Thursday, September 17, 2015
ભદ્રંભદ્ર : અનામતનાબૂદી આંદોલનમાં (૨) : યુગકાર્ય આગળ વધારવાની યોજના
સો વર્ષ પહેલાં ‘સુધારાવાળા’નો પરાજય કરવા
મેદાને પડેલા આર્ય ભદ્રંભદ્ર અને તેમના શિષ્ય અંબારામ વર્તમાનકાળમાં અનામત સામે
તુમુલ સંગ્રામ કરવા આવી પહોંચ્યા છે. અગાઉના અવતારની જેમ આ વખતે પણ તે યવન
(વિદેશી) શબ્દોનો પ્રયોગ કરતા નથી. ‘હવે હું નથી કે આરક્ષણ
નથી’ એવી ભીષણ પ્રતિજ્ઞા લીધા પછી તે શું કરશે? વાંચો આગળ.
***
‘સાંભળ્યું છે કે જુદા જુદા સમાજો અનામતની માગણી
સાથે કૂચ કરી રહ્યા છે.’ અંબારામે ઉત્સાહથી છલકાતા
અવાજે ભદ્રંભદ્રને સમાચાર આપ્યા અને તેમના પ્રસન્નોદ્ગાર સાંભળવા શ્વાસ રોકીને
ઊભા રહ્યા. સારું થયું, તેમણે શ્વાસ વેળાસર છોડી દીધો. નહીંતર તેમનો દેહ
છૂટી જાત. કારણ કે ભદ્રંભદ્ર આ સમાચારથી ખાસ પ્રસન્ન થયા હોય એવું લાગ્યું નહીં.
તેમણે ધીરગંભીર અવાજે, લગભગ ઠપકાના
સૂરમાં કહ્યું,‘અંબારામ, તારા જેવા
શિષ્યોત્તમ માટે મૂર્ખશિરોમણી જેવા ઉપાલંભવચનો પ્રયોજવાનું સર્વથા અનુચિત લેખીને
હું એમ કરતો નથી. તથાપિ તારે પણ મારા સંયમની પરીક્ષા કરવી ન જોઇએ. અનામતઉચ્છેદનની
યજ્ઞવેદી પર પ્રાણની આહુતિ આપવાની આપણી તત્પરતા હોય ત્યારે, આટલા ઉત્સાહથી
તું આરક્ષણ માગનાર કૂચો વિશે જણાવે છે? અપશોચ, અપશોચ.’
શરૂઆતનાં વાક્યોથી ડઘાયેલા અંબારામ આખી વાત
સાંભળ્યા પછી નિશ્ચિંત થયા. તેમણે કહ્યું, ‘મેં આપને એ
સમાચાર સહેતુક જણાવ્યા છે. કારણ કે અનામતની માગણી માટેની ઘણી કૂચો ખરેખર અનામતનો
વિરોધ કરી રહી છે.’
‘આશ્ચર્યમ્.’ ભદ્રંભદ્ર બોલ્યા,
‘એવું શી રીતે સંભવે? જેની માગણી કરીએ તેનો જ
વિરોધ? જેનો વિરોધ કરીએ તેની જ માગણી? અંબારામ, મને અંધકારમાં
રાખીને તેં કોઇ દિવ્ય દ્રવ્યનું સેવન તો...’
ભદ્રંભદ્રને અડધેથી અટકાવીને અંબારામે કહ્યું,‘ના, મારું ચિત્ત
સુસ્થિર જ છે... આપ સરખા વિદ્વજ્જનને તો એ યાદ જ હોય : દેવાસુર સંગ્રામમાં દેવોએ
અસુરો માટે અમૃતનો વિરોધ અને પોતાના માટે અમૃતની માગણી કરી હતી કે નહીં? ’
ભદ્રંભદ્રે પોતે અમૃતની વહેંચણી કરી હોય એટલા
આત્મવિશ્વાસથી હા પાડી અને ચહેરા પર સંતોષનો ભાવ પ્રગટ કરીને કહ્યું,‘અંબારામ, દેવાસુર
સંગ્રામનો તર્ક આપીને તેં સિદ્ધ કર્યું છે કે તું શા માટે શિષ્યોત્તમ ગણાવાને
યોગ્ય છે. લાંબા સમયથી મારા સહવાસમાં રહેવાને કારણે, તારી ન્યાયબુદ્ધિ
અને તારા શાણપણ સંશયાતીત છે. એ વિશે હું નિઃસંશય થયો છું.’
‘જેમ આપની વિદ્વત્તા અને પ્રતિભા વિશે મને કોઇ
શંકા નથી.’ અંબારામે નમ્રતાથી કહ્યું, ‘આપને આ સમાચાર
આપવા પાછળનું તાત્પર્ય એ હતું કે આવી કોઇ કૂચમાં પહોંચીને મંચસ્થ થવાથી, આરક્ષણઉચ્છેદનના
આપણા યુગકાર્યને પ્રબલ વેગ પ્રાપ્ત થશે.’
‘ઉત્તમ વિચાર છે. કિંતુ કૂચ કે સભા પૂરાં થયા
પછી મોદક-ભોજનની સનાતન પરંપરા હજુ ટકી છે કે સુધારાવાળાએ તેનો પણ ભોગ લીધો?’
ભદ્રંભદ્રે મુદ્દાની અને મુદ્દામાલની વાત કાઢી.
અંબારામના ચહેરા પર મૂંઝવણનો ભાવ આવ્યો. તેમણે
કહ્યું,‘પૃચ્છા કરતાં જ્ઞાત થયું છે કે એક કૂચ પછી મોદક-પ્રસાદ તો
નહીં, પણ મોદી-પ્રસાદ છૂટથી વહેંચાયો હતો. જોકે મેં આ વાત કેવળ
કર્ણોપકર્ણ સાંભળી હોવાથી ‘મોદીપ્રસાદ’ શું છે એ હું
સમજી શક્યો નહીં.’
‘અંબારામ, મારા માટે આ
ધર્મયુદ્ધ છે. તેમાં રણભૂમિ મઘ્યે પ્રાણ ત્યાગવા હું તત્પર છું, કિંતુ ક્ષુધાતુર
થઇને, મોદકનું ચિતવન કરતાં કરતાં પ્રાણ જાય, તેમાં મારી,
મોદકની કે પ્રાણની-કોઇની શોભા નથી. એટલે તને પૂછ્યું. અન્યથા મારું સંપૂર્ણ ધ્યાન...’
‘...લાડવા પર નહીં, લડવા પર
કેન્દ્રિત છે.’ અંબારામે ભદ્રંભદ્રનું અધૂરું વાક્ય પૂરું
કર્યું, એ સાથે જ ભદ્રંભદ્રે જોરથી પોકાર કર્યો, ‘આરક્ષણનો...
ક્ષય. સનાતન ધર્મનો... જય. હે અંબારામા, તું મારું મુખારવિંદ જુએ
છે, એટલી સ્પષ્ટતાથી હું આરક્ષણનો અંત નિહાળી શકું છું.’
ભદ્રંભદ્ર મંચસ્થ થવાની વાતથી વીરરસમાં આવી ગયા
કે મોદક-લાડુના ઉલ્લેખથી, એ અંબારામ નક્કી કરી
શક્યા નહીં. પરંતુ ભદ્રંભદ્રોના અંબારામોએ વધારે વિચારવાની જરૂર હોતી નથી. એ જ
તેમની મુખ્ય લાયકાત ગણાય છે. થોડી વારમાં અંબારામે સાંજે યોજાનારી એક સભાની વિગત
મેળવીને ભદ્રંભદ્રને જાણ કરી. એ સાંભળીને ભદ્રંભદ્રે કહ્યું,‘અંબારામ, એ નિશ્ચિત જાણજે
કે આરક્ષણની જે અન્યાયી રીતિએ અનેક ઊચ્ચકુલદીપકદીપિકાઓને ઘોર અન્યાય કર્યો છે અને
નિમ્ન કોટિના શુદ્રાદિને પ્રવેશયોગ્ય ગણ્યા છે, તે ભ્રષ્ટ રીતિ આવતી કાલના
સૂર્યનાં દર્શન નહીં કરી શકે. ભગવાન નરસિંહે જેમ ઉંબરા પર બેસીને હિરણ્યકશ્યપુનો
વધ કર્યો હતો, તેમ હું મંચ પરથી આરક્ષણનો અંત આણીશ. મને એમ
કરતો અને એ માટે મંચ પર પહોંચતો અટકાવવો, એ શિવધનુષ્ય ઊંચકવા સમું
અસંભવિત કાર્ય છે.
અંબારામે કામની વાત કરતાં કહ્યું,‘એક વાતથી આપને
વિદિત કરી દઉં. વર્તમાનકાળના આર્યજનો આરક્ષણને ‘અનામત’ તરીકે ઓળખે છે
અને શુદ્રાદિ જ્ઞાતિઓ વિશે જાહેરમાં અપમાનજનક બોલી શકાતું નથી. કાયદા બહુ ખરાબ છે.’
એ સાંભળીને ભદ્રંભદ્રના ચહેરા પર અણગમો પથરાઇ
ગયો. ‘તારી જાગૃતિ પ્રશંસનીય છે. કારાગૃહયોગનું પુનરાવર્તન ત્યાજ્ય છે, એ વિશે હું તારી
સાથે સંમત છું. દુષ્ટ સુધારાવાળાની કુટિલતા મારાથી અજાણ નથી. તે જાણે છે કે
શુદ્રાદિ જ્ઞાતિઓને આરક્ષણ આપવાથી જ નહીં, તેમનો આદરસહિત ઉલ્લેખ
કરવાથી પણ સનાતન ધર્મને હાનિ પહોંચે. સદ્ભાગ્યે ઘણા આર્યવીરો લોકનિંદા વહોરીને પણ
આરક્ષણ તથા તેના લાભાર્થીઓની યથોચિત ભર્ત્સના કરે છે. એમ કરવા પાછળનો તેમનો સદાશય
શુદ્રાદિને તેમના મૂળ વ્યવસાયોથી અને ખરેખર તો સનાતન ધર્મથી વિમુખ થતા અટકાવવાનો
છે. એવા જીહ્વાશૂરા જોદ્ધાઓની ધર્મપ્રીતિરીતિનીતિભીતિ ધન્ય છે. તેમને મારા જેવા
સમર્થ નેતાની આવશ્યકતા છે અને તેમનું નેતૃત્વ લેવું એ મમ કર્તવ્ય છે. મારા
રોમેરોમમાં કર્તવ્યબોધ ઉછાળા મારે છે...કે પછી સુધારાવાળાએ માયાનો સહારો લઇને
ક્ષુધાને કર્તવ્યબોધ સ્વરૂપે પ્રેષિત કરી હશે? અંબારામ, શીઘ્ર તું કોઇ
આર્ય શાકાહારી અલ્પાહાર ગૃહ શોધ. આરક્ષણઉચ્છેદનના ધર્મકાર્યમાં પ્રવૃત્ત થતાં
પૂર્વે હું કોઇ કચાશ રાખવા માગતો નથી.’
બન્ને જણા રસ્તા પર આવેલી એક રેસ્તોરાંમાં
પ્રવેશ્યા અને સંકોચ સાથે ટેબલ પર બેઠા.
(ક્રમશઃ)
Labels:
humor-satire/હાસ્ય-વ્યંગ,
reservation,
ભદ્રંભદ્ર
Tuesday, September 15, 2015
જોઇએ છે : સાચું કહેનારા-સાંભળનારા
પાટીદારોના અનામત આંદોલન મુદ્દે પાટીદાર
ધારાસભ્યો-મંત્રીઓની હાલત કફોડી થઇ છે. એક તરફ પક્ષની શિસ્ત, બીજી તરફ સમાજના
મોટા સમુહનું દબાણ. જાયે તો જાયે કહાં? આવી બાબતમાં--ખરેખર તો
મોટા ભાગની બાબતોમાં-- ભાજપ-કોંગ્રેસ વચ્ચે કશા ભેદ હોતા નથી. (જેમને એ હજુ ન
સમજાયું હોય, તેમને ક્યારે સમજાશે?) પાટીદાર અનામતના
મુદ્દે કોંગ્રેસનું શું વલણ છે? કોંગ્રેસના કોઇ મોટા
નેતાએ પાટીદારોને અનામત કેમ મળવી અથવા ન મળવી જોઇએ, એ વિશે ખોંખારીને
કશું કહ્યું? કે કાયદો-વ્યવસ્થાનો કકળાટ કરીને, સરકારનું રાજીનામું
માગવાની ઠાલી ઔપચારિકતા નિભાવીને શટર પાડી દીધું?
વાત ફક્ત પટેલ અનામતની નથી. દલિત સહિતના બીજા
સમુદાયોના નેતાઓનું ઉદાહરણ લઇએ. એ પોતપોતાના સમાજના બાહ્ય તેમ જ આંતરિક પ્રશ્નો
વિશે કેટલું બોલે છે? કેટલા સવાલ કરે છે? પૂછવાના પ્રશ્નો
બન્ને પ્રકારના હોય : સમાજ માટે અને સમાજ સામે. સમાજ માટે પ્રશ્નો ઉઠાવવા જરૂરી છે,
પરંતુ વ્યાપક દેશહિત માટે હાનિકારક એવી પોતાના સમાજની રીતરસમો સામે સવાલ ઊભા
કરવાનું એટલું જ --કે જરા વધારે --જરૂરી નથી? પોતાના સમાજને બે
કડવી વાત કહી શકાતી ન હોય, તો ‘સમાજના’ હોવાનો અર્થ જ્ઞાતિવાદી
હોવાથી વિશેષ શો રહ્યો?
પરંતુ સાચું સમજવાની અને સમજ પડે તો પણ એ
કહેવાની હિંમત રાજકીય કે આધ્યાત્મિક આગેવાનોમાં છે? અને જો નથી,
તો તેમને આગેવાન-નેતા શી રીતે કહેવાય? આવા વખતે બે-પાંચ હજાર
વર્ષ પહેલાં થયા હોય એવા લાગતા એક નેતા યાદ આવે છે : ગાંધી. તેમણે અને તેમના
કેટલાક સાથીદારોએ લોકપ્રિયતાની પરવા કર્યા વિના દેશહિત-સમાજહિતમાં જે સાચું લાગે
તે કહેવાની પરંપરા ઊભી કરી-- પછી ‘લોક ભલે નિંદો કે વંદો.’
(ગાંધીજી)
ગાંધીજીએ ૧૯૨૧માં અસહકાર આંદોલન પાછું ખેંચ્યું,
ત્યારે તેમના પગલાની આકરી ટીકા થઇ હતી. પરંતુ ગાંધીજીને સમજાઇ ગયું હતું કે
પ્રજા આઝાદી માટે તૈયાર નથી. ચૌરીચૌરાનો બનાવ મુખ્ય કારણ નહીં, ઊંટની પીઠ પરનું
છેલ્લું તણખલું હતો. અન્ના હજારેની ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશ કે પાટીદારોના
અનામતમાગણી આંદોલન કરતાં સો ગણી વધારે પ્રભાવશાળી રાષ્ટ્રિય ચળવળ ચરમસીમાએ પહોંચી
હોય અને આઝાદી હાથવેંતમાં લાગતી હોય, ત્યારે એ ચળવળ પાછી
ખેંચવાની નૈતિક હિંમત જેનામાં હોય, તેને નેતા કહેવાય. એવો
નેતા, જે પ્રજાને રીઝવવા હવાતિયાં મારતો ન હોય ને તેમની પૂંઠે
ઘસડાતો ન હોય, પણ લોકોને કહેવા જેવી વાત કહેતો હોય, કડવી દવા પાતો
હોય અને એમ કરવામાં ‘મારી નેતાગીરીનું શું થશે’ એની પરવા કરતો ન
હોય.
સતત દુષ્પ્રચારને કારણે ઘણા લોકો ગાંધીજીને
મુસ્લિમતરફી તરીકે કાઢી નાખે છે. એ ગાંધીજીએ એક વાર કોઇ આરબ દેશમાં થતી ‘સંગસારી’ની (પથ્થરો
મારીને ગુનેગારનું મોત નીપજાવવાની) પ્રથાને અન્યાયી ગણાવતો લેખ લખ્યો. એ સંદર્ભે
થયેલી ચર્ચામાં તેમણે લખ્યું કે આવી સજાને કુરાનનું સમર્થન ન જ હોય અને ધારો કે
કુરાનનું સમર્થન હોય તો પણ એ વાજબી ન કહેવાય. એ વાંચીને એક મુસ્લિમ વાચકે
ગાંધીજીને ઠપકો આપતાં લખ્યું કે આવું કહેતાં પહેલાં (‘કુરાનનો વિરોધ’
કરતાં પહેલાં) ઇસ્લામી જગતમાં તમારા મોભા વિશે તમારે વિચારવું જોઇતું
હતું...વળતા જવાબમાં ગાંધીજીએ તેમને એ મતલબનું લખ્યું કે ઇસ્લામી જગતમાં તમે કહો
છો એવો મારો મોભો સાચું કહેવાથી જતો રહેવાનો હોય, તો એવો મોભો હું
કાણી કોડીની કિંમતે પણ ન ખરીદું.
કયો રાજનેતા ને કયો આધ્યાત્મિક નેતા પોતાના
અનુયાયીગણને કે સમર્થકોને આવું કહેવા જેટલી નૈતિક તાકાત ધરાવે છે? ગાંધીજીને દલિતોના
મત લેવાના ન હતા. છતાં, અમદાવાદના રૂઢિચુસ્તોની ખફામરજી વહોરીને તેમણે
દલિત પરિવારને આશ્રમમાં વસાવ્યું. તેના કારણે આર્થિક મદદ મળતી બંધ થઇ અને આશ્રમ
સંકેલી લેવો પડે એવી સ્થિતિ આવી, પણ તે અડગ રહ્યા. (અણીના
સમયે અંબાલાલ સારાભાઇએ તેમને ગુપ્ત અને મોટી આર્થિક મદદ કરતાં આશ્રમ ચાલુ રહ્યો.)
અસ્પૃશ્યતા સામેની ઝુંબેશ બદલ છેક ૧૯૩૪માં સનાતની હિંદુઓએ પૂનામાં ગાંધીજીની
હત્યાનો પ્રયાસ કર્યો હતો. છતાં, ગાંધીજી કદી ટોળાંથી
દોરવાયા નહીં કે પોતાને જે સાચું લાગે તે કહેતાં અચકાયા નહીં. પીડાતા વાછરડાને
મૃત્યુદાન આપતાં અને તેના વિશે જાહેરમાં કહેતાં તેમને ‘હિંદુઓની લાગણી
દુભાશે’ એવો ખચકાટ ન થયો. કેમ કે, તેમના માટે
નેતાગીરી એટલે લોકલાગણીના મોજા પર તરી જવાનું નહીં, લોકોનું ઘડતર
કરવાનું કામ હતું. આચાર્ય કૃપાલાણી, (ઘણે અંશે) સરદાર પટેલ
જેવા ગાંધીજીના સાથીદારો પણ લોકપ્રિયતાની પરવા કર્યા વિના સાચું કહેનારા તરીકે
જાણીતા થયા.
સરદારના મોટા ભાઇ વિઠ્ઠલભાઇ પટેલનો રાજકીય
અભિગમ ગાંધીજી-સરદાર કરતાં અલગ. પરંતુ સાચું લાગે તે કહેવાની બાબતમાં એ જરાય જુદા
ન હતા. અંગ્રેજી રાજમાં (લોકસભા સમકક્ષ) કેન્દ્રિય ધારાસભાના પહેલા ભારતીય અધ્યક્ષ
વિઠ્ઠલભાઇ ૧૯૨૭માં લંડન ગયા, ત્યારે ત્યાંના ‘પટેલ
વિદ્યાર્થીમંડળ’ તરફથી તેમના માનમાં હોટેલ સેસિલમાં સ્વાગત
સમારંભ યોજાયો. એ સમારંભમાં,આગળ જતાં સરદાર પટેલના
વિશ્વાસપાત્ર અધિકારી બનેલા - જનતા સરકારમાં નાણાંમંત્રીનો હોદ્દો શોભાવનાર
એચ.એમ.પટેલ વિદ્યાર્થી તરીકે હાજર હતા. તેમની નોંધ પ્રમાણે, વિઠ્ઠલભાઇએ પટેલ
મંડળના વિદ્યાર્થીઓને ઠપકો આપતાં કહ્યું હતું,‘માદરેવતનથી છ
હજાર માઇલ દૂર લંડન શહેરમાં પણ તમે જ્ઞાતિની ગણતરી કે મર્યાદા છોડી શકતા નથી,
એ મારે મન આશ્ચર્યનો વિષય છે. ભારતે એક રાષ્ટ્ર તરીકે માથું ઊંચું રાખીને
જીવવું હશે તો જુવાન ભારતીયોએ (જ્ઞાતિની) મર્યાદાઓથી પર થવું પડશે.’
સાચું બોલનારા અને સાચું સાંભળનારા બન્ને
દુર્લભ છે, એવી કહેણી જૂની છે. ગુજરાતની વાત કરીએ તો,
તેના દેખીતા વિકાસ પાછળ રહેલા અંધારાની વાતો અનેક વાર, અનેક રીતે થઇ
ચૂકી છે. ઉદાહરણ તરીકે, તાતાને ‘નેનો’ પ્લાન્ટ માટે
કેવી ઉદાર શરતોએ જમીન આપવામાં આવી તેની સાચી વિગતો જાહેર થઇ હતી. છતાં, તત્કાલીન મુખ્ય
મંત્રીએ ‘એક એસ.એમ.એસ. કર્યો ને તાતા આવી ગયા’ એવું જૂઠાણું
ચલાવ્યું, ને લોકોએ હોંશેહોંશે પી લીધું. આવી ઘણી બાબતોમાં સચ્ચાઇ
બતાવનારાને ગુજરાતવિરોધીની ગાળો પડી. કોમી હિંસાની ન્યાયપ્રક્રિયામાં સત્યશોધનના
નામે કેવા ગોટાળા થયા, તેની સિલસિલાબંધ વિગતો અંગ્રેજી પત્રકાર મનોજ
મિત્તાએ ‘ધ ફિક્શન ઓફ ફેક્ટ ફાઇન્ડિંગ’ પુસ્તકમાં આપી.
છતાં, બહુમતીએ જાણે સાચું સાંભળવા માટે આંખ-કાન બંધ કરી દીધાં
હતાં. અક્ષરધામ કેસમાં ખોટેખોટા સંડોવી દેવાયેલા મુફ્તીએ સર્વોચ્ચ અદાલતમાંથી
નિર્દોષ છૂટ્યા પછી ગુજરાત પોલીસ અને તેમના સાહેબોનાં કરતૂતો વિશે સ્પષ્ટ ભાષામાં
લખ્યું. છતાં, એન્કાઉન્ટરબાજોને ‘જાંબાઝ’ અને ‘હીરો’ ગણાવનારા સચ્ચાઇ
સ્વીકારવા માગતા નથી.
સચ્ચાઇ ‘બજાર’ની ચીજ નથી. છતાં
તેને માગ અને પુરવઠાનો નિયમ લાગુ પડી શકે છે. એ હકીકત નાગરિકોનું ઘડતર કરતા આગેવાનો અને આગેવાનો પેદા કરતા
નાગરિકસમાજોએ પોતાના હિસાબે ને જોખમે ભૂલી શકે છે.
Saturday, September 12, 2015
પ્રકાશ ન. શાહ : પંચોતેરે અડીખમ
આજે પ્રકાશભાઇની પંચોતેરમી વર્ષગાંઠ હતી. એ નિમિત્તે અમે થોડા એમના પ્રેમી મિત્રો ભેગા થયા, એમના ઘરે ગયા (ના,એ સરપ્રાઇઝ પાર્ટી ન હતી), પ્રકાશભાઇ પાસે કેક કપાવી, (રાબેતા મુજબ) વાતોનાં વડાં કર્યાં, ખાધુંપીધું ને આનંદ કર્યો. ('પીધું' શબ્દ કેવળ ધ્વન્યાર્થમાં લેવો)
પ્રકાશભાઇને પંચોતેરમું વર્ષ બેઠું એ દિવસની પાર્ટી અને તેમના વિશેનો લેખ અહીં વાંચી શકાશે. આ બ્લોગ પર પ્રકાશભાઇ દ્વારા પ્રયોજાયેલા અવનવા શબ્દોના અર્થોનો વિભાગ શબ્દાર્થપ્રકાશ અહીં જોઇ શકાશે. અને આ રહી આજની તસવીરો.
તસવીરોમાં દેખાતા અને ન દેખાતા, પણ ઉમળકાથી હાજર રહેલા સૌઃ
ચંદુ મહેરિયા, સંજય ભાવે, કેતન રૂપેરા, આશિષ કક્કડ, બિનીત મોદી, ઋતુલ જોષી, નિશા પરીખ, દિવ્યેશ વ્યાસ, ચેતન પગી, સોનલ કોઠારી, ઉર્વીશ કોઠારી
![]() |
| Prakash N.Shah at 76/પ્રકાશ ન.શાહ છોંતેરમા વર્ષે |
![]() |
| Prakash N.Shah & Nayna Shah/ પ્રકાશ ન.શાહ-નયનાબહેન |
![]() |
| (l to r) Nayna Shah, Chetan Pagi, Sanjay Bhave, Chandu Maheriya, Ashish Kakkad, Neesha Parikh, Prakashbhai and Ketan Rupera |
![]() |
| Prakash N.Shah- Nayna Shah / પ્રકાશ ન. શાહ- નયનાબહેન |
Friday, September 11, 2015
ભદ્રંભદ્ર : અનામતનાબૂદી આંદોલનમાં (૧)
‘સંભવામિ યુગે યુગે’નું મૂળ વચન ભગવદ્ગીતામાં
શ્રીકૃષ્ણના મોઢે મૂકાયેલું છે. શ્રીકૃષ્ણ વિશે ગુજરાતીમાં એટલું લખાઇ ચૂક્યું છે
કે એ વાંચે તો એમને પણ પોતાના વિશે ઘણું નવું જાણવાનું મળે. બહેનપણીઓ બનાવવાથી
માંડીને એન્કાઉન્ટર વાજબી ઠરાવવા જેવી અનેક કળિયુગી લીલાઓમાં લોકો શ્રીકૃષ્ણના
નામે કેવું ચરી ખાય છે અને ચરી ખાવાની ક્રિયા ફક્ત ગોકુળની ગાયો પૂરતી મર્યાદિત
નથી, એ પણ તેમને સમજાય. પરંતુ અહીં
વાત શ્રીકૃષ્ણની નહીં, ‘સંભવામિ યુગે યુગે’ની છે અને એ વચન શ્રીકૃષ્ણે ભલે ન પાળ્યું હોય, પણ ભદ્રંભદ્રે બરાબર પાળ્યું
છે.
ભદ્રંભદ્ર ગુજરાતી સાહિત્યનું અમર પાત્ર છે.
સમાજસુધારાના-આધુનિક પ્રવાહોની વિરોધી એવા રૂઢિચુસ્તોની ઠેકડી ઉડાડવા માટે રમણભાઇ
નીલકંઠે ભદ્રંભદ્ર અને તેમના શિષ્ય અંબારામનાં પાત્રો સર્જ્યાં. આર્યત્વના
દૃઢાગ્રહી જ નહીં, હઠાગ્રહી એવા ભદ્રંભદ્ર ત્યારથી
કોઇ પણ પ્રકારના અંતિમવાદનું પ્રતિક બની ગયા. (‘ગોલમાલ’ના ઉત્પલ દત્ત ભદ્રંભદ્રનું જ એક સ્વરૂપ ગણાય) સો
વર્ષ પહેલાં ‘દુષ્ટ સુધારાવાળા’નો નાશ કરવા માટે તેમણે અવતાર ધારણ કર્યો હતો અને ‘દોલતશંકર’ જેવું યવન (પરદેશી) નામ ફગાવીને, ભદ્રંભદ્ર જેવું વિશુદ્ધ સંસ્કૃત નામ ધારણ કર્યું હતું. સાથે એવી ભીષણ
પ્રતિજ્ઞા પણ લીધી હતી કે બોલચાલની ભાષામાં તે એક પણ યવન શબ્દ નહીં લાવે. ‘સ્ટેશન’ માટે ‘અગ્નિરથવિરામસ્થાન’ અને ‘મુંબઇની બે ટિકિટ’ માટે ‘શ્રી મોહમયીની બે
મૂલ્યપત્રિકા’ જેવા ભદ્રંભદ્રીય શબ્દપ્રયોગો
ભદ્રંભદ્રની ઓળખ તરીકે હજુ ટકી રહ્યા છે.
પૂર્વ અવતારમાં ભદ્રંભદ્ર સુધારાવાળાનો નાશ કરવા
મેદાને પડ્યા હતા, તો નવા અવતારમાં તે અનામતની
નાબૂદી માટે પ્રગટ થયા છે. ગુર્જરપ્રદેશમાં ચડેલી અનામત આંદોલનની ડમરીઓથી, મહાભારતનું યુદ્ધ
શરૂ થતાં પહેલાં મહારથીઓમાં વ્યાપ્યો હોય એવો ઉત્સાહ ભદ્રંભદ્રના અંગેઅંગમાં
પ્રસરી ગયો. પોતાના શિષ્ય અંબારામને તેમણે શીઘ્રસંદેશ (એસએમએસ) કર્યો, ‘હે અંબારામ, મારી સાથે આર્યાવર્ત-ગુર્જરદેશ
પહોંચવા સજ્જ થા. વધુ એક યુગકાર્ય આપણી પ્રતીક્ષા કરી રહ્યું છે.’
ભદ્રંભદ્રનાં અગાઉનાં ‘યુગકાર્યો’માં માર ખાવાનો અને
જેલવાસ વેઠવાનો પણ સમાવેશ થતો હતો. એટલે અંબારામ ખાસ ઉત્સાહી ન હતા. પરંતુ જેમ સોમ
પછી મંગળ, કમાન્ડોની પાછળ નેતાઓ ને
ભ્રષ્ટાચારની પાછળ તપાસપંચો, તેમ ભદ્રંભદ્રની પાછળ અંબારામ.
પરલોકમાંથી ગુર્જરલોક પહોંચ્યા પછી ભદ્રંભદ્રે
અંબારામને પૂછ્યું,‘હે અંબારામ, આપણે આવી તો ગયા, પણ આવવાનું
પ્રયોજન શું હતું?’
અંબારામે થોડું વિચારીને કહ્યું, ‘મહારાજ, તૈયારી વિના ભાષણ કરવા જતા નેતા
કે સાહિત્યકાર જેવી નિર્લેપતા આપ સરખા સુજ્ઞ આર્યપુરૂષ પાસેથી અપેક્ષિત નથી. હું
જાણું છું કે આપ સ્મરણશક્તિને અકારણ કષ્ટ આપવા નહીં ઇચ્છતા હો, છતાં જેના માટે આપણે અહીં આવ્યા, તે અનામતનાબૂદીને જ...’
અંબારામની વાત કાપીને ભદ્રંભદ્રે સહેજ મોટા સાદે
કહ્યું,‘અંબારામ, મારી સ્મરણશક્તિ વિશેનો તારો
સંદેહ મારા પ્રત્યેના પૂજ્યભાવથી પ્રેરિત હોવાથી હું તને ક્ષમા આપું છું. અન્યથા
તને સમજાવું જોઇએ કે આરક્ષણઉચ્છેદનના ધર્મકાર્ય માટે રણે ચડતાં પહેલાં હું તારી
સજ્જતાની પરીક્ષા લઇ રહ્યો હતો.’
‘મહારાજ, ક્યારેક આપ સજ્જતા અને સજ્જનતાની કસોટી એક સાથે લઇ લો છો.’ અંબારામે ગણગણાટ જેવા અવાજમાં
કહ્યું.
એ તરફ લક્ષ્ય આપ્યા વિના ભદ્રંભદ્રે કહ્યું, ‘મારી પરીક્ષામાં તું ઉત્તીર્ણ
થયો. જા, તારા કાર્યમાં તને દેવોનો પણ
સાથ છે.’
અગાઉના અનુભવો પરથી ચેતેલા અંબારામે પૂછ્યું,‘ફક્ત દેવોનો જ? કે આપનો પણ ખરો?’
‘નિઃશંક. સ્વર્ગલોક સાથે કાયમી 'પ્રથમદર્શી લાભદાયી પત્ર- થકી અનુબંધ છે. મારા દરેક કાર્યને
દેવોના આશીર્વાદ હોય છે અને તને મારા. સમજ્યો?’
અંબારામે ડોકું નમાવીને, નમ્રતાથી આશીર્વાદ સ્વીકાર
કરતાં પૂછ્યું, ‘પ્રથમદર્શી લાભદાયી પત્ર એટલે જેનું ટૂંકું રૂપ 'પ્રલાપ'
થાય છે અને ગુજરાતમાં જેને ‘એમઓયુ’ કહે છે તે જ ને? વાહ મહારાજ, ગુજરાતમાં આવીને તમે ગુજરાતીઓની
ભાષામાં વાત કરવા લાગ્યા.’
ભદ્રંભદ્રે વિજયી સ્મિત કરતાં કહ્યું,‘અંબારામ, આ તો હજુ આરંભ છે. મારા મનમાં
અત્યારે જેવો અદમ્ય ઉત્સાહ પ્રગટ્યો છે, એવો તો સાક્ષાત્ પરશુરામમાં પણ નહીં પ્રગટ્યો હોય. પરશુરામે આ પૃથ્વીને
ક્ષત્રિયવિહોણી કરી હતી, હું તેને
આરક્ષણવિહોણી બનાવી દઇશ અને એ પણ પરશુ (કુહાડી) વિના.’
અંબારામે કહ્યું,‘નિઃશંક, મહારાજ. આપની જીભ સામે પરશુની
શી વિસાત?’
એ સાંભળીને ભદ્રંભદ્રે ઘડીક અંબારામની સામે જોયું.
એના કથનમાં પ્રશંસાનો ભાવ હતો કે ટીકાનો એ સમજાયું નહીં. એટલે, દરેક બાબતમાંથી અનુકૂળ અર્થ
કાઢવાના- આપત્તિને અવસરમાં પલટાવવાના
અંદાજમાં તેમણે મુક્ત હાસ્ય કર્યું અને કહ્યું, ‘અંબારામ, તારા આ ગુણને કારણે જ તું
શિષ્યશ્રેષ્ઠ, શિષ્યોત્તમ, શિષ્યશિરોમણી ઠરે છે. હવે આપણે
મુખ્ય કર્તવ્ય માટે પ્રયત્નશીલ બનવું પડશે અને એ અંગે કોઇ સ્થાનિક આર્યજનનું
માર્ગદર્શન પ્રાપ્ત કરવું પડશે.’
આ વાક્યમાં ‘આપણે’નો અર્થ ‘તારે’ થાય છે, એટલું અંબારામ ભદ્રંભદ્ર સાથે
રહીને શીખી ગયા હતા. તે નજીકમાં દેખાતા પાનના ગલ્લે ગયા. ભદ્રંભદ્ર ગલ્લાથી થોડે
દૂર, પણ ત્યાં થતો સંવાદ સાંભળી શકાય
એટલા નજીક ઊભા રહ્યા. અંબારામ નજીક પહોંચ્યા, એટલે ગલ્લાવાળાએ તેમની સામે જોયું. પછી થોડે દૂર ઊભેલા ભદ્રંભદ્ર સામે જોયું
અને ગુસપુસ સ્વરે કહ્યું, ‘મહારાજ, હવે આપણે ગાંજો રાખવાનું બંધ
કર્યું છે. નકામી બબાલો....’
અંબારામ કંઇક કહે તે પહેલાં ભદ્રંભદ્ર ધસી આવ્યા,‘હે મૂર્ખ, અધમ, અજ્ઞ, પાપી, અનામતઉચ્છેદન જેવા યુગકાર્ય
માટે અવતરિત સાધુજનોને તું ગંજેરી સમજે છે? તારી આ ધૃષ્ટતા બદલ હું તારી સામે ત્રીજું નેત્ર ખોલું તો બળીને ભસ્મ થઇ જાય
એવું મારું તપોબલ છે, એનો તો ભય રાખ.’
ભદ્રંભદ્રનું વાક્ય પૂરું થાય તે પહેલાં ‘ધડામ્’ અવાજ આવ્યો. હતપ્રભ અંબારામે જોયું તો ભદ્રંભદ્ર જમીન પર ઊંધે કાંધ પડીને કંઇક
શોધી રહ્યા હોય એવું જણાતું હતું. અંબારામ તેમની નજીક પહોંચ્યા, ત્યારે પાનના ગલ્લાવાળાનો ઘાંટો
સંભળાયો,‘કોણ જાણે ક્યાંથી સવાર-સવારમાં આવી
જાય છે...સંસ્કૃતમાં કંઇ પણ બોલો એટલે વિદ્વાન થઇ જવાય? સંસ્કૃતમાં ગાળો બોલો એટલે સાધુ
થઇ જવાય? આવાને તો...’
અંબારામનો હાથ પકડીને ભદ્રંભદ્ર ઊભા થયા, વસ્ત્રો ખંખેર્યાં અને દિવ્ય
વાણીની માફક બોલ્યા,‘હે અંબારામ, તું એમ ન સમજતો કે તુચ્છ
તાંબુલવિક્રેતાના પ્રહારથી ચિત થયા પછી હું હતપ્રભ બન્યો છું. બીજું કોઇ નહીં પણ
મારી મહાનતાથી પરિચિત એવો તું જોઇ શકે છે કે હું ફક્ત મારાં વસ્ત્રો પરની જ નહીં, આરક્ષણના તરફી એવા લોકોના
અંતરાત્મા પરથી ધૂળ ખંખેરવાની અને તેમની ધૂળ કાઢવાની તૈયારી કરી રહ્યો છું. હવે
હું નથી કે આરક્ષણ નથી.’
એ સાંભળીને ચિંતિત અંબારામે કહ્યું,‘મહારાજ, તમે આકરી પ્રતિજ્ઞા તમે લો પછી, પણ તેમાંથી છટકબારીઓ મારે શોધવી
પડે છે. લોકોમાં હાંસી થાય છે તે અલગ. મારી આપને વિનંતી છે કે...’
‘અંબારામ, તારો ગુરુપ્રેમ અનન્ય છે. પરંતુ તારી વિનંતીનો અમે વિશાળ લોકહિતમાં અસ્વીકાર
કરીએ છીએ.’ ભદ્રંભદ્રે ભવાં ચઢાવીને, જમણો હાથ ઊંચો કરીને આકાશ ભણી
તાક્યો અને કહ્યું,‘હવે આર્યાવર્તમાંથી
અનામતનું આમૂલ ઉચ્છેદન થાય નહીં, ત્યાં લગી આપણે શાંત નહીં બેસીએ.’
(ક્રમશઃ)
નોંધ ભદ્રંભદ્ર ભલે સુધારાની વિરુદ્ધ હતા, પણ તેમના વિશેના લેખના પહેલા મણકામાં બે સુધારાઃ
૧) મૂળ લેખમાં ’ભદ્રંભદ્ર’ના લેખકનું નામ સરતચૂકથી રમણલાલ નીલકંઠ લખાયું હતું, જે રમણભાઇ
નીલકંઠ હોવું જોઇએ. એ તરફ ધ્યાન દોરવા બદલ પ્રો. રમણ સોની (વડોદરા) નો આભાર. ઉપરના લેખમાં તે સુધારી લીધું છે.
૨) મૂળ લેખમાં ’સ્વર્ગલોક સાથે સમજૂતીકરાર’ એવું લખાયું હતું. એ તરફ રજનીકુમાર પંડ્યાએ ધ્યાન દોર્યું. કરાર જેવો યવન શબ્દ ભદ્રંભદ્રના મુખેથી મૂકવાના ઘોર અપરાધ બદલ ક્ષમાપ્રાર્થી છું. ઉપરના લેખમાં MOU માટે 'પ્રથમદર્શી લાભદાયી પત્ર' (પ્રલાપ) મૂકી દીધું છે.
Labels:
humor-satire/હાસ્ય-વ્યંગ,
reservation,
ભદ્રંભદ્ર
Wednesday, September 09, 2015
ગરીબી આધારિત અનામત : વાર્તા રે વાર્તા
અનામત વિશેની ચર્ચામાં છેલ્લા ત્રણેક દાયકાથી
ઊભરતો એક મુદ્દો આર્થિક સ્થિતિ આધારિત-ગરીબી આધારિત અનામતનો છે. જ્ઞાતિવાદના
વ્યાપથી અજાણ અથવા આંખ આડા કાન કરનારા લોકોને જ્ઞાતિ તથા જ્ઞાતિઆધારિત અનામત
અપ્રસ્તુત લાગે છે. આ પ્રકારની અનામત સામે મુખ્ય બે પ્રકારના વાંધા પાડવામાં આવે
છે :
૧) દલિતો-પછાતોમાં રહેલો સમૃદ્ધ વર્ગ અનામતનો
લાભ લઇ જાય છે. એટલે ખરેખર જરૂરતમંદોને અનામતનો લાભ મળતો નથી. આર્થિક સ્થિતિ
આધારિત અનામત કરી નાખવામાં આવે, તો જેમને સૌથી વધુ જરૂર
છે એવા ગરીબોને તેનો લાભ મળી શકે.
૨) ગરીબી તો બિનદલિતો-બિનપછાતોમાં પણ છે. તો
એમને અનામતનો લાભ શા માટે નહીં? જ્ઞાતિઆધારિત અનામતને
કારણે ઉલટા જ્ઞાતિના ભેદભાવ કાયમી બને છે-વેરઝેર વધે છે.
વિશ્વમાં બીજે ક્યાંય ન હોય એવી વિશિષ્ટ અને
પેચીદી જ્ઞાતિપ્રથા ભારતમાં છે. ઊંચ-નીચની અસમાનતા વિશ્વભરમાં છે, પરંતુ
ભેદભાવ-અસમાનતાની આટલી ઝીણવટભરી વ્યવસ્થા, તેનો ધર્મમાંથી મેળવી
શકાતો આધાર અને થોડા લોકો તળે દબાયેલી બહુમતી-- એવી ગોઠવણનો જોટો જડવો મુશ્કેલ છે.
થોડા હજાર અંગ્રેજો કરોડો ભારતીયો પર રાજ કરી શક્યા, એ ‘સિદ્ધિ’નો અંગ્રેજોને
આપણે વધુ પડતો જશ આપી દઇએ છીએ. તેમના આગમનનાં સેંકડો વર્ષ પહેલાં ભારતની ઉજળિયાત
કહેવાતી મુઠ્ઠીભર જ્ઞાતિઓ લાખો ‘શુદ્રો’ પર રાજ ભોગવતી
આવી હતી. તોપ-બંદૂકની તાકાત છતાં અંગ્રેજોનું રાજ માંડ બે સદી પણ ન ચાલ્યું,
જ્યારે ઉજળિયાત કહેવાતા સમુદાયોએ માત્ર જન્મની જ્ઞાતિના આધારે ઓછામાં ઓછા એકાદ
હજાર વર્ષ સુધી રાજ ચલાવ્યું. હોદ્દા-વિશેષાધિકાર-સ્થાપિત હિતોની અનામત ભોગવી.
ગાંધીજી અને તેમના ઘણા સાથીદારોના સુખદ અપવાદને બાદ કરતાં, ઊજળિયાત કહેવાતા
વર્ગમાંથી આવતા ભારતના ઘણા મહાન નેતાઓ-સમાજસુધારકો જ્ઞાતિવાદ-જ્ઞાતિદ્વેષના મામલે
એકદમ રૂઢિચુસ્ત હતા. (એક ઉદાહરણ : લોકમાન્ય ટિળક અને તેમનું સાથીમંડળ)
આઝાદી પછી બંધારણમાં પહેલી વાર અસ્પૃશ્યતા
નાબૂદ થઇ. દલિત-આદિવાસી સમુદાયોને મુખ્ય ધારામાં સામેલ કરવા- તેમને સમાન તક આપવા
માટે તેમની વસ્તીના પ્રમાણ જેટલી અનામતની જોગવાઇ કરવામાં આવી. (ત્યાં સુધી
શિક્ષણ-નોકરી-રાજકારણમાં ઉપલી ગણાતી જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ તેમની વસ્તીના પ્રમાણ
કરતાં ઘણું વધારે હતું.) રાજકીય પ્રતિનિધિત્વમાં અનામતની સમીક્ષા દસ વર્ષ પછી
કરવાની હતી. દસ વર્ષમાં સ્થિતિ સંતોષકારક લાગે તો, રાજકીય ક્ષેત્રે
અનામત નાબૂદ કરી શકાય એમ હતી. પરંતુ એ વાત શિક્ષણ અને નોકરીની અનામતને લાગુ પડતી ન
હતી. કેમ કે, તેની
પાછળનો મુખ્ય આશય આર્થિક ઉદ્ધારનો નહીં, આર્થિક સરખાઇ થકી
સામાજિક સમાનતાની દિશામાં સમાજને દોરવાનો હતો. અનામતની જોગવાઇ કરનારાને એવી આશા
હતી કે દલિતો-આદિવાસીઓને શિક્ષણ-નોકરીમાં તકો મળતી જશે, તેમ ઊજળિયાત
કહેવાતો સમાજ તેમના પ્રત્યેની ખરાબ વર્તણૂંક સુધારશે, તેમને ‘પોતાના જેવા’
ગણતો થશે અને સમાજમાં ધીમે ધીમે એકરૂપતા આવશે.
પરંતુ સદીઓથી હાડમાં ઉતરી ગયેલો જ્ઞાતિવાદ એમ
સાઠ-સિત્તેર વર્ષમાં જાય? અનામતનો ફાયદો મેળવીને
આર્થિક રીતે બે પાંદડે થયેલા લોકો પ્રત્યે ઊજળિયાત ગણાતા સમુદાયનો દ્વેષ ઓછો થવાને
બદલે વધવા લાગ્યો (‘તમારી આટલી ધૃષ્ટતા કે અનામતના જોરે અમારી
હરોળમાં આવવાનું વિચારી શકો?’) એ દ્વેષને વાજબી ઠરાવવા
માટે મેરિટનું બહાનું શોધી કાઢવામાં આવ્યું. આ જાળમાં ભલભલા અભ્યાસીઓ પણ ફસાયા અને
કહેવા લાગ્યા,‘અનામતથી જ્ઞાતિના ભેદભાવ વધે છે.’ આ તો એવી વાત થઇ
કે ઘાયલની દવા કરવાથી તેમને ઇજા પહોંચાડનાર વર્ગ ‘દવા બહુ ગંધાય છે’
એવું બૂમરાણ મચાવે અને ‘દવા લગાડવાથી ઘાયલો
પ્રત્યે લોકોની સૂગ વધે છે’ એવું નિદાન કરનારા ‘અભ્યાસીઓ’
પણ મળી આવે.
જ્ઞાતિઆધારિત અનામતનો વિરોધ કરવા અને તેમાંથી ‘છૂટકારો’ મેળવવા માટે
જોરશોરથી આર્થિક સ્થિતિ આધારિત અનામતની હિમાયત કરવામાં આવે છે. અગાઉ સ્પષ્ટ કર્યું
તેમ, અનામતનો આશય ગરીબી નહીં, સામાજિક અસમાનતા
ઘટાડવાનો છે. છતાં, દલીલ ખાતર વિચારી જોઇએ કે જ્ઞાતિઆધારિત અનામતને
બદલે આર્થિક અનામત લાગુ પાડવામાં આવે તો શું થાય?
‘આર્થિક અનામત’ની વાત કરનારા
માને છે કે તેનાથી ગરીબોને ફાયદો થશે. પરંતુ ભારતમાં ગરીબોનું પ્રમાણ કેટલું છે,
એનો તેમને કોઇ ખ્યાલ છે ખરો? ઊજળિયાત ગણાતા લોકો ‘ગરીબ’ની વાત કરે
ત્યારે તેમના મનમાં દેશના નહીં, પોતાના સમુદાયના ગરીબોનો
ખ્યાલ હોય છે. તેમને લાગે છે કે આર્થિક અનામત આવી જાય તો ‘ઊજળિયાત ગરીબો’
(‘પીપલ લાઇક અસ’) તેનો લાભ મેળવી શકે. તેમને બિચારાને ઊજળિયાત
હોવા છતાં ગરીબીની નામોશી ભોગવવી પડે છે, તેમાંથી એ મુક્ત થાય.
બાકી, વાત ‘ઊજળિયાત ગરીબો’ને બદલે તમામ
ગરીબોની હોય તો તેમનું પ્રમાણ કેટલું મોટું થાય? સાવ કાચો અડસટ્ટો
માંડીએ તો પણ, અનામતની જોગવાઇને લાયક હોય એવી (નબળી) આર્થિક સ્થિતિ ધરાવતા
લોકોનું પ્રમાણ ભારતની કુલ વસ્તીમાં ૭૫ થી ૮૦ ટકા જેટલું હોય. કેટલાક અભ્યાસીઓએ
ગરીબી સાથે જ્ઞાતિનો ઠીક ઠીક પ્રમાણમાં સીધો સંબંધ હોવાનાં તારણ કાઢ્યાં છે. (બધી
નીચલી જ્ઞાતિવાળા ગરીબ નથી હોતા અને બધા ઉપલી જ્ઞાતિના અમીર નથી હોતા, પણ કુલ ગરીબોમાં
બહુમતી લોકો નીચલી ગણાતી જ્ઞાતિઓના હોય છે.) એ ચર્ચા અત્યારે બાજુ પર રાખીએ તો પણ,
આર્થિક અનામતના હિમાયતીઓ દેશની જરૂરિયાતમંદ ૭૫ ટકા વસ્તી માટે કેટલા ટકા બેઠકો
અનામત રાખશે?
ધારો કે વર્તમાન ધોરણ પ્રમાણે ૪૯ ટકા બેઠકો
ગરીબો માટે અનામત રાખવામાં આવે. પરંતુ ગરીબીમાં અનેક સ્તર- પેટાપ્રકાર હોવાના.
મજબૂત સંગઠનોનો-વગદાર સમાજનો ટેકો ધરાવનારા ગરીબો હોવાના અને બધી બાજુથી વંચિત એવા
ગરીબો પણ હોવાના. અમુક સમાજના ૮૦ ટકા લોકો ગરીબ હોવાના અને અમુક સમાજના ૩૦ ટકા
લોકો ગરીબ હોવાના. તેમાંથી કયા સમુદાયના ગરીબોને અનામતનો મહત્તમ ફાયદો મળશે?
દેખીતી વાત છે : જે સમુદાયો પહોંચતા-પામતા હોય
તેમના ગરીબોને આ પ્રકારની અનામતનો સૌથી વઘુ લાભ મળવાનો અને તેમની સાથેની હરીફાઇમાં
પછાત કે નીચા ગણાતા સમુદાયોના ગરીબો ટકી શકવાના નહીં. એક વર્ગના ગરીબોના માથે ફક્ત
ગરીબીનો બોજ હોય, જ્યારે બીજા વર્ગના ગરીબોના માથે ગરીબી ઉપરાંત
સામાજિક પછાતપણાનો અને દલિતોના કિસ્સામાં સામાજિક તિરસ્કારનો પ્રચંડ બોજ પણ
હોવાનો. આર્થિક અનામતના મેદાનામાં એ બધાને સાથે દોડાવીને ‘સમાન તક’ આપી, એવું કહી શકાય?
તાત્પર્ય એટલું કે હાલમાં જાદુઇ લાકડી સમી
ભાસતી ‘આર્થિક અનામત’ની વાતો મુખ્યત્વે થોડા વગદાર-વર્ચસ્વ ધરાવતા વર્ગોના
હિત સિવાય બીજા કોઇનું ભલું કરે એવી નથી. જ્ઞાતિ આધારિત અનામતની ઘણી મર્યાદાઓ છે
અને સાચી દાનત હોય તો તેમાં સુધારણાને ઘણો અવકાશ છે. પરંતુ આર્થિક અનામત કોઇ રીતે
તેનો ન્યાયી વિકલ્પ નથી.
Labels:
dalit,
obc,
reservation
Subscribe to:
Posts (Atom)




