના અબ્દુલફતહ જંદલી અમેરિકન યુવતી જોન કેરોલ શીબલી સાથે પ્રેમમાં પડ્યા. બન્નેનાં લગ્ન થાય તે પહેલાં જ ૧૯૫૫માં તેમના સંબંધથી એક પુત્રનો જન્મ થયો. બન્ને જણને એ તબક્કે સંતાન ખપતું ન હોવાથી, તેમણે પુત્રને દત્તક આપી દેવાનું નક્કી કર્યું. કેલિફોર્નિયાના (અત્યારની ‘સિલિકોન વેલી’ના ) દંપતિ પોલ અને ક્લેરા જોબ્સે જંદલી અને જોન શીબલીના એ પુત્રને દત્તક લીધો અને તેને નામ આપ્યું સ્ટીવન. સ્ટીવન ઉર્ફે સ્ટીવ જોબ્સ.



સ્ટીવની શૈક્ષણિક કારકિર્દીમાં કશું નોંધપાત્ર ન હતું. હાઇસ્કૂલ સુધી એનું ગાડું બરાબર ગબડ્યું, પણ કોલેજના પહેલા જ સેમેસ્ટરથી સ્ટીવે ભણવાનું મૂક્યું તે મૂક્યું. ત્યાર પછી યુનિવર્સિટી સાથે સ્ટીવ જોબ્સનો યાદગાર સંબંધ છેક ૨૦૦૫માં ઉભો થયો, જ્યારે વિશ્વવિખ્યાત સ્ટેનફર્ડ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે સ્ટીવને આમંત્રણ મળ્યું. પોતાના પ્રવચનની શરૂઆતમાં જ સ્ટીવે કહ્યું કે ‘હું કદી ગ્રેજ્યુએટ થયો નથી. કોલેજ ગ્રેજ્યુએશન સાથેનો મારો સૌથી નજીકનો પનારો પડ્યો હોય તો એ આજે!’ એમ કહીને તેમણે પોતાની જિંદગીની ત્રણ કથાઓ વિદ્યાર્થીઓને સંભળાવી હતી. ટેકનોલોજીના યુગનાં સૌથી યાદગાર પ્રવચનોમાં જોબ્સના એ પ્રવચનનો સમાવેશ થાય છે. (ઇન્ટરનેટ પર ‘સ્ટીવ જોબ્સ સ્ટેનફર્ડ સ્પીચ’ લખીને સર્ચ કરતાં આખું પ્રવચન વાંચવા અને સાંભળવા મળી શકે છે.)



હાઇસ્કૂલના અભ્યાસ દરમિયાન જોબ્સ વિખ્યાત કંપની હ્લુલેટ-પેકાર્ડ (એચપી)માં યોજાતાં લેક્ચર સાંભળવા જતો હતો. વેકેશનમાં થોડો સમય તેને એચપીમાં કામ પણ કર્યું. ત્યાં સ્ટીવનો પરિચય સ્ટીફન વુઝનિક સાથે થયો. આ દોસ્તીથી ‘એપલ’નાં બીજ રોપાયાં. ખુદ સ્ટીવ જોબ્સે કહ્યું છે કે ‘વુઝનિક મારા પરિચયમાં આવેલો એવો પહેલો માણસ હતો, જે ઇલેક્ટ્રોનિક્સમાં મારા કરતાં વધારે જાણકાર હોય.’

કમ્પ્યુટર ટેકનોલોજી ત્યારે (૧૯૭૦ના દાયકામાં) સાવ ભાંખોડિયાભેર હતી. કમ્પ્યુટરનો ખરેખર કેવો અને કેટલો ઉપયોગ થશે, સામાન્ય લોકો સુધી તે પહોંચશે કે ફક્ત સરકારો અને મોટી સંસ્થાઓ પૂરતો જ તેનો ઉપયોગ મર્યાદિત રહેશે, એ કશું નક્કી ન હતું. એ અરસામાં સ્ટીવ જોબ્સ અને સ્ટીફન વુઝનિકે ‘અતારી’ કંપની માટે કમ્પ્યુટર ગેમ્સ બનાવવાનું અને કમ્પ્યુટર સાથે અખતરા કરવાનું ચાલુ રાખ્યું. ‘અતારી’ની કમાણીમાંથી થોડી બચત થતાં, કોલેજના એક મિત્ર સાથે ૧૯ વર્ષનો સ્ટીવ જોબ્સ ભારત આવ્યો. બન્ને મિત્રોને અઘ્યાત્મમાં ઉંડો રસ હતો અને ભારતના પ્રવાસનો હેતુ મહદ્ અંશે આઘ્યાત્મિક કે જીવનને લગતું જ્ઞાન મેળવવાનો હતો (એવું ઇન્ટરનેટ પરની છૂટીછવાયી નોંધો પરથી જાણવા મળે છે.)


ભારતથી પાછા ફર્યા પછી ૧૯૭૫માં જોબ્સ અને વુઝનિકે જોબ્સના મકાનના ગેરેજમાં ‘એપલ’ કંપનીની વિધિવત્ સ્થાપના કરી અને ૧૯૭૬માં કંપનીનું પહેલું ડેસ્કટોપ કમ્પ્યુટર ‘એપલ ૧’ બનાવ્યું. ૧૯૭૭માં ‘એપલ ટુ’ની સાથે સ્ટીવ જોબ્સની વેપારી કુનેહ દર્શાવતી એક ઘટના બની, જે જુદા જુદા સ્વરૂપે આજે ૩૦ વર્ષ પછી પણ ‘એપલ’ કંપનીને ફળતી રહી છે. સ્ટીવ જોબ્સે ‘એપલ ટુ’ કમ્પ્યુટર માટે પ્રોગ્રામ બનાવવા ખુલ્લું આમંત્રણ આપ્યું. તેનાથી પ્રેરાઇને ઉત્સાહી ભેજાબાજોએ ‘એપલ ટુ’માં ચલાવી શકાય એવા સોળેક હજાર પ્રોગ્રામ તૈયાર કર્યા. જોબ્સનો આ અભિગમ હજુ સુધી બદલાયો નથી. તેના પરિણામે એપલના ‘આઇ ફોન’માં કામ લાગે એવી હજારો નવી સુવિધાઓ દુનિયાભરમાંથી લોકો તૈયાર કરે છે અને તેનો લાભ કંપની તથા તેના ગ્રાહકોને મળે છે.



‘એપલ’નો સિક્કો જામી રહ્યો હતો, ત્યારે સ્ટીવ જોબ્સ એક યુવતીના પ્રેમમાં પડ્યો. તેમના સંબંધથી ૧૯૭૮માં જન્મેલી પુત્રી લીસા જોબ્સની પાસે રહી, પણ તેની માતાનું જોબ્સ સાથે લગ્ન થયું નહીં. એ અરસામાં ડેસ્કટોપ કમ્પ્યુટરમાં ક્રાંતિ આણે એવા કમ્પ્યુટર પર જોબ્સનું કામ ચાલી રહ્યું હતું. ૧૯૮૩માં કામ પૂરૂં થયું અને માઉસ સહિત અનેક નવીનતાઓ ધરાવતું એપલનું નવું મોડેલ બજારમાં મૂકાયું. તેનું બ્રાન્ડનેમ હતું: લીસા. એ કમ્પ્યુટરની સસ્તી આવૃત્તિ ‘મેકિન્તોશ’ નામે તૈયાર કરવામાં આવી. એ જ વર્ષે, પોતાની વ્યાવસાયિક કુનેહ માટે જાણીતા જોબ્સે પેપ્સી કંપનીના પ્રમુખ જોન સ્કલીને સમજાવી-મનાવીને ‘આખી જિંદગી રંગીન પાણી જ વેચવું છે કે દુનિયા બદલાય એવું કંઇક કરવાની ઇચ્છા છે?’ એવા શાબ્દિક ધક્કા મારીને ‘એપલ’માં જોડાવા રાજી કરી લીધા અને તેમને સીઇઓ બનાવ્યા.



સ્કલીનું આગમન જેટલું નાટ્યાત્મક હતું, એટલો જ અણધાર્યો ભવિષ્યનો ઘટનાક્રમ રહ્યો. બે જ વર્ષમાં સ્કલીએ ‘એપલ’ કંપનીનું સંપૂર્ણ સંચાલન પોતાને હસ્તક લઇ લીઘું અને મૂળ માલિક, ૩૦ વર્ષના સ્ટીવ જોબ્સને ૧૫ કરોડ ડોલર આપીને રવાના કરી દીધા. પોતે જ સ્થાપેલી અને એ પણ ‘એપલ’ જેવી કંપનીમાંથી નીકળી જવું પડે ત્યારે જોબ્સની ચગડોળ જેવી જિંદગીની વઘુ એક કડવી વાસ્તવિકતા હતી.

જોબ્સે નવી કંપની ‘નેક્સ્ટ’ સ્થાપી, પણ તેનાં કમ્પ્યુટર બજારમાં ચાલ્યાં નહીં. દરમિયાન, એનિમેશન કંપની ‘પિક્સાર’ ખરીદીને તેના દ્વારા જોબ્સે બજારમાં પોતાનું નામ રાખ્યું. ‘પિક્સાર’ તરફથી ટોયસ્ટોરી, એ બગ્સ લાઇફ, ફાઇન્ડિંગ નેમો જેવી યાદગાર એનિમેશન ફિલ્મો મળી. કમ્પ્યુટરના ધંધામાં ‘નેક્સ્ટ’ નિષ્ફળ જતાં જોબ્સે સોફ્ટવેર અને ઇન્ટરનેટ પર ઘ્યાન કેન્દ્રિત કર્યું. આખરે ૧૯૯૬માં, વિદાયનાં ૧૧ વર્ષ પછી, જોબ્સની કંપની ‘નેક્સ્ટ’ એપલે ખરીદી લેતાં, જોબ્સ ફરી એક વાર (સલાહકાર તરીકે) ‘એપલ’માં પાછા ફર્યા.



‘એપલ’ને એવો નાઝ હતો કે માઇક્રોસોફ્ટની ધંધાદારી અને રીતરસમો કરતાં પોતે બહુ અલગ છે. ‘એપલ’ની ડીઝાઇન હોય કે તેના સોફ્ટવેર, તેનો વિશાળ ચાહકવર્ગ એટલો વફાદાર છે કે તેમને ‘માઇક્રોસોફ્ટ’ કદી પસંદ પડે નહીં. છતાં, ૧૯૯૭માં એવી પણ સ્થિતિ આવી, જ્યારે ‘એપલ’ના કટ્ટર હરીફ અને ધંધામાં ‘એપલ’ને ક્યાંય પાછળ છોડી ચૂકેલા ‘માઇક્રોસોફ્ટ’ના બિલ ગેટ્સ સાથે ‘એપલ’ને કરાર કરવા પડ્યા. એ જ વર્ષે જોબ્સને ફરીથી ‘એપલ’ના સીઇઓ બનાવવામાં આવ્યા.



જોબ્સની બીજી ઇનિંગથી શરૂ થયો ‘આઇ’ સ્પેશ્યલ સાધનોનો સિલસિલો. તેમાં સૌથી પહેલું હતું ૧૯૯૮માં આવેલું ‘આઇમેક’. ત્યાર પછી ‘આઇ’નું લટકણિયું ધરાવતાં ‘એપલ’નાં ઉત્પાદનો - આઇપોડ, આઇટ્યુન, આઇમુવિ, આઇફોન... અને લેટેસ્ટ ઉમેરા જેવું આઇપેડ- બજારમાં વિક્રમસર્જક સફળતા પામ્યાં. ‘આઇ’ અક્ષર શું સૂચવે છે, એ તો આઇપોડ ને આઇફોનની આટલી લોકપ્રિયતા પછી પણ અટકળનો વિષય છે. કેટલાક કહે છે,‘આઇ ફોર ઇન્ટરનેટ’, તો કેટલાક ‘આઇ’માં એપલની વ્યક્તિગત સુવિધાની ખૂબીનું પ્રતિબિંબ જુએ છે.

જોબ્સની બીજી ઇનિંગમાં બઘું થાળે પડી ગયું હોય અને આખરે ફિલ્મો જેવો સુખાંત આવી ગયો હોય એવું લાગતું હતું, ત્યાં કેન્સરે દેખા દીધી. શરૂઆતમાં ડોક્ટરોને લાગ્યું કે જોબ્સ નહીં બચે. સદ્ભાગ્યે, કેન્સરની સારવાર થયા પછી જોબ્સની તબિયતમાં સુધારો થવા લાગ્યો અને હવે તે સંપૂર્ણપણે ભયમુક્ત છે. ૧૯૯૧માં લોરિન પોવેલ સાથે લગ્ન કરનાર જોબ્સ ત્રણ સંતાનો અને લગ્ન પહેલાંના સંબંધથી થયેલી પુત્રી લીસાના પિતા તરીકે સુખદ પારિવારીક જીવન ગાળે છે.



જોબ્સના પારિવારક સંબંધોમાં, તેમના જીવનની નાટકીયતાને છાજે એવો એક ઉમેરો પણ થયો છેઃ સ્ટીવ જોબ્સનાં મૂળ અમેરિકન માતા-સિરીયન પિતાએ સ્ટીવને દત્તક આપી દીધા પછી બાકાયદા લગ્ન કર્યાં હતાં. તેમના લગ્નથી જન્મેલી દીકરી - અને એ રીતે સ્ટીવ જોબ્સની સગી બહેન - મોના સિમ્પસનને જોબ્સે શોધી કાઢી. હવે સ્ટીવ જોબ્સનાં પાલક માતાપિતા ગુજરી ગયાં છે અને માજણી બહેન મોના સાથે સ્ટીવ જોબ્સને ગાઢ સંબંધ બંધાયો છે. મોના સિમ્પસન નવલકથાકાર છે, પણ સ્ટીવ જોબ્સની પાંચ દાયકાની જીવનકથા જાણ્યા પછી લાગે કે નવલકથા રચવાની જે શક્તિ સંજોગો પાસે છે, તેની આગળ ભલભલા સર્જકો પાણી ભરે.

4 comments:

  1. Anonymous1:01:00 AM

    Well said. For those who want to understand Steve Jobs, must watch this nice video of his speech at Stanford Graduation ceremony - http://www.youtube.com/watch?v=UF8uR6Z6KLc

    ReplyDelete
  2. સરસ માહીતી અને બહુ જ રોચક. આઈપોડ પર હું આફ્રીન છું. 6 જીબીમાં 1200 ગીતો.

    ReplyDelete
  3. ગુજરાતી યુવાનોએ સ્ટીવનું ભાષણ જરૂર સાંભળવુ અને તેમના મિત્રોને પણ સંભળાવવુ જોઈએ.

    ફેસબુકના સર્જક માર્ક ઝુકરબર્ગની ચડતી વિશે પણ થોડુ લખશો તો યુવાનોને તેમાથી પ્રેરણા મળશે.

    ReplyDelete
  4. Thanks for bringing in horizon this wonderful speech. All these are some positive seeds of information technology..........!!

    ReplyDelete