Tuesday, August 24, 2021

જાહેરખબરમાં ફોટો

કાર્યક્રમોમાં હદ બહારનો સમય બગાડતા સંચાલકો વિશે સુરેશ દલાલે તેમની શૈલીમાં કહ્યું હતું કે આ તો ડ્રોઇંગ રૂમ કરતાં બાથરૂમ મોટો હોય એવી વાત છે. પરંતુ કેટલાક લોકો જેને ન્યૂ ઇન્ડિયા કહે છે તે નવા, પોસ્ટ ટ્રુથ, સત્યને આખરી ગણવાને બદલે તેને ક્યાંય પાછળ છોડીને નીકળી ગયેલા ભારતમાં બાથરૂમ ફક્ત ડ્રોઇંગ રૂમ કરતાં જ નહીં, બધા રૂમ કરતાં મોટો હોય, તે ન્યૂ નૉર્મલ છે. એટલું જ નહીં, આખા ઘરમાં બીજો એકેય રૂમ જ ન હોય અને જ્યાં જ્યાં નજર તમારી ફરે, ત્યાં ઘરમાં ફક્ત ને ફક્ત બાથરૂમો જ જોવા મળે એવી પરિસ્થિતિ છે. લોકોના એક મોટા વર્ગે સચ્ચાઈના નામનું નાહી નાખ્યું છે અને તેમને વારંવાર સચ્ચાઈના નામનું નાહી નાખવાની જરૂર પડે છે, એટલે આવું હશે? એ સંશોધનનો વિષય છે—અને અધ્યાપક આલમનો આંતરિક-અંતરંગ પરિચય ધરાવતા લોકો જાણતા હશે કે લખાણોમાં જેમના માટે આ તો અલગ સંશોધનનો વિષય છે—એવું જાહેર કરવામાં આવે, તે વિષયો પર કદી સંશોધન થતું હોતું નથી.

ન્યૂ ઇન્ડિયાની ડ્રોઇંગ રૂમ કરતાં બાથરૂમ મોટો—એ સ્કીમ સરકારી જાહેરખબરોનાં હોર્ડિંગને પણ લાગુ પડે છે.  તેનો તાજો પરચો ઑલિમ્પિક વિજેતાઓના અભિવાદન અને સન્માન માટે યોજાતા કાર્યક્રમોમાં જોવા મળ્યો. પરદેશથી આવેલાને તો એવો જ સવાલ થાય કે તમારા બધા ઑલિમ્પિક મૅડલ વિજેતા ખેલાડીઓ અને મહિલાઓ સુદ્ધાં એક સરખા કેમ લાગે છે અને બધા આટલી લાંબી સફેદ દાઢી કેમ રાખે છે?’ થોડા વખત પહેલાં વૅક્સિન સર્ટિફિકેટના મામલે આવું થયું હોવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. તે ખરેખર બન્યો હતો કે નહીં, તેની ખબર નથી, પણ તે બન્યો હોય તો નવાઈ કે આશ્ચર્ય ન ઉપજાવે એટલો તાર્કિક હતો.

થયું એવું કે પરદેશના એક એરપોર્ટ પર ભારતીય પ્રવાસી માટે વૅક્સિન સર્ટિફિકેટ માગવામાં આવ્યું. તેમણે એ બતાવ્યું, તો પ્રમાણપત્રો તપાસનાર અધિકારીએ કહ્યું કે તમારો પાસપોર્ટનો ફોટો અને વૅક્સિન સર્ટિફિકેટ ઉપરનો ફોટો મળતા આવતા નથી, માટે તમારું પ્રમાણપત્ર માન્ય નહીં ગણાય. ત્યાર પછી પ્રવાસીએ તેમને ધીરજથી, વિશ્વગુરુની અદાથી જ્ઞાન આપવું પડ્યું કે વૅક્સિન સર્ટિફિકેટ પર તમે જેમનો ફોટો જુઓ છો, તે દાઢિયલ જણ તો અમારા સ્વનામધન્ય વડાપ્રધાનશ્રી છે. ત્યાર પછી, કહે છે કે, એરપોર્ટ પરના અધિકારીએ પોતાનાં બીજાં સહકાર્યકરોને ભેગાં કર્યાં અને આપણું વૅક્સિન સર્ટિફિકેટ બતાવીને તેમને ભરપૂર મનોરંજન પૂરું પાડ્યું. 

એવું જ ઑલિમ્પિકમાં વિજેતા ભારતીય ખેલાડીઓ માટે પણ થઈ શકે એમ હતું. સન્માન સમારંભ ગોલ્ડ મૅડલ જીતનાર ખેલાડી નીરજ ચોપરાનો હોય અને ચોતરફ મોટી મોટી તસવીરો વડાપ્રધાનની જોવા મળે. ખેલાડીઓના ફોટા તો નાનાં ગોળાકારમાં મુકી દીધા હોય. સીધી વાત છે ભાઈ. તમે ગમ્મે તેવા મૅડલ જીતો, કંઈ દેશથી મોટા થોડા થઈ જાવ? અને દેશ એટલે વડાપ્રધાન, એવું ફક્ત સાયબર સૅલ જ નહીં, ભક્તો પણ માને છે. તેમાં ઔચિત્યની વાત વચ્ચે લાવવી નહીં. કેમ કે, ન્યૂ ઇન્ડિયામાં ઔચિત્યભંગની વાત કરનારા માટે હળવામાં હળવો ઠપકો છેઃ તમે તો બહુ નૅગેટિવ છો. તેનાથી આગળ તો લિબરલથી માંડીને અર્બન નક્સલ સુધીની લાંબી યાદી છે.

વડાપ્રધાન જો દિખતા હૈ વો બિકતા હૈના સિદ્ધાંતમાં માને છે, એવું તેમની વીસ વર્ષની કાર્યપદ્ધતિના આધારે કહી શકાય. છેલ્લાં એક-બે વર્ષમાં તે જો દિખતા હૈ, વહ બેચતા હૈનું સૂત્ર ચરિતાર્થ કરવા લાગ્યા હોય એવું પણ લાગે છે. તેમની દેખાવાની શક્તિ વધારે છે કે જોઈ લેવાની, તે વિશે તેમને નજીકથી જાણનારા લોકો અવઢવમાં છે. પરંતુ એ બંને તેમના રસના વિષયો અને આવડતનાં પ્રિય ક્ષેત્રો છે, એ વિશે સર્વસંમતિ છે. બંને પ્રકારનાં કામ વચ્ચે એક સામ્ય એ પણ છે કે તેમને જાહેર ધોરણે કરવામાં આવે, તો જ તેમની મહત્તમ અસર નીપજે છે. કોઈને જોઈ લેવાના થાય, ત્યારે તે કામ એવી રીતે કરવામાં આવે છે કે જેથી બીજા લોકો બીએ અને તેમની નજરમાં ન આવી જવાય, એ માટે આઘાપાછા થઈ જાય. એવી જ રીતે, દેખાવાનું કામ પણ લાજશરમ મુકીને જ કરવું પડે. ક્રેડિટ છીનવવા જવું ને દોણી સંતાડવી—એ જમાનો વીતી ગયો. હવે બીજા કોઈનો ફોટો ન છૂટકે મૂકવો પડે, તો પોતાનો ફોટો તેનાથી બે-ત્રણ ગણો મોટો તો મૂકી જ દેવો પડે. દૂરથી જોનારને સમજાઈ જવું જોઈએ કે આ દેશમાં જે કંઈ (ખાનાખરાબી સિવાયનું) થઈ રહ્યું છે તેના કર્તા કોણ છે. ખાનાખરાબીનો કર્તા કોણ છે, એ જણાવવા માટે તો ફોટો મુકવાની પણ ક્યાં જરૂર છે?

એકનો એક ફોટો જોઈને લોકોને કંટાળો આવશે ત્યારે સાહેબના જુદાં જુદાં પશુપંખીઓ સાથેના ફોટા પણ આવશે. જુદા જુદા પોશાકમાં, દરેક વખતે અલગ માસ્ક સાથે, દાઢીની અલગ અલગ પ્રકારની કર્તનકલા સાથેના, વિવિધ મુદ્રાના એમ કંઈક ફોટા આવી શકે છે. હા, એક બાબતે પ્રજા આશ્વસ્ત રહી શકે છેઃ આ વૈવિધ્યમાં બીજા કોઈ માણસનો ફોટો કદી નહીં આવે અને તે ધારો કે અનિવાર્ય કારણોસર આવે તો પણ તે એવી રીતે આવશે કે જેથી કોનો ફોટો રાષ્ટ્રહિત માટે વધારે અનિવાર્ય છે તે પ્રજાને તરત સમજાઈ જાય.

3 comments:

  1. Hiren Joshi6:02:00 PM

    Gujarat Chief Minister Vijay(bhai) Rupani is following the same style with his photograph on the government ads. It is comical that he has to share his ad space with the deputy CM! In case of the Prime Minister his home minister should show courage and insist to publish his photograph with the PM :)

    ReplyDelete
  2. 'જો દિખતા હૈ વો બેચતા હૈ' ક્યા બાત હૈ! 😊😀

    ReplyDelete
  3. ઉર્વીશ ભાઈ કોઠારી,
    તમે શ્રી મોદી વિષે ગમેતેટલું બૂરું કે વિરોધમાં 'મભમ' લખો પણ તેની લોકપ્રિય લહેર બધાંએ 'ગમાડવી' પડશે. આ દોર તેને હિન્દુસ્તાનના રાજકારણમાં શરૂ નથી થયો ત્યાર પહેલા પણ આવો દશકા લોકોએ'દીઠા ' છે. અનેક પત્રકારો પણ આ રીતે પોતાની કલમના 'તીખારા ' અજમાવતા રહ્યા છે.

    ReplyDelete