Monday, March 11, 2013

સરસ્વતીચંદ્રઃ ક્લાસિકનું કચુંબર

ગોવર્ધનરામ ત્રિપાઠી/ Goverdhanram Tripathi

એક રમુજી વ્યાખ્યા પ્રમાણે, ‘ક્લાસિક’ એટલે એવી કૃતિ, જેના વિશે બધા જાણતા હોય, પણ ભાગ્યે જ કોઇએ વાંચી હોય. ગોવર્ધનરામ ત્રિપાઠીએ ૪ ભાગમાં અને ૧૪ વર્ષમાં (૧૮૮૯-૧૯૦૧) લખેલી ‘સરસ્વતીચંદ્ર’ (ઉપરના અર્થ સહિત) બધા અર્થમાં ગુજરાતી સાહિત્યની ‘ક્લાસિક’ કૃતિ ગણાય છે. ગુણ પ્રમાણે નામ ધરાવતાં પાત્રો (ભણવાનો બહુ મહિમા ન હતો એ જમાનામાં હીરો ભણેલોગણેલો હોવાને કારણે તેનું નામ ‘સરસ્વતી’ચંદ્ર છે), કથાનું વિશાળ ફલક, ઊંડું જીવનદર્શન, સામાજિક વિષમતા દૂર કરીને ‘કલ્યાણગ્રામ’ (આદર્શ સમાજ) સ્થાપવાનું લેખકનું સ્વપ્ન- અને હા, પ્રેમકથા... આવાં અનેક તત્ત્વોને કારણે ‘સરસ્વતીચંદ્ર’ ગુજરાતી નવલકથાઓમાં સીમાચિહ્નરૂપ ગણાય છે. તેના કર્તા ગોવર્ધનરામ ત્રિપાઠીએ ગુજરાતી ઉપરાંત અંગ્રેજીમાં ઘણા લેખ લખ્યા હોવા છતાં, તેમની મુખ્ય ઓળખ ‘સરસ્વતીચંદ્ર’ના લેખક તરીકેની રહી છે.

-અને એક ભાઇ છેઃ સંજય લીલા ભણસાળી. એ ફિલ્મો બનાવે છે અને વખતોવખત ‘ક્લાસિક’ કથાઓનું બેરહમ ભવ્યતાથી કચુંબર કરે છે. અગાઉ એ શરતચંદ્ર ચેટરજીની વિખ્યાત કૃતિ ‘દેવદાસ’ પરથી ફિલ્મ બનાવીને તેના હાલહવાલ કરી ચૂક્યા છે. હવે તેમણે ગોવર્ધનરામ ત્રિપાઠીની ‘સરસ્વતીચંદ્ર’ પરથી ટીવી સિરીયલ શરૂ કરી છે. ‘દેવદાસ’ હોય કે ‘સરસ્વતીચંદ્ર’, પહેલી નજરે એવું લાગે જાણે સંજયભાઇએ આ  ચીજો આર્કિટેક્ચરની કોઇ ચેનલ માટે બનાવી હશે. વાર્તાના કેન્દ્રને ખસેડી નાખે એટલી હદની ખલેલ પાડતી ભવ્યતા સંજયભાઇની લાક્ષણિકતા છે. ઘણાને-કદાચ તેમને પણ- એ તેમની સિદ્ધિ લાગતી હશે.

સંજયભાઇના મનમાં ‘દેવદાસ’ કે ‘સરસ્વતીચંદ્ર’ જેવી ક્લાસિક કૃતિઓનું નવસંસ્કરણ કરીને તેમને વર્તમાન પ્રેક્ષકો સુધી પહોંચાડવાનો ખ્યાલ હશે. વિચાર પવિત્ર કહેવાય, પણ એનો અમલ અરેરાટી ઉપજાવનારો હોય છે. જેમ કે, ‘દેવદાસ’ની મૂળ કથામાં હીરોઇન પારો અને કોઠાવાળી ચંદ્રમુખી કદી મળતાં જ નથી. એ આખી વાર્તાની અનેક વિશિષ્ટતાઓમાંની એક છે. અગાઉ આ જ કથા પરથી ફિલ્મ બનાવનારા પી.સી.બરુઆ અને બિમલ રોય કથાને વફાદાર રહેવાના આગ્રહને કારણે પારો-ચંદ્રમુખીને ભેગાં કરવાની લાલચ ટાળી શક્યા હતા, પણ સંજયભાઇ કોનું નામ? તેમણે તો પારો-ચંદ્રમુખી (ઐશ્વર્યા-માઘુરી)ને ભેગાં કર્યાં તો કર્યાં, સાથે નચાવ્યાં પણ ખરાં. આવી મથરાવટી ધરાવતા ભાઇના હાથમાં ગુજરાતી સાહિત્યની સૌથી પ્રશિષ્ટ અને પ્રતિષ્ઠિત કૃતિઓમાંની એક ‘સરસ્વતીચંદ્ર’ પડે, એટલે ચિંતા થવી સ્વાભાવિક છે.
’સરસ્વતીચંદ્ર’ ફિલ્મમાં મનીષ-નૂતનઃ Manish-Nutan in Saraswaichandra
એવું નથી કે ‘સરસ્વતીચંદ્ર’ પરથી પહેલી વાર દૃશ્ય માઘ્યમમાં કશું બની રહ્યું હોય. ગોવિંદ સરૈયાએ તેની પરથી બનાવેલી, નૂતન અને મનીષની મુખ્ય ભૂમિકા ધરાવતી હિંદી ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર’ બહુ જાણીતી છે. ફિલ્મની ઠીક ઠીક ટીકા થયા પછી ગોવિંદ સરૈયાએ આ જ વિષય પરથી ગુજરાતીમાં નાટક બનાવ્યું હતું, જે ફિલ્મ કરતાં સારું હોવાનું જાણકારો માને છે. થોડાં વર્ષ પહેલાં સલિલ મહેતાએ ‘સરસ્વતીચંદ્ર’ પરથી ગુજરાતી ટીવી શ્રેણી બનાવી હતી, જેમાં દિલીપ ધોળકિયાનું સંગીત હતું. અગાઉ રસકવિ રધુનાથ બ્રહ્મભટ્ટ, વિનોદ અઘ્વર્યુ, હરવિલાસ મહેતા, કમલેશ મોતા જેવા કેટલાક નાટ્યકારો-લેખકોએ ‘સરસ્વતીચંદ્ર’નાં નાટ્યરૂપાંતર ઓછીવત્તી સફળતા સાથે કર્યાં, પરંતુ તેમનું દર્શકવૃંદ મર્યાદિત હતું. સંજય ભણસાળી ‘સરસ્વતીચંદ્ર’ને હાથમાં લે અને તેની પરથી હિંદી સિરીયલ બનાવીને દેશવિદેશના લોકો સમક્ષ તેને- એક ઉત્તમ ગુજરાતી કૃતિને- રજૂ કરતા હોય, ત્યારે વધારાની ચિંતા થવી વાજબી છે.

‘સરસ્વતીચંદ્ર’ પરથી નાટક બનાવવાના પ્રયાસ ગોવર્ધનરામ (૧૮૫૫-૧૯૦૭)ની હયાતીમાં શરૂ થઇ ચૂક્યા હતા. કાંતિલાલ પંડ્યાએ ૧૯૧૦માં લખેલા ગોવર્ધનરામના ચરિત્રમાં નોંઘ્યું છે કે ‘મુંબઇ ગુજરાતી નાટક કંપની’ના માલિક તથા મેનેજરે ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાની લોકપ્રિયતા જોઇને ખુદ ગોવર્ધનરામને તેના પરથી નાટક લખી આપવા કહ્યું હતું.

કાંતિલાલે લખ્યું છે, ‘ચાર મ્હોટા ભાગવાળા આ ગંભીર ગ્રન્થને એક ચાર કલાકના નાટકના રૂપમાં સારી રીતિએ મૂકવા એ ગોવર્ધનરામને તદ્દન અશક્ય લાગતું. પણ જ્યારે આ માગણી કંઇક આગ્રહથી કરવામાં આવી ત્યારે ગોવર્ધનરામે સરસ્વતીચન્દ્ર સંબન્ધી, પરંતુ પોતાના ગ્રન્થથી જુદા પ્લૉટવાળું એક નાટક લખવાનો વિચાર કર્યો. સરસ્વતીચન્દ્ર, કુમુદસુન્દરી તથા કુસુમસુંદરીનું જીવન પછીથી કેવા પ્રકારનું હતું એ વિષે એમને કેટલાક તરફથી પુછવામાં આવ્યું હતું. એનો ખુલાસો કરવો તથા ત્હેની સાથે કલ્યાણગ્રામની પોતાની યોજના દાખલા સહિત સમજાવવી એ હેતુથી ‘ક્ષેમરાજ અને સાઘ્વી’ એ નામનું એક નાટક રચ્યું. મુંબાઇના ક્ષેમરાજ નામના એક શેઠીઆને સોનેરી ટોળીવાળા કેવી રીતે ઠગી લે છે, એની પત્ની સાઘ્વીને કેવી રીતે દુઃખી કરે છે અને આ સર્વ ઠગાઇમાંથી સરસ્વતીચન્દ્ર, કુમુદ અને કુસુમ, કલ્યાણગ્રામની યોજના દ્વારા કેવી રીતે આ દમ્પતીને બચાવી સુખી કરે છે- એ મુખ્ય વાત છે. આ નાટક ‘મુંબઇની પ્રજાના મનનું રંજન નહીં કરે’ એમ કરીને તે નાટક ‘ગુજરાતી નાટક કંપની’વાળા તરફથી પાછું ફર્યું.’ (જોડણી અસલ પ્રમાણે)

ગોવર્ધનરામના અવસાન પછી ૧૯૧૨માં નીતિદર્શક નાટક મંડળીએ સુરતમાં સ્ટેશનની સામે આવેલી લોટાવાળાની ચાલીમાં આ નાટક ભજવ્યું. તે મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામના છોટાલાલ શર્માએ લખ્યું હતું. ઉપલબ્ધ નોંધ પ્રમાણે આ નાટક અત્યંત સફળ નીવડ્યું અને એવું કહેવાતું કે આ નાટક જોવા માટે મુંબઇથી સુરત સ્પેશ્યલ ટ્રેનો દોડતી હતી. (જોકે, તેમાં અતિશયોક્તિ હોવાનો પૂરો સંભવ છે.)

ઓક્ટોબર, ૧૯૧૨માં આ નાટક સુરતથી મુંબઇ આવ્યું અને ભાંગવાડીના થિએટરમાં તેના શોની જાહેરાત થઇ. સુરતમાં ‘સરસ્વતીચંદ્ર’ના નાટકની ભવ્ય સફળતા વિશે મુંબઇના લોકો જાણતા હતા. એટલે નાટકની ટિકિટોના બુકિંગ માટે લાંબી લાઇનો લાગી. પરંતુ પહેલા દિવસે શો શરૂ થાય એ પહેલાં જ ગોવર્ધનરામના વારસદારોએ અદાલતમાં જઇને નાટકની રજૂઆત સામે મનાઇહુકમ મેળવ્યો. તેમાં મૂળ લેખકના હકનું રક્ષણ કરવાની વાત તો હતી જ, પણ વધારે અગત્યનો- સંજય ભણસાળીની સિરીયલ જોતાં ખાસ યાદ આવે એવો મુદ્દો હતોઃ ‘નાટકમાં કશી વિકૃતિ થાય નહીં ને મૂળનું ગૌરવ સાદ્યંત જળવાઇ રહે.’

એ દૃષ્ટિએ વિચારતાં સંજય ભણસાળીનું ‘સરસ્વતીચંદ્ર’ ગોવર્ધનરામના ‘સરસ્વતીચંદ્ર’ની મહાવિકૃત આવૃત્તિ જ લાગે છે, જેમાં સરસ્વતીચંદ્ર દુબઇ રહે છે અને સિરીયલની ટેગલાઇન છેઃ ‘મુકમ્મલ મોહબ્બતકી અઘૂરી દાસ્તાન.’
સંજય ભણસાળીની ’સરસ્વતીચંદ્ર’ / Sanjay Bhansali's Saraswatichandra
ગોવર્ધનરામ ત્રિપાઠીની ‘સરસ્વતીચંદ્ર’ મૂળભૂત રીતે પ્રેમકથા નથી. તેમાં રજૂ થયેલું દર્શન અને દેશમાંથી સામાજિક વિષમતા દૂર કરીને કલ્યાણગ્રામ સ્થાપવાની યોજના કથાનાં સૌથી અગત્યનાં બિંદુઓ છે, પરંતુ દુબઇમાં રહેતા સરસ્વતીચંદ્રને કલ્યાણગ્રામ સાથે શી લેવાદેવા હોવાની?

સંજય ભણસાળીએ આ શ્રેણીના બે હજાર હપ્તા થાય એવી મહત્ત્વાકાંક્ષા વ્યક્ત કરી છે. ‘દરેક કથાનું જમાને જમાને જુદું અર્થઘટન અને સમયને અનુરૂપ રજૂઆત થતાં રહે, એમાં ખોટું શું છે?’ એવી દલીલ થઇ શકે છે, પરંતુ ભવ્યતામાં જ ભગવાન માનતા સંજય ભણસાળી જેવા દિગ્દર્શકો કૃતિનું મૂળ હાર્દ હણી નાખે અને તેને પરચૂરણ પ્રેમકથા તરીકે રજૂ કરે, ત્યારે ચોક્કસ એવો વિચાર આવે કે એક ક્લાસિક કૃતિના હાર્દની  કતલ કરવાનો ગુનો કાયદાની અદાલતમાં ગુનો ગણાય કે એ ‘ક્રીએટીવ લીબર્ટી’માં ખપી જાય?

‘સરસ્વતીચંદ્ર’ના ૧૯૧૨માં થયેલા નાટ્યરૂપાંતર વખતે  ‘મૂળમાં કશી વિકૃતિ થાય નહીં, તેનું ગૌરવ સાદ્યંત જળવાઇ રહે’ એ તકરારમાં ગોવર્ધનરામ ત્રિપાઠીના પરમ મિત્ર અને દેશના નામાંકિત ગુજરાતી રસાયણશાસ્ત્રી પ્રો.ત્રિભુવનદાસ ગજ્જરને વચ્ચે રાખીને સમાધાન કરવામાં આવ્યું હતું. એક સાહિત્યકાર-ચિંતક ગોવર્ધનરામ અને એક રસાયણશાસ્ત્રી પ્રો.ગજ્જરની ગાઢ મૈત્રી જુદા લેખનો વિષય છે, પણ અત્યારે એટલું જાણી લઇએ કે નડિયાદના સાક્ષરરત્ન ગોવર્ધનરામે છેલ્લા શ્વાસ મુંબઇમાં પ્રો.ગજ્જરના બંગલે લીધા હતા.

હવે લવાદ તરીકે નીમી શકાય એવા પ્રો.ગજ્જર તો નથી જ, પણ ગુજરાતી સાહિત્યની એક પ્રશિષ્ટ કૃતિના ભવ્ય પરચૂરણીકરણ સામે જેમને વાંધો પડે એવા ગોવર્ધનરામના- ‘સરસ્વતીચંદ્ર’ના ‘સાંસ્કૃતિક વારસદારો’ કેટલા છે, એ પણ મોટો સવાલ છે.

Thursday, March 07, 2013

૯૦૦મી પોસ્ટઃ મિત્રની સિદ્ધિની મજબૂત ઉજવણી

બ્લોગ લખવાનું શરૂ કર્યું, ત્યારે ૯૦૦ના આંકડા સુધી પહોંચાશે કે નહીં, એવું કશું વિચાર્યું ન હતું. લખવાનું એટલે લખવાનું. મન થાય એટલે લખવાનું. મઝા આવે ત્યારે લખવાનું. ખીજ ચડે તો લખવાનું ને ક્યારેક કંઇ ન સૂઝે તો પણ...લખવાનું જ. આ પ્રકૃતિને કારણે પેપર માટે લખાતા લેખ ઉપરાંત ખાસ બ્લોગ માટે પણ સારી એવી સંખ્યામાં નાના-મોટા લેખ કે નોંધો લખાયાં. પરંતુ ગુજરાત સમાચારમાં અઠવાડિયામાં ત્રણ કોલમ લખવાની ન હોત તો ૯૦૦નો આંકડો હજુ બહુ દૂર હોત. બ્લોગયાત્રામાં મિત્રભાવે-શત્રુભાવે કે અલિપ્તભાવે સામેલ સૌને વાચન –અને તેમનાં આનંદ-દુઃખ કે બળતરાઓ મુબારક. અહીં તો અભિયાનના ભૂતપૂર્વ આર્ટ ડાયરેક્ટર-મિત્ર મનસુખ ઘાડિયાનું અમર વાક્ય ટાંકીને (હળવાશપૂર્વક) આટલું જ કહેવાનુ, જે છે તે આ જ છે.
*** 
૯૦૦મી પોસ્ટની આસપાસ જ પરમ મિત્ર બિનીત મોદીના ૧૦૧મા રક્તદાનનો પ્રસંગ આવ્યો. એટલે ૯૦૦મી પોસ્ટ માટે શું કરવું, એ વિચારવાનું ન હતું. બીજી એક મોટી જાહેરાત કરવાની હતી, પણ તે અઠવાડિયું પાછી ઠેલી છે. માટે આ પોસ્ટ બિનીતને અને અમારી આખી મિત્રમંડળીને સમર્પિત છે.

અમે ઘણી વાર રમૂજમાં કહીએ છીએઃ દુનિયાની વસ્તીને બે ભાગમાં વહેંચી શકાય.૧) બિનીતને ઓળખતા અને ૨) બાકીના.  અતિશયોક્તિ જવા દઇએ તો પણ બિનીત મોદી એક વિશિષ્ટ વ્યક્તિ છે. તેની વાત કરવી હોય તો ચાલીસા ટૂંકા પડે. બે દાયકાથી પણ વધારે જૂની અમારી (બીરેનની-મારી અને બિનીતની) દોસ્તી અસંખ્ય પત્રો, સેંકડો ફોન, અઢળક ગપ્પાંગોષ્ઠિ અને સુખદુઃખના અનેક પ્રસંગોમાંથી પાર ઉતરીને- બલ્કે, દરેક વખતે વધુ મજબૂત બનીને આગળ વધી છે. એ વર્તુળમાં ઉમેરાયેલા બીજા અનેક મિત્રો પણ બિનીત માટે એવો જ પ્રેમભાવ સેવે છે, એ પણ એટલા જ આનંદની વાત છે. એવો એક વિશિષ્ટ મિત્ર છે વેદ ચતુર્વેદી ઉર્ફે દાઢી ઉર્ફે પ્રણવ ઉર્ફે પ્રણવકુમાર ઉપેન્દ્રરાય અધ્યારુ.
carricature: Ashok Adepal/અશોક અદેપાલ

બિનીતના ૧૦૧મા રક્તદાનની ઉજવણી નિમિત્તે પ્રણવ કન્યાના પિતાની ભૂમિકામાં છે. કાર્ડની લેખનસામગ્રીના આઇડીયાથી માંડીને કાર્ડની ડિઝાઇન અને આખા કાર્યક્રમના આયોજનને લગતી મોટામાં મોટી બાબતોથી ઝીણામાં ઝીણી બાબતો પ્રણવના સદા ફળદ્રુપ દિમાગની પેદાશ છે. ફેસબુક પર આતંક મચાવતું બિનીત એટ ૧૦૧નું વિડીયો કેમ્પેઇન સૌએ કર્યું છે પોતાની રીતે, પણ એ આઇડીયા મૂળ પ્રણવનો. કેટલાક પરદેશવાસી મિત્રોને તો પ્રણવે ફોન કરીને વિડીયો માટે ઉશ્કેર્યા હતા. કન્સેપ્ટથી અમલીકરણ સુધીની બાબતોમાં કઠોર પરિશ્રમનો અને પ્રણવનો કોઇ વિકલ્પ નથી. છેલ્લા ઘણા સમયથી મિત્રો કેતન રૂપેરા અને કિરણ કાપુરે પ્રણવની સાથે છે.

પ્રણવની ઉશ્કેરણીથી- ચડવણીથી કે હકારાત્મક શબ્દ વાપરીએ તો પ્રેરણાથી, એણે અને મેં લોહી ન આપવાનાં ૧૦૦ બહાનાંની એક યાદી તૈયાર કરી. તે નિમંત્રણપત્રિકામાં તો છાપી જ છે, પણ તેનું મૂલ્ય એક સરસ હાસ્યલેખ જેવું ચિરંતન લાગવાથી, એ અહીં પણ મૂકું છું.

સામાજિક કારણો
(૧) યાર, એક બેસણામાં જવું પડે એવું હતું. (૨) મારી સાળીના દીકરીના દીકરાની બાબરી હતી. (૩) યાર, તારી ભાભી જ બધું જ લોહી પી જાય છે. (૪) અમારા વેવાઈ બીમાર છે, એમને કદાચ જરૂર પડે અને એ વખતે આપણે કહીએ કે હમણાં જ આપ્યું છે તો એમને લાગે કે આપણે બહાનાં કાઢીએ છીએ, એટલે હમણાં રહેવા દે ને, પછી કૈંક ગોઠવીશું. (૫) યાર આ બધી કંકોતરીઓનાં ઢગલામાં તારું કાર્ડ ક્યાં ખોવાઈ ગયું એ જ ખબર ન પડી. (૬) તે મારા પિતરાઈને પણ બોલાવ્યો છે ને રક્તદાન માટે? એ આવશે તો મારે યાર બબાલ થશે. (૭) અમારી જ્ઞાતિમાં જરૂરિયાતમંદોને નોટબુકોનું વિતરણ કરવા જવાનું છે અને વિદ્યાદાન રક્તદાન જેવું જ મોટું દાન ગણાય. (૮) એ જ દિવસે તારા ભાભીના પિયરે પ્રસંગ છે. (૯) યાર આ લોકો વરઘોડા લઈને નીકળી પડે છે તેમાં અટવાઈ ગ્યો. (૧૦) ઘરવાળા ના પાડે છે યાર. (૧૧) પેલો લપિયો આવીને બેઠો’તો, છોડે જ નહીં યાર. (૧૨) સૉરી યાર, હું બ્લડ રીલેશન હોય તો જ રક્તદાન કરું છું.

આર્થિક કારણો
(૧) એમાં આપણને શું મળે... હેં? (૨) માંદાને લોહી આપવા તો સૌ દોડે...પૈસા આપવા કોઈ જતું નથી, એટલે આપણે લોહી આપવા નથી દોડતા...પૈસા જોઈએ તો કહેજોને યાર. (૩) આ લોકો સાલા, આપણી પાસેથી મફતમાં લે અને પછી એક એક બાટલના હજાર-દોઢ હજાર બી ઠોકી લે છે. (૪) પગાર વધે ને શેર-બશેર લોહી ચડે તો અડધો શેર આપીએ. (૫) યાર, લોહી આપવા જવામાંય બસોનું પેટ્રોલ બળે એટલે આપીએ એટલું જ લોહી વધારાનું બળી જાય છે! (૬) રજાના દિવસે તો કોઈ લાખ રૂપિયા આપે તો બી આપણે સાડા અગિયાર સિવાય પથારીમાંથી બહાર પગ મૂકતા નથી. (૭) છ રૂપિયાની ચા અને તઇણ રૂપરડીના પારલે-જી માટે કોણ આટલું લાંબુ થાય? (૮) દુબઈમાં તો બ્લડ આપીએ તો ૫૦૦૦ રૂપિયા આપે છે!

માનસિક કારણો
(૧) મને તો ત્યાંનું વાતાવરણ જોઈને જ કૈંક થઈ જાય છે.(૨) બ્લડ આપે કોઈ મહાન બન્યું છે?! 
(૩) બધા આપે એટલે આપવું જરૂરી થોડું છે? (૪) સારી પ્રવૃત્તિ છે પણ મને બહુ અપીલ નથી કરતી.

શારીરિક કારણો
(૧) મને જોઈને એ લોકો કહેશે કે આમને જ લોહી ચડાવી દો. (૨) હમણાં સીઝન એવી છે ને કે લોહી ઘટે તો માંદા પડી જવાય. (૩) મારું હિમોગ્લોબિન ઓછું છે યાર.(૪) હમણાં મારા દાંતની ટ્રીટમેન્ટ ચાલે છે. (૫) મને પારલે-જી ભાવતાં નથી ને ચા-કૉફી હું પીતો નથી. પછી શરીરમાં શક્તિ કેવી રીતે આવે? (૬) હમણાં જિમમાં જવાનું શરૂ કર્યું છે, થોડું બોડી બને પછી આપું. (૭) મારું વજન ૫૦ કિલોથી ઓછું છે. (૮) હમણાં યાર ઉંઘ પૂરી નથી થતી, પછી અશક્તિ આવી જાય છે. (૯) હમણાં છે ને યાર, આ ભાગદોડમાં ખાવાનાં ઠેકાણાં નથી પડતાં, એમાં ક્યાં લોહી આપવું ! (૧૦) હું યાર છે ને, હમણાં હાફ સ્લીવના જ શર્ટ પહેરું છું, બધા પુછ પુછ કરે છેઃ શું થયું, શું થયું?

યાંત્રિક કારણો
(૧) ગાડીનો સેલ જ ના વાગ્યો એમાં મૂડ આpફ થઈ ગ્યો. (૨) અડધે આયો અને ક્લચ વાયર તૂટી ગ્યો. (૩) ફ્લેટની મોટર બગડી છે એટલે ટેન્કર આવે એ પછી ન્હાતા-ન્હાતા જ બપોર થઈ જાય છે. 
(૪) એડ્રેસમાં અટવાયો ને તને રસ્તો પૂછવા ફોન કર્યો પણ ટાવર જ ના પકડાયો. (૫) સવાર સવારમાં લાઇટો ગઈ એમાં બધું અટવાઈ ગયું. (૬) લિફ્ટમાં ફસાઈ ગયો’તો યાર.

બૅન્કિંગ-સંબંધિત કારણો
(૧) બ્લડ બૅન્ક? એટલે શું? મને તો સ્ટેટ બૅન્ક વિશે ખબર છે. અમારું આખું ફેમિલી સ્ટેટ બૅન્કમાં છે. (૨) અત્યારે તો લોહી આપી દઈએ, પણ પછી બ્લડ બૅન્ક કાચી પડે તો?...આપણું લોહી તો ડૂબી જ જાય ને? (૩) બ્લડ બૅન્કો લોહીનાં એટીએમ ચાલુ કરે તો હું વિચારું. (૪) મારી પાસે લોહીની ’લિક્વિડિટી’ નથી. ચેક ચાલશે? 

વૈજ્ઞાનિક કારણો
(૧) મેં ગઈ વખતે લોહી આપ્યું ત્યારે ઇન્ફેક્શન થઈ ગયું હતું-સામેવાળાને. (૨) સાંભળ્યું છે કે ચીનવાળા પ્રયોગશાળામાં લોહી બનાવે છે. આપણે રક્તદાન શિબિરો કરવાને બદલે રિસર્ચમાં ધ્યાન આપવું જોઈએ. (૩) હવે પછીનું બ્લડ ડોનેશન સ્પેસ સ્ટેશનમાં કરવાનું મેં નક્કી કર્યું છે. (૪) લોહી અમુક સમય સુધી ના વપરાય તો ફેંકી દેવું પડે છે, એટલે ખાલી-ખાલી નહીં આપવાનું. (૫)  આ લોકો બ્લડ ચડાવતી વખતે બરોબર ચpક ના કરે તો પેશન્ટ ઉકલી પણ જાય, એના કરતાં આપવું જ નહીં. (૬)આ લોકો તો કહે, પણ એવું કંઈ ૨૪ કલાકમાં લોહી બની નથી જતું.

ધાર્મિક કારણો
(૧) હું યાર... શનિવાર ને સોમવાર, બેય કરું છું. (૨) હમણાં અમારે સૂતક ચાલે છે. (૩)અમારામાં આનો બાધ છે. (૪) એકવાર સારો દિવસ જોઈને આપી જ દેવું છે (૫)સૉરી દોસ્ત, હું કોઈ પણ પ્રકારનું દાન લેતો નથી ને કોઈ પણ પ્રકારનું દાન આપતો નથી.

મેડિકલ કારણો
(૧) મને સોયની બહુ બીક લાગે છે. બાકી, સોય નાખ્યા વગર લોહી તમતમારે જોઈએ એટલું લઈ જાવ. (૨) લોહી આપ્યા પછી ’સ્પિરિટ’ લગાડવાના બદલે ટટકાડવાનો હોય તો વિચારું. (૩) મને સોયની નહીં, સિસ્ટરની બીક લાગે છે. (૪) તમતમારે અડધી રાતેય બ્લડની જરૂર હોય તો કહેજોને. આપણો એક ભાઈબંધ બ્લડ બૅન્કમાં જ કામકરે છે. જોઈએ એટલું બ્લડ અપાઈ દઈશું. (૫) જો આપણું લોહી તો છે ને યાર જલ્દી તપી જાય છે, બીજાને ક્યાં આપણા જેવો બનાવવો? (૬) આ લોકોની સોય-બોયના ઠેકાણાં ન હોય, ધંધે લાગી જઈએ ક્યાંક! (૭) આવા કૅમ્પોમાં તો બધા શિખાઉ જ આવતા હોય છે, એકની જગ્યાએ ચાર-પાંચ કાણા પાડી દે!

સાહિત્યિક કારણો
(૧) આ લખવામાં જ એટલું તેલ પડી જાય છે કે લોહી આપવા જેવા રહેતા જ નથી. (૨) બાપુ હાજર હોય તો જ હું લોહી આપું ને બાપુને હમણાં ટાઈમ નથી. (૩) હું સંપાદનનો માણસ છું. લોહીનું કે લોહીના સંબંધોનું સંપાદન કરવાનું હોય તો કહેજો. (૪) જે શિબિરમાં ઓછામાં ઓછું ૧,૨૫૦ બાpટલ લોહી એકઠું થાય એવી શિબિરમાં જ હું રક્તદાન કરું છું.

રાજકીય કારણો
(૧) સાહેબની રક્તતુલા કરવાની હોય ત્યારે કહેજો. તો આપણા લોહીનું વજન પડે. (૨) લોહી તો હમણાં આપી દઉં, પણ મારું ગ્રૂપ તમને નહીં ચાલે. હું અસંતુષ્ટ ગ્રૂપનો છું. (૩) મેં તો ભઈ, લોકપાલ ખરડો પસાર ના થાય ત્યાં સુધી રક્તદાન નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી છે. (૪) બે... એ લોકો આપણું લોહી લઈને હુલ્લડીયાઓને ચડાવે છે.

વિકાસ-સંબંધિત કારણો
(૧) મારા ઘર પાસે બીઆરટીએસનું બસ સ્ટેન્ડ કે ફ્લાય ઓવર થાય પછી લોહી આપીશ. (૨) અમદાવાદ-ગાંધીનગર મેટ્રો શરૂ થશે તો પહેલા દિવસે એના કોચમાં હું રક્તદાન કરીશ. (૩) રસ્તા પર ટ્રાફિક જ એટલો હોય છે કે રક્તદાન માટે બહાર નીકળીને હું ટ્રાફિકને વધુ ગીચ બનાવવા માગતો નથી. (૪) આપણે તો અતિથિ દેવો ભવઃમાં માનવાવાળા એટલે હું તો વાયબ્રન્ટ ગુજરાતના બે દિવસ પહેલાં જ રક્તદાન કરું છું, કોઈ ફોરેનરને અચાનક જરૂર પડે તો કામ લાગે.

રેશનાલિસ્ટ કારણો
(૧) લોકો કહે છે કે લોહી આપવાથી પુણ્ય મળે, પણ હું પાપ-પુણ્યમાં માનતો નથી.(૨) ચમત્કારોમાં મેં પ્રાણીઓનું લોહી વપરાતું જોયું, ત્યારથી મેં નક્કી કર્યું કે લોહી આપવું નહીં. આપણા લોહીનો શો ઉપયોગ થાય કોને ખબર?! (૩) લોહી આપવાથી અંધશ્રદ્ધા વધે છે કારણ કે એ બચી જાય તો આપણામાં પણ તે ઇશ્વરનાં દર્શન કરવા લાગે છે અને આપણે રહ્યા રેશનાલિસ્ટ. (૪) મારા લોહીથી કોઈનું જીવન બચે - એવા વહેમમાં હું માનતો નથી. (૫) મેં જોયું છે કે મોટા ભાગે આસ્તિકો જ લોહી આપે છે, પણ હું એ બધાથી જુદો છું.

ઇગોઇસ્ટિક કારણો
(૧) મારા બોસે કેમ્પ રાખ્યો’તો ને તો પણ હું ન્હોતો ગયો. (૨) બીજું કંઈ કામ હોય તો બોલ. (૩) આપણે છે ને યાર મતદાનેય નથી કરતા, એમાં રક્તદાન ક્યાં કરીએ. (૪) તું મને શરમમાં નહીં નાખ યાર, પણ આ વખતે નહીં થાય. (૫) જવા દે ને યાર, આપણું લોહી ચડશે એ નકામો લથડિયાં ખાવા માંડશે (૬) પહેલાં ખાસ્સું આપતો’તો.... (૭) હવે એટલા બધા લોકો આપે છે ને... કે કોઈને આપણા લોહીની કદર જ નથી.

શૈક્ષણિક કારણો
(૧) મારા બદલે રક્તદાન-સહાયક મોકલું તો ચાલશે? (૨) ટીએ-ડીએ ન મળવાનું હોય, પછી કેવી રીતે ફાવે? (૩) હું ચોક્કસ આવત, પણ આ વર્ષની બધી સીએલ ખલાસ થઈ ગઈ છે. (૪) યુજીસીના માર્કિંગમાં ગણાવાનું ન હોય, પછી લોહી આપવાનો શો મતલબ? (૫) એક અધ્યાપક મિત્ર કહેતા હતા કે ફક્ત પીએચ.ડી. થયેલાથી  જ લોહી અપાય. (૬) હું તો દર વરસે અમારા વિદ્યાર્થીઓને રક્તદાન વિષે એટલું સરસ સમજાવું છું કે વર્ગ દીઠ ૪૫ જેટલા રક્તદાતાઓ તૈયાર થઈ જાય છે. રક્તદાન કરવાવાળો મહાન છે પરંતુ કરાવવાવાળો તો એથી પણ મોટો કહેવાયને? ખરું કે નહીં?

અન્ય કારણો
(૧) આજે મેચ છે. (૨) એક વાર આપોને યાર પછી આ લોકો વારેઘડીએ ફોન કરે છે. (૩) બે... તારે મને મહિના પહેલાં કહેવું જોઈએ ને, હમણાં મહિના પહેલાં જ આપ્યું. (૪) આ લોકો લે છે, પણ આપણે જોઈએ ત્યારે આલતા નથી. (૫) નેક્સ્ટ ટાઇમ, ચોક્કસ. (૬) પછી તું ફેસબુક ઉપર ફોટો મુકે છે... ને પછી લોકો ઉડાવે છે યાર. (૭) પછી આખા દિવસનું શિડ્યુલ ખોરવાઈ જાય છે. (૮) એ ભઈ સુભાષ...આપણે કંઈ આઝાદી નથી જોઈતી.
***

ત્યાર પછી વારો આવે છે Binit At 101 કેમ્પેઇનનો.  તેની જુદી જુદી વિડીયો ફેસબુક પર શોધવાને બદલે એકસાથે મળી જાય અને ફેસબુક પર ન હોય એવા મિત્રો પણ તેની વિશિષ્ટ મસ્તીનો આનંદ માણી શકે, એ માટે અહીં ઝાઝા વર્ણન વિના, તે મૂકી છે. ફક્ત પ્રાણલાલ પટેલની વિડીયોની સાથે તેનું શબ્દાંકન મૂક્યું છે, જેથી ૧૦૪ વર્ષના પ્રાણલાલ પટેલના ઉચ્ચારમાં કદાચ કશું ન સંભળાય તો પણ દાદા શું કહેવા માગે છે તે સમજી શકાય. આ વિડીયો-યજ્ઞમાં ભાગ લેનારા સૌ મિત્રોએ પોતાનું ગણીને જ રેકોર્ડિંગ કર્યું છે. એટલે કોઇએ બીજાનો આભાર માનવાને બદલે, સૌએ એકબીજાની અને બાકીનાએ અમારી- (અને અમારા જેવાં નંગ મિત્રો તરીકે મેળવવા બદલ પોતપોતાનીઃ-)) પીઠ થાબડવાની રહે છે.
1. પ્રણવ અધ્યારુ / Pranav Adhyaru


2. ઉર્વીશ કોઠારી / Urvish Kothari

3. બીરેન કોઠારી/ Biren Kothari

4. શચિ-ઇશાન કોઠારી / Shachi-Isham Kothari

5. આશિષ કક્કડ/ Ashish Kakkad

6. સલિલ દલાલ / Salil Dalal

7. અંગીરસ- દુર્વા અધ્યારુ / Angiras- Durva Adhyaru

8. દીપક સોલિયા / Dipak Soliya


9. પરૂન શર્મા/ Parun Sharma

10. પડદા પાછળના લોહીઉકાળાનું સ્ટિંગ ઓપરેશન (પ્રણવ-કેતન-કિરણ)
Pranav-Ketan-Kiran Sting Operation

11, વિશાલ પાટડિયા / Vishal Patadiya

12. ઋતુલ જોષી / Rutul Joshi

13. કામિની કોઠારી / Kamini Kothari


14.ધૈવત ત્રિવેદી / Dhaivat Trivedi


15. અભિષેક શાહ / Abhishek Shah

16. કાર્તિકેય ભટ્ટ / Kartikey Bhatt


17. વરદાન-પૂર્વી ગજ્જર
(વિડીયો લિન્ક)

18. મયુરિકા

(વિડીયો લિન્ક)

19. મેઘા જોષી

(વિડીયો લિન્ક)

20. શિવાની દેસાઇ

(વિડીયો લિન્ક)

21. રેવંત પટેલ / Revant Patel

22. પાંચ મહિનાની ઋજુલ રૂપેરા... / Hrujul Rupera


23 ...અને ૧૦૪ વર્ષના પ્રાણલાલ પટેલ / Pranlal Patel

(પ્રાણલાલદાદાની વિડીયોનું શબ્દાંકનઃ 'મને 104 વર્ષ થયાં. હજુ કોઇને લોહી આપ્યું નથી. કોઇનું લોહી લીધું પણ નથી- પીધું પણ નથી. પણ આ બિનીતભાઇએ એમના તંત્રીઓનું એટલું લોહી પીધું છે કે 100 વાર લોહી આપ્યા પછી પણ હિસાબ સરભર થયો નથી. એટલે આ રવિવારે 101મી વાર એ લોહી આપવાના છે.

મને બહુ મન થાય છે, પણ 104 વર્ષે ડોક્ટર ના પાડે છે. એટલે આવતા જન્મે વાત. પણ તમારે આવતા જન્મ સુધી રાહ જોવાની જરૂર નથી. તમે આ રવિવારે પહોંચી જ જજો.'


24.  છેલ્લે ’ખુદ ગબ્બર’ બિનીત મોદી / Binit Modi
(કોરસમાં પ્રણવ-કેતન-કિરણ-ઉર્વીશ)

Tuesday, March 05, 2013

બાંગલાદેશઃ નજીકના ઇતિહાસનું લોહિયાળ અનુસંધાન

છેલ્લા એકાદ મહિનાથી ખદખદી રહેલા આપણા સાખપાડોશી દેશ બાંગલાદેશમાં મોટા પાયે લોહિયાળ તોફાન ફાટી નીકળ્યાં છે. તે સીધીસાદી ગુંડાગીરી કે હિંસાચાર નથી, પણ નજીકના ઇતિહાસમાં થયેલા ગુનાનો ન્યાય તોળવાની મથામણનું પરિણામ છે. અમુક અંશે ભારતના અન્ના આંદોલનની યાદ અપાવે એવા- પણ તેના કરતાં વધારે અસરકારક અને ચડિયાતા બાંગલાદેશી અહિંસક જનઆંદોલનમાં હિંસા શી રીતે પ્રગટી? આંદોલનનો હેતુ શો છે? અને ભારતીય તરીકે શા માટે આપણને  તેમાં રસ પડવો જોઇએ? એવા સવાલોમાં ઉંડા ઉતરતાં પહેલાં, ભારતના સંદર્ભે બાંગલાદેશનું થોડું બેકગ્રાઉન્ડ.

કટોકટીનાં મંડાણ

અખંડ ભારતના નકશા પર ધાર્મિક બહુમતી પ્રમાણે પેન્સિલ ચલાવીને ભારત-પાકિસ્તાનની સરહદ આંકનાર સિરિલ રેડક્લીફે બંગાળના બે ભાગ કરી નાખ્યાઃ મુસ્લિમોનું મોટું પ્રમાણ ધરાવતો પ્રદેશ પૂર્વ પાકિસ્તાન બન્યો અને હિંદુ બહુમતી ધરાવતો પ્રદેશ પશ્ચિમ બંગાળ. હકીકતમાં બંગાળ પ્રાંતની સૌથી મોટી ઓળખ કે અસ્મિતા હતી બંગાળી ભાષા. હિંદુ હોય કે મુસ્લિમ, તે બંગાળીભાષી તરીકે ઓળખાવામાં ગૌરવ લેતા હતા. પરંતુ ધર્મના આધારે ભાગલા પડ્યા પછી, તે પાકિસ્તાનનો હિસ્સો બન્યા. રૂઢિચુસ્ત અને ધર્મકેન્દ્રી પાકિસ્તાનમાં સ્વાભાવિક રીતે જ તેમને ગુંગળામણ થવા લાગી.

છેક છેડે આવેલા પૂર્વ પાકિસ્તાન સાથે (પશ્ચિમ) પાકિસ્તાનનું વર્તન ઓરમાયું રહેતું. પૂર્વ પાકિસ્તાનની અવામી લીગના નેતા શેખ મુજીબુર રહેમાન પૂર્વ બંગાળમાં ભારે લોકપ્રિયતા ધરાવતા હતા, પણ પાકિસ્તાની શાસકોને તે દીઠા ગમતા ન હતા. તેનાં ઘણાં કારણોમાં એક એ હતું કે શેખ મુજીબની ઓળખમાં ઇસ્લામ બીજા ક્રમે અને બંગાળીપણું પહેલા ક્રમે આવતું હતું. લોકશાહી મૂલ્યોમાં માનતા મુજીબને પોતાના લોકોના હક માટે પોતાના દેશ-પાકિસ્તાન- સાથે જ લડવાનું આવ્યું.

માર્ચ, ૧૯૭૧માં પાકિસ્તાનમાં થયેલી ચૂંટણીમાં શેખ મુજીબની અવામી લીગની જીત થઇ. તેમનો પક્ષ પૂર્વ પાકિસ્તાન માટે વઘુ સ્વતંત્રતા- વઘુ અધિકારોની માગણી કરતો હતો. ચૂંટણી પછી સરકાર રચવા અંગે સૈન્ય અને રાજકીય પક્ષો વચ્ચે તડજોડ ચાલી, ત્યારે પૂર્વ બંગાળના લોકોને ખાતરી થઇ ગઇ કે પાકિસ્તાનમાં તેમને કદી બરાબરીનું સ્થાન મળવાનું નથી. તેના પરિણામે અવામી લીગે સવિનય કાનૂનભંગનું હથિયાર અજમાવ્યું, જે જોતજોતાંમાં હિંસાખોરીમાં પરિણમ્યું. પાકિસ્તાનના સરમુખત્યાર યાહ્યાખાને અવામી લીગનું આંદોલન વધારે વકરે તે પહેલાં લશ્કરને છૂટો દોર આપી દીધો અને ગમે તે ભોગે પૂર્વ બંગાળને કચડીને કાબૂમાં રાખવાની ઘાતકી નીતિ અપનાવી. તેના પરિણામે પૂર્વ બંગાળમાં ભયાનક કતલ ચાલી, જે વિએતનામ કે કંબોડિયાના જગવિખ્યાત બનેલા હત્યાકાંડો કરતાં જરાય ઉતરતી ન હતી. પરંતુ એ વખતે અમેરિકા (પશ્ચિમ) પાકિસ્તાનના પક્ષે હોવાથી, આંતરરાષ્ટ્રિય સ્તરે તેની ખાસ નોંધ ન લેવાઇ.

પાકિસ્તાની લશ્કર દ્વારા પદ્ધતિસર હાથ ધરાયેલા હત્યાકાંડોમાં બંગાળીઓનાં ગામનાં ગામ ખતમ કરી નાખવામાં આવ્યાં. ભોગ બનેલાઓમાં હિંદુઓનું નોંધપાત્ર પ્રમાણ હતું. પૂર્વ બંગાળનું આંદોલન દિશાહીન બની જાય એ માટે બૌદ્ધિકોને અને યુનિવર્સિટીના આગળ પડતા અઘ્યાપકો- વિદ્યાર્થીઓને વીણી વીણીને ખતમ કરવામાં આવ્યા.  કેટલા લોકોની હત્યા થઇ હશે તેનો સાચો અંદાજ મળવો અઘરો છે, પણ ઓછામાં ઓછા ત્રણેક લાખ લોકોને પાકિસ્તાની સૈન્યે ઠંડા કલેજે મારી નાખ્યા. (સ્થાનિક લોકો દ્વારા અપાતો આંકડો ત્રીસ લાખનો છે.)

વીસમી સદીના યુદ્ધ સિવાયના સમયગાળામાં થયેલા સૌથી ભયંકર હત્યાકાંડોમાં સ્થાન પામે, એવી પૂર્વ બંગાળની સ્થિતિ હતી. પરંતુ આંતરરાષ્ટ્રિય સમુદાય એ વિશે અજાણ હતો અથવા આંખ આડા કાન કરતો હતો. બીજી તરફ પાકિસ્તાની પ્રમુખ યાહ્યાખાન ઠંડા કલેજે કેવાં જૂઠાણાં ચલાવતા હતા, તેનો એક નમૂનો અત્યારે પણ યુટ્યુબ પર મોજૂદ તેમના એક વિડીયો ઇન્ટરવ્યુમાં જોવા-સાંભળવા મળી શકે છે.  જુલાઇ ૩૧, ૧૯૭૧ના રોજ લેવાયેલા ઇન્ટર્વ્યુમાં બાંગલાદેશી શરણાર્થીઓ વિશેના સવાલનો જવાબ આપતાં યાહ્યાખાને ધરાર જૂઠાણું ઉચ્ચાર્યું હતું કે ‘તમે જોયા એ લોકો શરણાર્થી હતા જ નહીં.’

(યાહ્યાખાનનો વિડીયો ઇન્ટરવ્યુ)

‘તમારું લશ્કર પૂર્વ પાકિસ્તાનીઓની પાછળ પડી ગયું છે?’ એવા અણીયાળા સવાલના ઉત્તર તરીકે છટાથી સિગરેટનો કશ લઇને યાહ્યાખાને કહ્યું, ‘કઇ સરકાર પોતાના નાગરિકોની પાછળ પડી જાય? ઉલટું, પાકિસ્તાની સૈન્યે પૂર્વ પાકિસ્તાનના ૭ કરોડ લોકોને અવામી લીગના અલગતાવાદી રાજકારણ તથા ઉશ્કેરણીથી સર્જાયેલી સશસ્ત્ર વિદ્રોહની સ્થિતિથી બચાવ્યા છે.’ યાહ્યાખાનની ફિશિયારીઓ સાંભળીને પત્રકારે ફરી તેમને પૂછ્‌યું, ‘એટલે તમે કહેવા માગો છો કે પૂર્વ પાકિસ્તાનમાં કોઇ પ્રકારનો જેનોસાઇડ- પદ્ધતિસરનો સામુહિક નરસંહાર થયો નથી?’ અને યાહ્યાખાને કહ્યું, ‘મોસ્ટ સર્ટનલી નોટ.’

પૂર્વ પાકિસ્તાનમાં ચાલી રહેલા પદ્ધતિસરના જનસંહારમાં જમાતે ઇસ્લામી, અલ બદ્ર જેવાં ‘ઇસ્લામી’ સંગઠનો પણ પાકિસ્તાની સૈન્ય સાથે ભળ્યાં હતાં. તેમને બંગાળી ઓળખ સામે વાંધો હતો. એટલે પોતાના જ લોકો સામે હત્યા-બળાત્કાર-લૂંટફાટ-આગ જેવા ગુના આચરતાં તેમને કશો જ ખચકાટ ન થયો.

પાકિસ્તાન આખી દુનિયાથી હકીકત છુપાવતું હતું, પરંતુ તેની  સીધી અસર પાડોશી દેશ તરીકે ભારત પર થવા લાગી. બાંગલાદેશથી શરણાર્થીઓનાં ધાડાંનાં ધાડાં જીવ બચાવવા માટે સરહદ ઓળંગીને ભારતમાં આવવા લાગ્યાં. ભારત તેમને મરવા માટે પાછાં મોકલી શકે એમ ન હતું અને તેમને પાલવવાનો આર્થિક બોજ ભારતને પરવડે એમ ન હતો.

માય નેમ ઇઝ એન્થની મેસ્કરનહસ

યાહ્યાખાન અને પાકિસ્તાનના ભ્રામક પ્રચારનો ભંડો ફોડવામાં એક પત્રકારની ભૂમિકા બહુ અગત્યની બની રહી. બીબીસીની વેબસાઇટ પરથી મળતી વિગતો પ્રમાણે, ગોવામાં જન્મેલા અને કરાચીમાં રહેતા ખ્રિસ્તીધર્મી પત્રકાર એન્થની મેસ્કરનહસે/ Anthony Mascarenhas પૂર્વ પાકિસ્તાનની સાચી પરિસ્થિતિ દુનિયા સમક્ષ જાણ કરી.

પૂર્વ પાકિસ્તાનમાંથી વિદેશી પત્રકારોને પાકિસ્તાની સરકારે રવાના કરી દીધા હતા. એટલે દુનિયા સમક્ષ તટસ્થ દેખાવા માટે પાકિસ્તાની સરકારે પોતાના ચુનંદા આઠ પત્રકારોને પૂર્વ પાકિસ્તાન મોકલવાનું નક્કી કર્યું. એ લોકો ત્યાં જઇને દસ દિવસ રહે અને સરકારી હુકમ પ્રમાણેના અહેવાલ લખે, તો તેનાથી દુનિયાને ખાતરી કરાવી શકાય કે ત્યાં બઘું સમુંસૂતરું છે. આ આઠ પત્રકારોમાં એન્થનીનો પણ સમાવેશ થતો હતો. સરકાર દ્વારા પ્રાયોજિત પ્રવાસ કરી આવ્યા પછી બાકીના સાતે ફરમાસુ અહેવાલો લખી દીધા, પણ એન્થની એ કરી શક્યા નહીં. પૂર્વ પાકિસ્તાનની સચ્ચાઇ અને ભયાનક નરસંહાર નજરે જોયા પછી એન્થનીને થયું કે જો તે આ વાતો નહીં લખે, તો બીજું કશું જ નહીં લખી શકે. પણ આ બઘું લખવું ક્યાં? પાકિસ્તાનમાં પ્રસાર માઘ્યમો પર સરકારનો લોખંડી સકંજો ભીડાયેલો હતો. વિદેશી છાપામાં લખી શકાય, પણ અહેવાલ છપાયા પછી કરાચીમાં રહેતા એન્થનીના પરિવાર- પત્ની અને પાંચ બાળકો-નું શું થાય?

એન્થનીએ હિંમત હાર્યા વિના, બહાદુરીથી અને યોજનાપૂર્વક આગળ વધવાનું નક્કી કર્યું. પહેલાં એ બિમાર બહેનની ખબર કાઢવાના બહાને લંડન જઇને ‘સન્ડે ટાઇમ્સ’ના તંત્રીને મળ્યા અને વિગતે વાત કરી. તેમણે અહેવાલ છાપવાની તૈયારી બતાવી એટલે એન્થનીએ નક્કી થયા મુજબ કરાંચીના ઘરે ટેલીગ્રામ કર્યો, ‘એન્સ ઓપરેશન વોઝ સક્સેસફુલ’. આ સંકેત હતો કે પરિવારે લંડન આવવાની તૈયારી કરવાની છે.

સરકારને શંકા ન જાય એટલે એન્થની પાકિસ્તાન પાછા આવ્યા. તેમનું પરિવાર લંડન પહોંચ્યું, પણ એ વખતે પાકિસ્તાનમાં એવો કાયદો હતો કે પાકિસ્તાની નાગરિકો વર્ષે એક જ વાર વિદેશ પ્રવાસ કરી શકે. એટલે બીજી વાર એન્થનીએ પાકિસ્તાનથી જમીનમાર્ગે અફઘાનિસ્તાન જવું પડ્યું. ત્યાંથી એ લંડન પહોંચ્યા. લંડનમાં આખું પરિવાર ભેગું થયું, તેના બીજા જ દિવસે જૂન ૧૩, ૧૯૭૧ના રોજ લંડનના ‘સન્ડે ટાઇમ્સ’માં ‘જેનોસાઇડ’ના મોટા મથાળા સાથે, પૂર્વ પાકિસ્તાન વિશેનો અહેવાલ પ્રગટ થયો.

(એન્થની મેસ્કરનહસનો વિડીયો ઇન્ટરવ્યુ)

એન્થની મેસ્કરનહસની પત્ની સાથે વાતચીત કરીને બીબીસી  માટે અહેવાલ તૈયાર કરનાર માર્ક ડમેટે નોંઘ્યું છે કે પાકિસ્તાની સૈન્યમાં ગાઢ સંપર્કો ધરાવતા એન્થનીનો અહેવાલ વાંચીને પાકિસ્તાની છાવણીમાં  તરખાટ મચી ગયો. ‘દેશદ્રોહ’થી ‘છેતરપીંડી’ અને ‘ભારતનું કાવતરું’ જેવા આરોપો થયા. ભારતનાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ‘સન્ડે ટાઇમ્સ’ના તંત્રીને કહ્યું, ‘એન્થનીના અહેવાલથી મને એટલો આંચકો લાગ્યો કે હું યુદ્ધની પૂર્વતૈયારી તરીકે યુરોપના દેશો અને મોસ્કોની રાજદ્વારી મુલાકાતે રવાના થઇ.’

આખરે ડિસેમ્બર, ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન વચ્ચે સીઘું યુદ્ધ ફાટી નીકળ્યું, જેના અંતે ભારતીય સૈન્યે પાકિસ્તાનને નિર્ણાયક રીતે હરાવ્યું અને પૂર્વ પાકિસ્તાનનો અલગ રાષ્ટ્ર ‘બાંગલાદેશ’ તરીકે જન્મ થયો. ભારતમાં તેનો વિજયોત્સવ ચાલ્યો, પણ બાંગલાદેશમાં એ પ્રકરણ સંતોષકારક રીતે પૂરું થયું નહીં. બાંગલા પ્રજા પર ભયાનક અત્યાચારો કરનાર પાકિસ્તાની સૈન્યના લોકોને ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા કરાર અંતર્ગત માફી બક્ષવામાં આવી. ત્યાર પછી બાંગલા દેશમાં રહીને પાકિસ્તાની સૈન્ય સાથે ભળી ગયેલા રઝાકારો, જમાતે ઇસ્લામી અને અલ બદ્ર જેવા સંગઠનના હિંસાખોરોનો પ્રશ્ન ઊભો રહ્યો. એ લોકો સામે કાનૂની કાર્યવાહી ચલાવીને યથાયોગ્ય સજા ફટકારવા માટે, વર્ષ ૨૦૧૦માં બાંગલાદેશનાં વડાપ્રધાન (શેખ મુજીબનાં પુત્રી, અવામી લીગનાં પ્રમુખ) શેખ હસીનાએ વોર ક્રાઇમ ટ્રિબ્યુનલની રચના કરી. તેના દ્વારા જૂના દોષીઓને મૃત્યુદંડ અને આજીવન કેદની સજાઓ જાહેર થતાં, બાંગલાદેશમાં નવેસરથી હિંસા અને અશાંતિ ફાટી નીકળ્યાં છે. તેનાં કારણો અને રાજકારણની વાત આવતા સપ્તાહે. 

Sunday, March 03, 2013

થિએટર વર્કશોપની પૂર્ણાહૂતિઃ નવા આકાશમાં, સાથે ઉડવાનો આનંદ

ગુરુવારે, ૨૮ ફેબ્રુઆરી, અમારી પંદર દિવસની થિએટર વર્કશોપનો છેલ્લો દિવસ હતો. નિમેષ દેસાઇએ અમારી પાછળ કરેલી મહેનત અને અમારી પાસેથી કઢાવેલા કામની એ દિવસે જાહેર રજૂઆત હતી. અમારી ટીમનાં પંદર-પંદર મિનીટનાં ત્રણ નાટક (ગીતો સહિત) રજૂ થવાનાં હતાં.
રીહર્સલની મસ્તીઓઃ
નો'તું કહ્યું? જરા સાચવીને..
વાગ્યું તો વાગ્યું... સો વોટ? 
સવારના આઠ-સાડા આઠ વાગ્યાથી જ ડીપાર્ટમેન્ટ પર ચહલપહલ ચાલુ થઇ ગઇ. સાડા નવને બદલે પોણા દસ-દસની આસપાસ શો શરૂ થયો. ડીપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ ઉપરાંત આશિષ કક્કડ, અભિષેક શાહ જેવા મિત્રો અમારું સાહસ જોવા આવી પહોંચ્યા હતા. ઋતુલ જોશી એક નાટક જોઇને (ના યાર, કંટાળીને નહીં, કામ હતું એટલે) નીકળ્યા, તો ધૈવત ત્રિવેદી અને બિનીત મોદી જેવા મિત્રો એકાદ નાટક પછી જોડાયા.
માથા પ્રમાણે ફ્રેમ કે ફ્રેમ પ્રમાણે માથું?

ખાલી બેસી રહે એ આશિષ કક્કડ નહીં...યમદૂતન મદદ કરતા આશિષભાઇ
ભોલારામકા જીવઃ (ડાબેથી) ચિત્રગુપ્ત, યમદૂત, યમરાજ અને નારદ
ત્રણે નાટક અમારાં જ નહીં, દર્શકોના ધાર્યા કરતાં પણ સારાં ગયાં. જેમ જેમ નાટક આગળ વધતાં ગયાં અને અમે અનેક વાર રીહર્સ કરેલી લાઇનો પર દર્શકોની દાદ મળવા લાગી, એમ અમારો ઉત્સાહ- અને એનાથી પણ વધારે તો આત્મવિશ્વાસ- વધતાં ગયાં. પહેલું હિંદી નાટક ભોલારામકા જીવ પરું થયું અને ઝડપથી અમે બીજા નાટકમાં પાત્રને અનુરૂપ કપડાં પહેરવા ગયા, ત્યારે સૌ એકબીજાને હોંશથી અને ઉષ્માથી- ’યાર, મસ્ત જઇ રહ્યું છે. એવા ઉમળકાથી અભિનંદન આપતા હતા.
સહપાઠીઓ અને બીજા મિત્રોનું ઓડિયન્સ
બીજું નાટક અમારા માટે સૌથી અગત્યનું હતું. આગલા દિવસ સુધી એનાં રીહર્સલ ચાલતાં હતાં અને કેટલાક કલાકારોના ડાયલોગમાં લોચા પડતા હતા. નિમેષભાઇએ આગલા દિવસે બે વાર તેનું રીહર્સલ કરાવ્યું અને પછી પણ સંતોષ ન થતાં એક વાર તેનું પઠન કરાવ્યું હતું. ત્યારે કંઇક ઠેકાણું પડે એવી આશા ઊભી થઇ. વિરોધાભાસના વિષયવસ્તુ પરથી ઊભું થયેલા એ નાટકની બીજી મથામણો એટલી ચાલી કે છેવટ સુધી તે વિરોધાભાસ તરીકે જ ઓળખાતું રહ્યું. 
'વિરોધાભાસ' - ફાઇનલ શોનો ગ્રુપ ફોટો
છેવટે, કાર્યક્રમના દિવસે સવારે નિમેષભાઇએ તેનું નામ પાડ્યું, ’એ કંઇ નહીં આલે..’ નાટકમાં ભંગારપુરા નામ ધરાવતાં રસ્તા પરનાં ઝૂંપડાં ’ગેરકાયદેસર દબાણ’ તરીકે તોડી નાખવામાં આવે ત્યાર પછીની કથા એમાં હતી. એનાં કેટલાંક ગીત સરસ થયાં હતાં. ખાસ કરીને ’વિકાસયજ્ઞ’. એના અમારા શબ્દો આ પ્રમાણે હતાઃ

મંડાયો છે યજ્ઞ, આપો આહુતિ
લોકો વિકાસમજ્ઞ, આપો આહુતિ
પહોળા પહોળા રસ્તા, બખોલ જેવડાં મન
લાળ ટપકતી જીભે માગે આહુતિ
ફાટી આંખે તમે આપો આહુતિ

ઓમ ઝૂંપડપટ્ટી સ્વાહા
પોશ એરિયાની શરમ સ્વાહા
ગરીબોદ્ધારના ભરમ સ્વાહા
ઓમ ટાબરિયાંની નિશાળ સ્વાહા
બુઢ્ઢાંનો સંધ્યાકાળ સ્વાહા
ઓમ વિકાસાય નમઃ
નિમેષભાઇએ આ શબ્દોને અસરકાર રીતે લયબદ્ધ રીતે તૈયાર કરાવ્યા હતા, જે મારે ઉચ્ચારવાના હતા અને સાથે કોરસ હતું.


બીજાં પણ થોડાં સંગીતતત્ત્વો આ નાટકમાં હતાં, જેમ કે, કાકા બનેલા દીપકે ગાયેલી બે લીટી
ભંગારપુરામાં કોક દિ ભૂલો પડ ભગવાન,
તું થા ને મારો મહેમાન, તને નરક ભૂલાવું શામળા


પણ આખા નાટકમાં સંગીતની રીતે સૌમાં શિરમોર હોય તો એ, નિમેષભાઇએ એક ડાયલોગના પ્રતિભાવ તરીકે તત્કાળ બનાવી કાઢેલું બે લીટીનું ગીત’. એકથી એક ચડિયાતા ડાયલોગ ધરાવતા દારૂડિયાના પાત્રનો છેલ્લો ડાયલોગ હતો, ’બકા, વિકાસની લાયમાં ચ્યારનું પીધું નથી. તું કંઇ નહીં આલે?’  અને ત્યાંથી નિમેષભાઇએ ગીત ઉપાડ્યું હતું-
નહીં આલે, નહીં આલે, નહીં આલે,
એ કંઇ નહીં આલે,
લેવા માટે બેઠા છે એ,
કંઇ નહીં આલે,..એ કંઇ નહીં આલે..

વાંચવામાં સીધુંસાદું લાગતું આ ગીત પહેલી વાર થયું ત્યારથી જ અમારા સૌના મનમાં ઉતરી ગયું. એનું મુખ્ય કારણ હતું ઝટ જીભે ચડી જાય એવી સરસ ધૂન અને સીધાસાદા છતાં નાટકને અનુરૂપ સોંસરવા શબ્દો...નાટકના પઠન વખતે ગવાયા પછી બધા દિવસ આ ગીત અમારા સૌના ચિત્તતંત્રમાં છવાયેલું રહ્યું -અને હજુ પણ એ નીકળવાનું નામ લેતું નથી. સ્કૂટર ચલાવતાં ચલાવતાં કે ક્લાસમાં બેઠાં બેઠાં કે લખતાં લખતાં પણ એ મનમાં ધસી આવે છે. 

 
છેલ્લા બે દિવસ પહેલાં થયું કે નહીં આલે સરસ થીમ સોંગ હોવા છતાં આટલું ઝડપથી પૂરું થઇ જાય એ ખટકે છે. એટલે સ્કૂટર ચલાવતાં ચલાવતાં જ થોડી લાઇનો વિચારી.અને મણિનગર સ્ટેશનના પાર્કિંગમાં પહોંચીને સૌથી પહેલાં ડાયરીમાં ઉતારી લીધી. બીજા દિવસે તેમાં થોડા સુધારાવધારા કરીને નિમેષભાઇને સંભળાવી. એમણે રાજીપો બતાવતાં એ લાઇનો પણ અમારી વર્કશોપના બિનસત્તાવાર રાષ્ટ્રગીત એવા કંઇ નહીં આલેમાં ઉમેરાઇ ગઇ. એ લાઇનો હતીઃ

માગણ છે નકટા, એ શું આલે
વિકાસને એ ગજવે ઘાલે
માગીએ જો અબ્બી, કહેશે કાલે
એ જ અહીં ચાલે...
એ કંઇ નહીં આલે
નહીં આલે નાટક જોનારા ઘણા મિત્રોને પણ એ ગીત અડ્યું એનો વધારે આનંદ થયો. બાકી, એમએમસીજે-સેમેસ્ટર-૨નું તો એ આઇ-કાર્ડ, ના વી-કાર્ડ’, બની ગયું. નાટકના ફાઇનલ શો વખતનાં છેલ્લાં દૃશ્યો અને ગીત. ( તત્કાળ ધોરણે એડિટ થયા વગરનું રેકોર્ડિંગ મૂક્યું છે.)
ત્રીજું નાટક ચિત્રવિચિત્ર ટેવો વિશેનું હતું. એમાં પહેલાં સાવ બાહરી આદતોની મસ્તી કરવાનું વિચાર્યું હતું. એ પ્રમાણે સૌએ એક પરિવારનાં થોડાં પાત્રો વિચાર્યાં. એક દાદા જે કહેતા હોય, ’મારાથી બદ્ધું સહન થાય પણ..’, એક તંત્રી જે છાપાંનાં કપડાં પહેરીને ફરતો હોય અને એના હાથમાં કાતર હોય, એક કામવાળી જે ભૂતકાળમાં મુંબઇમાં બાર ડાન્સર હોય અને મહેમાનો માટે પાણી લાવવાનું થાય ત્યારે પૂછે, ’સોડા સાથે કે નીટ?’, એક ફાંકોડી સંગીતકાર (હાર્મોનિયમ વગાડી શકવાને કારણે એ પાત્રમાં મારું કાસ્ટિંગ તત્કાળ થઇ ગયું), એક પંચાતિયણ વહુ, એક નિવૃત્ત કામચોર સરકારી કર્મચારી સાસુ, એક દેવદાસ પુત્ર, એક શિક્ષિકા વહુ...

એકાદ નાનો સીન લખ્યો. બીજા દિવસે નિમેષભાઇને સંભળાવ્યો, એટલે એમણે કહ્યું કે આ બધું તો બરાબર:છે, પણ હજુ જોઇએ એવું જામતું નથી. એકદમ બાહરી બાબતો પકડવાને બદલે વૃત્તિકહેવાય એવી બાબતો પકડવી, એવું એમણે સૂચવ્યું. એટલે અમે અગાઉના સીનમાં ફેરફાર કર્યા, બાર ડાન્સર સહિતનાં થોડાં પાત્રો રવાના કર્યાં અને થોડું નવું લખ્યું. પછી અમે વિરોધાભાસના નાટકમાં મશગૂલ થયા. એ સિવાયની બીજી થોડી પ્રવૃત્તિઓ-ગુલઝારની કવિતાનું ભાવાત્મક પઠન વગેરે.  બધાના મનમાં ઉંડે ઉંડે આશા હતી કે એક હિંદી અને એક ગુજરાતી નાટક કરી લઇશું તો ચાલશે. પણ નિમેષભાઇએ છેલ્લા ચાર-પાંચ દિવસ બાકી હતા ત્યારે લક્ષણોવાળું નાટક વાંચવા કહ્યું. મેં એમાં કંઇ બહુ કાઢી લેવાનું નથી એવા ભાવથી વાંચ્યું, પણ એમાં પાત્રો અને તેને અનુરૂપ ગીતો હતાં. 
'એવા રે અમે એવા' નો ગ્રુપ ફોટો
એ સાંભળીને નિમેષભાઇ કહે,`આ તો મઝાનું છે. પૂરું કરવું જ પડશે.’ એટલે ઓછા સમયમાં ઝડપથી થાય એવા ઓટણ તરીકે તેનો અંત કરી નાખ્યો અને રીહર્સલમાં વિરોધાભાસ કરતાં પણ વધારે ઝડપથી એ તૈયાર થઇ ગયું. તેનું એક ગીત ’આ દુનિયા કાંકરિયાનું ઝૂ છે’ પહેલા જ વાચનમાં નિમેષભાઇએ એટલું સરસ ગાઇ બતાવ્યું કે એ બધાના મનમાં રમતું થઇ ગયું. તેના રીહર્સલની વિડીઓ.

વર્કશોપની સાવ શરૂઆતમાં ત્રણ ગ્રુપ પાડ્યાં હતાં. એમાં વિરોધાભાસ અને ટેવ ઉપરાંત ત્રીજો વિષય હતો ક્રાઇસિસ. બે ગ્રુપમાં હું સત્તાવાર રીતે સંકળાયેલો હતો, પણ પહેલી તકે, હું જેમાં સીધો સામેલ ન હતો એવા, ટેવો વિશેના નાટકમાં મઝાથી રસ લઇને- સંકળાઇને ગ્રુપના અલગાવનો વીંટો વાળી દીધો. ત્યાર પછી બધાં તમામ નાટકો સાથે સંકળાયેલાં થઇ ગયાં. ક્રાઇસિસ વિશેના થીમમાં ’ક્રાઇસિસ ઓફ કોન્શ્યન્સ’ અંતર્ગત અમે એવી કાચી કથા વિચારી કે દિલ્હીઘટના જેવા કોઇ બનાવના વિરોધમાં એક સરઘસ નીકળ્યું છે. એમાં થોડા સારા લોકો છે ને થોડા વિચિત્ર પણ ખરા, જેમને વિરોધ કરવા કરતાં વિરોધનો ફોટો ફેસબુક પર મુકવામાં કે ન્યૂઝચેનલવાળા આવે ત્યારે હડી કાઢવામાં વધુ રસ છે. એવા ચાર લોકો ઘરે જઇને તેમની પત્ની કે પ્રિયતમા કે સ્ત્રી-મિત્ર સાથે કેવું વર્તન કરે છે અને સ્ત્રીઓના અધિકાર કે સમાનતા વિશેનો તેમનો ખ્યાલ કેવો વાંધાજનક છે, એની તેમાં વાત હતી. ચારેયના સંવાદોમાં સ્ત્રીઓ પુરૂષ સાથે દલીલ કરે અને સામેવાળાને આ વાતનો અહેસાસ કરાવે. આ કથાની વન લાઇન સ્ટોરી એવી હતી કે ’એક મીણબત્તી આપણા ઘરમાં સળગાવીએ. અંધારું દૂર કરવાની શરૂઆત ઘરથી કરીએ. અને ઘરનું અજવાળું રસ્તા પર પડશે તો રસ્તાનું અંધારું ઓછું જ થવાનું છે.

બે નાટકો લખવામાં સંકળાઇ ગયા પછી આ ત્રીજું લખવાની માનસિક જગ્યા ન હતી અને લખવાની જવાબદારી લેનાર એક ક્લાસમેટની સતત અનિયમિત હાજરી રહેતી હતી. એટલે એ નાટક આગળ વધાર્યું નહીં.

અમારાં ત્રણે નાટકો અને કાવ્યના વાચન પછી આશિષ કક્કડ, અભિષેક શાહ, ધૈવત ત્રિવેદી, બિનીત મોદી, મયુરિકા જેવાં મિત્રોએ બે સારા શબ્દો કહીને અમારા પ્રયાસને પ્રોત્સાહન આપ્યું. 
નાટકો પૂરાં થયાં પછી નિમેષભાઇએ બધાની ફરમાઇશ પર 'નહીં આલે' ગાયું

બધા વિદ્યાર્થીઓ અને આશિષ કક્કડ, અભિષેક શાહ, ધૈવત ત્રિવેદી, હિતેન ભટ્ટ જેવા
મિત્રો, સોનલબેન, કુસુમ કૌલ, પ્રશાંત, દીપકભાઇ જેવા ડીપાર્ટમેન્ટના મિત્રો
આશિષભાઇએ એવું પણ સૂચવ્યું કે ત્રણે નાટકોનું રંગમંડળ જેવી જગ્યાએ ફરી એક વાર કરવાં જોઇએ. એ વિશે અમે વિચારીએ છીએ. નિમેષભાઇ, આશિષભાઇ-અભિષેક અને કબીરભાઇ (ઠાકોર) જેવા મિત્રોના સહકારથી એ શક્ય બને તો મઝાનું એક્સેટેન્શન થાય. એથી વધારે કશું એના વિશે - કે નાટકની દિશામાં પણ- ધારવાની જરૂર નથી. હા, અત્યારે ક્લાસના સૌને એટલું તો લાગે છે કે આવતા વર્ષે આઇએનટીની સ્પર્ધામાં ડીપાર્ટમેન્ટ તરફથી ભાગ લેવો. આવતા વર્ષ સુધી એ ઉત્સાહ કેટલોક ટકે છે એ જોવાનું, પણ અમારું આ વર્ષ તો થિએટરની વર્કશોપને કારણે યાદગાર બની ચૂક્યું છે - અને એમાં કોઇ અતિશયોક્તિ કે ઉભરો નથી. 
..અને છેલ્લે આનંદની ઉજવણી