Thursday, January 01, 2009

હાસ્ય-અદાલતની યાદગાર ક્ષણો

‘બત્રીસ કોઠે હાસ્ય’ના પ્રકાશન પ્રસંગે યોજાયેલી યાદગાર મોક-કોર્ટનો સ્લાઇડ શો આ સાથે મુક્યો છે. આ લિન્ક પર ક્લિક કરવાથી અપલોડિંગ પૂરતી રાહ જોવાથી કાર્યક્રમની ૧૫ તસવીરો જોવા મળશે. કોઇ પણ સ્લાઇડ પર ક્લિક કરવાથી તેની આખી- સ્થિર તસવીર જોઇ શકાશે.
http://www.slide.com/r/Lrt74Wq02j_dOFuDDUvIQ7pdZgaBQYWc?previous_view=mscd_embedded_url&view=original

અપૂરતી તૈયારી, છેવટ ઘડી સુધીની દોડાદોડ અને કાચાંપાકાં પરફોર્મન્સ પછી પણ બે કલાકના સમગ્ર કાર્યક્રમ દરમિયાન હોલ ભરાયેલો રહ્યો. પ્રોફેશનલ કલાકારોનું નાટક જોવા નહીં, પણ ગમતા લેખકોના મેળાવડામાં અને એક પુસ્તકના જુદા પ્રકારના વિમોચનમાં જવાનું છે, એ સમજતા ઓડિયન્સે માઇકની માથાકૂટથી માંડીને તમામ મર્યાદાઓ નભાવી લીધી અને પહેલેથી છેલ્લે સુધી હસવાના અવાજો હોલમાં ગુંજતા રહ્યા. ગમતા લોકો સ્ટેજ પર ભેગા થયા અને બાકીના ઘણા બધા ગમતા લોકોથી હોલ છલકાઇ ગયો, એ કારણથી પ્રસંગ અમારા સૌ માટે યાદગાર અને સફળ બની રહ્યો. કાર્યક્રમમાં જે આવ્યા તે સૌનો આભાર, જેમણે માણ્યો તેનો આનંદ ને મિત્ર કિરણ ત્રિવેદી જેવા અપવાદરૂપ કોઇ અધવચ્ચેથી ઊભા થઇને જતા રહ્યા તેમને આશ્વાસન.

પ્રાણલાલ પટેલની સેન્ચુરી

Pranlal Patel / પ્રાણલાલ પટેલ
(તસવીરકાર પ્રાણલાલ પટેલને આજે સોમું વર્ષ બેઠું. દસ્તાવેજી અને પિક્ટોરીઅલ તસવીરોના માહેર પ્રાણલાલ પટેલ મારા ‘સૌથી વડીલ મિત્ર’ છે. ‘સીટીલાઇફ’ પખવાડિકમાં છેલ્લા પાને ‘અમદાવાદઃ અતીત અને આજ’ વિભાગ અમે શરૂ કર્યો ને તેમાં પ્રાણલાલ પટેલની એક જૂની તસવીર અને એ જગ્યાની એક નવી તસવીર ઉપરાંત પ્રાણલાલ પટેલની નાની તસવીર પણ મુકવાનું શરૂ કર્યું. એ પાનાની સફળતા અને તેનો ‘પંચ’ માણસનારા હજુ તેને ભૂલ્યા નથી. એ સમયથી એટલે કે ૧૧-૧૨ વર્ષથી પ્રાણલાલ પટેલ મારા પ્રિય પાત્રોમાંના એક રહ્યા છે. આટલાં વર્ષોમાં સતત તેમને મળવાનું અને જુદી જુદી પરિસ્થિતિમાં તેમને જોવાનું બન્યું છે. એ જોતાં, તેમના વિશે એક લેખથી શું થાય? પણ અત્યારે, આજના દિવસ નિમિત્તે, તેમના વિશે લખેલો એક અંગતતાના સંસ્પર્શ વગરનો પ્રોફાઇલ મુકું છું. - ઉર્વીશ )
૧૦૦ વર્ષના આયુષ્યને સામાન્ય રીતે માણસના જીવનની છેલ્લામાં છેલ્લી ‘એક્સપાયરી ડેટ’ ગણવામાં આવે છે. આશીર્વાદ આપનારા પણ ‘શતાયુ ભવ’ કે ‘શતમ્ જીવેત શરદઃ’ (સો શરદઋતુ જીવો) થી આગળ વધી શકતા નથી. એટલે ભાગ્યે જ ઉદ્ભવતો પ્રશ્ન એ છે કે માણસ સો વર્ષનો થઇ જાય પછી શું?
એ ખરૂં કે બહુ ઓછા લોકો ૧૦૦ વર્ષના ‘મેજિક ફીગર’ સુધી પહોંચે છે. તેમાંથી મોટા ભાગના લોકો માટે એ ફીગર શારીરિક, આર્થિક કે કૌટુંબિક કારણોસર ‘મેજિક’ને બદલે ‘ટ્રેજિક’ બને છે. આખરે, આવી અકારી દુનિયામાં વધતી પરાધીનતા અને ઘટતી શક્તિ સાથે સો વર્ષ કેમ કરીને કાઢવાં? જીવનરસ જેવો કોઇ શોખ કે વૃદ્ધાવસ્થામાં પણ થઇ શકે એવી કોઇ પ્રવૃત્તિ ન હોય, ત્યારે આ સવાલ મોં ફાડીને ઊભો રહે છે.
એક તરફ સો વર્ષનો એક માણસ જોવાનો રોમાંચ અને બીજી તરફ ઉપર લખ્યા છે એવા બધા વિચારો, એ બન્ને વચ્ચેનું દ્વંદ્વ ફોટોગ્રાફર પ્રાણલાલ પટેલને મળતાં પહેલાં ચાલતું હોય, તો પણ એમને મળ્યા પછી મનમાં બીજા બધા વિચારો આવતા અટકી જાય છે અને બહુ મૂળભુત, બહુ સાદો અને સાવ ચીલાચાલુ સવાલ ઉદ્ગાર તરીકે મોંમાથી નીકળી જાય છે,‘દાદા, તમે ખાવ છો શું કે સોમા વર્ષે પણ હજુ સિત્તેરના લાગો છો?’
૧ જાન્યુઆરી, ૧૯૧૦ એમની સત્તાવાર વર્ષગાંઠ છે. એ હિસાબે ૧ જાન્યુઆરી, ૨૦૦૯ના રોજ તેમનું સોમું વર્ષ બેઠું. ‘પણ આ તો સ્કૂલમાં બેસાડવા માટે જે તારીખ લખાવી હતી એ પ્રમાણે. બાકી, મારી અસલી જન્મતારીખ તો જુદી છે. એના હિસાબે મને સો પૂરાં થઇ ગયાં હશે.’ પ્રાણલાલ પટેલ ૧૦૦ વર્ષના ચહેરા પર ૧૦ વર્ષના બાળક જેવું હાસ્ય લાવીને કહે છે.
શબ્દાર્થમાં જેનાં સોએ વર્ષ પૂરાં થઇ ગયાં હોય એ માણસ પરવારી ગયેલો ન કહેવાય? પણ પ્રાણલાલ પટેલનો તસવીરી ખજાનો અને એની તેમણે કરેલી જાળવણી અનન્ય છે. વ્યાવસાયિક તસવીરકાર તરીકે ત્રીસીના દાયકાથી સક્રિય પ્રાણલાલ પટેલનો સૂઝભર્યો તસવીરસંગ્રહ, તેનું વિષયવૈવિઘ્ય, ઐતિહાસિક મૂલ્ય અને તસવીરોની ગુણવત્તા જોનારને મુગ્ધ અને સ્તબ્ધ કરી નાખે એવાં છે. તેમની પાસે છે એવી તસવીરો ખરેખર પચાસ-સાઠ-સિત્તેર વર્ષ પહેલાં કોઇએ પાડી હોય અને ત્યાર પછી જોઇએ ત્યારે પાંચ મિનીટમાં મળી જાય એટલી ચીવટથી સાચવી હોય, એવું માન્યામાં આવતું નથી. છતાં એ હકીકત છે. તેની જાહેર કદર થઇ નથી અને ગુજરાતનાં પચાસ વર્ષની ઉજવણીમાં તેનો ઉપયોગ કરવાનું કોઇને સૂઝતું નથી, એ જુદી વાત છે. કેમ કે, જાળવણી કરવાની નોકરી કરનારા મોટા ભાગના લોકોને વસ્તુમાં નહીં, મફત મળતી વસ્તુમાં રસ હોય છે.
ત્રીસીના દાયકામાં તસવીરોની નવાઇ હતી અને જમાનો સ્ટુડિયો ખોલીને કમાણી કરવાનો હતો, ત્યારે પ્રાણલાલ પટેલે આઉટડોર ફોટોગ્રાફી શરૂ કરી. એ નિર્ણયને કારણે તેમની પાસે તસવીરોનો એવો ખજાનો જમા થવા લાગ્યો, જેમાં ગુજરાતના લોકજીવનની ઝીણામાં ઝીણી વિગતો ઝીલાઇ હોય. નાનપણમાં માતા ગુમાવી દીધા પછી મામાના ઘરે ઉછરેલા પ્રાણલાલે સીંગચણા પણ વેચ્યા ને છાપાં પણ વેચ્યાં. સંગીતનો શોખ હોવાથી હાર્મોનિયમ-તબલાં પર હાથ ચલાવી જોયો ને શિક્ષક (એ જમાના પ્રમાણે ‘માસ્તર’) પણ થયાં. પણ કેમેરા હાથમાં આવ્યા પછી તેમને જીવનની દિશા જડી. એટલે, વિકલ્પ પસંદ કરવાના આવ્યા ત્યારે તેમણે ક્લાસરૂમને બદલે ડાર્કરૂમને અપનાવ્યો.
અમદાવાદના વિખ્યાત તસવીરકાર બળવંત ભટ્ટ પાસેથી પ્રાણલાલ ઘણું શીખ્યા. અમદાવાદના ગાંધી રોડ પર આવેલા ભાવનગરી સ્ટુડિયોમાં નોકરી કરી. એ સમયે ફોટોગ્રાફી સાથે સંકળાયેલી કડાકૂટનો અંદાજ બાંધવાનું ડિજિટલ કેમેરાના આ યુગમાં અઘરૂં છે. મુઠ્ઠીમાં સમાઇ જાય એવા કેમેરામાં ક્લીક કરતાં ફોટો પડી જાય ને બીજી જ ક્ષણે એનો પ્રીવ્યૂ જોવા મળી જાય, એવા જમાનામાં વજનદાર બોક્સ કેમેરા, તેની ફિલ્મો, ફ્લેશના વાંધા, બ્લેક એન્ડ વ્હાઇટને કારણે રાખવો પડતો લાઇટ- શેડનો ખ્યાલ અને ફોટો પડ્યા પછી રોલ ‘ધોવાનું’ શાસ્ત્ર- એવી અનેક કળાઓમાં માહેરિયત આવે, ત્યારે ફોટોગ્રાફર તરીકે માન્યતા મળે. ટેકનોલોજી સાવ પછાત હોવાથી ‘હાજર સો હથિયાર’ના ધોરણે કામ ચલાવવું પડે. પણ એ આવડી જાય તો પછી માણસ ક્યાંય પાછો ન પડે. જેમ કે, એ સમયે એન્લાર્જમેન્ટનું કામ કેવી રીતે થતું હતું, એની વાત કરતાં પ્રાણલાલ કહે છે,‘સ્ટુડિયોના માલિક ડાર્કરૂમમાં ઊભા રહે, હું બાજના મકાનની અગાશી પર ચડી જઊં, ત્યાં ઊભો રહીને કાચના મોટા ટુકડા વડે સૂર્યપ્રકાશ ઝીલું. કાચને ચોક્કસ ખૂણે પકડવાથી સૂર્યપ્રકાશનો શેરડો કાચ પર અને ત્યાંથી પરાવર્તીત થઇને સીધો ડાર્કરૂમમાં પહોંચે.’
ફોટોગ્રાફીમાં નડતી વાસ્તવિક તકલીફોના વ્યવહારૂ ઉકેલ કાઢવાની ખાંખતના લીધે સૌરાષ્ટ્રનાં રજવાડાંમાં ‘પટેલભાઇ’નું નામ બહુ જાણીતું હતું. તેમના કામથી પ્રસન્ન થઇને મૈસૂરના વડિયાર રાજપરિવારે બન્ને દીકરીઓના લગ્નપ્રસંગે ફોટોગ્રાફીમાં ધાર્યું પરિણામ મેળવવા માટે અમદાવાદથી પ્રાણલાલ પટેલને બોલાવ્યા હતા.
પ્રાણલાલ મિજાજે ન્યૂઝ ફોટોગ્રાફર કરતાં વધારે ‘પિક્ટોરિઅલ ફોટોગ્રાફી’ના માણસ. છતાં એ સમયની ઘણી ઐતિહાસિક ઘટનાઓ અને પાત્રોની તસવીરો તેમની પાસેથી મળી આવે. જૂનાગઢની આરઝી હકુમત હોય કે અમદાવાદમાં ગાંધીજીના અસ્થિકુંભની યાત્રા- પ્રાણલાલ પાસેથી આખો પ્રસંગ આંખ સામે ખડો થઇ જાય એવી જીવંત તસવીરો, વ્યવસ્થિત રીતે વિષયવાર ખોખાંમાં છૂટી પાડેલી મળી આવે. ‘જે ચીજ હાજર હશે તે મળશે’ નહીં, ‘જે ચીજ માગો તે મળશે’- એ વ્યાવસાયિક પત્રકાર તરીકે પ્રાણલાલની ખાસિયત. તેમણે લીધેલી સરદાર પટેલ, રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક જેવા ગુજરાતી મહાનુભાવોની તસવીરો હોય કે ૧૯૪૦માં ૪૨ રૂપિયા-૮ આનામાં અમદાવાદથી રાવલપીંડીની રીટર્ન ટિકીટ લઇને કરેલા કાશ્મીરના પ્રવાસની તસવીરો, તેમની ગુણવત્તા અને ઐતિહાસિકતા અમૂલ્ય છે.
પ્રાણલાલ પટેલની એક ઓળખ જૂના અમદાવાદના ઐતિહાસિક દસ્તાવેજકાર તરીકેની છે. તેમની તસવીરોમાં ઝીલાયેલું ત્રીસી-ચાળીસી-પચાસીના દાયકાનું અમદાવાદ હાલના મોલ-મલ્ટીપ્લેક્સ-ફ્લાયઓવરના અમદાવાદનું આરંભબિંદુ હતું. તેનાં વિવિધ સ્થળો અને સ્વરૂપોની તસવીરો અમદાવાદના જ નહીં, ગુજરાતના ઇતિહાસની મહામૂલી અમાનત છે. એવું જ તેમના જૂના કેમેરાના સંગ્રહનું પણ ખરૂં.
બે-પાંચ વર્ષ પહેલાં સુધી પ્રાણલાલ પટેલના ઘરે દિવસના સમયે જનાર માણસને ‘દાદા છે?’ના જવાબમાં, ‘બેસો ને. ડાર્કરૂમમાં છે. બોલાવું છું.’ એવો જવાબ સાંભળવા મળતો હતો. (આજે સોમા જન્મદિવસે પણ તેમણે વહેલી સવારે ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના મિત્રો સાથે બહાર નીકળીને કદાચ પહેલી વાર ડિજિટલ કેમેરાથી ફોટોગ્રાફી કરી.) તેમનાં જીવનસાથી-તસવીરકાર દમયંતિબહેને આ વર્ષે વિદાય લીધી. એ ધક્કો ખમી જઇને પણ પ્રાણલાલ પટેલ પોતાના પ્રથમ પ્રેમ-ફોટોગ્રાફીના સહવાસમાં અને પરિવારની હૂંફમાં આનંદપૂર્વક જીવન વ્યતીત કરી રહ્યા છે.
આજકાલ ચાળીસ-પચાસ વર્ષના માણસોને ‘મઝામાં ને?’ એવું પૂછવામાં જોખમ લાગે છે. કારણ કે લોકો તરત પોતે કયાં કયાં કારણોસર -ખાસ કરીને શારીરિક કારણોથી- મઝામાં નથી, તેનું લીસ્ટ ગણાવવા બેસી જાય છે. તેમની સરખામણીમાં પ્રાણલાલ પટેલની શારીરિક ફરિયાદો સાંભળીને હસવું પણ આવે. સો વર્ષનો માણસ તાવ-શરદીની કે વધારે ગંભીર ફરિયાદમાં ‘હમણાં ઢીંચણ બહુ દુઃખે છે એટલે દાદર ધીમે રહીને ચડઉતર કરવો પડે છે’ એવી વાત કરે, ત્યારે રમૂજ નહીં તો બીજું શું થાય?

Wednesday, December 31, 2008

ALL-MIGHTY : complete group of 'Hasya Adalat'


sitting (L to R) Prakash N. Shah, Urvish, Ratilal Borisagar, Tarak Maheta, Vinod Bhatt, Rajanikumar Pandya, Ashwinee Bhatt, Biren Kothari
standing (L to R) Ketan Rupera, Pranav Adhyaru, Sonal & Aastha Kothari, Salil Dalal, Binit Modi, Ashwin Chauhan, Chandu Maheriya, Ayesha Khan, Purvi Gajjar, Kartikey Bhatt, Bakul Tailor, Dipak Soliya, Hasit Maheta
(Children) Shachi & Ishaan Biren Kothari, Aastha Urvish Kothari (with book)

Monday, December 29, 2008

બત્રીસે કોઠે સંતોષ


'Na Bhuto, Na Bhavishyati' Gathering
sitting (L to R) Prakash N. Shah, Urvish, Ratilal Borisagar, Tarak Maheta, Vinod Bhatt, Rajanikumar Pandya, Ashwinee Bhatt, Biren Kothari
standing (L to R) Ketan Rupera, Pranav Adhyaru, Sonal & Aastha Kothari, Salil Dalal, Binit Modi, Ashwin Chauhan, Chandu Maheriya, Ayesha Khan, Shachi Kothari (niece), Purvi Gajjar, Kartikey Bhatt, Hasit Maheta, Dipak Soliya
‘જવા દે, મોદી. પ્રોગ્રામ-બ્રોગ્રામ કંઇ કરવું નથી. લાંબા થઇ જઇશું.’
‘ચૂપ. આમાં તારું કંઇ ચાલવાનું નથી. હું કહું છું કે પ્રોગ્રામ કરવાનો છે એટલે કરવાનો છે. બસ. આ વિશે બીજી કશી દલીલ મારે સાંભળવી નથી.’
આવો સંવાદ દોઢ-બે મહિના પહેલાં બિનીત મોદી અને મારી વચ્ચે થયો. બિનીત સામાન્ય રીતે ડોળા કકડાવતો નથી. પણ મેં પ્રોગ્રામ પર ટાઢું પાણી રેડવાની વાત કરી ત્યારે મોદીનો બચ્ચો બગડ્યો. એને બગાડીને મારે ક્યાં જવું? ને મારી પ્રોગ્રામ કરવાની ઇચ્છા તો હતી જ. પણ ‘આરપાર’ના ઘણા કાર્યક્રમોના અનુભવો પરથી, પ્રોગ્રામ સાથે સંકળાયેલા બીજા બધા વહીવટોથી હું કાયર થતો હતો. મોદીનો વીટો આવી ગયો, એટલે એ દિશામાં વિચારવાનું ન રહ્યું.

અગિયાર વર્ષ પહેલાં ‘સંદેશ’માં હાસ્યની કોલમ ‘ગુસ્તાખી માફ’ શરૂ કરી અને મિત્ર રમેશ તન્નાએ પહેલી વાર એનો સંગ્રહ કરવાનું સૂચન કર્યું, ત્યારથી એટલું નક્કી હતું કે હાસ્યના પુસ્તકનો પ્રોગ્રામ આપણે અનોખો કરવો. ભલે એમાં ગણ્યાગાંઠ્યા મિત્રો જ હાજર હોય, પણ કાર્યક્રમ કંઇક જુદો, કંઇક ભળતોસળતો કરવો. હવે કાર્યક્રમ કરવાનું નક્કી થયું એટલે ‘ભળતોસળતો’માં શું થઇ શકે, એની ચર્ચા પ્રણવ (અધ્યારુ) અને બિનીત સાથે શરૂ થઇ. રાબેતા મુજબ, પ્રણવે વાતવાતમાં આઇડીયા આપ્યો,’મોક-કોર્ટ કરીએ તો કેવું?’

જ્યોતીન્દ્ર દવે વિશેના સંશોધન નિમિત્તે એમની અને બીજી કેટલીક મોક-કોર્ટ વિશે હું જાણતો હતો. તારક મહેતા અને હરકિસન મહેતાની મોક-કોર્ટ વિશે સાંભળ્યું હતું. પણ અમદાવાદમાં કોઇ મોક-કોર્ટ થઇ હોય એવું જાણમાં ન હતું.

કદી ન થઇ હોય કે ભાગ્યે જ થઇ હોય એવી વસ્તુ સારી રીતે પાર પાડવાની ચેલેન્જ ઉપાડી લેવી અને એમાં ધંધે લાગી જવું, એ અમારી ટુકડી (કે ટોળકી?)ની ખાસ સ્ટાઇલ. એટલે મોક-કોર્ટની ચેલેન્જ અમે ઉપાડી લીધી.

નિમિત્ત ભલે મારા હાસ્યસંગ્રહ ‘બત્રીસ કોઠે હાસ્ય’ના પ્રકાશનનું હોય, પણ મારો આશય મારો જયજયકાર કરાવવાનો કે મારા વખાણનાં ગાડાં ઠલવાય એવો ન હતો. મારે તો મારા ગમતા-નિકટના-અંગત સ્નેહી ગુરૂજનો અને વિવિધ ક્ષેત્રના મિત્રોને એક મંચ પર ભેગા કરવા હતા અને એક અભૂતપૂર્વ ઐતિહાસિક યાદગીરી સર્જવી હતી.

ત્યાર પછીના ઘણા તબક્કાની રસિક કથાઓ ધીમે ધીમે બ્લોગ પર મુકતો રહીશ, પણ અત્યારે એટલું જ કહું છું કે અમારા બધાની મહેનત ફળી. હાસ્ય-અદાલતનો કાર્યક્રમ તો સફળ રહ્યો જ, પણ એ નિમિત્તે મંચ પર અને મંચની સામે થયેલું ગેધરિંગ કોઇ પણ હિસાબે ‘ઐતિહાસિક’ કરતાં જરાય ઓછું ન હતું. કેટલાકે કંઇક રમૂજમાં, કંઇક ગંભીરતાથી એમ પણ કહ્યું કે તારા લખાણથી-તારી સાથેના વિચારભેદોથી એટલી તો ખબર હતી કે તારા ‘દુશ્મનો’ બહુ હશે, પણ તારા આટલા બધા દોસ્તો હશે અને આટલા બધા લોકો સાથે તારે આટલું બધું ફાવતું હશે એ આજે જ ખબર પડી.

તારક મહેતા, વિનોદ ભટ્ટ, રતિલાલ બોરીસાગર, રજનીકુમાર પંડ્યા, અશ્વિની ભટ્ટ, સલીલ દલાલ, પ્રકાશ ન. શાહ, ચંદુ મહેરિયા, બકુલ ટેલર, દીપક-હેતલ, પૂર્વી ગજ્જર, આયેશા ખાન...આ લોકો પોતપોતાની પ્રતિકૂળતાઓને અવગણીને, ફરજથી નહીં, હકથી આવ્યા. તારકભાઇની નાદુરસ્ત તબિયત, ખાસ કરીને મોંના ચોકઠાની જબરી સમસ્યા હોવા છતાં, એમણે સ્ટેજ પર એન્ટ્રી કરી અને બોલ્યા. અશ્વિનીભાઇએ ઓડિયન્સમાંથી એન્ટ્રી લઇને તોફાન કર્યું. વિનોદભાઇની તોફાની હ્યુમર અને બોરીસાગરસાહેબની સૂક્ષ્મ, અદાલતી પરિભાષાની રમૂજને કારણે પહેલી જ મિનીટથી વાતાવરણ બંધાઇ ગયું હતું. તે છેલ્લી મિનીટ સુધી જળવાયેલું રહ્યું.

મિત્ર હસિત મહેતા સવારે સાત વાગ્યે કીમ (સુરત)થી રતિલાલ અને પ્રકાશભાઇ સાથે કારમાં નીકળ્યા હતા. એ બપોરે સમયસર અમદાવાદ આવી રહ્યા અને કાર્યક્રમમાં જોતરાઇ ગયા. પ્રણવ-બિનીત ઉપરાંત કાર્તિકેય ભટ્ટ છેલ્લા થોડા દિવસથી અમારા ત્રાસમાં સહભાગી બન્યા અને સેટ વગેરેની જવાબદારી એમણે ઉપાડી લીધી. અભિયાનના મિત્રો લાલજી અને કેતન રુપેરા, ચંદ્રશેખર વૈદ્ય, મુંબઇથી ખાસ આવેલો પ્રેમાળ મિત્ર, અજિંક્ય સંપટ...અહીં નામાવલિ ઉતારવાનો ઉપક્રમ નથી. પણ આ બધા મારા નહીં, એમના સમારંભમાં આવ્યા હોય એ રીતે આવ્યા અને વર્ત્યા. એમનાં પ્રેમ અને લાગણીથી સદાય ભીંજાયેલો રહેવા ઇચ્છું છું, એટલે ‘થેન્ક યુ’નું પોતું મારતો નથી.

તારકભાઇએ છેલ્લે એમની સ્ટાઇલમાં અમને સૌને આપેલાં કોમ્પ્લીમેન્ટ આ સૌને હું અર્પણ કરું છું. એમણે કહ્યું,’ધોનીની ટીમ જેવું ટીમવર્ક હતું.’

Thursday, December 25, 2008

તારક મહેતાઃ એંસી કી તૈસી

મોટા ભાગના ગુજરાતી લેખકને સ્વપ્નવત્ લાગે એવી લોકપ્રિયતા લેખન દ્વારા હાંસલ કરનારા તારક મહેતા આવતી કાલે 80મા વર્ષમાં પ્રવેશ કરશે. તેમના એંસી-પ્રવેશના વર્ષમાં તેમના ટપુડા સીરીઝના લેખો પરથી બનેલી સીરિયલ ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ આજકાલ દેશભરમાં લોકપ્રિય બની છે, એ તેમના સૌ ચાહકો માટે આનંદની વાત છે. એ સિરીયલના પ્રોડ્યુસરના તારક-પ્રેમની પણ દાદ આપવી જોઇએ કે તેણે સિરીયલના નામમાં તારકભાઇના નામનો સમાવેશ કર્યો અને તેનું ટાઇટલ સોંગ પણ એ જ પ્રમાણે બનાવ્યું.

સ્વભાવે અત્યંત સાલસ, પ્રેમાળ, આંટીઘૂંટી વગરના, તબિયતની અનેક મર્યાદાઓ છતાં શક્ય એટલી મદદ કરવા સદા તત્પર તારકભાઇ અને તેમને એંસી વર્ષ સુધી ટકાવી રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવનારાં ઇન્દુકાકીને અભિનંદન-શુભેચ્છાઓ.

અદાલતનાં ચક્કર

અદાલત સાચી હોય કે ખોટી, અસલી હોય કે નકલી, એક વાર એના રવાડે ચડ્યા એટલે ધંધે લગી ગયા સમજવું. શાણા માણસો જેને દૂરથી જ નવ ગજના નમસ્કાર કરે, તેને મારા જેવા સામે ચાલીને બોલાવેઃ-)
અદાલતનાં ચક્કરમાં કેટલાક મુદ્દા વિશે મારે વિગતે લખવાનું બાકી રહ્યું છે. એની અછડતી નોંધ લઇને, એકાદ અઠવાડિયા પછી એના વિશે વિગતે લખવા ધારું છું.
· સંદેશની પૂર્તિમાં સૌરભ શાહની જેલડાયરી વિશે અહીં વાત કરવામાં આવી હતી. એ કોલમનું બાળમરણ થયું છે.
· પાંચેક વર્ષના સિલસિલા પછી ‘દિવ્ય ભાસ્કર’માં હવે પ્રકાશ ન. શાહના તંત્રીલેખો પ્રગટ થશે નહીં. એટલે ‘શબ્દાર્થપ્રકાશ’ની મુખ્ય સામગ્રી હવે સહજતાથી, રોજેરોજના અખબારમાંથી નહીં મળે. પરંતુ આ માધ્યમ થકી ‘દિવ્ય ભાસ્કર’ના તંત્રી અજયભાઇ ઉમટને એવી વિનંતી કરીએ કે ‘ભાસ્કર’ની લાયબ્રેરીમાંથી ‘શબ્દાર્થપ્રકાશ’ શરૂ થયા પહેલાંનાં ભાસ્કરની ફાઇલો સુલભ કરાવી આપે, તો એ કામ આગળ વધારી શકાય. મહિને-પંદર દિવસે એકાદ વાર હું ભાસ્કરની ઓફિસે જઇને કલાક બેસીને આ કામ કરી શકું.
· ‘ટાઇમ્સ’ સાથે મફત આવતું ‘મિરર’ હવે અલગ થયું છે અને તેનો એક રૂપિયો વધારાનો આપવાનો થાય છે.
· ‘ટાઇમ્સ’માં મિત્ર આશિષ વશીએ લખેલો શતાયુ તસવીરકાર પ્રાણલાલ પટેલનો ઇન્ટરવ્યુ, અને ખાસ તો અમારા એક જૂના સાહસની યાદ તાજી કરાવતા તેમના જૂના ફોટા સાથે એ જ સ્થળોની નવી તસવીરોનો વિભાગ. (પ્રાણલાલદાદાને ગઇ કાલે મળ્યો ત્યારે તેમણે ચાળીસ વર્ષના માણસની જેમ કહ્યું,’વચ્ચે આ ઘૂંટણમાં થોડો દુઃખાવો થયો હતો. પણ હવે સારું છે. તમારા કાર્યક્રમમાં આવીશ જ.’
આ બધા વિષયો અંગે કાર્યક્રમમાંથી પરવાર્યા પછી વધુ વાતો કરીશ. હમણાં કાર્યક્રમની તૈયારીઓને લીધે બ્લોગનાં ગાબડાં માફ.

...હાજિર હો

અભૂતપૂર્વ, ઐતિહાસિક, ન ભૂતો, ન ભવિષ્યતિ...આ બધાં વિશેષણો જેના માટે અતિશયોક્તિ વિના વાપરી શકાય, એવો કાર્યક્રમ આ રવિવારે, 28 ડિસેમ્બરની સાંજે ભાઇકાકા હોલ (લૉ ગાર્ડન) અમદાવાદમાં યોજાવાનો છે. એ વાંચીને થશે,’કરો, કરો, જાતનાં વખાણ જાતે કરો.’ કારણ કે એ કાર્યક્રમ મારા હાસ્યલેખોના પુસ્તક ‘બત્રીસ કોઠે હાસ્ય’ના વિમોચન નિમિત્તે છે. પણ તેના માટે વિશેણોનો ખડકલો કરવાનું કારણ એ નથી. એક તો, એ કાર્યક્રમ ચીલાચાલુ વિમોચન નહીં, પણ મોક-કોર્ટ સ્વરૂપનો છે, બીજું, ગુજરાતી લેખન-પત્રકારત્વ જગતના જુદા જુદા પ્રવાહોના જેટલા ધુરંધરો અહીં હાજર રહીને કાર્યક્રમમાં ભાગ લેવાના છે, એવું ભૂતકાળમાં બન્યું નથી અને ભવિષ્યમાં બને એમ પણ નથી. મોક-કોર્ટના કાર્યક્રમને લગતી કેટલીક ત્રાસદાયક છતાં રસિક, પડદા પાછળની વાતો લખવાનો અત્યારે ઉપક્રમ કે સમય નથી. એના માટે અઠવાડિયું રાહ જુઓ. દરમિયાન, આ સાથે એ કાર્યક્રમનું નિમંત્રણ મુકું છું.
‘આ કુમકુમ પત્રિકાને રૂબરૂ મળ્યાતુલ્ય ગણીનૈ પધારશો’ એવું કશું લખવાનું નથી. એટલું કહું કે અમદાવાદમાં કે આસપાસમાં રહેતા મિત્રોએ આ મોકો ગુમાવવા જેવો નથી.

Friday, December 19, 2008

બ્લોગમહિમ્નસ્ત્રોત

અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, બ્લોગનું માઘ્યમ અને આ બ્લોગનું પ્રશંસાત્મક પૃથક્કરણ વાંચવામાં રસ ધરાવતા મિત્રો માટે ‘નિરીક્ષક’ના ૧-૧૨-૦૮ના અંકમાં પ્રગટ થયેલો દિવ્યેશ વ્યાસનો લેખ અહીં મુક્યો છે. ફોટો પર ક્લીક કરીને એન્લાર્જ કરવાથી લેખ વાંચી શકાશે.

Thursday, December 18, 2008

ભૂલ તુમ્હેં ભેજી હૈ ખતમેં


‘ભૂલનો સ્વીકાર કરવાનું બહુ સહેલું છે- ખાસ કરીને બીજાની ભૂલનો!’ આવું કોઇએ કહ્યું નહીં હોય તો કહેશે. પણ હકીકતમાં પોતાની ભૂલનો જાહેર સ્વીકાર કરવાનું કાઠું છે. ભૂલ ન થાય એ આદર્શ છે, જે વ્યવહારમાં હંમેશાં જળવાતો નથી. એ વખતે ભૂલ સ્વીકારવાનું વલણ બહુ ઉપયોગી થાય છે. જો કે, અત્યારે ચાલતો તેનો બીજો અંતીમ એવો છે કે નફ્ફટાઇથી ભૂલ સ્વીકારી લેવાની અને ગરજીને કહેવાનું,‘ભૂલ સ્વીકારી તો ખરી. હવે શું છે!’
બે દિવસ પહેલાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં બીજા પાને ‘કરેક્શન્સ’ નામની એક કોલમની ઊભી પટ્ટી જોવા મળી. તેમાં અખબારમાં થયેલી ભૂલોનો, ઘ્યાન દોરનારના નામ સાથે ઉલ્લેખ હતો. જ્યાં સ્પષ્ટતાની જરૂર હતી ત્યાં સ્પષ્ટતા પણ ખરી. અગાઉ એકાદ-બે વર્ષ પહેલાં ‘ધ હિંદુ’ અખબારમાં ‘રીડર્સ એડિટર’ની નિમણૂંક થઇ ત્યારે ત્યાં પણ આ પ્રકારનો સિલસિલો શરૂ થયો. પણ ‘રીડર્સ એડિટર’ની આખી પોસ્ટ આ કામ માટે ઊભી થઇ હોવાથી, એ કોલમનું કદ વાંચી ન શકાય એવી રીતે વધી ગયું. ‘એક્સપ્રેસ’માં આવું અગાઉ થયું હોય તો ખ્યાલ નથી. મારી નજર પહેલી વાર પડી.
પ્રસાર માઘ્યમો બને ત્યાં સુધી ભૂલો ન થાય તેનું ઘ્યાન રાખે, પણ મર્ફીના કે બીજા નિયમોને આધીન એ થાય જ, તો સ્વીકારવા જેટલી ખુલ્લાશ (નફ્ફટાઇ નહીં, ફક્ત ખુલ્લાશ) બહુ આવકાર્ય છે. આમ પણ મુંબઇના ત્રાસવાદી હુમલા પછી ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ કવરેજના મામલે, ઘણી જુદા પ્રકારના અને સારા રીપોર્ટંિગ દ્વારા કમ સે કમ અમદાવાદ આવૃત્તિમાં મેદાન મારી ગયું હોય એવું લાગતું હતું. તેમાં ‘કરેક્શન્સ’ની કોલમ જોઇને આનંદ થયો. કોલમની નીચે મુકેલા ચોકઠામાં ભૂલ ચીંધવા માટે ફક્ત ઇ-મેઇલ એડ્રેસ મુકવામાં આવ્યું છે, એ બદલાયેલા જમાનાની અને અંગ્રેજી વાચકવર્ગની તાસીર છે. અંગ્રેજી છાપું વાંચતો માણસ ઇ-મેઇલ વાપરતો જ હોય એવું તેમાં નીહીત છે.
ગુજરાતી અખબારો શાણાં છે. એ આવા બધામાં પડતાં નથી, પડે તો અઠવાડિયામાં એક પૂર્તિ કદાચ ભૂલોની જ કાઢવી પડે. એનું નામ શું રાખી શકાય? એ માટેનાં ક્રીએટીવ સૂચનો આવકાર્ય છે. એવાં સારાં નામની સંખ્યા ૧૦થી વધારે થશે, તો તેને અલગ પોસ્ટ તરીકે મુકવામાં આવશે.

Tuesday, December 16, 2008

એક તરફ ભારત-પાકિસ્તાન, બીજી તરફ ઇન્ડોનેશિયા : ત્રાસવાદના મુકાબલાની સરખામણી

‘મુસ્લિમોની સૌથી વઘુ વસ્તી ધરાવતો દેશ કયો?’ એવા સવાલના જવાબમાં પાકિસ્તાન કે અખાતી દેશોનાં નામ જીભે ચડે, પરંતુ સાચો જવાબ છેઃ ઇન્ડોનેશિયા. આશરે ૧૭ હજાર ટાપુઓના સમુહથી બનેલા અને ત્રણ ટાઇમઝોન લાગુ પડે એવો પ્રચંડ વિસ્તાર ધરાવતા આ દેશમાં મુસ્લિમોનું પ્રમાણ ૮૮ થી ૯૦ ટકા જેટલું છે. સંખ્યાઃ આશરે ૨૦ કરોડ. (ભારતમાં અંદાજે ૧૫ કરોડ અને પાકિસ્તાનમાં ૧૬ કરોડ મુસ્લિમો છે.)

વિશ્વની સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવતા આ દેશની બે-ત્રણ લાક્ષણિકતાઓ નોંધપાત્ર અને ઓછી જાણીતી છે. સૌથી પહેલી ખાસિયત એ કે મુસ્લિમોની ૮૮ ટકા વસ્તી હોવા છતાં આ દેશ પાકિસ્તાનની માફક ‘મુસ્લિમ રાષ્ટ્ર’ નથી. તેના બંધારણમાં મુસ્લિમો ઉપરાંત હિંદુઓ, ખ્રિસ્તીઓ અને બૌદ્ધોને પણ સમાન અધિકારો આપવામાં આવ્યા છે. બીજી ખૂબીઃ આ દેશમાં લોકશાહી છે. મુસ્લિમ બહુમતિ ધરાવતા દેશોમાં અમેરિકા-ઇઝરાઇલ માટે ધિક્કાર ધરાવતાં આતંકવાદી જૂથોનો પગદંડો મજબૂત બની રહ્યો છે, ત્યારે મુસ્લિમોની સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ લોકશાહી હોય, તે બાકીના જગત માટે સમાચાર છે. ત્રીજી લાક્ષણિકતાઃ મુસ્લિમોની પ્રચંડ બહુમતિ હોવા છતાં, આ દેશમાં ઇસ્લામનું કટ્ટરતાવાદી અર્થઘટન કરીને આતંક મચાવનારાં મુસ્લિમ જૂથો છે, જેમાંનું એક અલ કાઇદા સાથે સંબંધ ધરાવે છે.

અમેરિકા અને ભારત પછી વિશ્વની ત્રીજા નંબરની લોકશાહી ગણાતો ઇન્ડોનેશિયા મુસ્લિમ બહુમતિ ધરાવતા પાકિસ્તાન સહિતના ઘણા દેશો માટે કેટલીક બાબતોમાં દીવાદાંડીરૂપ બની શકે છે, તો ભારત માટે ઇન્ડોનેશિયાએ ત્રાસવાદનો મુકાબલો કરવા લીધેલાં પગલાં રસનો વિષય બની શકે છે.

બાલી બોમ્બવિસ્ફોટઃ કઠણાઇ અને કડકાઇ
ત્રાસવાદના નકશા પર ઇન્ડોનેશિયાનો ધમાકેદાર પ્રવેશ ઓક્ટોબર, ૨૦૦૨ના બાલી બોમ્બવિસ્ફોટથી થયો. ભારે જાનહાનિ ધરાવતા અત્યાર સુધીના સૌથી મોટા ત્રાસવાદી હુમલાઓમાં બાલી વિસ્ફોટોનો સમાવેશ થાય છે, જેમાં રેસ્ટોરાં ને નાઇટક્લબોમાં મોજમજા કરવા આવેલા ૨૦૦થી પણ વઘુ પ્રવાસીઓ માર્યા ગયા. તેનાથી એક વર્ષ પહેલાં હતપ્રભ કરી નાખતા હુમલાનો ભોગ બની ચૂકેલું અમેરિકા ખળભળી ઉઠ્યું. વિશ્વમાં સૌથી વઘુ મુસ્લિમ વસ્તી ધરાવતો લોકશાહી દેશ ત્રાસવાદથી ખદબદવા માંડે તો જતે દહાડે તેનો રેલો અમેરિકાને દઝાડ્યા વિના ન રહે. બાલી હિંદુ બહુમતિ ધરાવતો વિસ્તાર હોવા છતાં, વિસ્ફોટો મુખ્યત્વે વિદેશી (પશ્ચિમી) પ્રવાસીઓને નિશાન બનાવવા માટે કરવામાં આવ્યા હતા, એ સ્પષ્ટ હતું.

ત્રાસવાદ સામે ઇન્ડોનેશિયાને સજ્જ કરવા તથા તેના મુખ્ય ત્રાસવાદી સંગઠન ‘જીમા ઇસ્લામિયા’ની પાંખો કાપવા માટે અમેરિકાએ પહેલ કરી. સૈન્યનો ઉપયોગ કરવાને બદલે ઇન્ડોનેશિયાના પોલીસદળમાંથી જ અલગ ત્રાસવાદવિરોધી ટુકડી બનાવવામાં આવી. તેને અમેરિકાએ તાલીમ અને આઘુનિક શસ્ત્રો પૂરાં પાડ્યાં. લડાઇ ઉપરાંત જાસૂસી અને ગુનાશોધન જેવા કસબ પણ શીખવ્યા. બાલી વિસ્ફોટોના બીજા વર્ષે ‘ડીટેચમેન્ટ ૮૮’ (અથવા ‘ડેલ્ટા ૮૮’) તરીકે ઓળખાતી ત્રાસવાદવિરોધી ટુકડી તૈયાર હતી.

હોલિવુડની ફિલ્મના ટાઇટલ જેવા આ ટુકડીના નામના ત્રણેક અર્થ કરવામાં આવે છે. બાલી વિસ્ફોટોમાં સૌથી વઘુ - ઓસ્ટ્રેલિયાના ૮૮ નાગરિકોનાં મૃત્યુ થયાં હતાં, તે પહેલો અર્થ. અંગ્રેજીમાં ‘૮’ના આંકડાનો કદી છેડો આવતો નથી. એટલે કામગીરીની અનંતતા આઠના આંકડા દ્વારા સૂચવાતી હતી. ઉપરાંત અંગ્રેજી આઠનો હાથકડી જેવો આકાર પણ ઘ્યાને લેવાયો હતો.

‘ડીટેચમેન્ટ ૮૮’ માટે કામની કમી ન હતી. પાકિસ્તાનની મેરિયટ હોટેલમાં આ વર્ષે થયો, એવો આત્મઘાતી હુમલો ઇન્ડોનેશિયાના પાટનગર જાકાર્તાની મેરિયટ હોટેલ પર ૨૦૦૩માં થયો હતો. ૨૦૦૪માં ઓસ્ટ્રેલિયાની એલચી કચેરીની બહાર કારબોમ્બથી હુમલો થયો અને ૨૦૦૫માં ફરી બાલીનાં બે રેસ્ટોરાંમાં વિસ્ફોટ. આ હુમલા ઇન્ડોનેશિયા-અમેરિકાના સહિયારા પ્રયાસો જેવા ‘ડીટેચમેન્ટ ૮૮’ માટે ખુલ્લા પડકાર હતા, પણ એ ટુકડી હાથ જોડીને બેઠી ન હતી. તેણે ૩૦૦થી પણ વધારે ત્રાસવાદીઓની ધરપકડ કરી. બે મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદીઓમાંથી એક- અઝહરી બિન હુસૈન ‘ડીટેચમેન્ટ ૮૮’ સાથે સામસામા ગોળીબારમાં ઠાર થયો, બાલી બોમ્બિંગના ચાર સૂત્રધારો સહિત ‘જીમા ઇસ્લામીયા’ના ૩૦૦થી પણ વઘુ સભ્યોને જેલભેગા કરવામાં આવ્યા.

લશ્કરનો મજબૂત ટેકો ગુમાવી બેઠેલા ઇન્ડોનેશિયાના પ્રમુખ સુહાર્તોએ વિવિધ ઉદ્દામવાદી મુસ્લિમ સંગઠનોને આર્થિક અને રાજકીય રીતે પોષ્યાં. ૨૦૦૪ની ચૂંટણીમાં યુધોનોયો ઇન્ડોનેશિયાના પ્રમુખ બન્યા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઇસ્લામના નામે ચાલતો ત્રાસવાદ ફક્ત પાશ્ચાત્ય દેશો માટે નહીં, ઇન્ડોનેશિયા માટે પણ ખતરારૂપ છે. તેમણે અમેરિકાવિરોધી લાગણીમાં ઘી હોમવાને બદલે ત્રાસવાદી હુમલામાં મૃત્યુ પામતા ઇન્ડોનેશિયાના લોકોની વાત કરી.

એનો અર્થ એવો નથી કે યુધોનોયો દૂધે ધોયેલા છે. સત્તા ટકાવી રાખવા માટે તેમને ઉદ્દામવાદી મુસ્લિમ સંગઠનો સાથે સારા સંબંધ રાખવા પડે છે. હજરત મહંમદને છેલ્લા પેગંબર ન ગણતા અને આશરે ૨ લાખ અનુયાયીઓ ધરાવતા અહમદીયા મુસ્લિમ સંપ્રદાયને યુધોનોયોએ ઉગ્રવાદી મુસ્લિમોના ભારે દબાણ પછી ઇન્ડોનેશિયામાં પ્રતિબંધિત કરવો પડ્યો છે. (પાકિસ્તાનમાં તેની પર પહેલેથી પ્રતિબંધ છે.) આ પગલાની ટીકા પણ મોટા પાયે થઇ છે.

ત્રાસવાદનો સત્તાવાર ઢબે સ્વીકાર અને તેના વિરોધની કલ્પના પાકિસ્તાનના સંદર્ભે થઇ શકે? પાકિસ્તાની શાસકો અલ કાઇદા સહિત ત્રાસવાદી જૂથોના પ્રભાવનો સ્વીકાર કરતા ન હોય, ત્યાં એની સામે લડવા માટે ‘ડીટેચમેન્ટ ૮૮’ બનાવવાનો કે ત્રાસવાદી સંગઠનોના ૩૦૦-૪૦૦ સભ્યોને જેલમાં પૂરવાનો સવાલ રહેતો નથી. પાકિસ્તાન એવો ભ્રમ સેવે છે કે ત્રાસવાદથી એ ભારતને ખોખલું કરી નાખશે. હકીકતમાં ભારત પરનો દરેક ત્રાસવાદી હુમલો પાકિસ્તાનની વઘુ ને વઘુ પનોતી નોતરશે. મુંબઇ પરના હુમલાથી શરૂઆત થઇ ચૂકી છે. પાકિસ્તાન મને કે કમને ઇન્ડોનેશિયાના રસ્તે ન ચાલે, તો ભવિષ્યમાં ત્રાસવાદીઓ કે ભારત કરતાં પહેલાં, અમેરિકા અને યુરોપના દેશોના હાથે પાકિસ્તાન પાયમાલ થઇ જશે.

ત્રાસવાદનો મુકાબલો
કટ્ટરતાની વિચારસરણીને વરેલા ત્રાસવાદીઓ સાથે કેવી રીતે કામ પાડવું એ ત્રાસવાદની સમસ્યા ધરાવતા સૌ દેશો માટે મૂંઝવનારો સવાલ છે. અમેરિકાએ ત્રાસવાદનો જવાબ ત્રાસવાદથી આપીને સરવાળે ત્રાસવાદને વૈશ્વિક સ્તરે ઉત્તેજન આપ્યું છે. ભારત જેવી ઢીલીઢસ નીતિ ત્રાસવાદ સામે ન ચાલે, એ પણ હકીકત છે. આ બાબતમાં પણ ઇન્ડોનેશિયાનું વલણ વિશિષ્ટ છે. તે ‘ચૌદમા રતન’ (અત્યાચાર)નો પ્રયોગ કરવાને બદલે સમજાવટ અને કાનૂની કાર્યવાહી જેવાં બાકીનાં રતનનો ઉપયોગ કરે છે. ફક્ત શંકાના આધારે ધરપકડ કરીને શકમંદો પર અત્યાચાર ગુજારવાનો અને પછી તેમને નિર્દોષ છોડી મુકવાનો ભારતીય કે અમેરિકન તરીકો ઇન્ડોનેશિયાએ અપનાવ્યો નથી. સાથોસાથ, ત્રાસવાદના કેસ ઝડપથી ચાલે એ માટેની અદાલતી વ્યવસ્થા ત્યાં છે. તેમાં એક વાર અપરાધ પુરવાર થઇ જાય, પછી દયા-માયાને કે માનવીય ચર્ચાને કોઇ સ્થાન નથી.

બાલી બોમ્બવિસ્ફોટ કેસના ચાર આરોપીઓ સામે ગુનો સાબીત થતાં, તેમાંથી ત્રણને આ વર્ષના નવેમ્બર મહિનામાં ફાયરિંગ સ્ક્વોડ સામે ઊભા રાખીને ગોળીએ દેવામાં આવ્યા. સજાની પદ્ધતિમાં ફેરફાર કરવાની આરોપીઓની વિનંતીને પણ ફગાવી દેવામાં આવી. ૮૮ ટકા મુસ્લિમ વસ્તી અને ઉદ્દામવાદનું વધતું જોર ધરાવતા દેશમાં ઇસ્લામના નામે ત્રાસવાદ ફેલાવતા ૩ મુસ્લિમોને ફાયરિંગ સ્ક્વોડ સામે ઊભા રાખી દેવાનું લાગે છે એટલું સહેલું નથી. છતાં, ઇન્ડોનેશિયામાં તે શક્ય બન્યું. તેનું એક સંભવિત કારણ એ ગણાય કે તેનું ‘રેડીકલાઇઝેશન’ (ઉદ્દામીકરણ) થઇ રહ્યું હોવા છતાં, હજુ તે ‘મુસ્લિમ દેશ’ બન્યો નથી.

ચારમાંથી ત્રણ આરોપીને કેમ મૃત્યુદંડ અને એકને કેમ જન્મટીપની સજા? એના જવાબ માટે ઇન્ડોનેશિયાની બીજી, અમેરિકા-ભારત જેવા દેશોને વિરોધાભાસી લાગે એવી, લાક્ષણિકતા જાણવી પડેઃ ત્રાસવાદીઓ સામે તે યુદ્ધના ઝનૂનથી નહીં, પણ ‘સોફ્ટ’ રીતે - નરમાશથી વર્તવામાં માને છે. ‘જીમા ઇસ્લામીયા’ના પકડાયેલા તમામ સભ્યોને ઉદારમતવાદી મુસ્લિમ મૌલવીઓ ધર્મોપદેશ આપે છે, તેમને ઇસ્લામનો સાચો મર્મ સમજાવે છે અને આતંકના રસ્તેથી પાછા વળવા જણાવે છે. આ રીતે ત્રાસવાદ તજીને સરકારની સહાય કરવા તૈયાર થયેલા લોકોને જેલમાંથી તત્કાળ મુક્તિ મળી જતી નથી, પણ તેમના પરિવારની સારસંભાળ અને તેમનાં બાળકોના શિક્ષણની જવાબદારી સરકાર ઉપાડે છે. અત્યાર સુધી આવી રીતે ત્રાસવાદના માર્ગેથી પાછા વળનારાની સંખ્યા બહુ મોટી નથી. છતાં, દસ-વીસ જણને આ રસ્તેથી પાછા વાળી શકાય, તેમાં સરકારને ‘સોફ્ટ’ વર્તન વસૂલ લાગે છે.

રીઢા ત્રાસવાદીઓ મરણ પછી પણ ત્રાસવાદનો સંદેશ આપવાનું ચૂકતા નથી, તે ફાયરિંગ સ્ક્વોડની સજા પામેલા એક ત્રાસવાદીના વસિયતનામા પરથી સ્પષ્ટ થયું છે. ઇમામ સમુદ્ર નામના એ ત્રાસવાદીએ વસિયતમાં મુસ્લિમોને ઉદ્દેશીને કહ્યું છે કે ‘તમારાં બાળકોને ત્રાસવાદી બનાવજો.’ બીજી તરફ, બાલી બોમ્બવિસ્ફોટ કરનારા ચારમાંથી એક ગુનેગાર અને ફાયરિંગ સ્ક્વોડની સજા પામનાર અમરોઝીના ભાઇ અલી ઇમરોને પશ્ચાતાપ વ્યક્ત કરતાં તેને મૃત્યુદંડમાંથી માફી આપીને આજીવન કારાવાસની સજા કરવામાં આવી છે.

ઇન્ડોનેશિયાની ત્રાસવાદ સામેની લડાઇ વધતા ઉદ્દામવાદને કારણે કઠણ થતી જાય છે. છતાં, ૨૦૦૫ પછી ત્યાં ત્રાસવાદની એક પણ ઘટના બની નથી, એ હકીકત છે. ૯/૧૧ પછી એક પણ હુમલો ન થયાની વાત કરતા પરંતુ છાશવારે ત્રાસવાદી હુમલાની એલર્ટ વચ્ચે ભયગ્રસ્ત જીવન જીવતા અમેરિકા કરતાં ઇન્ડોનેશિયાની સિદ્ધિ વધારે મોટી ન ગણાય?