Thursday, April 30, 2009

એં..એં..એં.. કોંગ્રેસ નરેન્દ્રભાઇને જેલમાં પૂરવા માગે છે

ગુજરાતના મુખ્ય મંત્રી મોદી ‘માસ્ટર પર્ફોર્મર’ છે. ખેલ પાડવાની બાબતમાં તેમને ‘ઉચ્ચ-મઘ્યમ વર્ગના લાલુપ્રસાદ’ કહેવામાં બહુ અતિશયોક્તિ નથી.

આ ચૂંટણીપ્રચારમાં પહેલેથી તેમણે મિમિક્રીનો ધંધો ચાલુ કર્યો અને સમાંતરે એકાદ પકડાઇ જાય એવા મુદ્દાની શોધ માટે રોજ નવા અખતરા કર્યા. પણ એકેય મુદ્દો પકડાયો નહીં. ચૂંટણીના બે દિવસ પહેલાં સર્વોચ્ચ અદાલતે હજુ તો ૨૦૦૨ની હિંસામાં ગુજરાતના મુખ્ય મંત્રીની ભૂમિકાની તપાસ કરવાનું કહ્યું, ત્યાં તો કલબલાટ મચી ગયો.

મુદ્દાની નિષ્ફળ શોધ પછી ચૂંટણીના છેલ્લા બે દિવસ ભાજપે સર્વોચ્ચ અદાલતના તપાસના આદેશને મુદ્દો બનાવ્યો અને બહાનું કાઢ્યું કપિલ સિબ્બલના વિધાનનું. સિબ્બલે ૧૧-૪-૦૯ના રોજ કહ્યું હતું કે મોદી જેલમાં જવા તૈયાર રહે.

એક બાજુ મોદી દિલ્હીમાં અને બીજે ખોંખારા ખાતા હતા કે હું જેલમાં જવાથી ગભરાતો નથી, હું ગુનેગાર સાબીત થાઊં તો મને સજા કરજો વગેરે વગેરે...
અને બીજી બાજુ એમની જ વ્યૂહરચના પ્રમાણે એમનો પક્ષ ગુજરાતના મતદારો આગળ રાવ ખાવા લાગ્યો, ‘એંએંએં, જુઓને કોંગ્રેસે આપણા નરેન્દ્રભાઇને જેલમાં પૂરવાની વાત કરી...એંએએં...તમે કોંગ્રેસને હત્તા નહીં કરો?...એં.એં.એં.’

રહી વાત જેલમાં જવાની. એમ કંઇ મોદીને પકડીને જેલમાં મુકી શકવાના નથી. કાયદાના અનેક તકાદા અને તેની છટકબારીઓ હોય છે. પણ જેલમાં જવા વિશે ખોટેખોટા ખોંખારા ખાતા મુખ્ય મંત્રીએ અને તેમના ચાહકોએ સમજવાનું છે કે -
૧) જેલમાં જવું એ ગભરાવાનો નહીં, પણ શરમાવાનો વિષય હોવો જોઇએ.
૨) વ્યક્તિ ગુનેગાર સાબીત થાય ત્યાર પછી એ જેલમાં જવા રાજી છે કે નહીં એ ગૌણ બની જાય છે. એ ઇચ્છે કે ન ઇચ્છે, તેને જેલમાં જવું જ પડે છે.
૩) મોદી હજુ ગુનેગાર સાબીત થયા નથી- ફક્ત તેમની ભૂમિકાની તપાસનો આદેશ અપાયો ત્યાં એમણે બૂમરાણ મચાવવાનું ચાલુ કરી દીઘું છે અને ભાજપે ‘આપણા નરેન્દ્રભાઇ’ અને ‘ગુજરાતના રખેવાળ’ની કથાઓ ચાલુ કરી દીધી છે.
મોદીને ‘ગુજરાતના રખેવાળ’ કેવી રીતે કહેવાય? તે ન તો હિંદુઓનું રક્ષણ કરી શક્યા, ન મુસ્લિમોનું! ૨૦૦૨માં હિંદુઓ પણ મર્યા ને મુસ્લિમો પણ મર્યા. જવાબદારી કોની? રાજ્યના મુખ્ય મંત્રી હોય એની કે વિરોધપક્ષની કે સેક્યુલરિસ્ટોની?

મુંબઇ જઇને આતંકવાદીઓને ચુન ચુન કે પકડવાની વાર્તા કરી આવ્યા પછી અમદાવાદમાં બોમ્બધડાકા થયા. તેમાં રોજ નવા માસ્ટરમાઇન્ડના ચહેરા બતાવવા સિવાય બીજું શું કરી લીઘું? એમાં મોદીનો બહુ વાંક પણ નથી. એકંદર તંત્ર એવું ગોઠવાયેલું હોય ત્યાં અસરકારક કાર્યવાહી કરવાનું અઘરૂં છે. તો પછી ફાંકાફોજદારી શા માટે?

સાંભળ્યા પ્રમાણે, ‘કોંગ્રેસ નરેન્દ્રભાઇને જેલમાં મોકલવા માગે છે’ એ જાહેરખબરમાં બતાવાયેલી ખાલી જેલ પાછળ પહેલાં મોદીનો ફોટો મુકવામાં આવ્યો હતો. પણ પછી કોઇ કારણસર- અથવા દેખીતાં કારણસર- એ ફોટો હટાવી લેવામાં આવ્યો.

વિશ્વવારસાની નમૂનેદાર વેબસાઇટ

પુસ્તકપ્રેમ અને પુસ્તકજ્ઞાન માટે જાણીતા જયંતભાઇ મેઘાણીએ ન્યૂયોર્ક ટાઇમ્સનો એક લેખ મોકલ્યો છે. તેમાં ‘વર્લ્ડ ડિજિટલ લાયબ્રેરી’ નામની વેબસાઇટ ખુલવાના સમાચાર છે.
યુનેસ્કો અને અમેરિકાની લાયબ્રેરી ઓફ કોંગ્રેસની આ વેબસાઇટ પર વૈશ્વિક મહત્ત્વ ધરાવતાં નમૂનેદાર જૂનાં-નવાં પુસ્તકો-તસવીરો-નકશા મુગ્ધ થઇ જવાય એ રીતે મુકવામાં આવ્યા છે. ડિજિટાઇઝેશનનું વાચકોપયોગી પરિણામ અને તેનાં પરિમાણ કેવાં હોઇ શકે તેનો આ સાઇટ ઉત્તમ નમૂનો પૂરો પાડે છે. વેબસાઇટના હોમપેજ પર સેન્ટ્રલ-સાઉથ એશિયાના વિભાગમાં ૬૫ ચીજો મુકેલી છે. તેમાંથી કેટલાંક પુસ્તકો ઉથલાવીને-તસવીરો જોઇને અહીં કેટલાંક સેમ્પલ મુક્યાં છે.

૧) ભારતના બંધારણની પહેલી ૧૦૦૦ નકલ કળાત્મક ડીઝાઇનવાળી છપાઇ હતી. તે આખેઆખું પુસ્તક નંદલાલ બોઝ અને બીજા કળાકારોનાં ચિત્રો સાથે જોવા મળે છે. એ પુસ્તકનું મુખપૃષ્ઠ.

૨) બસો વર્ષ પહેલાં ભારતની મુલાકાતે આવેલા એક લેખકે તેના પુસ્તકમાં મુકેલું ઘાણીનું ચિત્ર. એક જણ દાણા ઓરે ને બીજો બળદ ચલાવે.

૩) એ જાણવાની હંમેશાં ઇચ્છા હતી કે અસલ અફઘાનિસ્તાનમાં કેવાં તરબૂચ થતાં હશે? અને આ ફોટો જોવા મળ્યો. એક રશિયન તસવીરકારે ૧૯૧૧માં પાડેલો આ રંગીન ફોટો સમરકંદના બજારમાં તરબૂચ વેચવા બેઠેલા દુકાનદારનો છે.
4) પુસ્તક ખોલ્યા પછી સાઇટની વાચકોપયોગી વ્યવસ્થા કેવી છે, એ દર્શાવતો સ્ક્રીનશોટ.

‘માણસમાત્ર, ભૂલને પાત્ર’ એ ન્યાયે એક પુસ્તકનું પૂઠું પ્લાશીના યુદ્ધનો વિષય દર્શાવે છે. (એ પુસ્તક પ્લાશીના યુદ્ધનાં ત્રણ વર્ષ પછી, ૧૭૬૦માં લખાયું હતું.) હોંશભેર એ પુસ્તક ખોલ્યું, તો અંદરથી કંઇક ભળતું જ પુસ્તક નીકળ્યું.

આવું બઘું તો ચાલ્યા કરે, પણ જે થયું છે તે જબરદસ્ત કામ છે.

એક વાર ત્યાં ગયા પછી જલ્દી પાછા ફરવાનું મન થાય એવું નથી. એટલે થોડો સમય લઇને જ આ વેબસાઇટ ખોલવી.

Wednesday, April 29, 2009

જૈન હવા

આજે સવારે ‘સફારી’ની ઓફિસ (ડોક્ટર હાઉસની સામેના ખાંચામાં, પરિમલ ગાર્ડન, અમદાવાદ) ની બહાર આવેલી પંક્ચરની દુકાને એક દૃશ્ય જોયું.

એક જૈન સાઘ્વી હાથથી ધક્કો મારીને ચલાવવાની ઠેલણગાડીમાં બીજાં એક સાઘ્વીને બેસાડીને ત્યાંથી પસાર થતાં હતાં. હવા પુરવાની દુકાન જોઇને તે ઉભાં રહ્યાં, ગાડીમાં બેઠેલાં સાઘ્વી નીચે ઉતર્યાં, એટલે ધક્કો મારનાર સાઘ્વીની સૂચનાથી દુકાનવાળા છોકરાએ કમ્પ્રેસરની પાઇપ લીધી અને તેમની ઠેલણગાડીના એકાદ-બે વ્હીલમાં કમ્પ્રેસરથી હવા પુરી.

અમદાવાદની ભયાનક ગરમીમાં જે કારણસર એક સાઘ્વી બીજા સાઘ્વી પાસે ઠેલણગાડી હંકારાવે છે- યંત્રોનો વિરોધ- એ જ ઠેલણગાડીમાં હવા કમ્પ્રેસરથી પુરાવતી વખતે યંત્રનો બાધ નથી!ધર્મના અનુયાયીઓ હાર્દને બદલે બાહ્યાચારને પકડે ત્યારે આવી જડતા સિવાય બીજી શી અપેક્ષા રાખી શકાય?

કટ્ટરતા, ધર્મશાસ્ત્રના અનર્થઘટન અને મોટી સંખ્યામાં આંખે પટ્ટી બાંધનારા ધાર્મિક અનુયાયીઓમાં ઇસ્લામની હરોળમાં જૈન સમુદાયના ઘણા લોકોને મુકવા પડે, એવી સ્થિતિ જોવા મળે છે. (આ વાંચીને જેમને આ ટીકા લાગુ પડતી હોય એવા લોકોએ જ ઉશ્કેરાવું. બાકીના લોકોના લાભાર્થે એક માહિતીઃ ‘શબ્દાર્થપ્રકાશ’ વાળા પ્રકાશ ન.શાહ પણ જૈન છે!)

થોડાં વર્ષ પહેલાં જોયેલું બીજું દૃશ્ય પણ આ સાથે યાદ આવે છેઃ ‘સ્ટાર’ની ‘તારા’ ચેનલ ચાલુ હતી એ અરસામાં એક વાર હું તેની ઓફિસે (ઉસ્માનપુરા) ગયો હતો. ત્યાંથી પાછા આવતાં એક શાંત ગલીમાં મેં જોયું તો સાઘ્વી બનેલી એક કિશોરી પોતાનો ‘આઘ્યાત્મિક અસબાબ’ ઘડીભર બાજુ પર મુકીને કાંકરાની કૂકી વડે બીજી નાની છોકરી સાથે ‘પગથિયાં’ જેવી- કૂકી ફેંકીને, લંગડી લઇને રમવાની- કોઇ રમત માણી રહી હતી!

આ દૃશ્યમાં કોઇ અતિશયોક્તિ નથી. સાઘ્વી બનેલી કે બનાવાયેલી એ છોકરીની ઊંમર પગથિયાં રમવાની હતી. એટલે તેને જે કરવું જોઇએ એ કરતી જોઇને બેહદ આનંદની સાથે ચચરાટી પણ ઘણી થઇ. એ વખતે હું સાથે કેમેરા રાખતો ન હતો. બાકી, રધુ રાય જેવા કે ઝવેરીલાલ જેવા કોઇ કસબી એ ફોટો પાડી લે તો બાળદીક્ષા સામે વિરોધમાં શબ્દો બગાડવાની જરૂર ન પડે. કોઇ સક્ષમ વાર્તાકાર હોય તો એ એક જ દૃશ્ય પરથી હૃદયસ્પર્શી વાર્તા લખી શકે. પગથીયાં રમતી સાઘ્વીનો ચહેરો મને યાદ રહ્યો નથી, પણ તેણે બાજુ પર મૂકી દીધેલો પોતાનો સામાન અને તેનું ઉત્સાહથી પગથીયાં રમવું હજુ ભૂલાતું નથી.

રજનીભાઇ (રજનીકુમાર પંડ્યા)ને એકથી વધારે વાર ‘માઇકનો ઉપયોગ ન થાય’ એ સિદ્ધાંતના પાલન ખાતર માઇક પાંચ ફૂટ દૂર રાખીને બોલતા જૈન સાઘુઓ અને તેમના અનુયાયીઓ સાથે ચર્ચાઓ થઇ છે. સાઘુઓથી ટેલીફોનનો ઉપયોગ ન થાય, એટલે આપણે ફોન કરીએ ત્યારે સામે એક ભાઇ ફોન ઉપાડે, આપણે જે બોલીએ તે પેલા ભાઇ સાઘુમહારાજ સમક્ષ ફરી બોલે, પછી મહારાજ જે કહે, તે ફરી પાછા આપણા લાભાર્થે ફોન પર રીપીટ કરે. લોકો પાસે આવો નિરર્થક અને બિનજરૂરી વ્યાયામ કરાવવો એ પણ હિંસા નથી?

Tuesday, April 28, 2009

સરદારના વારસદારોના ચૂંટણી-અનુભવો

પ્રચલિત માન્યતા એવી છે કે સરદારના વારસદારો રાજકારણ અને ચૂંટણીઓથી દૂર રહ્યા, પરંતુ ઐતિહાસિક હકીકત જુદી છે. સરદારનાં પુત્રી મણિબહેન, પુત્ર ડાહ્યાભાઇ અને પુત્રવઘુ ભાનુમતિબહેન એક કે વઘુ વખત સંસદીય ચૂંટણી લડ્યાં હતાં.

(સરદારના અસ્થિકુંભ સાથે ડાહ્યાભાઇ, સાથે ઉભેલાં મણિબહેન)

ભારતમાં લોકશાહીના છ દાયકા પછી વંશપરંપરાનું રાજકારણ જામી ચૂક્યું છે. પહેલાં જે ફક્ત નેહરૂ-ગાંધી પરિવારનો ઇજારો ગણાતી હતી, તે હવે સ્વીકૃત અને બેશરમ પરંપરા બની ગઇ છે. ઇશાન ભારતના સંગ્માથી પશ્ચિમ ભારતના શરદ પવાર, ઉત્તરે કાશ્મીરના અબ્દુલ્લા પરિવાર-સઇદ પરિવારથી દક્ષિણે દેવે ગૌડા-કરૂણાનિધિ જેવાં પરિવારો, ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંઘ, વરૂણ ગાંધી, મઘ્ય પ્રદેશના સિંધિયા, મુંબઇના દેવરા, રાજસ્થાનના માનવેન્દ્ર જસવંતસિંઘ...વંશવાદની બોલબાલા અત્રતત્રસર્વત્ર છે.

વંશવાદની વાત નીકળે ત્યારે નેહરૂની સરખામણીએ અને તેમના બીજા છેડા તરીકે (યોગ્ય રીતે જ) લેવાતું નામ સરદાર પટેલનું છે. બારડોલીના ‘સરદાર’થી દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બન્યા ત્યાં લગી વલ્લભભાઇ પટેલે પોતાના પરિવારને સભાનતાપૂર્વક રાજકારણથી દૂર રાખ્યો. રાજકીય જીવન શરૂ થતાં પહેલાં પત્નીનું અવસાન થયા પછી વિઘુર બનેલા વલ્લભભાઇનો પરિવાર ટૂંકો હતોઃ પુત્રી મણિબહેન અને પુત્ર ડાહ્યાભાઇ. અપરણિત મણિબહેન પિતાનાં સચિવ અને સેવિકા બનીને તેમના પડછાયામાં સમાઇ ગયાં, જ્યારે ડાહ્યાભાઇએ વિવિધ નોકરી-ધંધા કર્યા. ડાહ્યાભાઇના બે પુત્રો વિપિનભાઇ અને ગૌતમભાઇ નાના હતા ત્યારે દિલ્હી રહેતા દાદા (સરદાર)ની સ્પષ્ટ સૂચના હતીઃ ‘હું દિલ્હીમાં છું ત્યાં લગી દિલ્હી આવવું નહીં. બને ત્યાં લગી વિંઘ્ય (મઘ્ય પ્રદેશનો વિંઘ્યાચળ પર્વત) પાર કરવો નહીં.’ તેમને અંદેશો હતો કે દિલ્હીના ચલતા પુર્જાઓ ક્યાંક સરદારના વારસદારોને ભોળવી-લલચાવીને તેમના નામે ચરી ન ખાય!

આઝાદ ભારતની પહેલી લોકસભાની ચૂંટણી યોજાઇ ત્યારે સરદાર હયાત ન હતા. સરદારના મૃત્યુ પછી કોંગ્રેસમાં સક્રિય બનેલાં સાદગીના અવતાર સમાં મણિબહેન ૧૯૫૨માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભાની પહેલી ચૂંટણી લડ્યાં. એ વખતે અલગ ગુજરાતનું અસ્તિત્ત્વ ન હતું. ગુજરાત અને મહારાષ્ટ્રનું બનેલું મુંબઇ રાજ્ય હતું. મણિબહેન એ સમયે ખેડા (દક્ષિણ)ની બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યાં. એકમાત્ર પ્રતિસ્પર્ધી, અપક્ષ ઉમેદવાર લલ્લુભાઇ દેસાઇભાઇ પટેલને સહેલાઇથી હરાવીને મણિબહેન લગભગ ૬૦ હજાર મતના તફાવતથી જીત્યાં. ૧૯૫૭ની ચૂંટણીમાં મણિબહેન ફરી ઊભા રહ્યાં. આ વખતે બેઠકનું નામ બદલાઇને ‘આણંદ’ થયું હતું. મણિબહેનની સામે અપક્ષ ઉમેદવાર તરીકે ઊભેલા દાદુભાઇ અમીન લગભગ ૩૮ હજાર મતથી હાર્યા.

મણિબહેન કરતાં જુદા રાજકીય રસ્તે ડાહ્યાભાઇ સાંસદ બન્યા. ૧૯૫૮માં ડાહ્યાભાઇ મહાગુજરાત જનતા પરિષદના ટેકાથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઇને રાજ્યસભામાં પહોંચ્યા. તેના બીજા વર્ષે સ્વતંત્ર પક્ષની સ્થાપના થઇ. ગુજરાતમાં તેના આગેવાન તરીકે સરદારના વિશ્વાસુ અને વિદ્યાનગરના સ્થાપક ભાઇલાલભાઇ પટેલ (ભાઇકાકા) હતા. ૧૯૬૦માં ગુજરાત રચાયા પછી ૧૯૬૨માં લોકસભાની ચૂંટણી આવી. તેમાં ‘સ્વતંત્ર પક્ષ’ કોંગ્રેસનો મુખ્ય વિરોધી પક્ષ હતો.

રાજકારણના તકાદા પણ કેવા! ગુજરાત બન્યા પછીની પહેલી લોકસભા ચૂંટણીમાં ગુજરાત જેમનું ગૌરવ લેતાં થાકતું નથી એવા સરદાર પટેલનાં પુત્રી મણિબહેન સામે સરદારના વિશ્વાસુ એવા ભાઇકાકાના પક્ષના ઉમેદવાર નરેન્દ્રસિંહ મહિડાનો મુકાબલો થયો. લડાઇ વ્યક્તિની નહીં, પક્ષની હતી. સરદારને કોંગ્રેસ દ્વારા અન્યાય થયો છે, એવો પ્રબળ મત ધરાવતા ભાઇકાકા પૂરા જુસ્સાથી એ સમયની કોંગ્રેસની નીતિરીતિઓ સામે પડ્યા હતા. સરદારના પુત્ર ડાહ્યાભાઇ પટેલ ભાઇકાકાના વિચારો સાથે સંમત હતા. ડાહ્યાભાઇના સાળા પશાભાઇ પટેલ (ટ્રેક્ટરવાળા) પણ ભાઇકાકાની સાથે હતા. બીજી તરફ, મણિબહેન પિતાના મૃત્યુ પછી તેમની સંસ્થાને વળગી રહ્યાં. જોકે, આઝાદી પછીના રાજકારણના ઝડપથી બદલાતા માહોલમાં મણિબહેન બદલાયાં કે અભડાયાં નહીં. રાજકારણને તેમણે વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા કે સત્તા-સમૃદ્ધિનું સાધન કદી ન ગણ્યું.

મણિબહેનની બેદાગ પ્રતિભા છતાં કોંગ્રેસ પક્ષમાં હોવું તેમને નડી ગયું. ૧૯૬૨ની ચૂંટણીમાં આણંદ બેઠક પરથી મણિબહેનનો પરાજય થયો. સ્વતંત્ર પક્ષના નરેન્દ્રસિંહ મહિડા આશરે ૧૩ હજાર મતની સરસાઇથી વિજયી થયા. સરદારનાં પુત્રી આણંદમાંથી ચૂંટણી હારે એ પણ લોકશાહી રાજકારણની વિશિષ્ટતા કહેવાય. એવું જ ડાહ્યાભાઇ પટેલ અને તેમના સાળા પશાભાઇ પટેલની બાબતમાં પણ બન્યું. સ્વતંત્ર પક્ષે ભાવનગર બેઠક પરથી ડાહ્યાભાઇનાં પત્ની ભાનુબહેનને અને સાબરકાંઠામાં કોંગ્રેસના ગુલઝારીલાલ નંદા સામે ભાનુબહેનના ભાઇ (ડાહ્યાભાઇના સાળા) પશાભાઇ પટેલને ઊભા રાખ્યા હતા. નંદા સામે પશાભાઇએ ખાસ્સી લડત આપી અને ૨૫ હજાર મતના ગાળાથી હાર્યા. પરંતુ ભાવનગરમાં પ્રજાસમાજવાદી પક્ષ અને કોંગ્રેસની લડાઇમાં ભાનુબહેનનો ખો નીકળી ગયો. ૨.૧૧ લાખ મતમાંથી ભાનુબહેનને ફક્ત ૧૪,૭૭૪ મત મળતાં તેમની ડિપોઝીટ જપ્ત થઇ.

આ ચૂંટણીમાં હારનાં બે વર્ષ પછી મણિબહેન રાજ્યસભાનાં સભ્ય તરીકે સંસદમાં ગયાં અને ૧૯૭૦ સુધી સભ્યપદે રહ્યાં. સક્રિય રાજકારણમાં આવવા ઇચ્છતા રાજ્યસભાના કેટલાક સભ્યો વચ્ચે આવતી લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવતા હોય છે. પણ મણિબહેન ૧૯૬૭ અને ૧૯૭૧ની લોકસભા ચૂંટણીઓથી દૂર રહ્યાં.

૧૯૭૩માં વઘુ એક વાર તેમણે સાબરકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પેટાચૂંટણીમાં ઝંપલાવ્યું. ત્યારે કોંગ્રેસના બે ભાગ પડી ચૂક્યા હતા. મણિબહેન ઈંદિરા કોંગ્રેસ સાથે રહેવાને બદલે જૂના જોગીઓના જૂથ ‘સંસ્થા કોંગ્રેસ’ સાથે રહ્યાં અને તેનાં ઉમેદવાર તરીકે જ સાબરકાંઠાથી ચૂંટાયાં. ૧૯૭૫માં ઈંદિરા ગાંધીએ કટોકટી જાહેર કરતાં અને ૧૯૭૭માં કટોકટી ઉપડી જતાં નવી ચૂંટણી આવી. પોતાના સક્રિય રાજકીય જીવનની છેલ્લી ચૂંટણી મણિબહેન કોંગ્રેસ સિવાયના પક્ષ તરફથી લડ્યાં. તેમનો પક્ષ હતો ભારતીય લોકદળ અને બેઠક હતી મહેસાણા.

મણિબહેનની જૂની બેઠક સાબરકાંઠા પરથી એચ.એમ.પટેલ ભારતીય લોકદળના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા, જીત્યા અને દેશના નાણામંત્રી બન્યા. એ ચૂંટણીમાં પુરૂષોત્તમ ગણેશ માવળંકર ભારતીય લોકદળના ઉમેદવાર તરીકે ગાંધીનગર બેઠક જીત્યા હતા અને રાજકોટ બેઠકના ભારતીય લોકદળના વિજેતા ઉમેદવાર હતાઃ કેશુભાઇ પટેલ!

કટોકટી પછીના કોંગ્રેસવિરોધી મોજાને કારણે ૧૯૭૭માં મણિબહેન પટેલ સવા લાખ કરતાં પણ વઘુ મતની સરસાઇથી મહેસાણા બેઠક પર જીત્યાં. દરમિયાન, તેમનાથી ટૂંકી અને ઓછી યશસ્વી રાજકીય કારકિર્દી ધરાવતા ડાહ્યાભાઇનું અવસાન થયું હતું. ડાહ્યાભાઇ મુંબઇના મેયર અને રાજ્યસભાના સભ્ય બન્યા હતા, પણ તેમના બન્ને પુત્રો વિપિનભાઇ અને ગૌતમભાઇએ સમજણપૂર્વક રાજકારણથી છેટા રહેવાનું નક્કી કર્યું. તે પોતપોતાના અભ્યાસ-વ્યવસાયના ક્ષેત્રમાં, સરદારનું નામ બિલકુલ વટાવ્યા વિના, આગળ વઘ્યા. મણિબહેન સ્વેચ્છાએ સ્વીકારેલી અકિંચન અવસ્થામાં રહ્યાં અને ૧૯૯૦માં અવસાન થયું ત્યાં સુધી વખતોવખત ‘હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરી’નો વિષય બનતાં રહ્યાં. તેમના મૃત્યુ સાથે રાજકારણમાં સક્રિય રહી ચૂકેલા સરદારના વંશનો અંત આવ્યો.

Monday, April 27, 2009

મહેન્દ્ર મેઘાણી, મનમોહન સિંઘ અને મોદી

મિત્ર સંજય ભાવે થકી જાણવા મળ્યું કે ૮૬ વર્ષના મહેન્દ્રભાઇ મેઘાણી ગઇ કાલે અમદાવાદમાં યોજાયેલી વડાપ્રધાન મનમોહન સિંઘની ચૂંટણીસભામાં ગયા હતા અને એ વિશે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ને તેમણે એક પત્ર પણ લખ્યો છે.

સમાચાર ચટપટી જગાડે એવા હતા. મહેન્દ્રભાઇને ચૂંટણી વિશે, સભા વિશે, મનમોહનસિંઘ વિશે, અમદાવાદ વિશે અને ઇન્ડિયન એક્સપ્રેસ વિશે શું કહેવાનું હશે, એવી અનેકવિધ જિજ્ઞાસા સાથે કશા સત્તાવાર પ્રયોજન વિના ફક્ત એમને મળવા માટે હું ગયો. એ વખતે અનાયાસે ઓફિસે આવેલા મિત્ર ચંદુ મહેરિયા પણ સાથે થયા.

બે-ત્રણ અઠવાડિયાં ભાવનગર જઇ આવ્યા પછી અમદાવાદમાં મંજરીબહેનને ઘેર રહેતા મહેન્દ્રભાઇ ઉનાળાને અનુરૂપ, ફક્ત લેંઘો પહેરીને કમરની ઉપરના ઉઘાડા ડીલે બેઠા હતા. (એ દૃશ્ય જોઇને મને ગાંધી-સરદાર-મહાદેવભાઇનો એક ફોટો યાદ આવ્યો, જેમાં ફક્ત સરદારે જ પહેરણ પહેર્યું છે અને બાકીની બન્ને મૂર્તિઓ પહેરણ વિના ફક્ત ધોતીભેર બેઠેલી છે.)

ગઇ કાલની સભા વિશે મહેન્દ્રભાઇને પૂછપરછ કરી એટલે એમણે ઇન્ડિયન એક્સપ્રેસને લખી મોકલેલો પત્ર વાંચી સંભળ્યાવ્યો. તેનો સાર એ હતો કે ચૂંટણીની અથવા બીજી સભામાં મોડા આવવું એ રાજકારણીઓએ અફર નિયમ બનાવી દીધો છે. વડાપ્રધાન મનમોહન સિંઘ બીજા રાજકારણીઓ કરતાં જુદા અને સારા છે. છતાં એ પણ કાલની ચૂંટણીસભામાં ૭૫ મિનિટ મોડા આવ્યા. ‘૮૬ વર્ષના પત્રકાર તરીકે હું તેમાં હાજર હતો’ એવી પોતાની ઓળખ આપીને મહેન્દ્રભાઇએ લખ્યું કે સિંઘ જેવા સુજ્ઞ માણસે આ રીતે પોતાના દેશવાસીઓનો હજારો માનવકલાકનો સમય ન વેડફાય તેનું ઘ્યાન રાખવું જોઇએ.

મારા માટે પહેલી નવાઇ તો એ કે મહેન્દ્રભાઇએ સવા કલાક સુધી મનમોહન સિંઘના આવવાની રાહ જોઇ! એ વિશે પૂછ્યું એટલે મહેન્દ્રભાઇ કહે,‘હું નક્કી કરીને ગયો હતો કે મનમોહન સિંઘને સાંભળીને જ આવીશ. નહીંતર તરત પાછો આવી ગયો હોત.’

એમને ચૂંટણી કે રાજકારણમાં રસ નથી. કિશોરલાલ મશરૂવાળાના પુસ્તક ‘સમૂળી ક્રાંતિ’નું એક પ્રકરણ ટાંકીને મહેન્દ્રભાઇ પ્રજાને કૂવા સાથે અને રાજકારણીઓને હવાડા સાથે સરખાવે છે અને કહે છે,‘હું કૂવો સાફ કરવાના કામમાં છું.’

મહેન્દ્રભાઇ નેહરૂ-ઇન્દિરા ગાંધી સહિત નેતાઓને સાંભળી ચૂક્યા છે, પણ યુવાવસ્થામાં તેમની પર વક્તા તરીકે સૌથી વઘુ અસર સમાજવાદી નેતા યુસુફ મહેરઅલીની પડી હતી. મુંબઇમાં સાંભળેલાં યુસુફ મહેરઅલીનાં પ્રવચનો તેમને ‘કન્વીન્સિંગ’ અને બરાબર યુવા નેતાનાં હોય એવાં લાગ્યાં હતાં. ઇન્દિરા ગાંધી હતાં ત્યાં સુધી રાજકારણમાં મહેન્દ્રભાઇનો રસ રહ્યો.

ઈંદિરાઘોષિત કટોકટીકાળમાં મહેન્દ્રભાઇ સંપાદિત ‘મિલાપ’માં કટોકટીના વિરોધમાં આવતા લેખો કરતાં તરફેણમાં આવતા લેખોનું પ્રમાણ વધી જવાને કારણે મનુભાઇ પંચોળી ‘દર્શક’ નારાજ થઇ ગયા હતા. તેમણે મહેન્દ્રભાઇને કહી દીઘું હતું કે ‘હવેથી મિલાપમાં મારા લેખ છાપવા નહીં.’ આ વાત પણ મહેન્દ્રભાઇ તેમની રાબેતા મુજબની, મુક્ત હાસ્યના છંટકાવ સાથેની શૈલીમાં જ કહે છે. કટોકટી વિશે મહેન્દ્રભાઇની માન્યતા વિનોબા ભાવે સ્કૂલની હતી. વિનોબાએ કટોકટીને ‘અનુશાસન પર્વ’ ગણાવી હતી.

જોકે, અત્યારે મહેન્દ્રભાઇ કહે છે કે એ ઉપમા યોગ્ય ન હતી. ‘મોટામાં મોટી (રશિયાની) ક્રાંતિ પણ સિત્તેર વર્ષમાં ભાંગી પડી અને રશિયા હવે બમણા જુસ્સાથી મૂડીવાદી બની રહ્યું છે. કારણ કે રશિયાની ક્રાંતિ લોહીથી સિંચાયેલી હતી. એટલે લોકશાહી વિના ઉદ્ધાર નથી, એવી મહેન્દ્રભાઇની દૃઢ માન્યતા છે.

નરેન્દ્ર મોદીને ભયંકર માણસ ગણાવીને મહેન્દ્રભાઇએ કહ્યું કે મોદી આખા ગુજરાતને પોતાની તરફેણમાં કરી શકશે, તો પણ એક માણસ (મ.મેઘાણી પોતે) તેની સામે બાકી રહેશે. મોદીની સાથે જોડાતા મુસ્લિમો વિશે તેમણે કહ્યું કે,‘એવી તસવીરો જોઇને ઘણી વાર મને થાય છે કે મુસ્લિમ એ છે કે હું છું? મુસ્લિમ એટલે ધર્મની રીતે નહીં, પણ અત્યાચારનો ભોગ બનનાર.’
મેં માનસશાસ્ત્રમાં સ્થાન પામેલા મનોવલણ ( સ્ટોકહોમ સિન્ડ્રોમ?) ની વાત કરી, જેમાં અપહૃત વ્યક્તિ કે સમુદાય અપહરણકર્તામાં પોતાના તારણહારનાં દર્શન કરે અને તેને સાચવી લઇશું તો પોતાની સલામતી જળવાઇ રહેશે એવું વિચારવા લાગે.

એક સમયે મહેન્દ્રભાઇ કલકત્તાથી નીકળતું ‘સ્ટેટ્સમેન’ દૈનિક લવાજમ ભરીને પોસ્ટમાં મંગાવતા હતા. ‘હવે મારા મત પ્રમાણે એનું ધોરણ પહેલાં જેવું નથી રહ્યું’ એમ કહેતા મહેન્દ્રભાઇ સ્ટેટ્સમેન મંગાવતા નથી. ‘હિંદુ’માં વાંચવા જેવું ઘણું આવે છે, પણ ફક્ત વાંચીને બેસી રહેવાનું મહેન્દ્રભાઇથી બનતું નથી. ‘સારૂં વાંચું તે બીજાને વહેંચું નહીં ત્યાં સુધી ચેન ન પડે.’ એટલે અત્યારે મહેન્દ્રભાઇ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ વાંચે છે અને ‘દિવ્ય ભાસ્કર’ ઘરે આવે છે એટલે જોઇ લે છે.

ગુજરાતનાં પખવાડિક ‘પોતાને વિચારપત્ર કહેવડાવતાં સામયિકો’ વિશે મહેન્દ્રભાઇએ કહ્યું કે ત્રણ સામયિકો પખવાડિક તરીકે નીકળતાં હોય અને મર્યાદિત- એના એ જ વર્તુળમાં ઓછી સંખ્યામાં જતાં હોય, એને બદલે એ ત્રણે ભેગા થઇને એક અઠવાડિક કાઢીને તેની ૫૦ હજાર નકલ કેમ ન છાપે?

૪ મેના રોજ અમેરિકા જતા મહેન્દ્રભાઇનો મત ભાવનગરમાં છે. એટલે ૩૦મી તારીખે ફક્ત મત આપવા માટે એ ભાવનગર જવાના નથી. ‘મતદાન પવિત્ર ફરજ છે’ વગેરે આદર્શો મેં સહેજ રમૂજ સાથે યાદ કરાવતાં મહેન્દ્રભાઇએ કહ્યું,‘એક મતથી એવો કંઇ ફેર પડતો નથી.’ ચંદુભાઇએ ઉમેર્યું,‘ભાવનગરમાં એવા કોઇ ઉમેદવાર પણ નથી, જેને મત આપવા આટલી દોડાદોડ કરવાનું મન થાય.’

Friday, April 24, 2009

ગાયક ચંદ્રુ આત્માની વિદાય

ગણીને બે આખાં અને બે ‘ક્વાર્ટર’ ફિલ્મી ગીતો ગાનાર ચંદ્રુ ચૈનાણી ઉર્ફે ચંદ્રુ આત્માનું 12 એપ્રિલના રોજ મુંબઇમાં અવસાન થયું. તેના ખબર હરીશ રઘુવંશી જેવા ખંતીલા સંશોધકને છેક ગઇ કાલે મળ્યા હોય, તો બીજા સંગીતપ્રેમીઓ સમાચાર ન જાણતા હોય એ સ્વાભાવિક છે.

વિખ્યાત ગાયક સી.એચ.આત્મા (સાચું નામઃ હસમતરાય આત્મારામ ચૈનાણી)ના નાના ભાઇ ચંદ્રુ આત્મા આજીવન ‘સાયગલ સંધ્યા’ નામે સાયગલનાં ગીતોના કાર્યક્રમો આપીને જાણીતા બન્યા હતા. બેનેગલે ‘ભૂમિકા’માં સાયગલ-યુગની અસર પેદા કરવા માટે જ ચંદ્રુનો અવાજ વાપર્યો હતો. એમનો ઘેરો, સી.એચ.આત્મા જેવો અવાજ સંગીતકારોને પાર્શ્વગાયન માટે અનુકૂળ નહીં લાગ્યો હોય. એટલે તેમણે ફક્ત ચાર ફિલ્મમાં ગીત ગાયાં. હરીશભાઇએ રાબેતા મુજબના ઉત્સાહ અને ચીવટથી આપેલી માહિતી પ્રમાણે, એ ચાર ગીતોની વિગતઃ
1. મેરી ઝિંદગીકી કશ્તી- ભૂમિકા – 1977- સંગીતઃ વનરાજ ભાટિયા
2. હમ પાપી તુમ - સાહિબબહાદુર – 1977 – સહગાયકોઃ મહેન્દ્ર કપુર-અંબરકુમાર-ચંદ્રાણી મુખર્જી-દિલરાજ કૌર- સંગીતઃ મદનમોહન
3. સાંવરિયા તોરી પ્રીત- પ્રેમબંધન- 1978- લક્ષ્મીકાંત-પ્યારેલાલ
4. તુમસે બઢકર દુનિયામેં- કામચોર-1982- રાજેશ રોશન
‘કામચોર’ના ગીત વખતે ફિલ્મમાં રેકોર્ડ વાગતી બતાવાય છે, જેની પર ગવાતું ગીત ચંદ્રુના અવાજમાં છે. શરૂઆત પછીનું ગીત કિશોરકુમારના અવાજમાં શરૂ થાય છે.

ચંદ્રુના ભાઇ અને આજીવન સાયગલની છાયામાંથી બહાર નહીં આવી શકેલા સી.એચ.આત્માનો અવાજ મધુર હતો. દેખાવ પણ ગાયકોની સરખામણીમાં સારો. એટલે સી.એચ.આત્માએ કેટલાંક અત્યંત જાણીતાં ગીતો ગાવા ઉપરાંત ત્રણ ફિલ્મોમાં અભિનય પણ કર્યો. ‘ભાઇસાહબ’ (સંગીત-નીનુ મઝમુદાર) અને ‘બિલ્વમંગલ’ (સં-બુલો સી રાની)માં આત્મા હીરો હતા, જ્યારે ‘ગીત ગાયા પથ્થરોંને’માં તેમની ભૂમિકા હતી. એ સિવાય ‘આસમાન’, ‘ઢાકે કી મલમલ’ (ઓપી નૈયર), ‘નગીના’ (શંકર-જયકિશન)માં આત્માએ પ્લેબેક આપ્યું હતું. તેમનાં જાણીતાં ફિલ્મી ગીતોમાં રોઉં મૈં સાગરકે કિનારે, ઇસ બેવફા જહાંમે, મંડવે તલે ગરીબકે...
ઓ.પી.નૈયરે સંગીતબદ્ધ કરેલા બિનફિલ્મી ગીત ‘પ્રીતમ આન મિલો’થી સીએચ આત્મા પ્રસિદ્ધ થયા. એ જ ગીત છેડછાડ સાથે ‘અંગૂર’માં ચંદ્રુ આત્માએ ગાયું હોવાની મારી છાપ હતી, પણ હરીશભાઇએ ખરાઇ કરીને કહ્યું કે એ અવાજ ‘અંગુર’ના સંગીતકાર આર.ડી.બર્મનના સહાયક સપન ચક્રવર્તીનો છે.
ફિલ્મસંગીતના ઇતિહાસમાં ચંદ્રુ આત્માનું નામ સી.એચ.આત્માની ફૂટનોટમાં (અને સી.એચ.આત્માનું નામ સાયગલની ફૂટનોટમાં?) લેવાશે.

કળાત્મક તસવીર-પ્રદર્શન

‘એક તસવીર બરાબર એક હજાર શબ્દો’ના ચાઇનીઝ સ્કેલમાપને કેટલાક ગુજરાતી તસવીરકારો તરફથી ગંભીર પડકાર ઊભો થયો છે. આ તસવીરકારો સારી તસવીરો પાડીને હાંઉ કરવાને બદલે ફોટોલાઇન તરીકે નિબંધો લખવે ચડ્યા છે. ‘આ મારી સ્ટાઇલ છે’ એવું કહેવાથી પોતાનાં ‘પાપ’નો પૂરતો અને વાજબી ખુલાસો આપી દીધો ગણાય, એવું સૌ માનતા હોય છે.

આ પ્રકારના મારાની વચ્ચે વચ્ચે ફોટોગ્રાફી વિશેની મૂળ સમજણ ટકાવી રાખવા અને તેને વિકસાવવાનું કામ કરી શકે, એવું એક તસવીર પ્રદર્શન અત્યારે અમદાવાદમાં ચાલી રહ્યું છે. ખરેખર તો પૂરું થવામાં છે. 26 એપ્રિલ છેલ્લી તારીખ છે.

આ પ્રદર્શનમાં તસવીરકાર મિત્ર વિવેક દેસાઇ, પત્રકારત્વમાં આવ્યા પહેલાં જેમની સાથે સંપર્ક હતો તે વલ્લભવિદ્યાનગરના સુનિલ અદેસરા અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર મનોજ ધોળકિયાની ચુનંદી તસવીરો મુકાઇ છે. મનોજભાઇની તસવીરોમાં પ્રકૃતિ અને પ્રાણીજગત પૂર્ણ કળાએ – તેના દસ્તાવેજી નહીં પણ કળાકીય સ્વરૂપે પ્રગટ થાય છે. સુનિલ અદેસરા આસપાસચોપાસ પ્રકૃતિની લીલા નીરખે છે અને તેને પોતે જુએ છે એ જ સ્વરૂપે આપણને બતાવે છે. વિવેક દેસાઇની તસવીરો આપણી આસપાસની જિંદગીની સામાન્ય ક્ષણોની અસામાન્યતા ફ્રીઝ કરીને આપણી સામે મુકે છે.

તસવીરો વિશે વધારે પિંજણ કરીને મારે ઉપર જણાવેલું પાપ વહોરવું નથી. અમદાવાદમાં રહેતા મિત્રોએ જોઇ આવવા જેવું પ્રદર્શન.
સ્થળઃ હરવીત્ઝ ગેલેરી, હુસૈન-દોશી ગુફા, વિક્રમ સારાભાઇ કમ્યુનિટી સાયન્સ સેન્ટર સામે
સમયઃ સાંજે ચારથી આઠ

(ડાબેથીઃ મનોજ ધોળકિયા, વિવેક દેસાઇ, સુનિલ અદેસરા)

Wednesday, April 22, 2009

Bharat Ek Khoj : Don't 'khoj', It's here !

Thanks to Rashmibhai Kamdar (US), I have got a link worth sharing.
For many die-hard fans of Shyam Benegal's epic 'Bharat Ek Khoj' (I'm one), DVD set of the said series proved to be quite a costly affair. Now most of the episodes of the series are availble - with its great title music + text- on
http://watchbharatekkhoj.blogspot.com/
I'm putting the link on my bog-roll too.
Enjoy.
(Have to write this post in english as Guj fonts are not handy rightnow.)

Tuesday, April 21, 2009

પદ્મપુરસ્કાર સમારંભઃ દિલ્હી દરબારની દેશી આવૃત્તિ?

થોડા વખત પહેલાં પદ્મપુરસ્કાર એનાયત કરવાના સમારંભનો ભાગ બીજો યોજાઇ ગયો. હવે દેશનાં મંત્રીમંડળોની જેમ પદ્મપુરસ્કૃતોની સંખ્યા એટલી વધી ગઇ છે કે જનરલ નોલેજમાં તેમનાં નામ ગોખાતાં નથી. કેટકેટલાં યાદ રાખવાં! જેને પૂરતા પ્રમાણમાં જાહેરખબરો મળતી હોય એવાં છાપાં પુરસ્કારવિજેતાઓની આખી યાદી સુદ્ધાં છાપતાં નથી. આ એક વાત.

બીજી અને મુખ્ય વાતઃ ‘પદ્મભૂષણ’થી સન્માનિત અને દિલ્હીના સમારંભમાં ઉપસ્થિત રહીને સન્માન સ્વીકારનાર વડોદરાના મ્યુઝિકોલોજિસ્ટ આર.સી.મહેતાને બીજા દિવસે બીરેન (કોઠારી) મળ્યો હતો.

મહેતાસાહેબનું નામ પદ્મ-યાદીમાં જાહેર થયું ત્યારની પોસ્ટ

તેમની સાથેની વાતચીતમાંથી બીરેનને જાણવા મળ્યું કે પદ્મપુરસ્કારોનો સમારંભ યોજાય તેના આગલા દિવસે આખા સમારંભનું ‘ડ્રેસ રીહર્સલ’ યોજાય છે. (‘ડ્રેસ રીહર્સલ મારો શબ્દ છે) તમામ પુરસ્કાર-વિજેતાઓએ ફક્ત સમારભમાં જ નહીં, રીહર્સલમાં આવવું પણ ફરજિયાત છે. તેમાં ગેરહાજર રહેવા માટે ઘણા સમય પહેલાં અને યોગ્ય કારણ આપીને જાણ કરવી પડે. નકલી સમારંભમાં સન્માનનીય પુરસ્કૃતોને શીખવવામાં આવે છે કે રાષ્ટ્રપતિ સમક્ષ કેવી રીતે પેશ આવવું, ક્યાંથી ચાલીને જવું, ક્યાં વળવું... નકલી સમારંભમાં રાષ્ટ્રપતિની જગ્યાએ બીજો કોઇ અફસર બેઠો હોય.
બાકાયદા સન્માનિતોનાં નામ જાહેર થાય, બ્યુગલ વાગે, રાષ્ટ્રપતિની જગ્યાએ બેઠેલા ‘ડુપ્લીકેટ’ અસલી મેડલની પ્રતિકૃતિ સન્માનિતોને પહેરાવે...(રીહર્સલમાં વપરાતી મેડલની પ્રતિકૃતિનો ફોટો આ સાથે મુક્યો છે) આ બધી નાટકબાજી ‘વ્યવસ્થા અને આયોજન’ના તથા રાષ્ટ્રપતિની ગરીમા જાળવવાના નામે!

દેશના પ્રથમ નાગરિક તરીકે રાષ્ટ્રપતિ આદરણીય છે, પણ એ રાજા કે વાઇસરોય નથી. એ પ્રભુના નહીં, પ્રજાના પ્રતિનિધિ છે. તેમની ગરીમાની આટલી બધી ચિંતા હોય, તો પોતાના પ્રદાન બદલ સન્માનિત થવા આવેલા લોકોની ગરીમાનું શું? રાષ્ટ્રપતિ સમક્ષ કેમ લળવું ને કેમ વળવું એ શીખવ્યા વિના તેમને જરૂરી હોય એટલી સૂચનાઓ અંગત રીતે કે ફોન પર આપીને સીધા સમારંભમાં બોલાવી ન શકાય?
અંગ્રેજોના જમાનામાં મોટે ભાગે લોર્ડ કર્ઝને ૧૯૦૫માં દિલ્હી દરબાર ભર્યો હતો ત્યારે આવા બધા નિયમો હતાઃ વાઇસરોય સામે કેવી રીતે જવું, કેવી રીતે લળવું, કેવી રીતે પાછા ફરવું, પીઠ ન દેખાડવી...અંગ્રેજો ગયા, પણ સન્માન પાછળની માનસિકતા, કમ સે કમ સમારંભના મુદ્દે બદલાઇ હોય એવું લાગતું નથી.

Monday, April 20, 2009

ગુજરાતી શબ્દોના અક્ષયપાત્ર જેવા ‘ભગવદ્ગોમંડળ’ના સંપાદકઃ ચંદુલાલ પટેલ

અંગ્રેજીની સરખામણીએ ગુજરાતી ભાષા સમૃદ્ધ છે કે દરિદ્ર? તેનું શબ્દભંડોળ કેવું ને કેટલું? એક ભાષા તરીકે ગુજરાતી બીજી કોઇ પણ ભાષાની ટક્કર લઇ શકે એટલી સદ્ધર છે કે નહીં? આવા વર્ષોજૂના સવાલ, ગુજરાતી ભાષા પર ઈંગ્લીશ મીડિયમના આક્રમણને કારણે વધારે અણિયાળા બન્યા છે.

એક વિકલ્પ, મરણપથારીએ પડેલી મા સમી ગુજરાતી ભાષા સાવ ખલાસ થાય તે પહેલાં જ તેના નામની પોક મૂકવાનો છે. એ સૌથી લોકપ્રિય છે (કારણ કે) સહેલો પણ છે. બીજો વિકલ્પ મરણપથારીએ પડેલા દર્દીને દવા આપવાને બદલે, પથારી પાસે બેસીને રોગનું સૈદ્ધાંતિક વિવેચન કરવાનો છે, જે (આ લખનાર સહિત) ઘણા વખતોવખત કરતા હોય છે. એમ કરવાથી દર્દ વિશે લોકોની જાણકારી અને જાગૃતિમાં વધારો કર્યાનો સંતોષ મેળવી શકાય છે, પણ દર્દીની હાલતમાં ફરક પડતો નથી.

ત્રીજો વિકલ્પ નક્કર ઉપાયો યોજવાનો છે. ‘ભગવદ્ગોમંડળ’ - અને તેની વેબસાઇટ- તેનો ઉત્તમ નમૂનો છે. ગુજરાતી ભાષાના સૌથી મોટા, (વિદ્યાપીઠના ‘સાર્થ જોડણીકોશ’ કરતાં પાંચેક ગણા વધારે) કુલ ૨.૮૧ લાખ શબ્દો ધરાવતા સચિત્ર જ્ઞાનકોશ તરીકે ‘ભગવદ્ગોમંડળ’ની ખ્યાતિ સજ્જડ છતાં ઓસરતી છે. કોશને ફરી છાપવાનું અને ઇન્ટરનેટનો યુગ આવતાં તેની વેબસાઇટ તૈયાર કરવાનું મોટું કામ ‘પ્રવીણ પ્રકાશન’ દ્વારા થયું. એ જ કોશની સામગ્રીને ચિત્રો સહિત, વઘુ રોચક અને વાચક-ઉપયોગી (રીડર-ફ્રેન્ડલી) રીતે વેબસાઇટ www.bhagvadgomandal.com પર મુકવાનું કામ ‘ગુજરાતી લેક્સિકોન’થી જાણીતા ચંદરિયા ફાઉન્ડેશને કર્યું. આ કામગીરીને કારણે ‘ભગવદ્ગોમંડળ’ને નવું જીવન અને કમ્પ્યુટર પર ગુજરાતી ભાષાના ઉપયોગને નવું બળ મળ્યાં છે.
કોશના મૂળ કામની શરૂઆત ગોંડલના પ્રગતિશીલ રાજવી ભગવતસિંહજીનાં પ્રેરણા-પરિશ્રમ-પૈસા અને દૃષ્ટિથી થઇ હતી. એટલે ભગવદ્ગોમંડળની બન્ને વેબસાઇટ પર યોગ્ય રીતે જ તેમનો મહિમા કરવામાં આવ્યો છે. પરંતુ ૯ ભાગના આ શબ્દસાગરના સંપાદક ચંદુલાલ પટેલની ગેરહાજરી સાલે એવી છે. તેમનો નામોલ્લેખ છે, પણ શોધવો પડે એવો.
સાઇટ ખોલતાંની સાથે ભગવતસિંહની તસવીર નીચે ચંદુલાલ બહેચરલાલ પટેલની તસવીર જોવાની અપેક્ષા રહે, એનાં ઘણાં કારણ છે. બાયો-ડેટામાં લખી શકાય એવી ‘સત્તાવાર’ માહિતી એ કે ભગવદ્ગોમંડળના સંપાદનકાર્ય બદલ ગુજરાતી સાહિત્યના સર્વોચ્ચ ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ (૧૯૫૪) થી ચંદુલાલ પટેલને સન્માનવામાં આવ્યા- રૂઢ અર્થમાં ચંદુલાલ પટેલ સાહિત્યકાર ન હોવા છતાં! કોશના પહેલા બે ગ્રંથો તૈયાર થયા ત્યારે તેનું પૂજન દ્વારકા પીઠના શંકરાચાર્ય અભિનવતીર્થજીએ કર્યું. તેમણે ચંદુલાલ પટેલને ‘વિદ્યાવારિધિ’ (જ્ઞાનસાગર)ની પદવી આપી.
કોશનું કામ પૂરૂં થયું ત્યારે ગોંડલનરેશ વિક્રમસિંહે ચંદુલાલ પટેલને પોશાકના રૂ.૧,૫૦૦ - અને આ કામમાં ખાસ ઉપયોગી થયેલા સ્ટાફને ઇનામ બદલરૂ.૫૦૦ આપવાની જાહેરાત કરીને લખ્યું હતું,‘શબ્દકોશ સદ્ગત મહારાજા ભગવતસિંહજી બાપુની દોરવણી મુજબ તૈયાર કરાવવાનું મહાન કામ પૂરૂં કરવાનો મોટા ભાગનો યશ ગોંડલના માજી વિદ્યા અધિકારી શ્રી ચંદુલાલ પટેલને ફાળે જાય છે.’
થોડાં વર્ષ પહેલાં સાર્થ જોડણીકોશ તૈયાર કરાવી ચૂકેલા ગાંધીજીને આ મહાકાર્યની પ્રસ્તાવના લખવાની વિનંતી કરવામાં આવી, તેનો જવાબ પણ ગાંધીજીએ ‘ભાઇ ચંદુલાલ’ને લખ્યો હતોઃ ‘તમારો કાગળ મળ્યો. પ્રસ્તાવના લખવાની મારી શક્તિ નથી. તમારા સાહસથી હું મુગ્ધ થયો છું. એથી માતૃભાષાની મોટી સેવા થશે એમ માનું છું.- બાપુના આશીર્વાદ, પંચગની, ૯-૭-૪૪’
૧૯૪૧માં મહારાજ ભગવતસિંહનું અવસાન થયા પછી તેમના વારસદારોએ અને આઝાદી પછી સૌરાષ્ટ્ર સરકારે ચંદુલાલ પટેલને કોશકાર્ય ચલાવવા દીઘું. ૨૬ વર્ષની મહેનતને અંતે ૧૯૫૫માં આ મહાકાર્ય પૂરૂં થયું ત્યારે સ્વ. ભગવતસિંહ અને ચંદુલાલ પટેલ પર મહાનુભાવોની પ્રશંસાનો વરસાદ વરસ્યો. કનૈયાલાલ મુનશીએ ેએટલે સુધી લખ્યું કે ‘જેમ જોન્સનના કોષે અંગ્રેજી ભાષાને સ્થાયી બનાવી, તેમ આ કોષ ગુજરાતી ભાષાના સાહિત્ય અને પ્રયોગમાં જરૂર સ્થાયિત્વ આણશે.’
‘શબ્દકલ્પદ્રુમ’ (શબ્દોનું કલ્પવૃક્ષ) તરીકે ઓળખાયેલા આ કોશનું કામ ૧૯૨૮માં શરૂ થયું ત્યારે ચંદુલાલ પટેલ ગોંડલ રાજ્યના વિદ્યાધિકારી હતા. આ હોદ્દો તેમણે ૧૯૧૬થી ૧૯૫૨ સુધી સંભાળ્યો. ત્યાર પછી પણ કોશનું કામ પૂરૂં કરવા ૧૯૫૫ સુધી કોશ કાર્યાલય સાથે સંકળાયેલા રહ્યા. રાષ્ટ્રિય સ્તરનું ગજું ધરાવતા ચંદુલાલ પટેલ અને ભગવતસિંહજીનો કાર્યવિસ્તાર ગોંડલ રહ્યો, તે ગુજરાતી ભાષાનું સદ્ભાગ્ય બન્યું.
ભાષાપ્રેમ અને શિક્ષણનું વાતાવરણ ચંદુલાલને કુટુંબમાંથી મળ્યું. તેમના પિતા બહેચરલાલ પટેલ કવિ ‘વિહારી’ તરીકે સાહિત્યજગતમાં જાણીતા હતા. સંસ્કૃત, ગણિત, તત્ત્વજ્ઞાન જેવા અનેક વિષયોમાં પારંગત ‘વિહારી’ દેશી રજવાડામાં રહ્યા હોવા છતાં રાષ્ટ્રભાવનાથી છલકાતા હતા. ‘વંદે માતરમ્’નો તેમણે કરેલો ગુજરાતી અનુવાદ ‘નમું સુફળ વિમળ જળવાળી- મા વંદે માતરમ્/ ધાન્યે લીલીછમ હરિયાળી- મા વંદે માતરમ્’ ગોંડલ રાજ્યની નિશાળોમાં ગવાતો હતો.
ગણિત સાથે બી.એ. થયેલા ચંદુલાલ પટેલે નર્મદના જોસ્સાથી પ્રભાવિત થઇને ‘પ્રેમશૌર્ય સોસાયટી’ કાઢી, જેમાંથી આગળ જતાં વિદ્યાર્થી આશ્રમ, ‘પટેલબંઘુ’ માસિક, પાટીદાર યુવક મંડળ જેવી ઘણી પ્રવૃત્તિઓ ખીલી. સુરતના પટેલ વિદ્યાર્થી આશ્રમ (સ્વરાજ આશ્રમ)ના મૂળમાં પણ એ ‘પ્રેમશૌર્ય સોસાયટી’ જ. ત્યાં કામ કરતાં ચંદુલાલ પટેલને રણજિતરામ મહેતા અને સ્વામી અખંડઆનંદ, મોતીભાઇ અમીન જેવા અગ્રણીઓનો પરિચય થયો. સ્વામી અખંડઆનંદ તેમને એક વાર લોકમાન્ય ટીળક પાસે પણ લઇ ગયા હતા.
૧૯૧૫માં સુરત સાહિત્ય પરિષદનું અધિવેશન ભરાયું ત્યારે રણજિતરામ મહેતાએ ચંદુલાલને જૂના દસ્તાવેજો, તામ્રપત્રો, શિલાલેખ, અપ્રસિદ્ધ પત્રો વગેરેની વ્યવસ્થાનું જવાબદારીભર્યું કામ સોંપ્યું. તેનાથી ચંદુલાલને પ્રાચીન ગુજરાતી ભાષાનો થોડોઘણો સ્વાઘ્યાય થયો. એ સમયથી જ સંપાદનની તેમની લગન એવી કે શાકુંતલ, રધુવંશ, કુમારસંભવ, નીતિશતક જેવા સંસ્કૃત ગ્રંથો અને બાયરન, બેકન, કાર્લાઇલથી માંડીને ફ્રેન્ચ ક્રાંતિ સુધી વિશેના સાહિત્યમાંથી વિચારકણિકાઓ ચૂંટીને વિદ્યાર્થીઓને આપે. તેમની આ વૃત્તિ ‘ગાંધીજ્ઞાનકોષ’ (ગાંધીજીના વિચારોનું સંપાદન) અને ‘ભગવદ્ગોમંડળ’ના મહાકાર્યમાં પૂર્ણપણે ખીલી ઉઠી. ‘ગાંધીજીનાં વિચારરત્નો’ શીર્ષક હેઠળ ચંદુલાલે કરેલું કરેલું સંપાદન એટલું ઉત્તમ થયું કે ૧૯૩૨માં- ગાંધીજીની હયાતીમાં- ગુજરાત વિદ્યાપીઠ દ્વારા તેને પાઠ્યપુસ્તક તરીકે મંજૂર કરવામાં આવ્યું.
ભગવતસિંહ જેવા વિદ્યાપ્રેમી, પ્રગતિશીલ રાજવીના શાસનમાં વિદ્યાધીકારી તરીકે ચંદુલાલ પટેલે અનેક એવાં કામ કર્યાં, જે આઝાદ ભારતની સરકારો પણ કરી શકી નથી. ચંદુલાલ પટેલની દેખરેખ હેઠળ તૈયાર થયેલી ગોંડલ રાજ્યની વાચનમાળા બીજાં રજવાડાંની શાળામાં ચાલતી હતી. ભારત ઉપરાંત રંગૂન, આફ્રિકા અને એડનમાં ચાલતી ગુજરાતી નિશાળો સુધી ચંદુલાલ પટેલની વાચનમાળા પહોંચી હતી. રૂઢિચુસ્તોના વિરોધ વચ્ચે ગોંડલ રાજ્યમાં કન્યાકેળવણી ફરજિયાત કરવાના હુકમનો અમલ પણ તેમણે અસરકારક રીતે કરાવ્યો.
આ જ ચંદુલાલ પટેલ ઢળતી વયે લકવાગ્રસ્ત બન્યા ને તેમનો જમણો હાથ કામ કરતો બંધ થયો, ત્યારનો એક મર્મસ્પર્શી પ્રસંગ રજનીકુમાર પંડ્યાએ ‘શબ્દયોગી’ નામે લખેલા ચંદુલાલ પટેલના શબ્દચિત્ર (‘અનોખાં જીવનચિત્રો’, આર.આર.શેઠ)માં આલેખ્યો છે. પેન્શનના એક કાગળ પર ચંદુલાલની સહી કરાવવાની હતી ને જમણો હાથ કામ ન કરે. તેમના વર્ષો જૂના વિશ્વાસુ કારકૂને ચંદુલાલને સૂચવ્યું કે કાગળ પર સહી કરવાને બદલે ડાબા હાથનો અંગૂઠો પાડી દો.
ભાગ્યે જ ગુસ્સે થતા ચંદુલાલ પટેલ એ દિવસે ઉશ્કેરાઇ ગયા. કારકૂનને તતડાવી નાખ્યા ને કહ્યું,‘અંગુઠો તો ગોંડલ રાજની એકેય કન્યા પણ પાડતી નથી. ને હું અંગુઠો પાડું? નથી જોઇતું પેન્શન. લઇ જાવ કાગળીયાં.’ ૧૯૬૪માં અવસન પામેલા ચંદુલાલ બહેચરલાલ પટેલની જીવનકથા ‘જીવનપંથ’ નામે તેમના પુત્રો પ્રકાશિત કરી. તેમાંથી અને ભગવદ્ગોમંડળ વિશેનાં લખાણોમાંથી ચંદુલાલ પટેલનું ભૂલાઇ રહેલું પ્રદાન ‘રીફ્રેશ’ અને ‘અપલોડ’ કરવામાં આવે એ પણ ભાષાપ્રેમનું જ એક કામ છે.