Tuesday, September 28, 2021
ખાડાનું અધ્યાત્મ
ભારત આધ્યાત્મિક દેશ છે. કમ સે કમ પશ્ચિમી દેશોમાં ઘણા લોકો એવું માને છે. પશ્ચિમવાળા ટીકા ન કરે ત્યાં સુધી, તે લોકો આપણા વિશે જે કંઈ માને તે આપણને બહુ ગમતું હોય છે. કેટલાક લોકો માને છે કે ભારતમાં અધ્યાત્મ—એટલે કે તેનું બજાર—ખાડે ગયું છે. પરંતુ ખાડા અધ્યાત્મે ગયા છે કે નહીં? તે પણ ચર્ચવા જેવું છે. તેના માટે પાયાનો સવાલ એ છે કે આધ્યાત્મિક એટલે શું?
ભારતીય અધ્યાત્મના જેટલા શેડ છે, એટલા તો કોઈ રંગની કંપનીના શેડકાર્ડમાં પણ નહીં હોય. તેમાંથી કયા શેડનું અધ્યાત્મ સાચું? આ સવાલના જવાબથી અધ્યાત્મની શરૂઆત થાય છે. કારણ કે ખરો આધ્યાત્મિક જણ કહેશે, ’કયું સાચું ને કયું ખોટું, એ નક્કી કરનારો હું કોણ? જેને જે સાચું લાગે તે સાચું.’ આવા ઉચ્ચ વલણને કારણે, નામીચા બદમાશ અને ગુંડા પુરવાર થઈ ચૂકેલા કથિત ધાર્મિક-આધ્યાત્મિક નેતાઓનો પણ વિશાળ અનુયાયી વર્ગ હોય છે.
કેટલાક ઉત્સાહીઓ પોતપોતાના ધર્મ વિશે કહેતા ફરે છે, ’અમારો ધર્મ એ કંઈ નકરો ધર્મ નથી. એ તો જીવન જીવવાની રીત છે.’ મતલબ, ધર્મ અને અધ્યાત્મ જીવનની દરેક બાબતમાં લાગુ પાડી શકાય—અને જો એમ જ હોય તો પછી રસ્તા પર પડતા ખાડાની ચર્ચામાં પણ તેને કેમ ન સાંકળી શકાય? અધ્યાત્મમાં કહ્યું છે કે કોઈ પણ કર્મ થાય, એ સાથે જ તેનું કર્મફળ પેદા થાય છે. એ રીતે જોતાં, ખાડાને રસ્તાનું કર્મફળ ગણી શકાય. જેમ જન્મ એ મૃત્યુનું કારણ છે, તેમ નવા રોડ બનવા એ ખાડા પડવાનું મૂળ કારણ છે. પાકો રસ્તો જ ન હોત અને આખો રસ્તો ખાડાખૈયાવાળો હોત, તો ‘ખાડો પડ્યો’ એવું કોણ કહી શકત? એવા સંજોગોમાં રસ્તા પરનો ખાડો પણ બ્રહ્મની જેમ અનાદિ અને અનંત ગણાત—અનાદિ કાળથી પડેલો અને અનંત કાળ સુધી રહેનારો. તેમાં કશો ફેરફાર કરવો—એટલે કે પાકો રસ્તો બનાવવો—એ સૃષ્ટિના ક્રમમાં, અથવા ચિંતનખોરો કહે છે તેમ કૉસ્મિક લયમાં, ભંગ પાડવા જેવું ગણાત.
સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારે કંઈ ડામરના કે આરસીસીના રસ્તા હતા? કદી સાંભળ્યું કે તોફાને ચડેલાં ડાયનોસોરોએ દોઢ-બે કિલોમીટરનો પાકો રસ્તો તેમનાં શીંગડાં-ભીંગડાંથી તહસનહસ નાખ્યો? ક્યારેય એવું વાંચવામાં આવ્યું કે પૃથ્વી પર એક લઘુગ્રહ ખાબકતાં દસ કિલોમીટરના વ્યાસમાં આવેલા બધા પાકા રોડ ખાડામાં ફેરવાઈ ગયા? પૃથ્વીનું સૌથી પ્રાકૃત કહો કે પ્રાકૃતિક, તે સ્વરૂપ ખાડાવાળું છે. રસ્તા તો ‘સુધારા’નું પરિણામ છે અને રસ્તા પર પડેલા ખાડા વિશે ફરિયાદ કરવી, એ દુષ્ટ સુધારાવાળાઓનું લક્ષણ છે. આવું ભદ્રંભદ્રે પહેલાં ભલે ન કહ્યું, પણ તે અત્યારે વિદ્યમાન હોત તો જરૂર કહેત.
ખાણીપીણીથી માંડીને સૌંદર્યલક્ષી ચીજવસ્તુઓની બાબતમાં ઘણા લોકો ‘ઑર્ગેનિક’નો આગ્રહ રાખતા હોય છે, એટલે કે, જેમાં કશી અકુદરતી-રાસાયણિક પદાર્થોની ભેળસેળ ન હોય. એ દૃષ્ટિએ જોતાં, થોડું સાહસ એકઠું કરીને કહી શકાય કે ખાડા એ રસ્તાનું ઑર્ગેનિક સ્વરૂપ છે. ઑર્ગેનિક ચીજવસ્તુઓના પ્રેમીઓને આ વાત સૈદ્ધાંતિક રીતે તરત સમજાઈ જશે. જોકે, સિદ્ધાંત સમજ્યા પછી પણ, તેનો જાહેરમાં ખુલ્લા મને સ્વીકાર કરવો-રસ્તાની ‘ઑર્ગેનિક અવસ્થા’ વિશે ફરિયાદ-તકરાર ન કરવી, એ સાવ અલગ બાબત છે. તેના માટે ઉપદેશ અને આચરણ વચ્ચેની એકરૂપતા જેવા, કહેવાતી આધ્યાત્મિક પરંપરામાંથી લગભગ ગાયબ એવા ગુણની જરૂર પડે. તે ગુણની ગેરહાજરીને કારણે દેશની સરેરાશ જનતા અધ્યાત્મવાદી હોવા છતાં અને સંભવતઃ રસ્તા પરના ખાડાનો આધ્યાત્મિક, પૌરાણિક મહિમા સમજતી હોવા છતાં, તેમના વિશે કકળાટ કરી શકે છે. જેમ જેમ માણસની ભૂમિકા ઉચ્ચ થતી જાય અને તે ‘ભક્ત’, ‘પરમ ભક્ત’ જેવાં પગથિયાં ચડતો જાય, તેમ તેને રસ્તાના ખાડામાં આધ્યાત્મિક સંદેશ અને ‘બૅક ટુ નેચર—કુદરત ભણી પાછા વળો’નું આહ્વાન દેખાતું થાય છે. ત્યાર પછી તે ખાડાને તિરસ્કારથી નહીં, કુદરતની લીલા અને પૃથ્વીના આદિ સ્વરૂપ તરીકે જોવાનું શરૂ કરે છે.
કેટલાક અસંતુષ્ટો એવી ફરિયાદ કરે છે કે સરકાર રોડનું બરાબર ધ્યાન રાખતી નથી. બધા જાણે છે કે આ વાત સદંતર ખોટી છે. હકીકતમાં દર વર્ષે સરકારો એકથી વધારે વાર રસ્તા પરના ખાડાનાં સમારકામના લાખો-કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ કાઢે છે અને દર વર્ષે નિયમિત રીતે ખાડા પુરાવે છે. ‘સરકાર દર વર્ષે રસ્તાનો જીર્ણોદ્ધાર કરાવે છે કે ખાડાનો?’ એવો સવાલ પણ કંઈક ભાળી ગયેલા જીવોને થઈ શકે છે.
પરંતુ સરકારની આધ્યાત્મિક વૃત્તિ સતેજ છે અને નાગરિકોની આધ્યાત્મિક વૃત્તિની ચિંતા પણ તેના હૈયે વસેલી હોય છે. એટલે ખાડા જેવી આધ્યાત્મિક ઘટનાથી નાગરિકોને વંચિત રાખવાનું પાપ તે વહોરતી નથી. તેના બદલામાં ખાડા પુરવાના અને તેમની ઉપર નવા રસ્તાનું આવરણ કરાવવાના કામમાં કરોડો રૂપિયા ખર્ચવાનું અને લોકનિંદા વેઠવાનું તેને મંજૂર છે. આ કામ કરાવતી વખતે ખર્ચાયેલા રૂપિયાના અભિમાનમાં સરકારો ખાડાની મહત્તા અવગણતી નથી અને એટલી સાવધાની રાખે છે કે બે-ચાર વરસાદી ઝાપટાંમાં ખાડાખૈયાવાળા રોડ પર બનાવેલું નવું આવરણ ઉખડી જાય અને રસ્તો ફરી તેના અસલ, ઑર્ગેનિક સ્વરૂપે આવી જાય એટલે કે તેની પર ઠેરઠેર ઠેકઠેકાણે ખાડા ખીલી ઉઠે.
Tuesday, September 21, 2021
રાજીનામું આપવાની કળા
લેખનું શીર્ષક ખરેખર તો ‘રાજીનામું અપાવવાની કળા’ એવું હોય તો લોકોને વધારે રસ પડે. પણ હકીકત એ છે કે રાજીનામું અપાવવામાં કોઈ કળાની જરૂર હોતી નથી. એમાં તો, આંખ કાઢીને એક લીટીમાં કહી દેવાય તો પણ કામ થઈ જાય. પછી બાકીના પુસ્તકમાં લખવાનું શું? રાજીનામું અપાવનારને જાહેરમાં કેવો મહાન કહેવો પડે છે અને તેના વિશેનો સાચો અભિપ્રાય કેમ ખાનગી રાખવો પડે છે, તેની મજબૂરીભરી મૂંઝવણ?
કળા જેવી કળા જેને કહેવાય એ તો છે રાજીનામું આપવાની કળા. જાણતલો કહેશે કે ઘણા સમયથી આજ્ઞાંકિતતાનો મહાસાગર બની રહેલા લોકોને છેલ્લો કટોરો ઝેરનો પીવામાં એટલે કે રાજીનામું આપવામાં શી તકલીફ પડે? તેમને તો ‘લાઈ હયાત આયે, કઝા લે ચલી ચલે/ અપની ખુશી ન આયે, ન અપની ખુશી ચલે’—એ શેર પ્રમાણે, પોતાની ઇચ્છાથી આવવાનું નથી હોતું ને પોતાની ઇચ્છાથી જવાનું પણ નથી હોતું. તો પછી હાયહાય શાની ને એવા કામમાં કળા પણ કેવી?
વાસ્તવમાં સાવ એવું નથી. લોકો ગમે તે માને, નેતાઓ, સત્તાધીશો—ખાસ કરીને રાજીનામું આપનારા-- આખરે માણસ હોય છે. ચેનલોનાં માઇકની સામે પક્ષની શિસ્ત અને સંગઠનની શક્તિની ચ્યુંઇંગ ગમો ચાવ્યા પછી તેમનું પણ મોં દુખી જાય છે અને થાક લાગે છે. એ વખતે મોં હસતું રાખવા માટે અને હૃદયભંગથી બચવા માટે પણ રાજીનામું આપવાની કળા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આર્ટ ઑફ લિવિંગના વર્ગો ચાલતા હોય, તો આર્ટ ઑફ રિઝાઇનિંગના ક્લાસ, ભલે મર્યાદિત વિદ્યાર્થીઓ માટે, ભલે કોઈ પણ વયજૂથના લોકો માટે, ભલે ખાનગી રાહે, પણ કેમ નહીં?
વિવેચકો અને ઝીણું કાંતનારા પૂછશેઃ રાજીનામું આપવાની કળા એ ‘કળા ખાતર કળા’ છે કે ‘જીવન ખાતર કળા’? તે પાશ્ચાત્ય પ્રભાવથી પ્રેરિત છે કે ભારતીય સંસ્કૃતિથી? પહેલા સવાલનો જવાબ સ્પષ્ટ છેઃ આ જીવન ખાતર, વધુ ચોખવટથી કહીએ તો રાજકીય જીવન ટકાવી રાખવા ખાતરની કળા છે. રાજીનામું આપ્યા પછી સત્તા અને પદ તો જતાં રહે છે, પણ ત્યાર પછીનું જીવન સાવ રાજકીય વનવાસમાં ન જાય રાજીનામા પછી પણ રાજકીય જીવન શેષ રહે, તેના માટે સૂચના મળ્યે રાજીનામું ધરી દેવું જરૂરી છે. તેના આધારે ભવિષ્યમાં બીજા કોઈ હોદ્દાની સંભાવના રહે છે. પરંતુ ઉપરથી કહેવા છતાં રાજીનામું આપવાનો ઇન્કાર કરવાનો તો ઠીક, તે માટેનાં કારણ જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવે, તો તે ગેરશિસ્ત લેખાઈ શકે છે. ત્યાર પછી અડવાણીની જેમ અનંત પ્રતિક્ષા પ્રાપ્ત થાય છે. રાજીનામું આપવાની કળા આવડતી હોય તો ગાલ લાલ રાખી શકાય છે અને તે લાલીને તમાચાની અસર નહીં, પણ તંદુરસ્તીનું પ્રતીક ગણાવી શકાય છે. પાળીતાઓ આવા ફરજિયાત આપવા પડેલા રાજીનામાને પણ નૈતિક જીત કે એવું કશું નામ આપીને, પીછેહઠને આગેકૂચ તરીકે વર્ણવી શકે છે.
રહી વાત પ્રભાવને લગતા સવાલની. તો પાશ્ચાત્ય વડાઓ ભલે પોતાની માલિકીની કંપનીઓમાંથી વેળાસર નિવૃત્ત થઈ જતા હોય, પણ એ પરંપરાનાં મૂળ વાનપ્રસ્થાશ્રમની પરંપરામાં રહેલાં છે. રાજીનામું આપીને, દૂરના ભવિષ્યમાં ફરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવાની આશા જીવતી રાખીને, કામચલાઉ વાનપ્રસ્થમાં જવાનું પગલું ભારતીય પરંપરાને પણ શોભાવનારું છે. આમ, શિસ્તની શિસ્ત, સંસ્કૃતિની સંસ્કૃતિ ને ઉજળી સંભાવનાઓ—આવા ત્રિવિધ ફાયદા રાજીનામું આપવાની કળા દ્વારા મેળવી શકાય છે.
કેટલીક વાર માણસને રાજીનામું લખવાની તક સુદ્ધાં મળતી નથી. રાજીનામું આપવાની કળા ત્યારે પણ ઉપયોગી નીવડે છે. તેના પ્રતાપે ત્યાગ, વિરક્તી, વૈરાગ્ય, નિઃસ્વાર્થ સેવા, સમર્પણ, વફાદારી, કર્મણ્યેવાધિકારસ્તે... વગેરે શબ્દો સાથેની વાતો કરીને પોતાની ઉચ્ચ નૈતિક ભૂમિકા દર્શાવી શકાય છે. તેમના પગ નીચેથી જાજમ ખેંચાઈ ગઈ હોવાને કારણે શારીરિક ભૂમિકા તો અમસ્તી પણ, જમીન પરથી ઉછળીને પટકાતાં પહેલાં હોય એવી ‘ઉચ્ચ’ જ હોય છે.
કેટલાક લોકો એવા હોય છે, જે બીજા પાસેથી રાજીનામું લઈ લેવા અંગે ઉત્સાહી હોય અને રાજીનામું આપવાની પવિત્ર ચેષ્ટાનું પુણ્ય હંમેશાં બીજા કમાય એવું જ ઇચ્છતા હોય છે. તે પોતે કદી રાજીનામું આપતા નથી. એટલું જ નહીં, તેમણે રાજીનામું આપવું જોઈએ એવો વિચાર સુદ્ધાં જેના મનમાં આવતો જણાય, તેનું રાજીનામું તે પહેલી તકે પડાવી લે છે. પહેલાંના સમયમાં નેતાઓનું એટલું વજન રહેતું કે નેતાઓ રાજીનામાની ધમકી આપીને ધાર્યું કામ કઢાવી શકતા હતા. એ વખતે, સ્વીકાર ન થાય એવી રીતે રાજીનામું આપવાની કળાની બોલબાલા હતી. પરંતુ ઘણા સમયથી એ કળાનાં વળતાં પાણી છે.
હવે તો સત્તાધારી પક્ષના બે સિવાયના નેતાઓને હંમેશાં ટેન્શન રહેતું હશે કે ગમે ત્યારે તેમની પાસેથી રાજીનામું લઈ લેવામાં ન આવે. સત્તાધારી પક્ષનો હાઇકમાન્ડ જે રીતે રાજ્યોના મુખ્ય મંત્રીઓનાં રાજીનામાં માગી લે છે તે જોતાં, સરકારમાં ક્યાંક એક નવું રાજીનામા મંત્રાલય ઊભું કરવું પડે તો પણ નવાઈ નહીં. એ મંત્રાલયના મંત્રી પોતે દાખલો બેસાડવા માટે દર મહિને રાજીનામું આપે અને નવા નેતાને એ મંત્રીપદની તક આપે. એવું થાય તો રાજીનામા સાથે સંકળાયેલો ખોફનો માહોલ હળવો થશે અને ભારતીય પ્રજા જેમ પેટ્રોલના તોતિંગ ભાવવધારા સાથે જીવતાં શીખી ગઈ, તેમ નેતાઓ રાજીનામા માગી લેતા હાઇકમાન્ડ સાથે હસીખુશીથી જીવતાં શીખી જશે. એ જ તો છે જીવન જીવવાની ખરી કળા.
Monday, September 06, 2021
સ્મારકોનું નવનિર્માણ
સરકારો અને શાસકો ઇચ્છે કે ન ઇચ્છે, ઇતિહાસ થવાનું તેમના લમણે લખાયેલું હોય છે. શાસકો તે બરાબર જાણતા હોય છે. એટલે તેમનો પ્રયાસ ઇતિહાસની નહીં, પણ પોતાની મરજી પ્રમાણે પોતાનું પ્રકરણ લખીને જવાનો હોય છે. વર્તમાન શાસકો આ બાબતમાં એકદમ આત્મનિર્ભર છે. એટલે તે પોતાનો જ નહીં, પહેલેથી લખાઈ ચૂકેલો ઇતિહાસ પણ પોતાની મરજી પ્રમાણે ફરી લખવા તલપાપડ હોય છે. ગયા સપ્તાહે થયેલું જલિયાંવાલા બાગ સ્મારકનું નવનિર્માણ તેમની એ તલપાપડગીરીનો વધુ એક નમૂનો છે.
વર્તમાન શાસકોને ન્યાય ખાતર કહેવું જોઈએ કે આ વૃત્તિ નાના પાયે શાસિતોમાં-લોકોમાં પણ રહી છે. ઐતિહાસિક સ્થળો, સ્થાપત્યો, ઇમારતો જેવાં સદીઓ જૂનાં સ્થળોએ કે ઇમારતો પર, હાલમાં કોણ કોને પ્રેમ કરે છે, તેને લગતાં લખાણ લખવાં એ આપણી પ્રજાકીય ખાસિયત રહી છે. તેની પાછળનો પવિત્ર આશય પોતાના પ્રેમને ઇતિહાસમાં અમર કરી દેવાનો જ હશે, ઐતિહાસિક મહત્ત્વ ધરાવતાં સ્મારકોમાં સામાન્ય લોકો આવું કરે તો તેનાથી સ્મારકને નુકસાન થયું ગણાય. પણ કાયદો બનાવનારા શાસકો પોતે આવું કરે તો તે સ્મારકોનું નવનિર્માણ કહેવાય. વર્તમાન શાસકોની સ્મારક-નવનિર્માણ પદ્ધતિ એવી છે કે તેમના દ્વારા ‘વિકાસ પામેલાં’ સ્મારકોને મનની આંખથી જોતાં ‘આઇ લવ આઇ’ અથવા ‘મોદી લવ્ઝ મોદી’ લખેલું તરત વંચાઈ જાય. મામલો તો આખરે ઇતિહાસમાં અમરત્વ મેળવવાનો છે. તે પોતાની કામગીરીથી ન મળે તો કોઈની કામગીરી પર પોતાનાં લેબલ મારીને પણ હાંસલ કરી લેવું.
નવાં સ્મારક બનાવવાં અને જૂનાં સ્મારકોને જાળવી રાખવાં એ કળા છે. શાસકોને તે કળા આવડવી જરૂરી નથી. તેમનું કામ આવી કળા આવડતી હોય તેવા લોકોને કામ સોંપવામાં છે. વર્તમાન સરકારમાં આવા લોકો નક્કી છે. એટલે આવાં સ્મારકોની જાળવણીનું કે નવા બાંધકામનું કોઈ પણ કામ નીકળે તો તેના આર્કિટેક્ટ કોણ હશે અને કઈ એજન્સી તે સ્મારકનું ઇતિહાસનું, સુશોભનનું તેમ જ ઇતિહાસના અનુકૂળ સુશોભનનું કામ કરતી હશે, એની ધારણા સહેલાઈથી કરી શકાય અને મોટે ભાગે તે ધારણા ખોટી ન પડે. કોઈ તેને મળતીયાઓને લાભાન્વિત કરવાની નીતિ કહી શકે, તો કોઈ સાતત્ય પણ કહી શકે. પરંતુ અંતે નવનિર્મિત સ્મારકની જે દશા થાય છે તે જોતાં એટલું ચોક્કસ સમજાય છે કે ઘણાં નવનિર્માણ ખંડન કે તોડફોડ કરતાં પણ વધારે ખતરનાક હોય છે. કારણ કે તેમાં જૂના સ્મારકની ગરીમાનું-ઐતિહાસિકતાનું-વાતાવરણનું પૂરેપૂરું ખંડન થઈ ગયું હોવા છતાં, તે કહેવાય છે નવનિર્માણ. તેને ‘ખંડન’ તરીકે ઓળખાવનારા સરકારવિરોધી અને એવાં બીજાં વિશેષણો મેળવે છે.
ઘણાંખરાં રેસ્તોરાંની પંજાબી સબ્જી માટે કહેવાય છે કે તેમાં રસો તો એકસરખો જ હોય છે, ફક્ત ઉમેરણ બદલાય છે. વર્તમાન સરકારના નવનિર્માણ પ્રોજેક્ટોનો મામલો પણ કંઈક એવો જ લાગે છે. સ્થળ ગમે તે હોય, પણ તેનું નવનિર્માણ કરવાની કે નવા સ્મારકનું નિર્માણ કરવાની તેની પદ્ધતિ એવી છે કે મુલાકાતી પર સ્મારક કરતા સ્મારકના નવનિર્માણની અને તે પ્રોજેક્ટનો હુકમ આપનાર શાસકની અસર વધારે પડે. જેમ કે, ‘સ્ટૅચ્યુ ઑફ યુનિટી’ના પ્રવાસે ગયેલા લોકો પાછા ફરીને બગીચાની, લાઇનોની, તોતિંગપણાની, રેલવે સ્ટેશનની, સ્પેશિયલ ટ્રેનોની, ભૌતિક સુવિધાઓની કે તેમાં પડતી મુશ્કેલીઓની વાત કરશે. સરદાર પટેલના જીવનકાર્ય વિશે ભાગ્યે જ કોઈના મોઢેથી કશું સાંભળવા મળશે. એ છે અસલી ટૅક્નિક, જેમાં સરદારના નામે સ્મારક થઈ ગયું, પણ જયજયકાર જેનું સ્મારક છે તેના કરતાં ઘણો વધારે જેણે સ્મારક બનાવ્યું, તેનો થાય. આ થઈ નવા નિર્માણની વાત. જૂની જગ્યાના નવનિર્માણમાં ‘સરદાર પટેલ સ્ટેડિયમ’નું નામ ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ થઈ જાય અને સરદાર પટેલનું નામ આખા રમતગમત સંકુલને આપી દેવામાં આવે. ભક્તો તેને સરદાર પટેલનું પ્રમોશન સાથેનું બહુમાન ભલે ગણાવે, પણ જેમણે સમજ ગીરવે નથી મુકી એવા લોકોને તરત સમજાઈ જાય કે આ તો સિનિયર નેતાઓને માર્ગદર્શક મંડળમાં મુકવા જેવું પ્રમોશન છે.
વર્તમાન સરકારનું સ્મારક નવનિર્માણ તંત્ર બીજી રીતે પણ પંજાબી સબ્જી જેવું છે. નવનિર્માણની તેમની વ્યાખ્યામાં અઢળક ખર્ચ, ટૅક્નોલોજિનો ઔચિત્યભાન વગરનો ઉપયોગ, સ્મારકનો આત્મા હણી નાખે એવી ચકાચૌંધ અને ભવ્યતા, લેસર શો-લાઇટિંગ...ટૂંકમાં ઐતિહાસિક સ્થળને પિકનિક માટેના સ્થળના દરજ્જે ઉતારી દેવું અને ધ્યાન રાખવું કે બને ત્યાં સુધી લોકો ઇતિહાસને બહુ અડે નહીં અને અડે તો પણ માત્ર સરકારને અનુકૂળ થાય એવા ઇતિહાસના ટુકડાને જ. સબ્જીની જેમ સ્મારક ગમે તે વ્યક્તિ કે બાબતનું હોય, નવનિર્માણની રીત તો આ જ.
તૂટેલાં કપ-કીટલી-કાચનાં વાસણમાં ફૂલછોડ ઉગાડનારાને આખા કપ-કીટલી-વાસણો જોયા પછી એવો વિચાર આવી જાય છે કે તેને તોડી નાખીએ તો સરસ પૉટ થઈ શકે. વર્તમાન સરકારની સ્મારકો વિશની મનોદશા કંઈક એવી જ છે. જ્યાં જીવનનો-આત્માનો સળવળાટ હોય તેવાં ઠેકાણાંને જોઈને પણ તેમને થતું હશે કે જૂનાને ખતમ કરી દઈએ, તો નવું સરસ બનાવી શકાય. ઔચિત્યનો વિચાર કર્યા વિના સરકાર સ્મારકોને જે રીતે બાહ્ય ઝાકઝમાળની જરીમાં ઝબકોળી રહી છે, તે જોતાં વર્તમાન શાસક અને સરકારને તેમનું અલાયદું સ્મારક બનાવવાની ભાગ્યે જ જરૂર પડે. તેમના દ્વારા નવનિર્મિત સ્મારકોમાં તેમનાં વિચારસરણીની-શાસનકાળની-કાર્યપદ્ધતિની-મથરાવટીની સાચી રજૂઆત થઈ ચૂકી છે.
Saturday, August 28, 2021
મેઘાણી વિશે બે દહાડામાં ઘણું બધું લખાઈ ગયા પછી...
![]() |
ઝવેરચંદ મેઘાણી ('ઊર્મિ અને નવરચના' મેઘાણી સ્મૃતિ અંકમાંથી) |
ઝવેરચંદ મેઘાણી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, લોકસાહિત્યના સંશોધક, નાટ્યકાર, વિવેચક, આસ્વાદક, અનુસર્જન કરનાર, પત્રલેખક, પત્રકાર, કટારલેખક, તંત્રી, ગાયક, સ્વતંત્રતા સેનાની...આ બધું જ હતા. ગુજરાતી સાહિત્ય-લેખનમાં આટલી બધી વૈવિધ્યપૂર્ણ સર્જકતા જૂજ લોકોને મળી હશે. બે-એક દિવસથી તેમના વિશે ઘણી વાત થઈ અને થઈ રહી છે ત્યારે, તે શું ન હતા તે પણ નોંધવા જેવું છે. કદાચ તેમના વિશેની સમજમાં થોડા વધુ મુદ્દા ઉમેરાય.
- ઝવેરચંદ મેઘાણીની કવિતાઓ અને ગાન ગાંધીજીને ખૂબ પસંદ હતાં. પરંતુ તેમણે ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રિય શાયર’ કહ્યા હોય એવો કોઈ અધિકૃત ઉલ્લેખ ગાંધીસાહિત્યમાંથી કે ગાંધીજીના નિકટના સાથીદારના લખાણમાંથી હજુ સુધી જોવા મળ્યો નથી. તેમના અવસાન પછી સરદારે દિલ્હીથી લખેલા પત્રમાં પણ 'રાષ્ટ્રિય શાયર'નો કોઈ ઉલ્લેખ નથી. હકીકતમાં મેઘાણીની મહાનતાને ‘રાષ્ટ્રિય શાયર’ જેવા કોઈ છોગાની જરૂર નથી. આવાં છોગાં અખબારી મથાળાં માટે ઉપયોગી બને, પણ તેનાથી મેઘાણીની બીજી ઘણી પ્રતિભાઓ અનાયાસે ઢંકાઈ જાય છે.
ઝવેરચંદ મેઘાણીના અવસાન નિમિત્તે સરદાર પટેલનો પ્રતિભાવ - ‘મેઘાણી એટલે ચારણી-કાઠિયાવાડી સાહિત્ય-તળ સૌરાષ્ટ્રના શબ્દો’—એ માન્યતા પણ બહુ અધૂરી છે. તેનો એક જ નમૂનો છે 'માણસાઈના દીવા'માં મેઘાણીએ આત્મસાત્ કરેલી મહી કાંઠાના ભાષા. રવિશંકર મહારાજ જેવા મહાન સેવકની કામગીરી મેઘાણીએ જે રીતે ઝીલી છે, તેમાં નકરું આલેખન, રિપોર્ટિંગ, દસ્તાવેજીકરણ કે ભાષાના ભભકા નથી. તેમાં માનવમનનાં ઊંડાણની અને તેના પ્રવાહોની સમજ તથા સમસંવેદન છે. આ પુસ્તકની 1947થી 1967 સુધીમાં ત્રણ આવૃત્તિ અને પછી દસ પુનઃમુદ્રણ થયાં હતાં. કારણ કે ત્યારના ગુજરાતની રવિશંકર મહારાજ અને શ્રી શ્રી રવિશંકર વચ્ચે ગોટાળો થાય એવી અવદશા ન હતી.
- મેઘાણી મુખ્યત્વે મધુર ગીત-કવિતાઓ, ભભક ધરાવતી શબ્દાવલિના કવિ-લેખક કે શૌર્ય પ્રેરતાં કાવ્યોના રચયિતા—એવી માન્યતા પણ યોગ્ય નથી. આપણા સમાજનાં છેવાડાનાં ગણાતા લોકોના જીવનસંઘર્ષને વ્યાપક સ્વરૂપે રજૂ કરતી તેમની ઘણી કવિતાઓ અને કૃતિઓ છે, જે યાદ કરાતી નથી.
- મેઘાણી એટલે હિંદુ-મુસલમાન એકતાના પ્રખર સમર્થક અને ધાર્મિક લાગણીના આટાપાટા વીંધીને અંદરના માણસનું દર્શન કરાવનાર. સંઘર્ષને બદલે સહઅસ્તિત્વના ઇતિહાસમાંથી બોધ ખેંચનાર અને તેની સુદૃઢતા માટે કોશિશ કરનાર જણ. તેમના આ પાસા વિશે આપણા કહેવાતા રાષ્ટ્રવાદીઓ જાણે કે વાંચે, તો મેઘાણી તત્કાળ ડાબેરી, સેક્યુલર, લિબરલ, હિંદુવિરોધી વગેરેમાં ખપી જાય. (તસવીરમાં ફૂલછાબની ભેટ પુસ્તિકા તરીકે તેમણે તૈયાર કરેલી કેટલીક પુસ્તિકોનાં પૂંઠાં મૂક્યાં છે.)
મેઘાણી અને સતીકુમારે તૈયાર કરેલી 'ફૂલછાબ'ની કેટલીક ભેટ પુસ્તિકાઓ - મેઘાણી એટલે સાહિત્યમાં અને સાહિત્ય થકી, સામાન્ય માણસમાં રહેલી અસામાન્યતા પ્રગટાવવાની મથામણ કરનાર, તેમનામાં ટમટમતા માણસાઈના દીવાની વાટ સંકોરનારા સર્જક. મુદ્દે, મેઘાણી એટલે લોકના માણસ. તેમનું સાહિત્ય અઘરું નહીં. લોકને સમજાય એવું. લોકભોગ્ય ખરું, પણ લોકરંજક નહીં. લોકને ગલગલિયાં કરાવે એવું બિલકુલ નહીં.
- ગઈ કાલે એવું વાંચવામાં આવ્યું કે ‘આપણે જે ભાષા બોલીએ છીએ, આપણી નવગુજરાતી પેઢી જે ભાષા સમજે છે એનો પાયો ઝવેરચંદ મેઘાણી, ચંદ્રકાંત બક્ષી જેવા અનેક લેખકોએ નાખ્યો. ન સમજાય એવું ભદ્રંભદ્રિય ગુજરાતી બોલવાને બદલે એમણે આપણને શીખવ્યું કે આપણી જ ભાષાના ભૂલાઈ ગયેલા શબ્દપ્રયોગો અને અન્ય ભાષાઓના સારા શબ્દોને આપણી ભાષામાં ઉમેરવાથી ભાષાનું શબ્દભંડોળ અને સમૃદ્ધિ વધે છે.’
- . (1) ભદ્રંભદ્રિય ન હોય એવી ભાષાના અસંખ્ય પેટાપ્રકાર છે. તેમાં ગલગલિયાંથી ગહન ઊંડાણ સુધીનું વૈવિધ્ય છે. ગાંધીયુગના અને ત્યાર પછીના મોટા ભાગના લેખકો ભદ્રંભદ્રિય ન હોય એવી ભાષામાં જ લખતા રહ્યા છે. તેમાં મેઘાણીને અલગ તારવી શકાય નહીં. અને એવા બહુ બધા લેખકો હોય તો 'બે અને બીજા ઘણા' એવું કહેવાથી કશો અર્થ ન સરે. વિશેષ ઉલ્લેખ હોય વિશેષતાનો જ હોય. (2) તેમને, ભલે આ બાબત પૂરતા પણ, બક્ષીની હરોળમાં મુકવાની ચેષ્ટા વિશે કંઈ ન કહેવામાં જ સાર છે. (3) આપણી ભાષાના ભૂલાઈ ગયેલા શબ્દપ્રયોગો વાપરવાનું મેઘાણીમાંથી કયા ‘નવગુજરાતી’ શીખ્યા? છેલ્લા બે-ત્રણ દાયકાથી તો લખનારામાં પ્રચલિત-રૂઢ શબ્દોની જગ્યાએ અંગ્રેજી ઠઠાડવાની હોડ જામેલી હતી અને હવે તો એ પ્રક્રિયા લગભગ પૂરી થવાના આરે છે. (4) મેઘાણી પ્રચંડ સર્જકતા ધરાવતા હોવાથી, અભિવ્યક્તિની તાલાવેલીમાં તે ઘણા મૌલિક શબ્દો નીપજાવતા હતા.આ વિશ્લેષણમાં બે-ત્રણ પાયાના પ્રશ્નો છે.
- નકરા શબ્દોના સાથિયા પૂરનારાં, શબ્દાળુ, દૂધમાં ને દહીંમાં પગ રાખનારાં, અપ્રામાણિક, શાસકોની-સત્તાસ્થાનોની ચાપલૂસી કરનારાં લખાણ ન લખવાં, એ મેઘાણીની એક મોટી ખાસિયત હતી. એવાં લખાણ સામેનો તેમનો આક્રોશ અને અભિપ્રાય તેમના અનેક પત્રો-લેખોમાં જોવા મળે છે.
મેઘાણીની અનેકવિધ પ્રતિભાઓ અને વિશાળ પ્રદાન મૂકીને તે જે નથી અને તેમણે જે નથી કર્યું, તે આગળ કરવામાં આવે, ત્યારે કમ સે કમ આટલું યાદ કરવું રહ્યું.
![]() |
'ઊર્મિ અને નવરચના' (એપ્રિલ 9, 1947) ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ અંકમાં પ્રગટ થયેલી મેઘાણીનાં 83 પુસ્તકોની યાદી |
Tuesday, August 24, 2021
જાહેરખબરમાં ફોટો
કાર્યક્રમોમાં હદ બહારનો સમય બગાડતા સંચાલકો વિશે સુરેશ દલાલે તેમની શૈલીમાં કહ્યું હતું કે ‘આ તો ડ્રોઇંગ રૂમ કરતાં બાથરૂમ મોટો હોય એવી વાત છે.’ પરંતુ કેટલાક લોકો જેને ‘ન્યૂ ઇન્ડિયા’ કહે છે તે નવા, ‘પોસ્ટ ટ્રુથ’, સત્યને આખરી ગણવાને બદલે તેને ક્યાંય પાછળ છોડીને નીકળી ગયેલા ભારતમાં બાથરૂમ ફક્ત ડ્રોઇંગ રૂમ કરતાં જ નહીં, બધા રૂમ કરતાં મોટો હોય, તે ‘ન્યૂ નૉર્મલ’ છે. એટલું જ નહીં, આખા ઘરમાં બીજો એકેય રૂમ જ ન હોય અને જ્યાં જ્યાં નજર તમારી ફરે, ત્યાં ઘરમાં ફક્ત ને ફક્ત બાથરૂમો જ જોવા મળે એવી પરિસ્થિતિ છે. લોકોના એક મોટા વર્ગે સચ્ચાઈના નામનું નાહી નાખ્યું છે અને તેમને વારંવાર સચ્ચાઈના નામનું નાહી નાખવાની જરૂર પડે છે, એટલે આવું હશે? એ સંશોધનનો વિષય છે—અને અધ્યાપક આલમનો આંતરિક-અંતરંગ પરિચય ધરાવતા લોકો જાણતા હશે કે લખાણોમાં જેમના માટે ‘આ તો અલગ સંશોધનનો વિષય છે’—એવું જાહેર કરવામાં આવે, તે વિષયો પર કદી સંશોધન થતું હોતું નથી.
ન્યૂ ઇન્ડિયાની ‘ડ્રોઇંગ રૂમ કરતાં બાથરૂમ મોટો’—એ સ્કીમ સરકારી જાહેરખબરોનાં હોર્ડિંગને પણ લાગુ પડે છે. તેનો તાજો પરચો ઑલિમ્પિક વિજેતાઓના અભિવાદન અને સન્માન માટે યોજાતા કાર્યક્રમોમાં જોવા મળ્યો. પરદેશથી આવેલાને તો એવો જ સવાલ થાય કે ‘તમારા બધા ઑલિમ્પિક મૅડલ વિજેતા ખેલાડીઓ અને મહિલાઓ સુદ્ધાં એક સરખા કેમ લાગે છે અને બધા આટલી લાંબી સફેદ દાઢી કેમ રાખે છે?’ થોડા વખત પહેલાં વૅક્સિન સર્ટિફિકેટના મામલે આવું થયું હોવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. તે ખરેખર બન્યો હતો કે નહીં, તેની ખબર નથી, પણ તે બન્યો હોય તો નવાઈ કે આશ્ચર્ય ન ઉપજાવે એટલો તાર્કિક હતો.
થયું એવું કે પરદેશના એક એરપોર્ટ પર ભારતીય પ્રવાસી માટે વૅક્સિન સર્ટિફિકેટ માગવામાં આવ્યું. તેમણે એ બતાવ્યું, તો પ્રમાણપત્રો તપાસનાર અધિકારીએ કહ્યું કે ‘તમારો પાસપોર્ટનો ફોટો અને વૅક્સિન સર્ટિફિકેટ ઉપરનો ફોટો મળતા આવતા નથી, માટે તમારું પ્રમાણપત્ર માન્ય નહીં ગણાય.’ ત્યાર પછી પ્રવાસીએ તેમને ધીરજથી, વિશ્વગુરુની અદાથી જ્ઞાન આપવું પડ્યું કે ‘વૅક્સિન સર્ટિફિકેટ પર તમે જેમનો ફોટો જુઓ છો, તે દાઢિયલ જણ તો અમારા સ્વનામધન્ય વડાપ્રધાનશ્રી છે.’ ત્યાર પછી, કહે છે કે, એરપોર્ટ પરના અધિકારીએ પોતાનાં બીજાં સહકાર્યકરોને ભેગાં કર્યાં અને આપણું વૅક્સિન સર્ટિફિકેટ બતાવીને તેમને ભરપૂર મનોરંજન પૂરું પાડ્યું.
એવું જ ઑલિમ્પિકમાં વિજેતા ભારતીય ખેલાડીઓ માટે પણ થઈ શકે એમ હતું. સન્માન સમારંભ ગોલ્ડ મૅડલ જીતનાર ખેલાડી નીરજ ચોપરાનો હોય અને ચોતરફ મોટી મોટી તસવીરો વડાપ્રધાનની જોવા મળે. ખેલાડીઓના ફોટા તો નાનાં ગોળાકારમાં મુકી દીધા હોય. સીધી વાત છે ભાઈ. તમે ગમ્મે તેવા મૅડલ જીતો, કંઈ દેશથી મોટા થોડા થઈ જાવ? અને દેશ એટલે વડાપ્રધાન, એવું ફક્ત સાયબર સૅલ જ નહીં, ભક્તો પણ માને છે. તેમાં ઔચિત્યની વાત વચ્ચે લાવવી નહીં. કેમ કે, ન્યૂ ઇન્ડિયામાં ઔચિત્યભંગની વાત કરનારા માટે હળવામાં હળવો ઠપકો છેઃ ‘તમે તો બહુ નૅગેટિવ છો.’ તેનાથી આગળ તો લિબરલથી માંડીને અર્બન નક્સલ સુધીની લાંબી યાદી છે.
વડાપ્રધાન ‘જો દિખતા હૈ વો બિકતા હૈ’ના સિદ્ધાંતમાં માને છે, એવું તેમની વીસ વર્ષની કાર્યપદ્ધતિના આધારે કહી શકાય. છેલ્લાં એક-બે વર્ષમાં તે ‘જો દિખતા હૈ, વહ બેચતા હૈ’નું સૂત્ર ચરિતાર્થ કરવા લાગ્યા હોય એવું પણ લાગે છે. તેમની દેખાવાની શક્તિ વધારે છે કે જોઈ લેવાની, તે વિશે તેમને નજીકથી જાણનારા લોકો અવઢવમાં છે. પરંતુ એ બંને તેમના રસના વિષયો અને આવડતનાં પ્રિય ક્ષેત્રો છે, એ વિશે સર્વસંમતિ છે. બંને પ્રકારનાં કામ વચ્ચે એક સામ્ય એ પણ છે કે તેમને જાહેર ધોરણે કરવામાં આવે, તો જ તેમની મહત્તમ અસર નીપજે છે. કોઈને જોઈ લેવાના થાય, ત્યારે તે કામ એવી રીતે કરવામાં આવે છે કે જેથી બીજા લોકો બીએ અને તેમની નજરમાં ન આવી જવાય, એ માટે આઘાપાછા થઈ જાય. એવી જ રીતે, દેખાવાનું કામ પણ લાજશરમ મુકીને જ કરવું પડે. ક્રેડિટ છીનવવા જવું ને દોણી સંતાડવી—એ જમાનો વીતી ગયો. હવે બીજા કોઈનો ફોટો ન છૂટકે મૂકવો પડે, તો પોતાનો ફોટો તેનાથી બે-ત્રણ ગણો મોટો તો મૂકી જ દેવો પડે. દૂરથી જોનારને સમજાઈ જવું જોઈએ કે આ દેશમાં જે કંઈ (ખાનાખરાબી સિવાયનું) થઈ રહ્યું છે તેના કર્તા કોણ છે. ખાનાખરાબીનો કર્તા કોણ છે, એ જણાવવા માટે તો ફોટો મુકવાની પણ ક્યાં જરૂર છે?
એકનો એક ફોટો જોઈને લોકોને કંટાળો આવશે ત્યારે સાહેબના જુદાં જુદાં પશુપંખીઓ સાથેના ફોટા પણ આવશે. જુદા જુદા પોશાકમાં, દરેક વખતે અલગ માસ્ક સાથે, દાઢીની અલગ અલગ પ્રકારની કર્તનકલા સાથેના, વિવિધ મુદ્રાના એમ કંઈક ફોટા આવી શકે છે. હા, એક બાબતે પ્રજા આશ્વસ્ત રહી શકે છેઃ આ વૈવિધ્યમાં બીજા કોઈ માણસનો ફોટો કદી નહીં આવે અને તે ધારો કે અનિવાર્ય કારણોસર આવે તો પણ તે એવી રીતે આવશે કે જેથી કોનો ફોટો રાષ્ટ્રહિત માટે વધારે અનિવાર્ય છે તે પ્રજાને તરત સમજાઈ જાય.
Monday, August 16, 2021
તાલિબાનો વિશેની શ્રેણી : વીસ વર્ષ પહેલાં
(ફેસબુક પરની પોસ્ટ- જૂના લેખના કટિંગ સાથે)
અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ પહેલી વાર ઉપાડો લીધા પછી, 2001માં 'સંદેશ'માં તેમના વિશે ત્રણ ભાગની લેખમાળા લખી હતી તેના બે ભાગનાં કટિંગ અહીં નમૂના ખાતર મુક્યાં છે. (ત્રીજો ભાગ સચવાયો હોત તો સારું થાત. પણ તે કોઈ કારણસર સચવાયો નથી.) ત્યારે તાલિબાનો વિશે થોડુંઘણું વાંચ્યા પછી જે અભિપ્રાય હતો, તે 2021માં પણ બદલાયો નથી--તે બદલવા માટેનું કોઈ કારણ મળ્યું નથી.
ઇસ્લામનું સૌથી વરવું-સૌથી ભયંકર અર્થઘટન અમલમાં મુકતા તાલિબાનો ખરેખર તો ઇસ્લામના અને માનવ અધિકારના નામે કલંકરૂપ છે. તેમની લોહીયાળ રૂઢિચુસ્તતા કમકમાટી ઉપજાવે એવી રહી છે. અમેરિકાની ગમે તેટલી દુષ્ટતાથી તાલિબાની આતંકવાદ વાજબી કે ક્ષમ્ય ઠરતો નથી.
'તાલિબાનોને એક તક આપવી જોઈએ' અથવા 'અમેરિકાએ અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું, ત્યાર પહેલાં તે શાસકો હતા. એટલે તે પણ અફઘાનિસ્તાની શાસનના પક્ષકાર (સ્ટેક હોલ્ડર) છે'--આવી દલીલો ગમે તેટલા પાંડિત્ય સાથે કરવામાં આવે તો પણ, તેમાં તાલિબાની આતંક સામે અફઘાનિસ્તાનના સ્થાનિક લોકોની દુર્દશા નજરઅંદાજ થઈ જાય છે. તાલિબાનોની ભયંકરતાનો કોઈ પણ ફુદડી વિના, જો અને તો વિના, બિનશરતી વિરોધ જ કરવાનો હોય. તેમના ખૂણાખાંચરાના ગુણ શોધી કાઢવા, એ તો હિટલરના શાકાહારીપણાના વખાણ કરવા જેવું થાય.
ધર્મનાં વરવાં અર્થઘટન કરતાં, ધાર્મિક લાગણીઓ બેફામ બહેકાવતાં તત્ત્વોના હાથમાં રાજસત્તા આવે, તો કેવું પરિણામ આવે, સતેનો બોધપાઠ તાલિબાનમાંથી લઈ શકાય છે. તાલિબાનો જે શીખરે પહોંચી ચૂક્યા છે, તે દિશાની ધીમી ગતિ પણ આપણા માટે ઉજવણાંનું અને ગૌરવનું નહીં, ચિંતાનું અને આત્મખોજનું કારણ હોવી જોઈએ. સવાલ માત્રાભેદ કરતાં વધારે પ્રકારનો અને દિશાનો હોય છે. એ દિશામાં ગતિ શરૂ થાય અને આગળ વધે, ત્યારે યોગ્ય પગલાં ન લેવાય તો ઘણી વાર બહુ મોડું થઈ જતું હોય છે. પછી થતી દુર્દશામાં કોઈ મદદ કરી શકતું નથી.
Tuesday, August 10, 2021
એક જંગલની વાર્તા
એક જંગલ હતું. તેમાં એક શિયાળ રહેતું હતું. તેને જંગલના રાજા થવાના બહુ કોડ હતા. એ જંગલમાં વાઘ-સિંહની વસ્તી ન હતી. થોડા ઉંમરલાયક હાથીઓ હતા. તેમાંથી કેટલાક ઉંમરને કારણે ધોળા થઈ ગયા હતા. તે થોડુંઘણું કામ કરતા હતા. તેમને પાલવવાનો ખર્ચ બહુ મોટો હતો. છતાં, તેમનાથી વધારે તાકાતવાન કોઈ ન હોવાથી, બીજાં પ્રાણીઓ સાથે મળીને તે જંગલનો વહીવટ ચલાવતા હતા. શિયાળોને હાથીરાજ સામે બહુ વાંધો હતો. તેમને થતું હતું કે પહેલેથી શિયાળવાંની ઉપેક્ષા થતી આવી છે. તેમને લુચ્ચાં, કિન્નાખોર, દુષ્ટ ગણવામાં આવ્યાં છે. વર્ષોથી તે જંગલમાં પોતાની હાજરી—જે ઘણાને ન્યૂસન્સ વૅલ્યુ લાગતી હતી—પુરાવતાં રહ્યાં છે. છતાં જંગલમાં તેમના પ્રદાનની કોઈએ કદર કરી નથી. કેટલાંક વૃદ્ધ શિયાળ જંગલના ઇતિહાસમાં પોતાના વડવાઓના પ્રદાન વિશે—એટલે કે પ્રદાન ન હોવા વિશે--શરમ અનુભવતાં હતાં. પણ બદલાયેલાં સમયનાં શિયાળો એમ ગાંજ્યાં જાય એવાં ન હતાં. તેમાંથી એક શિયાળને થયું કે હાથીઓ સાથે તેમની પીચ પર રમવા જઈશું, તો સાત જનમેય આપણો વારો નહીં આવે. એને બદલે હાથીઓ આપણી શરતે રમવા આવે, એવું કંઈક કરવું જોઈએ.
મુખિયા બનવા માગતા શિયાળે પસંદ કરેલા કેટલાક સાગરીતો સમક્ષ આ વાત મૂકી, ત્યારે પહેલાં તો સન્નાટો છવાઈ ગયો. કારણ કે ત્યાર પહેલાં શિયાળાઓએ એક જ દિશામાં કામ કર્યું હતું. જંગલમાં વિવિધ પ્રાણીઓ વચ્ચેની દુશ્મનાવટ કેમ કરીને વધે, તે માટે તે પ્રયત્નશીલ રહેતાં. આમ કરવામાં તેમને ફાયદો એ હતો કે ધીમે ધીમે પ્રાણીઓનો એક સમુહ કાળા-ધોળા હાથીઓની નેતાગીરી પ્રત્યે અવિશ્વાસ સેવતો થઈ ગયો હતો. તેમને થવા લાગ્યું હતું કે હાથીઓ નકામા છે. એટલું જ નહીં, ઘણા પ્રાણી સમુદાયોની અવદશા માટે તે સીધેસીધા જવાબદાર છે. તેમના કારણે જંગલની દશા બેઠી છે અને આવું જ ચાલ્યું તો જંગલમાંથી અમુક પ્રાણીઓની પ્રજાતિઓનું નામોનિશાન એવી રીતે મટી જશે, જેમ ડાયનોસોર પૃથ્વીના પટ પરથી ભૂંસાઈ ગયાં.
આમ, વાતાવરણ થોડુંઘણું તૈયાર થયેલું હતું. તેમાં મુખિયા બનવા માગતા શિયાળે આયોજન રજૂ કર્યું, એટલે શિયાળો વિચારમાં પડી ગયાં. પ્લાન અત્યંત મહત્ત્વાકાંક્ષી હતો અને સફળ થાય તો જંગલમાં શિયાળરાજ સ્થપાઈ જાય, તે નક્કી હતું. પણ તેના માટે જંગલના જે કંઈ ધારાધોરણો છે તે બધાં સદંતર નેવે મૂકી દેવાં પડે. શિયાળ સમુદાયને અમસ્તો પણ ધારાધોરણો માટે ખાસ પ્રેમ ન હતો. છતાં, તેમને લાગતું હતું કે તેમને સાવ નેવે મૂકી દેવાય? મુખિયા થવા માગતા શિયાળે સમજાવ્યું કે આ તો થોડા સમયનો સવાલ છે. એક વાર જંગલમાં શિયાળરાજ થઈ ગયા પછી આપણે નવેસરથી, આપણને અનુકૂળ પડે એવી રીતે ધારાધોરણો લાવીશું અને તેનો કડકાઈથી અમલ પણ કરાવીશું.
એક વૃદ્ધ શિયાળ આ બધું સાંભળી રહ્યું હતું. તેણે વર્ષોથી મુખિયા થવાનું સપનું જોયું હતું, પણ તે કદી પૂરું થયું ન હતું. તેને લાગ્યું કે કદાચ શિયાળરાજ આવી જાય તો તેનું સપનું સાકાર થાય. એટલે તેણે પણ મહત્ત્વાકાંક્ષી શિયાળને ટેકો આપ્યો. ત્યારે તેને ખ્યાલ ન હતો કે શિયાળ સમુદાયની અને જંગલના હિતની વાત કરી રહેલા શિયાળના મનમાં શી ગણતરી હતી. મુખિયા બનવા થનગનતા શિયાળે પણ પોતાની મુખિયાગીરી જાહેર કરવાને બદલે, શિયાળ સમુદાય વતી, તેના હિત માટે આખું આયોજન હોવાનો ડોળ ચાલુ રાખ્યો. ઝરખ જેવાં કેટલાંક હિંસક પ્રાણી સમુદાયોનો શિયાળ સમુદાયને બિનશરતી ટેકો હતો. કારણ કે તેમને લાગતું હતું કે જંગલમાં હાથીરાજ જશે અને શિયાળરાજ આવશે તો તેમના પણ સારા દિવસો શરૂ થશે.
કેટલાંક જિજ્ઞાસુ શિયાળોએ મુખિયા બનવા માગતા શિયાળને પૂછ્યું કે આ બધું તો બરાબર, પણ આપણે કરવાનું શું? તેનો જવાબ હતોઃ આપણે જે કંઈ કરીએ તે જંગલના હિતમાં છે, એવું ગાઈવગાડીને કહેતા રહેવું પડશે. હાથીઓએ જંગલને કેટલું બરબાદ કર્યું છે અને જંગલમાંથી હાથીઓને શા માટે હાંકી કાઢવા જોઈએ, તે સમજાવવા મચી પડવાનું રહેશે. તે માટે હજારોની સંખ્યામાં પોપટોને કામે લગાડવા પડશે, જે આખો દિવસ આપણું પઢાવેલું રટ્યા કરે. આપણે ભૂલથી કે ઉંઘમાં પણ, કોઈ પણ હિસાબે સાચું ન બોલી જઈએ તેનું ધ્યાન રાખવું પડશે અને જૂઠાણું શક્ય એટલા વધારે જોરથી બોલવાનું રહેશે. આ કામ માટે અઢળક સામગ્રીની અને સાગરીતોની જરૂર પડશે. જંગલમાં જુદા જુદા ઠેકાણે શિયાળ-ઝરખ-વરૂ જેવાં પ્રાણીઓની ટુકડીઓ ઊભી કરવી પડશે, જે જંગલના કોઈ પણ ખૂણે આપણા વિશે વાત થતી હોય ત્યાં જઈને આતંક મચાવે અને આપણો કક્કો ખરો કરાવીને જંપે. કોઈ વાત ન કરતું હોય ત્યાં જઈને પણ તેમણે દરેકેદરેક બાબતમાં શિયાળોનું મહિમાગાન કરવું પડશે. જંગલમાં વરસાદ પડે તો શિયાળોને કારણે પડ્યો અને દુકાળ પડે તો તે હાથીઓને કારણે, એવું બધું લોકોને સતત ઠસાવ્યા કરવું પડશે. જંગલનાં બધાં પ્રાણીઓને લાગવું જોઈએ કે શિયાળ જ ઉદ્ધારક છે અને શિયાળરાજ આવશે તો જંગલનો ઉદ્ધાર થઈ જશે. પણ એવું ન થયું તો જંગલનું નામોનિશાન મટી જશે.
આ પ્રમાણેનું આયોજન સફળતાપૂર્વક અમલમાં મુકાયું. ત્યાર પછી શિયાળની વાર્તા ચાલુ છે, પણ જંગલની વાર્તા પૂરી થઈ ચૂકી છે.
Tuesday, August 03, 2021
જૂઠું બોલવાના ક્લાસ
મથાળું વાંચીને કોઈ રાજકીય પક્ષમાં જોડાવાની વાત હોય એવું લાગી શકે છે. એટલે પહેલી સ્પષ્ટતા એ કે આ કોઈ પક્ષની કે ‘સાંસ્કૃતિક સંગઠન’ની જાહેરખબર નથી. ત્યાં તો થિયરીનો નહીં, પ્રૅક્ટિકલનો મહિમા હોય છે. જૂઠું બોલવા માટે તેમને તાલીમ નથી લેવી પડતી કે અભ્યાસ નથી કરવો પડતો. તેમનાં વૈવિધ્યપૂર્ણ, મૌલિક જૂઠાણાં પરથી થિયરીબાજો થિયરી બનાવીને અભ્યાસક્રમ તૈયાર કરી શકે છે. ગાંધીજી જેમ સત્યાગ્રહ થકી નવો ઇતિહાસ રચવાની અભિલાષા સેવતા હતા, તેમ વર્તમાન ભારતીય આગેવાનો અસત્યાચરણ દ્વારા નવો ઇતિહાસ સર્જી રહ્યા છે—અને તેમાં સફળતાના મામલે તેમણે ગાંધીજીને પાછળ છોડી દીધા છે.
સામાન્ય સ્થિતિનો છોકરો કે છોકરી મોટી સફળતા મેળવે, તેનાથી બીજા સેંકડો છોકરા-છોકરીઓના મનમાં પણ એવી સફળતાની ઇચ્છા જાગે છે. એટલું જ નહીં, પહોંચની બહાર લાગતી સફળતાની તેમને આવા કિસ્સા જાણ્યા પછી પહોંચમાં લાગવા માંડે છે. એવું જ રાજકારણમાં થાય તો? અત્યારે રાજકારણમાં કારકિર્દી બનાવવા માટે અઢળક નાણાં વાપરવાની, વાપરવા માટે સંઘરવાની અને સંઘરવા માટે ઉઘરાવવાની-ખંખેરવાની આવડતની જરૂર પડે છે. પરંતુ કેટલાક નેતાઓની સફળતાની કથાઓ સાંભળીને સામાન્ય સ્થિતિનાં છોકરા-છોકરીઓને ચા કે પકોડા કે કેરી વેચતાં વેચતાં ઉપર સુધી પહોંચવાનાં અરમાન જાગે તો શું? તેમની આર્થિક સ્થિતિ એવી હોય નહીં કે તે રૂપિયાનો રાજમાર્ગ બનાવીને આગળ વધી શકે. પરંતુ આસપાસ જોતાં અને થોડો વધુ અભ્યાસ કરતાં તેમને સમજાશે કે અત્યારે જૂઠું બોલવાનો જબરો મહિમા છે. જે રીતે, ઠંડા કલેજે, પેટનું પાણી પણ ન હાલે ને કપાળે કરચલી સરખી ન પડે એ રીતે, ટાંટિયા ઢીલા ન થાય કે ધ્રુજે નહીં એમ, છાતી કાઢીને, મુઠ્ઠી પછાડીને, ગળું ફાડીને જૂઠું બોલાઈ રહ્યું છે, તે જોતાં રાજકારણમાં જવા માટે જૂઠાણામાં માસ્ટરી હોવી એ તેમને અનિવાર્ય શરત પણ લાગે.
જે અભ્યાસક્રમો કર્યા પછી પણ કશો શક્કરવાર વળવાનો નથી, તેમની પ્રવેશપરીક્ષામાં પાસ થવા માટે મોંઘાદાટ ક્લાસ ચાલતા હોય તો, અબજો રૂપિયાનો મામલો જેની સાથે સંકળાયેલો છે એવા રાજકારણના ક્ષેત્રમાં જવા માટે ક્લાસ ન હોવા જોઈએ? ના, એ ક્લાસમાં નાગરિકશાસ્ત્ર કે રાજ્યશાસ્ત્ર શીખવવાની કશી જરૂર નથી. કોઈ પણ ચબરાક વિદ્યાર્થીને તે સમયનો અને શક્તિનો બગાડ લાગશે. ઉત્સુક વિદ્યાર્થીઓની અપેક્ષા એવી જ રહેવાની કે ‘દેશની ટોચની નેતાગીરી જે પ્રકારે, જે માત્રામાં અને જે કક્ષાનું જૂઠું બોલે છે, તે સ્તરે અમારે પહોંચવું છે. ત્યાર પછી બાકીનું અમે ફોડી લઈશું. ત્યાં પહોંચી ગયા પછી ડિગ્રીઓ વિશે પણ જૂઠું ક્યાં નથી બોલી શકાતું?’
જે વિદ્યાર્થીઓ આગળ જણાવ્યા પ્રમાણે જૂઠાણાંનો મહિમા સમજી-સ્વીકારી શકે, તે ઉદારમતવાદીઓ જેવા ચોખલિયા, સરકારવિરોધી, હિંદુવિરોધી, દેશવિરોધી, અર્બન નક્સલ નહીં હોવાના. કેમ કે, દુષ્ટ ઉદારમતવાદીઓ કોઈ પણ મુદ્દાને અવળી રીતે રજૂ કરવામાં માહેર હોય છે. એ ડાબેરી, નક્સલ, રાજદ્રોહના કેસને લાયક દેશવિરોધીઓ પૂછશે, ‘મંત્રી થઈને જૂઠું કેમ બોલો છો?’ આ સવાલમાંથી દેશભક્તિનો હળહળતો અભાવ છલકાય છે. કોઈ પણ રાષ્ટ્રવાદી વ્યક્તિ હશે તે એવી રીતે વિચારશે કે ‘આ નર-નારીઓ કેવાં ઉન્નત, કેવાં ઉમદા, કેવાં લાયક હશે કે તે નરાતળ જૂઠું બોલતાં હોવા છતાં તેમને મંત્રીમંડળમાં સામેલ કરવાં પડ્યાં છે. નક્કી તેમના જૂઠાણા પાછળ પણ એવું કોઈ રહસ્ય હશે, જે દેશહિતમાં જાહેર કરી શકાતું નહીં હોય.’
વર્તમાન બ્રાન્ડનો રાષ્ટ્રવાદ રગેરગમાં, ખાસ કરીને મગજમાં, ચઢી ગયો હોય એ તો વિચારશે, ‘આ કેવા મહાન આત્માઓ છે, જે રાષ્ટ્રના હિતમાં આટલું ઉઘાડેછોગ જૂઠું બોલી રહ્યાં છે. બાકી, આપણને પણ ખબર પડી જાય કે તે જૂઠાણું છે, તો શું તેમને નહીં ખબર પડતી હોય? પણ રાષ્ટ્રના હિતમાં ભવ્ય ત્યાગ કરવાની પરંપરામાં તેમણે સત્યનો ત્યાગ કરીને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.’
આમ, સફળતાના રાજમાર્ગ તરીકે અથવા રાષ્ટ્રના સર્વોચ્ચ હિત માટે જૂઠાણું અનિવાર્ય ગણાતાં, તેની પદ્ધતિસરની તાલીમ જરૂરી બની શકે. આ ક્ષેત્રનાં ટોચનાં નામો પાસે ક્લાસ ચલાવવાનો સમય હોય નહીં. તે ક્લાસ ચલાવે કે દેશ? એટલે શિક્ષણની જેમ અહીં પણ ‘જૂઠાણાં-સહાયકો’થી કામ ચલાવવું પડશે. વર્તમાન રિવાજ પ્રમાણે સૌથી પહેલાં કોર્સની સામગ્રી નહીં, પણ તેની ફી નક્કી કરવી પડે અને ક્લાસ જૂઠાણાંના હોવાથી, ફી પહેલેથી લઈ લેવી પડે. બાકી, ક્લાસમાં તેજસ્વી નીવડનારા વિદ્યાર્થીઓ પોતે આવા કોઈ ક્લાસ કર્યા છે તે માનવાનો જ ઇન્કાર કરી દે. બીજા શિક્ષણક્લાસની પરંપરામાં જૂઠાણાના ક્લાસના સંચાલકો પણ વિઝિટિંગ ફૅકલ્ટી તરીકે જાહેર જીવનના જાણીતા નિષ્ણાતોની પ્રતિભાનો અને ખાસ તો તેમના હોદ્દાનો લાભ લઈ શકે. તે હોર્ડિંગમાં જણાવી શકે કે ‘કોવિડના બીજા વેવમાં ગુજરાતમાં ઑક્સિજનના અભાવે એક પણ મૃત્યુ થયું નથી, એવું જાહેર કરનારા મહાનુભાવ અમારા ક્લાસના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા આવશે અને ઓછા રસીકરણ માટે રાહુલ ગાંધી જવાબદાર છે, એવું કહેનાર અમારાં વિઝિટિંગ ફૅકલ્ટી છે.’
જૂઠાણાંના ક્લાસને સામાજિક સ્વીકૃતિ મળતાં જરાય વાર નહીં લાગે, એવું વર્તમાન પરિસ્થિતિ જોતાં કહી શકાય. જો આ દિશામાં યોગ્ય કામ થશે તો ભવિષ્યમાં મંત્રીમંડળોની આખેઆખી સમુહ તસવીરને ક્લાસના સંચાલકો ‘અમારા ક્લાસના તેજસ્વી તારલા’ તરીકે ખપમાં લઈ શકશે.
Saturday, July 24, 2021
પત્રકારત્વ-લેખનને પૂરક એવી દસ્તાવેજીકરણની સફર
(ભાગ-૧) (ભાગ-૨) (ભાગ-૩) (ભાગ-૪) (ભાગ-૫) (ભાગ-૬) (ભાગ-૭) (ભાગ-૮) (ભાગ-૯) (ભાગ-૧૦) (ભાગ-૧૧) (ભાગ-૧૨) (ભાગ-૧૩) (ભાગ-૧૪) (ભાગ-૧૫) (ભાગ-૧૬) (ભાગ-૧૭) (ભાગ-૧૮) (ભાગ-૧૯) (ભાગ-૨૦) (ભાગ-૨૧) (ભાગ-૨૨) (ભાગ-૨૩) (ભાગ-૨૪) (ભાગ-૨૫) (ભાગ-૨૬) (ભાગ-૨૭) (ભાગ-૨૮) (ભાગ-૨૯) (ભાગ-૩૦) (ભાગ-૩૧) (ભાગ-૩૨) (ભાગ-૩૩) (ભાગ-૩૪) (ભાગ-૩૫) (ભાગ-૩૬) (ભાગ-૩૭) (ભાગ-૩૮) (ભાગ-૩૯) (ભાગ-૪૦) (ભાગ-૪૧) (ભાગ-૪૨) (ભાગ-૪૩) (ભાગ-૪૪) (ભાગ-૪૫) (ભાગ-૪૬) (ભાગ-૪૭) (ભાગ-૪૮) (ભાગ-૪૯)
પત્રકારત્વની સફરની શ્રેણી વાંચતી વખતે કેટલાંક મિત્રોએ એવી જિજ્ઞાસા પ્રગટ કરી કે ‘તમે આટલું બધું, જરૂર પડ્યે હાથમાં આવે એ રીતે સાચવ્યું કેવી રીતે? તમે દસ્તાવેજીકરણ શી રીતે કરો છો?’ દસ્તાવેજીકરણની ખાસિયતને કેટલાક લોકો મારું ‘ટ્રેડ સિક્રેટ’ પણ માનતા હોય છે. એ વિશે હું ન લખું અને તે ‘રહસ્ય’ જ રહે, તો તેના નામે ભવિષ્યમાં જેવી વાર્તાઓ કરવી હોય તેવી કરી શકાય. પણ એ વિકલ્પ જતો કરીને દસ્તાવેજીકરણ વિશે લખવાનો પ્રયાસ કરી જોઉં. તેમાં ઘણી અંગત અને પત્રકારત્વની સફરમાં અપ્રસ્તુત લાગે એવી વાતો હશે. પણ તેની બાદબાકી કરીને લખવું શક્ય નથી.
વસ્તુઓ સાચવવાની, ઠેકાણે મુકવાની આદતની શરૂઆત કૌટુંબિક પરંપરાથી થઈ. ઘરમાં મમ્મી, કદાચ દાદી અને અમારા કૌટુંબિક વડીલ કનુકાકા—આ લોકો સાચવણીનાં બહુ આગ્રહી. ઝીણામાં ઝીણી ચીજો સાચવીને સંઘરે. એ જમાનાના રિવાજ પ્રમાણે, ક્યારેક તો વસ્તુઓ વાપરે પણ નહીં. ફક્ત સાચવે. એ રીતે ઘરમાં ઘણું સચવાયેલું. જૂનાં વાસણ, દાદાનું નામ ધરાવતી ક્રૉકરી, દાદાના નામના પ્રથમાક્ષરો CCK ધરાવતી શેતરંજીઓ, પતરાની મોટી પેટીઓ, પપ્પા-કાકાઓ-ફોઈના લગ્નની કંકોત્રીઓ, તેમાં આવેલા ચાંલ્લાની નોટો, જૂનાં પ્રમાણપત્રો…
![]() |
મમ્મી-પપ્પાનાં લગ્ન વખતની નોટ |
![]() |
દાદાજીના સમયની કીટલી |
વાચન અને ફિલ્મસંગીતમાં રસ પડવાનું શરૂ થયા પછી મારામાં ખાસ્સો બદલાવ આવ્યો. ફિલ્મસંગીત વિશે ત્યારે ઉપલબ્ધ ટાંચાં સંસાધનો અને આર્થિક મર્યાદાઓ વચ્ચે અમે શોખ પર ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યા. તેમાંથી નાના પાયે દસ્તાવેજીકરણ શરૂ થયું. રેડિયો પર જૂનાં ગીત સાંભળતી વખતે, જે ગીત ગમે અને અજાણ્યાં લાગે તેની પહેલી લીટી અને બીજી જે કંઈ વિગત સંભળાઈ હોય, તે અમે એક ચબરખીમાં નોંધી લઈએ. એમ કરતાં ઘણી ચબરખીઓ થાય ત્યાર પછી તેમાંથી સંગીતકાર કે ગાયક પ્રમાણે એક કાગળમાં યાદી બનાવીએ. શા માટે? એક આશય એવો કે ભવિષ્યમાં એ ગીતો મેળવવાનાં છે એવી ખબર પડે. એ વખતે ગુગલ નહીં. ફિલ્મી સાહિત્ય નહીંવત્. એટલે આવી યાદીઓ બનાવવાનો ભારે મહિમા હતો. અમારાથી બમણી-ત્રણ ગણી ઉંમરના લોકો પણ મુકેશની ને કિશોરકુમારની ને રફીની ને શંકર-જયકિશનની ને એવી યાદીઓ બનાવતા. બીજો આશય ફક્ત જાણકારીનો. ત્રણ દાયકા પછી પણ, રેડિયો સિલોનની યુટ્યુબ ચેનલ પર ક્યારેક કોઈ ગીતના શબ્દો કાને પડે, ત્યારે અચાનક બત્તી થાય છે, ‘ઓહ, આ તો ચબરખીમાં લખેલું તે.’
ગરમીની રાત્રે બીરેન અને હું પતરાંની અગાસીમાં સૂતા હોઈએ, સાથે રેડિયો હોય. અંધારામાં કાગળ-પેનથી લખતાં ફાવે નહીં. એટલે ચોક સાથે રાખીએ અને કોઈ ગીતની વિગત લખવા જેવી લાગે તો ભીંત પર લખી દઈએ. સવારે ઉઠ્યા પછી તે ચબરખીમાં નોંધી લેવાની. એક વાર તો રાત્રે ભીંત પર એક ગીતના શબ્દો લખ્યા હતા ને અડધી રાત્રે વરસાદ પડતાં ગાદલાં વાળીને અંદર દોડવું પડ્યું. તેમાં ભીંત પર લખેલા ગીતના શબ્દો ભૂંસાઈ ગયા. એ વાત વર્ષો પછી ‘ગુજરાત સમાચાર’ની નીચે કીટલી પર લલિત લાડ સાથે અનાયાસે નીકળી. ત્યારે તે વિભાવરી વર્મા નામે રવિવારની પૂર્તિમાં નવલકથા લખતા હતા અને કદાચ તેમાં આર.જે.ની સ્ટોરી હતી. લખેલું ગીત વરસાદથી ધોવાઈ ગયાની વાતમાં તેમને એટલો રસ પડ્યો કે મને કહીને નવલકથામાં તેમણે એ વાતનો ઉપયોગ કર્યો હતો.
ચાહક-વાચક તરીકે રજનીકુમાર પંડ્યાના સંપર્કમાં આવ્યા પછી તેમની પાસેથી બીજી ઘણી બાબતો ઉપરાંત દસ્તાવેજીકરણ અને ચોક્સાઈના વધુ પાઠ જોઈને શીખવા મળ્યા. તેમને રૂબરૂ મળ્યા પણ ન હતા, ત્યારે એસ.ડી. બર્મન વિશેના અમારા એક પત્રના જવાબમાં તેમણે એસ.ડી.બર્મનનું સંગીત ધરાવતી ફિલ્મોની આખી ફિલ્મોગ્રાફી (ફિલ્મવાર ગીતોની સૂચિ)ની ઝેરોક્સ અમને મોકલી આપી. ત્યારે અમને જાણ થઈ કે હાથે બનાવેલાં લિસ્ટ ઉપરાંત સુવ્યવસ્થિત ફિલ્મોગ્રાફી જેવું પણ હોય છે. રજનીભાઈ પાસેથી જ અમને હરમંદિરસિંઘ ‘હમરાઝે’ સંપાદિત કરેલા ‘હિંદી ફિલ્મ ગીતકોશ’ વિશે માહિતી મળી. ૧૯૩૧થી ૧૯૮૦ સુધી પાંચ દાયકાના પાંચ ખંડમાં આશ્ચર્યચકિત થઈ જવાય એવું તે દસ્તાવેજીકરણ હતું. તેનો એક નમૂનો અહીં આપું છું. (ફોટો એન્લાર્જ કરીને ઝીણવટથી જોશો તો વધુ ખ્યાલ આવશે.)
રજનીભાઈ પાસે જૂનું ઘણું સચવાયેલું જોવા મળે. તેમાંથી જરૂર પડ્યે બધું મળે જ એવું જરૂરી નહીં. તે હંમેશાં ઉમાશંકર જોશીને ટાંકીને કહે, ‘અહીંથી કશું ખોવાતું નથી ને અહીં કશું જડતું નથી.’ તેમને ત્યાં કામ કરતા હરગોવિંદભાઈ માટે તેમણે એક જોડકણું બનાવ્યું હતું, ‘કરે શું જગતનો નાથ, ફરે જ્યાં હરગોવિંદનો હાથ’. છતાં, હરગોવિંદભાઈના કારણે ઘણું મળી આવતું હતું. રજનીભાઈની પોતાની સાચવણ અને તેમાં નવી ટૅક્નોલોજિનો ઉપયોગ કરવાની તત્પરતા ઘણી. એટલે ડિજિટલ ડાયરી અને રેકોર્ડરવાળા ફોન જેવી સામગ્રી અને દસ્તાવેજીકરણ માટે ટૅક્નોલોજિના ઉપયોગો તેમની પાસે જોયા-જાણ્યા.
લેખન-વાચન-સંગીતની બાબતમાં મારું સંપૂર્ણ ઘડતર બીરેનની સાથે થયું. બીરેન વડોદરા રહેવા ગયો ત્યારે એ ભાગ પૂરો થઈ ચૂક્યો હતો. ત્યાર પછી અમારી વચ્ચેનો સતત સંવાદ અને આદાનપ્રદાન ચાલુ રહ્યાં. પણ મહેમદાવાદનું ઘર મોટું હોવાથી પુસ્તકો, કેસેટ, રેકોર્ડ વગેરે બધું ત્યાં રહ્યું. મારા પત્રકારત્વમાં પ્રવેશ પછી, મારે એની જરૂર વધારે પડશે, એવી સમજથી પણ અમારો સહિયારો ખજાનો મહેમદાવાદમાં રહ્યો. બીરેન નોકરી કરતો હતો ત્યારે ઘરે હોવાને કારણે તેની જાળવણીનું કામ પહેલેથી મારું જ હતું.
હું બીએસ.સી.માં ભણતો હતો ત્યારે બીરેને ‘ધ ઇલસ્ટ્રેટેડ વિકલી ઑફ ઇન્ડિયા’નું લવાજમ ભર્યું. ત્યાર પહેલાં ઘરમાં અંગ્રેજી છાપું સુદ્ધાં કદી આવતું ન હતું. ગુજરાતી છાપું પણ ખાસ્સો સમય બંધ રહ્યું હતું અને એક પાડોશીને ત્યાંથી વાંચવા લાવવું પડતું હતું. ‘વિકલી’ આવ્યું અને અમારી નવી ઘડાતી સમજમાં મૂલ્યવાન ઉમેરા લાવ્યું. ફોટોગ્રાફી, કળા અને કાર્ટૂનની અમારી જે કંઈ સમજ ખીલી, તેમાં પ્રીતિશ નાંદીના તંત્રીપદ હેઠળના ‘વિકલી’નો બહુ મોટો ફાળો છે. ‘વિકલી’માંથી રસ પડે એવા વિષયનાં પાનાં અમે ફાડી લેતા અને તેની ફાઇલ કે દેશી રીતે ગુંદરથી ચોંટાડીને બાઇન્ડિંગ તૈયાર કરતા. મારિયો મિરાન્ડા અને હેમંત મોરપરિયાનાં કાર્ટૂનનાં અમે અમારી દેશી રીતે બાઇન્ડિંગ તૈયાર કર્યાં હતાં, જેથી સાચવવામાં અને ઉપયોગ કરવામાં સુવિધા રહે. શરૂઆતની મુલાકાતોમાં એક વાર એ બાઇન્ડિંગ અમે મોરપરિયાને બતાવ્યું, ત્યારે તે પણ ચકિત થઈ ગયા હતા. ત્યારે તે રેડિયોલોજિસ્ટ તરીકે ચોપાટી પર એન.એમ. મેડિકલમાં બેસતા હતા. ત્યાં કામ કરતા એક ભાઈને તેમણે ઉત્સાહથી અમારું બાઇન્ડિંગ બતાવતાં કહ્યું હતું, ‘આ લોકોએ મારા કાર્ટૂનનાં કમ્પાઇલેશન કર્યું છે.’
![]() |
હેમંત મોરપરિયાનાં કાર્ટૂનનું અમે તૈયાર કરેલું સંકલન અને તેની પર મોરપરિયાએ તેમના કૅરિકેચર સાથે કરી આપેલા હસ્તાક્ષર, ૧૯૯૨ |
![]() |
મોરપરિયાની જેમ 'વિકલી'માંથી જ તૈયાર કરેલું મારિઓ મિરાન્ડાનાં કાર્ટૂનનું સંકલન |
![]() |
નગેન્દ્ર વિજયે ગુજરાત સમાચારમાં લખેલી ત્રણ ભાગની શ્રેણીનો પહેલો ભાગ |
![]() |
જુદી જુદી ક્રિકેટ ટીમના ક્રિકેટરોની જન્મતારીખની બીરેને તૈયાર કરેલી યાદી. તેમાં પાછળથી મેં કેટલાક ઉમેરા કર્યા હતા. આ પાનાંની પાછળ વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાનના ક્રિકેટરોની જન્મતારીખો લખેલી છે. |
પત્રકારત્વમાં આવ્યા પછી શરૂઆતમાં ફક્ત જૂનાં ‘ઇલસ્ટ્રેટેડ વિકલી’નાં કટિંગ હતાં. વિષયોની પણ કમી રહેતી. રસના વિષય મર્યાદિત હતા. પરંતુ ‘સીટીલાઇફ’માં નગેન્દ્રભાઈ સાથે કામ કર્યા પછી વિષયો સૂઝવા લાગ્યા. અનેક બાબતોમાં, કમ સે કમ લખવા પૂરતો, રસ પડતો થયો. તે વખતે મેં જોયું કે નગેન્દ્રભાઈ પાસે તેમનાં અને તેમના પિતા વિજયગુપ્ત મૌર્યના સમયનાં કટિંગનો મોટો ખજાનો હતો. ત્યારે પણ મને એટલું સમજાતું હતું કે કટિંગ તો કાંતિ ભટ્ટ પાસે પણ હતાં ને નગેન્દ્ર વિજય પાસે પણ. ફક્ત કટિંગથી ઉત્તમ પત્રકારત્વ ન થઈ શકે. માહિતી અને વિગતો બેશક જોઈએ. પણ ઘણું મહત્ત્વ તેને સમજવાની, સરળતાથી સમજાવવાની અને સારી રીતે લખી શકવાની આવડતનું હોય છે, જે નગેન્દ્રભાઈની હતી. એટલે તેમની નકલ ખાતર કે અંજાઈને નહીં, પણ એક પદ્ધતિ તરીકે-અભિગમ તરીકે મને થયું કે મારે મુખ્યત્વે લેખો લખવાના હોય (રિપોર્ટિંગ કરવાનું ન હોય) તો મારી પાસે કટિંગ હોવાં જોઈએ.
એ અરસામાં, ‘સંદેશ’ની બીજી ઇનિંગ વખતે, મારી પાસે દેશનાં સાત સારાં અંગ્રેજી પેપર આવતાં હતાં. ઉપરાંત, ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’, ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ અને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ ઘરે આવતાં. તેમાંથી મેં કટિંગ રાખવાનું શરૂ કર્યું. ધીમે ધીમે જથ્થો વધતો ગયો, તેમ હું વિષયવાર કાગળની કોથળીઓમાં કટિંગ મુકતો ગયો. એક તબક્કો એવો આવ્યો કે મારી પાસે આશરે સવાસોથી દોઢસો વિષયનાં કટિંગ હતાં. તેમાં આઇ.ટી.ને લગતી જ પંદર-વીસ કોથળીઓ હશે. જેમ કે, સર્ચ એન્જિન, સર્વિસ પ્રોવાઇડર, ઇ-કોમર્સ, વાયટુકે, ડૉટ કૉમ બબલ, અવનવી વેબસાઇટો, ‘હિંદુ’માં આવતી ‘નેટસ્પીક’ કોલમ… ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’માં એ વખતે ICE નામની પૂર્તિ આવતી હતીઃઇન્ટરનેટ, કમ્યુનિકેશન, એન્ટરટેઇનમેન્ટ. તે આખેઆખી પૂર્તિઓ હું રાખી મૂકતો હતો. છાપાંમાં સમાચારની આસપાસ હું લીટીઓ દોરી દેતો. મમ્મી કે સોનલ તે કાપીને તેની પર તારીખ લખીને પ્લાસ્ટિકની એક કોથળીમાં મુકી દેતાં. એવો મોટો જથ્થો ભેગો થાય, બે-ત્રણ કોથળીઓ ભેગી થાય, એટલે એક દિવસ સવારથી હું કટિંગ ગોઠવણીનું મહાઅભિયાન આદરતો. તેના વિશે પત્રકારત્વની સફરમાં લખ્યું છે. એટલે પુનરાવર્તન કરતો નથી.
સમાચારો ઉપરાંત છાપાંની ઑફિસમાં અને જીવનમાં પણ બનતી ઘણી બધી ઘટનાઓનો રેકોર્ડ રાખવાની મને ટેવ હતી. તેનો સીધો ઉપયોગ કરવાનો કશો ખ્યાલ ન હોય, પણ પ્રક્રિયામાં રસ પડે અને પ્રક્રિયાનું દસ્તાવેજીકરણ આપણે ત્યાં મોટે ભાગે ન હોય. એટલા માટે પણ હું પ્રક્રિયા સાથે સંકળાયેલી, મામુલી લાગતી ચીજો જાળવી રાખવા પ્રયાસ કરું. કોઈ વ્યક્તિ, સંસ્થા કે ક્ષેત્રની લાક્ષણિકતા વ્યક્ત કરતું કંઈ હાથમાં આવે અને મને તે રાખવા જેવું લાગે, તો તે પણ રાખી મુકું. તેની મહાનતાનો ખ્યાલ ન હોય, પણ પ્રક્રિયાની યાદગીરીનો આશય હોય.
તે અભિગમને કારણે ‘સીટીલાઇફ’ના અંકો કાઢતી વખતે ડાયરીમાં બનાવેલાં શીડ્યુલ કે ‘આરપાર’ના વિશેષાંકોના વિચાર વખતે કરેલી રાઇટિંગ પૅડમાં કરેલી કાચી નોંધો સચવાઈ રહ્યાં છે. એવું જ કેટલીક ચિઠ્ઠી-ચબરખીઓ વિશે. અમુક રસપ્રદ ચિઠ્ઠી-ચબરખીઓને જાળવી રાખવા જેવી લાગે, એટલે તેમને રાખી લઉં. તેમને અમુક સમયગાળાના ફોલ્ડરમાં મુકી દઉં. જેમ કે, અભિયાન, સીટીલાઇફ, સંદેશ એવા સમયગાળાનાં એક કે વધુ ફોલ્ડર હોય. ‘અભિયાન’માં થોડો સમય રિપોર્ટિંગ કરેલું તે વખતની નોટો પણ છે. ડાયરી, પૅડ, નોટો બધું જાળવી રાખ્યું હોય અને ચોક્કસ ઠેકાણે તેનો થપ્પો મૂક્યો હોય. જરૂર પડે ત્યારે એ થપ્પામાંથી થોડું ફેંદતાં મોટે ભાગે મળી આવે. ૨૦૦૫ પછી ઑફિસોમાં અંતરંગ રીતે કામ કરવાનું બંધ કર્યું. એટલે ત્યાર પછીની એવી ચીજો ખાસ નથી.
![]() |
પાંચેક વર્ષની રોજનીશીઓ અને પત્રકારત્વમાં અંદરથી કામ કરતો હતો ત્યારની નોટો-પેડ અને બીજી સામગ્રી |
પત્રકારત્વમાં આવ્યા પછી પ્રિય લોકોને વારંવાર મળતો હતો, પત્રકારત્વમાં અને જીવનમાં ઘણું બનતું હતું. તે થોડુંઘણું ડાયરીમા નોંધાયું. તેમાંથી ઘણુંખરું પ્રગટ પણ નહીં થાય. છતાં, મારા માટે તે જૂના પત્રો જેવું જ, રોમાંચપ્રેરક અને ટાઇમટ્રાવેલ કરાવનારું છે.
સાચવણ-દસ્તાવેજીકરણ પાછળ રહેલો વધુ એક અભિગમ એ કે વ્યક્તિની મહત્તા સમજવા માટે હું તેમના મૃત્યુ સુધી રાહ જોતો ન હતો. ચાલુ વર્તમાનકાળમાં મને જે મહત્તાપૂર્ણ કે ગુરુજન કે ગાઢ મિત્ર પણ લાગે, તેમની સહજતાથી મળતી ચીજોમાંથી કેટલીક હું સાચવવાની કોશિશ કરું. રજનીકુમાર પંડ્યાનું વ્યક્તિત્વ ઉજાગર કરતી કોઈ ચિઠ્ઠી, ‘સીટીલાઇફ’માં જાહેરખબર મેળવવા માટે નગેન્દ્ર વિજયે અંગ્રેજીમાં તૈયાર કરેલું લખાણ કે તેમણે લખીને ચેકો મારેલું કોઈ ગુજરાતી લખાણ, ‘અભિયાન’ જૂથના બપોરના અખબાર ‘સમાંતર’માં હસમુખ ગાંધીએ લખેલો અને પછી વધુ પડતો અંગત પ્રહારાત્મક હોવાથી રદ કરાયેલો તંત્રીલેખ… આવું ઘણું મને મળે તો હું તે સાચવી રાખું.
આઇ.પી.સી.એલ.માં બીરેનના પહેલા પગારમાંથી છ પુસ્તકો અને પછી બે ઑડિયો કૅસેટ ખરીદી, તે પુસ્તક અને સંગીતના સંગ્રહની શરૂઆત. પહેલેથી નક્કી હતું કે સંગ્રહ ખાતર સંગ્રહ કે ‘અમારી પાસે આટલા હજાર પુસ્તકો છે કે તેટલા હજાર ગીતો છે’—એવા ફાંકા મારવા માટે કશું કરવાનું નથી. સંગ્રહના આંકડા ફેંકનારા પ્રત્યે મને હંમેશાં અભાવ રહ્યો. ધીમે ધીમે અમારી પાસેનાં પુસ્તકો વધતાં ગયાં, તેમ કબાટ ઉમેરાતાં રહ્યાં. એવું જ ઑડિયો કેસેટ, એલ.પી. અને સીડીનું. મોટા ભાગનું વીણીચૂંટીને ખરીદેલું. ઘણું સેકન્ડ હેન્ડમાંથી. કોઈની પાસેથી મળ્યું, તેમાં પણ બને ત્યાં સુધી પસંદગી જાળવી. એટલે સાવ નકામું હોય એવું તો બહુ ઓછું. કેટલોક કચરો કચરાના નમૂના તરીકે રાખેલો ખરો.
બધાં પુસ્તકોનું વિષય પ્રમાણે અને લૉજિક પ્રમાણે જાડું વિભાગીકરણ કર્યું હતું. કેસેટોમાં સંગીતકારો પ્રમાણે, ગાયકો પ્રમાણે. ફિલ્મોમાં પણ એક સંગીતકારની ફિલ્મોની કેસેટ-રેકોર્ડ એક સાથે હોય એવી પદ્ધતિ રાખી. એટલે મોટો જથ્થો થયા પછી પણ, જોઈતી વસ્તુ મોટે ભાગે મળી રહે. વસ્તુ સાચવવી તે એક વાત છે અને જોઈએ ત્યારે મળે તે બીજી. તેના માટેની મુખ્ય ચાવી એ જ હોય છે કે તેને મૂળ જગ્યાએ પાછી મૂકવામાં આળસ ન કરવી. થોડી તસ્દી લઈને તેને જ્યાંથી લીધી ત્યાં જ મુકીએ તો, બીજી વાર તે તેની જગ્યાએથી જ નીકળે. તેમાં કશું સંશોધન નથી. બધા જાણે જ છે. સવાલ આળસને કામચલાઉ ધોરણે કોરાણે મુકવાનો હોય છે.
વધુ પુસ્તકો થયા પછી, કબાટનાં ખાનાં પ્રમાણે પુસ્તકોની સૂચિ કરવાની રીત વધારે વૈજ્ઞાનિક હોય છે. તેના થકી, કમ્પ્યુટરની યાદીમાં પુસ્તકનું નામ જોઈને, એ પુસ્તક કયા કબાટના કયા ખાનામાં હશે, તે શોધી શકાય. પણ હું પહેલેથી ‘ઑર્ગેનિક’ રીતમાં ગયો. એટલે ચોક્કસ પ્રકાર, લેખકો અને તર્ક પ્રમાણે પુસ્તકો ગોઠવાતાં ગયાં. ત્યાર પછી વૈજ્ઞાનિક રીત અપનાવવાનું ન થયું. થોડાં વર્ષ પહેલાં એક વાર રતિલાલ બોરીસાગરના ઘરે ગયો, ત્યારે તેમણે કબાટોમાં ગોઠવેલાં પુસ્તક દેખાયાં. બધાં પુસ્તક પર તેમણે ખાખી પૂઠાં ચડાવ્યાં હતાં અને પુસ્તકની પીઠ પર નામ લખેલાં હતાં. ગોઠવણની રીતે એ બહુ વ્યવસ્થિત લાગતું હતું. છતાં, મેં બોરીસાગરસાહેબ સાથે શિષ્યભાવે એવો ધોખો કર્યો હતો કે પુસ્તકનાં ટાઇટલ ઢાંકીને તેમને વ્યવસ્થિત રાખવાનો શો અર્થ? પુસ્તકના દેખાવનો પણ એક અહેસાસ હોય છે. ઘણી વાર કોઈ પુસ્તક કે કોઈ ચીજવસ્તુ શોધવાની થાય ત્યારે સૌથી પહેલાં મનમાં તેનો દેખાવ આવે છે—ઘણી વાર તો તેની સંભવિત જગ્યા સહિત.
ક્યારેક એવું પણ થાય કે પુસ્તક કે કટિંગ મનમાં દેખાતું હોય, પણ બહાર મળે નહીં. તે વખતે બહુ અકળામણ થાય. જૂનું ઘર ઉતાર્યું અને એ જ જગ્યાએ નવું ઘર થયું, તેની હેરફેરમાં કેટલીક ચીજો ગઈ તે ગઈ. પ્લાસ્ટિકની પારદર્શક સફેદ કોથળીમાં પૅક કરેલું માચિસની જૂની છાપોનું બંડલ, નાનપણમાં જેનાથી રમતા હતા તે ફિલ્મના ફોટા, નાની પટ્ટીઓ, છેક માથા સુધી લખોટીઓથી ભરેલો ‘નાયસિલ’નો વાદળી રંગનો ભૂરા ઢાંકણાવાળો ઊભો ડબ્બો, તેની અંદર રહેલી રંગબેરંગી લખોટીઓ, જેને અમે ‘કંચા’ કહેતા હતા… આ બધું મનમાં દેખાય છે, પણ ઘરમાં મોજૂદ નથી.
કૌટુંબિક પરંપરા સાચવણીની હતી. બીરેને અને મેં તેમાં દસ્તાવેજીકરણનું પડ ઉમેર્યું. તે પ્રક્રિયા પ્રકૃતિ બની હોવાથી હજુ ચાલુ જ છે અને ચાલુ રહેશે. આ કામમાં રોમેન્ટિક કશું નથી. તે વૃત્તિ ઉપરાંત મહેનત અને સમય માગે છે. તે કરવામાં કે ન કરવામાં કશી ધાડ મારવાની નથી. એટલે કે, કરનારા કશી કમાલ નથી કરતાં અને ન કરનાર કશો ગુનો નથી કરતાં. એવી જ રીતે, આ કરનારા બધા નવરા નથી થઈ જતા અને ન કરનાર ક્રિએટીવ નથી થઈ જતા. આ કામ કરવામાં રસ, પ્રાથમિકતા, કરનારના મનમાં વસેલી તેની મહત્તા, પરિપ્રેક્ષ્ય, ચોક્કસ દૃષ્ટિ, તેનો યોગ્ય ઉપયોગ...આ બધાં પરિબળો બહુ અગત્યનાં છે. તે સિવાયનો નકરો સંગ્રહ બીજા કોઈ પણ સંગ્રહ જેવો, અહમ્ પુષ્ટ કરનારો પણ સરવાળે નિરર્થક ઢગલો બની રહે. પરંતુ આગળ જણાવેલી રીતે સંગ્રહ કર્યો હોય તો તેમાંથી આનંદ મેળવવા માટે કોઈનાં વખાણની કે કોઈની પીઠથાબડની જરૂર નથી પડતી. પુસ્તકોના આંકડા કે ફિલ્મોની સંખ્યા કે કેસેટ-સીડી-ડીવીડીનો જથ્થો ફેંકવાની પણ જરૂર નથી પડતી. તે ચીજો પોતે જ આનંદ અને રોમાંચ આપવા સક્ષમ છે.
સંદેશાવ્યવહારનાં અને કામકાજનાં માધ્યમો ડિજિટલ થયા પછી પુસ્તકો સિવાય બીજી ચીજો ઉમેરાવાનું પ્રમાણ ઘટ્યું છે. દસ્તાવેજીકરણ ડિજિટલ સ્વરૂપે ચાલુ જ છે, પણ હાથથી સ્પર્શી શકાય એવી ચીજોનો અહેસાસ જુદો હોય છે. આ લેખ હાથેથી લખ્યો હોત તો તેના એકાદ-બે ડ્રાફ્ટ થયા હોત અને કાગળ પર પડેલા હસ્તાક્ષરની પણ એક મઝા હોત. વીસ વર્ષ પછી તે જોવાનો રોમાંચ હોત. હસ્તાક્ષરની મઝા ચાલુ રહે તે માટે ક્યારેક ડાયરી લખું છું, જેથી ક્યારેક વીસ વર્ષ પહેલાંની ડાયરી જોતાં નીપજે છે, એવો રોમાંચ ભવિષ્યમાં પણ મળી શકે.